ખડકલો Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખડકલો

તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૦૧, આજે ગોઝારા અને વિનાશકારી ભૂકંપને પાંચ દિવસ જેટલો સમય થયો હતો. મારા કાકાનાં પરિવારનાં ચાર સભ્યો તેમનાં જ મકાનમાં દબાયા હતાં અને તેમની શોધખોળ ચાલું જ હતી. મારી ઉંમર ત્યારે પંદર વર્ષની એટલે હું પણ સવારથી સાંજ ઘરનાં વડીલોની સાથે મારા ઘરેથી નીકળું અને મારા કાકાનું ઘર જે અમારાં ઘરથી થોડું દુર છે તે તરફ  જઈએ અને એમની શોધખોળ ચાલું કરીએ. એવામાં પણ આફ્ટર શોકસ તો આવતાં જ હોય છતાં પણ હિંમતપૂર્વક કામ કરીએ.

તેવામાં અચાનક મારા કાકાનાં ઘર તરફ જતાં રસ્તામાં વચ્ચે એક આખી ત્રણ માળની ધરાશાયી બિલ્ડીંગ જોઈ અને ત્યાં પંદર-વીસ માણસોને કાંઇક કામ કરતા જોયાં. નવી ટેક્નોલોજીથી સજ્જ અવનવાં સાધનો સાથે અમુક વિદેશીઓ પણ નજરે ચડ્યા.

"ધીરે-ધીરે આ આર.સી.સી.કોલમને તોડો. ધીરે હેમરને ચલાવો અને આ જેસીબી થોડું દુર રાખો. નીચે કોઇ પણ હોય શકે, કદાચ જીવિત પણ! માટે ધીરે-ધીરે..." ત્યાં ઉભેલ સુપરવાઈઝરએ કામ કરી રહેલ સ્ટાફને સુચના આપી.

આટલું જોઈને હું પણ ત્યાં જાણે અજાણ્યાં ભાવથી ઉભો રહ્યો. ઊંડે ઊંડે મને પણ આશા હતી કે ત્યાં કોઈ જીવિત મળી આવે.

"શીલા, તું જલ્દીથી વિધીને લઈને વચલી બજાર પાસે પહોંચી જા, અત્યારે અહીંયા વિધીનાં પપ્પાની જ શોધખોળ ચાલું છે. હું પણ અહીંયા જ છું. તમે જલ્દી પહોંચો" નટવરભાઈએ પોતાની પત્નીને ફોનમાં જણાવ્યું.

"અમે ત્યાં કેવી રીતે પહોંચીએ? મેં સાંભળ્યું છે કે રીક્ષાવાળા તે જગ્યાથી બહું દુર રીક્ષા ઊભી રાખશે. ત્યાં તો ખુબ જ કાટમાળ ફેલાયેલો છે, રસ્તા પણ ઓળખાતા નથી અને આફ્ટર શોકસ તો ચાલુ જ છે. મને તો ઠીક પણ વિધીને કાંઇક થઈ જાય તો? મારું મન નથી માનતું. તમે જ ત્યાં રહોને" શીલાબેને પતિ નટવરને વિનંતિ કરી.

"જો શીલા, વિધીએ જણાવ્યું હતું કે તેનાં પપ્પા ઉમેશભાઈ, ભૂકંપના સમયે ઘરેથી પાંચ જ મિનીટ પહેલાં નીકળ્યાં હતાં. તો પાંચ મિનીટમાં તે આ વચલી બજાર સુધી પહોંચી શક્યાં હોય તે અનુમાનનાં આધારે મેં સાહેબને વિનંતિ કરીને અહિંયા શોધખોળ શરું કરાવી છે. તમે જલ્દી આવો" નટવરભાઈ બોલ્યાં.

"ઠીક છે, સારું. હું અને વિધી હમણાં જ ત્યાં પહોંચી જઈએ છીએ" શીલાબેન બોલ્યાં.

ત્રણ માળની બિલ્ડીંગ જે રીતે ધરાશાયી થઈ હતી તે રીતે માનો આર.સી.સી.નાં કોલમ જ દેખાતાં હતાં બાકી દિવાલોનાં તો ટુકડે ટુકડા થઈ ગયા હતાં. ચારેય તરફ લોકોની ચીસો, લાશોનાં ઢગલા, જાણે કે કુદરતનો કહેર વરસ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કુદરતનું આ તાંડવ સ્વરુપ જોઈને તો કઠણમાં કઠણ માણસનું હ્ર્દય પણ દ્રવી ઊઠે.

થોડી વારમાં શીલાબેન અને વિધી ત્યાં મહા મહેનતે અને હાંફતા હાંફતા પહોંચ્યા.

"ફઈ, પપ્પા આની નીચે દબાયેલા હશે? શું એ જીવિત હશે? ફઈ, મારાથી નહીં જોઈ શકાય. પ્લીઝ, મને અહીંથી દૂર લઇ જાઓ" આજીજીનાં સ્વરમાં વિઘી બોલી.

"નટવર, જુઓને વિધીને પણ ગભરામણ જેવું લાગે છે. આમ પણ વિધીની તબિયત બરાબર નથી. અમે આ દ્રશ્ય નહીં જોઈ શકીએ. શું અમે ઘરે જઈએ?" શીલાબેને પુછ્યું.

એટલામાં તો અવાજ આવ્યો કે "સાહેબ, નીચે કાંઇક દેખાય છે. આ, આ બાજુનાં કોલમ નીચે. શું હું આગળ હેમરની મદદથી તોડફોડ શરું કરું?" શોધખોળ કરનાર ટીમનાં સભ્યએ તેનાં સુપરવાઈઝરને પુછ્યું.

"ઓકે, ઓકે. પણ સંભાળીને, આપણે જીવ બચાવવા માટે પૂરેપૂરી મહેનત કરવાની છે અને એ પણ પુરતી કાળજી સાથે" સુપરવાઈઝરે કહ્યું.

"ઓકે સર"

"જો વિધી બેટા, ધ્યાન રાખજે. અરે, તને લાગી જશે. બેટા, એવું જરુરી થોડું છે કે આજે સાઈકલ લીધી એટલે આજે જ શીખવી?"

"પપ્પા, હું જલ્દીથી સાયકલ ચલાવતા શીખી જઈશ, એટલે હવે તમારે મને સ્કુલ ટ્યુશન લેવા મુકવા નહીં આવવું પડે. આમ પણ મારી બધી બહેનપણીઓ પાસે સાઈકલ છે જ. હું આજે જ શીખી જઈશ.

વિધીને આટલી ઉત્સાહમાં આજે પહેલીવાર જોઈ ઉમેશભાઈ મનોમન હરખાતા વિચારી રહ્યા કે માં વગરની દિકરી પણ હવે ડાહી વાતો કરતા શીખી ગઈ. એટલામાં તો ધડામ દઈને અવાજ આવ્યો અને ઉમેશભાઈ એ તરફ દોડ્યા.

"જો બેટા, મેં તને કહ્યું હતું ને કે ધ્યાન રાખજે. ચાલ હું તને દવા લગાવી આપું."

"રિલેક્સ પપ્પા, સામાન્ય છોલાઈ ગયું છે. હું તો ચાલી..."કહીને વિધી ફરીથી સાઈકલ ચલાવવા લાગી.

એટલામાં તો કાટમાળનાં અને મશીનરીનાં ઘોંઘાટથી વિધીનાં ભૂતકાળનાં વિચારોમાં જાણે ભંગ પડ્યો.

મકાનોનો કાટમાળ જેમ-જેમ હટવા લાગ્યો... વિધીની આંખો કાંઇક શોધી રહી હતી અને ઘડીક પાછી મીંચાઈ જતી. હું એકીટશે આ બન્ને ઘટનાઓનો મૂકસાક્ષી બની ઉભો હતો. એટલામાં જોરથી બુમ સાંભળવામાં આવી.

"સાહેબ, અહીંયા કાંઇક કોંહ્વાયેલું લાગે છે, કદાચ કોઇ પુરુષની લાશ" શોધખોળ ટીમનાં એક સભ્યએ બુમ પાડીને સુપરવાઇઝરને કહ્યું.

"ઓકે, ધ્યાનથી બહાર કાઢવાની કોશિશ કરો" સુપરવાઈઝરે કહ્યું.

શોધખોળ ટીમ ધીરે-ધીરે કોંહ્વાયેલ લાશને બહાર કાઢી રહી હતી અને વિધી, નટવરભાઈ તથા શીલાબેન, સાથે સાથે મારા ચહેરા પર તેની ગંભીરતા દેખાઈ રહી હતી.

"ફઈ, આ પપ્પા તો ન જ હોઈ શકે. આ તો જુઓ...આનો ચહેરો તો ઓળખાતો જ નથી. અને હાં, પપ્પા આવાં કપડાં તો પહેરતાં જ ન્હોતા." એકદમ ધ્રુજતા શરીરે વિધી તેનાં ફઈને સમજાવવાની અને પોતાનાં મનને મનાવવાની કોશિશ કરી રહી હતી.

કોંહ્વાયેલ લાશને બહાર કાઢીને ખિસ્સું તપાસતાં એક આઈ.ડી.કાર્ડ મળ્યું.

"સાહેબ, આનું નામ ઉમેશભાઈ છે"

"પપ્પા....." આટલું જોરથી બોલીને વિધી બેભાન થઈ ઢળી પડી. તેનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. 

ઊંડો કારમો ઘાં, લાગણી અને અનેક યાદનો એક એવો "ખડકલો", જે વિધી ક્યારેય ભૂલી નહીં શકે.

ઉમેશભાઈની કોંહ્વાયેલ લાશને બીજી લાશો સાથે સમૂહમાં અગ્નિ સંસ્કાર આપવા માટે લઇ જવામાં આવી અને ત્યાં નટવરભાઈનાં હાથે ઉમેશભાઈને અગ્નિ સંસ્કાર અપાયો.

મને ઘણીવાર એવું લાગે છે કે કદાચ, આજની આ વાર્તા લખવા માટે જ હું તે સમયે એ ઘટના મૂક સાક્ષી બની જોઈ રહ્યો હતો. 

લાગણી અને કુદરત આગળ ખરેખર આપણે લાચાર જ રહીશું.

-સાગર બી.ઓઝા

આ વાર્તા પર આપનાં પ્રતિભાવો મને વોટ્સએપ કે ઈમેઈલ પર પણ મોકલી શકો છો.
વોટ્સએપ: 9429562982
ઈમેઈલ: ozasagar@gmail.com