“…તો તે જ સાચો મિત્ર” Anya Palanpuri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“…તો તે જ સાચો મિત્ર”

“…તો તે જ સાચો મિત્ર”

મોટાભાગના આજના યુવાનો ‘મિત્રો’ અને ‘કુતરો’ શબ્દો એકબીજાના પર્યાય તરીકે જાહેરજીવનમાં વાપરતા હોય છે. મિત્રો બનાવવા અને સાચવવા એક નૈસર્ગિક પ્રક્રિયા છે. જેમાં તમારે સદંતર ‘ઝઘડા કરવા’, ‘એકબીજાને મનાવવા’, ‘સાથે જમવું’, ‘અડધી રાત સુધી જાગવું’ જેવા ઘટકો ઉમેરતા રહેવું જરૂરી છે. મિત્ર શબ્દની વ્યાખ્યા એકરીતે સિમ્પલ છે, છતાં સહેલી નથી!!

જો તમારો કોઈ પણ મિત્ર નીચે મુજબની ગાઈડલાઈન્સમાં સમાઈ જતો હોત તો સમજી જજો કે ‘તે જ તમારો સાચો મિત્ર છે’!!

૧) જે મિત્ર અડધી રાતે પણ તમારી ‘મેગી’ માટે પોતાની ‘માર્ગી’ છોડી આવે તે જ તમારો સાચો મિત્ર.

૨) તમને ગમતી છોકરી સાથે વાત કરવાની ‘ના’ કહે અને બીજે જ દિવસે પોતે તેની સાથે ગપ્પા લડાવતો નજરે ચઢે તો તે જ સાચો મિત્ર.`

૩) હજુ હમણાં જ ચા પીધી હોય છતાં, તમે કહો ત્યારે ચા માટે તૈયાર થઇ જાય તે જ સાચો મિત્ર.

૪) જ્યારે બહાર જમવા ગયા હોઈએ ત્યારે “અરે યાર..પાકીટ ભૂલી ગયો” નુ નાટક બેથી વધુ વાર કરે તો તે જ તમારો સાચો મિત્ર.

૫) જે તમારા “મસાલા ઘટાડ ..હરામી” કહેવાથી દિવસના પાંચ મસાલાથી સાડા ચાર મસાલા પર આવે તે જ સાચો મિત્ર.

૬) તમને ગમતી છોકરીની એને ખબર હોય છતાં, “અરે બ્રો..પહેલા ના કહેવાય?” કહી પ્રપોઝ કરી આવે તે જ સાચો મિત્ર.

૭) બાઈકમાં પેટ્રોલનો કાંટો ‘F’ પર હોય છતાં તમે બાઈક માંગો ત્યારે “પેટ્રોલ પુરાવજે ભાઈ” કહી ચાવી આપે તે જ સાચો મિત્ર.

૮) તમે મંગાવેલી ફિક્સ થાળીમાં આવતો એકમાત્ર ગુલાબ જાંબુ તમને પૂછ્યા વગર ખાઈ જાય તે જ સાચો મિત્ર.

૯) બાઈક માંગીએ ત્યારે દુરથી જ હવામાં ફેંકીને ચાવી આપે તે જ સાચો મિત્ર. (સાચવીને હાથમાં ચાવી મુકે તેને મિત્રની વ્યાખ્યામાંથી બાકાત કરેલ છે: નવરા મિત્ર મંડળ, ભાભર)

૧૦) અસાઈન્મેન્ટ કરતી વખતે “ભાઈ તને ઊંઘ આવતી હોય તો સુઈ જા. હું કલાક પછી ઉઠાડી દઈશ” કહી સીધા સબ્મીસનના ટાઈમે ઉઠાડે તે જ સાચો મિત્ર.

૧૧) રોજ મળે ત્યારે ગળે મળે અને ગર્લફ્રેન્ડ સાથે હોય ત્યારે દુરથી જ હાથ ઉંચો કરી “કેમ છે?” કહી આગળ વધે તે જ સાચો મિત્ર.

૧૨) તમે હાજર ન હોવ ત્યારે તમારી ‘ઉડાવાય’ અને તમે હાજર હોવ ત્યારે હાજર ન હોય તેની ‘ઉડાવે’ તે તે જ સાચો મિત્ર.

૧૩) મિત્રો સાથે હોય ત્યારે ‘ગંગાધર’ અને છોકરીઓ સાથે હોય ત્યારે ‘શક્તિમાન’ બને તે જ સાચો મિત્ર.

૧૪) તમને કોલેજમાં મળતી પનીસમેન્ટ માટે અંદરોઅંદર હરખાય તે જ સાચો મિત્ર.

૧૫) આખી એક્ઝામ સારી ગઈ હોવા છતાં, છેલ્લા દિવસે બધાની વચ્ચે “આપણે તો પાક્કા ફેઈલ” કહે તે જ સાચો મિત્ર.

૧૬) પેપરમાં ‘ભાઈ..બતાવ. પ્લીઝ” કહી પોતાની આંગળીઓના ટચાકા ફોડે અને બહાર આવી ન બતાવનાર મિત્રોને ફોડે તે જ સાચો મિત્ર.

૧૭) ટીચરની “કોઈ મોબાઇલ તો નથી લાવ્યુ ને?”ની સુચના પછી ‘૩ ઇડીયટ’ના ચતુરની જેમ દુરથી જ તમારા તરફ આંગળી કરે તે જ સાચો મિત્ર.

૧૮) સગાઇ થઇ હોય છતાં, તમને નામ કહેતા શરમાય ( શરમાય તો કંઈ નહો પણ ફાટે!!”) તે જ સાચો મિત્ર.

૧૯) પોતાને ફીટ પડતી પેન્ટ હવામાં વેઝોળી “ટ્રાય કરજે લ્યા...થાય છે?” કહી તમને આપે તે જ સાચો મિત્ર.

૨૦) હોય સ્કેફોલ્ડીંગના બામ્બુ જેવા અને તોય એક સિગરેટ માટે “આજે તો કાંઈ બાહુબલી લાગે છે ને?” કહે તે જ સાચો મિત્ર.

૨૧) બાથરૂમમાં આખા પલળી ગયા હોવ અને તમારી એક જ બુમે સવાર-સવારમાં ગમે ત્યાંથી તમારા માટે ‘શેમ્પુ’ લઈને આવે તે જ સાચો મિત્ર.

૨૨) બ્રેકઅપ થયું હોય એ આખી રાત તમારી સાથે બેસી “છોડને યાર...” કહી-કહી તમારા પૈસે બોટલો ખાલી કરે તે જ સાચો મિત્ર.

૨૩) રસ્તા પર જ સિગારેટ પીવાની ઈચ્છા થઇ હોય અને રોડ પરથી કોઈ અજાણ્યો તમને લાઈટર ઓફર કરે તો તે જ સાચો મિત્ર.

૨૪) થ્રીલર બુક પૂરી થવા આવી હોય અને તમને ખૂનીનું નામ કહી દે તે જ સાચો મિત્ર.

૨૫) પાર્ટીમાં જવું હોય ત્યારે ખુબ જ જરૂરી એવા ‘ડિયો’ કોઈ તમને આપે અને કહે ‘જા... જી લે અપની જિંદગી’ તો તે જ સાચો મિત્ર.

૨૬) “કાલે જ તને પૈસા આપી દઈશ. ખાલી બે જ કલાક માટે જોઈએ છે” કહી પૈસા લઇ લગભગ મહિના સુધી નજરે ન પડે તે જ સાચો મિત્ર.

૨૭) બીજાના અસાઈન્મેન્ટ લખવાના ૧૫૦૦ લેતો હોય અને તમારા ૧૪૮૦ કહે તે જ સાચો મિત્ર.

૨૮) સમોસા ખાતા-ખાતા એકાદ LIC નો વીમો પકડાવી દે તે જ સાચો મિત્ર. (સમોસાના પૈસા પણ પાછા તમારે આપવાના!!)

૨૯) ખિસ્સામાં ચાર માવા પડ્યા હોય છતાં, કોઈ માંગે ત્યારે એક માવામાંથી ચાર ભાગ કરે તે જ સાચો મિત્ર.

૩૦) લાઈબ્રેરીમાં વાંચતો હોય અને તમારા ખુશીના સમાચાર સાંભળી ઉભો થઇ “ શું મગજની xxxx છે?” ની બુમ પાડે તે જ સાચો મિત્ર.

૩૧) ઝઘડો થાય અને જરૂર પડે ત્યારે જ ‘ભાઈ...આજે તો બહાર જ નહિ નીકળાય. બાપા ઘરે છે” નું જુઠ્ઠાણું બકે તે જ સાચો મિત્ર.

૩૨) તમને બેલ્ટ ન થતો હોય ત્યારે ગમે ત્યાંથી ચાકુ લાવીને બેલ્ટમાં કાણું પાડી, બેલ્ટની હાલત ખરાબ કરીને પણ તમને ઈન્ટરવ્યું માટે મોકલે તે જ સાચો મિત્ર.

૩૩) ક્રિકેટમાં ખરાબ શોટ મારીને આઉટ થયા હોય છતાં, તમારી ગર્લફ્રેન્ડને “એનો અટેમ્પટ સારો હતો...” કહી તમારી ઉંચી રાખે તે જ સાચો મિત્ર.

૩૪) તેને ન ગમતા ગીતો પર તમારા માટે પીને નાચે તે જ સાચો મિત્ર.

૩૫) તમારા જન્મદિવસની રાતે જાણી જોઇને નવાનકોર ‘વુડલેન્ડ’ના બુટ ખરીદે તે જ સાચો મિત્ર.

૩૬) બાઈકમાં રસ્તામાં જ પેટ્રોલ થઇ રહ્યું હોય ત્યારે એક પગથી લાત મારી પેટ્રોલ પંપ સુધી પહોચાડે તે બાઈકવાળો જ સાચો મિત્ર.

૩૭) તમારી ગર્લફ્રેન્ડના જન્મદિવસ પર ન બોલાવ્યા હોય છતાં, સરપ્રાઈઝના બહાને ગીફ્ટ વગર ટપકી પડે તે જ સાચો મિત્ર.

૩૮) તમારા મોબાઈલની બેટરી ‘About to die’ હોય અને તમને કોઈ સામેંથી ચાર્જર આપે તો તેજ તમારો પરમકૃપાળુ મિત્ર.

૩૯) (જીયો આવ્યા પહેલા) બેલેન્સ પતી ગયું હોય ત્યારે તમને ફોન કરવા પકોડીવાળો પણ ફોન આપે તો તે જ સાચો મિત્ર.

૪૦) તમારા સડેલા જોક્સ પર તમારી ગર્લફ્રેન્ડ સામે પોતાની ઈજ્જ્તની પરવા કર્યા વગર હસવાની હિમ્મત કરે તે જ સાચો મિત્ર.

૪૧) કુદરતી હાજતે જવા તમારા કરતાં પણ વધારે પ્રેશર હોય છતાં, બે હાથ પાછળ દબાવી તમને પહેલ કરવા કહે તે જ સાચો મિત્ર.

૪૨) હોસ્ટેલના રેગીંગમાં જયારે કોઈ “એ એણે નહિ, મેં કર્યું છે” કહી તમારી લાલ થતી અટકાવે તો તે જ સાચો મિત્ર.

૪૩) ટ્રાફિક પોલીસે પકડ્યા હોય ત્યારે “બે તારા પપ્પા હોસ્પીટલમાં છે...” કહી તમને છોડાવી પોતે ઉભો રહે તે જ સાચો મિત્ર.

૪૪) પેપર લખતી વખતે તમારી પેન થઇ રહે ત્યારે, પોતાની આછી ચાલતી જ પેન તમને આપે તે સાચો મિત્ર.

૪૫) બાઈક ઠોકાય અને સામે છોકરી હોય ત્યારે તમારા બાઈક પાછળ બેઠેલો તરત જ “ભાઈ...તારેય થોડું તો ધ્યાન રાખવું હતું” કહી છોકરીની સ્કુટી ઉભી કરી આપે તે જ સાચો મિત્ર.

૪૬) તમારા “તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં” નો સમય થઇ ગયો હોય ત્યારે પોતાનું પીચર અડધું છોડે તે જ સાચો મિત્ર.

૪૭) ‘૩ ઇડીયટ’ જોઈ પ્રિન્સીપાલની કેબીનમાં ચોરી કરવા તમને પ્રેરી, પોતે જ પાછો ફરી જાય તે જ સાચો મિત્ર.

૪૮) તમે બહાર હોવ ત્યારે પોતાના ઘરેથી આવેલા થેપલા અને લાડુ અઠવાડિયા સુધી સંઘરી રાખે તે જ સાચો મિત્ર.

૪૯) ચાલુ મેચે અમ્પાયરની ટિપ્પણીને અવગણીને પણ તમારા પાસે મોબાઈલ લઇ આવી “ભાભી નો ફોન છે” કહી વાત કરાવે તે જ સાચો મિત્ર.

૫૦) લાઇફમાં એકદમ ઉદાસ થઈને બેઠા હોઈએ ત્યારે, ખભા પર હાથ મુકીને “આ સમય પણ જતો રહેશે” કહી હાથમાં સરસ પુસ્તક પકડાવે તે જ સાચો મિત્ર.

૫૧) દસ વર્ષ પછી, ટાલ પડી ગઈ હોવા છતાં, બાળકો અને પત્ની સાથે હોવા છતાં તમને જ્યારે કોઈ ગાળ દઈને બોલાવે તો સમજી લેજો કે તે જ સાચો મિત્ર.

---અન્ય પાલનપુરી