એક અજાણી મિત્રતા - ૧૫ Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

એક અજાણી મિત્રતા - ૧૫

અજાણી મિત્રતા૧૫

(વાચક મિત્રો,

' અજાણી મિત્રતા ' કસક, તારક અને રાધિકાનાં પ્રણય ત્રિકોણની અને રાધિકા,તારક અને કસકનાં મનોભાવોને દર્શાવતી લઘુ નવલ છે. લઘુ નવલનાં પહેલા તેર પ્રકરણ એક સામટા લખવામાં આવ્યા હતા. પછી ટેક્નિકલ કારણોસર લઘુ નવલ લખી નહોતી શકાઈ. હમણાં લઘુ નવલનું ૧૪મું પ્રકરણ પ્રગટ થયું. અને ૧૫મું પ્રકરણ આપ સહું વાચક મિત્રોને પસંદ આવશે તેવું હું માની રહ્યો છું. નાયક તારક વડોદરામાં એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તારકનાં હજું હમણાં લગ્ન લેવાયા છે. તેની પત્ની તેને ઉત્કટતાથી ચાહે છે. તારક પણ તેની પત્નીને ખુબ ચાહે છે. તારકને એક ઓફિસ ટુર દરમ્યાન ટ્રેનની સફરમાં રાધિકા નામની યુવતી જોડે ઓળખાણ થાય છે. તારક પોતાની ઓળખ કુંવારા વ્યક્તિ તરીકે આપે છે. રાધિકા પહેલી નજરમાં તારકને પોતાનું દિલ આપી ચુકે છે. પછી શરુ થાય છે પ્રણય ત્રિકોણની એક અલગ કહાની. )

રાધિકાએ ફોન કરીને ફોનમાં જવાબ આપ્યો, પછી ફોન કટ કરી નાખ્યો. ત્યાર બાદ તારકે વારંવાર રાધિકાને ફોન લગાડી જોયો પણ ફોનની રિંગ વાગતી રહી અને સામેથી કોઈએ ફોન ઉપાડ્યો નહિ એટલે તારકના પેટમાં ફાળ પડી ત્યાં શું થયું હશે? તેવું વિચારતા તારકને આખી રાત ઊંઘ આવી નહિ. આખી રાત તેણે પડખા ઘસીને પસાર કરી. તારકે સવારે ઉઠીને તેણે કોહીમાથી નજીકનું એરપોર્ટ ઓન લાઈન સર્ચ કર્યું, કારણ કે કોહિમા પહાડી વિસ્તાર હતો એટલે કોહિમામાં એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ નહોતી. મણિપુર રાજ્યનાં પાટનગર ઈમ્ફાલમાં કલકત્તા સુધીની એર ટિકિટ અવેલેબલ હતી. તારકે ઓન લાઈન ટિકિટ બુક કરાવી લીધી. સવારે હોટેલમાંથી ચેક આઉટ કર્યું. ટેક્ષી પકડી તે મણિપુરનાં પાટનગર ઇમ્ફાલ જવા રવાના થયો. તેણે ઈમ્ફાલથી કલકતા અને કલકત્તાથી વડોદરાની ફ્લાઈટની ટિકિટ ઓન લાઈન બુક કરાવી લીધી. તેના બોસને મેઈલ કરી અરજન્ટ અને અનિવાર્ય પર્સનલ કામને લીધે રજા લેવી પડે એવું છે તેમ જણાવી રજાનો રિપોર્ટ ભરી દીધો. અને બોસ સાથે ફોન પર વાત પણ કરી લીધી. જો કે તારક રજા પર જાય તે બોસને નહોતું ગમ્યું પણ તારક યોગ્ય કારણ વિના રજા નહોતો લેતો તે બોસને ખબર હતી એટલે બોસે કમને રજા મંજુર કરી.

ઈમ્ફાલથી કલકત્તાનું હવાઈ અંતર કાપતા ફ્લાઇટને લગભગ ૪૦ મિનિટ જેવું થયું, તારક કલકત્તાના એરપોર્ટ પર ઉતર્યો. બીજી વડોદરા જવા માટેની ફ્લાઇટ બપોર પછી હતી. તેણે રાધિકાને ફોન લગાવ્યો. હવે રાણી સાહિબાનો ગુસ્સો ઉતરી ગયો હતો. રાધિકાએ ફોન ઉપાડ્યો. સામે છેડેથી રૂપાની ઘંટડી જેવો સંગીતમય સુર રેલાયો. બોલો મારા બબુચક, રાધિકાને મજાક સૂઝી.

તારકનાં અંતરમાં ટાઢો શેરડો પડ્યો, ચાલો મામલો શાંત થઇ ગયો છે તારકે મનમાં વિચાર્યું. હમણાં સુધી બાલિકાએ ચંડિકાનું ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને હવે પછી કાન્હાની રાધા બની ગઈ. તારકને સ્ત્રી મન ક્યારેય સમજાતું નહોતું. 'સ્વીટ હાર્ટ ' બે દિવસમાં તને મળવા આવી રહ્યો છું. તારકે વધામણી આપી. સાચે ? રાધિકાનાં મનમાં આનંદની ભરતી ચડી. તેના હાથમાંથી મોબાઈલ ફોન પડતો પડતો રહી ગયો.

રાધિકા માધુરી દીક્ષિતનાં એક ફિલ્મમાં તેની પર ફિલ્મવાયેલ ગીત ' મેરા પિયા ઘર આયા, હો રામજી ' મોટે મોટેથી ગાવા લાગી. રાધિકા મોબાઈલમાં મોટેથી રાગડા તાણવા લાગી તેથી તેની મમ્મીની ઊંઘ ઉડી ગઈ, તેણે રાધિકા પાસેથી મોબાઈલ ખૂંચવી લીધો. રાધિકાની મમ્મીએ રાધિકાને ટપારી, તું હવે નાની નથી તે આમ રાગડા તાણે છે. રાધિકાએ ખુશીમાં તેની મમ્મીને ગાઢ આલિંગનમાં ભીંસી નાખી. છોડ રાધિકાની મમ્મી તેની ભીંસથી અકળાઈ ગઈ, તારા વરને આવું આલિંગન કરવાનું મને નહિ સમજી? આવું બોલી રાધિકાની મમ્મીએ રાધિકાને પોતાનાં શરીરથી અળગી કરી.

***

કલકત્તાથી વડોદરાની ફ્લાઇટ લગભગ ત્રણ કલાક લેઇટ હતી, તારકે પોતાના ઘેર પોતાની પત્ની કસકને તે પોતે ઘેર આવી રહ્યો છે તે વાત નહોતી કરી. તે સરપ્રાઈઝ આપવા માંગતો હતો, આમેય તે કસક માટે ઘેર નહોતો આવતો પણ રાધિકા માટે આવતો હતો. તેનાં દિલમાં એક અપરાધ ભાવ પેદા થયો. શા માટે એક પુરુષ બે સ્ત્રીઓને ચાહી શકતો હશે? તે કસકને કેટલો મોટો અન્યાય કરી રહ્યો હતો. શું તેણે પોતાની પત્ની કસકને બધી વાત જણાવી દેવી જોઈએ? બધું જો હું જણાવી દઉં તો કસકની મનોસ્થિતિ પર કેવી અસર થશે? વિચારોનાં અગાધ સાગરમાં એક તરણું જેમ હાલક ડોલક થાય તેમ તેનાં વિચારો હાલક ડોલક થતા રહયા. તેનાં વિચારોને દૂર સુધી કિનારો મળતો નહોતો. ' કૃપયા આપના સીટ બેલ્ટ બાંધ લે, થોડી હી દેર મેં વડોદરા એરપોર્ટ પર હમારા હવાઈ જહાજ ઉત્તરને વાલા હૈ' એર હોસ્ટેસનો સુમધુર સંદેશ વહેતો થયો અને તારક તંદ્રામાંથી બહાર નીકળ્યો.

વડોડરા એરપોર્ટ પરથી ટેક્ષી કરીને તારક પોતાનાં ઘરે પહોંચ્યો ત્યારે રાત્રિનો ત્રીજો પ્રહર શરુ થઇ ગયો હતો. તારકે ટેક્ષી ચાલકને પૈસા ચૂકવી પોતાનાં ઘરનો ડોર બેલ દબાવ્યો. કસક ભર નિદ્રામાં હતી. તારકે ત્રણેક વાર ડોર બેલ વગાડ્યો પણ દરવાજો ખુલ્યો નહિ એટલે તેણે કસકને મોબાઈલ ફોન પર વાત કરી. કોણ? કસકનો ઊંઘરેટો અવાજ આવ્યો. તારો પ્રિયતમ, તારક મજાકનાં મૂડમાં બોલ્યો. આટલી મોડી રાત્રે કેમ ફોન કર્યો? કસક બોલી. તારકે ફરી એકવાર ડોર બેલ વગાડી અને કહ્યું કે દરવાજો ખોલ, નહિ તો મારે હોટેલમાં સુવા માટે જવું પડશે.

કસક સફાળી જાગી ગઈ, અસ્ત વ્યસ્ત ગાઉનમાં બેઠી થઇ અને દરવાજો ખોલી નાખ્યો. કેમ? અચાનક ઘેર આવ્યા? કસકનાં મનમાં વિચારોના વમળ ઉઠયા. ઘણા દિવસ થઇ ગયા, અને તારી યાદ બહુ સતાવતી હતી એટલે આવ્યો. ગમ્યું હોય તો પાછો જતો રહું. તારકે કહ્યું. કસકે તારકની ચરણ રજ માથે ચડાવી. તારકે કસકને બાથમાં લીધી. તમારા વિના મને સહેજેય નહોતું ગમતું. તમારું શરીર તો સારું થયું છે. મને લાગે છે તમને મારા વિના ફાવી ગયું હોય તેવું લાગે છે. કસક બોલી.

મારું માત્ર શરીર ફુલાયેલ છે, જયારે વજન કિલોગ્રામ ઘટ્યું છે, ત્યાં કોહિમામાં રોટલી નથી મળતી માત્ર શાક, દાળ અને ભાત મળે છે. તારકે પોતાનો તર્ક રજુ કર્યો. ત્યાં મોટેભાગે જમવામાં નોનવેજ વાનગીઓ મળે. અને કસક તને અચરજ થશે કે નાગા લોકોનો પ્રિય ખોરાક કૂતરાનું માંસ છે. છી છી, મને ઉલટી થશે, કસક બોલી અને સાચે કસકને ઉબકા આવવા લાગ્યા. એટલે તારકે વાત બદલી. નાગા લોકોની મહેમાનગતિ માણવા લાયક હોય છે. મહેમાન માટે પોતાની જાન પણ હોમી દે એવા તેઓ માયાળુ લોકો હોય છે.

કસક પથારીમાંથી ઉભી થઇ, તમે પહેલા જમશો કે નાહવા જશો? કે પછી સુઈ જવું છે? ફ્લાઈટમાં હું ભલે આવ્યો પણ છતાં થાકી ગયો છું એટલે પહેલા નાહવા જઈશ, પણ જમવું નથી. મને જરા પણ ભૂખ નથી. તારકે કહ્યું. કસકે તારક માટેનો રૂમાલ બાથરૂમમાં મુક્યો. ગિઝરની સ્વીચ ઓન કરી. તારક નાહવા ગયો. તે દરમ્યાન કસકે દૂધને ગરમ કરી તેમાં સૂકો મેવો નાખી ધીમા તાપે ગેસનાં સ્ટવ પર મૂક્યું. બે સફરજન, એક પાઈનેપલ, બે ચીકુ ફ્રીઝમાંથી કાઢી સમારવા બેસી, દ્રાક્ષને ફ્રીઝમાંથી કાઢી બરાબર ધોઈ નાખી.

કઢિયેલ બે દૂધનાં ગ્લાસ, સમારેલ ફળો એક પ્લેટમાં લઇ કસકે ટિપોઈ પર મૂક્યા. જેવો તારક બાથરૂમમાંથી બહાર આવ્યો કે કસક બાથરૂમમાં ઘુસી ગઈ. તારકે બાથરૂમાંથી બહાર આવીને નાઈટ ડ્રેસ પરિધાન કર્યો. અને આજનું સમાચાર પત્ર હાથમાં લીધું. તારકે ઘણા દિવસ બાદ આજે ગુજરાતી અખબાર હાથમાં લીધું હતું. થોડીવારમાં કસક બાથરૂમમાંથી માત્ર છાતીનાં ભાગમાં ટુવાલ વીંટાળીને બહાર આવી. તે બહાર આવતા બોલી અરે તમે દૂધ અને ફળોને હાથ પણ નથી લગાડ્યો? તારક માત્ર ટુવાલભેર રહેલી કસકનાં સૌંદર્યને જોઈ રહ્યો. તારકે કસકને પોતાની પડખે ખેંચી. તેણે પોતાનાં ગરમાગરમ હોઠ કસકનાં અતૃપ્ત હોઠો પર મૂકી દીધા. છોડો મને જુલ્મી. કસકનાં મુખેથી આટલા શબ્દો બહાર નીકળ્યા. કસક વેલીની જેમ તારક તરફ ખેંચાઈ આવી.

તારક અને કસક સવારે ઉઠ્યા ત્યારે સુરજ પોતાની છડી ક્યારનોય પોકારી ચુક્યો હતો. દૂધ ભરેલ બંને ગ્લાસ અને ફળો ભરેલ પ્લેટ રાતે જેમ હતી તેમની તેમ પડી હતી. કસકનાં અને તારકના વાળ વિખરાયેલ હતા. કસકનાં ગાલ પર અને હોઠ પર બચકાઓ ભર્યાના નિશાન હતા. જુઓ તમે કેવા જુલ્મી છો, કસકે પોતાનાં ગાલ અને હોઠ પર બચકાના નિશાન તારકને બતાવ્યા. અને કસકનો ચહેરો શરમથી લાલચોળ થઇ ગયો. સોરી બોલી તારકે કસકનાં દરેક નિશાન પર ચુંબનો કર્યો.

નાહી ધોઈ, સવારનો નાસ્તો કરી તારક વડોદરા ઓફિસે ગયો. ત્યાં મેનેજરને મળી પોતાની અંગત સમસ્યા સમજાવી નાગાલેન્ડથી પરત ફરવાનું કારણ જણાવી પોતાની ઓફિસમાં ગયો. ત્યાંથી લેન્ડ લાઈન ફોન પરથી રાધિકાને ખુશ ખબર આપ્યા કે પોતે વડોદરા આવી ગયો છે. ફોન કરતી વખતે તેને એવો તીવ્ર અહેસાસ થયો કે તે પત્ની દ્રોહ કરી રહ્યો છે. તારકે મનમાં નક્કી કરી લીધું કે હવે તે રાધિકાને સચ્ચાઈ જણાવી દેશે કે પોતે પરણેલો છે અને એક કુંવારી, કોડ ભરેલી યુવતી સાથે પ્રેમ નામનું ખોટું નાટક ભજવી નહી શકે. જો કે તેનું દિલ એવું કહેતું હતું કે તે બંને સ્ત્રીને સમાંતરે ચાહે છે. આવું કેવી રીતે બની શકે? તે તેની સમજમાં નહોતું આવતું. તેણે વિચાર્યું કે તે ૧૦૦ વર્ષ પહેલા જન્મ્યો હોત કેટલું સારું હોત. તે જમાનામાં પુરુષો બે કે ત્રણ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકતા હતા. કાશ હાલ પણ એવો રિવાજ હોત તો કેવી મજા પડી જાત.

તારકે રાધિકાને ફોન કર્યો ત્યારે રાધિકા માની શકી કે તારક વડોદરા આવી ગયો છે. તેણે પોતાની તર્જની આંગળીને જાણી જોઈને બચકું ભર્યું જેથી પોતે સ્વપ્ન જોતી તો નથી ને? તેનો ખ્યાલ આવે. બચકું જરા જોરથી ભરાઈ ગયું, રાધિકાનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ. રાધિકાની મમ્મી દોડતી રાધિકા પાસે આવી, બેટા શું થયું? રાધિકાની મમ્મીએ રાધિકાને પૂછ્યું. રાધિકાને શો જવાબ આપવો તે સૂઝ્યું નહિ. તેણે દરવાજો ખોલતા પોતાની આંગળી તેમાં આવી ગઈ તેવું જુઠ્ઠું બહાનું તેની મમ્મીને આપ્યું. હવે નાની નથી જરા ધ્યાન રાખતી જા, રાધિકાનાં મમ્મીએ સલાહ આપી. અને તે રસોઈની તૈયારી કરવા કિચનમાં ગઈ.

ફોન ચાલું હતો, શું નાટક ચાલતું હતું તે વિષે તારક અજાણ હતો, તે હલો હલો કરતો રહ્યો અને સામેથી રાધિકા અને એની મમ્મીનો ધીરેથી અવાજ આવતો હતો. તે ફોન કટ કરવાનો હતો કે સામા છેડેથી રાધિકાનો અવાજ આવ્યો. શું થયું? તારકે ચિંતા મિશ્રિત અવાજમાં પૂછ્યું. અરે મને એમ કે તમે વડોદરામાં આવી ગયા તે હું સપનામાં સાંભળી રહી છું. એટલે મેં હું સપનાંમાં છું કે હકીકતમાં તે જોવા માટે મારી આંગળી કરડી ખાધી. રાધિકાએ કહ્યું. તું પણ આઈટમ છો, રાધિકા. ખેર આંગળીમાં વધું લાગ્યું તો નથી ને? તારક પાછો ચિંતામાં પડી ગયો.

તારકે રાધિકાને જણાવ્યું કે હું એક કલાકમાં તને તારા ઘરની નજીકથી લઇ જવા માટે ગાડી લઈને આવું છું. આપણે ડાકોર જઈશું ત્યાં દર્શન કરી હોટેલમાં રોકાઈશું. કદાચ રાતે પણ ત્યાં રોકાઈશું, તો તારા ઘેર જણાવી દેજે. રાધિકા બોલી મારો વિચાર કબીર વડ જવાનો વિચાર છે. ત્યાં આપણને સારું એવું એકાંત મળશે. અને જો રાત રોકાવું હોય તો મને તિથલનો દરિયો બહું ગમે. રાત ત્યાં ગાળીશું. હું મારા મમ્મીને કહી દઈશ.

રાધિકા ફોન મૂકીને સીધી તેની મમ્મી પાસે કિચનમાં દોડી ગઈ, મમ્મી આજે રસોઈ હું બનાવું, તું આરામ કર. રાધિકા બોલી. રાધિકાની મમ્મી રાધિકાનાં ચાલ ઢાલ જોઈ વિચારમાં પડી ગઈ. કુંવારીબા પોતાનું પીવાનું પાણી પણ જાતે લેતા નથી અને અચાનક રસોઈ બનાવવાનું વહાલ ક્યાંથી ઉભરાઈ આવ્યું? હજું થોડીવારમાં પોતાની આંગળીમાં ઇજા થઇ છે, રાધિકાને નક્કી પ્રેમનું ભૂત ભરાયું લાગે છે. નક્કી પોતાનું કશું કામ કરાવવાનું છે. એટલે બહેનબા રસોઈ બનાવવી લાલચ આપે છે. જો રાધિકા મારે જે થોડા વાળ સફેદ થયા છે તે તડકામાં નથી થયા.

રાધિકાને પોતાની ચાલ નિષ્ફળ જતી હોય તેવું લાગ્યું. સીધી આંગળીએ ઘી નહિ નીકળે એટલે રાધિકાએ આંગળી વાંકી કરવી પડી. મમ્મી હું અને મારી બહેનપણી હમણાં પિક્ચર જોવા જવાનાં અને ત્યાંથી અમે લોકો બહાર જમીશું. તો અમને રાતે આવતા વાર લાગે તો હું મારી બહેનપણી કુંજલને ત્યાં રાત રોકાઈને સવારે ઘેર આવીશ. આવું કહેતી વખતે રાધિકાની આંખો જમીન તરફ હતી. સાચું કહે? તું તારી બહેનપણી કુંજલની સાથે જવાની છો કે પછી આપણને ટ્રેનમાં તારક મળ્યો હતો તેની સાથે? રાધિકાની મમ્મીએ ધારદાર અવાજે પૂછ્યું. મમ્મી મારા પર એટલો પણ વિશ્વાશ નથી? રાધિકાની આંખોમાં આંસુ ઉભરાય આવ્યા. લે ફોન તું મારી બહેનપણી કુંજલ સાથે વાત કરી લે. રાધિકાની આંખોમાં આંસુ રાધિકાની મમ્મી જોઈ શકી નહિ. ચાલ હવે રડ નહિ અને બને તો રાત્રે તું ઘેર આવી જા તો વધું સારું. તારા પપ્પાનો સ્વભાવ તો તું જાણે છે ને? રાધિકાની મમ્મીએ કહ્યું. થેન્ક યુ, રાધિકાને બહાર જવાની રજા મળી એટલે ખુશ થઈને તેની મમ્મીનાં ગાલ પર કિસ કરી પોતાની બેગ તૈયાર કરવા કિચનમાંથી બહાર નીકળી પોતાનાં રૂમમાં ગઈ.

પોતાનાં રૂમમાં જઈ રાધિકાએ ફટાફટ પોતાનાં કપડાં લીધા, એક દિવસ માટે જરૂરી ચીજ વસ્તુ લીધી. મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ટુથ બ્રશ, ટુવાલ, રૂમાલ અને જેટલી ચીજ વસ્તુઓ યાદ આવે તેટલી લઇ પોતાનાં રૂમમાંથી બહાર નીકળી. ' બાય મોમ ' એમ બૂમ પાડી. અને નજીકની રિક્ષામાં બેસી ગઈ અને તેને જ્યાં જવાનું હતું તે સમજાવી પ્રભુનો પાડ માન્યો. રીક્ષા ચાલકે રીક્ષા દોડાવી મૂકી. રીક્ષા થોડે દૂર ગઈ ત્યાં રાધિકાની નજર ફૂટપાથ પાસે પાર્ક કરેલ તારકની ગાડી પર પડી. રાધિકાએ રીક્ષા ઉભી રખાવી, પોતાની બેગ લીધી અને રીક્ષા ચાલકને ભાડું ચુકવ્યું અને તારકની તરફ દોડી પડી. ત્યાં જઈ તારકને બાઝી પડી, પહેલા તો તારક ચોંકી ગયો. પછી ધીમેથી રાધિકાને કહ્યું. ડાર્લિંગ લોકો જોઈ રહ્યા છે તેમ કહી ધીમેથી કારનો દરવાજો ખોલ્યો. અને પોતે ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરી.

થોડે દૂર સુધી કાર ચલાવી અને એકાંત જેવું સ્થળ આવ્યું કે ગાડી બંધ કરી અને હજું પોતાની સાચી વાત કે પોતે પરણેલો છે તે કહેવા હોઠ ખોલ્યા કે રાધિકાએ તારકનાં પહોળા થયેલા હોઠોની વચોવચ પોતાનાં હોઠ ગોઠવી દીધા. તારક જે વાત કહેવા જતો હતો તેની જગ્યાએ તારક બોલ્યો, ઓહ રાધિકા તારી કિસ કરવાની રીત બહું નિરાળી છે.