મનોવૃત્તિ Niranjan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનોવૃત્તિ

મનોવૃત્તિ

રવિવારે બપોરે મનોજ વામકુક્ષી કરી રહ્યો હતો ત્યાં જ ડોરબેલ સંભળાઈ. સુંદર સ્વપ્નમાં મગ્ન મનોજને આ ખલેલ ખૂંચી. આવે વખતે કોણ હશે તેના વિચારમાં પત્ની રજનીને બૂમ મારી કે જઈને જુએ કે કોણ આવ્યું છે. પણ પછી યાદ આવ્યું કે રજની તો બિલ્ડિંગની અન્ય મહિલાઓ સાથે ફિલ્મ જોવા ગઈ છે એટલે નાછૂટકે તેને ઊભા થઇ દરવાજો ખોલવો પડ્યો. સામે કામિનીને જોઇને તેના હાવભાવ એકદમ બદલાઈ ગયા. શું તે બીજી મહિલાઓ સાથે ફિલ્મ જોવા નથી ગયા? પણ પ્રશ્નને ટાળીને મનોજે કહ્યું કે આવોને શું કામ છે?

‘તમને ખલેલ નથી પહોંચીને?’

‘અરે હોય કાંઈ? એમ જ આડો પડ્યો હતો અને વાંચતો હતો. બાકી બપોરે સૂવાની મને ટેવ નથી.’ મનોજે ફેંકી.

‘તો ઠીક. મારે તમને મળવાની કેટલાક વખતથી ઈચ્છા હતી. તમારી એક સલાહ જોઈતી હતી.’

‘અરે વાહ, કેમ રસેશભાઈ નથી? એવી કઈ બાબત છે જેમાં મારી સલાહની જરૂર પડી?’

‘અરે રસેશને પૈસા ક્યા રોકવા તેની ગતાગમ નથી. મારે થોડીક બચત છે તેનું સારી જગ્યાએ રોકાણ કરવું છે. તમે આ વિષે સારી જાણકારી ધરાવો છો એમ મને રજનીબહેને કહ્યું હતું. આજે રવિવાર છે એટલે તમે ઘરે જ હશો અને મને જરા ફુરસદ હતી એટલે થયું કે ચાલો તમને થોડી તકલીફ આપું.’

કામિની બિલ્ડિંગની સુંદર મહિલા હતી. તેના પતિ એટલા દેખાવડા ન હતાં એટલે અન્યોને તેની ઈર્ષા થતી હતી કે કાગડો દહીંથરુ લઇ ગયો પણ તેઓ કશું કરવાને લાચાર હતાં એટલે મન મનાવ્યા સિવાય છૂટકો ન હતો. એટલે જ્યારે અન્ય પુરુષસભ્યો(!) તેમની સાથે વાત કરવાની તક મળે ત્યારે તે ગુમાવવાનું ન ઇચ્છતા. મનોજ પણ એમાં અપવાદ ન હતો એટલે જ્યારે આજે ખુદ કામિની સામે ચાલીને આવી છે અને ઉપરથી રજની પણ હાજર નથી તો આ તક ગુમાવવી પાલવે તેમ નથી એમ માની કહ્યું, ‘આવોને અંદર. મને કોઈ તકલીફ નથી. ઉલટું તમને મદદ કરી શકું એનો મને આનંદ થશે. પણ તમે અન્ય મહિલાઓ સાથે ફિલ્મ જોવા જવાના હતાને?’

કામિની અંદર આવીને સોફા પર બેઠી અને કહ્યું કે ના છેલ્લી ઘડીએ મેં તે કેન્સલ કર્યું. મનોજ પણ તેનાથી થોડે દૂર ઉભડક બેઠો અને પછી કહ્યું, ‘ચા પીશો?’

‘ના, હું હમણાં જ પીને આવી.’

‘મારા હાથની એકવાર ચા પીશો તો વારેઘડીએ પીવા આવવાનું મન થશે.’

‘મને ખબર છે. રજનીબેને મને કહ્યું હતું કે રજાને દિવસે તમે જ તમારા બંને માટે ચા બનાવો છો અને તે પીવાલાયક હોય છે તેમ પણ જણાવ્યું હતું.’

મનમાં થોડો પોરસાઈ મનોજ બોલ્યો, ‘તો તો આજે તમને એમને એમ ન જવા દઉં. ચા પીશો તો જ તમે જે કામ માટે આવ્યા છો તે હું કરીશ.’

‘ઠીક છે તમારો બહુ આગ્રહ છે તો અડધો કપ ચાલશે.’

પોતાની આવડતનો આજે રંગ દેખાડવા મનોજ ઉત્સુકતાથી કિચન તરફ ગયો.

બે કપ ચા લઇ તે બહાર આવ્યો અને એક કપ કામિનીને આપતાં આપતાં તેના હાથને સ્પર્શ કર્યો. તેના સ્પંદનો મનોજને એક અવર્ણનીય આંનદ આપી ગયા.

ચા પીધા પછી કામિની જે થોડા કાગળીયા અને પાસબુક લાવી હતી તે મનોજને આપ્યા અને કહ્યું, ‘મનોજભાઈ, હાલમાં મારે એકાદ લાખનું રોકાણ કરવું છે. વળી હાલમાં જે રોકાણ છે તે યોગ્ય છે કે નહીં તે પણ જણાવશો.’

કાગળીયા અને પાસબુક જોયા પછી સમજાવવાને બહાને મનોજ થોડો નજીક ખસ્યો. કામિનીના સાડીનો પાલવ પંખાની હવામાં ફરફરતો હતો તેનો અછડતો સ્પર્શ મનોજના હાથમાં થયા કરતો અને તેને કારણે મનોજનું ધ્યાન પણ વિચલિત થતું, તેથી પોતાની જાતને કાબુમાં રાખવા તેને અથાક પ્રયત્ન કરવા પડ્યા. એકાદવાર તો કાગળમાં કશુંક દેખાડવાને બહાને મનોજે કામિનીના હાથને પણ સ્પર્શ કરી લીધો. આમ માનસિક સંતોષની લાગણી અનુભવી પણ તે થોડે અંશે. હવે તેને વિચાર આવ્યો, શું હું આગળ વધુ? આ વિચારે તે મૂંઝાયો. આવેલી તક ગુમાવવી કે તે ઝડપી લેવી? પણ ત્યારબાદ તેના પ્રત્યાઘાતોનો વિચાર કર્યો? તેના આંતરમને સવાલ કર્યો. પણ અંતે તો શેતાનનો જ વિજય થાયને?

મનોજે કામિનીના ખભા પર હાથ મુક્યો કે કામિની બોલી, ‘શું કરો છો, મનોજભાઈ?’

‘માફ કરજો પણ હું મારી જાતને કાબુમાં ન રાખી શક્યો. અજુગતું કર્યું તે બદલ માફ કરશો.’

કામિની હસી. ‘મને ખબર છે બિલ્ડિંગમાં મને કેવી રીતે જોવાય છે એટલે તમારો વાંક નથી. પરિસ્થિતિ જ એવી છે કે તમે આમ ન કર્યું હોત તો મને નવાઈ લાગતે. ખેર, એમ તો તમે પણ ઠીક ઠીક દેખાવડા છો એટલે બિલ્ડિંગની અન્ય મહિલાઓ પણ તમારા પ્રત્યે કુણી લાગણી ધરાવે છે. પણ કોઈનામાં આગળ વધવાની હિંમત નથી. પણ મેં ચેલેન્જ સ્વીકારી કે હું મનોજભાઈને એક કિસ તો કરીશ જ. ચાલો, આપણે એકબીજાને કિસ કરતાં હોઈએ તેવી સેલ્ફી લઈએ.’

‘ના, સેલ્ફી ન લેવાય. એ તમે અન્યોને શરત જીતવા દેખાડશો એટલે મારી આબરૂ ક્યાંયે નહીં રહે. આખી સોસાયટીમાં હું બદનામ થઇ જઈશ.’

‘પણ તો હું કેવી રીતે સાબિત કરી શકીશ કે મેં તમને કિસ કરી છે?’

‘એની મને ખબર નથી પણ સેલ્ફી તો નહીં જ.’

‘જેવી તમારી મરજી. હું પણ તમને હવે કિસ કરવા નહીં દઉં.’

‘હવે તો તમે મને તે માટે રોકી શકો એમ નથી. હા, કિસથી આગળ હું નહીં વધુ તેની ખાત્રી રાખજો કારણ આમન્યા રાખવી જરૂરી છે. તમે નચિંત રહેજો કે આવું આપણી વચ્ચે થયું છે તેની કોઈને પણ જાણ નહીં થાય. બસ પહેલી અને છેલ્લી વાર.’ આટલું કહી તે નજીક સરક્યો ત્યાં જ ડોરબેલ વાગી.

મનોજ ચમક્યો. કોણ હશે કબાબમાં હડ્ડી? કોઈ પાડોશી હશે અને કામિનીને જોશે તો વાતનું વતેસર તો થશે. વળી જે કામ કરવું હતું તે પણ નહીં થાય તેનો પણ અફસોસ તેને થયો. પણ દરવાજો ખોલાવો પણ જરૂરી હતું એટલે કામિનીને કહ્યું કે તમે અંદર બેડરૂમમાં જાઓ. હું કોણ છે તે જોઈ તેને પતાવું.

કામિની તરત ઊભી થઇ અને અંદર ગઈ એટલે મનોજે દરવાજો ખોલ્યો તો વોચમેન સોસાયટીનું બીલ આપવા આવ્યો હતો. ‘ક્યાં શંકરજી? સોને ભી નહીં દેતે હો. બાદ મેં ભી આ સકતે હો.’

‘માફ કરના સા’બ, ફિર ઐસા નહીં હોગા.’

‘ઠીક હૈ.’ કહી મનોજે દરવાજો બંધ કર્યો.

હવે કામિની બેડરૂમમાં છે એટલે જરા સરખી રીતે કામ કરાશે વિચારી મનોજ હજી અંદર જાય તે પહેલાં ફરી બેલ વાગી. હવે પાછું કોણ છે? કોઈ ખણખોદીયો પાડોશી હશે તો બહારથી વિદાય કરવી પડશે તે વિચારે દરવાજો ન ખોલતા કીહોલમાંથી જોયું તો રજની. માર્યા ઠાર. હવે તે કામિનીને બેડરૂમમાં જોશે તો આવી બન્યું. તેને કેમ સમજાવાશે કે કામિની બેડરૂમમાં શું કરે છે?

એકદમ અંદર જઈ કામિનીને કહ્યું કે તમે કિચનમાં જતાં રહો. બહાર રજની છે. હું તેને ગમે તેમ કરી બેડરૂમમાં લઇ જઈશ અને દરવાજો થોડો ખુલ્લો રાખીશ જેથી તમે જઈ શકશો.

ભલે કહી કામિની બેડરૂમની બહાર નીકળી કિચનમાં ગઈ. ત્યારબાદ મનોજે જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આંખ ચોળતા ચોળતા દરવાજો ખોલ્યો અને કહ્યું, ‘તારી ફિલ્મ તો છ વાગે પૂરી થતી હતી તો વહેલી કેમ?’

‘એવું થયું કે થિયેટરની લાઈટ જતી રહી એટલે શો કેન્સલ થયો અને બધાને પૈસા પાછા આપ્યા. પણ તને દરવાજો ખોલતા વાર કેમ થઇ?’

‘ભર ઊંઘમાં હતો એટલે બેલ મોડી સંભળાઈ.’

‘સારું સારું, હવે ત્રણ કપ ચા બનાવ. આવો કામિનીબેન. મેં તમને કહ્યું હતુંને કે મનોજ મસ્ત ચા બનાવે છે? આજે તમને મનોજના હાથની આવી મસ્ત ચા પીવડાવું.’

કામિનીબેન શબ્દ સાંભળતાં જ મનોજ ચમક્યો. શું રજનીએ તેને સંતાયેલી જોઈ લીધી? જોયું તો તે તો રજનીની પાછળ જ ઊભી હતી પણ રજની સાથે વાત કરવામાં તેનું ધ્યાન નહોતું ગયું. તો અંદર કોણ?

‘‘કેમ શું વિચારમાં પડી ગયો? મેં જ કામિનીબેનને કહ્યું કે ઘરે રસેશભાઈ સૂતા હશે એટલે મારે ઘરે ચાલો હું તમને મનોજના હાથની મસ્ત ચા પીવડાવું. મેં કાંઈ ખોટું કર્યું?’

‘ના, ના, મારા એવા નસીબ ક્યાંથી કે કામિનીબેન મારી બનાવેલી ચાને માણે? હા, કદાચ તેમના ટેસ્ટની ન હોય તો વિના સંકોચે જણાવે.’

આટલું કહી મનોજ કિચન તરફ ગયો. એક મિનિટ તો થયું કે અંદર ખરેખર કામિની તો નહીં સંતાઈ હોય? પછી પોતાનાં કપાળે હાથ પછાડી મનોમન બોલ્યો કે હવે તો દિવાસ્વપ્નમાંથી બહાર આવો મનોજકુમાર!