કળાકાર અને કદરદાન ! Ajay Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળાકાર અને કદરદાન !

કળાકાર અને કદરદાન.....!!!

‘ ધ ક્રાઈંગ બોય ‘ આ છે ઇટાલીના ચિત્રકાર બ્રાગોલીન દ્વારા ૧૯૫૦ માં બનાવેલા એક ચિત્રનું નામ. આ ચિત્રમાં ચિત્રકારે એક રડતું બાળક બનાવેલું. આ ચિત્ર એ સમયે લોકોને એટલું બધું પસંદ આવ્યું કે પછીથી જેમ દરેક સફળ પેઈંન્ટીગ સાથે થાય છે એમ બ્રાગોલીને આની એક આખી સીરીઝ જ બનાવી નાખેલી. ત્યાં સુધી તો બધું બરાબર હતું પણ ૧૯૮૦ની આસપાસ એવી અફવાઓ ફેલાવા માંડી કે આ ચિત્રને લીધે ઘરમાં આગ લાગી જાય છે !! જ્યાં જ્યાં આગ લાગી ત્યાં આગ બુજાવવા ગયેલા ફાયરબ્રિગેડના લોકોનું કહેવું હતું કે એ ઘરમાં આ પેઈંન્ટીગ મોજુદ હતું અને નવાઈની વાત એ બની કે આગ લાગેલા દરેક ઘરમાં આગ વચ્ચે પણ આ પેઈંન્ટીગ સહીસલામત દીવાલે લટકેલું મળ્યું..!! મોટાભાગનાએ આ પેઈંન્ટીગને શ્રાપિત માની લીધું, ઘણાને તો એ ચિત્રમાં રહેલા રડતા બાળકના સાક્ષાત દર્શન પણ થયા અંતે બીકના માર્યા જે લોકો પાસે આ પેઈંન્ટીગ હતું એ લોકોએ ‘ હેલોવન ફેસ્ટીવલ ‘ દરમ્યાન આ ચિત્રો સળગાવી દીધા પછી એમ કહેવાય છે કે આગની ઘટનાઓમાં કમી આવી. આના પર ટીવી સીરીયલ્સ પણ બની...!!! સારા અને સચોટ પેઈંન્ટીગમાં આવી પણ તાકત રહેલી છે એનો આ દાખલો.

પેઈંન્ટીગ અથવા તો ચિત્રની આ વાત યાદ આવવાનું કારણ એ છે કે હમણાં જ આપણા સન્માનીય દિવંગત ચિત્રકાર તૈયબ મહેતાનું ૧૯૮૯મા એમણે બનાવેલું પેઈંન્ટીગ ‘ કાલી ‘ ઓનલાઈન નીલામીમાં અધધધ કહી શકાય એવા ૨૬.૪ કરોડ રૂપિયામાં વેચાયું. તૈયબસાહેબ તો ૨૦૦૯મા જ અવસાન પામ્યા છે પણ આટલા વર્ષો પછી પણ એમના ચિત્ર ‘ કાલી ‘ એ ભારતના સૌથી મોંઘા વેચાયેલા પાંચ પેઈંન્ટીગમાં સ્થાન મેળવ્યું છે. ‘ કાલી’ ની પહેલા પણ ૨૦૧૩ માં તૈયબ મહેતાની જ બનાવેલી પેઈંન્ટીગ ‘ મહિષાસુર ‘ ૧૯.૭ કરોડમાં વેચાયેલી. આ હિસાબે ‘ કાલી ‘ એ તૈયબસાહેબનો જ રેકોર્ડ તોડ્યો ગણાય. ભારતીય ચિત્રકારોના પાંચ સૌથી મોંઘા ભાવે વહેચાયેલા પેઈંન્ટીગમાં પહેલા નંબરે ૨૦૧૩મા આવી જ રીતે ઓનલાઈન વહેચાયેલું વી.એસ. ગાયતોંડેનું એક અનટાઈટલડ ચિત્ર છે જે અંદાજે ૩૦ કરોડમાં વહેચાયેલું.

ભારતીય ચિત્રકારોના નામ આવે એટલે પ્રસિદ્ધ ચિત્રકારોમાં અમૃતા શેરગીલ, એમ.એફ.હુસેન, એસ.એચ.રજા, મંજીત બાવા, જેવા નામો યાદ આવે પણ જો સૌથી વધુ કીમતે વેચાયેલા ચિત્રોની યાદી જુવો તો એમાં પ્રસિદ્ધ ગણાતા એમ.એફ.હુસેનનું નામ ક્યાય નથી...!!!! આગળ લખ્યું એમ ગાયતોંડે અને તૈયબ મેહતા પછી નું નામ એસ.એચ.રાજા નું છે કે જેનું પેઈંન્ટીગ ‘ લા તેરે ‘ ૧૮ કરોડમાં વેચાયેલું. એ જ રીતે અમૃતા શેરગીલ નું સેલ્ફ પોટ્રેટ પેઈંન્ટીગ પણ અંદાજે ૧૮ કરોડમાં જ વેચાયેલું. નંબર વન રહેલા ગાયતોંડેનું જ ઓર એક પેઈંન્ટીગ ૨૦૧૫માં જ ૧૮ કરોડમાં વેચાયેલું. ભારતીય ચિત્રકારોના ટોપ ૧૫ ઉંચી કીમતે વેચાયેલા પેઈંન્ટીગનું લીસ્ટ જુવો તો મોટાભાગે તૈયબ મેહતા, અમૃતા શેરગીલ કે ગાયતોંડે જ છવાયેલા છે. જો કે હુસેને ઉભા કરેલા વિવાદો અને એના પોતાના વિચિત્ર વર્તનને બાજુએ રાખીને વાત કરીએ તો ભારતીય કલાકારોમાં ચિત્રોની મો - માંગી કિમતો મેળવવાના આ દોરની શરૂઆતનો આછો - પાતળો જશ આ વિવાદિત કલાકારને જાય છે. હુસેનની સાથે સાથે મંજીત બાવા, ભૂપેન ખખ્ખર, તૈયબ મેહતા, એસ.એચ.રઝા, સોઉઝા વગેરે જેવા કલાકારોના વર્ક ઉંચી કીમતે વેચતા અને ખરીદાતા રહ્યા છે.

આ તો ખાલી ભારતીય ચિત્રકારોની વાત છે , બાકી દુનિયાના સૌથી મોંઘા પેઈંન્ટીગ વિષે વાત કરીએ તો આ ૨૬ કરોડની રકમ ચણા-મમરા જ લાગે. ગયા વર્ષે નવેમ્બરમાં નીલામ થયેલી મશહુર ચિત્રકાર લીયાનાર્ડો વિન્ચી ની પેઈંન્ટીગ ‘ સાલ્વાટર મુંડી ‘ અધધધ એવા ૨૯ અબજ રૂપિયામાં વેચાયેલી . એકદમ પ્રાચીન ગણાતી આ પેઈંન્ટીગ ૧૦ વર્ષ પહેલા જાહેરમાં આવી ત્યારે ક્ષત-વિક્ષત હાલતમાં હતી જેને પછીથી કરોડો રૂપિયાના ખર્ચે રીસ્ટોર કરવામાં આવી. રીસ્ટોર મતલબ એને ફરીથી હમણાં જ બનાવી હોય એ હાલતમાં કરવામાં આવી. આ રહસ્યમય પેઈંન્ટીગ માટે એમ કહેવાય છે કે લગભગ ૫૦૦ વર્ષ પહેલા લીયાનાર્ડો એ બનાવેલી આ પેઈંન્ટીગમાં ઘણાને ઈસા મસીહ દેખાય છે તો ઘણા આને મોનાલીસાનો પુરુષ અવતાર માને છે તો ઘણા આને લીયાનાર્ડોની લાસ્ટ પેઈંન્ટીગ માને છે. આને ખરીદનાર સાઉદીના પ્રિન્સને આમાં શું દેખાયું હશે એ ખબર નહિ પણ વિશ્વની સૌથી મોંઘી આ પેઈંન્ટીગ હાલ સાઉદીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગની શાન છે..!! મજાની વાત એ છે કે ઘણા વર્ષો ગુમ રહેલી આ પેઈંન્ટીગને ૨૦૦૫મા અમેરિકાના કોઈ આર્ટ ડીલરે માત્ર ૧૦૦૦૦ ડોલરમાં જ ખરીદેલી પણ ૨૦૧૭મા આ જ પેઈંન્ટીગ ૪૫ કરોડ ડોલરમાં નીલામ થઇ...!!! છે ને અજબ – ગજબ..!!!

લેખની શરૂઆતમાં જે વાત લખી છે એ પણ કળા અને પેઈંન્ટીગની માન્યતા પર વધુ પ્રકાશ પાડે છે. જેમ લીયાનોર્ડોની આ બહુમુલી કૃતિનું મહત્વ છે એનું અતિ પ્રાચીનપણું એવી જ રીતે હમણાં જ ૭૭૩ કરોડમાં ખરીદાયેલ પિકાસોની કૃતિ નું મુલ્ય પણ એ ૧૯૦૫ માં બનેલી એ તો છે જ પણ સમાજસેવી ડેવિડના અંગત કલેકશનમાં રહેલા આ પેઈંન્ટીગ ના વેચાણની આવક ચેરીટીમાં જવાની હતી એ પણ એક કારણ હતું. પિકાસો કે વિન્ચી તો સમજ્યા કે સ્ટાર ચિત્રકાર કહેવાય પણ ગયા વર્ષે સ્વર્ગસ્થ અમેરિકન ચિત્રકાર બાસ્કીયાનું એક પેઈંન્ટીગ ૧૨ કરોડ ડોલરમાં વેચાયેલું કે જેની પ્રાઈઝ થોડા જ સમય પહેલા વેચાયેલા પિકાસોના પેઈંન્ટીગ ‘ ન્યુડ ‘ કરતા વધુ હતી જેને કોઈ જાપાનીઝ આર્ટ ડીલરે ખરીદેલું. કલાજગતની દ્રષ્ટીએ આ એક ભંગાર પેઈંન્ટીગ હતું કે જેમાં કેનવાસ પર એક ભીસાયેલા દાંતવાળી ખોપરી , કલરના લસરકા અને ખોપડીના માથા પર ગણિતનો કોઈ હિસાબ અને કેજી ના બાળકે લખેલા અક્ષરોમાં એ અને ડી એવું બનાવેલું. પણ ખરીદારનું માનવું હતું કે આ પેઈંન્ટીગ અમેરિકન કલ્ચરમાં ઘુસેલા ડ્રગ ના ડ્રેગન, હિંસા અને નસલ્વાદનું પ્રતિક છે. કળાનીવેશકો અને કલાવીવેચકોને માટે આ બદસુરત પેઈંન્ટીગ હતું પણ છતાયે વેચાયું પિકાસોના પેઈંન્ટીગ કરતા પણ વધુ કીમતે...!!! કળા ની આ જ મજા છે જોનાર દરેકને એમાં જુદું જુદું દેખાઈ શકે છે...!!!!

અબજો રૂપિયામાં ખરીદાતી આ પેઈંન્ટીગના સમાચારો વાંચીને એમ થાય કે એવું તે શું હશે આ પેઈંન્ટીગમાં કે પછી એવું શું જોઈ ગયો હશે ખરીદનાર ? ખેર, અસલમાં આર્ટ જોવું, એની સરાહના કરવી એ અલગ વાત છે અને કરોડો અને અબજોમાં કોઈ આર્ટ ખરીદવું એ પણ એક અલગ વાત છે. પહેલા તો અબજો કરોડોની આ રકમ જ અધધધ લાગી શકે તો તેની સાથે સાથે એ પણ વિચાર આવે કે ચિત્રો માટે કેમ આટલી મોટી રકમ ? એવું તો શું મુલ્યવાન હશે આમાં ? પણ આમાં કળા અને રોકાણ બંનેનો સુભગ સમન્વય છે. જેમકે મોટાભાગે અધ્ધ્ધ કીમતોમાં ખરીદાતી આ પેઈંન્ટીગ એક પ્રકારનું આર્ટ ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય પણ એ ઇન્વેસ્ટમેન્ટમાં કળા પ્રત્યેની જાગરૂકતા અને કળા પ્રત્યેનો લગાવ પણ ભળતો હોય છે. એક સમયે ઠીક છે ચિત્રો દોરે છે કે ચીતકડા કાઢે છે જેવા સમયમાંથી પસાર થયેલા ભારતીય ચિત્રકારોની કળાને છેલ્લા થોડા વર્ષોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે સારો અને આર્થિક પ્રતિભાવો મળવા લાગ્યા છે એ અતિ આનંદની વાત છે કેમકે ભારત પાસે કળાનો એક સમૃદ્ધ વારસો છે અને એની યોગ્ય કદર આવકાર્ય છે અને તૈયબ મેહતા જેવા કલાકારોની કદર થાય એ આવનારી આર્ટીસ્ટ પેઢી માટે ખુશીની ખબર છે .

વિસામો :

ભારતના મહાન ચિત્રકાર રાજા રવી વર્મા પર કેતન મહેતા એ રણદીપ હુડ્ડા ને લઈને હિન્દી અને ઇંગ્લીશમાં ફિલ્મ બનાવેલી જેનું અંગ્રેજીમાં નામ હતું ‘ કલર ઓફ પેશન્સ ‘ અને હિન્દીમાં ‘ રંગ રસિયા ‘..!!