Beware aa ramat jokhami ane jivlen chhe books and stories free download online pdf in Gujarati

બીવેર : આ ‘ રમત ‘ જોખમી અને જીવલેણ છે

બીવેર : આ ‘ રમત ‘ જોખમી અને જીવલેણ છે..!!!!

એક જમાનો હતો કે નોકિયાની ટચુકડી બ્લેક-વ્હાઈટ સ્ક્રીન પર ટપકાને પકડીને ખાવા ધસી જતા કે દોડાદોડી કરતા વર્ચુયલ નાગ પાછળ મોબાઈલ ગેમ્સના આશીકો ફિદા હતા. મોબાઈલ વર્લ્ડની આ પહેલી અને એકમાત્ર ઓફીશીયલ હીટ ગેમ ગણી શકાય. ટપકા ગળી ગળીને લાંબા થતા જતા સાપ પાછળ ઓલમોસ્ટ અબાલવૃદ્ધ બધા જ પાગલ થઇ ગયેલા. આજે લગભગ એકાદ દાયકાથી વધુ સમય પછી પાગલ કરી મુકતી મોબાઈલ ગેમ્સ ની જગ્યાએ જીવ લઇ લેતી મોબાઈલ ગેમ્સનો હાહાકાર છે. પેલી સ્નેક્સવાળી ગેમ તો નિર્દોષ હતી કે જે ખાલી સમયની જ ભોગ લેતી હતી પણ આજકાલની અમુક ગેમ્સ તો સમયની સાથે સાથે રમ્નારનો જીવ પણ લેતી થઇ ગઈ છે. ટેકનોલોજીનો આ પણ એક ખતરનાક પ્રભાવ છે એમ કહી શકાય. વાત ‘ બ્લુ વ્હેલ ‘ નામની જીવલેણ ગેમની છે. નિર્દોષ લાગતી અને માત્ર ને માત્ર મનોરંજન માટે રમાતી મોબાઈલ ગેમ્સ આટલી ખતરનાક બની શકે છે એનો ખ્યાલ તો કદાચ એના ડેવલોપર ને પણ નહિ હોય. જો કે ‘ બ્લુ વ્હેલ ‘ ગેમની તો શોધ જ કરનારે આવા ખતરનાક ઈરાદોથી કરેલી એ હવે જગજાહેર વાત છે...!!!

પ્લે સ્ટેશન જેવી મોંઘી અને પીસી ગેમ્સ જેવી સસ્તી ગેમ્સની દુનિયાની વચ્ચે મોબાઈલ ગેમ્સે મોબાઈલ વાપરનારાઓમાં પોતાની આગવી જગ્યા બનાવી છે. આજે જેને જુઓ એને બસમાં, ટ્રેનમાં, કોલેજમાં કે કોઈ પણ સ્થળે મોબાઈલ પર ગેમ્સ રમતા જોવા મળે છે અને મજાની વાત પણ એ છે કે સમયાંતરે નવી નવી અને રસપ્રદ ગેમ્સ મોબાઈલના મીની માર્કેટમાં ઠલવાતી જ રહેતી હોય છે. અને મોબાઈલ ગેમ્સ બનાવનારાઓ અને એ જેમાંથી ડાઉનલોડ થયા કરે છે એ મોબાઈલ સ્ટોર પણ નીતનવી રીતે ગેમ્સ રમનારાઓને આકર્ષી રહ્યા છે એટલું જ નહિ પણ એમાંથી કમાણી પણ કરી રહ્યા છે. આજે સ્માર્ટ ફોન ઇનથીંગ છે એટલું જ નહિ પણ ઓલમોસ્ટ પર્સનલ ગેજેટ બનતા જાય છે એવામાં મોબાઈલમાં માથું ઘુસાડીને ગેમ્સ રમતા રમતવીરોની સંખ્યા વધતી જાય છે. નો ડાઉટ મોબાઈલ ગેમ્સ એ એક સારો ટાઈમપાસ અને મનોરંજક બની શકે છે પણ ખતરો ત્યાં છે કે જ્યારે આ જ મનોરંજક લાગતી મોબાઈલ ગેમ આદત – લત બની જાય છે અને વધુ એલાર્મિંગ છે બાળકોમાં આવી લતનું લાગવું..!!!!

દિલ્હીમાં હમણાં જ એક વિચિત્ર બનાવ સામે આવ્યો કે જેમાં ૧૬ વર્ષના એક બાળકને મોબાઈલ ગેમ્સની એવી લત લાગેલી કે રમવામાંને રમવામાં એણે ઘર બહાર જવાનું બંધ કરી દીધેલું, સ્કુલમાં પણ ઠોઠ થતો જતો હતો એટલું જ નહિ પણ બહાર રમવા ના જવાને લીધે અને ઘરે જ પડ્યા પાથર્યા રહેવાને લીધે એનું ૧૦ કિલો વજન પણ વધી ગયેલું અંતે એને હોસ્પિટલમા દાખલ કરવો પડ્યો. બાળકો પર મોબાઈલ ગેમ્સની અસરો પુખ્તો કરતા વધુ વિઘાતક થતી હોય છે. આ સમસ્યા ખાલી ભારતમાં જ નથી પણ દુનિયાભરમાં ફેલાયેલી છે અને દરેક દેશોએ એના માટે અમુક નિયમો બનાવેલા છે જેમ કે દક્ષીણ કોરિયામાં રાત્રે ૧૨ થી સવારે ૬ સુધી ૧૬ વર્ષથી નીચેના બાળકોને ઓનલાઈન રમવા પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ છેક ૨૦૧૧થી લાદેલો છે. અહી એ યાદ અપાવી દઉં કે કોરિયા મોબાઈલ હેન્ડસેટ અને એપ્સનો એક અગ્રણી ઉત્પાદક દેશ છે. જાપાનમાં બાળકો જો કોમ્પ્યુટર પર ગેમ રમવામાં અમુક હદથી વધુ સમય વિતાવે તો ચેતવણીનો સંદેશો કોમ્પ્યુટર સ્ક્રીન પર જ આવી જાય છે. પણ અફસોસ કે ભારતમાં હજુ આપણે આ ક્ષેત્રે અને આ ખતરાને ઓળખવામાં ઘણા પાછળ છીએ. જો કે હવે રહીરહીને સરકાર જાગી છે અને ‘ બ્લુ વ્હેલ ‘ જેવી જીવલેણ ગેમને જુદા જુદા ઓએસ પરથી હટાવવાની સૂચનનો આપી દેવામાં આવી છે પણ સવાલ એ છે કે મોબાઈલ ગેમ્સની લત ખુદ પોતે જ એક પ્રકારની જીવલેણ ઉપાધિઓ ઉત્પન્ન કરી શકે છે એ બાબતથી તો મારે ને તમારે બધાએ જાતે જ અવગત અને હોશિયાર રહેતા થવું પડશે.

‘ બ્લુ વ્હેલ ‘ જેવી જીવલેણ ગેમ વિષે ઘણું લખાઈ ગયું છે એટલે ડીટેલમા પડવા કરતા એના જેવી ગેમ્સોની લાગતી લતોના ભયસ્થાનો વિષે વધુ ચર્ચા થાય એ વ્યાજબી અને આવનારી પેઢીને ઉપયોગી સાબિત થશે. આ પહેલા પણ ‘ પોકેમોન ગો ‘ નામની આવી જ જોખમી ગેમે ઉપાડો લીધેલો જો કે ભગવાનનો આભાર કે આ ગેમથી કોઈ જાન ગયાના સમાચાર બહુ સાંભળેલા નહોતા છતાં પણ રમનારાઓ એમાંથી પણ કશું શીખ્યા નહિ એ હકીકત છે જો કે આમાં રમનારનો વાંક એટલા માટે ઓછો ગણાય કેમકે એકવાર મોબાઈલ ગેમ રમવાની લત કે એડીકશન લાગે પછી સ્થળ કે સમયનું ભાન નથી રહેતું એ હકીકત છે અને એમાયે હવે તો સ્માર્ટફોનની એપ્પ બજારમાં રોજ્જેરોજ નીતનવી ગેમ્સ ઠલવાતી રહે છે અને જીઓ જેવા સસ્તા નેટ પ્રોવાઈડરના પ્રતાપે લગભગ દરેક હાથમાં ફુલ્લી લોડેડ સ્માર્ટફોન રમતો થઇ ગયો છે એવામાં ગેમ્સને ટેપ કરીને ડાઉનલોડ કરવાની લાલચ ભલા કોણ રોકી શકે ?

પણ આ લાલચ શારીરિક, માનસિક અને આર્થિક રીતે કેટલી હાનીકારક છે એ તો ‘ બ્લુ વ્હેલ ‘ જેવો કિસ્સો બને પછી જ ખબર પડે. મનોચિકિત્સકોનું કહેવું છે કે ૧૦ માંથી ૬ કેસ મોબાઈલ ગેમ્સની લત છોડાવવા માટેના આવતા થઇ ગયા છે. બાળકો પર આની બહુ ખરાબ અસર પડે છે. પીડીયાટ્રીક ડોકટરોનું કહેવું છે કે સતત મોબાઈલ ગેમ્સ રમવાથી કે એની આદત પાડવાથી બોડી કલોક ડીસ્ટર્બ થઇ જાય છે યાની કી ફીઝીકલ અને મેન્ટલ ગ્રોથમાં રુકાવટ કે એની ઝડપ ઓછી થઇ શકે છે. બાળકનું એની સરખી ઉમરવાળા બાળકો સાથે બહાર રમવાનું ઓછું થઇ જવાથી એના વર્તન અને વિકાસમાં ફેર પડી શકે છે.વધુ મોબાઈલ ગેમ્સ રમનાર બાળક અભ્યાસમાં પાછળ પડી શકે છે તો એડલ્ટ વ્યક્તિ સામાજિક કે નોકરી ધંધામાં ધ્યાન ખોઈ બેસે છે. ‘ બ્લુ વ્હેલ ‘ ગેમ્સના બહાર આવતા કિસ્સાઓમાં સાચા ખોટમાં પડ્યા વગર એક વસ્તુ તો સત્ય છે કે બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દેનાર માબાપ બાળક મોબાઈલમાં શું કરે છે એની માહિતી રાખવામાં ઉણા ઉતરે ત્યારે આવી ઘટનાઓ ઘટે છે. આજકાલના ફાસ્ટ કોમ્યુનીકેશનના જમાનામાં બાળક તમારી સાથે સમ્પર્કમાં રહે એ જરૂરી છે પણ ખુબ નાની ઉમરમાં બાળકને મળતો મોબાઈલ કે પછી કોઈ કન્ટ્રોલ વગર વપરાતો મોબાઈલ બંને સરખા ભયજનક જ છે. બાળકને આવી બુરી લતોથી બચાવવાના અનેકો ઉપાયો છાપા-મેગેજીનોની ક્ટારોમાં ચર્ચાતા રહેતા હોય છે એમાંથી બધા આજની ફાસ્ટ લાઈફમાં પ્રેક્ટીકલી શક્ય નથી હોતા પણ હા એ હકીકત છે કે જો તમે ખુદ બાળકની એક્ટીવીટી પર ધ્યાન આપતા જાવ અને ઉપરાંત એને મોબાઈલ આપતા પહેલા અને એ દરમ્યાન પણ સારું નરસું સમજાવતા રહો તો મોબાઈલ ગેમ્સના એડીકશનના શિકાર બનતા બાળકને રોકી શકશો એ હકીકત છે, અને ખાલી બાળક જ શું કામ મારે ને તમારે બધાએ મોબાઈલ ગેમ્સના એડીકશનથી બચતા રહેવું જ પડશે નહીતર બ્લુ નહિ તો બ્લેક અને બ્લેક નહિ તો ગ્રીન વ્હેલ આજે નહિ તો કાલે તૈયાર જ હશે ભરખી જવા....!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED