એક ધક્કો Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ધક્કો

એક ધક્કો

ભાવનગર પાસેના વેળાવદર નામના નાનકડાં ગામમાં પોસ્ટ ઑફીસ પણ ના હતી, પણ ભીખુ પોસ્ટ માસ્તર પોતાની જૂનવાણી સાઇકલ લઈને આખાયે ગામમાં ટપાલ આપી જતો. આશરે ચાલીસી વટાવી ચૂકેલ, ખીલના ડાઘા વાળા ચહેરા પર આછી સફેદ દાઢી અને કાન સુધી આવેલા સફેદ વાળની લટો લહેરાવતો ભીખુ પોસ્ટ માસ્તર વેળાવદર ગામના ચોરેથી પોતાની ખખડધજ સાઇકલની ઘંટડી વગાડતા પ્રવેશે કે ગામ આખાના અડધા નાગાપૂગા ટાબરીયા દોડી આવતાં. ભીખુ પોસ્ટમાસ્તર ગામના ચોરે આવે કે ગામના લોકો ટોળે વળગે. વેળાવદર ગામ આમ અંતરિયાળ એટલે ગામના ઘણાં જુવાનિયા પૈસા કમવવા અલગ અલગ શહેરોમાં જાય. ત્યાંથી પોતાના ઘરે ટપાલ લખી ખબર અંતર પૂછે કે મહિના દા’ડે ખર્ચીના પૈસા મોકલાવે, એટલે સૌ કોઇ ભીખુ પોસ્ટમાસ્તરની કાગ ડોળે વાટ જોતા. વળી, ગામમાંથી પોતાના સગા વહાલાઓને લખી રાખેલી ટપાલ પણ ભીખુ પોસ્ટ માસ્તરને હાથોહાથ આપી દેતા.

ગામના ચોરે ટોળે વળગેલા સૌ કોઇને ટપાલ આપી ભીખુ માસ્તર સાઇકલની ઘંટડી વગાડતા સીમ વિસ્તાર તરફ આવેલા કેટલાક ખોરડાઓ સુધી જઈ તેમને ટપાલની લેવડદેવડ કરવા નીકળે. વળતા બપોરે કાં તો ગામના મુખીને ત્યાં કે પછી કોઇ ને કોઇના ઘરે રોટલા પાણી કરી સાઇકલની ઘંટડી વગાડતા ગામ બહાર જાય. જ્યારે જ્યારે ભીખુ માસ્તર ગામમાં આવે ત્યારે ત્યારે આ દિનચર્યા. છેલ્લા પંદરેક વર્ષથી આવતો ભીખુ માસ્તર જાણે ગામનો જ એક સદસ્ય બની ગયો, ઘરે ઘરે નાના છોકરાંઓના મોંએ પણ ભીખુ માસ્તરનું નામ યાદ રહેતુ..! આજે પણ ભીખુ માસ્તર એ જ ગતિએ માથુ ફાડી નાખે એવા તડકામાં ગામ તરફના રસ્તે પોતાની મસ્તીમાં સાઇકલની ઘંટડી વગાડતા હાલ્યા આવે.

“રામ રામ, માસ્તર..!” રસ્તે સામે બળદ્યા લઈ ચાલ્યા આવતાં ખેડૂતે ભીખુને આવતાં જોઇ કહ્યું.

“એ રામ, રામ બાપ..!” સાઇકલ ચલાવતા ચલાવતા જ ભીખુએ લહેકા સાથે જવાબ દીધો.

“એય માસ્તર, મજામાં છે ને હંધુય..?” પેલા ખેડૂત પાસે ચાલ્યા જયા એકાદ નવરા મનેખે હાથમાં રાખેલી સોટીથી રસ્તા પાસે ઉગેલા છોડવાઓ પર અમથી ઝાપટ મારતા પૂછ્યું.

“એય ને મજામાં જ હોં બાપલીયા..!” ગામ તરફના રસ્તે સાઇકલ આગળ હંકારી ગયેલ ભીખુ માસ્તર એક હાથે સાઇકલનું હેંડલ પકડી બીજો હાથ હવામાં ઉંચકી બોલતા હાલ્યા ગયા..!

“આ માસ્તરને કેવી તકલીફ..? એ......ય ને સાઇકલ પર રખડવાનું ને મફતિયું ખાવાનું..!” ભીખુ આગળ નીકળતા પેલો સોટી ઉલાળતો નવરો મનેખ પાસે હાલ્યા જતાં ખેડૂતને ભીખુ વિશે બબડતો આગળ વધે છે. આમ પીઠ પાછળ બોલનારા બધેય હોય, ગામે ગામ ઉકરડો તો હોય જ..!

ભીખુ માસ્તર તો પોતાની ધૂનમાં જ સાઇકલ લઈ ગામમાં પ્રવેશ્યો.તેની સાઇકલની ઘંટડી સાંભળતાં વેંત જ ઘરે ઘર માંથી માથે ફાળિયા બંધ દાદાઓ, ખભે ખેસિયા નાખેલા જુવાનિયાઓ અને આઘુ ઓઢીને પછેડમાં ધીમે હાલ્યું આવતી બાયું બધાંય ચોરા આગળ કનેરે વળ્યા..!

“રામ રામ ભીખુ માસ્તર..!” ચોરા પર પગ પર પગની પલાંઠીવાળી બેઠેલા ઘરડા દાદાએ હૂકાના ગડગડાટ વચ્ચે કહ્યું.

“એ રામ રામ કરસનબાપા..!” ભીખુ માસ્તરે સાઇકલ સ્ટેન્ડ પર ચડાવતા જવાબ આપ્યો.

ચોતરફ કલબલાટ કરતાં લોકોનાં ટોળા વચ્ચે ભીખુ માસ્ટર પોતાના ખભે રાખેલ થેલો ઉતારી ચોરાના ઓટે બેસી થેલામાંથી એક પછી એક ટપાલો કાઢી સૌ કોઇને આપતા રહ્યા. બધા અમીટ નજરે પેલા થેલાને કોઇ જાદૂગરનો થેલો માની જોઇ રહેતા અને ક્યારે ભીખુ માસ્તર પોતાના નામનો કાગળ કાઢે તેની વાટ જોતા રહ્યા.

“મેરાકાકા, આ લ્યો તમારો કાગળ... જાદવ મહારાજ, આ તમારો કાગળ.... વખાભાઇ, ક્યાં ગ્યાં..? આ તમારા લખાનો કાગળ.... સાખારામભાઇ, આ તમારી દીકરી મંગીનો કાગળ.... શાંતાબા, તમારી તબીયત તો હારી છે ને...? આ લ્યો તમારા સરવણીયાનો કાગળ... અરે ભાઇ, ઉતાવળા ના થાઓ ને, હંધાયને કાગળ આપું જ છું..!” ભીખુ માસ્તર જાણે લહાણી કરતા હોય એમ સૌના નામ બોલતા જાય અને પોતપોતાની ટપાલ આપતા જાય..! પોતપોતાની ટપાલ લઈ સૌ કોઇ અલગ અલગ બેસી ટપાલ વાંચતા જાય. સૌના ચહેરા પર ખુશી, ઉત્સાહ, શોક, વ્યથા બધાંય ભાવમાં લખેલા કાગળીયાનું પ્રતિબિંબ પાડતા રહેતા. સૌની ટપાલ સોંપ્યા પછી જે તેના મનીઓર્ડર આપવાનો વારો આવ્યો.

“એય મંજુબા, આ તમારા કાનજીએ તમારી હારું સાતસો રૂપિયા મોકલાવ્યા....આંઇ અંગૂઠો મારી લઈ જાઓ ને મારી મા... ઓલ્યા ધનાકાકા ક્યાં ગ્યાં? ઇમને બોલાવો...આ એમના મફતિયાએ મુંબઈથી ઇમના માટે એક હજાર રૂપિયા મોકલાવ્યા....ઝટ બોલાવો ને ઇમને..!” ભીખુ માસ્તરના મોંથી ધનાકાકા માટે એમના દીકરાએ મોક્લાવેલા એક હજાર રૂપિયાની વાત સાંભળતા ગામ આખાયેના હંધાયના મોંમાંથી “અધધધધ આટલા બધાં રૂપિયા...! આખા એક હજાર..!” એમ નીકળી ગયું. લોકોની ભીડ ચીરતા ધનાકાકા ખભે ઘોડીના સહારે લંગડાતા ધીમે ધીમે ભીખુ માસ્તર પાસે પહોંચી અંગૂઠો મારી પૈસા લઈ ગયા. સૌને પૈસા આપ્યા પછી બધાની ટપાલ ઉઘરાવતા થેલામાં નાખી સાઇકલ પર બેસી ઘંટડી વગાડતા સીમ વિસ્તારમાં ટપાલ દેવા ચાલતા થયા.

સીમ વિસ્તારમાં આવેલા દસેક ખોરડાંમાંનુ એક સૌથી નાનું જૂનવાણી ખોરડું એટલે દિવાળીબાનું ખોરડું. આગળ નાની ઓંસરી, ઓંસરીમાં વાંકા વળી ગયેલા પીઢીયા, કાળીમેશ થયેલી અરધી લીંપેલી ભીંત પર કરસનબાપાનો હાર ચઢાવેલો ફોટો, પાસેની ખીંટી પર ટીંગાડેલા એકાદ બે શણીયા કોથળા, નીચે પાથરેલી વાંકી વળેલી ખાટલીમાં ગંધાતી ગોદડી અને સામે માટીનો ચૂલો. અંદરના એક માત્ર ઓરડામાં એક ભંગાર જેવી પેટી, કેરીના ખાલી ખોખા ઉપર ગોઠવેલા કંકુના ટીલા ટપકા લગાવેલા માતાજીના ફોટા, સામે ઘોબાવાળા બે ત્રણ ધાતુના ડબ્બા, ચારેક વાસણ અને કાળી મેશ ભીંતો સાથે મેળ ખાતું કાળુ ભોંયતળિયું. આ જ દિવાળીબાની પૂંજી..! આશરે એંશી ઉપરના વાંકા વળી ગયેલા દિવાળીબા જીણી આંખ કરી આજે દસેક વર્ષ પહેલા શહેરમાં કમાવવા ગયેલા પોતાના પૌત્રની વાટે ઓંસરીમાં બેઠેલા. દિવાળીબાનું પોતાનું જે કાંઇ કહેવાય તેવો માત્ર તેમનો પૌત્ર કેશવ જ હતો, જે શહેરમાં કમાવવા ગયો હતો. દિવાળીબાના પુણ્યના પ્રતાપે કેશવને શહેરમાં નોકરી તો લાગી હતી, પરંતુ શહેરના ખર્ચા આગળ તેની પાસે પોતાની બાને મોકલવા માટે કોઇ પૈસા બચતા નહીં. બે ત્રણ વાર દિવાળીબાએ પોતાના પૌત્રને ટપાલ લખી પૈસા મંગાવ્યા હતાં, પણ કેશવે તેની ત્યાંની સ્થિતી જણાવી ત્યાર પછી દિવાળીબા ક્યારેય તેને પૈસા બાબત કાગળ લખતા નહીં. તેવા સમયે દિવાળીબાનું ગુજરાન માંડ માંડ ચાલ્યું.

આજે કેશવ ઘણા પૈસા કમાઈ ઘરે પાછો ફરી રહ્યો હતો. થોડીવારમાં જ મોટરનો હોર્ન વાગ્યો. મોટર બરાબર દિવાળીબાના ખોરડા પાસે જ આવી ઊભી રહી. મોટર આવતાં ઉડેલી ધૂળની ડમરીથી દિવાળીબાની ક્ષીણ આંખો ઘડીભર બંધ રહી, ધૂળની ડમરી શમતાં દિવાળીબાને મોટરમાંથી ઉતરતો તેમનો કેશવ દેખાયો. વૃધ્ધ દિવાળીબા ઉતાવળે પગલે પોતાના પૌત્રને ગળે વળગાડવા દોડી ગયા. કેશવ પણ ખુશીથી પોતાની બાને ગળે વળગી પડ્યો. બંનેની આંખોમાંથી હર્ષના આંસુની ધાર વહી ગઈ. આસપાસના બધા ખોરડાવાળા સૌ આ દ્રષ્ય આંસુભરી આંખે જોઇ રહ્યાં. મોટરમાંથી પોતાની મોટી બે પેટીઓ ઉતારી કેશવે તેને ઓંસરીમાં મૂકી ઘરડાં દિવાળીબાને હાથનો ટેકો આપી ખાટલી પર બેસાડ્યા.

“બેટા, આજે તે તારું બોલ્યું કરી બતાવ્યું હોં..!” ઘરડા દિવાળીબાએ કેશવને માથે વહાલથી હાથ ફેરવતાં કહ્યું.

“હા બા, હવે આપણા દુ:ખના દા’ડા ગ્યા, હું કાલે જ બાપુએ આપણું ગીરે રાખેલું ખેતર છોડાવી આવીશ. હવે તમારે કોઇ દુ:ખ નહીં વેઠવું પડે..!” કેશવે દિવાળીબાના પગ દબાવતા જવાબ આપ્યો.

“બેટા, આ હંધુયે તારા જ કારણે..!” ગળામાં ડૂમો ભરાતા દિવાળીબા આગળ બોલી શકતા નથી. આંખે આવેલા આંસુ સાડલાના છેડી લૂંછતા રહ્યા.

“ના બા, આ હંધુય તમારા કારણે જ. હું શહેરમાં ગ્યો’તો તંઇ તમે મને હામેથી પૈસા મોક્લાવ્યા તંઇ મારા રોટલા નીકળ્યા, નહીં તો હું કે ‘દિનો પાછો જ આવ્યો હોત...તે બા ઇ તમે કેમના મને હામેથી ખર્ચના પૈસા ક્યાંથી થતાં.?” કેશવે તેને સામેથી દિવાળીબા કઈ રીતે ખર્ચના પૈસા મોકલાવતા તે જાણવાની ઉત્સુકતાથી સવાલ કર્યો.

“ઇ તો ભાઇ ભગવાનની જ દયા, તને ખબર કેશવા, મને ખુદ ભગવાન પૈહા....” દિવાળીબાની વાત ભીખુ માસ્તરની સાઇકલની ઘંટડીના અવાજે અધૂરી રહી ગઈ. કેશવને જોઇ ભીખુ માસ્તર ઊભા રહ્યા.

“તે દિવાળીબા, આ ઇ જ તમારો કેશવો..?” ભીખુ માસ્તરે બૂમ પાડી પૂછ્યું.

“ઇ હા, આ જો મારો કેશવો આવી ગ્યો. હવે તને કોઇ કાગળીયા નંઇ મોક્લાવુ હું ભાઇ..!” દિવાળીબા ભીખુ માસ્તર તરફ હાથ લાંબો કરતાં જણાવે છે.

દિવાળીબા ઘરમાં કાંઇક કામ કરવા ગ્યા ત્યાં જ પાછળ હસવા બોલવાની સામાન્ય વાતમાં ભીખુ માસ્તર અને દિવાળીબાના કેશવ વચ્ચે રકઝક થઈ. ભીખુ માસ્તર તો હળવી મજાકના મૂડમાં હતાં, પણ કેશવને મન પર મજાક લાગતાં તેણે ભીખુ માસ્તરને ઓટલેથી એક ધક્કો મારતાં ભીખુ માસ્તરને પાસેથી ચાલ્યા આવતાં રીટાયર્ડ પોસ્ટ માસ્તર કાંતિ ભરવાડે હાથ પકડતાં નીચે પડતાં પડતાં માંડ માંડ બચાવ્યા. ભીખુ માસ્તર તો ચૂપચાપ એક તરફ બેસી ગયા, પણ કાંતિ ભરવાડથી મૂંગા રહેવાયું નહીં.

“એય બાપલ્યા, આ ધક્કો બરાબર મારો ને...આમ શું હલવો ધક્કો દ્યો છો..?” કાંતિ ભરવાડે ટોણો મારતાં કેશવને કહ્યું.

“પણ આ ગમારને કાંઇ બોલવામાં ભાનબાન...” કેશવે ધધૂકતાં જવાબ આપ્યો. બહાર થતાં કોલાહલથી દિવાળીબા ઘરમાંથી દોટાદોટ બહાર આવ્યા.

“બેટા, આ હાચું કહ્યું હોં....આને કાંઇ ભાનબાન જ નથી....આ તો હું કેટલાયે વખત પહેલાથી કહ્યે જાઉ છું....બાપલા, એક સારી મજાની વાર્તા કહું..?” કાંતિ ભરવાડે વાત માંડી. હજુ તો ઘરમાં આવ્યેથી જ આ વળી બીજો કોઇ આવી વાર્તા માંડે તે બાબતથી કંટાળતા કેશવ કાંઇ બોલે તે પહેલા જ કાંતિ ભરવાડે વાત માંડી.

“તે ઘણા વખત પહેલની આ વાત...એક ગામમાં એક ડોશી રહે...ડોશીના ઘરે બીજુ કોઇ કામનાર નહીં....તે ડોશી ને ભગવાન પર ખૂબ શ્રધ્ધા...ડોશી કહે કે તેનું હંધુયે દુ:ખ ભગવાન દૂર કરશે...ડોશીએ એક દી ભગવાનને કાગળ લખ્યો...કાગળ ગામનાં ટપાલીને દીધો...ટપાલી તો ઇ કાગળ લઈ પોસ્ટ ઓફીસે ગ્યો...ત્યાં જઈ કાગળ જુએ તો અંદર લખેલુ, ‘હે દીનદયાળુ ભગવાન, મારી હાલતથી તો તમે જાણકાર જ છો, મારા ઘરમાં કમાનાર કોઇ જ નથી, તો હે પ્રભુ, મને જરા મદદ કરશો..?’ આ કાગળ વાંચી ઇ ટપાલીની આંખ્યું માંથી દડદડ આંહુડા વયા ગ્યા...ઇ ટપાલીએ પેલી ડોશીને ભગવાનના નામે વળતો કાગળ લખ્યો અને ઇમા ડોશી હાટું બે હજાર રૂપિયા મોકલાવ્યા...ડોશીના ચહેરા પર આવેલી ખુશીથી પેલા ટપાલીનું હૈયું ઠર્યું...બીજા મહિને ફરી ઇ ટપાલીને પેલી ડોશીનો કાગળ મળ્યો...ટપાલીએ કાગળ વાંચ્યો...અંદર લખ્યું’તું, ‘હે દીનદયાળુ ભગવાન, તમારો લાખ લાખ આભાર કે મને તમે મદદ કરી, મને ખાતરી છે કે તમે તો ઘણાં રૂપિયા મોકલાવ્યા હશે, ઓલ્યા કપાતર ટપાલીએ વસમાંથી કાઢી લીધાં હશે...તે કાંઇ નૈ...ઇના કર્યા ઇ ભોગવશે...હે પ્રભુ, મને આમ સહાય મોકલાવજો..!’ આ કાગળ વાંચતા પેલા ટપાલી સાથેના બીજા સાથીદારોએ હવે ઇ તપાલીને આમ કાંઇ લાંબા હાથ વાડ્યમાં ના નાખવા કહ્યું અને આમ ડોશીને મદદ કરવાં માટે આનાકાની કરી...પણ ઓલ્યો ટપાલી તો કોઇ અલગ જ માટીનો બન્યો’તો કે ઇ તો નો જ માન્યો અને પાછલા દસેક વરહથી ઓલ્યી ડોશીને દર મહીને પોતાના પગારમાંથી બે હજાર રૂપિયા મોકલાવતો’ર્યો...બોલ્ય હવે આવા ટપાલીને ભાનબાન નૈ ઇ વાત તો તાર્વે હાચીજ ને..?”

કાંતિ ભરવાડે પોતાની વાત પૂરી કરી, ત્યાં જ ‘સટાક’ દૈ અવાજ સાથે દિવાળીબાએ ગુસ્સેથી રાતાપીળા થતાં કેશવને એક ધોલ ઝીંકી, “મારા રોયા, આ ભીખુ માસ્તરને તે કેમનો ધક્કો દીધો..? ઇ ઓલ્યી વાર્તામાંની ડોશી તે હું પોતે અને ઇ વાર્તાવાળો ટપાલી તે ભીખુ માસ્તર...આ ઇના પ્રતાપે જ તુ શહેરમાં જઈ કમાણો ને આ ડોશી આંય જીવતી રૈ...!” બોલતાં દિવાળીબા ભીખુ માસ્તર તરફ ફર્યા અને હાથ જોડી બોલ્યા, “મારા રોયા, આમ મૂંગો તો ભગવાન પણ મદદ નથ કરતો, તું તો કૈ માટીનો બન્યો છે..! આતારો ઉપકારકેમની વાળીશ..?” ભીખુ માસ્તર ઊભો થઈ દિવાળીબાના પગે લાગી બોલ્યો, “બસ તમારા આશીર્વાદ દેજો, બીજું કાંઇ નહીં..!” આટલું બોલાતાં જ ભીખુ માસ્તર લંગડાતા પગલે સાઇકલ લઈ ઘંટડી રણકારતો ચાલતો’થ્યો..!

*********