મુજ વીતી તુજ વીતશે ! Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મુજ વીતી તુજ વીતશે !

મુજ વીતી તુજ વીતશે !

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ધીરજલાલ અને કિશોરભાઈ રોજ એ કોફી હાઉસમાં આવતા. વર્ષોથી બંને મિત્રો ધનજી શેઠના કોફી હાઉસમાં આવતા. સાંજના પાંચને ટકોરે તો બેઉ ત્યાં બેઠા જ હોય. બંને નિવૃત્ત. ધીરજલાલને એક દીકરો અને એક દીકરી હતી. મયંક બેંકમાં મેનેજર હતો અને ઝંખના કોલેજમાં હતી એટલે ધીરજલાલને આરામનો સમય હતો. કિશોર ભાઈને બે બાળકો, દીકરો પ્રભાત રેલવેમાં અધિકારી અને કરિશ્માને પરણાવીને સાસરે મૂકી દીધી હતી. આમ તો કિશોરભાઈને પણ હવે કોઈ કામ ધંધો કરવાનો ન હતો બસ સવારે મંદિર જવું અને સાંજે કોફી હાઉસ જવું બે જ કામ! ઉપરવાળાની દયાથી પ્રભાતને નોકરી પણ અમદાવાદમાં જ મળી હતી.

ધીરજલાલ અને કિશોરભાઈ રોજની જેમ એ દિવસે પણ ત્યાં કોફી હાઉસમાં ભેગા થયા. એ લોકો વાતો કરતા જ હતા ત્યાં મનુ બે કપ ચા લઈને આવ્યો. હજુ ધીરજલાલ કપ હાથમાં પકડે એ પહેલા તો કપ હાથમાંથી છટકી ગયો અને ગરમ ચા ધીરજલાલ ઉપર ઢોળાઈ ગઈ. ધીરજલાલ રાડ પાડી ઉઠ્યા. સફેદ લેંઘા ઉપર ચા ના ડાઘ પડી ગયા.

મનુ તો ગભરાઈ ગયો એને લાગ્યું નક્કી આજે આ કાકા ગાળો દેશે પણ એની ધારણા તદ્દન ખોટી પડી.

"કાઈ વાંધો નથી બેટા" સ્મિત સાથે ધીરજલાલના શબ્દો સરી પડ્યા. જાણે એક સ્મિત બંધન થયું હોય એમ ધીરજલાલના હોઠથી એ સ્મિત શબ્દો સ્વરૂપે મનુના હોઠ ઉપર જઈ બેઠું ! હાસ....! નોકરી બચી ગઈ ! મનોમન એ બોલ્યો અને ચાલતો થયો.....

ધનજી શેઠ આ બધું જોતા હતા. ધીરજલાલે એ બધું એટલા હળવાશથી લીધું એ જોઈ એમને નવાઈ થઈ કેમ કે જવાનીમાં તો ધીરજલાલ નામથી વિરુદ્ધ ગુણ ધરાવતા હતા. આજે અધીરા ધીરજલાલની ધીરજ જોઈને ધનજી શેઠને જૂનો દાખલો યાદ આવી ગયો.

એ સમયે ધનજી શેઠ 'ધનીયો ચા વાળો' નામે ઓળખાતા હતા. અને એમની એ ચા ની જૂની દુકાન જ્યાં હતી એ અમદાવાદની સૌથી ખરાબ બજાર ગણવામાં આવતી. વસ્તુઓ સસ્તી મળતી પણ કોઈ હટાણું કરવા આવતું નહિ ! કોઈને ના છૂટકે ચાલવું પડે તો જ એ રસ્તે ચાલતા ! એ સમયે ધીરજ અને કિશોર બન્ને કિશોર અવસ્થામાં હતા. બંને ભાઈબંધ ધનિયાને ત્યાં સાંજે ચા પીવા આવતા.

એક વાર ધનિયાને ત્યાં એ બેઉ જણ ચા પીવા આવ્યા અને એવી જ રીતે ધનીયાના માણસ ભૂરાએ ભૂલથી ધીરજ ઉપર ચા ઢોળી હતી અને અધીરો ધીરજ ગાળો ભાંડવા લાગ્યો હતો. ધનીયે માંડ સમજાવ્યો નહિતર એ દિવસે ભૂરાના હાડકા ખોખરા કરી નાંખત.

ધનિયાને થયું હતું કે આ બિચારા ભૂરાના કાઈ વાંક નથી તોય આ બે જણ ખોટા બાજી પડ્યા છે. પણ ઘરાક ઓછા આવતા એટલે ધનિયો ચૂપચાપ ગળે ઉતારી ગયો.

પછી તો જ્યારે એ બે જણ આવતા એટલે ધનિયો જાતે જ ચા આપતો. ધનિયો દેખતો કે ધીરજ અને કિશોર રસ્તે ચાલતી કોલેજની છોકરીઓને છેડતા અને ઘણી વાર તો ઝઘડા થતા. એક વાર તો ધીરજે હદ કરી દીધી. એક કાકા બેઠા હતા, સફેદ વસ્ત્રો, પાતળું શરીર, કરચલી વાળો ચહેરો, માથા ઉપર ટોપી, હાથમાં છાપું ને નજર છાપામાં. એ સમયે ધીરજ અને કિશોર આવ્યા અને કાકાને પોતાની જગ્યા ઉપર બેઠા જોઈ ધીરજ ભડકી ગયો...! સીધો જ આવીને કાકાની ટોપી હાથથી ઉછાળી દીધી !

ધનિયો એ દિવસે ચૂપ ન રહ્યો " અલ્યા ધીરજ તું બધાને બાજે છે આમ હું કઈ કે'તો નથી પણ ઉંમર તો દેખ સિત્તેરના કાકા હારે તું આમ વરતે ઇ નો હાલે..."

ધનિયો ખિજાયો પણ એ કાકા તો જાણે કાઈ થયું જ ન હોય એમ બોલ્યા " ધનજી રેવા દે બેટા જવાની છે. પીપળ પાન ખરંતી હસતી કૂંપળીયા, મુજ વીતી તુજ વીતશે ધીરજ બાપુડિયા"

કાકા એટલું કહી ઉભા થઇ ગયા. ચશ્માંની ડબ્બી અને છાપું ટેબલ ઉપરથી લીધું પછી નીચે પડેલી ટોપી લઇ એ સામેની ટેબલ ખુરશી ઉપર ગોઠવાઈ ગયા... ધીરજને કાઈ સમજાયું નહીં એ બસ એના ટેબલ ઉપર બેસી ચા પીવા લાગ્યો.

એ કિસ્સાને તો આજે ચાળીસ વર્ષ થઈ ગયા, ધનિયો ચા વાળો ધનજી શેઠ થઈ ગયો, ધીરજ માંથી ધીરજલાલ અને કિશોર માંથી કિશોરભાઈ થઈ ગયા.

એ દિવસે ધીરજલાલ અને કિશોરભાઈ ગયા પછી ધનજી શેઠ ક્યાંય સુધી વિચારતા રહ્યા. માણસ કેવો બદલાઇ જાય છે ? એક દિવસ વાતે વાતે બાજી પડનાર ધીરજલાલ આજે કેટલી ધીરજ ધરાવે છે ! બધું મહત્વ સમયનું છે !

એ દિવસ પછી તો ધનજી શેઠ પણ ધીરજલાલ અને કિશોરભાઈ માટે જે મનના ઊંડાણમાં નફરત હતી એ ખાલી કરવા લાગ્યા. બેઉ ભાઈબંધ રોજ આવતા, પોતાના ઘરની વાતો કરતા, જુના દિવસો યાદ કરતા અને કરેલ ખોટા કામનો અફસોસ પણ કરતા. બસ આમ જ સાંજના પાંચના ટકોરે બેય ભાઈબંધ ધનજી શેઠની કોફી હાઉસ ઉપર આવતા.

એક દિવસ અલગ જ બન્યું. ધીરજલાલ જમીને ઘરે બેઠા હતા. અગિયારેક વાગ્યાનો સુમાર હશે અને અચાનક કિશોરભાઈનો ફોન આવ્યો અને કોફી હાઉસ ઉપર આવવાનું કહ્યું. અવાજની ગંભીરતા પરથી ધીરજલાલ સમજી ગયા કે કંઈક ન બનવાનું બન્યું છે નહિતર કિશોર તો હંમેશા મજાક જ કરે આમ ગંભીર ન થાય અને આમ બપોરે કોફી હાઉસ ઉપર પણ ન જ બોલાવે !

ધીરજલાલે કપડાં બદલી દીધા. પણ ગાડી દીકરો લઈ ગયો હતો અને એક્ટિવા ઝંખના કોલેજ લઈ ગઈ હતી. દીકરાને એકાએક બોલાવાય નહિ અને ઝંખનાને કોલેજથી આવતા હજુ એકાદ કલાક લાગે એમ હતો. ચપ્પલ પહેરી ઘર બહાર નીકળ્યા પણ જોયું તો બહાર કોઈ રીક્ષા પણ નહીં ! એ સમયે બધી રિક્ષાઓ કોલેજ અને શાળાઓ આગળ જ હોય. ધીરજલાલ ચાલતા જ નીકળી પડ્યા.

વર્ષોથી ગાડીમાં ફરતા ધીરજલાલ ચાર કિલોમીટર ચાલીને કોફી હાઉસ પહોંચ્યા ત્યાં તો દમ ચડી ગયો. શ્વાસ ફુલાવા લાગ્યો ! એકાએક જ અહેસાસ થયો કે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે ! શરીરમાં હવે એ જોર નથી !

દુઃખતા પગની ફરિયાદ ફગાવી કિશોરભાઈ બેઠા હતા એ ટેબલ સુધી પોતાની જાત ઘસડી ગયા ! જઈને જોયું તો કિશોરભાઈ ઉદાસ ચહેરો લઈને બેઠા હતા !

" શુ થયું કિશોર ?"

" ધીરજ મારા દીકરાની હવે ગાંધીનગર બદલી થવાની છે, હું આ શહેર, આ ઘર અને તને છોડીને જવાનો છું." કિશોરભાઈની આંખો ભીની થઇ ગઇ.

" અલ્યા ગાંડા એમાં શુ થયું ? હું તને મળવા આવતો રહીશ અવારનવાર " માંડ ધીરજલાલ નો શ્વાસ હેઠો બેઠો.

" પાક્કું ને ધીરજ ?" જાણે કેમ દોસ્તીમાં પણ કંઈક માંગવું લાચારી હોય એમ કિશોરભાઈની આંખોમાં વિવશતા સ્પષ્ટ દેખાતી હતી.

" કિશોર જો તને એકલાને મારી જરૂર નથી મારે ય જરૂર છે , મને પણ તારા વગર નઈ ગમે, પાંચને ટકોરે હું અહી આવીશ પણ ચા તો મને નહિ જ ગમે !" ધીરજલાલ બોલ્યા.

ધનજી શેઠ ચા લઈને આવ્યા. બે કપ ચા મૂકી ને કિશોરભાઇના ચહેરા તરફ જોઈ બોલ્યા " ફાવશે તો મને પણ નહીં કિશોર સાચું કઉ તો આ હાંજનો સમય તમારા બેયની સંગતમાં ક્યારે જતો એ ખબર જ ન પડતી !"

થોડી વાતો થઈ ત્યાં તો મૂંઘા બાઈક ઉપર ત્રણેક કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા, બાજુના ટેબલ ઉપર બેઠા અને ચા નો ઓર્ડર કર્યો. ત્રણેય જણ એમની મસ્તીમાં ડૂબેલા હતા. રસ્તે ચાલતી કોલેજની છોકરીઓને જોતા અને કંઈક બબડાટ કરી તાળીઓ દેતા લેતા હતા.

ધીરજલાલ અને કિશોરભાઈ મૂંગા બેઠા બેઠા એ બધું જોતા હતા. ધનજી શેઠને તો આ ત્રણેય વંઠેલાં છોકરા વિશે ખબર હતી. રોજ આ સમયે એ લોકો આવતા અને રસ્તે જતી છોકરીઓને સતાવતા. ધનજી શેઠ જોતા કે એક એક્ટિવા વાળી છોકરી કોલેજથી નીકળતી એટલે આ ત્રણેય બદમાશ છેડતા.

ધીરજલાલ અને કિશોરભાઈ તો પહેલી જ વાર આ સમયે અહીં આવ્યા હતા એટલે એ બંને એ બધું જોતા રહ્યા. એવામાં એક એક્ટિવા પર એક છોકરી સામેથી આવી અને ત્રણ માંથી એકે કહ્યું " જો આવી ગઈ નિક્સ..... "

" હા મેં જોઈ પણ સાલી માનતી જ નથી " નિક્સ બોલ્યો.

ધીરજલાલે પાછળ ફરીને જોયું તો એક્ટિવા ઉપર ઝંખના હતી ! ઝંખના એ તરફ ધ્યાન આપ્યા વગર નીકળી ગઈ. ધીરજલાલની ધીરજ ન રહી ઉભા થઈને નિક્સને કોલરથી પકડી ખેંચ્યો ..... ! પણ શું થાય ? શક્તિ ક્યાં હતી ?

નિકસે ધીરજલાલનો હાથ મરોડી અને ધક્કો માર્યો. ધડ કરતા ધીરજલાલ જમીન ઉપર પછડાયા. કિશોરભાઈ અને ધનજી શેઠે એમને માંડ ઉભા કર્યા. પેલા બદમાશ તો બાઈક લઈને નીકળી ગયા.

ધીરજલાલના કપાળમાંથી લોહી વહેતુ હતું. એક ઊંડો ઘા થયો હતો અને એનાથી પણ ઊંડો ઘા કયાંક અંતરમાં થયો હતો...! સાવ નિસ્તેજ ચહેરો લઈ એ બેઠા.... સામેની ખુરશી ટેબલ ઉપર નજર પડી..... અને બસ દેખતા જ રહ્યા....

ટેબલની નજીક એક ટોપી પડી હતી, એક કાકા હાથમાં છાપું અને ચશ્માંની ડબ્બી લઈને કઈક કહેતા હતા " મુજ વીતી તુજ વીતશે.....!" ધીરજલાલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.....!

***

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

આવી અન્ય વાર્તાઓ વાંચવા માટે મને મારા what’s app નંબર 9725358502 ઉપર મેસેજ કરીને broadcast list માં જોડાઈ શકો છો. ઉપેક્ષિતના જય શ્રી કૃષ્ણ. શુભરાત્રિ.

રેટ કરો અને રિવ્યુ આપો

Raju

Raju 10 માસ પહેલા

Your story muj viti tuj vitse is true to life. Upen Patel Sr.Citizen

mani jitu desai

mani jitu desai 1 વર્ષ પહેલા

Priyanka Shah

Priyanka Shah 2 વર્ષ પહેલા

Jaykishan Umraliya

Jaykishan Umraliya 2 વર્ષ પહેલા

bhakti thanki

bhakti thanki 2 વર્ષ પહેલા