છુટ્ટો સાણસીનો ઘા.
ભગીરથ સવારથી કોઈક અગમ્ય સંવેદનાઓમાં પીડાઈ રહ્યો હતો.એને સમજ નહોતી પડી રહી.. કઈ લાગણીઓ એને પીડી રહી છે.ક્યારનો આંખ મીંચી પડી રહ્યો હોવા છતાં એને નીંદર નથી આવી રહી. ધીમો ઠંડો પવન વાઈ રહ્યો છે છતાં પરસેવો થઈ રહ્યો છે.એનાં કપાળે પ્રસ્વેદ બિઁદુઓનુ તોરણ બંધાઈ રહ્યું છે.એણે પરસેવો લૂછવા કપાળે હાથ ફેરવ્યો અને આંખની સહેજ ઉપર રૂઝાયેલાં ઘાનો સ્પર્શ થયો.એજ સાથે એ ભૂતકાળનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયો.
“ એય ભગુ...હજી શું કરે છે? .ક્યારનો તોફાન કરે છે તને ક્યારની કહું છું સ્કૂલનું લેશન પૂરું કર પછી રમ..સ્કૂલનો સમય થઈ જશે. બસ આખો દિવસ રમવામાં જ ચિત્ત હોય છે. ભણ્શો નહીતો જીવનમાં શું ઉકાળશો.. ભણો ભણો કહી મારી જીભનાં કૂચા વળી ગયાં. આ તારાં મોટાં ભાઈઓ એ જો શું ઉકાળ્યું છે.. બેસી રહ્યાં છે રખડે છે હરાયા ઢોરની જેમ.આ ઉંમરે કોઈ ઠેકાણાં નથી . હું હજી વૈતરા કર્યાં કરું છું તમારા. કોઈને મારી દયા ય નથી આવતી. મારાં શરીરમાં રોગ પેસી ગયાં ...અને ....એ બોલતી અટકી જીભની જગ્યા આંસુઓ એ લીધી.. હું ચૂપચાપ લેશન કરવાં બેઠો. માં મને કાયમ ભગુ કહી બોલાવતી.
હજી યાદ છે મને સવાર સવારમાં એ ચોકમાં કપડાં મસળવા બેસતી સાબુ કપડાં પર ઘસતી જાય સૂચનાઓ આપતી જાય. ક્યારેક સારાં મૂડમાં હોય ગીત ગણગણતી હોય. એનું ગમતું ગીત વારે વારે ગણગણે .... નગરી નગરી દ્વારે દ્વારે ઢુન્ઢુ રે સાંવરિયા ...પિયા પિયા કહેકે મેંતો હો ગઈ બાવરીયા...માં એ આખી જીંદગી સુખની કલ્પના જ કરી સુખ ક્યારેય હાથ ના લાગ્યું..ભગીરથે નિસાસો નાખ્યો.
પાંચ પાંચ છોકરાઓ હતાં એમાંય મોટાં ત્રણતો પુખ્ત વયનાં..દરેક છોકરાઓ પાછળ કોઈ ન કોઈ આશા રાખેલી.. કુદરતનું કરવું નસીબ આડે પાંદડું ના ખસ્યું તે નાજ ખસ્યું. ભગીરથની આંખનાં ખુણા ભીનાં થઈ ગયાં.સૌથી મોટો ભણ્યો પણ ગણ્યો નહીં .પોતાનાં મિથ્યાભિમાનમાં કોઈ નોકરી સ્વીકારે નહીં બધામાં એને દોષ લાગતો.. સરપાવ ઓછો પડતો બેસી રહ્યો.. બીજો ખોટાં જ ધંધા કરતો..ના કોઈ કામ ના નોકરી રખડ્યા કરતો. ત્રીજો ભાઈબંધ દોસ્તારો સાથે રખડતો અને સમય બરબાદ કરતો. પિતાજી ભાડાની નજીવી આવકમાં ઘરનું પૂરું કરતાં. ઘરનું તંત્ર કેવી રીતે ચાલતું ખબરજ નહોતી પડતી. મારાથી બે વર્ષ મોટો એને ભણવામાં રસ જ નહીતો એ બસ બહાર રમ્યા કરતો સાઁજેજ ઘરે આવતો.છેલ્લો હું મારી માં પાસે બેસી એની વાત સાંભળતો...
માં મને કહે “ ભગુ હવે હું થાકી છું મારી બધી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. તું સારું ભણ નહીંતર જીવનમાં શું કરીશ?. ધનનો ઢગલો હોય એ પણ ધીમે ધીમે ખલાસ થઈ જાય છે.એને વાપરવા સાથે ઉમેરો કરવો પડે. મારાથી આવી દરિદ્રતા નથી જોવાતી. તું સારું ભણી તૈયાર થજે.. બસ તારામાં આશ બચી છે.’
હું એ ઉંમરમાં નાનો. માં ની વાત સાંભળ્યાં કરું. માં ને ઘરકામમાં મદદ કર્યાં કરું.શૈશવકાળમાં હું પણ ખૂબ ધમાલ મસ્તી કરતો.. પણ માંની દ્રષ્ટિએ ડાહ્યો દીકરો હતો.આમજ દિવસો પસાર થતાં...
એક દિવસ સવારે બહારથી રમી આવીને મેં માંને કહ્યું મારે કંઈ ખાવું છે ખૂબ ભૂખ લાગી છે. માં એ કહ્યું જા અંદર ગરમામાં ભાખરી પડી છે ખાઈ લે. હું અંદર ગયો જોયું ગરમામાં ચાર ભાખરી હતી મેં તાસકમાં લીધી. માં એનાં રોજિંદા કામ અને ક્રમ પ્રમાણે કપડાં મસળી ધોઈ રહી હતી. એનાં હાથ કપડાં ધોવામાં વ્યસ્ત હતાં પરંતુ મન ક્યાંક વિચારોમાં હતું. હું એની સામે જોતો જોતો ભાખરી લઈ રહ્યો હતો. એ સમયે હું નાદાન હતો હું જોઈ શકતો હતો પણ કંઈ વિચારી ના શક્યો. મેં ભાખરી લઈ પછી... ચોર પગલે ગોળનો ડબ્બો ખોલ્યો.. માં ને ડબ્બો ખોલવાનો અવાજ આવ્યો એ અવાજ પારખી ગઈ મને ચેતવ્યો ગોળ નથી લેવાનો એટલોજ છે , ભાખરી સાથે મીઠું મરચું લઈ ખાઈ લે ગોળ નથી લેવાનો.
મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ગાંગડો મોઢામાં મુકીજ દીધો એ જોઈ ગઈ ખબર નહીં એને એવો ગુસ્સો આવ્યો , માંજવા મૂકેલી સાણસીનો છુટ્ટો ઘા મારી તરફ કર્યો..સાથે બોલી કહુછુ સાંભળતો નથી છતાં ખાઈ ગયો સાથે છુટ્ટુ ડૂસકું મૂક્યું. એ સાણસી સીધી મારાં કપાળે આવી આંખ સહેજમાં બચી ..એણે જોયું મારાં કપાળમાંથી લોહી નીકળ્યું દોડી આવી..મને કહ્યું ..હાય હાય આવું વાગી ગયું?. તરત રૂ બાળી લોહી બંધ કર્યું અને ધનુર ના થાય કરી હલધર અને ખાંડ ફકાવી દીધી. મારી સામે જોઈ ખૂબ રડી ખૂબ વહાલ કર્યું એની આંખની એ વિવશતા હજી મારી નજરોમાં કેદ છે.મને છાતી સરસો ચાંપી બોલી “ કહ્યું માનતો હોય તો.. એક નાનાં ગોળનાં ગાંગડા માટે મેં તને ઘા પાડ્યો.. આ ઘરની સ્થિતિ અને મારી લાચારી સમજજે દિકરા.. હું કેવી રીતે બધું ચલાવું રસોઈ કરી બધાને જમાડું મારું મન જાણૅ છે. તમે લોકો પેટ ભરી સારું જમો એજ હું ઈચ્છું પણ.. એ ખૂબ રડી.. એ સમયે મને શિક્ષા આકરી મળી હતી છતાં મારી માંનો વાંક બિલકુલ લાગ્યો નહોતો બસ એની વિવશતા એની આંખોમાં જોઈ એ દર્દ મારાં જીવનમાં વળાંક લાવવાનું કામ કરી ગઈ. એનાં આંસુ એની શિક્ષામાં મને વાત્સલ્ય દેખાતું.
માં ની કેવી વિવશતા હતી. પોતાનાં દીકરાને ખાતો અટકાવવા છૂટી સાણસીનો ઘા કર્યો અને પછી એજ માં ધ્રુસકે ને ધ્રુસકે રડી મને છાતીએ વળગાડે છે. સમયની એવી કઠિનાઈ હતી.. ઈશ્વર કોઈને એવાં દિવસ ના આપે. માં ની મમતા એની લાચારીની પીડા મેં એક સાથે જોઈ છે.
ભગીરથને આજે એ છુટ્ટી સાણસીનો ઘા , કપાળ પર સ્પર્શ થતાં યાદ આવી ગયો.એજ દિવસ જીવનમાં વળાંક લાવ્યો મને જાગ્રુત કર્યો મનમાં નક્કી કર્યું હું ખૂબ ભણીશ મહેનત કરીશ.. મારાં જીવનમાં ક્યારેય આવી વિવશતા નહીજ આવે. એકજ અફસોસ રહી ગયો કે આજે મારી પાસે બધુંજ છે બસ માં નથી . ભૂતકાળની યાદો વાગોળતાં માં ની યાદ તાજી થઈ ગઈ. એકલાં પંડે એ કેટલું સહેતી હતી કેવી રીતે કરતી હશે એવાં બધાં વિચારે ભગીરથની આંખો નમ થઈ ગઈ. માં ની યાદમાં ડૂસકું નંખાઈ ગયું.કાશ આવી મમતાની યાદના ઘા મને વધું કેમ નથી?. યાદોને ખોતરતા ઘા પાછા લીલા થઈ ગયાં ..જાણે નજર સામે માં સાક્ષાત થઈ ગઈ.
“ માં એ માં બીજાં વગડાનાં વા” એ કહેવત સાચીજ છે.
“ સંભારણા મીઠાં બધાં યાદ આવે છે.
હે માં મને તારી ખૂબ યાદ આવે છે.
ઘા પડીને પાછાં રૂઝાઈ મટી જશે.
તારાં પ્રેમનો છાંયો પાછો નહીં મળે.
આંસુ નીતરતી આંખો ક્યારે નીંદરમાં ડૂબી ગઈ ભગીરથને ખબરજ ના પડી........
.......સંપૂર્ણ......