No return-2 - 30 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન - 2 - 30

નો-રીટર્ન-૨

ભાગ-૩૦

( આગળ વાંચ્યુઃ-અનેરી અને પવન બંને એકબીજાને સહકાર આપવા તૈયાર થાય હતાં.... ઇન્સ.ઇકબાલખાન રાજમહેલનાં દાદર સાથે ધડાકાભેર અથડાય છે.... હવે આગળ વાંચો.)

મને આશ્વર્ય એ વાતનું હતું કે ઇકબાલખાન આમ અચાનક કયાંથી આવી ચડયો. વળી એકલો હોવાં છતાં ભયંકર રીતે ધડાકાભેર તે અથડાયો હતો એ કોઇ વિસ્મયકારક ઘટનાથી કમ તો નહોતું જ. મેં તેની બાઇકનું હેન્ડલ પકડીને ખડી કરી હતી અને સ્ટેન્ડ ચડાવ્યું હતું. એ દરમ્યાન ઇકબાલખાન દર્દથી કરાહતો દાદરનાં પગથિયે થોડો પાછળ ખસ્યો હતો. તેનાં ડાબા પગમાં કદાચ ઘણું વાગ્યું હશે એટલે સરખી રીતે તે પગ વાળી શકતો નહોતો. તેનાં રુક્ષ ચહેરા ઉપર અપરંપાર પીડાનાં ભાવો છવાયા હતાં. મને એ જોઇને ડર પેઠો કે કયાંક તેનાં પગનું હાડકું ભાંગ્યું ન હોય તો સારું.

આગળ વધીને હું તેની નજીક પહોંચ્યો અને તેની બંને બગલમાં હાથ નાંખીને તેને ઉભો કરવાની કોશિષ કરી. એ દરમ્યાન ધાનોજી પણ દોડતો આવ્યો હતો અને અમે બંનેએ ઇકબાલને ઉંચકીને મહેલનાં પરસાળમાં ગોઠવાયેલી ખુરશી ઉપર બેસાડયો હતો. આટલી જહેમત કરવામાં પણ ઇકબાલની આંખોમાં પાણી ધસી આવ્યું હતું. મને મારો શક પાક્કો થતો માલૂમ પડયો. તુરંત મેં એક ટીપોઇ મંગાવી અને નીચે લબડતા તેનાં પગને સાવધાની પૂર્વક ઉઠાવી ટીપોઇ ઉપર ગોઠવ્યાં. એ દરમ્યાન અમારી આસપાસ માણસોનો ઝમેલો ખડકાઇ ચુકયો હતો. બધા અમારા માથા ઉપર ઝળુંબતા કૌતુકતાથી ડોકા ઉંચા-નીચા કરી તાકી રહયા હતા..

“ બધા થોડા પાછા હટો.... અને અહીં ઉભા રહેવાની પણ જરૂર નથી. ફક્ત બે-ત્રણ માણસો રહો બાકીનાં બીજા પોત-પોતાનાં કામે વળગો. ” ઇકબાલ પાસેથી ઉભા થઇને મેં બધાને વિખેરયાં. જોતજોતામાં ત્યાં એકઠું થયેલું ધામચડું વિખેરાયું હતું. હવે ફક્ત હું, ઇકબાલ, ધાનોજી અને અનેરી ઉપરાંત મહેલનાં બીજા બે કર્મચારીઓ જ ત્યાં વધ્યાં હતાં. હું ઇકબાલ તરફ ફર્યો.

“ ઇન્સ. ઇકબાલ, શું છે આ બધું....? આમ સાવ એકલા એકલા કેમ કરતાં પડયાં...?” મને કંઇક અલગ જ વિચારો આવતા હતા.. ઇકબાલખાન મજબૂત વ્યક્તિ હતો. એ કોઇનાથી ડરીને અહીં ભાગતો આવ્યો હોય એવું તો હું વિચારી પણ ન શકું.....! પણ તો પછી તેનો ચહેરો કેમ તરડાયેલો જણાય છે...? જરૂર કંઇક ગંભીર વારદાત બની હોવી જોઇએ.

“ પેલાં... પેલાં લોકો ભાગી ગયાં.....” મહા-મુસીબતે ગળા નીચે થુંક ઉતારતાં તે બોલ્યો.

“ પેલા લોકો...! કોણ પેલા લોકો...? ” મને આશ્વર્ય ઉદ્દભવ્યું. અનેરી પણ તેની વાત સાંભળી મારી વધુ નજીક સરકી હતી.

“ એ.... એ... પ્રોફેસર....” તે અટકયો. તેને ખરેખર અસહ્ય પીડા થતી હતી. ભયંકર દર્દનાં કારણે ત્રુટક-ત્રુટક શબ્દો તેનાં ગળામાંથી નીકળતાં હતાં. મને સમજાતું હતું કે ઇકબાલને તાત્કાલીક દવાખાના ભેગો કરવો પડશે નહિંતર અસહ્ય દર્દનાં લીધે તે ચોક્કસ બેહોશ થઇ જશે. મેં ધાનોજીને તુરંત હોસ્પિટલે ફોન કરી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા કહયું.

“ પ્રોફેસર....! કયા પ્રોફેસર...? કંઇક સમજાય એવું ચોખવટ પાડીને કહે...!” પ્રોફેસર શબ્દ સાંભળીને એકાએક હું સતર્ક થયો હતો. અહીં આવ્યા બાદ મેં મહેલમાં રોકાયેલા પ્રોફેસરો વીશે જાણ્યું હતું અને રાજનનાં અપહરણમાં તેમનો હાથ હોવાની ખાતરી પણ ધીરે-ધીરે થતી જતી હતી.

“ અમેરીકા... પ્રોફેસર...” ઇકબાલની આંખોમાંથી આંસુ ઉભરાઇને ગાલ ઉપર રેળાયા હતાં. મહા-મુસીબતે તે પોતાની જાતને સંભાળી રહયો હતો. ટીપોઇ ઉપર મુકેલા તેનાં પગમાં વારે-વારે ધ્રુજારી ઉપડતી હતી. મારું અનુમાન પાક્કુ થયું હતું કે તેનાં પગમાં ચોક્કસ ફ્રેકચર થયું હોવું જોઇએ. એમ્બ્યુલન્સની રાહ જોતાં અહીં બેસી રહેવું હવે મને જોખમભર્યુ લાગવા માંડયું હતું. તેની કથની તો પછી પણ સાંભળી લેવાશે પરંતુ એ પહેલાં તેને હોસ્પિટલાઇઝ કરવો અત્યંત જરૂરી હતું.

“ અનેરી... તારી કાર લઇ આવ....” અનેરી તરફ ફરીને મેં હુકમ કર્યો. અનેરીને પણ અહીં સર્જાયેલી પરિસ્થિતીની ગંભીરતા સમજાતી હતી. તે મહેલનાં કંમ્પાઉન્ડ તરફ દોડી અને પોતાની કાર લઇને તુરંત મહેલનાં પગથિયે આવી. ગનીમત એ થયું કે અનેરી અને વિનીતને ઇકબાલખાન ધાનેરાની હોટલમાંથી તેમની કારમાં જ અહીં લઇ આવ્યો હતો એટલે તેની કાર અત્યારે ખરા સમયે કામ લાગી હતી. સાવધાનીથી ઇકબાલને ઉંચકીને અમે કારની પાછલી સીટમાં બેસાડયો અને હું અનેરીની બાજુમાં ગોઠવાયો. અનેરીએ તુરંત કારને હોસ્પિટલની દિશામાં હંકારી મુકી.

@@@@@@@@@@@

“ રાજન.... દિવાન..... સાહેબ....” બંધ આંખોએ જ ઇકબાલ બબડતો હતો. ઇન્દ્રગઢનાં કાચા ધૂળીયા રસ્તે અનેરી સાવચેતીથી કાર હંકારતી હતી તેમ છતાં ખરાબ રસ્તાનાં કારણે કારમાં હડદોલા લાગતાં હતાં. જેના લીધે પાછલી સીટમાં ટેકો લઇને બેઠેલો ઇકબાલખાન વારંવાર કરાહી ઉઠતો હતો. તે કંઇક કહેવા માંગતો હતો પરંતુ કોઇ જ સ્પષ્ટ ઉચ્ચારો તેનાં મોં માંથી નીકળતાં નહોતાં. મારે પણ ઘણું પુંછવું હતું, ઘણું બધુ જાણવું હતું, પરંતુ તેની નાજુક પરિસ્થિતી જોતાં હું ચુપ હતો. તેને વધુ તકલીફ થાય એવું કશું જ હું અત્યારે કરવા માંગતો નહોતો.

“ દિવાન.... દિવાન... બચાવી લો... રાજન.... એ લોકો.... લઇ ગયાં.... ભાગી... ગયા...”

“ રિલેક્ષ ઇકબાલ....! આપણે તેની તપાસ કરાવીશું. બટ, પ્લીઝ, બી રિલેક્ષ નાઉ....” મારી ઉત્તેજનાને, મારી ઉત્સુકતાને દબાવતાં મેં ઇકબાલને ફરીથી સધીયારો આપ્યો.
“ નહિ.... નહિ...! ત્યાં સુધીમાં એ લોકો... એ લોકો... ભારત... છોડી દેશે...!”

“ પણ થયું છે શું એ તો કહે....! આખરે તું કોના વિશે વાત કરી રહયો છે....? આખરે માજરો છે શું...? ” હું પણ ધીરજ ગુમાવતો જતો હતો.

“ પ્રોફેસર થોમ્પસન.... અને તેનાં સાગરીતો... રાજન અને દિવાન સાહેબને લઇને.... અમેરીકા.... નહિં, નહિં.... બ્રાઝિલ જઇ રહયાં છે. તમે... તમે.... એને રોકો....! જે જોઇએ તે.... આપીને પણ છોડાવી લો....! ” મહા મુસીબતે દર્દભર્યા અવાજે ઇકબાલ સતત બોલતો ગયો. “ તેને કેમેરો.... ફોટાઓ.... આ છોકરી.... જોઇએ છે. સંદેશો મોકલ્યો... બ્રાઝિલ....”

“ બ્રાઝિલ....? ” હેરતથી મારા ભવા સંકોચાયા હતા. વારંવાર બ્રાઝિલનો ઉલ્લેખ થઇ રહયો હતો એ મને થોડું વિચિત્ર લાગતું હતું. ઉપરાંત, અનેરીએ જે ફોટા મને બતાવ્યા હતાં તેમાં પણ એક બિલ્ડિંગ ઉપર બ્રાઝિલ લખેલું હતું જે મને યાદ રહી ગયું હતું. પરંતુ આખરે છે શું બ્રાઝિલમાં....? વારંવાર બ્રાઝિલનો ઉલ્લેખ કયા સંદર્ભમાં થઇ રહયો છે....? મને બધું બહું જ રહસ્યમય લાગતું હતું. અને.... અનેરી પણ બ્રાઝિલથી જ ભારત આવી હતી ને...!! આ સમગ્ર ઘટનાક્રમનો એક છેડો વારંવાર બ્રાઝિલ સાથે જોડાઇ રહયો હતો એ થોડું અજૂગતું હતું. ઇકબાલ ખરેખર તકલીફમાં હતો. હવે વધુ પુંછવું યોગ્ય નહોતું લાગતુ. તે સરખું બોલી કે સમજાવી પણ શકતો નહોતો. આખરે તે સ્વસ્થ થાય ત્યાં સુધી મેં ધીરજ રાખવાનું મન બનાવ્યું. ત્યારબાદની ઘટનાઓ બહું ઝડપી ઘટી હતી.

અમે હોસ્પિટલે પહોંચ્યા હતા અને ઇકબાલને ઓર્થોપેડીક વિભાગમાં ભરતી કરાવ્યો હતો. ડોકટરે તેની સારવાર ચાલુ કરી ત્યારે પણ તે અર્ધ- બેહોશીની હાલતમાં લવારી કરતો હતો. ડોકટરે તેને ભારે સિડેસીવ્સનાં ઇન્જેકશનો આપ્યાં હતાં ત્યારે માંડ તે શાંત થયો હતો.

અમે ઓર્થોપેડીક વિભાગની બહાર મુકાયેલા બાંકડા ઉપર બેઠા. સાચું કહું તો... જો અનેરી મારા જીવનમાં પ્રવેશી ન હોત તો કયારેય હું આ ઝમેલામાં પડયો ન હોત, અને તો ઘણી બધી મુસીબતોથી હું બચી શકયો હોત.

@@@@@@@@@@@@

લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ ઇકબાલને થોડું ભાન આવ્યું હતુ.. મારું અનુમાન સાચું પડયું હતું. તેનાં પગમાં નળાનાં હાડકામાં મલ્ટીપલ ફ્રેકચરો થયાં હતાં. ડોકટરોએ ઓપરેશન કરીને તેમાં સ્ટીલનો રોડ નાંખ્યો હતો અને ઉપર પ્લાસ્ટર મારી દીધું હતું. ગનીમત એ થયું કે ઓપરેશન ધાર્યા કરતાં જલ્દી પત્યું હતું. નહિંતર આવા ઓપરેશન્સમાં બહું સમય લાગતો હોય છે. ઇકબાલને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. એ દરમ્યાન હું અને અનેરી મહેલે જઇને ફરી પાછા હોસ્પિટલે આવ્યા હતાં. મારો જીવ સતત ઉચાટમાં હતો. મારે જાણવું હતું કે આખરે ઇકબાલ કહેવા શું માંગતો હતો...! તે ભાનમાં આવ્યો કે તરત જ પલંગ પાસે પડેલી ખુરશી ખસેડીને હું તેની નજીક બેસી ગયો હતો. ઇકબાલે બોઝીલ નજરોથી મારી સામું જોયું હતું. કદાચ તેને પણ મારી આતુરતા સમજાઇ હશે. આમપણ તે ખુદ મને તેનાં મનમાં ધરબાયેલી વાત કહેવા જ મહેલે આવ્યો હતો ને..

“ કુંવર સાહેબ...!” તેનું ગળું સુકાતું હતું. “ મને ખબર છે કે તમે મને આ મામલાથી દુર રાખવા માંગો છો.”

“ અરે નહિં ઇકબાલ... એવું નથી.” તે મારાથી ઉંમરમાં ઘણો મોટો હતો, તેમ છતાં હું તેને “ તુંકારે” બોલાવતો હતો. અહીં ઇન્દ્રગઢમાં આવ્યા બાદ ખરેખર હું ઘણો જ બદલાયો હતો.

“ પણ હું મારી ડયૂટી પુરી ઇમાનદારીથી કરતો આવ્યો છું. રાજન ઉપર હુમલો થયો ત્યારે જ મને શક પડયો હતો કે આ કોઇ નાનીસુની વારદાત નથી. ઇન્દ્રગઢ જેવા નાનકડા રજવાડામાં આજ સુધી કયારેય કોઇ અજૂગતી ઘટના બની નથી એટલે રાજન ઉપર હુમલાની વારદાતને મેં ગંભીરતાથી લીધી હતી અને મારા તમામ સોર્સ કામે લગાડયા હતા.. બહું જલ્દી મને ખ્યાલ આવ્યો હતો કે એ વારદાત પાછળ એભલસીંહ અને અમેરીકાથી આવેલા પ્રોફેસરોનો હાથ છે. એ પ્રોફેસરોએ જ એભલસીંહને કામ સોંપ્યું હતું. પરંતુ આ વાત સમજતા, સ્વિકારતાં મને થોડો સમય લાગ્યો હતો. હું એ બાબતોનું આપસ-માં અનુસંધાન જોડું એ પહેલાં રાજનનું હોસ્પિટલમાંથી જ અપહરણ કરવામાં આવ્યું. હું ચોંકી ઉઠયો હતો. મેં એ મામલાને ઝીણવટથી ખોતરવાની શરૂઆત કરી. અને તમે નહીં માનો, પણ એક પછી એક પ્રશ્નોનાં જવાબ મને મળતાં ગયાં હતાં. ” ઇકબાલ અટકયો. તેણે મારી પાછળ ઉભેલી અનેરી તરફ નજર કરી અને નજરોથી જ એ તરફ ઇશારો કર્યો. “ જો આ મેડમ ઇન્દ્રગઢમાં પધાર્યા ન હોત તો રાજન ઉપર હુમલો થયો ન હોત.” તેણે ધડાકો કર્યો. અનેરી અપાર આશ્વર્યથી ઇકબાલને તાકી રહી.

“ તમે એમ કહેવા માંગો છો કે મારા કારણે રાજન મુસીબતમાં મુકાયો છે...?” જાણે વિશ્વાસ થયો ન હોય એવા અવાજે તે બોલી.

“ યસ...! રાજનને તમારી સાથે વાતો કરતાં અને કવર આપતાં એ લોકોએ જોયું હતું. તમારો પીછો પણ કરવામાં આવ્યો હતો પરંતુ તમે એભલસીંહને ચકમો આપીને છટકી ગયાં હતાં, એટલે એ લોકોએ રાજનને પકડયો હતો...”

“ ઓહ....! તો મારો પીછો કરનાર એભલસીંહ હતો...! ”

“ હાં...! પરંતુ રાજન એ કેમેરા વીશે કે તમારી વીશે વધુ કંઇ જાણતો જ નહોતો. તેણે તો માત્ર એક સહકારની ભાવનાથી તમારું કામ કર્યું હતું. જેની તેણે ભારે મોટી કિંમત ચુકવવી પડી. પહેલાં એ લોકોએ રાજન ઉપર હુમલો કર્યો. જો કે એ ઘટના સાવ અનાયાસે જ સર્જાઇ હતી. પરંતુ ત્યારબાદ એક સાઝીશ રચીને તેનું અપહરણ કરવામાં આવ્યું. ”

“ તને આ બધી બાબતોની કેવી રીતે ખબર પડી...? ” અનેરીની જેમ મારી ઉત્સુકતા પણ તેની ચરમસીમાએ પહોંચી હતી. મારો પ્રશ્ન સાંભળીને ઇકબાલનાં ફિક્કા પડી ચૂકેલા ચહેરા ઉપર હાસ્ય તરી આવ્યું.

“ એ જ તો કહું છું....” તેણે એક ઉંડો શ્વાસ લીધો અને ફરીથી બોલવાનું શરૂ કર્યું. ” એક પછી એક કડીઓ આપસમાં હું જોડતો ગયો ત્યારે મને સમજાયું હતું કે આ મેડમ અને પેલા અમેરીકન પ્રોફેસરો લાઇબ્રેરીમાં કોઇક ચીજની શોધખોળ માટે ભારત પધાર્યા હતાં. એ ચીજ એક વર્ષો જૂનો જરી-પુરાનો ભંગાર થઇ ચૂકેલો કેમેરો હતો. જે સૌથી પહેલા આ મેડમનાં હાથમાં આવ્યો. મેડમ તો એ કેમેરો લઇને અહીંથી રફુચક્કર થઇ ગયા હતાં પરંતુ પ્રોફેસરોને એમ જ લાગ્યું કે જરૂર રાજન તેની સાથે જોડાયેલો છે. એટલે તેમણે રાજનને ઉઠાવ્યો અને ઇન્દ્રગઢની સીમમાં આવેલા ઝરુખાનાં ભોંયરામાં સંતાડી રાખ્યો. પછી તેમણે કનૈયાલાલ બિશ્નોઇને એક જાસાચિઠ્ઠી મોકલાવી, કે જો તેમને તેમનો પુત્ર પાછો જોઇતો હોય તો અમુક શરતો તેમણે માનવી પડશે. એ ચિઠ્ઠી દિવાન સાહેબે તમને વાંચવા આપી અને તમે પણ દિવાન સાહેબ સાથે જવા તૈયાર થયાં. આ સમગ્ર ઘટનાક્રમમાં તમે મને સાવ અળગો રાખ્યો હતો. પરંતુ મેં મારી રીતે અલગથી તપાસ આરંભી હતી. સૌથી પહેલાં મને એભલસીંહનું પગેરું મળ્યું. બસ... પછી શું છે...! હું એભલસીંહનું પગેરું દાબતો તેમનાં અડ્ડા, મતલબ કે પેલા અવાવરું ઝરુખા સુધી પહોંચી ગયો હતો. પરંતુ આ વખતે પણ હું મોડો પડયો હતો. એ લોકો ત્યાંથી પણ રફુચક્કર થઇ ગયા હતાં...”

“ એક મિનીટ...” અચાનક હું વચ્ચે બોલી ઉઠયો.” આ ક્યારની વાત છે....”

“ પરમ દિવસ રાતની....!”

“ અને તું આજે એ વાત કહે છે....? ” અચાનક મારો પારો ઉછળ્યો.

“ તમે પહેલા મારી વાત પુરી સાંભળો....! ત્યાંથી એ લોકો કયાં ગયા એની મેં તપાસ આરંભી. છેક આજે સવારે મને જાણવા મળ્યું કે તેમણે બ્રાઝિલની ફલાઇટ બુક કરાવી છે. અને એટલે હું દોડયો. મને એમ જ લાગ્યું કે એ લોકો મારા હાથમાંથી છટકી રહયા છે. આ બાબત ખરેખર ખતરનાક હતી એટલે તમને જણાવવી જરૂરી હતી. મારું હ્રદય ફફડતું હતું કારણ કે રાજન અને દિવાન સાહેબ બંને એ લોકોની ગિરફ્તમાં હતાં. એ જ ફફડાટમાં હું મહેલે દોડી આવ્યો હતો. ગભરાહટ, બેચેની અને ઉત્તેજનામાં મહેલનાં પગથિયા સુધી મારું બાઇક પહોંચ્યું. હું એટલો અપસેટ હતો કે બ્રેક મારવાનું પણ ભૂલી ગયો હતો અને દાદર સાથે ધડાકાભેર અથડાઇ પડયો. ” ઇકબાલ ખામોશ થયો.

હવે મને સમજાયું હતું કે કેમ દિવાનસાહેબ બીજા દિવસે પાછા આવ્યાં. નહીં. મારી એક ભૂલનાં કારણે ઘણો ગૂંચવાડો ઉત્પન્ન થયો હતો. હું અસહાય નજરે ઇકબાલને જોઇ રહયો. હવે શું પગલાં ભરવા જોઇએ એ અમારા ત્રણેય માંથી એકેયને સમજાતું નહોતું.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED