Mohanno Masalo books and stories free download online pdf in Gujarati

મોહનનો મસાલો

મોહનનો મસાલો

“મસાલો એટલે અત્યારના યુવાન લોકો માટેનુ રેગ્યુલર લેવાતું ન્યુટ્રીશન” એમના માટે જીવનમાં દરેક વસ્તુ કરતા મસાલો સૌથી પહેલો. આ મસાલાનો ટ્રેન્ડ અત્યારે એટલો બધો વધી ગયો છે કે બજારમાં દર પાંચ માણસે એક માણસ તો તમને રોડનો કલર બદલાતો દેખાશે જ!! મસાલામાં એવુ તો શું હશે કે લોકો તેની પાછળ આટલા ગાંડા થઇ ગયા છે? “જો કે એતો ખાઈએ તો જ ખબર પડે” આવો જવાબ આગળનાં પ્રશ્નનો અમને વારંવાર મળી ચુક્યો છે. અને “જો જે લ્યા ખાતો હોય...એકવાર ચાલુ કરીશ તો મારી જેમ રોજની ટેવ પડી જશે” આવું પણ બાજુમાં જ કેહવાવાળો મળી જાય. એટલે અમે હજુ સુધી ટેસ્ટ સુધ્ધા નથી કર્યો, હા પણ મિત્રો માટે ચૂનાની પોટલી ઘણીવાર તોડી છે!!

મસાલામાં હોય છે શું? સોપારી, ચૂનો, તંબાકુ અને જો જેઠીમધ ભાવતુ હોય તો તે, આ મસાલાના મેઈન ઇન્ગ્રેડીયન્ટ. જો કે તો પણ અમુક લોકોને અમુકના હાથનો જ મસાલો ભાવે તેવું ઘણીવાર જોવા મળેલ છે. “ના લ્યા...મને તો કમલાનો મસાલો જોઇઅ” વળી આમાં પણ જો કોઈ દુકાનવાળો ભૂલથી પાંચેક સોપારીના દાણા વધારે આપે કે મસાલો મસળી આપે તો તે તેનો રોજનો ગ્રાહક બની જાય અને ચાર કિલોમીટર દુરથી પણ તેને ત્યાં જ મસાલો લેવા જાય. મસાલો લીધા પછી એક અગત્યની પ્રોસેસ બાકી રહે છે-મસળવાની. મસાલાને મસાલો બનાવવા માટે આ ખુબ જ અગત્યની બાબત છે. ચૂનાની પોટલી દાંતથી તોડી, તેમાંથી ચાર-પાંચ છાંટા રોડ પર છાંટી, જ્યાં સુધી એકધારી પિચકારી ન બને ત્યાં સુધી તેને વહેડાવી અને પછી જ મસાલામાં દાખલ થવા દેવામાં આવે છે. ત્યારબાદ હતી તેમ ચોટી બાંધી અને ચોટીથી પકડી બીજા હાથની હથેળી પર જ્યાં સુધી ‘લાય’ ના પોકારે ત્યાં સુધી ઘસવામાં આવે છે. મસળ્યા પછી ચોટી ખોલી થોડો ઉથલાવી જો બે જણ હોય તો અડધો-અડધો લેવાય અને જો એક જ હોય તો બાકીની વધેલો હતી તેમ ચોટી બાંધી ફરીથી ખાવાની પ્રથા પ્રખ્યાત છે.

મસાલો ખાધા બાદ તેને લોકો લગભગ દસથી પંદર મિનીટ સુધી માણતા હોય છે. અને જો આખો ખાધો હોય તો વધુમાં વધુ વીસ મિનિટ. આ અડધા કલાક દરમિયાન તેમને પણ ખબર નહિ હોય કે તેમને કેટલી દીવાલોના રંગ કથ્થાઈ કરી નાખ્યા!! જોકે એક સર્વે પ્રમાણે એક વ્યક્તિ એક મસાલા દરમિયાન દસથી બાર વખત થુંકતો હોય છે (સર્વે નો સોર્સ ન પૂછવો!!). પિચકારી મારવાની કળા પણ દરેકની અલગ-અલગ હોય છે. કોઈ તીણી પિચકારી છોડે કે જેથી નીચે માટી હોય તો ત્યાં રીતસરનો નાનો ગલ ખોડાઈ જાય (ગલ- લખોટી રમતા ત્યારે ખોદતા તે નાનો ખાડો) અને અમુકની પિચકારીથી તો મોઢામાં વધ્યું હોય તે પણ બહાર આવી જાય તેવી હોય છે.

મસાલો પતાવી દીધા બાદ જો તમે દુકાન પર હોવ તો બે પાઉચથી અને સોસાયટીમાં હોવ તો મિત્રનાં ઘરેથી કોગળા કરી મોં સાફ કરવાની રસમ છે, કારણકે ઘરે ભલે દાંત પરથી ખબર હોય તો પણ ઘરવાળીની સામે ખાવાની હિંમત લાવવી એ સોપારી ચાવવાથી ઘણું વધારે મુશ્કેલ છે. દાંતની વાત નીકળી છે તો કહી જ દઉં કે તેઓને મનમાં તો એવું જ હોય છે કે મસાલો ખાવાથી દાંત મજબુત થાય છે. બે દાંત વચ્ચે સોપારી ચાવવાથી બે દાંતને પુરતું જોર લગાડવું પડે છે અને જેથી પેઢાઓ વધુ અંદર જાય છે અને મજબુત બને છે. જોકે ઉપરોક્ત માન્યતા “મસાલા યુવા સંગઠન” ની ટેગલાઈન માની એક છે.

***

અહી આપણે “મોહનનો મસાલો” એટલે પ્રતિક ગાંધી દ્વારા અદભુત એક્ટિંગ કરી પ્રખ્યાત કરી દેવાયેલા “એક્ટ” ની વાત નથી કરતા, પરંતુ પાલનપુરની સિટીલાઈટમાં ખૂણામાં આવેલ નાના ગલ્લા પર બેસી લોકોના દાંતને “એક્ટિવ” બનાવતા મોહનની વાત કરી રહ્યા છીએ.

શરીરમાં એકદમ દુબળો પાતળો જાણે મસાલાઓએ જ તેને ખાધો હોય તેવો. દાંત પીળામાંથી કથ્થાઈ થવાના થોડા જ બાકી છે. તેરેનામના મરુન કલરવાળા વાળ સાથે બરાબર તૈયાર થઈને પલોઠીવાળી ગલ્લે બેસે. લગભગ અડધું પાલનપુર “મોહનનો જ મસાલો” ખાય. સવારે ઓફીસ જવાના સમયે તો ત્યાં મોટું ટોળું જોવા મળે. મોહને સવારે નવથી અગિયાર અને સાંજે છ થી આઠ માટે સ્પેશ્યલ બે છોકરાઓ પણ રાખેલા.

મોહનના લગ્ન પણ તેના મસાલાના કારણે જ થયેલ. એમાં બન્યું એવું હતું કે મોહનને જોવા આવેલા સસરા અને કાકા સસરા બેન્નેને મસાલાનો ચસ્કો. પાલનપુરમાં આવતાની સાથે જ તેઓએ કોઈને પૂછ્યું “અહી સારામાં સારો મસાલો ક્યા મળે?” અને મોહનના મસાલાના આશિકે મોહનના ગલ્લાનું સરનામું આપ્યું. તેઓ ત્યાં પહોચ્યા અને ટેસ્ટ માટે એક મસાલો મગાવ્યો. મોહન છેલ્લા બે દિવસથી છોકરી સાથે કઈરીતે વાત કરવી? શું ન કરવું? શીખવા માટે ઘરે જ રહેલ. બંનેને મસાલો ખુબજ ભાવ્યો અને એકીસાથે દસ પેક કરાવી ચાલી નીકળ્યા.

તેઓ મોહનના ઘરે પહોચ્યાં આગતા-સ્વાગતા સારી એવી થઇ. વાતો-વાતોમાં સૌથી અગત્યની વાત સસરાએ પુછી “ભાઈ...તમે કરો છો શું?”

મોહન થોડો ભોઠો પડ્યો અને નીચા અવાજે બોલ્યો “હાલ તો ગલ્લો ચલાવું છું. પરતું આગળ કાઈ અલગ મોટો ધંધો કરવાનું વિચારું છું”

સાથે આવેલા કાકા સસરા થોડા હેબતાઈને બોલ્યા “હે? ગલ્લો? શાનો? ક્યા?”

“મારે સિટીલાઈટમાં છે ગલ્લો...બસ ત્યાં જ બેસું છું” મોહનને લાગ્યું કે બસ હવે પત્તું કપાયું.

“સિટીલાઈટમાં? શું વાત કરો છો? કઈ બાજુ?” સસરાએ થોડા ઉત્સાહિત થઈને પૂછ્યું.

“પાછળની બાજુ. હનુમાનના મંદિરની બાજુમાં...”મોહન નીચું તાકીને બોલ્યો.

“અરે...પેલો મોહનનો મસાલો તમારો છે?” સસરા ઉત્સાહિત થઈને ઉભા થઇ ગયા, તેમણે તેમના ભાઈ સામે જોયું.

“હા...” મોહન હસતા-હસતા ઉભો થઈને બોલ્યો.

“શું વાત કરો છો? અરે ભલા માણસ પહેલા કહેવું હતું ને? આજે સવારે જ દસ મસાલા લીધા, બહુ સરસ છે. ભુલથી પૈસા પણ આપીને આવ્યા” સસરા બોલ્યા.

“કાઈ વાંધો નહિ...એતો એડજસ્ટ કરી લઈશું” મોહન ખુશ થઈને બોલ્યો.

“આહાહા...શું મસાલો છે તમારો. મસ્ત ટુકડા સોપારી. સફેદ અને પીળા એમ વેરાઈટીમાં ચૂનો...અને જેઠીમધ નાખો એટલે તો પત્યું...સાલો ટેસડો પડી જાય” કાકા સસરા મજા લેતા-લેતા બોલ્યા.

“અને બાજુમાં જ કચરા પેટી પાછી...સ્વચ્છતા પણ ખરી હો..” સસરાએ ઉમેર્યું.

મોહન ખુશીથી રેલમછેલ થઇ ગયો, તેના મમ્મી પપ્પા પણ ખુશ. આખરે મોહનનું પાક્કું થયું ખરા, અને એ પણ મસાલાના કારણે!! બધું ફાઈનલ કર્યા પછી મોહન જ્યારે સસરાને બહાર મુકવા ગયો ત્યારે સસરાએ ધીમેથી કહ્યું “જમાઈ...રોજ વીસેક આપણા ગામડે મોકલતા રેહજો” મોહને એના બીજા અઠવાડિયે છોકરી જોઈ, બંને એકબીજાને ગમ્યા અને કર્યા કંકુના. આજે મોહનના લગ્નને લગભગ બારેક વર્ષ થયા છે અને મોહન રોજના વીસની જગ્યાએ ચાલીસ જેટલા મસાલા પાર્સલ કરે છે, બોલો!!

મોહનના લગ્ન તો થયા...પણ લગ્ન પછી ઘર શોધવું મોહનને ઘણું ભારે પડ્યું. લગ્ન પહેલા એક રૂમ રસોડા વાળા ઘરમાં તેઓ ચાર જણ રહેતા હતા, પણ હવે ચાલે તેમ નહોતું. મોહને ઘણા બધા ઘર જોયા પણ ગમ્યા નહિ. તેના મસાલાનાં આશિકોએ પણ ઘણી ઓફરો આપી પણ તે પણ જામ્યું નહિ. ઘણી બધી જગ્યાએ “મસાલાવાળા ને ઘર નથી આપતા” એમ કહી પાછું આવવું પડ્યું.

આખરે મોહને પંચવટી સોસાયટીમાં ઘર ફાઈનલ કર્યું. તેને ત્યાં કોઈ જ ઓળખતું નહોતું. મોહને સામાન પેક કરાવ્યો અને બીજા જ દિવસે સવારે ત્યાં પહોચ્યાં, પણ ત્યાં જઈને જુએ તો આખી સોસાયટીની સ્ત્રીઓ “મોહન ગો બેક”, “મોહન...મસાલો બંધ કર”ના પોસ્ટરો લઇને ઉભી હતી. તેઓને ગઈકાલે જ ખબર પડી કે મોહન એક મસાલાનો ગલ્લો ચલાવે છે અને તેના મસાલા આખા પાલનપુરમાં ખવાય છે. તેમનાં પતિઓ પણ મોહનનાં અહી રહેવા આવવાથી મસાલા ખાતા થઇ જશે તેવા ભયથી તેઓએ વિરોધ પ્રદર્શન કરેલું. મોહન અને તેની પત્નીએ ઘણું સમજાવવાની કોશિશ જરી, પણ તેઓ ન જ માન્યા. આખરે મોહને તેના મસાલાના આશિકોની વાત માની...અને આશીકોની સોસાયટીમાં ઘર લીધું. જ્યાં તેને રોજ હોમ ડીલેવરી કરવી પડતી હતી!!

--અન્ય પાલનપુરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED