Bangadi Puran books and stories free download online pdf in Gujarati

બંગડી પુરાણ

બંગડી પુરાણ

બંગડીએ સ્ત્રીઓના ચળકાટ માટેનું એક અગત્યનું આભુષણ છે. જોકે અત્યારનાં સમયમાં બંગડીનાં પર્યાય તરીકે બ્રેસલેટ અને બીજા ઘણાં લટકણીયા આવી ગયા છે. પણ ગામડાની સ્ત્રી અને બીજી જુના સમયની સ્ત્રીઓને બંગડી વગર જરાય ન ચાલે. લગ્નમાં કે બીજા કોઈ ફંકશનમાં પણ ગયા હોઈએ ત્યારે કોઈ વસ્તુ બતાવવી હોય ત્યારે નજીક હોવા છતાં પણ બંગડી બતાવવાનાં ઉદેશ્યથી હાથ લાંબો કરી દે!! આજકાલ બંગડી પર ગીતો પણ બનવાં લાગ્યા છે અને કેસો પણ થવા લાગ્યા છે!! બંગડીઓના પ્રકાર વિષે લગ્ન થયેલાં પુરુષો તો જાણતા જ હશે.… કચકડાની બંગડી, કાચની બંગડી, મેટલની બંગડી, ઝરીવાળી બંગડી, ગ્લેઝવાળી બંગડી, પ્લેઈન બંગડી, પાટલા સાથેની બંગડી, ઘૂઘરીવાળી વિગેરે..

શહેરમાં આજકાલ બંગડીઓ વગર ચાલે જતું હોય છે, પણ ગામડામાં જો કોઈ વહુ બંગડી ન પહેરે તો સાસુ આખો દિવસ તેનો ઉધડો લઇ નાખે. સ્ત્રીઓને બંગડીઓ પ્રત્યે કેટલો લગાવ હોય છે તેનો એક અનુભવ મને થયેલો, જે અહી ખડકાવી દઉં છું.

***

ડીસા શહેર, સાંજના સાડા છ વાગ્યા હતાં. હું ઓફિસથી છુટી પાલનપુર માટેની બસની રાહ જોઈ ઉભો રહ્યો હતો. આજે ખબર નહિ કેમ, પણ બસો ખુબ જ ઓછી આવી રહી હતી. લગભગ વીસેક મિનિટ રાહ જોયા પછી મેં જીપમાં જવાનો નિર્ણય કર્યો. જીપ આમ તો ઠસોઠસ ભરાઈ ચુકી હતી. આગળની સીટમાં ડ્રાઈવર સાથે પાંચ, વચ્ચેની સીટ પર પાંચ અને પાછળની છેલ્લી સીટ પર બંને બાજુ ત્રણ-ત્રણ. અને ચોથા તરીકે હું સમાણો. મારી સામે એક ભાઈ અને બે બાઈ હતી, જેમાંથી એકે લાલ અને બીજીએ પીળી સાડી પહેરી હતી. લાલ સાડીવાળી બાઈ પાસે એક નાનો પાંચેક વર્ષનો છોકરો અને ત્રણેક વર્ષની છોકરી હતી. તેમની બંનેની ટિકિટ ન લેવી પડે એટલા માટે તેમને ઉભા રાખેલાં. જ્યારે મારી બાજુમાં એક મુછાળો, ધોતિયું પહેરેલા કાકા અને તેમની બાજુમાં તેમના રિસાયેલા પત્ની બેઠા હતાં.

અમે ડીસાના બગીચા વિસ્તારથી હવાઈ પીલ્લર પહોચ્યા હતા અને સામેની સીટ પર બેઠેલા ભાઈનો ફોન રણક્યો. તેણે મહામહેનતે થેલીમાંથી ફોન કાઢ્યો અને એજ સમયે “ખનક” નો અવાજ સંભળાયો. આટલો અવાજ સાંભળતાની સાથે જ બાજુમાં બેઠેલી બંને સ્ત્રીઓ RAW અને ISIનાં એજન્ટની માફક ટટ્ટાર થઇ, જોવા લાગી. જેમ કુતરાઓ સુગંધથી આજુબાજુની વસ્તુઓને પારખી લે છે તેજ રીતે સ્ત્રીઓ પણ અમુક વસ્તુઓને તેના અવાજથી પારખી લેતી હોય છે. બંને સ્ત્રીઓ દેશી હતી, તેઓ આજુબાજુનાં કોઈ ગામડામાં લગ્નમાં જઈ રહી હતી. તેઓની નજર બરાબર ખુલ્લી થયેલી થેલી પર પડી અને તેમની આંખો ચમકી.

બે મિનિટ વાત પતાવ્યાં પછી પેલા ભાઈએ ફોન પાછો થેલીમાં મુક્યો. તેની બાજુમાં બેઠેલી બાઈએ ખોળામાં બેસાડેલી નાની છોકરીને એડજસ્ટ કરી અને બોલી “ભઈ...શું અંદર બંગડીઓ શી?”

“હા...બંગડી હે. આપકો ચાહિહે ક્યા?” પેલો ભાઈ હિન્દી ભાષી હતો પણ વર્ષોથી અહીજ રહેતો હોય તેવું જણાયું.

જાડું-જાડું હિન્દી સમજી પેલી બાઈ બોલી “ઓવ...લેવી શ. પણ ભાવ શું?”

“સબકા અલગ- અલગ હે” પેલો ભાઈ બોલ્યો. પેલી બીજી પીળી સાડીવાળી બાઈ પણ થોડી ઊંચી થઇ અને બોલી “બતાવો તો ખરા....પહેલા” બંને બાઈઓએ એકબીજાને સ્મિત આપ્યું. હવે તેઓ સારી બહેનપણી થઇ ગઈ એમ જ સમજો!! પણ મારી બંને બાજુ બેઠેલાનાં મૈત્રીના કોઈ સમાચાર નહોતા. મારી બાજુવાળા મુછાળા કાકા કંઇક પૂછે એટલે કાકી તોછડાઈથી જવાબ ફેંકે. કાકાએ પૂછેલું “પેલા...રમલાનો પટ્ટો, પશી લીધો તો ક નહિ?”. કાકીએ મોઢું અવળું ફેરવ્યુ અને બોલ્યાં “ખબર નથ. તમોન ખબર. મન હું કરવા પુશીસ” હું વધારે આજુબાજુ જોઉં તો ખોટું સાંભળવુ પડે, એટલે મેં સામે ધ્યાન પરોવ્યું.

પેલા ભાઈએ તેના જાદુઈ પિટારામાંથી અલગ-અલગ પ્રકારની ઘણીબધી બંગડીઓ બતાવવાની ચાલુ કરી. બંને બાઈઓ બંગડીઓ જોઈ એકબીજાને પાસ કરતાં હતા, અને પેલાને ખબર ન પડે તે રીતે બંગડીઓ વિષે ધીમે-ધીમે વાતો કરતાં હતા. મને થયું કે થોડો એ બાજુ નમીને તેમની વાતો સાંભળું પણ એટલામાં જ બાજુના મુછાળાકાકાનો ભારેભરખમ પગ મારા પગ પર પટકાયો. મેં મોઢું બગાડીને તેમની સામે જોયું, પણ તેમની મૂછો એકદમ ઘટાદાર હોવાથી તેમના એક્સપ્રેશન હું તારી શક્યો નહિ.

“ભઈ....ઓનો શું ભાવ શ?” પીળી સાડીવાળી બાઈએ પૂછ્યું.

“દેઢસો....ચાર પીસકા...” પેલા ભાઈએ તેના હાથમાં તંબાકુ ઘસતાં-ઘસતાં કહ્યું. પેહલી પાંચ સેકંડ તો તેમને “દેઢસો એટલે કેટલા?” એ વિચારતાં લાગી.

“ઓહો...ઘણાં વધાર સી ભઈ” આખરે લાલ સાડીવાળી બાઈ બોલી.

“ઓસા કરો થોડા. તો લઇ લઈએ” પીળી સાડીવાળી બાઈએ કહ્યું. પેલા ભાઈએ તમ્બાકુની ફાકી મારી અને પૂછ્યું “કિતના પીસ લેના હૈ?” બંનેએ એકબીજા સામે જોયું. લાલ સાડીવાળી બાઈ બોલી “ઓવ...લેવી સ મારેય” અને બંનેએ પેલા ભાઈ સામે જોઈ આંગળીઓથી બે સેટ લેવાનો ઈશારો કર્યો.

“ઠીક હૈ..એક કા ૧૪૦ દે દેના” પેલો ભાઈ મહામહેનતે મોઢામાં તંબાકુ મમળાવતો બોલ્યો. બંને બાયુંની આંખોનાં ભમરા ઉંચે ચઢી ગયા. લાલ સાડીવાળીએ તેના છોકરાનાં હાથમાંથી બંગડી પાછી ખેંચી અને આપતા બોલી “એશી રૂપિયા રાખો...” પેલો ભાઈ થોડો ગુસ્સે થયો અને બોલવા ગયો, પણ બોલાણુ નહી એટલે માતા આવી હોય તેમ જોરથી માથું હલાવી ના પાડી.

“હારું...કોઈ વોધો નહિ. અમાર ગોમમો તો હાઈઠ-હાઈઠમાં આલ્વા આવિશી” લાલ સાડીવાળી બાઈએ પીળી સાડીવાળી બાઈ સામે જોઈ કહ્યું.

“હાસ્તો...અમારાય ગોમમો તો આવી જ શી ન?” પીળી સાડીવાળી બાઈએ કહ્યું અને આગળ જોયું. પેલા ભાઈએ ડોકું ધુણાવાનું ચાલુ રાખ્યું અને બધી બંગડીઓ પાછી મૂકી. પેલી બે જણીઓ ફરીથી કઈક ખુસુર-પુસુર કરવા લાગી. પેલા ભાઈએ તેના ઢેફા જેવા દેખાતા ફોનમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી સિવાયની કોઈક ભાષામાં ગીતો ચાલુ કર્યા. મને એમ કે હવે ખેલ પૂરો થયો એટલે મેં ખોળામાં બેઠેલી ઢબુડી તરફ જોયું. અને એજ સમયે તેને મારી તરફ નજર કરી. એકદમ ડીસાના પ્રખ્યાત બટાકા જેવી તે લાગતી હતી. મેં તેને સ્મિત આપ્યું, તે થોડી શરમાણી અને મારી સામે હસી અને મેં બહારની બાજુ ફટાફટ પસાર થતાં વ્રુક્ષો તરફ આંખ નાખી.

બે મિનિટ પછી પાછો મારા કાને અવાજ પડ્યો “ભઈ...સેલ્લા હો રૂપિયા આલિશ. બોલ?” પેલી લાલ સાડીવાળી બાઈનો આ અવાજ હતો. પેલા ભાઈએ થોડી જગ્યા બનાવી અને રોડ પર લાંબી પિચકારી તાણી. “લાસ્ટ બોલ રહા હું, એક સો તીસ સે એક રૂપિયા કામ નહિ લુંગા”

“તું તો જબરો સ ભઈ. અમે વીહ વધાર્યા અને તી દહ જ ઓસા કર્યા” પીળી સાડીવાળી બાઈ બોલી અને ફરી પાછી પેલા ભાઈની થેલીમાંથી બંગડી જોવા કાઢી. સાથે-સાથે લાલ સાડીવાળી બાઈએ પણ એક જોવા કાઢી. પેલી બટાકા જેવી છોકરીને એમ કે તે પણ એક જોડ લેશે, એટલે તેને પણ થેલામાં હાથ નાખ્યો. પણ પેલા ભાઈએ ઝીણવટપૂર્વક તેના હાથપર ટપલી મારી. તે મારી સામે તાકી અને ફરીથી હસવા લાગી. હું પણ સામે હસ્યો, પણ તે હસ્તી જ રહી. હું શરમાયો અને ઉપર તાક્યો.

“ભઈ...આલવી હોય તો આલ. પણ એક હો દહ થી વધાર નહિ આલુ” પીળી સાડીવાળી કંટાળીને બોલી. “હ...બરોબર.” લાલ સાડીવાળીએ સાથ આપ્યો.

“માર હું ખબર હ... મારી દેરોણી માટ લેવાની શ. હવ.. હું બળી લેવાની ભૂલી ગઈ. અને હાલ લગનમો જવાનું શ. હું કરૂ? અન આ ભઈ તો મોનતો જ નથ જો જો...” પીળી સાડીવાળીએ પોતાની વ્યથા વર્ણવી અને મારી સામે જોયું. હું નીચે તાક્યો, તો પેલી ઢબુડી હજુ મારી સામે હસતી હતી. મને હવે છેલ્લે કાઈ રસ્તો ન મળતા રસ્તા તરફ જોયું.

“લેના હે તો બોલો. ટાઈમપાસ મત કરો...” તેનાં જ મોબાઈલમાં વાગતા ગીતને ચીરતો જોરથી તે બોલ્યો. “ભઈ ટેમ તો અમારે પાસ બી નહિ હે. લેવી શ એટલ તો માથાકૂટ કરીએ શીએ” લાલ સાડીવાળીને જેટલું આવડતું હતું એટલું હિન્દી તે બોલી.

“ભઈ....હોભળ. બે સેટ લેવાના સી. એક હો દહ રાખ. તુંય ચમ નેના સોકરો ની જેમ હઠ પકડીને બેઠો શી...” લાલ સાડીવાળી કંટાળીને માથાપર હાથ ફેરવતી બોલી.

“બહેન...દેખો. નહિ હોગા. જલ્દી બોલો” પેલા ભાઈ થુંક ગળતા-ગળતા ટૂંકમાં બોલ્યો.

“હારૂ હેડ રેવા દે તો...ગોમ મો આવશે એટલ વાત. બીજું હું?” લાલ સાડીવાળીએ પીળી સાડીવાળી સામે જોઇને કહ્યું અને બંગડીઓ પાછી આપી.

“ક્યા આપ ભી? કભી નિકાલતી હો..ઓર કભી અંદર રખતી હો?” પેલો ભાઈ બરાડ્યો. તે સામે વાળા કાકા સામે જોઇને બોલ્યો “કિતની બાર દિખા ચુકા હું આપ દેખ રહે હો ના કાકા”

કાકાને ખબર પડી કે ન પડી અને બોલ્યા “તાણ તુય હું ભઈ દહ રૂપિયો માટ મંડ્યો શી? આલ દેન ઇયોન. પુણ્ય મળહે તનય. આલ દે હેડ. કલાકનો મંડ્યો શી...”

પેલો ભાઈ પાછો બોલ્યો “કાકા નહિ પરવડતા હૈ હમકો ઉતને મે...”

“હાતો...મત આલ્ય.ચુપચાપ બેહી રે હવ” કાકા થોડા ગરમ થઇ બોલ્યા.

“હોક જે કરવું હોય ઈ કરતા.તમાર હું કરવા ઇયોન વચી બોલવુ પડ” મારા બીજી બાજુ બેઠેલા કાકી સાંભળી બરાડ્યા.

“અલ્યા તો બીજુ હું કઉ. જોક તણ્યે જણ ચેવો ઝઘડી શી?” કાકા પ્રેમથી બોલ્યા.

“તમન ઘણો પ્રેમ આવશ બીજો માટ ન? બધી ખબર શ મન” કહીને કાકીએ માથા પરની સાડી મોઢાં પર જોરથી ખેંચી લીધી.

“અલ્યા ભઈ...તુય શું? ચો ની વાત ચો લઇ જોય શી તું? હે ભગ્વોન હું કરવું માર??” કાકા બોલ્યા અને મારી બાજુ તાક્યા. હું નિર્દોષ ભાવે તેમની સામે જોતો રહ્યો અને મનમાં બોલ્યો “મન કોય ના કેતા હો?” થોડીવાર પછી જીપમાં શાંતિ થઇ. રસાણા ગામ આવ્યું. આગળની સીટમાંથી ત્રણ જણ ઉતર્યા અને બે જણ ચઢ્યાં. ડ્રાઈવરે અજીબો-ગરીબ અવાજ સાથે જીપ ઉપાડી. ડીસાથી નીકળે દસેક મિનિટ થઇ હતી અને આ દસેક મિનિટમાં પહેલીવાર જીપમાં શાંતિ હતી.

“ભાઈ...ચંડીસરવાળા ભાડું આગળ આવવા દેજો” ડ્રાઈવરે આગળથી બુમ પાડી. પેલી બંને બહેનોને ચંડીસર જ ઉતારવાનું હતું, તેમને ભાડું આગળ મોકલાવ્યું. લાલ સાડીવાળીબાઈએ પાકીટ હાથમાં જ રાખ્યું હતું, મને થયું કે આ બંગડી પુરાણ ફરીથી ચાલુ થશે. પેલો છોકરો બિચારો ક્યારનોય ઉભો હતો, હવે તેના પગ મચક લેતા હતાં અને પેલી ઢબુડી તેની મમ્મીની સાડીથી રમી રહી હતી.

એકાદ મિનિટના પીનડ્રોપ સાઈલેન્સ પછી, પાછી પીળી સાડીવાળી બાઈ બોલી “ઓય...મારા વીરા. આલ દેન. એક હો દહ મો...આવુ હું કરશ? થોડો તો મોણસ થા. બીજીએ વાર દોઢ હો પુરા આલિશ..બસ?” હું એ બાજુ તાક્યો.

“ઠીક હૈ ચલો....એકસો તીસ દેદો” પેલા ભાઈએ મોબાઈલમાં ગીતો બંધ કર્યા અને બોલ્યો. હવે તેને પણ આપવાની ઇચ્છા થઇ હતી.

“જો તું પાસો....મારા વીરા આલ દે હેડ હવ” હવે લાલ સાડીવાળી બાઈ જોડાણી.

“બહેન...ઉતના કમ તો હમકો ભી નહિ પરવડતા..થોડા આપ ભી સમજો” પેલા ભાઈએ છેલ્લે કહ્યું.

“હારૂ..હેડ. લાય હવ. એક હો તીહ તો એક હો તીહ” પીળી સાડીવાળીએ લાલ સાડીવાળી સામે જોઇને કહ્યું.

“હારૂ મનય આલ દે હેડ. તું હમજતો જ નહી તો હુ કરવું” લાલ સાડીવાળી બાઈએ પાકીટમાંથી પૈસા કાઢ્યા અને કહ્યું. પેલા ભાઈએ બંનેને અલગ-અલગ રંગના સેટ હાથમાં પકડાવ્યા અને પૈસા લીધા.

“એ ભઈ...આવો બીજો કલર નહિ? મારય લાલ જ જોઈઅ શ” પીળી સાડીવાળી બાઈએ લાલ સાડીવાળી ની બંગડી સામે ઈશારો કરીને કહ્યું. પેલાએ થેલીમાં ડોકિયું કર્યું અને પછી ઉદાસ મોઢે કહ્યું “ નહિ હે...યે તો એક હી પીસ હૈ”

“ચમ? હવ હુ તો?” પીળી સાડીવાળી બાઈએ લાલ સાડીવાળી સામે જોઇને પૂછ્યું.

“મનય આજ કલર ગમ્યો” લાલ સાડીવાળી બાઈ હસતા મોઢે બોલી. પીળી સાડીવાળી બાઈનું મોઢું થોડું ચઢી ગયુ.

“અલ્યા...ભાઈ જો ન જો હોય તો..” પીળી સાડીવાળીબાઈએ તેને ફરીથી થોડા મોટા અવાજથી કહ્યું.

“તાર લેવાની શ? લેવી હોય તો લઇ લે?” મારા બાજુમાં બેઠેલા મુછાળા કાકા અચાનક જાગ્યા ને નીચા નમીને કાકી સામે જોતા બોલ્યાં.

“નથ લેવું માર કોય. તમ-તમાર જોડ રાખો બધું...” કાકી ફરી જોયા વગર જ બબડ્યાં.

“ચડોતરવાળા...તૈયાર રહેજો ભાઈ પાછળ....”ડ્રાઈવરે ફરી જાહેરાત કરી.

પીળી સાડીવાળી બહેન હવે થોડી ચિંતામાં આવી અને બોલી “અલ્યા...તારા પેલા ઉપરના પોટકામો હશે?” હવે એ ‘વીરા’ શબ્દથી તુકારા પર આવી ગઈ હતી.

“નહિ હે...વો તો પુરા અલગ માલ હૈ” પેલા ભાઈએ ઉદાસ મોઢે કહ્યું.

“હારૂ તો આ લઉં પણ ઓના હું એક હો વીહ જ આલિશ” પીળી સાડીવાળી બાઈએ ત્રાંસી નજરે બાજુમાં નજર કરી અને બોલી.

“નહિ...ઉતના નહિ ચલતા હૈ...” પેલો ભાઈ એક જ રાગ ગાયે જતો હતો.

“હારૂ તો માર નાતી લેવી. રેવા દે તું તાર. મન પૈસા પાસા આલ દે હેડ” તે આખરે કંટાળીને બોલી.

“અરે આપને દો લિયા ઇસી લિયે એક સો તીસ બોલા થા. એક કા તો એક સો ચાલીસ હી લગેગા” પેલા ભાઈએ પીળી સાડીવાળી બાઈને પૈસા પાછા આપતા લાલ સાડીવાળી બાઈને કહ્યું. પીળી સાડીવાળી બાઈ મનમાં મલકાઈ.

“અલ્યા જબરો સી તું. આવું ન કરાય. કોઈના નસીબમો ન હોય તો મુ હું કરું?” લાલ સાડીવાળી બાઈ પીળી સાડીવાળી બાઈ સામે આડી નજરે જોઇને બોલી.

“ઓ બુન...ઈમો નસીબની વાત ચો આઈ? અન મારા હોમુ જોઈન મત બોલ તું” પીળી સાડીવાળી બાઈ બોલી. પેલા બંને નાના ટાબરિયા બાજુવાળી બાઈ સામે જોઈ રહ્યા હતા. મારા બાજુવાળા કાકીના મોઢામાંથી અજીબ રીતે હસવાનો અવાજ મને સંભળાયો. હું આશ્ચર્યચકિત થયો. એક સ્ત્રીને તકલીફમાં જોઇને બીજી સ્ત્રી ખુશ પણ થઇ શકે!!!

“હાસ્તો...મારા નસીબ હારા હતા કી મન પેલા મળી જઈ...” લાલ સાડીવાળી બાઈ બોલ્યા. હવે જીપમાં બધા જ નુ ધ્યાન અહી હતું. જેમ મેચમાં નેક્સ્ટ બોલમાં શું થવાનું છે તેની એ બધાને ચિંતા હોય તેમ અહી પણ બધા “હવે શું થશે?”ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ડ્રાઈવરને પણ થતું હશે કે “સાલું આ ચંડીસર ક્યારે આવે?”

“એ ભઈ... હું તો એક હો તીહ જ આલિશ. હું કહી દઉ શું તને...” લાલ સાડીવાળી બાઈ બંગડીને છાતી સરસી ચાંપીને બોલી.

“રેહને દો. મુજે બેચના હી નહિ હે.આપ દોનો રહેને દો. અબ તો મેં ભી પરેશાન હો ગયા હું” પેલા ભાઈને ઘણા સમય પછી બોલવાનો મોકો મળ્યો હતો.

“હાર...મન કોઈ વોધો નથ. મારય નહિ લેવી જા. રાખ તારા પાહે. પેરાવ જે બિજોન તાણ” લાલ સાડીવાળી બાઈ બોલી અને બંગડીઓ થેલી પર પછાડી પાછી આપી. આ જોઈ પેલી ઢબુડીએ પણ થેલી પર હાથ પછાડ્યો અને તેને બંગડી નહોતી લેવા દીધી તેનો બદલો લીધો. પેલા ભાઈએ કંટાળીને પૈસા પાછા આપ્યા.

ગાડી ધીમી પડી. “લ્યો હેડો. ચંડીસર. ઉતારજો તમે બેય” પેલો ડ્રાઈવરે પાછળ આવી ધીમેથી કહ્યું.

“ઉતરૂ સુ...તું ચમ આટલું બધું બોલી શી. હવ તારી જીપમો આવવું જ નાથ. પેલા કાળુની જીપ બરોબર સ અમાર તો” પીળી સાડીવાળી ઉતરતા-ઉતરતા બોલી. ડ્રાઈવર પેલા કાકા અને મારે સામે જોઈ હસ્યો. તે બે બાઈઓ ઉતરી અને બીજી એક બાઈ ત્યાંથી બેઠી.

જીપ ધીમે-ધીમે આગળ વધી. પેલી બંને બાઈઓ હજુ પણ ત્યાં ઉભી-ઉભી લડે જતી હતી અને પેલી બટાકા જેવી ઢબૂડી મારા સામે જોઇને મલકાતી હતી. જીપમાં લગભગ બધાને હાશ થઇ.

અમે પાલનપુર પહોચવાના જ હતા અને પેલા ભાઈનો હાથ થેલી પર પડ્યો અને ફરીથી બંગડીઓનો અવાજ આવ્યો. બાજુમાં બેઠેલી બાઈ થોડી ઊંચી થઇ અને બોલી “ભાઈ...આમાં બંગડીઓ છે?”

પેલા ભાઈએ માથા પર હાથ પછાડ્યો અને બોલ્યો “હા હે પર એ બેચને કે લિયે નહિ હૈ...મેં મેરી બહેનો કે લિયે ઘર લે જા રહા હું”

આટલું સાંભળતા જ મારી બાજુવાળા કાકી ખડખડાટ હસવા લાગ્યા. કાકીને હસતા જોઈ કાકા પણ બરાબર મો ખોલીને હસ્યા. પહેલીવાર મેં તેમના એક્સપ્રેશન જોયા હતાં. હું તેમની સામે તાકી રહ્યો હતો. કાકાએ મારી આંખો સાથે આંખો પરોવી અને મારા ખભા પર હાથ ફટકારી બોલ્યા “મુઆ....હસ? તન તો ખબર જ સ આખી વાત....”

-- અન્ય પાલનપુરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED