The choice books and stories free download online pdf in Gujarati

ધ ચોઇસ

ધ ચોઇસ

@ વિકી ત્રિવેદી

"પપ્પા પણ લગન કરવા માટે ઠીક છોકરી તો મળવી જોઈએ ને ?"

"ઓહ એટલે ભાઈ સાબ એકલા જ ભણ્યા ગણ્યા છે......" પપ્પા હમેશા ટોન્ટ મારતા જ રહેતા, "જો લક્ષમી આ તારો સપૂત એમ સમજે છે કે આખા ભારતમાં પોતે એક જ ભણ્યો છે. બીજા એન્જીનીયર તો છે જ ક્યાં ?"

મમ્મી દરવાજે ઉભી રહી. પપ્પાને ચાનો કપ આપ્યો. મારી નજીક આવીને મને કોફીનો કપ આપ્યો.

"તમે સવાર સવારથી શુ કામ માથાકૂટ કરો છો પણ ? એણે ભણીને નોકરી શોધી લીધી છે તો છોકરી પણ શોધી લેશે." મમ્મી મારા પક્ષે હમેશા રહેતી જ.

"ક્યારે ? મારા મરી ગયા પછી ? એને એમ છે કે એ ભણીને નોકરીએ લાગ્યો પણ લક્ષમી તને તો ખબર છે ને કે લગન થયા ત્યારે મારી પાસે શુ હતું ? કઈ રીતે એને ભણાવ્યો છે ? નાનો હતો ત્યારે પક્ષ લે એ બરાબર પણ હવે તું એના પગ ઉપર કુહાડો મારે છે એના પક્ષે ઉભી રહીને."

"પપ્પા પણ મારા લાયક છોકરી હોય તો બતાવો હું હમણાં જ લગન કરવા તૈયાર છું. પણ જેટલું હું કમાઉ છું એનાથી 50 % તો એ કમાતી હોવી જોઈએ ને ? હું જેટલું ભણ્યો એનાથી અર્ધું તો એ ભણેલી હોવી જોઈએ ને ? નહિતર મારા ભણ્યાનો શુ અર્થ ?" આખરે મેં કહ્યું.

"આ તારી મા ભણેલી છે ? આ તારી મા કમાય છે ? ઉલ્ટા મારા ખિસ્સામાંથી પૈસા લઈને ભેગા કરતી હતી ને તારા માટે બધું લાવતી હતી. ભણેલી તો તારા છોકરાનેય નહિ રાખે. ત્રણ વર્ષનું થશે ત્યારે કે.જી. ભેગું કરશે. તગડશે ઘરથી ગ્લુડિયા જેવડા બાળકને." પપ્પાને ચા ઊગી હોય એમ દલીલ કરવા તૈયાર જ હતા.

"ઓકે પપ્પા તમારા ધ્યાનમાં કોણ છે બતાવો હું એને મળી લઈશ પણ પહેલા મને એકલાને મળવા દેજો પ્લીઝ એમાં તમે જુનવાણી રિવાજ ન નાખતા મારા ઉપર. મને ઠીક લાગશે તો હું આગળ વાત વધારીશ. તમે પછી જઈ આવજો. કેમ કે આખી જિંદગી મારે નિભાવવાની છે, પ્લીઝ....."

"ઓકે વાંધો નહિ સાંજે તને બંનેના નમ્બર મળી જશે, આજે જ મળી લેજે બેય છોકરીઓને."

"ઓકે મને મેસેજ કરી દેજો." કહી હું બેગ લઈને ઓફિસે નીકળ્યો. મને કંઈ રસ નહોતો એટલે છોકરી શુ કરે છે કેટલું ભણી એ કશુંય પૂછ્યું નહિ. મારે ફક્ત પપ્પાના મન ખાતર મળવાનું હતું બાકી મને ખબર જ હતી કે મારા વિચાર અને મારી લાયકાત મુજબની છોકરી મળવાની નથી ક્યાંય.

ઓફિસે સાંજે ચાર વાગ્યે પપ્પાનો મેસેજ આવ્યો વોટ્સએપમાં. બંને છોકરીઓના નમ્બર આવ્યા. મેં બંને સેવ કર્યા અને મનમાં અનાયાસ જ થયું લાવ વોટ્સએપમાં dp જોઈ લઉં કેવી લાગે છે. જોકે બ્યુટીપલ્સમાં બધી શ્રુતિ હસન જ લાગવાની છતાંય જોઈ લઉં.

મેં પહેલી છોકરી જેનું નામ પદ્મિની હતું એની dp જોઈ. સાડીમાં એનો ફોટો હતો. ઠીક ઠીક દેખાવ અને માપનું શરીર. એના સ્ટેટ્સમાં લખેલું હતું, "મારુ ઘર સુંદર હોય તો હું મારું ગામ સુંદર બનાવી શકું....."

મેં એને મેસેજ કર્યો, "હાઈ પદ્મિની હીયર ઇઝ શુનીલ. પપ્પાએ વાત કરી હશે ને ? વેલ હું ઓફિસથી 6 વાગે નિકલીશ તું જવાહર ગાર્ડનમાં મળી શકીશ એ સમયે ?"

એ પછી મેં જેનું નામ ધ્વનિ હતું એનું dp જોયું. એક મજબૂત ખુબસુરત છોકરી હતી. દેખતા જ ગમી જાય એવી. પદ્મિની પણ સારી હતી પણ આ વધારે સુંદર અને ભરાવદાર હતી. એનું સ્ટેટ્સ જોયું, "પ્રાઉડ ટુ બી ઇન્ડિયન....."

વાહ પેલી પદ્મિની ફક્ત ઘર સુંદર બનાવવાની વાત કરતી હતી સ્ટેટ્સમાં જ્યારે આને તો દેશ ઉપર ગર્વ છે. મતલબ આના વિચાર મોટા હશે. મેં એને પણ મેસેજ કર્યો, "હાઈ ધ્વનિ હું શુનીલ પપ્પાએ વાત કરી હશે ને ? વેલ હું ઓફિસેથી 6 વાગે નિકલીશ પછી થોડું કામ છે તો સાત વાગે તું મને નવોદય સ્કૂલ જોડે આસ્થા કેન્ટીનમાં મળી શકીશ ?"

પદ્મિનીનો કોઈ રીપ્લાય આવ્યો નહિ પણ ધ્વનિનો તરત જ રીપ્લાય આવ્યો ફક્ત દશ જ મિનિટમાં.

"સ્યોર ડિયર....."

"થેન્ક્સ....." કહીને મેં મોબાઈલની સ્ક્રીન બંધ કરી. હું બંને છોકરીઓ વિશે વિચારતો હતો. એમાં ખાસ ધ્વનિ વિશે. લગભગ સાડા પંચે મેસેજ આવ્યો. મેં મોબાઈલ લીધો. પદ્મિનીનો મેસેજ હતો.

"જી શુનીલ જી માફ કરશો હું સ્કૂલમાં હતી એટલે મોબાઈલ ઓફ હતો અત્યારે શાળા છૂટ્યા પછી મોબાઈલ ઓન કર્યો અને તમારો મેસેજ જોયો. જોકે મારે અંકલ જોડે વાત થઈ હતી એટલે મને ખ્યાલ હતો જ કે તમારો મેસેજ આવશે તેથી જ સ્ટાફરુંમમાં આવતા તરત જ મોબાઈલ જોયો. અને હા મારી સ્કૂલ જવાહર ગાર્ડનથી થોડી જ દૂર છે હું સીધી જ ત્યાં જાઉં છું."

મેં પણ ફાઈલો મૂકી અને બહાર નીકળ્યો. હપ્તા ઉપર મેં હમણાં જ અલ્ટો લીધી હતી. મોંઘી ગાડી તો મને પોસાય એમ ન હતી પણ છતાંય એન્જીનીયર હોઈ સ્ટેટ્સ મુજબ કમસેકમ અલ્ટો તો જોઈએ જ. મેં ગાડી જવાહર ગાર્ડન લીધી. ગાડી પાર્ક કરીને હું અંદર ગયો. એકબીજાને ઓળખવાનો પ્રશ્ન ન હતો કેમ કે મેં dp જોઈ હતી અને મારી dp માં પણ મારો જ ફોટો હતો.

ગાર્ડનમાં પહેલા જ બાંકડા ઉપર પદ્મિની બેઠી હતી. મેં જતા જ કહ્યું, "હાઈ ગુડ ઇવનિંગ પદ્મિની."

"વેરી ગુડ ઇવનિંગ બેસો ને." એણીએ કહ્યું અને હું બેઠો.

"શિક્ષક છો ?"

"જી ગુજરાતી વિષય છે 4 થી 8 ધોરણમાં મારા તાસ હોય."

"ગવર્નમેન્ટ ?"

"નહિ બી.એડ. નથી કર્યું પ્રાઇવેટ જ છે. બાર હજાર પગાર." એણીએ પર્સ અમારી વચ્ચે મૂક્યું.

"ઓહકે હું એન્જીનીયર છું પણ પોતાનું છે એટલે 25 - 30 હજાર મળે છે હમણાં. ફ્યુચરમાં મારા કામ ઉપર બધું ડિપેન્ડ કરે." મેં કહ્યું.

એ પછી થોડીક વાતો થઈ. મેં ઘડિયાળ જોઈ મને ધ્વનિને મળવામાં રસ હતો. એટલે મેં તરત વિદાય લીધી.

ત્યાંથી નીકળીને હું કેન્ટીનમાં ગયો. હજુ ધ્વનિ આવી નહોતી. મેં અર્ધો કલાક રાહ જોઈ પણ એ ન આવી. આખરે મેં કોલ કર્યો. એણીએ કહ્યું કે મારે અરજન્ટ કામ આવી ગયું એટલે હું કાલે સવારે તમને મળીશ સોરી.

હું ઘરે ગયો. પપ્પા ઘરે હતા નહિ. એ કોઈ સબંધીને ત્યાં કોઈ મરણ પ્રસંગે ગયા હતા. મને હાશ થઈ કે પપ્પા સવાલો નહિ કરે. રાત્રે પણ મને ધ્વનિને મળવાના વિચાર આવ્યા.

સવારે સૂરજ ઉગતાની સાથે જ આદત મુજબ જાગ્યો. તૈયાર થયો અને સીધો જ કેન્ટીન ગાયો. ટેબલ ઉપર પોલીસ ડ્રેસમાં ધ્વનિ બેઠી હતી એટલે મને લાગ્યું કદાચ બીજી હશે પણ એણીએ જ મને જોતા અભિવાદન કર્યું, "હેલો શુનીલ હું ધ્વનિ બેસ."

મેં એની સામે બેઠક લીધી. એણીએ કોફી મંગાવી ત્યાં સુધી મેં એને જોઈ. પોલીસના યુનિફોર્મમાં એના અંગો દેખાતા હતા. સુંદરતા સાથે તેનું શરીર પણ આકર્ષક હતું. પદ્મિની એવી ન હતી. ચોક્કસ તે સારી હતી પણ એ ભોળી લાગતી હતી તેમજ તેનું શરીર આકર્ષક ન હતું.

"હું પી.એસ.આઈ. છું શુનીલ." એણીએ શરૂઆત કરી.

"હમમ મેં વાંચ્યું. હું ઈજનેર છું." કહીને મેં એ જ ડિટેઇલ્સ આપી જે પદ્મિનીને આપી હતી.

"25 - 30 વેલ મને કોઈ વાંધો નથી. પગાર તો મારો પણ સરકારી પે મુજબ જ છે પણ ટુ બી વેરી ફ્રેન્ક હપ્તા ટેબલ નીચે ઘણા આવે છે. ટેબલ નીચેની ઇન્કમ મન્થલી 50 - 60 હજારની છે. અને એ વધ્યા જ કરશે એ તો આપણને બધાને ખબર જ છે શુનીલ ધીસ ઇઝ ઇન્ડિયા."

મને ઝટકો લાગ્યો. એનું સ્ટેટ્સ મને યાદ આવ્યું, "પ્રાઉડ ટુ બી ઇન્ડિયન....."

થોડીક વાતો કરીને હું નીકળ્યો. મને ઓફિસે જવાનું મન ન થયું. હું સીધો જ ઘરે ગયો. પપ્પા આવીને જમતા હતા.

"અહીં મારી જોડે બેસ બેટા." પપ્પાએ કહ્યું અને હું એમની સામે સોફામાં બેઠો.

"મળ્યો બંને છોકરીઓને ?" એમણે જમતા જમતા જ પૂછ્યું. મમ્મી રસોડાના દરવાજે ઉભી હતી. મારી સામે તાકતી હતી.

"હા પપ્પા....."

"હમમ બોલ એમાં કમાતી ધમાતી અને તારા એજ્યુકેશનની લાયકાત મુજબ કઈ સારી છે ? ધ્વનિ કે પદ્મિની ?"

"પપ્પા બધી રીતે લાયક તો ધ્વનિ છે પણ....."

"પણ શું ?" પપ્પાએ હાથ ધોઈને મૂછો સરખી કરી. ખુરશીની પીઠ પરથી રૂમાલ લઈને હાથ મો લૂછયા. મારા મનમાં ઘરે આવતા સુધી ઘણા વિચારો આવ્યા હતા. મારુ ઘર સુંદર હોય તો મારું ગામ સુંદર બને. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન અને ટેબલ નીચેની કમાઈ 50 - 60 હજાર છે. અને આ ભારતમાં તો એ કમાણી વધ્યા જ કરશે એ આપણે જાણીએ જ છીએ.

"પદ્મિની શિક્ષક છે. એ બાળકો સાથે રહે છે. ધ્વનિ પોલીસ અફસર છે. એ ગુનેગારો સાથે રહે છે. પદ્મિની ઓછી દેખાવડી ઓછું ભણેલી અને ઓછું કમાતી છોકરી છે. ધ્વનિ વધુ દેખાવડી વધુ કમાતી અને વધુ ભણેલી છે....."

"તો તારે ધ્વનિ સાથે લગન કરવા છે ?" પપ્પાએ પૂછ્યું અને મમ્મી સામે જોયું.

"ના પપ્પા મને પદ્મિની સાથે ફાવશે....."

"કેમ ?" જાણે નવાઈ થઈ હોય એમ પપ્પાએ પૂછ્યું.

"પપ્પા દેશમાં દૂર બેઠા નેતાઓ અફસરો ભ્રષ્ટ છે એની અસર આખાય દેશ ઉપર પડતી હોય તો જો મારા જ ઘરમાં કોઈ ભ્રષ્ટ હોય તો એની કેવી અસર થાય એ તમે વિચારો ને ?" કહી હું ઉભો થયો.

"શુનીલ બેટા આ પદ્મિની એ જ છે જેની વાત કરતા જ તે રિજેક્ટ કરી હતી. મારા મિત્ર અમરનાથની દીકરી છે. પણ તે શિક્ષિકા સાંભળીને રિજેક્ટ કરી હતી." પપ્પાએ ખુરશીમાં ટેકો લેતા કહ્યું, એમને ઘણી નિરાંત થઈ હશે.

"એટલે પપ્પા આ એ જ છોકરી છે ?"

"હા તે તો ક્યાં એનું નામ પણ સાંભળ્યું હતું ત્યારે ?"

"સારું થાઓત જો ત્યારે જ મેં હા પાડી દીધી હોત."

"ના બેટા ત્યારે હા પાડી હોત અને લગન થયા હોત તો તને અફસોસ થાઓત કે તને ગમતી છોકરી તે ન લાવી મમ્મી પપ્પાના કહેવા મુજબ લાવી." પપ્પાએ તરત જ કહ્યું.

"એટલે મમ્મી પણ આ બધું જાણતી હતી ?" મેં મમ્મી સામે નવાઈથી જોયું.

"હા શુનીલ તું ઈજનેર થયો છે પણ હજુ તું મકાન જ બનાવી શકે ઘર નહિ....." મમ્મીએ કહ્યું અને હું બંને ને જોતો રહ્યો.

થોડીવારે પપ્પા બોલ્યા, "પદ્મિની સાથે વાત પાક્કી કરું ને હવે ?"

"એ ને પહેલા પૂછી લેજો હું એને ગમતો હોવ તો જ પપ્પા....." કહી હું ઓફીસ જવા ઉપડી ગયો.

@ વિકી ત્રિવેદી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED