આજની ભંભોટિયાવાળી ડોશી SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજની ભંભોટિયાવાળી ડોશી

ઘોર જંગલમાં વનનો રાજા ભુખથી આકુળ વ્યાકુળ આંટા મારતો હતો. એ નહોતો ડાયેટિંગ ઉપર કે ન તો એણે કોઈ એકાદશી કે ઉપવાસ કરેલો. સિંહ ઘાસ ન ખાય એ પરાપૂર્વથી એને ખબર હતી પણ ફળો તો ઘાસ ન ગણાયને? એણે નજીકના આંબા પરથી પડેલી કેરી ખાધી. હત્ત તેરેકી! એ તો કાગડાની ઠોલેલી હતી! કોણ જોવાનું છે? ચાલો, કઈંક તો મળ્યું! પણ આ પાપી પેટની આગ તો ઠારવીને? દુનિયામેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર, શિકાર તો કરના હી પડેગા!

સિંહે દૂર સુધી નજર દોડાવી. કૈંક આવતું હતું. હા, બરાબર. કોઈ માણસ છે.

સિંહે લાકડી લઈ ચાલી આવતી ડોશીને દીઠી. એ પહેલાં કાન ઊંચા, પછી પૂંછડી ઊંચી કરી ડોશી સામે રસ્તો રોકી ઉભો રહ્યો.

ડોશી પહેલાં તો ડરી ગઈ. પણ હતી જમાનાની ખાધેલી. ડોશી સિંહને કહે, " મને જવાદે મારા વીર! મારા શરીરમાંથી તને એક પાઉચ પાણી જેટલું લોહી અને એકાદ બિસ્કિટ જેટલું, મોંમાં સ્વાદ આવે એટલું મંચિંગ મળશે।?"

સિંહ કહે " હું તારો વીર નથી, , તારો કાળ છું. આ બળબળતા તાપમાં તારું ઠંડુ લોહી એક નારિયેળ પાણી કે ફ્રુટીના પેકેટ જેટલું તો થઇ જ રહેશે। બાકી તારા સૂકા માંસનો જે પાણીઆધાર થયો એ."

ડોશીએ તો ગાયું " થોડા સા.. ઠહરો.. કરતી હું તુમસે વાદા, પુરા હોગા તુમ્હારા ઈરાદા, મેં હું સારી કી સારી તુમ્હારી ફિર કાહેકો જલ્દી કરો.."

સિંહ તો કહે" એય ડોસલી! એ નાચગાનથી રીઝવવાના જમાના તો શોલે ફિલ્મ સાથે પુરા થયા. ચાલ. થઇ જા તૈયાર।"

સિંહ તો તરાપ મારી ડોશીનો શિકાર કરવા તૈયાર થયો. એણે માટીમાં પગ ઘસ્યા, થોડો મરડાયો અને સીધો થઇ ત્રાડ પાડવા જતો હતો ત્યાં ડોશી હથેળી ઊંચીકરી 'થોભો' ની નિશાની કરી

સિંહને કહે “ દીકરીને ઘેર જાવાદે તાજી માજી થાવાદે પછી મને ખા.”

હમણાં સિંહને શિયાળ મ્યુચ્યુઅલ ફંડમાં રોકતાં શીખવી ગયેલો. આજ કરતાં ભવિષ્યમાં વધુ રિટર્ન મળે તો એ રાહ જોવા તૈયાર થયો. આમેય કુદરતી ઉપચારવાળા લોકો પાંદડાં ખાઈ તાકાતવર થતા હાથીની વાતો કરે છે. પ્રયત્ન કરીએ.

એણે ડોશીની લાકડી રાખી. કહ્યું કે તું આવ એટલે તને એ પાછી આપી ભાગવા કહીશ અને તારું એન્કાઉન્ટર કરીશ.

ડગુમગુ ડોશીએ લાકડી સિંહને આપી દઈ એક ઝાડની ડાળી લઈ કામ ચલાવ્યું.

એકાદ મહિના પછી ડોશી ગયેલી એ જ દિશામાંથી ગબડતો એક ભંભોટીયો આવતો દેખાયો. સિંહ રાજી થઈ દોડયો .

ભંભોટિયો નજીક આવતાં જ સિંહે પૂછ્યું “ભંભોટિયા ભંભોટિયા ક્યાંય ડોશી દીઠી?”

અવકાશી કેપસ્યુલ જેવો ભંભોટિયો ઉભો રહ્યો. અગાઉ એક વખત એક ડોશી ‘કિસકી ડોશી કિસકા કામ’ કહી એના પૂર્વજને છેતરી ગયેલી. આ તો ઉભી. સિંહ મનોમન કહે, ‘ડોશી હરિશ્ચંદ્રની વંશજ લાગે છે.’

સિંહ કેપસ્યુલ પાસે ગયો. અંદર જુએ ત્યાં તો દેખાઈ તીક્ષ્ણ તલવાર. અને સિંહ સામે એ તાકતી વિશાળકાય ડોશી.

ડોશીએ અંદરથી કડી ખોલવા માંડી. તલવાર તાકેલી તગડી ડોશી. એને દીકરીએ કોમ્પલાન, બુસ્ટ શું પાયું હશે? આ ડોશી ઉપરથી કુદે તો પાંસળી તૂટી જાય અને આ તલવારના એક ઝાટકે મારૂં માંસ ગીધોને માટે સુલભ ભોજનાલય બની જાય.

“જા બાપ જા. મારા નસીબમાં ડોશી ખાવાનું નથી.”

સિંહ પૂંછડી ઊંચી કરી ભાગ્યો.

ડોશીએ બિલોરી કાચની બારી થોડી ખોલી હાથમાંનું ચાકુ નીચું કર્યું. બહારથી જોતાં પોતે હતી એ કરતાં દસેક ગણી મોટી લાગતી હતી. ચાકુ તલવાર લાગતું હતું. જમાઈ વૈજ્ઞાનિક હતો. એણે બિલોરી કાચથી અંદરની વસ્તુ મોટી દેખાય એવો ભંભોટિયો બનાવી આપેલો. ડોશીએ વોઇસ કમાન્ડ આપી કહ્યું “ચલ ભંભોટિયા અપને ગામ”

……

-સુનીલ અંજારીયા