પ્રતીક્ષા - ૧૧ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

પ્રતીક્ષા - ૧૧

“ઈમોશનલ છે એટલે જ આટલો ભરોસો છે. એને પોતાના જવાબ લેતા આવડે છે. એને રેવાના જવાબ પણ લેતા આવડે છે. એને વર્ષો રાહ જોઈ છે આ દિવસ માટે કહાન... ક્યાંક એવું ના થાય કે તારા ગુસ્સાની આગ સામે આટલા વર્ષોથી જે એના મનમાં ઘુંટાઈ રહ્યું છે એ બહાર જ નાં આવે...” દેવ એકીટશે કહાનની સામે જોઈ રહ્યો
“પપ્પા આ મારો ગુસ્સો એ એની ચિંતા જ છે ને... તમને ખબર છે ને હું એને દુખી નહિ જોઈ શકું” કહાન હવે બિલકુલ શાંતિથી બેસી ગયો
“આઈ નો, છેલ્લે દીકરો તો રેવાનો જ ને... પ્રેમમાં અગ્રેશન તો પહેલા આવે” દેવ તેની બાજુમાં બેસતા મજાકના સ્વરમાં બોલ્યો અને બંને હસી પડ્યા
“ઉર્વીલને લીધે એને કંઈ અસર ના થાય બસ… હું બીજું કઈંજ નથી ઈચ્છતો.” કહાન સોફાના બેક રેસ્ટ પર માથું ઢાળતા બોલ્યો અને પછી ધીમેથી બોલ્યો
“પપ્પા, તમે પણ મમ્મીની આટલી જ ચિંતા કરતા ને?”
દેવ એક ક્ષણ તેની સામે જોઈ રહ્યો. તેના ચેહરા પર પ્રેમ અને ઉદાસી બન્ને એકસાથે છવાઈ ગઈ...
“લે ભજીયા ખા ચુપચાપ... અને હા હવે કરવો હોય તો ફોન કરી લે તારી ઉર્વાને...” બીજી જ ક્ષણે પોતાને સંભાળતા તે કહાનને ભજીયાની પ્લેટ અને મોબાઈલ ધરતા બોલ્યો અને કહાન ખુશ થઇ ફટાફટ સમય ગુમાવ્યા વિના ફોન લઇ નંબર ડાયલ કરવા લાગ્યો

*

ત્રણેય છોકરાના જતા જ રઘુનું મસ્તિષ્ક ફરીથી વિચારોના વમળોમાં ઘેરાવા લાગ્યું. આ નાનકડી ઓફીસમાં તેનો શ્વાસ રૂંધાતો હોય તેવું તે અનુભવી રહ્યો હતો. તેણે ફરી કમ્પ્યુટર સ્ક્રીન પર રેવાનો ફોટો ઓપન કર્યો અને કંઇક નિર્ણય લેતો હોય તેમ કમ્પ્યુટરના મોનીટરની પાછળથી એક મોબાઈલ કાઢી નંબર ડાયલ કર્યો
“યે ખ્વાબ હૈ જન્નત કા યા રહેમત ઉસ ખુદા કી?
બંદિશ કી મહેફિલ મેં આજ ઉનકે આનેકી આહટ હુઈ હૈ...” રઘુના કાનમાં રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાઈ રહ્યો
“હું ગમે તેટલા નંબર બદલી લઉં, તને હંમેશા ખબર પડી જ જશે ને કે મારો ફોન છે...” સહેજ હસીને રઘુએ કહ્યું
“ઝીંદગીમેં રહેનેકી આપકે તો ઈજાઝત નહિ હમે, ઈબાદત કરનેકી તો ઈનાયત દે દો કભી...” સામેથી ફરી અવાજ આવ્યો પણ હવે રઘુને જવાબ આપવા શબ્દ નહોતા મળી રહ્યા
“બંદિશ...” થોડીવાર ના પ્રયાસ પછી રઘુ માંડ બોલી શક્યો
“આજે રેવાની બહુ યાદ આવે છે ને રઘુ? બોલો હું આવું કે તમે આવશો?” બંદિશ સીધી પોઈન્ટ પર જ આવી પણ રઘુ હતપ્રભ થઇ ગયો
“તને હંમેશા કેમ ખબર પડી જાય છે કે મને આજે રેવાની યાદ આવી છે અને તને મળવા માટે જ ફોન કર્યો છે?” રઘુએ પ્રશ્ન કર્યો
“આ વાતમાં ના ખબર પડવા જેવું શું છે રઘુ?” બંદિશે સામે પ્રશ્ન કર્યો
“પુરા મુંબઈના નેટવર્કમાં કોઈને પણ સસ્તા ભાવે સારી ગોળીઓ જોઈતી હોય તો છેલ્લે તારી પાસે જ આવવું પડે... કદાચ એ કામ માટે પણ ફોન કર્યો હોઈ શકે ને...” સહેજ વિચારીને રઘુ બોલ્યો
“તારા અવાજને, તને અને તારી જરૂરિયાતોને પુરેપુરી ઓળખું છુ હું... હવે હું આવું કે તું આવે છે?” બંદિશ હસતા હસતા બોલી
“તું જ આવી જા...”
“સરનામું ને સમય મોકલી આપો, બંદિશ પહોંચી જશે.” પોતાના આગવા લહેકા સાથે બંદિશ બોલી અને ફોન કાપી નાંખ્યો. રઘુ એમજ ફોન પકડી ત્યાં ખુરશી પર બેસી રહ્યો અને સામે કમ્પ્યુટર સ્ક્રીન પર ફરી રેવાના ફોટા સામે તાકી રહ્યો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલ રેખાઓ તેની તકલીફ ની સચોટ સાબિતી આપી રહી હતી. તેણે આંખો બંધ કરી દીધી અને બંધ આંખોમાં એક નમણો, ચાળીસી વટાવેલો સહેજ ભીનેવાન સ્ત્રીનો ચેહરો તેની સામે તરવરી રહ્યો... તે કમર સુધી લહેરાતા લાંબા સીધા કેશ વાળી સ્ત્રીનો રંગ બહુ ગોરો તો નહિ પણ દુધમાં ભેળવેલા ચંદન જેવો હતો. માછલી જેવી ગ્રે કલરની સમર્પણથી ભરપુર આંખો, એકદમ તીક્ષ્ણ નેણ નક્શ અને પરવાળા જેવા હોઠ અનાયાસે જ રઘુને પોતાની પાસે ખેંચી રહી હતી. ગજબ આકર્ષણ જન્માવી રહી હતી
“બંદિશ...” તે આકર્ષણના કેફમાં જ રઘુના મુખમાંથી સરી પડ્યું.

*

ઉર્વાના અંદર જતાજ ઉર્વીલ સોફા પરથી ઉભો થઇ દીવાલ પરના ફોટોગ્રાફ જોવા લાગ્યો. ઉર્વાનું પૂરું બાળપણ તે દીવાલ પર કલાત્મક રીતે ગોઠવાયેલું હતું. ઉર્વાના જન્મથી લઈને તેની હાઈસ્કુલ સુધીના ફોટોઝ અલગ અલગ દીવાલ પર જે તે ઘટનાની તારીખ અને તેની ખાસિયત સાથે લખેલા હતા. ઉર્વીલ જોઈ રહ્યો એકીટશે તે દિવસો જયારે ઉર્વા પહેલી વાર બેસતા શીખી હતી, બોલતા શીખી હતી અને ચાલતા શીખી હતી... ઝીણામાં ઝીણી વાતના ફોટોઝ અને તારીખો તે દીવાલ પર મોજુદ હતા... ઉર્વીલ પોતે ઉર્વાના બાળપણની એક એક પળ તે ફોટોઝના માધ્યમથી અનુભવી રહ્યો હતો.

“તમારા માટે જ સજાવાઈ છે આ દીવાલ...” લીવીંગ રૂમમાં આવતા જ ઉર્વા બોલી અને ઉર્વીલનું ધ્યાનભંગ થયું
“બહુ સરસ ફોટોઝ છે. રેવાએ એક એક પળ કેદ કરી છે આમાં...” આછા સ્મિત સાથે ઉર્વીલ બોલ્યો
“બહુ ભરોસો હતો રેવાને કે એક દિવસ ઉર્વીલ આવશે અહીં આ દીવાલ જોવા...” ઉર્વા કટાક્ષભર્યું હસી
“તો એ સાચી જ હતી ને!” ઉર્વીલ સોફા પર બેસતા બોલ્યો
“તમે આવ્યા નથી, બોલાવાયા છો...” ઉર્વા બોલી અને ફોટો તરફ નજર કરતા ઉમેર્યું,
“ખબર છે મને ફોટોઝ પડાવવા જરાપણ ના ગમતા, પણ રેવાને એક એક ફોટો લેવાનું પાગલપન રહેતું... મારી નાની થી નાની વસ્તુના એ ફોટા પાડતી... હું જયારે જયારે ગુસ્સો કરતી ત્યારે રેવા એક જ વસ્તુ કહેતી કે એક દિવસ જયારે ઉર્વીલ પૂછશે કે ઉર્વા આવું કેમ કરતા શીખી કે ઉર્વાએ પેલું કઈ રીતે કર્યું ત્યારે હું શું જવાબ આપીશ!!”
ઉર્વા બોલી રહી પણ ઉર્વીલ અંદરથી હચમચી ગયો... જે સ્ત્રી વિષે તેણે યાદ કરવાની પણ કોશિશ નથી કરી તે પળેપળ તેના વિચારમાં જીવતી રહી. તેના માટે જ બસ વિચારતી રહી...

“આમ તો કંઇજ માંગવાનો હક નથી મને તારી પાસે, પણ આમાંથી એક ફોટો મને આપીશ?” થોડીવારના મૌન પછી ઉર્વીલ વિનંતીના સ્વરે બોલ્યો
“ઉર્વીલ તમારે ખરેખર એક પણ ફોટોની જરૂર નહિ પડે...” ઉર્વા તેની સામે તાકતા બોલી
“પણ હું તો ખાલી...”
“ઉર્વીલ રેવા તમારા વિષે, તમારા કરતા ક્યાંય વધારે વિચારે છે... મારા જન્મથી લઈને ૨ મહિના પહેલા સુધીના એટલેકે ૧૯૯૮ થી ૨૦૧૮ સુધીના દરેક જરૂરી યાદોના વિડિયોઝ આ લેપટોપમાં છે. બાકી રહી સહી કસર તેની ડાયરીઝ અને લેટર્સમાં પૂરી થઇ જશે... મારું આખું બાળપણ રેવા તમને ગીફ્ટ કરીને જ ગઈ છે. સો પ્લીઝ ડોન્ટ વરી... આમાં બધું જ આવી જાય છે” ઉર્વા બાજુમાં પડેલું મોટું બોક્સ ઉર્વીલ તરફ સરકાવતા બોલી.
ઉર્વીલનું ગીલ્ટ હવે તેના મગજ પર છવાઈ રહ્યું હતું. ધીમે રહીને તેની બદામી આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી
“તું રેવા ને રેવા જ કહે છે? મમ્મી કે મોમ નહિ?” વાત બદલવાના અને ઉર્વા વિષે જાણવાના આશયથી ઉર્વીલે પૂછ્યું
“૨૦૦૦ ની ડાયરીમાં પેજ નંબર ૧૫ વાંચી લેજો, જવાબ મળી જશે... હવે જવાબદારીનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. હવે આવે છે હકની વાત. મારો એક પ્રશ્ન છે.” ઉર્વા બોલી.
“બોલને...” ઉર્વીલે લાગણીવશ થતા કહ્યું
“શું રેવાનું ખૂન તમે કર્યું છે?”

*

(ક્રમશઃ)