Fragrance of Dust books and stories free download online pdf in Gujarati

સડકની સુવાસ

એસ.જી હાઈવે પકવાન ચાર રસ્તાથી ઇસ્કૉન બ્રિજ સુધીના રસ્તા પર યંગસ્ટર્સ જાત જાતના ડિઓડરન્ટ લગાવી, પોતાની ગઁઘને છુપાવી, જેને જ્યાં જગ્યા મળી ત્યાં વિહીકલ પર, ફૂટપાથ પર બેસીને ટોળ ટપ્પા કરતા હતા.

કેટલાક ઈન્ટેલેક્ચ્યુઅલ્સ facebook પર કેટલી likes મળી, આજે શાહરૂખ અને સલમાને શું ટ્વિટ કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર આલિયાએ-કેટરિનાએ કયો ફોટો અપલોડ કર્યો, સિરિયલમાં ઈશિતા, ઝોયા ઝારા, નૈના ,નાગીન એ શું પહેર્યું હતું અને એમનું હવે શું થશે? એવી ફૂલિશ વાતોમાં મસ્ત હતા, તો કેટલાક પોતાના મોબાઈલમાં ગેમ રમતાં હતા, તો કેટલાક લોકો ટોળે વળીને એકબીજા સાથે વાત કરવાના બદલે ludo રમી રહ્યા હતા.

ત્યાંજ ઈસ્કોન બાજુથી એક બાઇક અને પકવાન બાજુથી એક સ્કુટી આવ્યું, બંન્ને એ સામસામે આવીને એવી શોટ બ્રેક મારી કે એના અવાજથી લોકોનું ધ્યાન એમનાં તરફ ગયું, લોકોને થયું કે હમણાં ઝઘડો થશે અને મજા પડશે, પણ એવું કાંઈ થયું નહીં. એ બંને જણાએ એક સાથે, એક જ જગ્યાએ પોતાના વિહીકલ પાર્ક કર્યા અને ફૂટપાથ પર આવીને બેસી ગયા.

એ હતાં ચેતન અને મિતેશ. બંને જણાને રોજની આદત હતી રોજ આ જ સમયે 9:00 વાગે બંને પોતાના ઘરેથી નીકળી અને અપના અડ્ડા ઉપર પોતાનો અડ્ડો જમાવતા અને દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ વાતોને એકબીજા સાથે શેર કરતા.

વાત કરતાં કરતાં મિતેશની નજર દૂર એક વ્યક્તિ પર પડી, તમને થશે કે મિતેશની નજર જેના પર પડી એ કોઈ સરસ મજાની સુંદર છોકરી હશે, પણ નહીં એ સફેદ વાળવાળા, દાઢીવાળા એક કાકા હતા. જે બધા પાસે અગરબત્તી લેવાની રિક્વેસ્ટ કરતા, પણ યંગસ્ટર્સને અગરબત્તી સાથે શું સંબંધ? એમને તો સિગરેટના ધુમાડા સાથે સબંધ.

કાકા રિક્વેસ્ટ કરતા કરતા મિતેશ અને ચેતન પાસે આવ્યા અને એમને રીક્વેસ્ટ કરી કે, " સાહેબ, પ્લીઝ થોડી અગરબત્તી લઇ લો ને, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, ઘરે પણ મારે જમવાનું લઈ જવાનું છે, મારી પત્ની મારા આવવાની રાહ જોતી હશે. "

દીકરા જેવા છોકરાને સાહેબ કહેતા દિલ કેટલું દુખતું હશે, એ વિચારે મિતેશે એમની પાસેથી અગરબત્તીનું એક બોકસ લીધુ. બોક્સ એટ્લે અગરબત્તીનું ઍક જ પેકેટ નહીં, પણ આંખે આખું દસ અગરબત્તીનું બોક્સ. જેથી એ કાકાને યોગ્ય પૈસા આપી શકે જમવા માટેના. કાકા એ પૈસા લીધા, અને ખુશ થતા થતા જાણે કેટલીયે દુઆ આપતા હોય એમ બીજા પાસે અગરબત્તી વેચવા ગયા. મિતેશ અને ચેતન હજી વાતનો દોર શરૂ કરે એ પહેલાં જ બૂમો સંભળાઇ.

ચોર....ચોર...,ચોર..... ચોર, પકડો...પકડો....ઘાઘરો ને પોલકુ પહેરેલી એક છોકરી હાથમાં કંઈક લઈને દોડતી-દોડતી ફૂટપાથ પરથી ઉતરીને રોડ પર ભાગવા જતી હતી, ત્યાં જ એણે પહેરેલા ચણિયામાં એનો પગ ફસાયો, જિંદગી જાણે એને કોઈક નવો પદાર્થ પાઠ શીખવાડતી હોય એમ ઠોકર વાગી અને એ રોડ ઉપર ઘસડાઇને પડી.

ઘસડાઈને પડવાથી એના બ્લાઉઝનો બાંયથી કટોરી સુધીનો ભાગ ફાટી ગયો. એ અઢાર વર્ષની જુવાન, ગામડાની ડાયેટ ના કરનારી છોકરી હતી. ગામડાની હતી એટલે સંકોચાઈ ગઈ. પણ ચોર-ચોરની બૂમો પાડતા એની પાછળ આવેલા બેન કે જેમણે શોર્ટ્સ અને ડીપ નેક ટીશર્ટ પહેરી હતી એ પોતાનું સૌંદર્ય બને એટલું બતાવવાની કોશિશ કરતા હતા જેથી તેમનો પક્ષ લેનારાઓની સંખ્યા ઘટી ન જાય.

લોકો એ છોકરીને ઘેરી વળ્યાં "ચોરી કરે છે? શરમ નથી આવતી? શું ચોર્યું બોલ? જુવાન છોકરી થઇને ચોરી કરતા શરમ નથી આવતી?" જાણે પોતે તો બહુ મોટા શાહુકારના દિકરા ના હોય.

છોકરી સિકુંડાઇ ગઈ હતી. ગામડાની હતી.કદાચ પહેલીવાર શહેરમાં આવી હશે.ખૂબ જ ડરી ગઈ હતી. ત્યાં જ કોઈએ કહ્યું "પોલીસને બોલાવીને સોંપી દો પોલીસને ". પોલીસનું નામ સાંભળીને ગભરાઈ ગયેલી છોકરી આજીજી કરવા લાગી "સાહેબ મેં કઈ નહી કર્યું સાહેબ, પોલીસને ના બોલાવો. આ બુન ખાવાનું ફેંકવા જતાં હતાં, હું ત્રણ દાડાથી ભુખી હતી એટલે એ કચરામાં ફેંકી દેતા તો અન્નનું અપમાન થતું, એટલે મીએ ઇમનું પડીકું લઇ લીધુ તો આ બુન રાડો પાડવા માંડ્યા "ચોર ચોર" અને હું બીકની મારી ભાગી.
'મુ ચોર નહીં' ".

"ફ્રૂટનાં જયૂસ પીનારાઓને રોટલાની ભૂખની શું ખબર પડે? "

પેલા બેન બોલ્યા "જૂઠું ના બોલ તું મારો મોબાઇલ ચોરવા આઈતી મોબાઇલ હાથમાં ના આવ્યો અને હાથમાં ડીશ આવી ગઈ એટલે પછી તું ભાગી". છોકરીએ કહ્યું બુન મોબાઈલ મારી ભુખ ના મટાડી હકે હું તો હાચે જ આ ખાવાનું પડીકું લેવા આઈતી."
કોકે કહ્યું " અરે આવા જુઠઠા તો બહુ જોયા પોલીસને બોલાવો અને પોલીસને સોંપી દો."

અને એ અઢાર વર્ષની છોકરી પોતાની જાતને સાચી સાબિત કરવા ઉઘાડી થઇ ગઇ, ઘણા બધાની નજર એના ફાટી ગયેલા બ્લાઉઝ પર ચોટી ગઈ છોકરી ૧૮ ની હતી અને પેલી બાઈ 35. એક પર જુવાનીનો રંગ ચઢી રહ્યો હતો, અને બીજી પરથી જુવાનીનો રંગ ઊતરી રહ્યો હતો.

કાકા બધું જોઈ રહ્યા હતા. છોકરી પાસે આવી કાકાએ પોતાનું શર્ટ ઉતારી એ છોકરીને આપીને કહ્યું " બેટા તને ભૂખ લાગી છે ને? ચાલ હું તને જમાડું. તારે આ એંઠવાડ ખાવાની જરૂર નથી. ભણેલા ગણેલા અભણ બેનને માનવતાનો પાઠ શીખતાં વાર લાગી. અને બીજાઓને હવે કાંઇ જોવા જેવું લાગ્યું નહીં, એટલે ફરી બધાં પોતપોતાની મસ્તીમાં મસ્ત ને વ્યસ્ત થઈ ગયાં.

કાકાએ જમવાનો ઓર્ડર આપ્યો. વેઈટરે કહ્યું " કાકા પૈસા તો છે ને? " કાકાએ કહ્યું " પૈસાની ચિંતા ના કર. તું ખાવાનું લઈને આવ તારુ બિલ ચુકવાય એટલા પૈસા તો છે." અને ત્યાંજ કાકાની અને મિતેશની નજર એક થઇ , મિતેશે ફક્ત એક સ્માઈલ કર્યું અને એ સ્માઈલમાં ઘણા બધા સવાલોના જવાબ અપાઈ ગયા જમાડતાં જમાડતાં કાકા એ છોકરી પાસેથી એના ગામ એનાં ઘર વિશે માહિતી મેળવી લીધી. જમી લીધું એટલે કાકાએ કહ્યું "ચાલ આજે મારા ઘરે કાલે હું તને તારા ગામ મૂકી આવીશ. ગામની સસલીને શહેરનાં કૂતરાં ફાડી નાંખશે."

કાકા અને છોકરીની પીઠને મિતેશ જોતો રહ્યો બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા કોઈને ખબર પણ ન પડી અને
ડિઓડરન્ટ ની સ્મેલ (અંગ્રેજી માં ગઁધ અને સુંગઁધ બન્ને માટે એક જ શબ્દ છે સ્મેલ) સામે અગરબત્તી ની સુવાસ મહેકી ઉઠી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED