રેડલાઇટ બંગલો
રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૧
વર્ષાબેનને એમ હતું કે બંને બાળકો સાથે અર્પિતાની પણ આંખ મળી ગઇ છે. એટલે પહેલાં કપડાં બદલવા લાગ્યા. તેમને કલ્પના ન હતી કે હેમંતભાઇ રોકી લેશે અને વધારે મોડું થશે. પોતે ખેતરે જવાનું કહીને નીકળી ગયા હતા. અર્પિતાને એમ થશે કે તે આવી અને મા તો તેની સાથે રહેતી પણ નહીં. ઝટપટ કપડાં બદલીને વર્ષાબેન અર્પિતાને ઉઠાડવાના હતા. કપડાં કાઢતી વખતે તેમને હેમંતભાઇ યાદ આવી ગયા. આજે હેમંતભાઇ વધારે અધીરા બન્યા હતા. અર્પિતા આવી હતી એટલે તે રોકાવા માગતા ન હતા. હેમંતભાઇની ઇચ્છા સામે વર્ષાબેન ઝૂકી ગયા હતા. આજે હેમંતભાઇની તરસ વધુ હતી. તેમણે પીઠ જકડી ત્યારે નહોર વાગી ગયા હતા. અને આગળના ભાગ ઉપર પણ દાંત વગાડ્યા હતા. વર્ષાબેને તેમને ઠપકો આપ્યો હતો. ત્યારે હેમંતભાઇએ તેમના આક્રમક વર્તન માટે વર્ષાબેનની અત્યાધિક સુંદરતાને જવાબદાર ગણાવી હતી. એટલે વર્ષાબેન હરખાયા હતા અને હેમંતભાઇના પોતાના પ્રત્યે વધતા પ્રેમના પુરાવા તરીકે તેમની હવસને સમજી રહ્યા હતા. વર્ષાબેન કપડાં કાઢતી વખતે ઉરોજ પરના ચકામાની જલનને હળવી કરવા મોંઢાનું થૂંક લગાવી હાથ ફેરવી રહ્યા હતા. અચાનક અર્પિતાના પીઠ પરના નિશાનના સવાલથી વર્ષાબેન ચોંકી ઉઠ્યા હતા. અર્પિતાની નજરમાં હેમંતભાઇના નખથી થયેલા નહોરના નિશાન આવી ગયા હતા.
વર્ષાબેન સહજ થવાનો પ્રયત્ન કરતાં બોલ્યા:"અરે! તું જાગે છે? ચાલ જમવાનું કાઢ આપણે જમી લઇએ.."
અર્પિતાને ખ્યાલ આવી ગયો કે મા તેનો પ્રશ્ન ઉડાવી રહી છે.
"મા, હું જમવાનું કાઢું છું. તું ઠીક તો છે ને? અને આ નિશાન...?"
વર્ષાબેનને ખ્યાલ આવી ગયો કે અર્પિતા જવાબ મેળવીને જ રહેશે. "બેટા, આજે ખેતરમાં હતી ત્યારે બ્લાઉઝમાં જીવાત ભરાઇ ગઇ હતી. ખંજવાળ બહુ આવતી હતી. ખંજવાળવા જતાં મારો નખ વાગી ગયો હતો. એ તો સારું થઇ જશે..."
અર્પિતાને ખ્યાલ આવી ગયો કે મા બહાનું બનાવી રહી છે. તેને થયું કે માને પૂછે કે આગળના ભાગે કયું જીવડું ભરાયું હતું? પણ તે આમન્યા જાળવવા માગતી હતી. વધારે મોડું કેમ થયું એવું પૂછીને તે માને વધારે જૂઠું બોલાવવા માગતી ન હતી. તેણે જમવાનું કાઢ્યું.
વર્ષાબેન ગુનો છુપાવતા હોય એમ કોળિયો ભરતા બોલ્યા:"આજે ખેતરમાં કામ વધારે હતું. તું હતી એટલે બાળકોની સંભાળ રાખશે એમ વિચારી મજૂરોને રોકીને કામ કરાવી લીધું...તું કહે તારું ભણવાનું કેવું ચાલે છે? અને રાજીબહેન શું કરે છે?"
"રાજીબહેન મજામાં છે. મારું ભણવાનું સારું ચાલે છે. મેં કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ છેલ્લા દિવસે ઘરમાં પડી ગઇ એટલે ભાગ લઇ શકી નહી..."
"ઓહો! હવે સારું છે ને?"
"હા મા! પગમાં મોચ આવી હતી. તે સારું થઇ ગયું છે."
"તેં ભાગ લીધો હોત તો તારો જ પહેલો નંબર આવત. તારી સામે તો બીજી છોકરીઓ પાણી ભરે એવી છે. તારા રૂપને લીધે તો તું નાની હતી ત્યારથી કૂવે પાણી ભરવા મોકલતી ન હતી. પણ તું ભણવામાં ધ્યાન આપજે હોં છોડી." વર્ષાબેનના સ્વરમાં ચિંતા હતી.
અર્પિતાએ માથું હલાવ્યું. તેને થયું કે ગામડાની ગોરીની સ્પર્ધા થાય તો ગામમાં આ ઉંમરે પણ મા પહેલી આવે એવી છે. કેટલાય પુરુષોની નજર તેના પર હશે. તેણે ઘરમાં ટેબલફેન અને બીજી વસ્તુઓ પર નજર નાખી સ્વરને સહજ રાખી પૂછ્યું:"મા! આ બધું નવું લીધું?"
"હા, જોને કેટલો તાપ પડે છે? ઉપરનો આ પંખો તો ઘણી વખત ગરમ હવા ફેંકે છે તો છોકરાં સરખા ઊંઘી શકતા નથી. આ પંખો લાવી તો રાહત છે."
અર્પિતાને લાગ્યું કે મા પાસે જવાબ તૈયાર હતા.
"મા, પૈસાની જરૂર હોય તો હું આપી જઉં?"
"ના બેટા! ખેતરના પાકના હેમંતભાઇએ એડવાન્સ આપ્યા છે એટલે ખેંચ નથી. બહુ સારા માણસ છે. તું પણ એક વખત મળજે."
"ના મા! બે દિવસ જ છું. સમય નથી. ફરી ક્યારેક મળીશ. પણ કાલે ગામમાં આરોગ્ય કેમ્પ છે. સરકાર તરફથી આરોગ્યની ચકાસણી કરવાના છે. બધી ટેસ્ટ મફતમાં થશે. તું જઇ આવજે...."
"મારે કોઇ તકલીફ નથી. ખેતીકામ કરું છું એટલે શરીર બરાબર રહે છે...."
અર્પિતાને ખબર હતી કે માને નખમાં પણ રોગ રહ્યો નથી. તેની ગણતરી બીજી જ હતી:"મા! હવે ઉંમર વધી રહી છે. રોગ કંઇ કહીને આવતા નથી. હવે તો ક્યારેય ના સાંભળ્યા હોય એવા રોગ થાય છે. તું ચેકઅપ કરાવી લે. હું તારી સાથે આવીશ."
વર્ષાબેન આનાકાની કરતા રહ્યા. પણ અર્પિતાની જીદ અને દલીલો સામે તે હારી ગયા. તેમને યાદ આવ્યું કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી તેમણે ક્યારેય પોતાના માટે સરકારી દવાખાને પગ મૂક્યો નથી. સોમલાલની ભૂલને લીધે ત્રણ-ત્રણ બાળકો થયા પછી તે ચેતી ગયા હતા. અને પતિ સોમલાલની ના છતાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી લીધું હતું. વર્ષાબેનને મનમાં મલકાતાં થયું કે હવે કોઇ ચિંતા રહેતી નથી! ભગવાનની દયાથી શરીરની સુંદરતા સાથે તબિયત સચવાયેલી રહી છે.
બંને મા-દીકરી જમીને આડા પડ્યા.
અર્પિતા વિચારી રહી. મા હેમંતભાઇના સતત વખાણ કરી રહી છે. માએ હેમંતભાઇને ખેતર સાચવવા આપ્યું અને તેમને ત્યાં વધારે ચક્કર મારી રહી છે એની સામે ઘરમાં પૈસા વધ્યા છે એ બે બાબતો વચ્ચે સંબંધ છે. હરેશકાકા હેમંતભાઇ માટે સારો અભિપ્રાય ધરાવતા નથી. તેના ચરિત્ર તરફ પણ આંગળી ચીંધી રહ્યા છે. માએ હેમંતભાઇને ખેતરનું કામ સોંપ્યું તેથી કાકા રાજી નથી. એવું લાગે છે કે માને હેમંતભાઇથી બચાવવી જોઇએ. પણ કેવી રીતે? તેને વિનય યાદ આવ્યો. વિનયને આ કામ સોંપવું જોઇએ.
સવારે ઊઠીને બધાં કામ પરવારીને અર્પિતા બેઠી હતી. ભાઇ-બહેન સ્કૂલ જતા રહ્યા હતા અને મા ખેતરે જવાની તૈયારી કરતી હતી. તેણે કહ્યું:મા, હું એક-બે બહેનપણીઓને મળીને આવું છું. બપોર પડી જશે..."
"હવે જમીને જ જાને. મોડું થાય તો વાંધો નહીં.."
અર્પિતાને માની વાત યોગ્ય લાગી. વિનયને મળવાનું હતું. કદાચ મોડું થઇ જાય તો વાંધો ના આવે."
અર્પિતા મા સાથે જમીને તરત જ ઘરેથી નીકળી ગઇ. તેના મનમાં ઉમંગ હતો.
એક બહેનપણીને મળીને તે વિનયના ખેતર પાસે પહોંચી ગઇ. બપોર થવા આવી હતી. રસ્તો શાંત હતો. અવરજવર સાવ ઓછી થઇ ગઇ હતી. તેણે નજર નાખી તો વિનય દૂર એક ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે બધાથી નજર છુપાવતી ઝટપટ વિનયની નાની ઝૂંપડીમાં જઇને બેસી ગઇ. તેણે જોયું તો વિનયનું ભાતું પડ્યું હતું. તે હવે જમવા આવવો જોઇએ.
થોડીવારમાં કોઇના પગલાંનો અવાજ આવ્યો. અર્પિતા સાવધાન થઇ ગઇ. તેણે જોયું તો વિનય પાવડો લઇને આવી રહ્યો હતો. આવીને હાથ-પગ ધોઇ તે ઝૂંપડીમાં પ્રવેશતો હતો ત્યારે ખાટલા પર ચણિયા-ચોળીમાં કોઇ છોકરીને બેઠેલી જોઇ તે ચોંકી ગયો. છોકરીએ મોં પર ઓઢણી નાખી હતી. બીજી જ સેકંડે તેણે રોફથી કહ્યું:"તું કોણ છે છોકરી? અહીં અંદર કોને પૂછીને આવી? પહેલા બહાર નીકળ પછી વાત કર..."
અર્પિતાએ અવાજ બદલી કહ્યું:"મને બહાર ના કાઢો. હવે તમારી શરણમાં છું. હું તમારી ગુલામ બનીને રહીશ. મને આશરો આપો.."
"આ શું જબરદસ્તી છે. ચાલ નીકળ, નહીં તો ગામ આખું બોલાવીને કાઢીશ."
"તમે શું ગામને બોલાવવાના. હું જ કપડાં ફાડીને ચીસાચીસ કરીશ...આખું ગામ તમારું સ્વાગત કરવા આવી જશે."
"તારે કપડાં ફાડવાની જરૂર નથી..."
"હેં?" અર્પિતા ચમકી.
"હું જ તારા કપડાં ઉતારી આપું છું..." કહી વિનયે તેના મોં પરનો ઓઢણીનો ઘૂમટો હટાવી લીધો.
અર્પિતાએ મોં પર હાથ મૂકી દીધા અને આંગળીઓ વચ્ચેથી વિનયને જોવા લાગી. તે હસતો હતો. અર્પિતાને નવાઇ લાગી.
"ચાલ હવે નાટક રહેવા દે અર્પિતા!"
મોં પરથી હાથ હટાવી અર્પિતાએ નવાઇથી પૂછ્યું:"તું મને ઓળખી ગયો?"
વિનય તેની બાજુમાં જઇને બેસી ગયો. અને તેની કમર પર આંગળી મૂકી ડૂંટીની ફરતે ગોળ ગોળ ફેરવી બોલ્યો:"મારી જાન! તારા આ એકએક વળાંક મને યાદ છે!"
"લુચ્ચા! એ જ યાદ રાખ્યું?"
"અરે તારો ચાંદ જેવો ચહેરો રોજ રાત્રે ઊંઘવા દેતો નથી. હવે તો તું મારી શરણમાં આવી છે! અને વળી ગુલામ બનવા તૈયાર છે એટલે જવા દેવાનો નથી! અર્પિતા ચાલને પરણી જઇએ! તારા કાકા પણ રાજી છે!"
"લાગે છે કે મારા કાકા પર તેં ભૂરકી નાખી છે. એ મને પણ તારી સાથે પરણવા કહેતા હતા...વાત શું છે?"
"જો, અર્પિતા આ વાત તને જ કહું છું. કોઇને કહેતી નહીં. તારા કાકાને શંકા છે કે ખેતરમાં કોઇએ આગ લગાવી હોય શકે. મારે એની ખાનગીમાં તપાસ કરવાની છે."
વિનયની વાત સાંભળી અર્પિતાને થયું કે હરેશકાકાને કોઇ પર શંકા લાગે છે. એ હેમંતભાઇ પર તો શંકા કરતા નહીં હોય ને?
"પણ અર્પિતા ચાલને આપણે પરણી જઇએ..."
"અરે! તું તો અધીરો થયો છે! તારે તો મારી માની પરવાનગી લેવી પડશે."
"એ હું લઇ લઇશ. મને ના નહીં પાડે..."
"પણ એ પહેલાં તારે મારી મા વિશે તપાસ કરવી પડશે.."
"અરે આ વળી નવું શું છે? એ તો સારા જ છે. હું અને મારા બાપા તમારા પરિવારને વર્ષોથી ઓળખીએ છીએ. એમના વિશે શું છુપું છે. મારે કોઇ જરૂર નથી તમારા પરિવાર વિશે તપાસ કરાવવાની...."
"પણ મારે જરૂર છે.." અર્પિતા બોલી:"જો આપણી અંગત વાત છે. તારે મારી મા પર નજર રાખવાની છે. એ ક્યાં જાય છે અને શું કરે છે એ જાણવાનું છે. તારા સિવાય હું કોઇને કહી શકું એમ નથી...." બોલતાં બોલતાં અર્પિતા ભાવુક થઇને વિનયને ભેટી પડી. વિનયે પણ તેના શરીરને જકડી લીધું અને ભીંસ વધારી. અર્પિતાના શરીરનો સ્પર્શ તેને રોમાંચ આપી ગયો. ઉત્તેજિત થઇ અર્પિતાની કમર પર બંને હાથ ફેરવતાં તેનાં ગુલાબી નાજુક હોઠને ચૂમવા લાગ્યો.
થોડીવારે તેની પકડમાંથી ઢીલી થઇને અર્પિતાએ પૂછ્યું:"વિનય, મારું આટલું કામ કરીશને? આપણે લગ્ન જરૂર કરીશું. પણ મને થોડો સમય આપજે..."
વિનયને કારણ પૂછવાનું યોગ્ય ના લાગ્યું. અર્પિતા પોતાની માની જાસૂસી કરવા કહી રહી હતી. જ્યારે તેના કાકા પણ ખેતર પર નજર રાખવાનું કહી તપાસ કરવા કહી રહ્યા હતા. બંને તેને લગ્નની લાલચ આપી રહ્યા હતા? આ બધું શું છે? પોતે આ કામ કરવું જોઇએ? વિનયને સમજાતું ન હતું કે અર્પિતા અને હરેશકાકાનો ઇરાદો શું છે? શું રહસ્ય છે? તે બંનેના કામ હાથ પર લઇને ફસાઇ તો નથી રહ્યો ને?
***
અર્પિતા અને હરેશભાઇ માટે તપાસ કરીને વિનય ખરેખર ફસાઇ જશે? શરીરે તંદુરસ્ત વર્ષાબેનના આરોગ્યની તપાસ કરાવવા પાછળ અર્પિતાની શું ગણતરી હશે? રચના અને અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો ઇરાદો શું હતો? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.