14th Feb jigar bundela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

14th Feb

Crossword માં એક નવી લેખિકા ખુશ્બુની બુક રિલીઝ થવાની હતી. પુસ્તકોનો જમાનો નેટ પર online books મળતી હોવાને કારણે ઓસરી ગયો હતો. ગણ્યાગાંઠ્યા આઠ દસ જણ આવ્યા હતા. જેમાના થોડા તો crossword માં કોઈ બુક લેવા આવ્યા હતા, અને થયું કે ચાલો નવી બુક રિલીઝ થાય છે તો મફતનો ચા-નાસ્તો પણ કરતા જઈએ- એમ માનીને  બેઠા હતા. ખુશ્બૂને કેટલાક વાચકોએ એમની બુકમાની કોઈ વાર્તા સંભળાવવા કહ્યું. ખુશ્બૂએ વાચકોની લાગણીને માન આપીને વાર્તા શરૂ કરી.

વાર્તાનું શીર્ષક છે 14th Feb.

મહેંક આજે લડવાના મૂડમાં હતી, એ ગુસ્સામાં જીતના ઘરે આવી. જીત...... જીત.......ક્યાં છે તું? આજે તારે મારા બધા સવાલોના જવાબ આપવા જ પડશે. રોજ હું તને સવાલ પૂછું છું અને તું મારા બધા સવાલોને ઉડાવી દે છે. તને હશે કે મહેંક તો મરવા પડી છે ક્યાંથી અહીં આવવાની? સીધી ઉપર જ જવાનીને. પણ ના હું તારી પાસે મારા સવાલોના જવાબ મેળવવા જ યમરાજને ટાઈમ પ્લીઝ કહીને પાછી આવી છું.

મહેકને કેન્સર ડિટેક્ટ થયું હતું. એ દીવસ હતો 8th Feb. પ્રપોઝ ડે. કુદરતે  કે ઈશ્વરે એને  એડવાન્સમાં વેલેન્ટાઇનની બહુ જ મોટી ગિફ્ટ આપી હતી. જીત અને મહેક બંને જણા સમાચાર સાંભળી ભાંગી પડ્યા હતા. જાણે એમના સપનાઓનો ઈશ્વરે ક્રૂરતાથી ગર્ભપાત કરી નાખ્યો હતો. જો કે બન્નેનાં સપના અલગ અલગ હતાં કારણકે બન્ને ખૂબ સારાં મિત્રો હતાં લવર્સ નહીં. પરંતુ જીત આજે એમની દોસ્તીને પ્રેમ રૂપી ગિફ્ટ આપવાનો હતો. એ આજે મહેંકને પ્રપોઝ કરવાનો હતો. "પ્રપોઝ ડે" એના માટે "હોરીબલ ડે" બની ગ્યો હતો. મહેંક એનાં એવરેસ્ટ એકસ્પિડિશનની શરૂઆત કરવાની હતી. એવરેસ્ટ સર કરવાની ઇચ્છા ધરાવનાર મહેંકનાં જીવન માં ઍવેલાંચ આવી ગ્યો હતો. જેણે એનાં સપનાઓને વાસ્તવિકતાના બરફની નીચે ધરબી દીધાં.

મહેક ભાંગી પડી હતી. કેન્સર એટલે કેન્સલ એમ માની કેન્સર એને કેન્સલ કરે, એ પહેલા એ મનથી જ પોતાની જાતને જિંદગીના કેન્સલેશન તરફ ધકેલી રહી હતી. જીત અને ડૉક્ટર એને સમજાવતા કે કેન્સર એટલે કેન્સલ એ વાત બહુ જૂની થઈ ગઈ છે. હવે કેન્સરની ટ્રીટમેન્ટ કરીને કેન્સરને શરીરમાંથી કેન્સલ કરી શકાય છે. હજુ તો તને પહેલા સ્ટેજનું કેન્સર છે જે કયોરેબલ છે, પણ મનથી જે તૂટી જાય તેને ઈશ્વર પણ બચાવી નથી શકતા. એવરેસ્ટને મ્હાત કરવાનાં સપના જોનાર મનથી મ્હાત થઈ ગઇ હતી. મહેંક મનથી તૂટી ગઈ હતી ને જીંદગીના અંત તરફ ઝડપથી મક્કમ પગલે આગળ વધી રહી હતી.

પરંતુ જીત હિંમત હાર્યો ન્હોતો. એણે તો મહેંકની મહેંકથી એની જીંદગી સુવાસિત કરવાનાં સપનાં જોયાં હતાં. એણે હથિયાર હેઠા નહોતા મૂક્યાં પણ વધું ધારદાર કર્યા હતાં. જીત એને માટે રોજ પોઝિટિવ મેસેજ મોકલતો અને એની કેર કરતો. મહેંક માત્ર ને માત્ર જીતની જ વાત સાંભળતી. તમને થશે કેમ મહેંકનું કોઈ ન હતું? હા મહેંક નું કોઈ ન હતું. 2001મા આવેલાં ભૂકંપમાં એનું આખું ફેમિલી મૃત્યું પામ્યું હતું અને એ એકલી બચી ગઇ હતી કારણ કે એ ઉત્તરાખંડમા ટ્રેકિંગમાં ગઇ હતી. જીતના મેસેજની, એની વાતોની, એની કેરની એવી અસર થઈ કે એ ધીરે ધીરે સારી થવા લાગી.
ડોક્ટરને પણ નવાઇ લાગી કે દવામાં દમ હતો કે પછી જીતના મેસેજના ડોઝમાં વધુ દમ હતો - જે પણ હતું એ સારું હતું.

એક દિવસ જીત આવ્યો અને મહેંકને કહ્યું કે એને બે દિવસ માટે કંપનીના કામે દિલ્હી જવાનું છે બે દિવસમાં એ પાછો આવી જશે. મહેંકે એની પાસે પ્રોમિસ લીધું કે એ રોજ કોલ કરશે, જીતે પણ વચન આપ્યું કે એ ચોક્કસ કોલ કરશે અને જો કોલ નહીં કરી શકે તો એ મેસેજ તો ચોક્કસ કરશે જ. મહેંકે કહ્યું કે દિવસના ત્રણ ડોઝ દવાના લેવાના હોય છે તેમ તું મને દિવસના ત્રણ મેસેજ તો કરીશ જ એ મારા માટે દવાના ડોઝથી કમ નથી અને જીતે પણ વચન આપ્યું અને જીત દિલ્હી ગયો અને આજે ત્રણ મહિના પછી મહેક જીતના ઘરે આવી હતી લડવા માટે કારણ કે જીત દિલ્હી ગયો એ ગયો પછી પાછો જ ન આવ્યો. એના મેસેજ મહેંકને રેગ્યુલર આવતા ત્રણ ટાઈમ દવાના ડોઝની જેમ અને મેસેજમાં જીત કહેતો કે એને કામ છે એટલે એ નહિ આવી શકે. બે દિવસની એની દિલ્હીની ટ્રીપ પંદર દિવસ લંબાઈ ગઈ  અને પછી પંદર દિવસ એની પાસે ટાઈમ નથી, કામ ઘણું રહે છે એવા બહાના કરી એ આવ્યો નહીં એમ કરતાં કરતાં ત્રણ મહીના વીતી ગયા ડોક્ટરે આજે એને રજા આપી અને મહેંક જીત એનાં સુધી પહોચે એ પહેલાં સીધી જ જીતના ઘરે પહોંચી ગઇ હતી.

જીત.....જીત..... એણે બુમો પાડી. ત્યાં જીતના પપ્પા આવ્યાં.જીત ક્યાં છે અંકલ? જીતના પપ્પાએ જીતના રૂમ તરફ ઇશારો કર્યો. મહેંક ગુસ્સામાં એનાં રૂમ તરફ ગઈ અને દરવાજો જોરથી ધક્કો મારીને ખોલ્યો, સામે જે દૃશ્ય હતું એ જોઇને એ સ્તબ્ધ થઈ ગઈ, કાંઇ બોલી શકી નહીં એણે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે એને આ દૃશ્ય જોવું પડશે. તે અવાક થઇ ગઇ એના મોઢામાં શબ્દો જાણે અટકી ગયા સામે નું દ્રશ્ય જોઈ, એને ડૂમો ભરાઈ ગયો, એ ફસડાઇ પડી. જીતના પપ્પાએ એને સંભાળી, સાંત્વના આપી.

મહેકે જોયું હતું -  જીતનો....... જીતનો સુખડના હાર સાથે ફોટો. હા સામે રૂમમાં જીતનો ફોટો હતો, સુખડના હાર સાથે અને નીચે લખ્યું હતું- સ્વર્ગસ્થ જીત સ્વર્ગવાસ તારીખ 14 ફેબ્રુઆરી તો પછી મહેકને મેસેજ કોણ કરતું હતું? મહેકે કહ્યું પણ આ કેવી રીતે શક્ય છે? તે મને રોજ મેસેજ કરતો હતો. એના અવાજમાં રેકોર્ડ કરેલાં મેસેજ મોકલતો હતો.

જીતના પપ્પાએ કહ્યું  જીતને સ્વાઇન ફ્લુ થઈ ગ્યો હતો. જીત જ્યારે છેલ્લા શ્વાસ લેતો હતો ત્યારે એણે મને કહ્યું હતું કે "પપ્પા મારા શ્વાસ ભલે બંધ થઈ જાય પણ આ મોબાઇલના શ્વાસ ચાલુ રાખજો , 24કલાક એને ચાર્જરમાં ભરાવી રાખજો જો મોબાઇલના શ્વાસ-બેટરી ખૂટી જશે તો કોઈના જીવનના શ્વાસ - જીવનની બેટરી પણ પૂરી થઈ જશે." ક્યાં છે મોબાઇલ મહેંકે પુછ્યું. પપ્પા એ ફોટાની બાજુમાં પડેલા મોબાઇલ તરફ ઈશારો કર્યો . મહેંકે મોબાઈલ લીધો ને જોયું તો જીતે મહેંકના નામે એનાં મોબાઇલ નઁબર પર છ મહિના સુધીના મેસેજ ટાઈપ અને રેકોર્ડ કરીને, ડિલિવરી ટાઈમિંગ આપીને મુક્યા હતા. જે રોજ મહેંકને ડિલિવર થતાં સવાર બપોર સાંજ દવાના ડોઝની જેમ. મહેંકે એના રૂમમાં નજર કરી તો એક કબાટ દેખાયું. મહેંકે પૂછ્યું, અંકલ આ કબાટમાં શું છે? જીતના પપ્પાએ કહ્યું, ખબર નથી બેટા એ ક્યારેય કોઈને આ કબાટ ખોલવા નહોતો દેતો. એની ચાવી મહેંકે પૂછ્યું. પપ્પાએ કહ્યું, એ તો એને ખબર.મહેંકે કહ્યું, શું હું તાળું તોડી શકું? જીતના પપ્પાએ કહ્યું જ્યારે એ જ નથી રહ્યો ત્યારે એના રહસ્યને રાખીને શું કરીશું? મહેંકે તાળું તોડી નાખ્યું. એમાં હતી જીતે મહેક માટે લાવેલી ગિફ્ટ્સ. જે એણે ક્યારેય મહેંકને આપી નહોતી.

કબાટ ખૂલતાં જ યાદોના તાળા પણ ખુલી ગયાં........

દર વર્ષે મહેક એના બર્થ ડે ના દિવસે કહેતી મારી બર્થ ડે ગિફ્ટ? અને જીત ફક્ત સ્માઈલ આપતો ને કે'તો આપીશ બજેટ નથી.  જીત મહેંકને પ્રેમ કરતો હતો પણ એ મહેંકની દોસ્તી ખોવાના ડરથી કહી નહોતો શકયો ક્યારેય અને હવે કદી કહી પણ નહીં શકે. મહેંક એ બધી ગિફ્ટ જોઈ ને, ચીટર...... યુ ચીટર ........કહીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. જીત જીવ હારીને પ્રેમની બાજી જીતી ગયો હતો. મહેંકે એની જિંદગી જીતના નામે કરી દીધી.

એક જણે સવાલ કર્યો કે, શું આ તમારી પોતાની વાત છે? મહેંક એટલે તમે પોતે તો નહીં? શું આ વાત સાચી છે ? ખુશ્બુ ફક્ત હસી ને કહ્યું માનો તો સાચી ના માનો તો ખોટી. પણ આજે 14th Feb છે અને આ જ વાર્તા કરવાનું મન થયું. બધા ધીરે-ધીરે ચા-નાસ્તો કરી વિખેરાઈ ગયા.

ખુશ્બુ ઘરે એના રૂમ માં આવી અને એણે જીતે એનાં માટે રેકોર્ડ કરેલો ઓડિયો ચાલુ કર્યો- જીતનો અવાજ આવ્યો, 

"વિદેશી ગુલાબ લાગે સુંદર પણ એમાંથી ખુશ્બુ નથી આવતી.કરમાઈ ગયા પછી એ ડસ્ટબિનમાં જાય છે, દેશી ગુલાબમાં સુંદરતા ઓછી છે પણ એ જયાં પડયું હોય તેં આખી જગ્યાને સુવાસિત કરી દે છે... સુકાઈ ગયા પછી પણ એની મહેંક તમને મહેંકાવી દે છે... તારે નક્કી કરવાનું છે કે તું ડસ્ટબિનમાં જવા માંગે છે કે ડાયરીના પાનાં માં." 

મહેંકે એક બોક્સમાં મૂકેલી નવી પેન હાથમાં લીધી જે જીત એના માટે લાવ્યો હતો. અને નવી વાર્તા લખવાનું શરુ કર્યું......

ખુશ્બુ એ મહેંકનો પર્યાય છે ખુશ્બુ ને લોકો મહેંક પણ કહે છે......

" વિદેશી ગુલાબ લાગે સુંદર પણ એમાંથી ખુશ્બુ નથી આવતી.કરમાઈ ગયા પછી એ ડસ્ટબિનમાં જાય છે, દેશી ગુલાબમાં સુંદરતા ઓછી છે પણ એ જયાં પડયું હોય તેં આખી જગ્યાને સુવાસિત કરી દે છે... સુકાઈ ગયા પછી પણ એની મહેંક તમને મહેંકાવી દે છે... તારે નક્કી કરવાનું છે કે તું ડસ્ટબિનમાં જવા માંગે છે કે ડાયરીના પાનાંમાં."

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO : 032928