No return - 2 - 31 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન - ૨ - ૩૧

૧નો-રીટર્ન.

ભાગ-૩

( આગળ વાંચ્યું—અર્ધ બેહોશીની હાલતમાં ઇકબાલ બબડતો હોય છે કે “ એ લોકો ભાગી ગયાં..” પવન જોગી આશ્ચર્યથી તેની કેફીયત સાંભળતો રહે છે. હવે આગળ વાંચો. )

બહું જ ગૂંચવડો સર્જાયો હતો. મને એ સમજાતું તો હતું પરંતુ કોઇ સ્પષ્ટ ચિત્ર મારી નજરો સમક્ષ ખડું થતું નહોતું. આ મામલામાં સંડોવાયેલાં લગભગ બધાં જ વ્યક્તિઓ આડેધડ આમ-તેમ ભાગી રહ્યાં હોય એવું પ્રતિત થતું હતું. કોઇ ચોક્કસ દિશા નક્કી નહોતી થતી કે અમે બધાં આખરે શેની પાછળ ભાગી રહ્યાં છીએ..? અમારે જોઇએ છે શું..? કેમેરો, ફોટા, અનેરી, વિનીત, પ્રોફેસરો, દિવાન સાહેબ, રાજન, ઇકબાલ, ઇન્દ્રગઢ કે પછી અમારી લાઇબ્રેરીનો સ્ટોરરૂમ... આ બધાં વચ્ચે આપસમાં ક્યું કનેકશન જોડાતું હતું એ રહસ્ય કેમેય કરીને હજું ઉજાગર થતું નહોતું. તેમાં વળી આ “બ્રાઝિલ“ વાળા એંગલે નવો ફણગો ફોડયો હતો. આખરે ત્યાં બ્રાઝિલમાં એવું તે શું ધરબાઇને પડયું છે જેની પાછળ આટલાં બધાં માણસો દોડી રહ્યાં છે..? સતત વિચારી-વિચારીને હું તંગ આવી ગયો હતો. મારું માથું દુખવા લાગ્યું હતું. વળી, એક પ્રશ્ન એ પણ હતો કે હું શું કામ આ ઝમેલામાં પડયો છું..? આ ઘટનાઓ સાથે મારે શું લેવા-દેવા હતી કે જેથી કોઇ ઉપાધીમાં મારે સંડોવાવું જોઇએ..? સાચું કહું તો મને ખુદને હવે અસંમજસ ઘેરી વળી હતી.

ઇકબાલને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ હું અને અનેરી પાછા રાજમહેલે આવ્યાં હતાં. મહેલે આવ્યાં બાદ સતત આવાં વિચીત્ર વિચારોએ મને પરેશાન કરી મુક્યો હતો. તમે સાચું નહિં માનો પરંતુ મને અંદરથી વિચીત્ર ભણકારા થતાં હતાં. એવો ભાસ થતો હતો કે હું જે સમજી રહયો છું એ કરતાં પણ વધું ભયાનક વળાંક...કંઇક રહસ્યમય, અગોચર, અવિશ્વનીય અને ડરામણો ઘટનાક્રમ આ કહાની સાથે જોડાયેલો હશે. એ શું હોઇ શકે તેનો સહેજે અંદાજ મને આવતો નહોતો..અને જો એ અણસાર મને આવ્યો હોત તો પણ હવે હું પીછેહઠ કરવાનાં મૂડમાં નહોતો.

@@@@@@@@@@@@@@@

એભલસીંહ અને શબનમ બન્ને વિચીત્ર પરિસ્થિતીમાં મુકાયા હતાં. એભલ તો રીતસરનો થડકી ઉઠયો હતો. રહી-રહી હવે તેને એવું લાગવાં માંડયું હતું કે થોડી વધું દોલતની લાલચમાં તે ભેખડકે ભરાઇ ગયો છે. જો શબનમે તેને ઉશ્કેર્યો ન હોત તો ક્યારેય આ ફછડામાં તે પડયો ન હોત. થરાદ અને ઇન્દ્રગઢ જેવાં નાના ઇલાકામાં તે પોતાની જો-હુકમીનાં આધારે દમામથી જિવતો હતો. તેનું નામ જ કાફી થઇ પડતું હતું. લાલ રંગનું બુલેટ લઇને મુછો ઉપર તાવ દેતો જ્યારે તે બજારમાં નિકળતો ત્યારે લોકો સામેથી આપોઆપ તેને સલામ ઠોકતાં. એક પ્રકારનો વટ્ટ પ્રવર્તતો હતો તેનો. તે એટલામાં ખુશ પણ હતો. ક્યારેય તેને પોતાનાં ભવિષ્ય વિશે લાંબુ વિચારવાની જરૂર જણાઇ જ નહોતી. પરંતુ વધું મેળવવાની લાલસા ભલભલાંને ગોથા ખવરાવી દે છે. તેનું પણ એવું જ થયું હતુ અને તે ગોરા પ્રોફેસરોની સંગાથમાં ફસાઇ ચૂકયો હતો. ગોરા પ્રોફેસરોનાં આદેશથી પહેલાં તેણે એક છોકરીનો પીછો કર્યો હતો અને પછી દિવાન સાહેબનાં છોકરાનું અપહરણ કર્યું હતું. બાકી રહી જતું હોય તેમ હવે ખુદ દિવાન સાહેબ તેમનાં કબજામાં હતાં. અને...તેઓ અત્યારે ભારત છોડીને એક અજાણ્યાં દેશ બ્રાઝિલ તરફ ઉડી રહયાં હતાં.

ભારત છોડવાનો નિર્ણય તેમણે એકાએક રાતોરાત લીધો હતો. એ નિર્ણય લેવો પડે એમ જ હતો કારણકે ઇન્સ. ઇકબાલ ખાનને તેમની ભનક લાગી ચૂકી હતી. પરિસ્થિતી એવી સર્જાઇ હતી કે ગમે તે સમયે ઇકબાલ તેમને આંબી જાય તેમ હતો. પ્રોફેસર થોમ્પસન અને ક્લારા ગભાઇ ગયા હતાં. જો ભારતીય પોલીસનાં ચોપડે તેમનાં નામ નોંધાય ગયાં તો પછી જે કામ માટે તેમણે આટલાં વર્ષો જદ્દો-જહેદ કરી હતી, લાંબા સમયની તપસ્યા કરી હતી, એ કામ ગણતરીની સેકંન્ડોમાં ચોપટ થઇ જાય. એવું ન થાય એ માટે તેમણે તાબડતોબ એક ચાર્ટર પ્લેન “હાયર” કર્યુ હતું અને તેઓ એ પ્લેનમાં સવાર થઇને બ્રાઝિલ જવા રવાના થઇ ચૂકયાં હતા. એભલ અને શબનમ માટે તો આ સ્થિતિ કલ્પનાતીત હતી. તે બન્ને પ્લેનની સૌથી પાછલી સીટમાં...સામસામે એકબીજાને તાકતાં બેઠા હતાં. દિવાન કનૈયાલાલ અને રાજન તેમની બાજુમાં બારી પાસે સ્તબ્ધતા અનુભવતાં ખામોશી ઓઢીને શૂન્યમસ્તકે બેઠા હતા. તેમની સાથે શું બની રહ્યું છે એ તેઓ ખુદ સમજી શકતાં નહોતાં. વગર વાંકે...વગર કોઇ લેવા-દેવાએ તેઓ આ ઝમેલામાં ફસાયા હતા એનો આધાત તેમનાં ચહેરા ઉપર સ્પષ્ટ કળાતો હતો. તે બાપ-દિકરો સ્યબ્ધ બનીને બારી બહાર પસાર થતાં વાદળોને તાકી રહ્યાં હતાં અને મનોમન પોતાનાં ઇષ્ટદેવને પ્રાથનાં કરતાં હતા કે આ પરિસ્થિતીમાંથી જલદી તેમનો છૂટકારો થાય.

@@@@@@@@@@@@@@

“ વોટ હેપન્ડ નાઉં...? “ એક સનાતન પ્રશ્ન અનેરીએ ઉછાળ્યો જેનો કોઇ જવાબ ફિલહાલ તો દૂર-દૂર સુધી અમને દેખાતો નહોતો. અમે રાજમહેલનાં દિવાનખંડમાં એકઠા થયાં હતા. વિનીત તૈયાર થઇને નિચે ઉતર્યો ત્યારે હું અને અનેરી હોસ્પિટલે હતાં. તે હોસ્પિટલે આવવાં માંગતો હતો પરંતુ અમને ડિસ્ટર્બ કરવાનું તેણે મુનાસીબ માન્યુ નહી એટલે અહીં જ રહીને તે અમારી રાહ જોતો હતો. લગભગ સાંજના સમયે અમે પાછા ફર્યા હતા અને પછી ત્યાં જ, રાજમહેલનાં દિવાનખંડમાં અમારી નાનકડી મિટીંગ જામી હતી.

“ તું જ કહેને, તારા જહેનમાં કોઇ આઇડીયા સુઝતો હોય તો...!” અનેરીની નીલી-ભૂખરી આંખોમાં ઝાંકતા હું બોલ્યો. અનેરી વિચારોમાં ખોવાઇ. હું અને વિનીત એ શું બોલે છે એની રાહ જોતા ખામોશી ઓઢીને તેને તાકી રહયાં. તેનાં કપાળે સળ પડતા હતાં. સોફામાં અધૂકડા બેસીને તેણે જમણાં હાથની કોણી પગ ઉપર ટેકવી હતી અને ચહેરાને હથેળીનો ટેકો દઇ...આંખો ઝીણી કરી તે કોઇ ગહન વિચારમાં ડૂબી હતી. દિવાનખંડની ઉંચી છત ઉપર લટકતા પંખાની હવાથી તેનાં ટૂંકા વાળ ઉડીને વારેવારે તેનાં ચહેરા ઉપર છવાતા હતાં. અમે બન્ને પુરુષોની હાલત ખરેખર ખસ્તા બની હતી. એક અતી સુંદર નૌ-યૌવના અમારી ધીરજની કસોટી લઇ રહી હતી. અનેરીને પામવા હું કોઇપણ હદે જવા તૈયાર હતો. જો અત્યારે જ તે મને અ મહેલની છત ઉપરથી કુદવાનું કહે તો ક્ષણભરનાં વિલંબ વગર હું કુદી પડું. તેનાં પ્રમમાં હું એટલો ડૂબી ગયો હતો.

“ સૌથી પહેલાં તો આ ફોટાઓ આપીને મારે દાદાને છોડાવવા છે. જ્યાં સુધી તેઓ આઝાદ નહી થાય ત્યાં સુધી હું બીજુ કંઇ વિચારવા પણ માંગતી નથી...” એક લાંબી ખામોશી બાદ તે બોલી ઉઠી.

“ હું તારી સાથે છું, આખરે તું એ માટે જ તો અહીં આવી છો...! “ વિનીતે અનેરીનો સાથ પુરાવ્યો.

“ પણ...એ કેમેરો અને તેમાં છે રહેલા ફોટા ઇન્દ્રગઢની અમાનત છે. ઇન્દ્રગઢનાં રાજકુંવર હોવાનાં નાતે મને એ જાણવાનો હક્ક છે કે આખરે એ ફોટાઓનો મતલબ શું છે..? આ ફોટાઓનાં કારણે જ દિવાન સાહેબ અને રાજનનાં જીવ ખતરામાં મુકાયાં છે એટલે એ પ્રશ્ન પણ હવે કેમેરા સાથે સંકળાયો છે. “ વિનીત જે ટોનમાં બોલ્યો એ મને ખટક્યું હતું. હું તેને જતાવા માંગતો હતો કે આખરે મારી રજામંદી વગર તેઓ આ કેમેરો કે ફોટાઓ અહીથી લઇ ન જઇ શકે.

“ જી..આપની વાત બિલકુલ યોગ્ય છે અને તેની હું નાં કહેતી નથી જ. મારો આશય છે કે તમે પણ અમારી સાથે બ્રાઝિલ ચાલો. મારા દાદાનાં અપહરણકારો બેસબ્રીથી આ ફોટાઓની રાહ જોઇ રહ્યાં હશે. અને...ઇકબાલ ખાનની વાત માનીયે તો પેલા પ્રોફેસરો પણ બ્રાઝિલ તરફ જ ઉડયાં છે. આમ તમારું કામ પણ આસાન થઇ રહેશે. “ અનેરીએ તર્કબધ્ધ રીતે દલીલો કરી. જો કે તેણે મને કહયું ન હોત તો પણ મેં બ્રાઝિલ જવાનું મન ક્યારનું બનાવી લીધું હતું. હું દિવાન સાહેબને મુસીબતમાં છોડી શકું તેમ નહોતો. તેઓ મારી ભૂલનાં કારણે જ તેમનાં હાથમાં ફસાયા હતાં. મારી રગોમાં પણ જોગી ખાનદાનનું લોહી દોડતું હતું એટલે મને એટલો તો ખ્યાલ હતો જ કે અમારા પરીવારમાં પોતાનાં અંગત માણસોને આમ અધવચ્ચે તકલીફમાં છોડી દેવાનાં ગુણધર્મો નહોતાં.

“ ઓ.કે... તો તૈયારીમાં લાગી જઇએ. આપણે આજે જ રવાના થઇએ છીએ. હું ફ્લાઇટની ટિકિટો બુક કરાવી દઉં છું...” પૂર્ણ મક્કમતાથી હું બોલ્યો અને ઉભો થયો. અને...પછી અમે બ્રાઝિલની અમારી સફર માટેની તૈયારીમાં લાગી પડયા. ટ્રાવેલ એજન્ટને ફોન કરી મેં ત્રણ ટિકિટો બુક કરવાની સૂચના આપી દીધી. હવે અહીથી મારી આગળની મંઝિલ બ્રાઝિલ હતી. એક લેટીન અમેરીકન દેશ બ્રાઝિલ....એમેઝોન જેવા વિશાળ અને રહસ્યમય જંગલોનો દેશ બ્રાઝિલ...ડ્રગ્સ માફીયાઓનું સ્વર્ગ બ્રાઝિલ...! હું નહોતો જાણતો કે ત્યાં જઇને હું શું કરીશ...? દિવાન સાહેબને કેવી રીતે છોડાવીશ..? કબૂતરો અને ફોટાઓનું પગેરું કેવી રીતે મેળવીશ..? કોઇ જ પ્રોપર આયોજન વગરનાં આંધળૂકીયા કરવા હું તૈયાર થયો હતો, પણ મને એટલી ચોક્કસ ખાતરી હતી કે મારા મનમાં ઉઠતાં તમામ પ્રશ્નોનો જવાબ બ્રાઝિલ જઇને જ મને સાંપડશે..મારી ઉલઝનો ત્યાં પહોંચીને ખતમ થશે. એક મક્કમ આત્મવિશ્વાસ સાથે હું મારો સામાન પેક કરવા માંડયો હતો.

પિતાજી હજું ઇન્દ્રગઢ આવ્યાં નહોતાં. છેલ્લાં ત્રણ દિવસોથી એવી જદ્દો-જહેદમાં હું અટવાયો હતો કે તેમને ફોન કરવનો સમય કે વિચાર સુધ્ધા મારા મનમાં ફરક્યો નહોતો. અને હવે અત્યારે ફોન કરવો પણ નકામો હતો. રખેને તેઓ મને બ્રાઝિલ જવાની નાં પાડે તો મારો સમગ્ર પ્લાન ચોપટ થઇ જાય એટલે પિતાજીને ફોન કર્યા વગર જ અહીથીં નિકળી જવાનું મન બનાવ્યું. તેઓ જ્યારે ઇન્દ્રગઢ પધારશે ત્યારે તેમને ખેયાલ આવશે જ કે હું ક્યાં છું..! વાલમસીંહ અહી જે ઘટનાઓ ઘટી એ તેમને જણાવ્યા વગર રહેવાનો નથી એની મને ખાતરી હતી.

પરંતુ....હું જેટલું આસાન સમજતો હતો એટલી આસાન આ સફર નિવડવાની નહોતી. મારા ભૂક્કા નિકળી જવાનાં હતાં. બ્રાઝિલમાં મારી સહનશક્તિની કસોટી થવાની હતી. એક જંગ ખેલાવાનો હતો જેનો આછો-પાતળો અંદાજ પણ અત્યારે મને નહોતો. કુદરત અને કાળામાથાનાં માનવીઓ વચ્ચે ભયાનક, રક્તરંજિત અને જીવ સટોસટનાં યુધ્ધનું બ્યૂગલ અત્યારથી જ વાગી ચૂકયું હતુ જેનાં ભણકારા વાગવા શરૂ થઇ ચૂક્યા હતા. કુદરત તેનાં શશ્ત્ર સજાવી, આળસ મરડીને બેઠી થઇ રહી હતી.

@@@@@@@@@@@@@

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી વહેલી સવારે છ વાગ્યે અમારી ફ્લાઇટે ઉડાન ભરી. ફ્લાઇટ તેનાં નિર્ધારીત સમય કરતાં એક કલાક મોડી હતી. “ એતીહાદ “ એરલાઇન્સની અમદાવાદથી ઉડેલી અમારી ફ્લાઇટ રસ્તામાં વચ્ચે ફક્ત એક જ સ્ટોપ લઇને સીધી “ સાઓ-પાઓલો” એરપોર્ટ પર ઉતરાણ કરવાની હતી. લગભગ વીસ-એકવીસ કલાકની થકવી નાંખનાર મુસાફરી અમારે કરવાની હતી.

છતાં પણ હું ખુશ હતો. મારી ખુશીનું કારણ અનેરીનો સંગાથ હતો. “ એતીહાદ “ ની સીટીંગ વ્યવસ્થા બેહદ આરામદાયક અને આહલાદક હતી. તેમાં ખબર નહીં કેમ પણ, અનેરીએ મારી સાથે બેસવાનું પસંદ કર્યું હતું. મારો અંગત ખ્યાલ છે કે વિનીતને એ સેહેજે પસંદ આવ્યું નહીં હોય. પરંતુ મને તેની કોઇ પરવા નહોતી. અનેરીએ બારીની સીટ પસંદ કરીને બેઠક લીધી હતી. વહેલી સવારનાં ખુશનુમાં વાતાવરણમાં બારી બહારનો નજારો અદભૂત હતો. અમે પૂર્વ દિશામાં, એટલે કે સૂર્યની બરાબર સામે ઉડી રહ્યાં હતાં. તેનાં લીધે વિમાનની અંદરથી સૂર્ય દ્રશ્યમાન નહોતો થતો પરંતુ તેનાં ત્રાંસા સોનેરી કિરણો વિમાનની પાંખ ઉપરથી રિફ્લેક્ટ થઇને વિમાન નીચેથી પસાર થતાં સફેદ-ધવલ વાદળોને અલૌકીક રીતે ચમકાવતાં હતાં. એ દ્રશ્ય ખરેખર અવર્ણનીય હતું. અનેરી તો મૃગ્ધ બનીને બારી બહાર તાકતી રોમાંચીત થઇ ઉઠી હતી. તેનાં ચહેરા ઉપર આનંદની એક અલગ જ આભા પથરાઇ હતી.

“ અદભૂત દ્રશ્ય છે નહિં...? “ અનેરીનાં ચહેરા ઉપર નજર ઠેરવતાં અનાયાસે જ મારાં મોં માંથી શબ્દો સર્યા. અનેરીએ ગરદન ઘુમાવી મારી સામું જોયું.

“ મને સન-રાઇઝ બહું જ પસંદ છે. ઘરતીનાં પેટાળમાંથી સૂર્ય ઉગે એટલે જાણે એક નવાં જ વિશ્વનો જન્મ થાય. દરરોજ એક નવિનતમ રચના જન્મે અને સાંજ થતાં અસ્ત પામે. હું તો આપણા જીવનને પણ આ જ રીતે જોઉં છું. રોજ એક નવું જીવન, એક નવી આશા, એક નવો સંઘર્ષ...! મારા દાદા કહેતાં, જો સૂરજ ન હોત તો આપણે પણ ન હોત. અરે...આ પૃથ્વી જ ન હોત. અનંત બ્રહ્માંડમાં જેવો અંધકાર છે એવો અંઘકાર પૃથ્વી ઉપર હોત. મને ઘણી વખત એમની ફિલોસોફી સમજાતી નહી. હું દાદા સામે દલીલો કરતી. ક્યારેક અમારી વચ્ચે ઉગ્ર સંવાદ પણ થતો...પરંતુ તેઓ ધીરજ રાખીને શાંતીથી મને સમજાવતાં. તેઓ કહેતાં કે આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ બીજા હજ્જારો ગ્રહો છે. કેમ એ ગ્રહો ઉપર પૃથ્વી જેવું જીવન વિકસ્યું નથી...? કેમ કોઇ ગ્રહ ઉપર જીવન હોવાની શક્યતાઓ પણ નથી...? કારણકે તેમને સૂર્ય જેવા ગ્રહનો સંગાથ મળ્યો નથી. જો એ ગ્રહોને પણ પોતાનો એક સૂર્ય હોત તો ત્યાં પણ જીવન સંભવ બન્યું હોત. અને જો એવું થયું હોત તો બ્રહ્માંડનાં દરેક ખૂણે આપણાં ભાઇ-ભાંડૂરા આપણને મળી આવત. પણ એવું થયું નથી, ફકત પૃથ્વીને જ એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માટે આપણાં માટે જો કોઇ આરાધ્ય હોય તો એ ફક્ત સૂર્ય જ છે. આપણાં વડવાઓ આ બાબતને સારી રીતે સમજતાં હતા. હું તો કહું છું કે જો કોઇની પુંજા કરવી હોય તો સૂર્યની પુંજા કરો...સૂર્યને આરાધો. આ વિશ્વમાં જો કોઇ ભગવાન કે ઇશ્વર કે સર્જનહાર હોય તો એ ફક્ત અને ફક્ત સૂર્ય જ છે...” અનેરી ભારે અહોભાવથી બોલતી રહી. બોલતી વખતે તેની આંખોમાં એક અનોખી ચમક ઉભરતી હતી. મને ખ્યાલ આવ્યો કે તે એનાં દાદાને અનહદ ચાહતી હશે. કદાચ હું મારા દાદાને ચાહતો હતો એટલું જ...! એકાએક મને અનેરી પ્રત્યે માન જાગ્યું. તેની સુંદરતા તેનાં હદયની કોમળતાને આભારી હતી એ મને સમજાયું. તેનાં પ્રત્યે મારી આસક્તિ ઓર વઘી ગઇ.

તેનાં દાદાની પણ અજબ વાતો...અજબ ફિલસૂફી હતી. અનેરીની વાતો ઉપરથી તો લાગતું હતું કે તેઓ નાસ્તિક હશે, ઇશ્વરનાં અસ્તિત્વને જ નકારતાં હશે..! આ સમગ્ર સૃષ્ટીનું સર્જન સૂર્યનાં કિરણો દ્વારા જ થયું છે એવું દ્રઢપણે તેઓ માનતાં હોવા જોઇએ. મને એકાએક તેમની સાથે મુલાકાત કરવાનું મન થયું.

“ તું તારા દાદાને બહું માને છે નહિં...? “

“ નાનપણથી જ હું એમની છત્રછાયાંમાં ઉછરી છું એટલે તેમનો થોડો પ્રભાવ તો મારામાં આવ્યો જ છે. આવી બધી બાબતોમાં તેમનું જ્ઞાન અગાધ હતું. એમ સમજોને એક હરતી-ફરતી લાઇબ્રેરી હતાં તેઓ. અહીં ભારતનાં ઇતીહાસમાં તેમને રસ હતો જ...ઉપરાંત બ્રાઝિલનાં, ખાસ કરીને અમેઝોનનાં વર્ષાવનો અને તેમાં વસતા કબીલાઓનાં લોકોનો તેમણે ગહન અભ્યાસ કર્યો હતો. હું અને મારા દાદા બ્રાઝિલ જઇને વસ્યા એ પહેલાં પણ તેમણે બ્રાઝિલની ઘણી સફરો ખેડી હતી. ખરેખર મારા દાદા અદભૂત વ્યક્તિત્વનાં માલીક છે..” તેનાં દાદાને યાદ કરતાં અનેરીની આંખો ભરાઇ આવી હતી. પણ...મને એકાએક ઝટકો લાગ્યો હતો.

“ તારા દાદા...આઇ મીન, સાજનસીંહ પાલીવાલને બ્રાઝિલનાં ઇતીહાસમાં ગહેરો રસ હતો..? ” મારે કંઇક અલગ પુંછવું હતું, પરંતુ યોગ્ય શબ્દો મને જડયાં નહી કારણકે સહસા જ કશુંક મને ખટક્યું હતું જેનું અનુસંધાન તેનાં દાદા સાથે જોડાતું હતું.

“ હાં... કહયું તો ખરું કે તેઓ ઘણી વખત બ્રાઝિલ જઇ આવ્યા છે...” અનેરીએ જવાબ આપ્યો.

એ જવાબ સાંભળીને મને અજીબ પ્રકારની લાગણીઓ ઘેરી વળી. મારા મસ્તિસ્કમાં જાણે ફટાકડા ફૂટતાં હોય એવી ઝણઝણાટી મચી ગઇ. એકાએક મારી નજરો સમક્ષ અનેરી પાસે હતાં એ ફોટાઓમાં દેખાતા કબીલાઓ ઉભરી આવ્યા. ઉપરાંત બીજી પણ એક વાત યાદ આવતી હતી...જે મારા દાદા વીરસીંહ જોગીએ મને મારા નાનપણમાં એક કહાની રૂપે સંભળાવી હતી. મને એ વાર્તા આજે પણ યાદ હતી. બરાબર યાદ હતી. જો એ વાર્તા સત્ય હોય તો...!!! આશ્ચર્યથી મારું મોં ખૂલ્યું. ભારે ઉત્તેજનાથી મારી છાતીમાં ધડબડાટી બોલી ગઇ. નાં નાં...એ સત્ય ન હોઇ શકે..!

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED