Anath books and stories free download online pdf in Gujarati

અનાથ

શુ માત્ર અનાથ જ અનાશ્રિત હોય?

મારુ નામ શું કહું એ જ નથી સમજાતું. આમ તો હું અનાથ હતો એટલે મારુ કોઈ નામ રાખ્યું જ ન હતું. અનાથ આશ્રમમાં મને મૃદુલા બેને રાજેશ નામ આપ્યું. સાચેજ મૃદુલા બેન મૃદુ હૃદયના જ હતા. એમનું દિલ એવડું મોટું હતું કે અનાથ આશ્રમ ના બધા જ છોકરા છોકરીઓ જાણે એમના પોતાના પેટે ન જન્મ્યા હોય......!

અમુક તો મને રાજીયો પણ કહેતા. અનાથ આશ્રમ છોડીને હું નોકરી પર લાગયો. કોમ્પ્યુટર જોબ વર્ક ની એ મોટી ઓફીસ હતી. લગભગ 30 જેટલા ઓપરેટર ડેટા એન્ટ્રી કરતા. ઘણા ખરા તો મારી જેમ જુવાનિયા જ હતા બસ એક ઉમર લાયક કાકા હતા. મને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ મળ્યા એટલે સિધો જ હેડ માં સુપરવાઈઝર તરીકે જ રાખી લીધો હતો.

એક મહિનો થઈ ગયો હતો. હું મારા સ્વભાવને લીધે જામી ગયો હતો. કેમ ન જામુ.....? મૃદુલા બેન ની નરમાશ તો મારા સ્વભાવમાય ઊતરી હતી ને..... વિરલ, વૈભવી, વર્ષા, વિલય, નયન, યુવરાજ, આશિષ, અનુપ, ઉમંગ બધા જ મારી સાથે ભળી ગયા હતાં પણ સાચું કહું તો એમાટે ખાલી મારો સ્વભાવજ કારણ ન હતો એ બધા પણ ભલા જ હતા. એમાં પણ અતુલથી તો મારે ભારે ભાઈબંધી હતી. એક વર્ષમાં તો અમે ગાઢ મિત્ર બની ગયા હતા....

એ દિવસે મારો જન્મદિવસ હતો એટલે હું અનાથ આશ્રમ ગયો. મૃદુલાબેન ને પગે નમી બધા બાળકોને મીઠાઈ વેંચી. બધા સાથે સેલ્ફી પન લીધી. પછી ઝડપથી ઓફિસે પહોંચ્યો પન લેટ તો પડી જ ગયો હતો.....

" સર કેમ એટલા લેટ?" અતુલ મને ઓફિસમાં બધાની જેમ સર જ કહેતો.

મેં કઈ પણ કહ્યા વગર મીઠાઈનું પેકેટ એના હાથ માં ધરી દીધું. " આ મીઠાઈ બધા ને વેંચી દે અતુલ. આજે મારો જન્મદિવસ છે."

અતુલ કઈ બોલે કે વિસ કરે એના પહેલા જ મને 30 અવાજ એક સામટી સંભળાઈ " હેપી બર્થ ડે ડિયર રાજેશ સર....."

મને ખરેખર એ દિવસે અનાથ હોવાનું જરાય દુઃખ નતું લાગ્યું એટલો પ્રેમ મને સ્ટાફમાં બધાએ આપ્યો હતો.

" તમે આવ્યા ત્યારે જ મને થયું હતું કે આજે આ મહોદય એટલા સજી ધજી ને કેમ આવ્યા હશે.... એની વે હેપી બર્થ ડે મેની મેની હૅપ્પી રિટર્નસ ઓફ ધી ડે..." વિરલે કહ્યું.

" આભાર....." મેં હસીને કહ્યું.

" વેલકમ એન્ડ લૂકિંગ સેક્સી ટુડે...." કહી એ એની સીટ ઉપર ગોઠવાઈ ગઈ.

વિરલ મને પસંદ કરવા લાગી હતી એ મને અતુલે કહ્યું હતું પણ હું લાઈફ માં બરાબર સેટ થઈ ગયા પછી જ પ્રેમ કે મેરેજ એ બધા માં પાડવા માંગતો હતો. મારા વિચાર થોડા જુદા જ હતા. એક પુરુષ અને સ્ત્રી બાળક ને જન્મ આપી, સંસ્કાર આપી, ભણાવીને મોટો કરીદે એટલે જ માત્ર એ એમની ફરજ પુરી નથી કરી દેતા. પણ સાથે સાથે બાળક ને પોતાનો સમય પણ આપવો પડે, એના સાથે એના પ્રશ્ન, એની તકલીફો, એની પસંદ બધું જાણવું જોઈએ, એને માત્ર હુકમ આપીને જ નઇ પણ પ્રેમ થી સસમજાવી ને જ એનો ઉછેર કરવો, એ જમાના સાથે ચાલી શકે એવી જરૂરિયાતો પૂરી કરે ત્યારે જ સાચા અર્થ મા એક પુરુષ બાપ બનયો કહેવાય. મને બીજા અમુક લોકોની જેમ ખાલી શરીર ભોગવવા માટે બાપ બનવાની કોઈ ઈચ્છા ન હતી. એટલે મેં વિરલથી થોડું અંતર રાખ્યું હતું.

" હેંપી બર્થ ડે સર..." કહી અતુલે ધીમા અવાજે ઉમેર્યું " બહાર મળ મને બેટા આજે સરપ્રાઈઝ આપું."

હું અતુલને જન્મદિવસ વિશે આગળના દિવસે કહેવાનું ભૂલી જ ગયો હતો એટલે એ જરા નારાજ થઈ ગયો હતો.

બધા પોતાના કામે લાગી ગયા પછી હું મારી ચેરમાં બેઠો લેપટોપ ખોલી ગૂગલ માં સર્ચ કર્યું " ધ વે ટુ બી ગ્રેટ ઇન લાઈફ'. મારે જીવન માં કંઈક મહાન કરી બતાવવુ હતું એટલે હું ગૂગલમાં આવા પ્રશ્નો ના જવાબ વારંવાર શોધતો રહેતો. પણ આજે નેટ સ્લો હતું એટલે મેં બ્રાઉઝર ક્લોઝ કરી લેપટોપ ટર્ન ઑફ કરી દીધું. અચાનક મારી નજર મનસુખલાલ ઉપર પડી. મનસુખલાલ 4 વર્ષ થી અહીં નોકરી કરતા હતા પણ તેઓ વિચિત્ર સ્વભાવના હતા. ના કોઈથી બોલતા ન કોઈ થી ભળતા મારી એક વર્ષની નોકરીમાં મેં એમને ક્યારેય હસતા નહોતા જોયા. એમના ચહેરા ઉપર કોઈ વિચિત્ર દુઃખ છલકતું રહેતું.

પણ આજે એ ચહેરા ઉપર પહેલી વાર મને એ દુઃખનું વાદળ ખસ્યું હોય એવું લાગ્યું. હું એમને જ જોઈ રહ્યો. બપોરે બ્રેકમાં બધા જમવા ગયા. હું તો સવારે ટિફિન લઈને જ આવતો એટલે મારે તો જવાનું ન હોતું. પણ આજે મનસુખલાલ પણ બેસી રહ્યા. મને નવાઈ લાગી એટલે હું એમના તરફ સર્યો. એ પી.સી.માં કૈક ગડમથલ કરતા હતા. મેં નજીક જઈને જોયું તો એમણે ઇ.મેઈલ લખ્યો હતો અને મેં અંદાજ લગાવ્યો કે મનસુખલાલ ઇ.મેઈલ મુકવા માટે સેન્ડ બટન શોધી રહ્યા હતા.

" તો મદદ કરું....." મેં કહ્યું.

" હ .... હા..... અરે તમે સર....." એ ઝબકી ગયા હતા.

" ઇમેઇલ મુકવો છે?" મેં પૂછયુ.

" હા.... મારા નિકુંજને કરવો છે." કરચલી વાળા ચહેરા મા કપાળમા બીજી રેખાઓ ઉમેરાઈ. હું સમજી ગયો એ રેખાઓ શાની હતી....!

"નિકુંજ કોણ ?" મેં ટેબલ પર બેસતા પૂછ્યું.....

" મારા દીકરા ભાવિકનો દીકરો...." સુખદ ભાવ મને એમના ચહેરા ઉપર પહેલી વાર દેખાયો.

" પણ આ ઇ.મેઈલ કેમ કરો છો?" મને નવાઈ થઈ હતી.

" અરે આજે નિકુંજનો જન્મ દિવસ છે સર."

મેં nikunjbhardwajcuty@gmail.com ઉપર મેઈલ કર્યો.

રીસેસ પતી ગઈ. બધા આવીને પોતાના કામે લાગી ગયા. પણ મેં જોયું મનસુખલાલ હજુ પી.સી. માં ડોકિયું કરીને બેઠા હતા..... મને એ ચહેરાનું દુઃખ વાંચતા વાર ન લાગી એટલે મેં જઈને પૂછ્યું " અંકલ શુ થયું ફરી?"

"કોઈ જવાબ નથી આવ્યો મારા નિકલા (નિકુંજ) નો." શબ્દોમાં વ્યથા હતી.

મને સમજાયું નહીં એટલે હું અવાચક બની ગયો. અતુલે મને ઈશારો કરીને બોલાવ્યો. હું એની પાછળ બહાર ગયો.

" અરે રાજુ યાર તને ખબર નથી?"

" પણ શું ?" મને એના પ્રશ્ન નો જરાય અંદાજ નહોતો આવ્યો.

" અરે કાકા ની ફેમિલી એક્સીડેન્ટમાં મરી ગઈ છે. "

" શુ? આ તું શું કહે છે ? એમણે હમણાં તો મારી સામે એમના પૌત્ર ને ઇ.મેઈલ કરાયો "

" અરે એમને ફોલ્સ ઇમેજીનેશન ની મેન્ટલ બીમારી છે.લગન પછી બે વર્ષમાં જ એમની પત્ની એક બાળક આપીને ગુજરી ગયા હતા. પછી એમનો દીકરો મોટો થયો લગન થયા એને પણ એક બાળક થયું અને એક દિવસ આખું ફેમિલી એક સાથે એક્સીડેન્ટમાં ગુજરી ગયું એટલે એમને માનસિક બીમારી થઈ ગઈ છે." અતુલે કહ્યું.

" શુ વાત કરે છે?" મારી નવાઈનો પાર નહોતો. એક માનસિક બીમાર વ્યક્તિ કોમ્પ્યુટર કામ કઇ રીતે કરતી હશે......!

" સાચું કહું છું યાર. હું ત્રણ વર્ષથી જોબ કરું છું એટલે મને તો અનુભવ છે. ઘણીવાર તો કાકા ઘરે જતી વખતે એમના પૌત્ર માટે નાસ્તો, આઈસ્ક્રીમ પણ લઈ જાય છે..."

" બસ બસ...." મારા થી વધારે સાંભળી શકાયું નહિ. મનસુખલાલ ના જીવન ની મેં કલ્પના કરી અને હું રડી પડયો. હું અનાથ હતો પણ મને તો સારા મિત્રો મળ્યા એટલા પ્રેમાળ મૃદુલાબેન મળ્યા. પણ આ બદનીસબનું કોણ? મેં નક્કી કર્યું હું હું એ માણસને વધારે દુઃખી નઈ થવા દઉ.

મેં એ દિવસે જ માનસિક રોગોના ડોકટર તપન નાણાવટીની મુલાકાત લીધી. એમણે મને સલાહ આપી અને મારા મન મા એક ગાંઠ વળી ગઈ. બીજા દિવસે હું ઓફિસ ન ગયો. તૈયાર થઈને સીધો જ અનાથ આશ્રમ પહોંચી ગયો. મૃદુલાબેન ને માનસુખલાલની અને ડોકટરે આપેલી સલાહની બધી વાત કરી.

" તને હું બધી જ મદદ કરી છૂટવા તૈયાર છું બેટા" એ બોલ્યા.

" મને એક 8 વર્ષનો છોકરો દત્તક લેવો છે....." મેં કહ્યું....

જાણે હું ગાંડો હોઉં એમ મને મૃદુલાબેન તાકી રહ્યા.

" લગન પહેલા તું દત્તક લઇશ,.....?!" એમણે પ્રશ્ન કર્યો પણ એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્નન નહતું પણ ઉદગાર ચિન્હ હતું....

" હા મારી પાસે એક પ્લાન છે. જો વિરલ તૈયાર થઈ જાય તો....."

કહી મેં મારું આયોજન સંભળાયું. રીતસરના મૃદુલાબેન રડી પડ્યા હતા. " એક અનાથ છોકરો એટલું સારું કામ કરશે એની મને ક્યારેય કલ્પના પણ ન હતી." કહી એ મને ભેંટી પડ્યા.....

ત્યાંથી બહાર આવી મેં વિરલને ફોન કર્યો. વિરલ લગભગ નાચી ઉઠે એવા સમાચાર મેં આપ્યા હતા.

" સર તમે મને આજે પહેલી વાર ફોન કર્યો..... બોલો બોલો શુ છે?"

" વાના મેરી વિથ મી બેબી?" મેં એને એના જ અંદાજ માં કહ્યું.

" હેલો .... હેલો"

દસ વાર હેલો શબ્દ મારે બોલવો પડ્યો ત્યારે એ સપનાઓ માંથી બહાર આવી પછી એણીએ ફોનમાં એનો મીઠો સુર રેડયો " સાચ્ચે સર..."

" હા .... માધવી કોફીસોંપમાં મળ હાલ જ અને હા અતુલ ને લઈને આવજે."

હું કોફીસોંપ પહોંચ્યો ત્યારે અતુલ અને વિરલ તૈયાર જ હતા. મેં વિરલ અને અતુલ ને મારુ આયોજન કહ્યું. પહેલા તો બન્ને ખચકાયા પણ પછી માની ગયા. એ દિવસે વિરલ માટે મને ખરેખર પહેલી વાર પ્રેમ જાગી ગયો હતો. એક મિનિટ પણ વિચાર્યા વગર એ આશ્રમ ના છોકરાને લગન પહેલા જ અમારો દત્તક બનાવી લેવા તૈયાર થઇ ગઇ હતી. ખબર નઇ મારા પ્રેમ ખાતર કે માણસાઈ ખાતર.

બીજા દિવસે મૃદુલાબેન ને મળી હું એક 8 વર્ષનો દત્તક લઇ આવ્યો. એનું નામ જયું હતું. પણ સ્વભાવે મારા જેવો જ હતો. ઘડીભર તો મને મારુ બાળપણ યાદ આવી ગયું.

4 દિવસ મેં ઓફિસમાં રજા મૂકી દીધી. મેં અને વિરલે જયુને મમ્મી, પપ્પા કહેવાની તાલીમ આપી. એને લાડ કરીને એને એ સસમજાવી દીધું કે અમે એના મમ્મી પપ્પા છો. અને 8 વર્ષનું બાળક સ્વાભિક પણે એ બધું માની પણ ગયું.

હવે એક અઠવાડિયું નીકળી ગયું. બધા પ્લાનિંગ ધાર્યા મુજબ જ થઈ ગયા હતા. વિરલને હવી પ્લાનિંગ મુજબ નોકરી કરવાની ન હતી એટલે હું એ દિવસે એકલો જ ઓફીસ ગયો.

"યાર તારા પપ્પા ક્યારનાય આવી ગયા અને તું એટલો લેટ આવે " અતુલે કહ્યું.

" તને કોઈ જવાબદારી શરમ છે કે નઈ ભાવિક? તારા પપ્પા એટલી ઉંમરે પણ સમય સર આવી ગયાં અને તું મોડો પડે છે ભાવિક?" એક વાક્યમાં અતુલે મને રાજેશને બદલે ભાવિક કહીને ત્રણ વાર સંબોદ્યો હતો. અને એ બધું મનસુખલાલ ના ધ્યાન બહાર ન હતું.

" અરે પપ્પા આવો ગુસ્સો હોય કાઈ? તમે ઋત્વિ પર ગુસ્સે થઈને ચા નાસ્તો કર્યા વગર જ આવી ગયા?" મેં મનસુખલાલ ને કહ્યું.

" શુ વાત છે આજે ફરી વહુ અને સસરા વચ્ચે ઝઘડો થયો છે ?" અતુલે કહ્યું.

મનસુખલાલ ખરેખર ડઘાઈ ગયા હતા. એ કઈ સમજી શકતા ન હતા. હું અને અતુલ બંને પકડાઈ જવાના ભયથી એ દિવસે વાત ત્યાં જ છોડી દીધી. મનસુખલાલ એ દિવસે રજા લઈને ઘરે ગયા. એ નીકળ્યા ત્યારે અતુલે કહ્યું "અરે અંકલ તમારી ચાવી તો લેતા જાઓ."

"અરે મેં ચાવી ક્યારે બહાર નીકળી?" થોડી વાર કઈક વિચારીને એ બોલ્યા " બેટા હવે મને કાઈ યાદ રહેતું નથી લાગે બધું ભૂલી જાઉં છું." કહી ચાવી લઈ એ ગયા.

બીજા દિવસે હું તૈયાર થઈને ઓફીસ પહોંચ્યો. એક કલાક થઈ પણ મનસુખલાલ આવ્યા નહીં એટલે મને ચિંતા થવા લાગી. મેં અતુલને કહ્યું ચાલ આપણે એમના ઘરે જઈને તપાસ કરીએ.... હું અને અતુલ નીકળવાના જ હતા કે મનસુખલાલ આવ્યા. આવતાની સાથે જ એ મને ધારી ધારીને જોઈ રહ્યા. હું સમજી ગયો હતો કે મારું પ્લાનિંગ સક્સેસ થઈ રહ્યું છે. કાલે મનસુખલાલ ઓફિસે આવ્યા ત્યારે અમે એમના ઘરે જઈને બધા ફોટા બદલી દીધા હતા. જ્યાં એમના દીકરા અને વહુ ભવિક અને ઋત્વિના ફોટા હતા ત્યાં બધે મારા અને વિરલના ફોટા, જ્યાં નિકુંજના ફોટા હતા ત્યાં અમે જ્યૂના ફોટા, અને જ્યાં નિકુંજ અને એની માં ના ફોટા હતા ત્યાં વિરલ અને જયું ના ફોટા લગાવી દીધા હતા. એક ફેમિલી ફોટૉ જેમાં મનસુખલાલ હતા એ નીકાળીને મારા ઘરે પહોંચાડી દીધો હતો.

મને ખબર હતી કે ડોકટરે કહ્યા મુજબ બધા ફોટો બદલી લેવાથી મનસુખલાલ કઈ સમજી નઈ શકે. અને સાચે જ એ મને ધારી ધારીને જોતા હતા. મેં લેપટોપ ખોલ્યું એક આઈ. ડી. બનાવી nikunjbhardvajcuty.@gmail.com . એક જેવી આઇ ડી બે વાર ન બને એટલે મેં cuty ની પાછળ માત્ર એક (.) ડોટ મૂકી દીધું. પછી મે એક ઈમેઈલ કર્યો.

મનસુખલાલ ના પી.સી.માં ટ્યુન નો અવાજ મેં સાંભળ્યો. પછી મેં જોયું કે મનસુખલાલ પી.સી.માં ઘડી ભર કૈક જોઈ રહ્યા. અચાનક જ એમના ચહેરા ઉપર ખુશી તરવરતી હું જોઈ શક્યો. અતુલ તૈયાર જ હતો....

" ઓહો તો દાદાજી પૌત્ર નો ઇ.મેઈલ દેખે છે એમ ને." અતુલ મજાકીયા સ્વરે કહ્યું. ..

" હા બેટા" હસતા હસતા મનસુખલાલ બોલ્યા પણ એમની નજર પી.સી. માં જ હતી

"અરે મને તમારા પૌત્ર નો ફોટો તો બતાવો" કહી અતુલે ઇ. મેઈલ નીચે એટેચ કરેલો ફોટો ડાઉનલોડ કર્યો. એ ફોટો જયું નો હતો.

" અરે વાહ ખરેખર ક્યૂટ છે ..... અમમમમમમહહહહહ"

" છે ને બાકી ...." હસીને મનસુખલાલ બોલ્યા....

એ દિવસે પહેલી વાર મારી મહેનત ફળી હતી. મનસુખ લાલે જયું ને એ દિવસે સાચે જ નિકુંજ માની લીધો હતો. એ દિવસે આખો દિવસ મેં માણસના ચહેરા ઉપર નર્યું સુખ દેખ્યું હતું....

દિવસો વીતતા ગયા. મારા પ્લાનિંગ ના અખતરા અમે કરતા જ રહ્યા. 15 દીવસ ડોક્ટરની સલાહ મુજબ મેં એમની ટ્રીટમેન્ટ કરી.

એ પંદર દિવસમાં મનસુખલાલ જ્યૂને નિકુંજ સમજવા લાગ્યા હતા. મેં એમની મુલાકાત પણ કરાવી અને મનસુખલાલ એની સાથે ઘોડી ઘડી રમતા પણ થઈ ગયા હતા. પણ હજુ એ મને જોઈને જરાક ખચકાતા હતા. હજુ એમને મને બેટા કહી ને સંબોદ્યો નહતો.

હવે મારે આ નિસ્વાર્થ ખેલનું છેલ્લું પાનું ઉતારવાનું હતું. મારા ઈરાદા તો પવિત્ર હતા એટલે ઈશ્વર મને સાથ આપતા હતા પણ ડોકટરે કહ્યું હતું કે જો મનસુખલાલ ની ભાવના ને ક્યાંય ઠેસ પહોંચી તો એમની એ બીમારી વિકરાળ રૂપ ધારણ કરશે. એમની એ કલ્પના તૂટી જશે કે મારા ઘરવાળા જીવે છે અને એ આત્મહત્યા કરી દેશે. એ દિવસે હું થરથરી ગયો હતો. મારી હિંમત ભાગી ને ચુર થઈ ગઈ હતી એટલે શિવ ના મંદિરે જઇ ભીખ માંગી આવ્યો... મંદિરે જઇ મને ફરી હિંમત મળી અને એ દિવસે મેં છેલ્લું પાનું ઉતરી દીધું.....

મનસુખલાલ નિકુંજને (જયું) પાસે બેસાડીને રમાડતા હતા. ઓફિસમાં બધાએ મને સહકાર આપ્યો હતો. કોઈ એમને વિચિત્ર નજરે જોતા ન હતા. મેં ઘડિયાળ માં જોયું સમય થઇ ગયો હતો.

અચાનક ઋત્વિ ( વિરલ) સાડીમા લાજ કાઢીને આવી. સીધી જ જઈને મનસુખલાલ ના પગમાં પડી.

" બાપુજી..... માફ કરીદો મને. હવે ક્યારેય આવું નહિ થાય. " એ ગળગળા અવાજે બોલી. ઓફિસમાં અતુલ સિવાય બધા જ ડઘાઈ ગયા હતા.

મનસુખલાલ કાઈ બોલે એ પહેલાં એ ફરી બોલી.

" એક ચા લાવવા મા મેં મોડું કર્યું એમા તમે રિસાઈને ચાલ્યા ગયા."

" અરે પણ....." મનસુખલાલને વાક્ય પૂરું કરવાનો મોકો ન મળ્યો.

" પણ શું છોરું કછોરું થાય અમે ભૂલ કરી કે તમને લેવા ન આવ્યા. પણ માવતર કમાવતાર થાય.......! તમે અલગ રેવા જતા રયા એટલી વાત માં.....? રીત સર ની ઋત્વિ (વિરલ) ચોધાર આંસુ એ રડી પડી હતી. હું પોતે જ ડઘાઈ ગયો હતો.

" અરે માફ કાર્ય વહુ બેટા..... હવે ઉઠો આમ બધા આગળ ...." મનસુખલાલ હસી પડ્યા....

એ સ્મિત અને એ 'વહુ બેટા' શબ્દ મારા અંતર મા ઠંડા બરફની જેમ ઠંડક કરી ગયો.

" તમે શું ત્યાં ઉભા છો બેશરમ ની જેમ. અહીં આવીને બાપુજી ના પગ પકડીને માફી માંગો...." ઋત્વિ (વિરલ)હજુ રડતી હતી. આંસુ તો મારી આંખો માં પણ આવી જ ગયા હતા.

હું બાપુજી ને જઈને પગે લાગ્યો અને કહ્યું " બાપુ ખૂબ દૂર રહ્યા તમે 1 મહિના અલગ રહ્યા હવે ચાલો ફરી આવો અમને હસાવવા. હજુ હું મોટો નથી થયો તમારી છાયા ની જરૂર છે."

બાપુજીએ મારી આંખો લૂછી અને ભેંટી પડયા.... એ બધું જોઈને "મમ્મી મમ્મી " કહેતો નિકુંજ ઋત્વિને વળગીને રડવા લાગ્યો. ઋત્વિએ એને તેડયો( ઊંચકી લીધો) અને એનો ચહેરો જોતી રહી......

એ દિવસે સાચે જ બધા લાગણીઓના પ્રવાહમાં વહી ગયા હતા. મને ખુદને સમજાયું નહતું કે ઋત્વિ એટલી કઇ રીતે રડી શકી હશે? પણ અમે જે મહેનત કરીને મનસુખલાલ ના પરિવારના નામ અને બીજી વિગતો લાવીને આયોજન કર્યું એ સફળ થયું એની ખુશી હતી.

એ વાત ને આજે 3 વર્ષ થઇ ગયા છે આજે મારા જન્મદિવસ ઉપર હું મૃદુલાબેન અને બાળકોને મીઠાઈ આપીને આવ્યો. રસ્તામાં મને વિચાર આવ્યો. મને એમ હતું કે એ આયોજન મારુ હતું પણ એ બધું તો ઉપરવાળાની જ એક લીલા હતી. પહેલા મને અનાથ બનાવ્યો. પછી મૃદુલાબેન ને માં સ્વરૂપે આપ્યા, પછી ભાઈ જેવો અતુલ મળ્યો, પછી પત્ની ઋત્વિ મળી, પછી દીકરો નિકુંજ મળ્યો અને આખરે બાપુ જી પણ મળી ગયા.

હું એમ સમજતો હતો કે હું એમનું જીવન બચાવું છું. હું એમની એકલતા દૂર કરું છું પણ ઈશ્વરે તો મારી એકલતા દૂર કરવા બધું કર્યું હતું..... આજે મને ખુદને જ યાદ નથી કે મેં મનસુખલાલ ને અમને બધાને એમનો પરિવાર માનવા ભરમાવ્યા કે અમે બધા ભરમાઈ ને એમને અમારા બાપુ માનવા લાગ્યા... જે પણ હોય પણ મને એક પિતા મળવાનો અને એક પિતાને પોતાનો પરિવાર પાછો મળવાનો હર્ષ છે. તમે કોઈ ભરમમા ન રહેતા કે હું ભાવિક છું કે રાજેશ......!

વિનોદ ત્રિવેદી ( વિકી 'ઉપેક્ષિત')

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED