અંતર્નાદ : 15 માઇક્રોફીક્શનલ વાર્તાસંગ્રહ Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતર્નાદ : 15 માઇક્રોફીક્શનલ વાર્તાસંગ્રહ

અંતર્નાદ

15 માઇક્રોફીક્શન વાર્તાસંગ્રહ

‘અંતર્નાદ’ એ અંતરમનનો નાદ સંભળાવતી 15 માઇક્રોફીક્શન વાર્તાઓનો સંગ્રહ છે. માનવીય સંવેદનાઓને વાચા આપતી આ માઇક્રોફીક્શન વાર્તાઓ આપણા અંતરમનને સ્પર્શી જાય છે. નાનકડી વાર્તાઓ આપણને જીવનનું ઘણું ભાથુ આપી જાય છે. તો આવો, માણીએ ‘અંતર્નાદ’....

1.સાચી ગુરુદક્ષિણા

રીસેષ પૂરી થઈ. ભાષાના શિક્ષક મોહન પ્રસાદ પોતાનો તાસ લેવા જવા ઊભા થયા, પણ તેમની અટકતી ચાલ જોઇ સ્પષ્ટ દેખાઇ જતું હતું કે તેઓ કંઇક ઊંડા વિચારમાં મગ્ન છે. “મૂર્ખ જેવા શું કરવા નિશાળે આવે છે, કંઇ આવડતું જ નથી..!” – આજે રીસેષ પહેલા આઠમા ધોરણના કેશવને લખતા પણ બરાબર ના આવડતા પોતે બોલેલા શબ્દો કેશવ કદાચ ભૂલી ગયો હશે, પણ મોહન પ્રસાદ ભૂલી ના શક્યા. આજથી વીસ વર્ષ પહેલા તેમને દયાળજી માસ્તરે કહેલા શબ્દો – “હોય બેટા, ના આવડેતો ફરી શીખવાડીશ, હું છું ને..!” – યાદ આવ્યા. આંખ આગળ આવેલા આંસુ લૂંછતા મોહન પ્રસાદ કેશવને પ્રેમથી ફરી શીખવવા ઊપડ્યા. આજે સાચી ગુરુદક્ષિણા આપ્યા નો સંતોષ થયો.

***

2.રીઝલ્ટ

“બેન, મારા જીગલાને બરાબર વાંચતાયે નથી આવડતું, જરા ધ્યાન..” ફાટેલ શર્ટને સરખું પકડતા જીગલાના પિતા બોલ્યા.

“તે અમે શું તમારા જીગલા માટે જ અહીં બેઠાં છીએ..? અમારે આ બીજા બધાં બાળકો પણ જોવાના હોય ને..!” શિક્ષિકા બહેને કડકાઇથી જવાબ આપ્યો.

“પણ બેન, જરા પાસ થાય તો સારું..!” જીગલાના પિતાએ પોતાની ઇચ્છા પ્રગટ કરી.

“હવે તમારામાં હોય એટલું જ તમારા જીગલામાં આવશે ને..!” વાલીનો અવાજ સાંભળી પોતાનો વર્ગ પડતો મૂકી આવેલા બીજા શિક્ષિકા બહેન તરફ મલકાતા મલકાતા કહ્યું.

જીગલાના પિતા નિરાશ થઈ ચાલતા થયા. પોતાના દીકરાને કોલ કરી બહેને પૂછ્યું, “શું થયુ? રીઝલ્ટ શું આવ્યું.?”

સામેથી નિરાશ અવાજે જવાબ મળ્યો, “ફરીથી ફેલ..!”

***

3.નિ:શબ્દ

ગઈ કાલે ગુસ્સામાં નાખેલો મોબાઇલ તૂટી હજુ નીચે પડ્યો હતો. ઘરેથી ચાલી ગયેલી પ્રિયાને તે છેલ્લી વાર જ જોઇ શક્યો. મોડા રાતે જ્યારે પોલીસની ગાડી સાથે એમ્બ્યુલંસ આવી ત્યારે વિશ્વ આશ્ચર્ય સાથે ઘર બહાર આવ્યો, પણ જેવી સ્ટ્રેચરમાં સફેદ કપડું ઓઢાડેલ પ્રિયા બહાર લાવવામાં આવી કે વિશ્વની ચીસ પડી ગઈ..! હાર ચડાવેલ ફોટા આગળ ઊભો રહી નાનકડો સ્મિત વિશ્વને વારંવાર પૂછ્યા કરતો હતો, “પપ્પા, મમ્મી ક્યારે આવશે.?” નિ:શબ્દ બનેલા વિશ્વના આંસુ પણ મૂંગા બની ગયા..!

***

4.છેલ્લો રસ્તો

આ વર્ષે પણ ચોમાસુ નબળું રહ્યું. હજુ પાછલા બે વર્ષનું લેણું ચૂકવવાનું એમ જ બાકી રહ્યું છે. માંડ માંડ આધા ઉછીના કરી દીકરી જીવીનો ખોળો ભર્યો હતો, છતાં તેની સાસરીવાળા તો રોજ નવી નવી માંગણી કરતા રહે છે. હવે તો એકમાત્ર ઘર પણ લેણીયાતો આંચકી લેશે. કોઇ રસ્તો દેખાતો ના હતો. પાસેના ખેતરવાળા પશાભાઇએ તેમના ખેતરામાં છાંટવા આપેલ દવા નજર સામે દેખાઇ. આંસુ નીતરતી આંખે છેવટે છેલ્લો રસ્તો પસંદ કર્યો..!

***

5.ડૂંસકા

વિનય સાથે લગ્ન સમયે જોયેલા બધાં સ્વપ્નો ચૂરચૂર થઈ ગયા. આજે સેલરી થઈ એટલે આજનો દિવસ વિનય શ્વેતાની ઘરે રાહ જોશે અને પછી એ જ પૈસાથી તેના વ્યસનો...! સ્ટાફમાં બધા આગળ સુખી દામ્પત્ય જીવનની જૂઠી વાતો પાછળ શ્વેતા રોજ કેટલાયે ડૂંસકા મૂંગે મોઢે ભરી લેતી. એક્ટીવા ચલાવતા ગઈકાલે રાતે તેને પીઠ પર મારેલી લાકડીના ઘા તાજા થઈ જતા શ્વેતાના મોંથી સીસકારો નીકળી ગયો..!

***

6.નવું ચાર્જર

એક તો આજે મોબાઇલનું ચાર્જર ખરાબ થઇ ગયુ એટલે મોબાઇલ પણ કઇ રીતે ચાર્જ કરવો તે ચિંતા..! આજુબાજુમાં પણ સૌને પૂછી લીધુ પણ મારા મોબાઇલ માટેનું ચાર્જર કોઇ પાસે ના મળ્યું. હમણા બંધ થઇ જશે, તો કોઇ સાથે ચેટ થઇ શકશે નહીં..! અંદરના રૂમમાંથી બાના રડવાની ચીસ સંભળાઇ, પાછલા બે વર્ષથી બિમાર બાપુનું અવસાન થયુ. હવે આ બધી ક્રિયા પતાવ્યા પછી જ ડાયરેક્ટ નવું ચાર્જર લેતો આવીશ.!

***

7.પારકી પંચાત

“આજે કથામાં સ્વામીજીએ ખૂબ સરસ વાત કરી હોં, કોઇની નિંદા કરવી નહી.”

“હાસ્તો વળી, આપણે પારકી પંચાત શું કામ કરવી.?”

“આ જો ને પેલી વિભાને કેવું થયું.! આ તેણે જ જાણી જોઇ ખોટો કેસ કર્યો હશે..!”

“સાચી વાત, અને ગંગાડી બહુ પૈસો બતાવતી હતી, તે જો હવે બધું જ જતુ રહ્યું ને..!”

“પેલી છેલ્લા ઘરવાળી સુષ્માને ત્યાં પણ કોઇ મહેમાન આવ્યા લાગે છે, આજે જરા ત્યાં ધ્યાન આપીશું એટલે ખબર..!”

“મારા ઘર પાસેના લીલામાસીને ઓળખે..? તેમને ત્યાં પણ કાંઇ નવા જૂની થતી લાગે છે, કાલે એમના ઘરમાંથી વાતો સંભળાતી હતી.!”

“આપણે શું લેવાદેવા, આ તો જરા.....બાકી પારકી પંચાતમાં આપણે શું રસ..!”

***

8.લાકડાની ડીલ

“પણ બેટા, આ લીમડાનું ઝાડ તારા દાદાજીએ વાવ્યુ છે, તેને રહેવા દે જે ને..!”

“પપ્પા, હવે પ્લીઝ એ વાત રહેવા જ દેજો. એ લીમડાના મને ૨૦૦૦ આપવા કહ્યા છે, અને તમારા બધા ખર્ચા કાઢવા એ તો જોઇશે જ...!”

આંસુ ભરેલ આંખે અસહાય વૃધ્ધ દયાળજીભાઇ પાસેના બાકડા પર બેસી પડ્યા.

“જો અલ્પેશ, આ લીમડો કાઢ્યો, એમ કાલે સવારે તારા પપ્પાને પણ પેલા ‘સંધ્યા’ વૃધ્ધાશ્રમમાં મોકલવા વિશે જણાવી દેજે.”

દીકરાની વહુના શબ્દો દયાળજીભાઇના કાને પડ્યા. મૂંગા મૂંગા લાકડીના ટેકે ઘરમાં ગયા. સવારે દીકરાએ પેલા લીમડાના લાકડાની ડીલ કેન્સલ કરાવી. સ્વર્ગસ્થ દયાળજીભાઇની અંતિમ વિધીની તૈયારીમાં સૌ પડ્યા..!

***

9.શબ્દનો પડઘો

બધે મીઠાઇ વહેંચી દીધી. મેહુલના એસ.એસ.સી.માં ૯૨% આવ્યા. તેના કબાટમાંથી તેની ડાયરી મળી આવી. તેમાં ગઇ રાત્રે લખેલા વાક્ય વાંચી ડૉ.શિરીશ સ્તબ્ધ બની ગયા. ‘મારે આટલા પેર્સેંન્ટેજ નહોતા લાવવા જોઇતા..! હવે પપ્પા મને પરાણે મેડીકલ લાઇન જ લેવડાવશે, પણ મારે તો લિટરેચરમાં આગળ વધવું છે, પણ હવે પરાણે જ...’ અધૂરા વાક્ય સાથે ડૉ.શિરીશના હાથમાં રાખેલ સાયન્સ સ્ટ્રીમના એડમિશનનું ફોર્મ નીચે પડી ગયું. ‘ગમે તે થાય પણ તારે તો ડૉક્ટર જ બનવાનું છે.’ બાવીસ વર્ષ પહેલાના પોતાના પિતાના શબ્દનો પડઘો ડૉ.શિરીશને પોતાના વર્તનમાં વરતાયો. સજલ આંખે નીચે પડેલ ફોર્મ ઉઠાવી તેને પાસેના ડસ્ટબીનમાં નાખી રૂમ બહાર જતા મનોમન બોલાયું, “ના, તુ તો તને ગમે તે જ ફિલ્ડમાં જજે મેહુલ....!” પાછળ રૂમમાં જાતે ઊડતા શીખવા મથતા ચકલીના બચ્ચાનો કલબલાટ ગૂંજતો રહ્યો...!

***

10.નસીબદાર

સીટી સર્કલ રોડ પર આવેલા આલીશાન ‘રાજમહેલ’ બંગલોની સામે ફૂટપાથ પર બેઠેલું ભીખારી દંપતી એકીટશે બંગલોને તાકી રહ્યું.

“તારી માટે હું કંઇ જ ના કરી શક્યો હોં.!”

“ના હોં, તમે તો ઘણુંયે કર્યું, પણ આવા બંગલામાં બધા કેટલા સુખી રે’તા હશે..!”

“હાસ્તો, નસીબદાર જ બધા.! ચાલ હવે ઊભી થા પાછા કામે જવું છે ને..?”

બીજા દિવસે ન્યૂઝમાં આવ્યું, ‘પારિવારીક કંકાસમાં ‘રાજમહેલ’ બંગલોમાં રહેતા શેઠ ત્રિભોવનદાસના પૂરા પરિવારે કરી સામૂહિક આત્મહત્યા..!’

***

11.વ્યથા

સવાર થતાં જ પક્ષીઓના કલબલાટથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. ફળીયાની વચ્ચોવચ્ચ આવેલા આંબા પર માળો બાંધી રહેતા બુલબુલ પક્ષીએ ખૂબ કકળાટ શરૂ કર્યો. ગયા અઠવાડિયે જ ઉડતા શીખેલું તેનું બચ્ચું આજે તેને છોડી ઉડી ગયું..! ઘર બહાર ખાટલો ઢાળી બેઠેલા ગંગાબાએ તે બુલબુલ તરફ જોઇ પોતાનો ઉકળાટ ઠાલવ્યો, “લે...ખા હવે...! કીધું’તું ને કે આ કોઇને ઉડતાં નો શીખવાડ..! હવે ઉડી ગ્યાં ને..? ખોટી રાહ જોતી નૈ...ઇ તો હંધાય જ્યા પછી પાછા નૈ આવતા...મારા ઓલ્યા લાલીયાની જેમ..!” બુલબુલનો કકળાટ ગંગાબાની વ્યથા સાથે એકરાગ થઈ ગયો..!

***

12.નિરાંતની ઊંઘ

એક તરફથી દીકરીના લગ્ન પાછળ કરેલ ઉધારી, સાથે ચાલુ વર્ષે પડેલ ઓછા વરસાદથી નિષ્ફળ ગયેલો પાક, રોજના ઘરે ધક્કા ખાઇ જઈ ગમેતેમ બોલી જતાં લેણીયાતો, ઘરમાં ખૂટેલું અનાજ અને દીકરીની સાસરીવાળાને ત્યાંથી રોજ નવી વસ્તુઓ માટે થતી માંગણી...વિચારોના વંટોળમાં સૂવા પ્રયત્ન કરતા ગરીબ ખેડૂત દંપતીને કેમેય કરીને ઊંઘ આવતી જ નથી. આજે કેટલાયે મહિનાઓથી આમ પડખાં ફેરવીને આંસુ સારતા બંનેએ ખૂબ વિચાર કરી અંતે નિરાંતની ઊંઘ લેવા નક્કી કર્યું. ઘરના ખૂણે રાખેલી દવાના ઘૂંટ દુ:ખ સાથે ગળા નીચે ઉતારી બંને ચીર ઊંઘમાં પોઢી ગયા..!

***

13.બાળમજૂરી

“મેડમ, તમારી ‘બાળમજૂરી’ વિશેની સ્પિચ ખરેખર ખૂબ જ ચોટદાર હતી હોં.!” ગાડીમાં ડ્રાઇવર પાસે બેઠેલો શાંતિદેવીનો પી.એ. પાછળની સીટ પર બેઠેલા શાંતિદેવીને કહે છે.

“હમમમ.. આ એરીયામાંથી વૉટ બેંક મજબૂત કરવા આ બાળમજૂરીનો ઇસ્યૂ જ ઇમ્પોર્ટન્ટ છે..!” શાંતિદેવીએ પોતાના મોબાઇલમાં ધ્યાન આપતાં વળતો જવાબ આપ્યો.

શાંતિદેવીનો વિશાળ બંગલો ‘રાજમહેલ’ આવી ગયો. તેમના વૉચમેને દરવાજો ખોલતા તેમની ગાડી ઘરમાં પ્રવેશી. ઘરમાં યોગ્ય સફાઇ ના થયેલી જોઇ ગુસ્સે થયેલા શાંતિદેવીએ બૂમ પાડી, “ક્યાં મરી ગઈ કમળા..? આ બધી સફાઇ તારો બાપ કરશે..? પછી સેલરી કાપી લઈશ ત્યારે રડવા બેસીસ..!” શાંતિદેવીની બૂમ સાંભળતા આશરે તેર વર્ષની કમળા ધ્રુજતા રોજના સફાઇના કામે વળગી ગઈ..! શાંતિદેવી હમણાં બોલેલી ‘બાલમજૂરી’ પરની સ્પિચનું કાગળ ડસ્ટબીનમાં નાખી પોતાના રૂમમાં પાછા ચાલ્યા ગયા..!

***

14.ઝરુખો

પંદરેક વર્ષની ગંગા ઘરના ઝરુખેથી નીચે રમતા બાળકોને કૂતુહલપૂર્વક જોઇ રહી. હજુ થોડા દિવસો પહેલા જ તો તે પણ આમ તેના ઘર પાસે શેરીમાં બીજા બાળકો સાથે રમતી હતી. તેને આ નવું ઘર જરાય ગમતુ ના હતુ. તેને બધાએ નવા કપડા મળશે, મીઠાઇ મળશે એવુ કહ્યું હતુ, એટલે તે દિવસે ગંગા મંડપમાં બેસવા તૈયાર થઈ ગઈ હતી, પણ કાયમ માટે પોતાનું ઘર છોડી દેવું પડશે તે ખબર ના હતી. એકવાર ઘર બહાર રમવા જવા બદલ હાથ પર આપેલા ડામનો ડાઘો જોતા તેની આંખ આંસુથી છલકાઇ ગઇ. સજળ આંખે ગંગા નીચે રમતા બાળકોને એકીટશે જોઇ રહી. તેનું મન તો ક્યારથીયે પેલા રમતા બાળકો સાથે પતંગિયુ બની ફરકતું રહ્યું હતું. ત્યાં જ ઘરમાંથી અવાજ સંભળાયો, “વહુ ક્યાં ગઇ..? રસોડામાં આવજે તો..!” આંસુ લૂંછતા ગંગા રસોડા તરફ દોડી ગઇ..!

***

15. શાંત ઘર

એક અઠવાડિયાથી ઘરમાં ઝઘડો ચાલી રહ્યો હતો. આડોશપાડોશમાં કેટલાયે ઘર સુધી આ ઝઘડા વિશેની ચર્ચાઓ રોજરોજ થવા લાગી હતી. આ ઝઘડાને કારણે ચાર વર્ષની નાનક્ડી ધ્રુવી ઘણી અસ્વસ્થ બની ચૂપચૂપ રહેવા લાગી હતી. ઘમસાણ ચાલી રહેલો ઝઘડો ગઇ કાલથી શાંત થઇ ગયો. ઘરમાં ઘણા માણસોની અવરજવર થવા લાગી હતી. ઘરે આવેલા કેટલાય ચહેરાઓમાં પોતાની મમ્મીને શોધવા નાનકડી ધ્રુવી મથતી રહી, પણ તેને તેની મમ્મી ક્યાંય મળતી ના હતી. દરવાજે આવેલી પોલીસ સાથે બહાર નીકળતા ઋત્વીજને વળગી જઇ ધ્રુવીએ પૂછ્યુ, “પપ્પા, મમ્મી ક્યાં ગઇ...?” સજળ આંખે મૌન રહી ઋત્વીજ બહાર નીકળી પોલીસવાનમાં બેસી ગયો, તેની પાછળ સાવ શાંત ઘર છોડીને...!

***