Lagnma jamti vakhate books and stories free download online pdf in Gujarati

લગ્નમાં જમતી વખતે...

લગ્નમાં જમતી વખતે...

હાલ શિયાળાની ઠંડી સાથે સાથે લગ્નની સીઝન પણ જામેલી છે. લગભગ દર બીજા કે ત્રીજા દિવસે લગ્નમાં જવાની કંકોત્રીઓનો થપ્પો ઘરે ભેગો થતો હોય છે. આમ તો દરેક લગ્નમાં જવું શક્ય નથી, પણ હા...જમણવારમાં જવાનુ આપણે ક્યારેય ચુકતા નથી. કારણકે આમેય ચાંલ્લો તો લખાવાનો જ છે!!! તો પછી ખાઈને જ કેમ ન લખાવીએ.

લગ્નમાં જમતી વખતે અમારા જેવા યુવાનોનાં ‘ગોઠવાઈ જવાની’ શક્યતાઓ વધુ રહેલી હોય છે. તેથી જમતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો અમે અહીં મૂકી રહ્યા છીએ.

***

સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે જમણવારમાં જતા તરત જ જમવા પર હાથ ન મારવો. ભલે ભૂખ ગમે તેટલી લાગી હોય, તો પણ પાંચ-દસ મિનીટ કોઈ ઓળખીતા કે અજાણ્યા સાથે વાતો કરવી. જો કોઈ ઓળખીતો ન હોય તો કોઈ વયસ્ક વ્યક્તિને “અંકલ...તમને ક્યાંક જોયા લાગે છે” કહી બે-પાંચ મિનીટ ખેંચી લેવી. જો સામેવાળો પણ તમારા જેવો જ હશે તો એક તીરે બે નિશાન!! આનું કારણ એટલું જ કે આજકાલ લગ્નમાં ‘ડ્રોન’ ફરતા થઇ ગયા છે, જે તમને આવતાની સાથે જ થાળી પર તરાપ મારતા ઝડપી શકે છે.

વાતોના વડા પુરા થયા બાદ સ્ટાટર તરીકે જે કાઈ પણ- મન્ચુરીયન, પીઝા, પકોડી, ઢોસા કે સૂપ રાખેલ હોય, તેમાંથી તમે ઘણા સમયથી ટેસ્ટ ન કરેલ હોય તેવી જ આઈટમ ખાવી. બધી આઈટમ પાછળ પડશો તો પછી તમે લીધેલી પ્લેટ વરરાજાના બાપાને ભારી પડશે!!( જો પર પ્લેટ કોન્ટ્રાકટ આપેલો હોય તો) અને હા...તમને ઉપરોક્ત આઈટમોમાંથી કોઈ આઈટમ ભાવી ગઈ હોય તો બીજી વાર લેવાની છૂટ છે. વધુમાં જો તમે તમારા મિત્રો સાથે ગયા હોવ તો ‘સમૂહ ભોજન’ની ભાવના દાખવી એકબીજાની પ્લેટમાંથી આઈટમો ટેસ્ટ કરી શકો છો.

સ્ટાટર પતાવી મેઈન કોર્સ પર જતા પહેલા બ્રેક ન લેવો, તે તમારી ભૂખ ઘટાડી શકે છે. (આમ તો ગુજરાતીઓ બ્રેક લેતા જ નથી. તો પણ કેહવું સારું!!) થાળી લીધા બાદ, ડીશનું મુહુર્ત કચુંબરથી થતું હોય છે. અને અમે નોધ્યું છે કે સલાડવાળા પતરાળામાં હંમેશા ચમચી નાની જ હોય છે. આ નાની ચમચી વડે સલાડ લેવો એ એક ધેર્યવાન વ્યક્તિની કસોટી સમાન છે. જો તમે હાથથી બથડા ભર્યા તો સાબિત થશે કે તમારામાં ધેર્ય ઓછું છે. (અને પત્ની સામે ધેર્ય ન રાખી શકે તેને માટે લગ્ન મોટી મુસીબત સમાન છે)

કચુંબર લીધા બાદ તમે મેઈન કોર્સની લાંબી લાઈનમાં જોડાવો અને જો આગળ તમારા ઓળખીતા કોઈ કાકા હોય તો “અરે કાકા...” કહી વચ્ચે ઘુસી જાઓ. પણ હા...વચ્ચે ઘુસ્યા પછી પાછળ જોતા જ નહિ, નહીતર તમારી પાછળ ઉભેલી ‘ખૂની આંખો’ તમને શરમમાં નાખશે!! લાઈનમાં આગળ વધતા, શરૂઆત મિષ્ટાનથી થશે. આજકાલ અંજીર રબડી, મૈસુર, મોહનથાળ, માવાની મીઠાઈ વગેરેનું ચલણ વધી રહ્યું છે. ઉપરોક્ત દર્શાવેલ આઈટમમાંથી જે એકાદ આઈટમ, જેનું નામ અને પ્રસંશા સાંભળેલ હોય તેવી જ આઈટમ લેવી. (બાકી નવી આઈટમ ખાઈ પેટ ખરાબ થાય તો અમને કહેતા નહિ). ત્યારબાદ આવે છે- ગોટા, ઢોકળા, પાપડ અને ચટણી. મહેરબાની કરીને ગોટાને તેની સાઈઝ જોઇને ‘જજ’ ન કરવા. તમારી આગળવાળો હાથમાં ડીસ રાખી જો ગોટા ચાખતો નજરે જોવા મળે તો તેના હાવભાવ જોયા પછી જ લેવાનો આગ્રહ રાખવો.

ત્યારબાદ ફિક્સ એવા બે જાતના શાક, પૂરી અને તેના પર્યાયમાં ઘરે રોજ ખાઈએ એ રોટલી. અને ખાલી વાટકીમાં છેલ્લે ભરાતી દાળ કે પછી કડી. અને હા...જો અંજીર રબડી કે બાસુંદી હોય તો બે વાટકી લેવાનું ક્યારેય ચુકતા નહિ, નહીતર છેક સુધી આજુબાજુવાળાઓને રાબડીના સટાકા મારતા જોઈ રેહવાનો વારો આવશે!! વળી, દાળ અને ભાત માટે કાઉન્ટર અલગ રાખેલું હોય તો “Resource management” ભણ્યા હોય કે નહી, એ સમયે દાળ અને ભાત ન લેવા. (દાળનાં સટાકા મારવા હોય તો જ લેવી, બાકી ઠંડી દાળ તમને ભાત સાથે નહિ ભાવે). સબ્જી લીધા પછી સૌથી વધુ અગત્યની બાબત જો કોઈ હોય તો તે, તમારી સબ્જીને ચટણીમાં ભળતી રોકવી!! જો ચટણીમાં પાણી વધુ પડતું હશે તો આપોઆપ પ્રેમના આકર્ષણનાં નિયમ પ્રમાણે તે શાક તરફ આકર્ષાશે. તેથી જ જમવાની શરૂઆત જેમ બને તેમ ચટણી પુરા કરવાના ઈરાદાથી કરવી.

જમણવારમાં બુફે રાખેલ હોય અને તમારી આજુબાજુવાળા લોકો નીચે બેસતા હોય તો પણ તમારે નીચે ન બેસવું, તમારે ઉભા-ઉભા જ જમવું. કારણકે આપણા લગ્ન હજુ બાકી છે. અને ઘણા બધાની નજર તમને શોધતી આમતેમ ફરતી હોઈ શકે છે. (જો તમારા લગ્ન નક્કી થઇ ગયા હોય તો તમે બિન્દાસ પલાઠી વાળીને રસ્તા વચ્ચે પણ બેસી શકો છો!!)

જેમ બને તેમ તમારી થાળીમાં ખૂટતી અથવા તમને ભાવી ગયેલી આઈટમ, આજુબાજુ ફરતા ઓળખીતા કે અજાણ્યા નાના ટાબરિયાઓ પાસે જ મંગાવવી. તેઓમાં આ ટેલેન્ટ હોય છે. વળી જો ન છૂટકે તમારે ઉભું થવું પડે અને લાઈનમાં વચ્ચે ઘૂસ મારવી હોય તો તમારી આંગળીઓ શાક કે દાળમાં ડબોળવી કે તેલવાળી કરી આગળવાળા કાકા કે કાકીનાં નવા કપડાઓને અડાડતા હોય એ રીતે “કાકા...બે જ મિનીટ. ખાલી અંજીર રોલ જ” કહી તેમના કપડા બગડવાના હોય તેવો ભય તેમના મનમાં પેદા થાય તે રીતે લેવું જોઈએ.

છેલ્લે દાળ-ભાત લેવા જતી વખતે, જો તમારી થાળીમાં કાઈ પણ ન ભાવતી વસ્તુ વધી હોય તો તેને તમારી ખાલી વાટકીમાં મૂકી શકો છો, કે જેથી તમે જેમ બને તેમ સારી દેખાતી થાલીનું પ્રદર્શન કરી શકો અને વધુમાં દાળ કે કડીને પ્રસરવામાં કોઈ અડચણ ન આવે!! લગ્ન બાકી હોય તેવા યુવાનોને જણાવવાનું કે દાળ-ભાતમાં દાળ વધારે આવી ગઈ હોય તો છેલ્લે થાળી મોઢે ન લગાવવી, એમ કરવાથી આજુબાજુ રોજ ઘરે આ રીતે દાળ પીતા લોકોની અંદરનો દેશી માણસ જાગી શકે છે અને તમારું ‘નેગેટીવ’ પ્રભુત્વ પ્રસરી શકે છે.

જમી લીધા પછી થાળી મુકવા જતી વખતે, પહેલા ન ભાવતી વસ્તુઓથી ભરેલી વાટકી સરકાવવી કે જેથી આજુબાજુ જોનારાઓથી કોઈ જ પ્રકારનું ‘રિસ્ક’ ન રહે. હાથ ધોતી વખતે વળી ક્યારે પણ આખુ મોઢું ન ધોવું. એમ કરવાથી પાણીનો વ્યય તો થાય જ છે પણ સાથે-સાથે સામેવાળાને, તમે ઘણા સમય પછી ધરાઈને ખાધું તેવો ખોટો મેસેજ જાય છે. એનાથી પણ અગત્યની વાત એ છે કે જમતી વખતે તમારા શર્ટ કે પેન્ટ પર દાળ કે શાકના છાંટા પડ્યા હોય તો મહેરબાની કરીને માત્રને માત્ર શર્ટ પરના ડાઘ જ રૂમાલ વડે સાફ કરવાનો પ્રયત્ન કરવો. પેન્ટ પરના ડાઘને હાલ પુરતી મચક ન આપવી.

જમ્યા પછી કુંવારા હોય તેવા યુવાનો અને લગ્ને-લગ્ને કુંવારા હોય તેવા આદમીઓને અમારી સલાહ કે કાકા, મામા, ફુવા, ભાઈના નાના ટાબરિયાઓને તેડીને વધારે ફરવું નહિ, આ તમારા કુંવારા હોવાની સાબિતી પર પ્રશ્નાર્થ ઉભો કરી શકે છે અને તમે આવ્યા ત્યારથી તમારા પાછળ છોડાયેલા એજન્ટો, તમારા રિપોર્ટ કાર્ડમાં “રિઝર્વ” લખી તમારા ઘરે બીજા જ દિવસે આવનારા “પ્રપોઝલ” પર પૂર્ણવિરામ મૂકી શકે છે.

તો ઉપરોક્ત અમે દર્શાવેલા ઉપાયો યુવાનો માટે ઉપયોગી થાય તેવી આશા અને તમારામાંથી કોઈનું પણ અમારા આ ઉપાયોના ઉપયોગથી ‘ગોઠવાઈ જાય’ તો અમને બક્ષીસ મોકલવાનું ભૂલતા નહિ!!

----અન્ય પાલનપુરી

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર (@anyapalanpuri) Available

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED