મૌન... Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૌન...

મૌન

Dr Sagar Ajmeri



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

મૌન

અચાનક લાઇટ જવાથી ઘરમાં અંધારૂ છવાયુ હતું. આમ તો ઘરમાં આ અંધારૂ પાછલા એક મહિનાથી છવાયેલું હતું. વિધીના જવાથી વ્યોમ સાવ સૂનમૂન બની ગયો. હજુ બે દિવસથી જ વ્યોમ પથારીમાંથી ઊભો થયો હતો. પોતાના રૂમની બારી આગળ કલાકોથી વ્યોમ શૂન્યમનસ્ક બની બેસી રહ્યો. વ્યોમ માટે બહારની દુનિયા જાણે કંઇ જ ના હતી. તેને બહારના જગત સાથે કોઇ જોડાણ કે સેતુ જ હવે રહ્યો ના હતો..! બહાર ધોધમાર વરસતા વરસાદના ગડગડાટના પડઘા વ્યોમના અંતર મન સુધી પહોંચી રહ્યા. બહાર વરસતા તોફાની વરસાદથી ફળિયાના વૃક્ષો સાવ નમી પડયાં હતા. અચાનક ફળિયામાનું એક વૃક્ષ ‘કરરડડ...’ કરતા મૂળથી ઉખડી ધડાકાભેર આડું પડયું. વૃક્ષ પડવાનો અવાજ ક્યાંય સુધી વ્યોમના કાનમાં ગૂંજી રહ્યો. ગાઢ અંધકારમાં પણ વ્યોમ કંઇક જોઇ રહ્યો હતો..! થોડીવાર પછી વ્યોમના અંધારા રૂમમાં ઘરનો રામો એક મીણબત્તી મૂકી ગયો.

મીણબત્તીનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાઇ ગયો હતો, પણ વ્યોમની આંખમાં છવાયેલું અંધકાર આ પ્રકાશ દૂર કરી શક્યો નહીં. વ્યોમનું ધ્યાન મીણબત્તી પાસે ઉડતુ નાનકડું પતંગિયું પોતાની તરફ ખેંચી ગયું. તે પતંગિયુ મીણબત્તીની જ્યોતની ચોતરફ ફરફરતું હતું. તે ઉડતા પતંગિયાની પાંખોમાં જ્યોતની જ્વાળા જાણે અગનપંખ બની ફરફર ફરકતી હોય તેવો આભાસ વ્યોમને થયો. પતંગિયું અને મીણબત્તીની જ્વાળા એકરાગ એકરૂપ બની ગયા હતા.

વ્યોમની આંખ આગળથી સમય પાછળ જતો દેખાયો. આમ પણ વ્યોમ માટે સમયનું બંધન છેલ્લા ઘણા સમયથી નિઃસ્પર્શી બની ગયું હતુ. વ્યોમ સમયથી પરે બની ગયો હતો. સળગતી મીણબત્તીનો ધુમાડો જાણે ફરી તેની જ્યોતમાં સમાવવા લાગ્યો. એક એક પળ પાછળ જતા વ્યોમ સમક્ષ એક વર્ષ પહેલાનો સમય ફરી ઉપસી આવ્યો..! બહાર ધોધમાર વરસતો વરસાદ વ્યોમના મનમાં પણ તોફાન બની વરસતો રહ્યો. સજળ આંખે બેઠેલા વ્યોમના બીડાયેલા હોઠ ખૂલતાં માત્ર એક જ શબ્દ હળવે સ્વરે બહાર આવ્યો- “વિધી”..!

હજુ તો વ્યોમ અને વિધીના લગ્નને એક વર્ષ પણ થયું ના હતું, ત્યારે આવા જ વરસતા વરસાદની એક રાતે વ્યોમને અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડયો. એકલી ગભરાયેલી વિધી પાડોશી અને ઘરના રામાની મદદ લઈ વ્યોમને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં રીપોર્ટસ આવતા વિધીના પગ તળે જમીન ખસી ગઈ. વ્યોમને મેજર હાર્ટ ડિસીઝ થયો હતો. ડાઇલેટેડ કાર્ડીઓમીઓપથીને કારણે વ્યોમનું હાર્ટ વિસ્તરતુ જતુ હતું, જેનાથી તેના હાર્ટ મસલ્સ શરીરના વિવિધ ભાગમાં બ્લડ પંપ કરવા અસમર્થ થઈ ગયા હતા..! તેની સ્થિતી ઘણી ક્રિટીકલ હતી. પોતાના પરિવારની વિરૂદ્ઘમાં જઈ લવ મેરેજ કર્યા હોવાથી વિધી માટે તેના માતાપિતાના ઘરના દરવાજા તો કાયમ માટે બંધ જ હતા, તેમ છતાંયે વિધીએ તે ઘરના દરવાજા ખખડાવી જોયા, પણ સમાજની રૂઢીએ જડ બનેલા તેના માતાપિતા પાસેથી આવા સમયે પણ તેને જાકારો જ મળ્યો..! એકલી પડેલી વિધી ઘણી ભાંગી પડી હતી, પણ વ્યોમ માટેના અપાર પ્રેમથી વિધીની હિંમત ફરી બંધાઇ. ગમે તે કરી પોતાના વ્યોમના જીવનનું રક્ષણ કરવાનો વિધીએ નિર્ધાર કર્યો.

ડૉક્ટરના કહેવા મુજબ વ્યોમનું હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવું અનિવાર્ય બન્યુ હતુ, પરંતુ આટલા ટૂંકા સમયમાં હાર્ટ મેળવવું ક્યાંથી..? કોઇ જીવીત વ્યક્તિ તો ક્યારેય પોતાનો જીવ આપી બીજાને ગમે તેટલી કિંમત આપવા છતાંયે પોતાનું હાર્ટ આપે જ નહીં, પણ જો કોઇ મૃત્યુ પામતી વ્યક્તિ તે માટે પરવાનગી આપે તો જ તે શક્ય બને. જો કે હાર્ટ ટ્રાંસપ્લાન્ટના ઓપરેશનના ખર્ચરૂપે જરૂરી વીસ લાખ રૂપિયા વિધીએ પોતાના ઘરેણા અને કેટલીક મિલકત વેચી એકઠા કરી રાખ્યા હતા..! વિધીએ ખર્ચ માટેના નાણા તો કેમેય કરીને એકઠાં કરી રાખ્યાં હતા, પણ હવે જરૂર કોઇ હાર્ટ ડૉનરની હતી..!

વ્યોમનું ધ્યાન ઉડતા પતંગિયા તરફ ગયું. દરેક પળ તે પતંગિયું જ્યોતની નજીક જવા પ્રયત્ન કર્યા કરતું હતું. તેની પીળી પાંખો જ્યોતની પીળી જ્વાળા સાથે લયબદ્ઘ ફરકતી હતી. ઘડીભરમાં એમ લાગતું કે જાણે તે પતંગિયું પેલી સળગતી જ્વાળાને સ્પર્શી જશે. જો તે પતંગિયુ જ્યોતને સ્પર્શી ગયું તો તે ત્યાં જ નાશ પામી જશે. વ્યોમે તે પતંગિયાને દૂર ભગાડવા કર્યું.

વેંટિલેટર પર રહેલ વ્યોમને ભાન આવ્યું. ઝાંખી દ્રષ્ટિએ વિધીને પાસે બેઠેલી જોઇ. ધીમે ધીમે સ્પષ્ટ દ્રષ્ટિ થઈ ત્યાં વિધી સામે આંખથી આંખ મેળવી ના શકાઇ, વચ્ચે આંસુનો પરદો આવી ગયો..! વ્યોમની આંખમાં ઉભરાયેલ આંસુ વિધીના ગાલ પરથી વહેતા રહ્યા..! વ્યોમનો હાથ પોતાના હાથમાં લઈ ક્યાંય સુધી વિધી તેને જોતી જ રહી. વિધીની આંગળીઓમાં પોતાની આંગળીઓનું બંધન બનાવી વ્યોમ જાણે વિધીના મનને વાંચી રહ્યો.! વ્યોમની આંખમાં ઉભરાયેલા આંસુ લૂંછી પોતાના ચહેરા પર પરાણે સ્મિત આપતા વિધી બોલી, “ડૉક્ટરે કહ્યું છે કે કોઇ ચિંતાની વાત નથી, આ જરા પાચનમાં તકલીફથી ગેસને કારણે...” વ્યોમે તેના મોં તરફ આંગળી કરી વાત અધૂરી અટકાવી. વ્યોમ સાથે વાત કરતા વિધીની આંખો સતત ઉભરાતી રહેતી..! વ્યોમ એ તો વિધીના જીવનનો એકમાત્ર આધાર..! વ્યોમ વગરનું જીવન વિધી ક્યારેય કલ્પી પણ ના શકે..!

મોં પર આવતી વરસાદની વાછટે વ્યોમની પાણી ભરાયેલી આંખ ઢાંકવા નકામા પ્રયત્નો કર્યા..! પવનથી ફરફરતી મીણબતીની જ્યોતથી જાણે રૂમમાંનો પ્રકાશ પણ બહારથી ડોકાયા કરતા અંધકારથી ધ્રૂજી રહ્યો હતો..! સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ભયાવહ અંધકારને આ એક ઓરડામાં ફેલાયેલ જરા અમથો પ્રકાશ પણ જાણે આંખમાં કણાની જેમ ખૂંચ્યા કરતો હશે તેથી જ તે પ્રકાશને પોતાની અંધારી છાયામાં લપેટી લેવા પેલો અંધકાર આ ઓરડામાંડોઅકાયા કરતો હતો..! જ્યોતને પવનથી બચાવવા ફરી પેલું પતંગિયુ આડશ બની ફરકવા લાગ્યું. જ્યોત પ્રત્યે પતંગિયાનો પ્રગાઢ પ્રેમ સાફ દેખાઇ આવતો હતો. તે પતંગિયું હવે જ્યોતથી વિખુટુ રહી શકે તેવી સ્થિતીમાં ન હતું.

વ્યોમના હાર્ટ ટ્રાંસપ્લાન્ટ માટે વિધીએ બધા પ્રયત્નો કરી લીધા, પણ બધેથી માત્ર ખોટો દિલાસો અને નિષ્ફળતા જ મળી. વ્યોમની હાલત વધુ ક્રિટીકલ થતી જતી હતી. ટ્રાંસપ્લાન્ટ માટે જરૂરી બધો જ ખર્ચ એકઠો કરી રાખ્યો, પણ કોઇ હાર્ટ ડૉનર ના મળે તો આ બધું જ નકામું..! આ વિચાર માત્રથી જ વિધી ધ્રૂજી જતી. વિધી ક્યાંય સુધી સૂતેલા વ્યોમને જોઇ રહી. આજ સુધી વ્યોમે તેની કોઇ પણ ઇચ્છા પૂરી કરવાની બાકી રાખી ના હતી. આજે હવે વ્યોમ માટે વિધી કંઇ કરી છૂટવા તત્પર હતી. પોતાના વ્યોમને સાજો કરવા વિધીએ દરેક મંદિર, દરગાહ, ચર્ચ, ગુરૂદ્વારા બધે જ જઈ માથું ટેકવી કૈંક બાધા- માનતાઓ રાખી હતી.

વ્યોમને ખડખડાટ હસતો જોઇ વિધી ખીલી ઉઠતી, પણ હવે બંનેનું હાસ્ય વિસરાયુ હતું. તે જાણતી હતી કે વ્યોમ પાસે ઘણો ઓછો સમય બાકી રહ્યો હતો. જો જલ્દી જ તેનું હાર્ટ ટ્રાંસપ્લાન્ટ ના કરાયું, તો કોઇ લાઇફ સપોર્ટ સિસ્ટમ પણ વ્યોમને વધુ બચાવી શકશે નહીં. વિધીને યાદ આવ્યું કે તેનું અને વ્યોમનું બ્લડ ગ્રુપ એક જ છે. વિધીએ કંઇક મનોમન નિર્ધાર કર્યો.

બહાર વરસતો વરસાદ વધુ તેજ બન્યો. અંધારાથી છવાયેલા આકાશમાં વીજળીના ચમકારા તેજ લીસોટા પાડતા આખી ધરાને ધ્રૂજાવતા ગગડાટ કરતાં ચાલ્યા ગયા. તેના ભયાનક ગગડાટથી ઓરડામાં સળગતી મીણબત્તીની જ્યોત પણ ઘડીભર ધ્રૂજી જતી..! વરસાદ તોફાની બન્યો હતો. બારીમાંથી આવતા પવનને કારણે વારેવારે જ્યોત ફડકવા લાગી. હમણા ઘડીભરમાં મીણબતી ઓલવાઇ જશે તેમ લાગ્યું. જો મીણબત્તી ઓલવાઇ જશે, તો બહારથી ડોકાયા કરતું અંધકાર ઓરડામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવામાં સફળ રહેશે..! ક્યાંય સુધી જ્યોતની આસપાસ ફરફરતું પતંગિયું જ્યોતના પ્રગાઢ પ્રેમને વશ થઈ તેને ઘેરા બનતા અંધકારથી બચાવવા અને બહારથી ફૂંકાતા પવનથી આડશ થવા ઘણા પ્રયત્નો કરે છે. પવનથી જ્યોતને બચાવવાના પ્રયત્નોમાં અચાનક તે પતંગિયું જ્યોતમાં સમાઇ સમાઇ ગયું..! આ જોઇ વ્યોમ ચીસ પાડી ઊઠયો.

વ્યોમની નજર દિવાલ પર હાર ચડવેલા વિધીના ફોટા તરફ ગઈ. હાથ પોતાના ધબકતા હ્ય્દયને સ્પર્શતા તેમાં વિધીનું ખડખડાટ હાસ્ય ધબકાર બની સંભળાયુ..! “હું હંમેશા તારામાં જ રહીશ...” વ્યોમને વારંવાર કહેતા વિધીના આ શબ્દો વ્યોમના મૌન મનમાં પડઘા પાડી ક્યાંય ચાલ્યા ગયા અને પાછળ છોડી ગયા માત્ર મૌન..!

***