Ravanne Shravanno Upvaas chhe. books and stories free download online pdf in Gujarati

રાવણને શ્રાવણનો ઉપવાસ છે.

રાવણને શ્રાવણનો ઉપવાસ છે...!

મોજીલા જીવને શ્રાવણના ઉપવાસ આક્રરા તો લાગે, પણ એમાં આપણે કરી પણ શું શકીએ..? બાપુને કહા થા, ની માફક ઋષિ મુનિઓને કહા થા ઇસ લીએ કરના તો પડેગા. શરૂ શરૂમાં તો, ૬-૪૫ નો સમય થાય એટલે, ગળામાંથી ગાયન પણ છૂટવા માંડે કે, ‘ દિલ જલતા હૈ તો જલને દે, આંસુ ના બહા ફરિયાદ ના કર...! ‘ બિચારો સહન કરી લે..! આમાં એવું છે ને કે, જેણે દમણને નકશામાં જ જોયું નથી, એને કોઈ ફરફ નહિ પડે. ફરક તેને પડે કે, જે ખાધે, ને ખાસ કરીને પીધે મોજીલા હોય. એને ‘ આયા સાવન ઝુમકે ‘ નહિ લાગે. પણ દમણના વિઝા એક મહિના માટે રીજેક્ટ થયાં હોય, એવો આઘાત લાગે. એક તો ગુજરાતમાં જડબેસલાખ દારૂબંધી, ને ઉપરથી શ્રાવણનો પવિત્ર માસ. ઠેર ઠેર ભજન કીર્તન અને સત્સંગની રમઝટ ચાલતી હોય, શિવનો મહિમા ગવાતો હોય, એમાં તાંડવ પણ કેમનું થાય ? આ તો સરકારના ધ્યાનમાં નથી આવતું એટલે, બાકી શ્રાવણમાં જનમ લેનારાંનું તો સરકારે સન્માન કરવું જોઈએ. એને ‘ અયોધ્યા એવોર્ડ ‘ કે ‘ શિવજી એવોર્ડ ‘ જેવાં એવોર્ડ આપીને નવાજવા જોઈએ. શ્રાવણ માસમાં જનમ લેનારાને પણ એમ થાય કે, આપણો જન્મારો સાવ એળે ગયો નથી. સરકારે તો આપણી કદર કરી...! બોલો ‘ હર હર ગંગે....! ‘

બાકી, અગિયાર અગિયાર મહિના સુધી જેણે દમણના આંટા-ફેરાની અઠંગ ઉપાસના જ કરી હોય, એની હાલત શ્રાવણ બેસતાં કેવી થતી હશે, એ તો જેને વીતે તે જ જાણે ભઈલા..! આજુબાજુ સત્યનારાયણ ભગવાનની કથાનું ચરણામૃત લેતાં પણ બિચારાથી ચીયર્સ બોલાય જતું હશે. તીખા તમતમતા ચવાણાને બદલે, ફરાળીના ફાંકા મારવાના આવે, એ કંઈ ઓછી વેદના કહેવાય..? રંગીન બાટલીને બદલે સોડા ચઢાવવાની આવે, ત્યારે તો એટલું આકરું લાગવા માંડે કે, જાણે હમણાં હું વગર પીધે તાંડવ કરી નાંખું..! એને તો એમ જ થાય કે, શ્રાવણમાં સાલી શનિની દશા સોડાના પાયે બેઠી છે..! મારા માટે આ શ્રાવણ નહિ પણ ગ્રહણ માસ છે..!

જોવાની વાત એ છે કે, પાછો ખુમારીથી અણનમ યોધ્ધાની માફક ઝઝૂમી લે. બાકી જોડો પહેરીને ચાલનારાને જ ખબર પડે કે, અંદર જોડો કેટલો ડંખે છે..? તેમાં વેધર વ્હીસ્કી જેવું હોય, ને ઘરમાં શ્રાવણનો સખત ચોકી પહેરો હોય. ત્યારે તો હાલત એવી કફોડી થઈ જાય કે, જાણે નકુચામાં આંગળી નહિ આવી હોય..? આદમી જાયે તો જાયે કહાં..? હુમલા તો અંદરથી અનેકવાર આવે કે, ‘ તું તારે ઠોક, ને તોડી નાંખ ઉપવાસ..! ડરતા હૈ કયું...? રાવણને કહાં શ્રાવણ કિયા થા..? ‘ પણ શિવજી આવ્યાં એટલે, એમાં દિવ-દમણ ને સેલવાસ આવે જ નહિ, શ્રાવણની સાધના જ આવે..!

આવાં માણસની કદર કરવાનો રીવાજ આપણે ત્યાં નથી. ઈશ્વર પણ એવાંની પ્રાર્થના પહેલો પણ સાંભળે. એ પણ જાણે કે, એના ઉપવાસ કંઈ રાબેતા મુજબના થોડાં છે ? આને તો ‘ પરાક્રમી ઉપવાસી ‘ કહેવાય. જાણે લાહોરમાં જઈને ત્રિરંગો ફરકાવતો હોય, એવો હિમંતબાજ માને. કારણ એના ઉપવાસમાં ત્યાગ છે. એની ગમતી ચેષ્ટાનું છડેચોક બલિદાન છે..! એ માણસ પણ સમજે તો ખરો ને, કે ૧૧-૧૧ મહિના સુધી જલશા કર્યા, ત્યારે ભગવાને કોઈ દિવસ આડો હાથ નથી કર્યો, એની સામે પોલીસને પણ ફરકવા શુદ્ધા નથી દીધો, તો શ્રાવણના એક મહિના માટે આપણે રાવણ શું બનવાનું..? શ્રાવણનો ‘ જીએસટી ‘ લાગ્યો, એવું કટાણું મોઢું લઈને શું ફરવાનું...? ભગવાન માટે એક મહિનો કાઢ્યો હોય તો, ભગવાન પણ આપણી કદર કરે. ભલે, ફુલ્લી પાસ નહિ કરે, પણ કૃપાગુણ આપીને ધક્કો મારીને સ્વર્ગમાં તો ધકેલે..? ૧૧ મહિના જે ‘ કોંધાકબાડા ‘ કર્યા હોય, એ તો ધોવાય. એક મહિનો ‘ ઓમ નમ: શિવાય ‘ બોલવમા આપણી છાપ તો સુધરે..?

બાકી સંતો તો કહી ગયાં છે કે, ભગવાન માટે કાઢેલું, રાખેલું, વિચારેલું, ગાયેલું, વગાડેલું, બોલેલું, ચાવેલું, ક્યારેય નીરર્થક જતું નથી. મીરાંબાઈ તો ભગવાન પર ભરોસો રાખીને ઝેર જેવું ઝેર પણ ગટગટાવી ગયેલાં. આપણે ક્યાં ઝેરના કટોરા ઉતારવાના છે....? શિંગોડાનો શીરો જ ઠપકારવાનો છે ને....? શ્રાવણની ભક્તિ એળે નહિ જાય. એ પણ સમજે કે, વિદ્યાર્થી સવારે વાંચે, રાતે વાંચે, મળશ્કે વાંચે, કે ભરબપોરે વાંચે. એ વાંચે તે મહત્વનું છે છે. એને પાસ કરી દેવાનું...!

પણ પછી શ્રાવણ એટલે શ્રાવણ. બેશરમ બનીને એને પાળવાનો. પછી એવું નહિ આવે કે, ભીતરમાં શ્રાવણ હોય, ને બહાર રાવણ હોય....! અગરબતી એ અગરબત્તી, ને મીણબત્તી એ મીણબત્તી. એના ભેદ રાખવાના. ભુખ હડતાળનું કામ જેને વધારે રહેતું હોય, એમના માટે તો શ્રાવણના ઉપવાસ એટળે નેટ પ્રેકટીશ જ સમજવાની. એક કાંકરે બે પક્ષી. શિવજી ની આરાધના પણ થાય, છાશવારે ઉપવાસ પર બેસવાની નેટ પ્રેક્ટિશ પણ થાય. શિવાજી એટલે આપણા એવાં ‘ બ્રાન્ડેડ ‘ ભગવાન છે કે, જેના હાથમાં કાયમ હોકીઓ રહેતી હોય, એ પણ રુદ્રાક્ષની માળાઓ ફેરવીને ‘ નમ: શિવાય ‘ કરતો થઈ જાય. પાઠ-ભજન-અર્ચન ને અગરબતી પણ સળગાવતો થઈ જાય. પછી ભલે એને મહાદેવના ૧૦૮ પૈકી, પૂરા પાંચ નામની પણ જાણકારી કેમ નહિ હોય..? પણ ભગવાનમાં શ્રદ્ધા બેસવી એ કંઈ નાની વાત છે..? શિવજીની એ જ તો કૃપા છે મામૂ..! જોતાં નથી ? શિવજી પોતે સ્મશાનમાં રહે, ને આપણને લક્ઝરી બંગલામાં રાખે. એ પોતે વલ્કલ પહેરે, ને આપણને બ્રાન્ડેડ કપડાંથી સોહામણા રાખે. ગળામાં ભલે એ નાગદેવતા રાખે, પણ આપણને વીસ તોલાની સોનાની ચેન પહેરાવીને કેવાં ગર્વિષ્ટ રાખે..? એ ભલે તાંડવ નૃત્ય કરે, પણ આપણને દોઢિયાની ચાલમાં ગરબે તો ધુમાડે...! સંતોએ અમસ્તું કહ્યું છે કે, “ બખાન ક્યા કરૂ, તેરી રાખોકી ઢેરકા, ચપટી ભભૂતમેં હૈ, ખજાના કુબેરકા....! “

આ તો થઈ આપણી વાત. બાકી મારે અભિમાન પૂર્વક કહેવું જોઈએ કે, અમારો ચમનીયો એટલે ચમનીયો. ચમનિયા જેવો બીજો કોઈ પાક્કો શિવ ભક્ત નહિ. શિવજીના મંદિરમાં જઈને શંકર ભગવાનની ભક્તિ તો કરે જ, પણ જેવો શ્રાવણ બેસે એટલે, ગામમાં જેટલા શંકરભાઈ રહેતાં હોય, એને પણ પગે લાગી આવે, ને એની પુંજા પણ કરતો આવે..!

જોરસે બોલો.… ઓમ નમ: શિવાય !!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED