અમેઝિંગ “ એમેઝોન “.....!!!
સાલ ૧૯૯૫..વોશિંગટનના એક ઘરના ગેરેજમાં એક પુત્ર પોતાના પિતાને ઇન્ટરનેટ થકી ઓનલાઈન વેપાર કરવાના પોતે શરુ કરવા ધરેલા ધંધામાં ૩ લાખ ડોલર જેટલી મૂડી રોકવા સમજાવે છે. ‘ ઇન્ટરનેટ એટલે શું ?’ પિતાનો સવાલ.!! ‘ આપણે ઇન્ટરનેટ પર નહિ પણ, જેફ પર વિશ્વાસ રાખવાનો છે ‘ – માતા ઉવાચ. કટ ટુ વર્ષ ૨૦૧૮...માતા-પિતાના આ વિશ્વાસને ખરો પાડતો હોય એમ ઘરના ગેરેજમાં માત્ર ૩ કોમ્પ્યુટર અને જાતે બનાવેલા સોફ્ટવેરથી શરુ કરેલી કંપનીનો માલિક જેફ બેજોસ દુનિયાનો આજે સૌથી અમીર વ્યક્તિ ડીકલેર થાય છે..!!! છે ને અમેઝિંગ ?..જો કે વાત અમેજીંગની સાથે સાથે એમેઝોનની થઇ રહી છે...!!! જી હા ફોર્બ્સે હમણાં જ ડીકલેર કરેલા આંકડા મુજબ ૩ લાખ ડોલરથી શરુ થયેલી એમેઝોનનો સ્થાપક જેફ બેજોસ ૧૫૦ અબજ ડોલર સંપતી ( ૧૦ લાખ કરોડ રૂપિયા ) સાથે દુનિયાનો સૌથી અમીર ઇન્સાન બની ગયો છે. એમેઝોનના શેરમાં આવેલા ઉછાળા પછી જેફ ભલે વિશ્વનો સૌથી શ્રીમંત ઇન્સાન બની ગયો હોય પણ એ સ્તરે પહોચવા પાછળ એના આત્મવિશ્વાસ, મહેનત અને દુરન્દેશીતાની કહાની સામાન્ય માનવીની સાથે સાથે પોતાનો બિજનેસ શરુ કરવા માંગતા કે એને સફળ બનાવવા માંગતા દરેક બીજ્નેસમેનોએ સમજવા જેવી, ફોલો કરવા જેવી છે.
૧૭ વર્ષની નાબાલિક મા ને ખોળે જન્મેલા જેફનો બાપ તો એને એ જ્યારે ૧૮ મહિનાનો હતો ત્યારે જ છોડી જતો રહેલો.જેફ સાવકા બાપ પાસે ઉછર્યો, ભણ્યો અને નાનાને ઘરે રહીને ટેકનોલોજી શીખ્યા પછી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પૂરો કરીને વોલ સ્ટ્રીટમાં ફંડ મેનેજર બની ગયેલો પણ નોકરીના ભાગરૂપે એની નજર એ સમયે અજાયબી જેવી ઇન્ટરનેટ ક્રાંતિ પર લગાતાર હતી, અમેરિકામાં ઝડપથી વધતી ઇન્ટરનેટની લોકપ્રિયતા જોઇને એને થયું મારે પણ આનો લાભ લેવો જોઈએ. જેફને ઓનલાઈન ટ્રેડીંગનો વિચાર તો આવ્યો પણ વેચવું શું ? એકબાજુ એના નવાનવા લગ્ન થયેલા અને બિજનેસ માટે નોકરી પણ છોડવી જ પડે. જેફે ઓનલાઈન વેચી શકાય એવી ૨૦ ચીજોની યાદી તૈયાર કરી. યાદ રહે આ એ સમય હતો જ્યારે ઓનલાઈન રીટેલ એવું નામ હજુ પ્રચલિત થવું બાકી હતું. ૨૦ ચીજોની યાદીમાંથી જેફની નજરે પુસ્તકો ચડી ગયા કેમકે એક તો પુસ્તકોની ઓછી કીમત, વિશાળ શ્રેણી અને બીજું કે એની ડીમાંડ સદાયે રહેવાની આવું વિચારીને નોકરીને તિલાંજલિ આપીને જેફે ૧૯૯૫મા શરુ કર્યું એમેઝોન...!!!
જેફ કહે છે ‘ જો તમે લાંબાગાળાનું વિચારશો તો દુખી નહિ થાવ, ઇવન ધંધામાં પણ તાત્કાલિક નફાનું વિચારશો તો સફળતાના ચાન્સીસ ઓછા રહેશે ‘ એમેઝોનના શરૂઆતી તબક્કામાં પણ જેફે આવું જ કરેલું, એણે પણ ૪-૫ વર્ષ સુધી નફો નહિ થાય એમ વિચારીને જુલાઈ ૧૯૯૫મા ગેરેજમાં શરુ થયેલી એમેઝોનનો સિતારો ફક્ત ૩ જ મહિનામાં આસમાનને આંબવા લાગ્યો. પહેલા બે જ વીકમાં એમેઝોનની કમાણી ૨૦૦૦૦ ડોલરે પહોચી ગઈ અને બે મહિનામાં તો અમેરિકાના ૫૦ રાજ્યો અને ૪૫ અન્ય દેશો સુધી એનો પુસ્તકો વેચવાનો ધંધો વિસ્તર્યો. પણ આ બધું આસાન નહોતું. જેફ અને એના સાથીઓ જમીન પર બેસીને પુસ્તકોના પાર્સલો બાંધતા કે એને પોસ્ટ કે ડીલીવર કરવા ઘણીવાર જાતે પણ જતા. ૨૧ મી સદી આવતા આવતા ઘણી ડોટ કોમ કંપનીઓનો ફુગ્ગો ફૂટી ગયો પણ એ છતાયે એમેઝોન વધુ વિકસતી ગઈ અને ૧૯૯૭-૯૮મા જેફે ઓનલાઈન કપડા અને બીજી ચીજો વેચતી કંપનીઓ ખરીદવાની શરૂઆત કરી આમ એમેઝોન માત્ર પુસ્તકો નહિ પણ બીજું પણ વેચવા લાગી અને ૧૯૯૭મા તો આઈપીઓ પણ લાવી તો ૧૯૯૯મા ઇન્ટરનેશનલ વેબ્સાઈટ પણ. જેફ આવકનો મોટો ભાગ ફરીથી ધંધાના વિકાસમાં જ લગાવતો હતો અને આમ પાંચેક વર્ષની મહેનત પછી ૨૦૦૧મા એમેઝોનને નફો હાથ લાગ્યો..!!
પોતાની ઓનલાઈન રીટેલ કંપનીનું શરૂઆતમાં કેડેબ્રા.કોમ નામ રાખવાની ઈચ્છા ધરાવનાર જેફે પછીથી એનું નામ જગતની બીજા નંબરની સૌથી લાંબી નદી પરથી ‘ એમેઝોન ‘ એટલા માટે રાખ્યું કે જેફની ઈચ્છા પુસ્તકોના વેચાણમાં આ કમ્પની એમેઝોન નદીની જેમ દુનિયાની સૌથી મોટી ઓનલાઈન બુકસેલર બને એવી હતી. જો કે એમેઝોન નામ રાખવાનો બીજો ઈરાદો એ પણ હતો કે ઇન્ટરનેટ પર સર્ચ થાય તો આલ્ફાબેટીકલી એ અક્ષર પહેલા આવે મીન્સ કે સર્ફરને એમેઝોન વધુ વહેલું દેખાય...!!! ખેર પછીથી તો એમેઝોનમાં બુક્સ સિવાય કપડા, ડીવીડી, રમકડા, સોફ્ટવેર ઓર નાં જાને ક્યા ક્યા વેચાવા લાગ્યું. એટલે તો ૨૦૦૧થી એમઝોનનો લોગો પણ એવો જ રખાયો કે જેમાં એક તીર નામના પ્રથમ અક્ષર એ થી શરુ થઈને વચ્ચેના અક્ષર ઝેડ સુધી જાય છે, મીન્સ એમેઝોન પર એ ટુ ઝેડ બધું જ મળે છે...!!! અને વાત પણ સાચી છે લગભગ કોઈ એવી ચીજ નહિ હોય જે એમેઝોન પર નહિ મળતી હોય. અને મળે જ ને કેમકે ૧૯૯૮થી શરુ કરીને ૨૦૧૮ સુધીમાં એમેઝોને નહી નહિ તો વિવિધ પ્રકારની ઓનલાઈન મ્યુઝીક, સોફ્ટવેર, ફોટોગ્રાફી, ઈ-કોમર્સ, બુક્સ, કપડા, ફૂડસ આઈટમ વગેરે વેચતી સોએક કંપની ખરીદીને એમેઝોનને તગડું બનાવ્યું છે. આજે એમેઝોન ખાલી રીટેલ સેલર ના રહેતા એમઝોન.પ્રાઈમ ( ફાસ્ટ ડીલેવરી ). એમેઝોન મ્યુઝીક ( સંગીત ), એમેઝોન આર્ટ, ગેમ્સ, વેબ સર્વિસીસ, સ્ટુડિયો, ડ્રાઈવ ( કલાઉડ સોલ્યુશન ) જેવા અનેકો વિભાગોથી સમૃદ્ધ છે.
આજે એમેઝોન દુનિયાની સૌથી મોટી ઓનલાઈન રીટેલ કરતી અથવા તો સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે એમાં કોઈ બેમત નથી પણ ત્યાં સુધી પહોચવામાં કામ લાગેલા જેફના થોડા એથીક્સ બિજનેસ શરુ કરવા કે જમાવવા માટે કામમાં લાગે એવા છે. જેફે શરૂઆતમાં જ નક્કી કરેલું કે ઓછા નફ્ફે વધુ વેચાણ કરવું એટલે જ એણે શરૂઆતમાં ઉંચી કીમતથી વધુ નફો મેળવવા કરતા વધુ વોલ્યુમ અને વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરેલું. જેફ્નું માનવું હતું કે ઓછો નફો હશે તો વધુ વેપાર માટે કાર્યકુશળતા પર વધુ ધ્યાન અપાશે જેથી ઓછી કીમતે માલ વેચી શકાશે. ‘ હમેશા નવું કરતા રહો ‘ – જેફે પુસ્તકો તો વેચવા શરુ કર્યા જ પણ એમાં ટોચના સ્થાને પહોચ્યા પછી પણ એણે એમેઝોનની સાઈટ પર વન ક્લિક શોપિંગ, વેરીફીકેશન જેવા નવા વિચારો મુક્યા એટલું જ નહિ પણ જોરદાર હીટ થયેલ એમેઝોન કિન્ડલ ઈ-બુક રીડર જેવી નવીન ચીજથી એમેઝોનનો નફો વધાર્યો. પોતાના કશુક નવું કરવાના મંત્રને આગળ વધારતા જેફે ૨૦૧૩મા અમેરિકાના સૌથી જુના અખબાર ‘ વોશિંગટન પોસ્ટ ‘ ને ખરીદીને બધાને ચોકાવી દીધેલા એટલું જ નહિ પણ પોતાની નવીનીકરણ યાત્રાને આગળ વધારતા જેફે અંતરીક્ષમાં ઉડાન ભરવા કોમર્શીયલ રોકેટ બનાવવાની પણ જાહેરાત કરી છે. જેફ્નું માનવું છે કે એમેઝોનની આટલી પ્રચંડ સફળતાનું રહસ્ય ગ્રાહકોની ઉત્કૃષ્ટ સેવા છે. આજે પણ એમેઝોનમાં દર બે વર્ષે બે દિવસ દરેક કર્મચારીએ કસ્ટમર કેરમાં વિતાવવા ફરજીયાત છે, ઇવન સીઇઓ જેફે પણ..!! જ્યારે ગેરેજમાં એમેઝોન શરુ કરાયું ત્યારે બજેટને લીધે પ્રચાર કે એડવરટાઈઝમેન્ટમાં પૈસા બગાડવાનો પ્રશ્ન જ નહોતો એટલે શરૂઆતથી જ જેફની નીતિ એ રહી કે ઉત્કૃષ્ટ સેવા, કિફાયતી ભાવે વસ્તુ અને બેસ્ટ આફ્ટરસેલ સર્વિસ આપો એટલે ગ્રાહકો જ કંપનીની મૌખિક ( માઉથ ટુ માઉથ ) પબ્લીસીટી કરતા રહેવાના. ૧૯૯૯મા જગવિખ્યાત ‘ ટાઈમ ‘ મેગેજીને જેફ્ને ‘ પર્સન ઓફ ધ યર ‘ તરીકે એમ કહીને નવાજેલા કે એમેઝોનને લીધે દુનિયાભરની ખરીદી કરવાની રીત બદલાઈ ગઈ છે અને મજાની વાત એ છે કે આજે એમેઝોન પર જે મળે છે એમાંથી મોટાભાગની વસ્તુઓ એમેઝોન બનાવતી નથી પણ માત્ર સેલ અને સર્વિસ જ કરે છે અને છતાં પણ આજે દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે...!!!!.
વિસામો :
એમેઝોનના શરૂઆતી દિવસોમાં કર્મચારીઓ જુના બારણાઓનો ટેબલ તરીકે ઉપયોગ કરતા, જેની યાદમાં આજે પણ નવીન આઈડીયા આપનાર કર્મચારીને અપાતા એવોર્ડનું નામ છે “ ડોર ડેસ્ક એવોર્ડ “ !!!