Ajani Mitrata - 14 books and stories free download online pdf in Gujarati

અજાણી મિત્રતા - 14

એક અજાણી મિત્રતા૧૪

વાચક મિત્રો,

પહેલા તો તે વાતની હું માફી માંગી લઉં કે " અજાણી મિત્રતા " નાં ૧૩ પ્રકરણ લખી ટેક્નિકલ કારણોસર હું આગળનું પ્રકરણ લખી શક્યો નહોતો. દરમ્યાનમાં ઘણા વાચક મિત્રોનાં 'લઘુ નવલ' આગળ વધારવા માટેનાં પ્રેમ ભર્યા સંદેશ આવવા લાગ્યા. આ સહુ વાચક મિત્રોનો હું આભારી છું.

નવા વાચક મિત્રો,

અજાણી મિત્રતા કસક - તારક અને રાધિકાનાં પ્રણય ત્રિકોણની એક 'લઘુ નવલ' છે. આ લઘુ નવલ કસક, તારક અને રાધિકાની અંતરની લાગણીને વ્યક્ત કરતી, તેમના વિવિધ કાળે ઉભરતા વિવિધ મનોભાવો, અંતરવ્યથા, સામાજિક અડચણો, એક સાથે બે સ્ત્રીઓ સાથે પ્રેમ કરતો તારક. કદાચ સમાજની નજરે, ન્યાયની નજરે આ યોગ્ય નથી જ. પણ મનુષ્ય લાગણીનાં સંબંધોમાં તો હંમેશા અટવાતો રહ્યો છે. ગૂંચવાતો રહ્યો છે. તે સાચા છે કે ખોટા? તેનો ન્યાય કરનાર આપણે કોણ? માટે તેમનો ન્યાય આપણે નિયતિ પર જ છોડી દઈએ, તે જ ઇષ્ટ લેખાશે. આ લઘુ નવલને તમારે સારી રીતે સમજવી હશે તો તમારે પ્રકરણ ૧ થી પ્રકરણ ૧૩ વાંચવા જ રહ્યા. સાથે સાથે આપના અમૂલ્ય સૂચનો મને મોકલતા રહેજો જેનાથી ' લઘુ નવલને " વેગ મળશે થતા જોઈતા ફેરફારો પણ કરી શકાશે. જેથી આ ' લઘુ નવલ ' વધુને વધુ ઉત્તમ બની શકે.

- ત્રિકુ મકવાણા

રાધિકાને અજાણ્યો પુરુષ સ્પર્શ ગમતો નહોતો, ભારતમાં સ્ત્રી સ્પર્શની ઈચ્છા રાખનારા વિકૃત પુરુષોની સંખ્યા ઓછી નહોતી, ટ્રેન કે બસની અંદર અથવા કોઈ પણ સ્થળે લાંબી લાઈન હોય, મંદિરની કે બીજી કોઈ લાઈન જેમાં સ્ત્રી અને પુરુષોની એક લાઈન હોય ત્યાં આવા વિકૃત પુરુષો બસ લાગ મળતાં અજાણ્યા બની સ્ત્રી શરીરને સ્પર્શી લેતા. અરે મંદિર જેવી પવિત્ર જગ્યાએ પણ જો સ્ત્રી - પુરુષની એક જ લાઈન હોય તો આવા વિકૃત પુરુષો ઈશ્વરનો ડર રાખ્યા વિના તેની આગળનાં ભાગમાં ઉભી કે પાછળનાં ભાગમાં ઉભી રહેલી સ્ત્રીનો સાવ અજાણ્યા બની શરીર સ્પર્શ કરી લેતા. જો સ્ત્રી થોડી ઘણી ખસે કે ગુસ્સે થાય અથવા આઘી પાછી થાય તો પોતાની વૃત્તિ પર કાબું રાખતા.પણ સ્ત્રી સહેજ પણ હલન ચલન ન કરે અને ત્યાં જ ઉભી રહે તો સામેની સ્ત્રીની મૂક સમંતિ માની તેમનાં અંગોને વધું ભીંસવાનો પ્રયત્ન કરતા. દુર્ભાગ્યે તે વખતે બધા મંદિરે કે સાર્વજનિક જગ્યાએ સી,સી.ટી.વી. કેમેરા હતા નહિ, તેથી આવા લોકોને મોકળું મેદાન મળી રહેતું.

આવા પુરુષોથી રાધિકાને ઘૃણા થતી, બસ કે ટ્રેનમાં આવો કોઈ પુરુષ અડપલાં કરવાનો પ્રયત્ન કરે તો આવો પ્રત્યન કરતી વ્યક્તિને ખખડાવી નાખતી અને ત્યારે પેલાની સ્થિતિ કાપો તો લોહી નીકળે એવી થઇ જતી. ઘણી વાર પબ્લિક પણ આવી વ્યક્તિ પર તૂટી પડતી. કોઈ પોલીસ ફરિયાદ કરવાનું કહેતું પણ રાધિકા વાતને ત્યાં દબાવી દેતી. કારણ કે આવી બાબતની ફરિયાદમાં કોઈ પુરાવા રજુ કરી શકાતા નહિ, અને ત્યારે પોલીસ ખાતું પણ આવી બાબતોને બહું ગંભીરતાથી લેતું નહિ. બીજું બદનામી પણ સ્ત્રી જાતને જ થતી.

જે છોકરીને પોતે જોવા આવ્યો છે તેને જાણી જોઈને સ્પર્શ કરીએ તો તે છોકરીને કેવું લાગે? અંગે તેને જોવા આવનાર વ્યક્તિએ કદી વિચાર્યું હશે? રાધિકાના મનમાં જાણે પ્રશ્નોની સરવાણી ફૂટી. તેનું મન ખિન્ન થઇ ગયું. તેણે વિચાર્યુ કે દરેક પુરુષની દાનત પ્રકારની હોય છે તો જવાબ ના માં આવતો હતો. કારણ કે ઘણા પુરુષોનાં સ્પર્શમાં લાગણી, વાત્સલ્ય, મમતાનાં તેને દર્શન થતા. દરેક પુરુષો આવા વિકૃત નહોતા છતાં પણ વિકૃત પુરુષોની સંખ્યા ભારતમાં સારી એવી હતી.

છોકરાની મમ્મી બોલી કે આપણે છોકરા અને છોકરીને એક બીજાને કંઈ પૂછવું હોય તો છોકરા અને છોકરીને અલગ રૂમમાં વાતચીત માટે મોકલીએ. રાધિકાની મમ્મીએ પ્રસ્તાવને વધાવી લીધો, કારણ કે હમણાંથી છોકરી અને છોકરો ૧૦થી ૧૫ મિનિટ એકાંતમાં વાતચીત કરે એવો રિવાજ પડી ગયો હતો. રાધિકાની મમ્મીએ રાધિકાને જણાવ્યું કે થોડીવારમાં છોકરો તારા રૂમમાં આવશે. તું દરકે સવાલોનાં જવાબ ગુસ્સે થયા વિના શાંત ચિતે આપજે.

રાધિકા ખુરસીમાં જેમ બેઠી હતી તેમ બેસી રહી, રાધિકા વિચારવા લાગી તેનો પોતાનો એક સામાન્ય ડ્રેસ પસંદ કરતાં લગભગ તેને બે કલાક જેટલો સમય લાગતો, અને ક્યારેક તો તેના કરતાં પણ વધું સમય લાગતો. અંહી તો જીવનસાથીની પસંદગી કરવાની હતી. સામેનાં પાત્રનો ગમો - અણગમો, શોખ, સ્વભાવ વગેરે પારખવા માત્ર પંદર જ મિનિટ? અને પાંચેક મિનિટમાં રાધિકાના ભાવિ ભરથારે રાધિકાના રૂમમાં જાણે પોતાનો રૂમ હોય તેવી રીતે પ્રવેશ કર્યો.

રસોઈ બનાવતા આવડે છે ને? રાધિકાનાં ભાવિ પતિ દ્વારા રાધિકાને પહેલો પ્રશ્ન પુછાયો. જવાબમાં રાધિકાએ હામાં માથું હલાવ્યું. મારે તો નોકરી કરતી છોકરી જોઈએ, બીજી શરત હતી. મારા મિત્રને લગ્ન વખતે કાર આપવામાં આવેલી. આડકતરી ત્રીજી માંગણી હતી. રાધિકાને થયું કે આ બબુચક એનાં મનમાં શું સમજે છે

તે આ બબુચકને ધક્કા મારી ઘરની બહાર કઢાવી મૂકે તેવો તેનાં મનમાં વિચાર આવ્યો પણ પોતાની મમ્મીની સ્થિતિનો વિચાર આવતા રાધિકાએ મનને શાંત કર્યું. રાધિકાનાં મગજમાં હથોડા ઝીંકાતા હોય તેવી વેદના થવા લાગી. આજનાં ભારતમાં ક્યાં કશું પણ બદલાયું છે? દહેજ નાબુદીની વાતો માત્ર કાગળ પર જ થાય છે. માત્ર દહેજનું સ્વરૂપ બદલાયું છે. અને આજની ભારતીય નારી ખરેખર સ્વતંત્ર છે? રાધિકાનાં મનોપટલ પર અસંખ્ય સવાલો કરોળિયાના જાળાની વીંટાવા લાગ્યા. ' બેટી બચાઓ ' ' બેટી પઢાઓ ' માત્ર તેને ચૂંટણી જીતવાના નારા હોય તેવું લાગ્યું. રાધિકાને પોતાની પાંખો ફફડાવી મુક્ત ગગનમાં ઉડવું હતું. પણ તે પોતાને સોનાને પાંજરે પૂરાયેલું પંખી હોય તેવું મહેસુસ કરી રહી.

રાધિકાનું માથું ગુસ્સાથી ફાટ ફાટ થવા લાગ્યું તે બોલવા જતી હતી કે ગેટ આઉટ બબુચક. પણ તેને તેની મમ્મીના શબ્દો યાદ આવ્યા અને તે ગુસ્સાને ગળી ગઈ. ખુબ શાંતિથી તે બોલી તે બધું તો થઇ રહેશે પણ પહેલા મહિના સુધી આપણે હળીએ મળીએ અને એક બીજાને સમજીએ તો કેવું રહેશે?

તે રાધિકાને ભેટવા આગળ ધસ્યો, રાધિકાને સખત ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યુ કે પગની આંટી મારી બબૂચકને નીચે પાડી દઉં. પણ બીજી ક્ષણે રાધિકાનાં સ્મૃતિ પટલ પર તેનાં પિતાનો ચહેરો તરવરવા લાગ્યો. તેના પિતાનો ઉદાસ ચહેરો દેખાયો. તેણે મનને બીજી દિશામાં વાળી લીધું.

રાધિકા બોલી મહિના પછી તો હું અને મારુ શરીર તમારું છે, અત્યારે આપણે સંયમ રાખવો જોઈએ. મહિના તો ચપટી વગાડતા જતા રહેશે. પછી તમારે જે કરવું હોય તે કરજો.

રાધિકાનો ભાવિ ભરથાર ખુશ થઇ ગયો, તેને થયું કે છોકરી સમજદાર છે અને પોતાના કહ્યામાં રહેશે. તેણે બહાર આવી જણાવ્યું કે બંને એક બીજાને પસંદ કરીએ છીએ પણ અમે એક બીજાને સમજી શકીએ તે માટે મહિનાનો સમય આપો.

રાધિકાના મમ્મી પપ્પા અને છોકરાના મમ્મી પપ્પા વાત પર સંમંત થયા કે છોકરા અને છોકરીને એક બીજાને સમજવા માટે મહિનાનો ગાળો આપવામાં આવે. રાધિકાના પપ્પા વધારે ખુશ હતા કારણ કે રાધિકાએ છોકરાને રિજેક્ટ કર્યો. હવે સમાજનાં લોકો સામે તેણે શરમની નજરથી નહિ જોવું પડે કે તેની ઉંમરમાં મોટી થઇ ગયેલ દીકરી હજું પણ કુંવારી છે.

રાધિકા છોકરો અને તેના ઘરના ઘરમાંથી બહાર નીકળ્યા ત્યાંથી ગાડીમાં બેસીને રવાના થયા ત્યાં સુધી બારીમાંથી છુપાઈને જોતી રહી. ત્યાં સુધી પોતે કોઈ બંધનમાં બંધાઈ ગઈ હતી તેવું લાગ્યું. ગાડી જયારે તેની નજરમાંથી અદ્રશ્ય થઇ ત્યારે મનને શાંતિ થઇ થઇ, અને હોઠ પરથી એક શબ્દ નીકયો " બબુચક "

છોકરો અને તેના ઘરવાળા ગયા પછી ભારેખમ કપડાં અને ઘરેણાં કાઢ્યા ત્યારે રાધિકાને નિરાંત થઇ. તેને સમજાયું કે લગ્ન પ્રસંગે કન્યાએ વજનમાં ભારે અને વજનદાર ઘરેણાં શા માટે પહેરાવતા હશે? ગરમીમાં તો ત્રાસ થઇ જાય. છતાં કોઈ કન્યાએ આજ સુધી બાબતનો વિરોધ કર્યો હોય તેવું બન્યું નહોતું.

થોડીવારમાં તેની મમ્મી અને મમ્મીની સહેલી રાધિકા પાસે આવી, રાધિકા હવે થોડી હળવાશ અનુભવી રહી હતી. તેની મમ્મીએ તેના માથા પાર હાથ ફેરવતા કહ્યું કેવો લાગ્યો મુરતિયો?

એક નંબરનો બબુચક, રાધિકાના મુખમાંથી નીકળી ગયું, સરિતા અને તેની સહેલી એક બીજાના મોઢા જોવા લાગી. રાધિકાનાં મમ્મીને ધ્રાસ્કો પડ્યો, તેની આંખોમાંથી આંસુ બહાર ન આવે તે માટે તેણે પોતાનું મોઢું બીડી રાખ્યું. તરત રાધિકાએ સુધારો કર્યો પણ ઇટ્સ ઓકે, મને છોકરો પસંદ છે, હાલ ભલે બબુચક રહ્યો હું ભવિષ્યમાં તેને બરાબર પાવરધો કરી દઈશ. રાધિકાનાં મમ્મીનાં જીવમાં જીવ આવ્યો, તેનો શ્વાસ હેઠો બેઠો. તેણે ઈશ્વર અને કૂળદેવીનો આભાર માન્યો.

રાધિકાએ લાડથી મમ્મીને કહ્યું, મમ્મી તું પપ્પાને તો એવો જ જવાબ આપજે છે છોકરો રાધિકાને ગમ્યો નથી. સરિતાથી એક નિસાસો નખાઈ ગયો બેટા, મારાથી તારા પપ્પાને એવું ન કહી શકાય. તારા પપ્પાનો સ્વભાવ કેવો છે? તે મારા સિવાય બીજું કોણ સારી રીતે સમજી શકે. તારા પપ્પા પૂછે ત્યારે વિચારીને જવાબ આપજે નહિ તો તારા પપ્પાનો ગુસ્સો તો તું જાણે છે, તેનો મૂડ બગડશે તો આખું ઘર માથે લેશે.

ડોન્ટ વરી, મારી પ્યારી પ્યારી મોમ તું એવું કહી દેજે કે રાધિકાને છોકરો ગમી ગયો છે એટલે નોબત મારા સુધી આવશે નહિ. અને ભૂલે ચુકે મને પૂછશે તો કહીશ કે છોકરો મને ગમી ગયો છે. ચાલ હવે જરા મોઢું હસતું રાખ જોઉં.

હવે સરિતાના જીવમાં જીવ આવ્યો, તેણે રાધિકાને ગળે લગાડી, આજ સ્થિતિમાં રાધિકાએ તેની મમ્મીને પૂછ્યું હેં ડાર્લિંગ હું જતી રહીશ તો પછી આમ ગળે કોને લગાડીશ? પપ્પાને ખરુંને?

સરિતાને તો ખુબ શરમ ઉપજી, તેની સહેલી પણ આડું જોઈ ગઈ. તેણે રાધિકાને છોડી દીધી. સરિતાએ રાધિકાને અલગ કરી કે તરત રાધિકા દોડીને તેના રૂમમાં ભરાઈ ગઈ.

રાધિકા મોબાઈલ લઈને અગાસી પર ચડી ગઈ, તેણે તારકને ફોન લગાડ્યો તે આજે તારક સાથે ઝઘડો કરવાના મૂડમાં હતી. સામેથી તારકનો ઘેઘુર અવાજ આવ્યો સ્વીટ હાર્ટ બહુ દિવસે ફોન કર્યો, મને ભૂલી ગઈ હતી? મને તારી બહુ જ ચિંતા થતી હતી પ્રિયે, તું આનંદમાં તો છે ને મારી કોયલ? ફોન ચાલું હતો, તારકને સામેથી રીપ્લાય મળતો નહોતો.

તારક હેલ્લો હેલ્લો કરતો રહ્યો પણ સામેથી કોઈ અવાજ આવતો નહોતો, રાધિકા જવાબ આપતી નહોતી તેણે તારક સાથે કિટ્ટા કરી નાખ્યા હતા. રાધિકાએ જ ફોન કર્યો હતો, રાધિકા જ તારક સાથે વાત કરવા માટે તલપાપડ હતી, પણ હવે તેના મનનો પ્રવાહ પલટાઈ ગયો હતો. હવે રાધિકા તારક સાથે વાત કરવા નહોતી માંગતી. તેના દિલનાં કોઈ ખૂણામાં દર્દની એક ટીસ ઉઠી હતી.

તારકે ફોન કાપી નાખ્યો, ફરીથી લગાડ્યો. મોબાઈલ ફોનની ઘંટડી વાગતી રહી પણ રાધિકા ફોન ઉપાડતી નહોતી. તારકે ઘણી વાર ફોન લગાડવાનાં પ્રયત્નો કર્યા. પણ રાધિકા ફોન ઉપાડતી નહોતી. તારક સમજી ગયો કે હમણાં ઘણા સમયથી તેણે રાધિકાને ફોન નહોતો કર્યો એટલે રાધિકા રિસાઈ ગયી લાગે છે. તારક પાસે હાલ મરવાનો પણ સમય નહોતો એવું તારક રાધિકાને કેવી રીતે સમજાવે? મલ્ટી નેશનલ કંપની તેમનાં કર્મચારીઓને તગડો પગાર તો આપતી હોય છે, પણ બદલામાં કર્મચારીનો સમય અને લોહી બંને ચૂસી લેતી હોય છે તે બાબતથી રાધિકા અજાણ હતી. તારક પાસે હમણાં કંપનીનું બહું કામ હતું. તે મોડી રાત સુધી કામ કરતો, ઘણી વાર તો જમવાનું પણ છોડી દેવું પડતું.

તારકે સામેથી રાધિકાને છેલ્લો ફોન કર્યો તેને લગભગ એક મહિના જેટલો સમય વીતી ગયો હતો. પહેલા તો તે રોજ કલાકોનાં કલાકો ફોન પર વાતો કર્યા કરતો. પણ તે સમયે તેની પાસે બહું કામ નહોતું, કંપનીનો પ્રોજેક્ટ શરું થવાને વાર હતી, પણ હવે પ્રોજેક્ટ ચાલું થઇ ગયો થતો અને નિયત સમયમાં પૂરો કરી દેવાનો હતો.

તારકનો ઘણા સમયથી રાધિકા પર ફોન નહોતો આવ્યો એટલે રાધિકા ખાસ્સી નારાજ હતી. રાધિકા આજે તેને છોકરો જોવા આવ્યો હતો તે વિષે તારકને વાત કરવા માટે આતુર હતી અને તેણે તારકને ફોન પણ લગાવ્યો હતો પણ પછી તેને યાદ આવ્યું કે તારકે તો ઘણા સમયથી તેની સાથે વાત નહોતી કરી આથી તેના દિલને ઠેશ પહોંચી હતી. તે વિચારવા લાગી, તારક પાસે એવું તો કેવું કામ આવી ગયું કે તારક તેની માટે પાંચ મિનિટનો સમય પણ કાઢી શકતો નહોતો?

કે પછી તારક પ્રેમનાં નામે તેની લાગણીઓ સાથે રમત તો નહિ રમી રહ્યો હોય ને? રાધિકાનાં દિલમાંથી એક મૌન ચીસ નીકળી તેનાં રૂમમાં પથરાઈ ગઈ. તેની આંખોમાંથી અનાયાસ જ અશ્રુધારા છલકાઈ ગયી.

રાધિકાને તેની બહેનપણીઓનાં પ્રેમીઓની અનાયાસ જ યાદ આવી ગઈ. તેની એક બહેનપણી કેતકીની પાછળ એક છોકરો કેટલાય સમયથી પાછળ પડ્યો હતો. પહેલા તો કેતકીએ તે છોકરાને એવોઈડ કર્યો હતો, તેની સામે નજર પણ નાખતી નહોતી. સામેનો છોકરો લગભગ રોજ કેતકીને કહેતો કે કેતકી હું તને ચાહું છું, હું તારા વિના જીવી નહિ શકું. કેતકી પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતી તો તે કહેતો કે મને પોલીસનો કોઈ ડર નથી. પછી તો તે કેતકીને મોંઘી ગિફ્ટ આપવા લાગ્યો. તેણે કેતકીની ' બર્થ ડે ' નિમિતે સોનાનાં ઘરેણાં પણ બનાવી આપ્યા હતા. હવે કેતકી પણ તે છોકરાને બેપનાહ પ્રેમ કરવા લાગી. હવે તેઓ એક બીજાનાં પ્રેમી - પ્રેમિકા બનીગયા. બંનેને હવે એક બીજા વિના ચાલતું નહિ. એક વખત તેનો પ્રેમી તેને એકાંતમાં એક હોટેલમાં લઇ ગયો અને કેતકીએ બેકાબુ બની પોતાનું કૌમાર્ય ગુમાવી દીધું. બસ ત્યારથી તેનો પ્રેમી હવે તેની સામે પણ જોતો નથી અને કોઈ બીજી છોકરી પાછળ પડ્યો છે. કેતકીને બહું અફસોસ થયો, તેને પારાવાર પસ્તાવો થયો. પોતાનાં પ્રિય પાત્ર માટે સાચવી રાખેલ તેનું અખંડ કૌમાર્ય એક નીચ વ્યક્તિની વાતોમાં ભોળવાઈ જઈને ખંડિત થઇ ગયું.

આવું બધું થયું એટલે આ બાજું કેતકી ડિપ્રેશનમાં સરી પડી. કેતકીનાં ડિપ્રેશનનું લેવલ તે સુધી પહોંચી ગયું છે કે કેતકીએ બે વખત આત્મ હત્યાનો પ્રયત્ન કર્યો. તારક સાથેનાં પ્રેમમાં પોતાની હાલત કેતકી જે જેવી તો નહિ થાય ને? એવો વિચાર આવતા રાધિકા અણુએ અણુમાં અગમ્ય ભયનું લખલખું પસાર થઇ ગયું.

( વાંચક મિત્રો ,

આ લઘુ નવલ ' અજાણી મિત્રતા ' નું આ પ્રકરણ અહીં પૂરું કરું છું. આ પ્રકરણ વાંચીને તમે તમારા અમૂલ્ય પ્રતિભાવો અવશ્ય મોકલજો. અને આ પ્રકરણ કેવું લાગ્યું તેની આપણે વિગતે ચર્ચા કરીશું.

ત્રિકુ મકવાણા )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED