Babu Kaka books and stories free download online pdf in Gujarati

બાબુ કાકા.....

બાબુ કાકા .....

વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

એ સમયે મારા જુવાનીના દિવસો હતા. ગરમ ખુન અને ગરમ સ્વભાવ. કોઈ આંગળી ઉઠાવે એટલે તરત કૂતરાની જેમ બાઝી પડવાનું ! મને કોલેજમા આવવા ઉપર પણ પ્રતિબંધિત કરી દીધો હતો... બસ પરીક્ષા આપવા જ જવાનું....શુ કરે પ્રોફેસરો બિચારા ? મારે રોજના ઝઘડા જ હોતા... વાંક મારોય ન હતો મને બસ ખોટું સહન ન થતું એટલે ન જ થતું. બા કહેતી " નીરવ સુધરીજા, સહનશક્તિ રાખ બેટા " પણ એ દિવસોમા મને એ બધું ન સમજાતું. હું બસ મારા મનનુ ધાર્યું જ કરતો....

કોલેજની પરીક્ષા લેવાઈ. ગ્રેજ્યુએશન નું સર્ટિફિકેટ હાથમાં આવતા જ હું નોકરી ની તપાસમા લાગી ગયો. પણ અનુભવ વગર નોકરી ક્યાંથી મળે ..... ? ઘણી જગ્યાએથી નિરાશા જ સાંપડી. આખરે મેં એ પ્રયત્ન પડતો મુક્યો અને સરકારી નોકરીઓની તૈયારી શરૂ કરી દીધી. એ સમયે સરકારી નોકરીઓ માટે ની ભરતી પણ બહુ પડતી. ચૂંટણી નજીક હતી ને......! છએક મહિના તૈયારી કરીને મેં ઘણી પરીક્ષાઓ આપી પણ એમાંય કોઈ જગ્યાએ પેપર ફૂટી જતા તો કોઈ જગ્યાએ નેતાઓ...... ! મને સતત નિરાશા મળવા લાગી. આખરે એક તલાટીની પરીક્ષા આપી અને નસીબ જોગે એમાં મારો નમ્બર લાગી ગયો..... રાજીના રેડ થઈ મેં ઘેર વાત કરી ... પણ નોકરી છેક ગુજરાતના પેલે છેડે મળી હતી.... હું અમદાવાદ નો અને નોકરી મળી પાલનપુર ના એક ગામડામાં. ગામનું નામ ગઢ.

બા એ તો નોકરી લેવાની જ ના પાડી દીધી. " ના નીરવ તું તારા આ સ્વભાવે ત્યાં એકલો ન રહી શકે... " પણ બાપુએ બાને સમજાવી કે એકલો રહેશે તો જ નિખરશે... બા અંતે માની ગઈ અને મેં પાલનપુર જવા માટે બેગ તૈયાર કરી ને નીકળ્યો. પાલનપુર પહોંચીને એક રુમ રાખી. અને બીજે દિવસે પાલનપુર થી ગઢ નું અપડાઉન ચાલુ થઈ ગયું... મારા મને તો તલાટી એટલે કાઈ નહિ..... આઈ. પી.એસ. થવું હતું ને એટલે..... ! પણ પહેલા જ દિવસથી ગામના લોકો કાગળ કામે આવવા લાગ્યા ને બધા સાહેબ સાહેબ કહેતા..... અમુક તો ચા પાણી નું પણ પૂછતાં.... બિચારા ભ્રષ્ટાચારથી ટેવાયેલા ખરા ને...... ! પણ મને તો ભ્રષ્ટચાર ને લીધે જ ઊંચી પદવી ન મળી એટલે મને એની સુગ થઈ ગઈ હતી..... લોકો મને ધારી ધારી ને જોતા...... અને મને ચીડ ચડતી પણ મને ત્યારે ક્યાં ખબર હતી કે એ લોકો મને એમ કેમ દેખે છે....!

મને માંડ દસેક દિવસ થયા હશે ને હું અપડાઉનથી કંટાળી ગયો. હોટલનું ખાવાનું પણ ઘણા દિવસ તો ન જ ગમે. મેં ગઢ ગામમાં જ એક ખાલી ઘરની તપાસ કરીને મારો ડેરો ત્યાં જ ગોઠવી દીધો. મને ગઢમાં પણ ન ફાવ્યું ત્યારે જ સમજાયું કે મને અપડાઉનનો કંટાળો નઇ પણ ઘરની યાદ સતાવતી હતી. બા દરેક વાતે વિરોધ કરતી અને બાપુ મારો પક્ષ લેતા. સવારે ઉઠતા જ બા ની બુમો ચાલુ થઈ જતી " આ છોકરો ઘોર તાણે છે , આળસ ઘર કરી ગઈ છે , દાળદરી છે સાવ દાળદરી..... " અને હું રોષે ભરાઈ જતો....

" બા તને તો બોલતા આવડે છે પણ હું સવારે વહેલો જાગી ને શુ ઉખાડી લેવાનો ? છે કોઈ કામ કે ધંધો ?"

બા પ્રત્યુતર ન વાળતી બસ ચા કાઢીને કપ મૂકી " લે આ ચા બીજી વાર ગરમ કરી છે આ ટાઢા ચા પી પી ને જ શરીર બગાડ્યું છે" કહી ને વાસણ ઘસવા ચાલી જતી... હું લાલઘોમ ચહેરે કપ ને તાકી રહેતો અને બાપુ આવીને મને પચાસની એક નોટ આપી હોઠ ઉપર આંગળી મુકી ઈશારો કરી દેતા.... બધો ગુસ્સો એ એક નોટમા વિલીન થઈ જતો....

મને અહીં એકલા રહ્યા પછી જ એ ભાન થયું હતું કે સવારથી સાંજ સુધી બા અને બાપુ જ બધા કામ કરીને થાકતા હતા હું તો રાજા ની જેમ જીવતો હતો.... અને એટલે જ મને અહીં અકળામણ થતી હતી....

બા બાપુનું મહત્વ તો એ દિવસે સમજી ગયો હતો પણ એકતો કામ જાતે કરવાના, જાતે જ ઉઠવાનું, જાતે જ રાંધવાનું અને ઉપરથી સરપંચ અને સભ્યોની દાદાગીરી તો ખરી જ ..... ગામના લોકો સાહેબ કહેતા પણ ક્યાંય એમાં પ્રેમ ન હતો બસ હતી તો ગરજ......! કોઈને કાગળ કાઢવાની તો કોઈને સહી કરાવવાની..... મને ઘરની યાદ સતત આવ્યા કરતી પણ ઘરે જાણતો કરતો નહિ.... બા ને દુઃખ લાગે ને ....!

હું નોકરીના સમય સિવાય ઘર બહાર નીકળતો જ નહીં. મને કાઈ ગમતું જ નહોતું.... પણ મને એક વાત અજીબ લાગતી હતી. મારા મકાન સામે જ એક જૂનું ઘર હતું. મેં જોયું તો એમાં કોઈ ખાસ માણસ મને દેખાતું નહિ. બીજા બધા ઘરમાં માણસો ની અવરજવર રહેતી પણ એ ઘરમાં તો એક વૃદ્ધ કાકા જ દેખાતા. ન કોઈ આવતું ન કોઈ જતું..... ! માત્ર એક ગાય આંગણમાં બાંધેલી હતી..... બાજુમાં એક પાણીની ટાંકી અને થોડું ઘાસ....

હું કેટલાય દિવસ સુધી એ ઘર તરફ ધ્યાન આપતો રહ્યો.... ગામ માંથી આ કાકા ને કોઈ મળવા કેમ નઇ આવતું હોય.....? કાકા કોણ હશે ? વિચાર થતા પણ હું કોઈ દિવસ પૂછતો નહિ....

મારી નોકરી અને દિવસો ચાલ્યા કરતા હતા. અને એવામા એક સવારે હું જાગ્યો કળશ લઈને બ્રશ હાથમાં લીધું પણ ટૂથપેસ્ટ જોઈ તો પુરી થઈ ગઈ હતી. જોર કરીને દબાવી પણ કાઈ વળ્યું નહિ.... ત્યાંજ સામે એક લીમડાના ઝાડ ઉપર નજર પડી..... મને થયું લાવ આજે તો દાતણ જ કરી લઉં. આ ગામડાના લોકો રોજ દાતણ કરે છે અને સો ફાયદા ગણાવે છે એના..... હું એ લીમડા તરફ જતો હતો ત્યાં જ મને પેલા કાકા સામેથી આવતા દેખાયા. આ કાકા સવારે ક્યાં ગયા હશે ? મેં ધ્યાનથી જોયું તો એમના હાથમાં એક થાળી, અને કપાળે કુમકુમ નો ચાંલ્લો કરેલો હતો. હું સમજી ગયો કે કાકા મંદિર જઈને આવે છે. હું મારા કામમા લાગી ગયો પણ મને દાતણ નો અનુભવ નહિ એક બે નીચી ડાળ ઉપર મેં નજર કરી પણ દાતણ માટે યોગ્ય નાની ડાળી મને મળી નહિ....... હું માથું ખંજવાળતો ઉભો હતો ત્યાં જ કાને અવાજ આવ્યો

" દાતણ લેવું છે બેટા ?"

" સાહેબ " શબ્દથી કંટાળેલો અને બા બાપુજી ના લાડથી અલગ પડેલો હું એક અલગ જ અનુભૂતિ કરવા લાગ્યો.... ફરી શબ્દો આવ્યા " કહું છું દાતણ લેવું છે બેટા ?" મેં ફરીને જોયું તો એ કાકા ઉભા હતા.... સફેદ કપડાંમાં , ખડતલ શરીર, માથા ઉપર પાઘડી ને ઉંમરની પાકેલી સફેદ મૂંછો...... જાજરમાન વ્યક્તિત્વ છલકે.....!

" હા કાકા દાતણ તો લેવું છે પણ ખબર નથી પડતી કે કેમ લેવું !"

હમેશા શાંત અને ચૂપ રહેતા કાકાને એ દિવસે મેં પહેલી વાર હસતા જોયા " લે ત્યારે હું લઈ દઉં " કહી કાકાએ ડાળી પકડી એક દાતણ લીધું અને સરખું કરી મને આપ્યું.

" આભાર કાકા ..... તમારું નામ ?"

" મારુ નામ બાબુ.....બાબુ ભરવાડ " હસીને કાકાએ કહ્યું

" આવોને કાકા ચા પી લઈએ ભેગા બેહીને " મેં થોડો સમય ગઢ મા ગુજાર્યો હતો એટલે એકાદ બે તળપદા શબ્દો મને પણ આવડી ગયા હતા...

કેમ જાણે મેં કરોડોનું ઇનામ ન આપી દીધું હોય ? બાબુ કાકાના ચહેરા ઉપર એક અલગ જ ચમક મને દેખાઈ " હેંડો ત્યારે ચા પી લીએ એમાં શુ "

હું અને બાબુ કાકા મારા મકાને ગયા. મેં એક ખુરશી ઢાળીને કહ્યું " તમે બેસો હું ચા બનાવું "

" હરિ ઓમ તું..... " કહેતા બાબુ કાકા બેઠા મેં ચા બનાવી બે કપ ભર્યા એક બાબુ કાકાને આપ્યો અને એક મેં લીધો....

ચા પી ને બાબુ કાકા એકાએક ઉદાસ થઈ ગયા..... મારા ચહેરા તરફ જોતા એ ઉભા થઇ ગયા. મને લાગ્યું નક્કી ચા નઈ ગમી હોય

" કેમ કાકા ચા બરાબર નતી ?" મારાથી પુછાઈ ગયું....

" ના બેટા " કહી બાબુ કાકા થાળી ઉઠાવી ચાલવા લાગ્યા.... જોતજોતામાં તો એ આંગણું વટાવી ગયા.... હું કઈ સમજી ન શક્યો.... કેમ બાબુ કાકા ચાલ્યા ગયા અને મને આ માણસ સાથે એકાદ કલાક ના સમયમાં કેમ લાગણી થઈ ગઈ ? હું અવઢવમાં ક્યાંય સુધી બેસી રહ્યો.....

થયું કે ઘેર જઈને બાબુ કાકા ને જ પૂછી લઉ પણ ઘડિયાળમાં જોયુ તો નોકરીનો સમય થઈ ગયો હતો.... મારે જવું જ પડ્યું..... ! આખો દિવસ એ વિચારોમાં જ ગયો. સાંજે ઘેર આવ્યો ત્યારે તો હું મારી જાતને રોકી ન જ શક્યો.... પગ મારા ઘર તરફ જવાને બદલે બાબુકાકા ના ઘર તરફ મને ખેંચી જ ગયા..... પણ જઈને જોયું તો બાબુ કાકા નહોતા..... કદાચ મંદિરે ગયા હશે .... હું ભોલેનાથના મંદિર ગયો પણ ત્યાં બાબુ કાકા નહોતા. પૂજારી ને પૂછ્યું તો એમણે પણ કહ્યું કે બાબુ કાકા તો સવારે જ આવે સાંજે તો ક્યારેય નથી આવતા.....

ક્યાં ગયા હશે બાબુ કાકા ? મને એ એક ચા ના સાથીદાર માટે ચિંતા થવા લાગી.... હું ઘરે પહોંચ્યો ત્યારે તો ખરાબ વિચારો આવવા લાગ્યા.... ક્યાંક બાબુ કાકા ને વગડામાં રીંછ ..... ના ના એવું ન હોય..... મેં રસોઈ બનાવી અને જમ્યો.... નજર સામે ના ઘર તરફ જ હતી.... પણ બાબુ કાકા ન જ આવ્યા..... ગાય ના ભાભરવાનો અવાજ આવતો હતો.... તો બાબુ કાકા આજે સવારથી જ ગાયબ છે અથવા તો બપોર પછી ક્યાંક ગયા છે નહિતર આમ ગાય ભાભરે નહિ..... મને થયું ગાય ભૂખી હશે લાવ જરાક ઘાસ નાખી આવું..... હું ગયો અને ગાય ને બાજુમાં પડેલા થોડા પૂળા લઈને નાખ્યા.... ગાય તો ખાવા લાગી , એક ડોલ પાસેના ટાંકેથી ભરીને પાણી આપ્યું. મેં જોયું તો ઓરડો ઉઘાડો પડ્યો હતો.... આ બાબુ કાકા ઓરડો ઉઘાડો મૂકી ને ક્યાં ગયા હશે ? એ ગાય ના ખાવા પીવાના સમયે પણ ન આવ્યા ! ઓરડામા જઈને જોવાનું મન થયું પણ જીવ પાછો પડયો ના ના આમ કોઈના ઘરમાં ન જવાય..... હું ઘરે જઈને સુઈ ગયો.... મોડા સુધી વિચારો આવતા જતા રહ્યા અને થાકેલું મન ક્યારે સુઈ ગયુ........

બીજા દિવસે હું જાગ્યો ત્યારે ઘરમાં અવાજ થતો હતો... અર્ધી ઊંઘમાં હું એમ જ સમજ્યો કે બા આદુ ખાંડતી હશે પણ એકાએક યાદ આવ્યું અને હું સફાળો ઉભો થઇ ગયો.... બા ક્યાથી હોય ....... ? હું તો અહીં..... હું ઉભો થઈને ઓરડામાં ગયો ત્યાં તો મારી આંખો ન માની શકે એવું થયું..... બાબુ કાકા બેઠા બેઠા ચા ઉકળતા હતા.....

" જાગ્યો બેટા.... મને એમ કે ભલે ઊંઘયો આજ તો મુ જ ચા કરું ?"

આટલો લગાવ ! આટલો નજીક કોઈ વ્યક્તિ એક દિવસમાં કઈ રીતે આવી શકે ? હું વિચારમાં ડૂબી ગયો.....

" લે આ દાતણ તારા સાટું લાવીને રાખ્યું છે ને આ રહ્યો આઉધો કળશિયો "

હું ચુપચાપ દાતણ અને કળશ લઈને બહાર જઈ દાતણ કરવા લાગ્યો..... દાતણ કરી રહ્યો ત્યાં તો બાબુકાકા કડક ચા બનાવીને લઈ આવ્યા. અમે બેય જણે ચા પીધી પછી હું નહાવા ગયો અને નાહીને આવ્યો ત્યાં તો બાબુકાકાએ વાસણ ધોઈને સાફ કરી દીધા હતા.....

" અરે કાકા તમે એટલી તકલીફ કેમ લીધી ?" નવાઈથી મેં પૂછી લીધું...

" તારે મોડું થાય ને ? ને એમેય મુ તો નવરો છું મારે શું કામ ?"

શબ્દો જ નહોતા વધ્યા હું કઈ બોલ્યો નહિ. બસ કપડાં પહેરીને નોકરીએ જવા નીકળ્યો. બાબુ કાકાને હસીને બાય કીધું ત્યાં તો સામેથી ગાય નો ભાભરવાનો અવાજ આવ્યો...

" જય સી કરસન " હસતા હસતા બાબુકાકા ઘર તરફ જવા લાગ્યા " એ આવુંહ રયો માઁ " ગાયને કહેતા એ જવા લાગ્યા...

હું ગયો. એ દિવસે બપોરે તો મને ભૂખ જ નહોતી એટલે હું ઘરે ન ગયો. છેક સાંજે ઘરે ગયો.

" ચ્યમ બપોરે ન આયો ?" ઠપકા ભરી નજરે બાબુ કાકા બોલ્યા...

" અરે બાબુ કાકા કામ ઘણું હતું... " મેં હસીને કહ્યું....

" કાય ભો નઈ , હેડ ત્યારે આજે તો તને રોટલા ચખાડું.... "

બાબુ કાકા તો જમવાનું બનાવવા મંડ્યા... હું જોતો જ રહી ગયો... જોત જોતામાં તો બાબુ કાકાએ છાસની કઢી બનાવી અને બાજરીના રોટલા બનાવી દીધા.... અમે બેય જમવા બેઠા આંગળા ચાટી ચાટી ને હું ખાઈ ગયો એવો તો સ્વાદ હતો........! મને થયું હું કેટલો નસીબદાર છું મને એક પિતા જેવો સંબંધ મળી ગયો......!

એ દિવસથી તો અમારે એવી મૈત્રી થઇ ગઈ કે સાંજ હોય કે સવાર દિવસ હોય કે રાત હું નવરો પડું એટલે બાબુ કાકાને ટહુકો કરું. હું સવારે જાગુ એટલે ઘરમાં અવાજ થતો હોય, સફેદ વસ્ત્રો, માથે એવી જ સફેદ પાઘડી પહેરેલ અને મોટી સફેદ મૂંછો વાળા બાબુ કાકા ચા ઉકાળતા હોય. " વૈષ્ણવ જન તો તેને રે કહીયે..... " નરસિંહ મહેતાના ભજન ગાતા ગાતા ડોયાથી ચા હલાવતા બાબુ કાકાના દર્શન સાથે મારો દિવસ શરૂ થતો એ રોજીંદો ક્રમ બની ગયો હતો.... બાબુ કાકા મને જમવાનું પણ બનાવવા ન દેતા એ જ બનાવતા... હું વિચારતો કે માણસ એકલો પડી જાય પછી એને કોઈ મળી જાય તો એ કેટલો સ્નેહ કરે ...... ! પણ મેં બાબુ કાકા ના દિલને દુઃખવવા માટે ક્યારેય એમના ભૂતકાળ અંગે પૂછ્યું નહોતું..... હું બસ એટલું જાણતો હતો કે બાબુ કાકા માટે હવે હું જ પરિવાર છું, હું જ બધી ખુશી છું... ! મેં ઘરે બા અને બાપુ ને પણ બાબુ કાકાની વાત કરી અને એ બેય પણ ખુશ થઈ ગયા હતા... ગામમાં બધા અમારી જ વાત કરતા.... અમારી મૈત્રી જોઈ ઘણા તો બળતા પણ ખરા.....

એક દિવસ રવિવારે અમે ગાય લઈને વગડામાં ચરાવવા ગયા હતા. અને ફરતા ફરતા નદી તરફ જતા રહ્યા.... નદી જોઈને હું તો ઉછળી પડ્યો..... નહાવા નું મન થઇ ગયું અને હું નદી તરફ જવા લાગ્યો......

" નઈ ...... ઉભો રે..... એમાં ન જતો...... થોભી જા...... " ચિંતાતુર અવાજે બાબુકાકા બોલ્યા.... અને મારા પગ એકાએક થોભી ગયા.... ફરી ને જોયું તો બાબુ કાકા દોટ મૂકીને મારા તરફ દોડતા આવતા હતા.... મારી પાસે આવીને મને બાવડેથી પકડી લીધો.....

" અરે પણ હું તો કિનારે .... "

" ના કીધું ને ..... એમાં ન જવાય આ નદીએ તો ચેટલા ના જીવ..... " એકાએક જાણે કોઈ સ્વજન નદીમાં મોતને ભેંટ્યો હોય એમ બાબુ કાકા નદી તરફ જોઈ રહ્યા.... મને સમજાયું તો નહીં પણ એ સમયે બાબુ કાકાની આંખ માંથી છલકતું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું એટલે મને ઘેર જવું યોગ્ય લાગ્યું....

એ દિવસે હું બાબુ કાકાને ઘેર લઈ ગયો. આખી વાટે ક્યાંય બાબુ કાકાએ એક હરફ ન ઉચ્ચાર્યો.... મને ઘણું થયું કે પૂછી લઉ પણ જીવ ન જ ચાલ્યો.... કેટલાય દિવસ સુધી બાબુ કાકા એ ઘટના પછી દુઃખી દુઃખી રહ્યા હતા.... પણ ફરી અમારી મૈત્રી આગળ વધવા લાગી..... હું અને બાબુકાકા બેય રાજી ખુશીથી જીવતા હતા.... પણ કહેવત છે ને કે સુખ ઝાઝું ન ટકે...... !

એક દિવસ બાબુ કાકા બીમાર પડ્યા.. બે ત્રણ દિવસ મેં દવાખાને જવાનું કહ્યું પણ એ કહેતા રહ્યા " મને શું થાય બે દી મા બધું મટી જાહે.... " પણ તબિયત દિવસે દિવસે વધુને વધુ બગડતી રહી..... પાછલી ઉંમરને લીધે એકાએક શરીર અશક્ત પડવા લાગ્યું.... એક દિવસ હું જીદ કરીને પાલનપુર દવાખાને લઈ ગયો, ડોકટરે બે દિવસ ભરતી રાખ્યા... થોડો તબિયતમાં સુધાર આવ્યો એટલે ડોકટરે રજા આપી દીધી. બે દિવસથી હું નોકરીએ ગયો નહોતો અને બીજા બે દિવસની પણ મેં રજા લઈ લીધી. સવાર સાંજ સમય સર જમવાનું અને દવા આપી એટલે બાબુ કાકા ચાલતા થઈ ગયા. મને પણ નિરાંત થઈ અને હું પછી નોકરીએ જવા લાગ્યો.

ચારેક દિવસ થયા હશે અને હું એ દિવસે નોકરી ઉપર હતો ત્યાં અચાનક ગામનો એક માણસ આવ્યો મને કહ્યુ "તમારા બાબુ કાકા નથી રહ્યા........ !!!!"

ધ્રાસકા સાથે હું ઉભો થઇ ઘર તરફ ભાગ્યો. જઈને જોયું તો ગામના લોકોનું એક ટોળું હતું..... ભીડમાંથી જગ્યા કરી હું આગળ ગયો અને હ્ર્દય બેસી ગયું....... બાબુ કાકાને બે ચાર માણસો લીંપણ કરીને સુવાડતા હતા.... પહેલી જ વાર મારી આંખો રડી પડી...... એકાએક મને થયું બાબુ કાકાને કોઈ સગુ છે જ નહીં અથવા હશે તો કોઇ આવ્યું નથી..... તો બધું કોણ કરશે ? ખુનના સબંધ વગરની એ જવાબદારી મારી ઉપર જ આવી પડી.... પણ મેં તો ક્યારેય કોઈનું મૃત્યુ જોયું જ નહોતું , ન મને કોઈ રીત રિવાજ ની ખબર હતી... મેં તરત બા બાપુને જાણ કરી. ગામના અમુક લોકોએ નનામી બાંધી પણ કોઈ સગુ ઉપાડવા આવ્યું નહિ.... બે ચાર માણસોએ મને કહ્યું " સાહેબ તમે જ બાબુ કાકા ના જે ગણો એ હતા.... તમે જ.... "

હું એ અધૂરા વાક્યને સમજી ગયો.....એક હું અને બીજા ત્રણ જણ થઈ અમે અગ્નિસંસ્કાર કરી આવ્યા..... લોકો તો પોત પોતાના ઘર તરફ જવા લાગ્યા..... ઘર ખાલી થઈ ગયું..... બસ હતો તો એક માત્ર હું... ! સામે ભાંભરતી એ ગાય....! અને બાબુ કાકાની એ યાદો... !

ઉદાસ થઈ હું બેસી રહ્યો...... હું મારું દુઃખ કોને કહું ? મારા હતા એ બાબુ કાકા તો ચાલ્યા ગયા ! ........ બીજુ તો કોણ હતું જ અહીં ? સાંજે બા બાપુ આવ્યા એટલે હું મારી જાત ને રોકી શક્યો નહિ બાપુ ને વળગી હું ખુલ્લા મોએ રડી પડ્યો...... બાપુએ મને સાંત્વના આપી....... મેં બાપુ ને બધી વાત કહી અને બાપુ એ કહ્યું " તું ચિંતા ન કર આપણે બધી જ વિધિ કરી દઈશું..... તને દીકરા જેમ રાખ્યો છે એટલે બધી જવાબદારી આપણી જ છે..... "

અમે ત્રણેય જણે બાર દિવસની વિધિ પુરી કરી. ફૂલ તો ત્રીજા દિવસે જ મેં લાવી દીધા હતા.... હવે બસ એક ગાય ની વાત રહી હતી પણ મફત મા ગાય તો કોઈ પણ માણસ લેશે જ એ અમને ખાતરી હતી.... ગાય આમ તો બાબુ કાકાની છેલ્લી યાદ હતી પણ ગાયની સાર સંભાળ રાખતા અમારામાંથી કોઈને આવડે નહિ.... શહેરમાં જન્મ્યા ને.... !

એ દિવસે હું અને મારા બાપુ ગામના અમુક ગરીબ લોકોને બોલાવી લાવ્યા. એક જણ ને ગાય આપી દીધી. ઘરમાં બે ઢોલિયા હતા એ ગામના ઢોલીને આપ્યા... બીજો અમુક સામાન પણ જરૂરિયાતમંદ લોકોને આપી દીધો. અંતે ઓરડામાં એક જૂની પેટી વધી.... પેટીને તાળું મારેલું હતું. એ તાળું જોઈને અચાનક જ મને યાદ આવ્યું બાબુ કાકાના કંદોરે હમેશા એક ચાવી લટકતી હોતી જ. બાબુ કાકા ગમે ત્યાં જતા તો પણ ઘર ઓરડો ખુલ્લો જ રાખતા પણ આ એક પેટી ને તાળું હતું એ જોઈ મને થયું કાંઈક તો અંદર કિંમતી હોવું હોઈએ. મેં જાણવાની ઉત્સુતકતા સાથે તાળું તોડ્યું અને પેટી ખોલી..... પેલો ઢોલી કાંઈક મળશે એની લાલચમા ઉભો રહ્યો.... પેટીમા એક બે જોડી કપડાં હતા.... મેં કપડાં હટાવી ને જોયું તો નીચે એક ફોટો ફ્રેમ હતી..... આ કપડાં અને ફ્રેમ ખાતર બાબુ કાકાએ તાળું કેમ માર્યું હશે .... !!??? ખુલ્લા દિલના બાબુ કાકાની બંધ પેટી ? મને નવાઈ થઈ.... ફ્રેમ ઉપરથી મેં કવર નીકાળ્યું અને એ ક્ષણે હું અચંબિત થઈ ગયો....... બાબુ કાકાને મેં મારો કોઈ ફોટો આપ્યો નથી તો આ મારો ફોટો ક્યાંથી આવ્યો ? અને ફોટા મા જે કપડાં પહેરેલા હતા એ કપડાં તો મારા હતા જ નહીં......! મારા વાળ તો ટૂંકા જ હોય પણ એ ફોટામા લાંબા વાળ વાળો હું નદીના કિનારે સ્મિત આપતો ઉભો હતો......

હું અચંબિત થઈને ફોટા ને જોતો હતો ત્યાં બા બાપુ પણ એ ફોટો જોઈને વિમાસણમાં પડી ગયા.....

" નીરવ તે ગામડાના કપડામાં ફોટો પડાવ્યો ???? "

મને ગામડાની રહેણી કરણી અને પહેરવેશ પ્રત્યે એક સુગ હતી એટલે બા બાપુ ને તો વિશ્વાસ જ ન આવ્યો..... મેં બધી ચોખવટ કરી કે આ ફોટો મારો છે જ નહીં....... !

ઢોલી બધું સાંભળતો હતો એ બોલ્યો " બાપ આ તો બાબુ કાકા નો પોયરો, દેખાય તમારા જેવો જ "

" એનું નામ શું જતું ? અને એ...."

મને અટકાવી એ આગળ બોલ્યો "હરિયો ઈનું નામ ને નદી બેય કોઠે વે તયે એને તરવાનો શોખ..... એક દી ઇ જ નદીમાં હરિયો ખપી ગયો.... "

હું ફોટો જોતો જ રહી ગયો...... કિસ્મતના કેવા ખેલ .... ? બાબુ કાકા નો દીકરો હરિયો ગુજરી ગયો અને મને એ જ ગામમાં બાબુ કાકા ના ઘર સામે જ કુદરતે મુક્યો...... ! તો એટલે મને ગામના લોકો એવી રીતે દેખતા હતા.... ? એટલે જ એ દિવસે નદીએ બાબુકાકા ગભરાઈ ગયા હતા ? આ ચહેરા માટે એમને એટલી લાગણીઓ થઈ આવી તો એ દીકરો કેટલો વ્હાલો હશે.....? !!!! મારી આંખ ફરી ભીની થઇ ગઇ.....!

એ ઘટના પછી થોડા દિવસ બા બાપુજી રોકાયા અને પછી એ અમદાવાદ ગયા એટલે હું સાવ એકલો પડી ગયો...... પછી તો સવારે જાગુ એટલે ઓરડામાં ન કોઈ અવાજ સંભળાય, ન કદી મને એ કઢી ને રોટલા મળે, ન એ પ્રેમ મળે કે ન એ બાબુ કાકા સાથે વન વગડામાં ફરવાનો લ્હાવો મળે.....!

આજે એ વાત ને બાર વર્ષ વીતી ગયા છે. મેં એ મૂળજી ભાઈનું ઘર ખરીદી લીધું છે અને ત્યાં એક પાકું મકાન બનાવ્યું છે. બા બાપુજી પણ મારી સાથે જ અહીં રહે છે અને મારા લગન પણ થઈ ગયા છે.......બે બાળકો છે ... પૈસો છે.... બધું જ છે મારી પાસે પણ એક ઉદાસી સતત ડંખ્યાં કરે છે... ...! બાબુ કાકા......! એ વ્યક્તિત્વ ક્યાંય દેખાતું નથી..... બસ એક છબી મારા હ્ર્દયમા ચિતરાયેલી છે..... આજે પણ સવારે જાગી હું દાતણ કરું છું ત્યારે સામેના વિરાન ઘરમાં જાણે એક ગાય ભાભરે છે એવો આભાસ થાય છે...... સફેદ કપડાં, સફેદ ફાળિયું અને સફેદ મૂંછો વાળા બાબુ કાકા જાણે કહેતા હોય ...... " લ્યા દાતણ જટ્ટ કર આ ચા ટાઢી થાય છે.....!" અને મારી આંખોમાંથી આંસુ સરી પડે છે.......

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED