Tufanni savari books and stories free download online pdf in Gujarati

તુફાનની સવારી

તુફાનની સવારી

હું શિમલાના બરફમાં આળોટતો હતો, ધીમે-ધીમે મારા મોં પર બરફ વધુ છવાઈ રહ્યો હતો. મને શ્વાસ લેવામાં હવે તકલીફ પડી રહી હતી, અને અચાનક જ “ટ્રીંગ..ટ્રીંગ..” અવાજ મારા કાને પડ્યો. મારૂ ધ્યાન ભંગ થયું અને અવાજ બંધ ન થતા મારી આંખો ખુલી. મને મારા ઘરના છતની સિલિંગ દેખાઈ. મારૂ ફરીથી શિમલામાં મજા કરવાનું સ્વપ્ન તૂટી ગયું. હું ફોન તરફ લંબાયો. “papa Calling” મોબાઈલ સ્ક્રીન પર દેખાયું. મેં ફટાફટ ફોન ઉપાડ્યો.

“હલો...સંદીપ. હવે વાત સાંભળ. હોલના ટેબલ પર નીચે એક પીળા રંગની ફાઈલ પડી છે જો...” મારા પપ્પા હું જાગું છું કે ઊંઘું છું એ જાણ્યા વગર નોન-સ્ટોપ બોલે જતા હતા. હું હજુ શિમલાના સફેદ બરફમાં હતો અને વચ્ચે પીળી ફાઈલ આવી ગઈ. હું મોઢું બગાડી હોલમાં ગયો.

“હા...છે” મેં એવા જ મોઢે જવાબ આપ્યો.

પપ્પાએ સામે હાશકારો અનુભવ્યો અને બોલ્યા “થેંક ગોડ. મને થયું કે મેં બેગમાં મૂકી હતી અને ક્યાંક ભૂલી આવ્યો છું” મેં સાંભળ્યું અને ફોન મુકવા જ જતો હતો અને ફરી તેઓ બોલ્યા “હવે એક કામ કર, ફટાફટ તે ફાઈલ લઈને ડીસા આવીજા. ખુબ જ અરજન્ટ છે”

આટલું સાંભળતા જ મારા પર શિમલામાં પડતા “કરા”ની જેમ “પથ્થર” પડ્યા. હું ધીમેથી પથ્થર નીચેથી ઉભો થઈને બોલ્યો “પપ્પા...હું હજુ હમણા જ ઉઠ્યો છું”. એમતો કહેવાય જ નહિ કે હું હજુ સુધી ઊંઘ્યો હતો અને તમારા ફોનનાં અવાજથી જ ઉઠ્યો. એનું કારણ એ છે કે અમારા ઘરમાં સવારે વહેલા ઉઠવાની ટેવ. મારા મમ્મી અને પપ્પા બંને સવારે છ વાગે ઉઠવાવાળા. જ્યારે-જ્યારે પપ્પાને વહેલા સવારે ક્યાંક બહાર જવાનું થાય ત્યારે જ મને મોડા સુધી ઊંઘવા મળતું.

“અરે એ ગમે તે હોય..આ અરજન્ટ છે. ફટાફટ હાથ-પગ ધોઈને અડધા કલાકમાં અહી મામલતદારની કચેરીએ પહોંચ” કહી તેઓએ ફોન કટ કરી નાખ્યો. ફોન કટ કર્યો એનો એક જ મતલબ થાય કે ભાઈ તારે આવવાનું જ છે. ક્યાં શિમલાના બરફમાં આળોટવાની વાત અને ક્યાં હાથ-પગ ધોવાની વાત!! શિમલામાં જ નાહી લીધું છે એવું મનોમન વિચારી મેં હાથપગ ધોયા અને ચા પીધી.

અમારૂ બાઈક પપ્પા લઇ ગયા હોવાથી, હવે મારે બીજાનું સાધન માંગવાનું હતું. મેં ચાર-પાંચ મિત્રોને ફોન કર્યા પણ કોઈ હાજર નહોતું. છેલ્લે હાઈવે પર જઈને બસ કે જીપ લેવાનું નક્કી કર્યું. ત્યાં પહોચતા-પહોચતા તો ચાર ફોન આવી ગયા “અરે ભઈ...જલ્દી કર. મહારાજાની જેમ નહિ મહારાજ સેન્ડવિચની હોમ ડીલીવરી સર્વિસની જેમ ફાસ્ટ થા”. હું બસની રાહ જોઈ ઉભો હતો, ત્યાં જ ફરીથી ફોન રણક્યો “તુ યાર બસની રાહ ના જોઇશ. હાલ ઉતાવળ છે. તું જીપમાં જ આવીજા અને પાછી જે ભરાતી હોય તેમાં બેસજે” તેમના અવાજમાં ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું હતું. મેં આખરે બસની આશા છોડી અને જીપો તરફ ચાલ્યો.

દરેક જીપમાં આગળની સીટ પર ડ્રાઈવર સિવાય ચાર, વચ્ચે પાંચ અને પાછળ છ એમ બકરાની જેમ લોકોને ભરવામાં આવતા હતા. એ જ સમયે બાજુમાંથી મરઘી ભરેલી એક જીપ પસાર થઇ, મને બંને જીપ વચ્ચે કાઈ ઝાઝો ફરક જણાયો નહિ.

આગળ “ડીસા...ડીસા. બોલો ડીસા...”ની બુમો પડતી હતી. હું તે તરફ ચાલ્યો.

“ક્યા?ડીસા?” બુમો પાડતા ઉધમી વ્યક્તિએ મને પૂછ્યું. તેનું મોં બરાબર ખુલતું નહોતું, સો ટકા મોઢામાં માવો હશે. હાથમાં એટલા બધા દોરા બાંધેલા કે લગભગ બધા જ ભગવાન આવી ગયા હશે!! વાળ જાન મુવીના અજય દેવગન જેવા અને ચહેરો શક્તિ કપૂર જેવો.

“હા....પણ જગ્યા ક્યાં છે?” મેં જીપની અંદર ડોકિયું કરતાં કહ્યું.

“અરે બોસ...હજુ ત્રણ લોકોની જગ્યા ખાલી છે” અને મને તે ડ્રાઈવર સીટ આગળ લઇ ગયો. અને સિંહાસન પર બેસાડતા હોય તેવી રીત હાથ કરી ઈશારો કર્યો.

“અહી ક્યાં? આતો ઓલરેડી ત્રણ છે” મેં મોઢું બગાડીને કહ્યું. તેણે માથું ધુણાવ્યું, સાથે સાથે તેના વાળે પણ મચક લીધી. આખરે તેણે પિચકારી મારી અને બોલ્યો “સાહેબ..આ પાંચની સીટ છે. ત્રણ ને એક તમે ચાર અને હું પાંચમો. તમે બેસો...”તે હસ્યો અને બોલ્યો.

“અરે યાર...ના ફાવે અહી તો” મેં કહ્યું અને જીપથી થોડો દુર ખસ્યો. તેણે પોતાની સીટ પર પડેલી ગાદી ખસેડી અને બોલ્યો “સાહેબ..તમને મહારાજની જેમ લઇ જઈશ. તમે ચિંતા ન કરો” મેં આજુબાજુ નજર કરી, પણ બીજી બધી જીપો બહુ ખાલી હતી. મારે મોડું થતું હતું એટલે હું મન મારીને બેઠો. એણે મને પોતાની બાજુમાં બેસાડ્યો હતો. એ હજુ “ડીસા...એ ડીસા..”ની બુમો પાડે જતો હતો. ફરીથી બે બકરા તે લઈને આવ્યો અને પાછળ બેસાડ્યા.

“ચાલો...થોડાક અંદર થઇ જાઓ. હું આવી જાઉં” હું થોડો હલ્યો. તે ગોઠવાયો.

“એક કામ કરો...તમારો એક પગ ગીયરની પેલી બાજુ કરી દો અને એક આ બાજુ...એટલે તમને પણ ફાવે..”તેણે કહ્યું અને ગાડીના બે કાચ સેટ કર્યા. જરૂર હોય ત્યારે ગધેડાને પણ બાપ કહેવા પડે, એટલે મેં મોઢું બગાડી એક પગ ગીયરની બીજી બાજુ મુક્યો. ડ્રાઈવર માટેની જગ્યામાં વધારો થયો હોવા છતાં,તે પોતાનું અડધું પડખું બહારની બાજુ રાખીને બેઠો હતો. તેણે ગાડી ચાલુ કરી અને જેવો પહેલો ગીયર બદલ્યો અને મારા બાર વાગી ગયા!! મને અપાર વેદના થઇ. તેણે સોરી વાળું મોઢું બનાવી કહ્યું “થોડાક...પાછળ થઇ જાઓ. તમને ફાવશે” અને તેણે ક્લચ છોડી ગાડી ચાલતી કરી. ગાડીના આગળના કાચ પર પાંચેક ભગવાનના ફોટા હતા, ચૂંદડી હતી અને બાજુના લોક તૂટેલા ડ્રોવરમાંથી બે-ચાર તમાકુની પડીકીઓ ડોકિયા કરતી હતી.

ધીમે-ધીમે ગાડીની સ્પીડ વધવા લાગી. હું હવે ગીયર બદલાવાની પ્રકીયાથી વાકેફ થઇ ચુક્યો હતો અને દરેક ગીયરે હું થોડો ઘણો હલીને શાંત થઇ જતો. ઝડપ પકડતા જ તેણે ટેપ ચાલુ કર્યું. એમના સમયના એટલે કે ૯૦ના દસકનાં ગીતો હતા. અને પહેલું જ ગીત વાગ્યું “જીતા થા જિસકે લીયે...જિસકે લીયે મરતા થા...” શક્તિ કપૂરે ગીતના શબ્દો સાથે માથું ધુણાવવાનું ચાલુ કર્યું.

સમય જેમ-તેમ પસાર થતો હતો. મારા બાજુમાં બેઠેલા કાકાના ખોળામાંના છોકરાએ રોવાનું ચાલુ કર્યું. કાકા શાંતિથી ઊંઘતા જ હતા. મેં કાકાને જગાડ્યા અને કહ્યું “કાકા...આ રોવે છે...એને શાંત કરો” તેઓ જાગ્યા અને પોતાનો અંગુઠો તેના મોઢામાં મુક્યો, છોકરો શાંત થઇ ગયો. આ જોઇને હું ડઘાઈ ગયો. હું તેને પૂછવા જ જતો હતો અને અચાનક જ ગાડીનો આગળનો કાચ હલવા લાગ્યો. ગાડીની ઝડપ વધી અને કાચ હજુ ઝડપથી હલવા લાગ્યો, મને એમ કે હમણાં જ કાચ પડી જશે. તે તેના મૂળથી જ છૂટો હતો. માત્રને માત્ર ઉપરની બાજુએ તે ચોંટેલો હતો. મને ગભરાયેલો જોઈ, બાજુવાળા કાકા બોલ્યા “પહેલીવાર બેઠા છો લાગે? ટેન્શન ના લો.તમે ડીસા તો પહોચી જ જશો” અને તેણે પોતાની ગરદન પાછી સીટ પર ટકાવી અને આંખો બંધ કરી. તેનો અંગુઠો હજુ નાના બાળકના મોંમાં જ હતો. આગળનો કાચ ઉંચો-નીચો થઈને પછડાતો જ હતો અને અચાનક તેણે બ્રેક મારી. હું ફરીથી ગીયર સાથે અથડાયો અને મારી આંખો બહાર આવી ગઈ. મેં બે-ચાર ગાળો મનમાં બોલી. ડ્રાઈવર મારી સામે જોયા વગર નીચે ઉતર્યો અને બોલ્યો “બાપુ...આ બ્રેક પર પગ રાખોને..હું હમણાં જ આવું” મેં બે સેકંડ વિચાર્યું, પણ કોઈ રસ્તો ન દેખાતા દર્દ સાથે બ્રેક પર પગ મુક્યો. એ સમયે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. ભાડું ગણતા-ગણતા તે આગળ આવ્યો અને બોલ્યો “બસ... હવે છોડી દો” અને હું મારી મૂળ સ્થિતિમાં પાછો ફર્યો.

ડીસા પાલનપુરથી ત્રીસેક કિલોમીટર થતું હતું અને વચ્ચે દસ-બાર જેટલા નાના ગામડા આવતા હશે. દરેક ગામડે જીપ ઉભી રહે અને પેસેન્જર ઉતરે અને ચઢે, વળી દર વખતે મારે ગીયર ખાવાનો...અને ખાવાનો પણ કેવી જગ્યાએ!! પાંચેક ગામડા વીત્યા પછી આગળની સીટ પરથી એક ભાઈ ઉતર્યા.

“હાશ...:મેં લાંબો શ્વાસ લીધો.

શક્તિ કપૂર મારી સામે જોઈ રહ્યો અને બોલ્યો “શું યાર...બહુ ઢીલા છો તમે તો”

“અરે ઢીલો તમે કરી નાખ્યો. આવી રીતે કોઈ બેસાડતું હશે?” હું થોડા ગુસ્સા સાથે મારી પેન્ટ એડજસ્ટ કરતો બોલ્યો.

“અરે આતો કાઈ નથી!! કોઈક-કોઈક વાર તો મારે આગળ મારા સિવાય બીજા પાંચ લોકો બેસાડવા પડે છે, હવે તમે વિચાર કરો? તે લોકો કેવી રીતે એડજસ્ટ થતા હશે?” તેણે કાચમાં, પાછળ આવતા સાધન જોતા કહ્યું. હવે આ મારી કલ્પના બહારની વસ્તુ હતી. “વળી એવા લોકો પણ આમને મળી રહેતા હશે?” એ વિચારે મારૂ મન ગજવ્યું હતું.

હું મારા મનને સાંત્વના આપી ડીસા પહોંચવાની રાહ જોઈ રહ્યો હતો અને ત્યાં જ એક પેસેન્જર આવ્યો.

“આવ ભાઈ.... આગળ આવી જા.” ડ્રાઈવરે મારી સામે હસતા-હસતા કહ્યું. ફૂટ્યા મારા નસીબ!! એક તો માંડ પાંચ મિનિટ શાંતિ હતી અને હવે ફરી પાછી ગુંચ. હવે તો મારા કુલા પણ ગાડીની કઠણ સીટ પર અથડાઈને દુખવા લાગ્યા હતાં. મને થયું કે સારૂ મેં આજે જીન્સ નથી પહેર્યું નહીતર મારી હાલત ઓર ખરાબ હોત.

“ઓ ભાઈ...હવે મહેરબાની કરીને ક્યાંય ઉભી ના રાખતા...તમે ડાયરેક્ટ ડીસા કહીને બધાને બેસાડ્યા છે અને દરેક સ્ટેશને ઉભા રહો છો..” પાછળથી મારા જેવા જ કોઈ પીડીતે ઠપકો આપ્યો. શક્તિ કપૂરે કાચમાં તેની સામે જોયું અને ડોકું હલાવ્યું.

ગાડીએ સારી એવી સ્પીડ પકડી હતી. મારા બાજુના કાકા પાછા સુઈ ગયા હતા. એમને જોઈ મેં પણ પાછળ ગરદન ટેકવી અને એટલામાં જ તેમના ટાબરિયાએ ચીસ પાડી. હું ઝબકયો, કાકા મોં બગાડીને ઉઠ્યા. “બહુ રોવે છે?” મેં ખાલી ટાઈમપાસ માટે હસતા-હસતા પ્રશ્ન કર્યો.

“નાનો છે ને...લો રાખો ને એને બે મિનિટ...” કાકા બોલતા જ હતા અને મને તેમના ઈરાદાની ગંધ આવી અને હું તરત જ ડ્રાઈવર સામે ફર્યો અને પૂછ્યું “તમારે કેટલા છોકરા છે?” પેલા કાકા તેને ઉંચે-નીચે કરી રમાડવા લાગ્યાં. ડ્રાઈવરે થોડી મૂંઝવણ સાથે મારી સામે જોયું અને પછી ડીવાઈડર પર લાંબી પિચકારી છોડી “જુનીથી ત્રણ અને નવીથી એક”

“હે?” મારા મોં માંથી આનાથી વધારે ઝડપી બીજો કોઈ શબ્દ નીકળી શકે તેમ નહોતો.

“અરે સોરી....” એ બોલ્યો. મેં શાંતિનો શ્વાસ લીધો.

“નવી થી બે જ ગણો ને? એક આવવાની તૈયારીમાં જ છે” તેણે ઉમેર્યું. હું સ્તબ્ધ થઇ ગયો. “હે ભગવાન” હું મનમાં જ બોલ્યો. હવે મને જેમ બને તેટલી જલ્દી ડીસા પહોચવું હતું.

“અને તમારી ઉંમર કેટલી છે?” મેં વાત આગળ વધારતા વાત કરી.

“એટલી બધી નથી...૫૧ જ થયા છે. હું થોડો ઘરડો લાગુ છું પણ છું નહિ...”તેણે માવો ગળામાં ઉતારતા કહ્યું. મને એક પછી એક આઘાત લાગી રહ્યા હતા. એટલામાં જ મારા માટે રાહતની એક એક આશા મને દેખાઈ. “ડીસા ૨ કિ.મી.” નું પાટિયું ડીવાઈડર બાજુ મેં જોયું. મારી ખુશીનો પાર ન રહ્યો. હવે આ ઝુલતા કાચ અને બોરિંગ ગીતોથી છુટકારો મળવાનો હતો.

“ડીસા...ચાલો ભાઈ ડીસાવાળા ભાડું આગળ આવવા દેજો...”શક્તિ કપૂરે જાહેરાત કરી. બધા થોડા ઘણાં આઘા પાછા થઇ પોતાના ખીસામાંથી પૈસા નીકળવા લાગ્યા. લગભગ પાંચેક મિનીટ પછી માત્ર અડધા લોકો જ આ કાર્યમાં સફળ થયાં. મને ખબર હતી કે મારાથી ખીસામાં હાથ નહિ નંખાય, છતાં ડ્રાઈવરને ખોટું ના લાગે એટલે મેં પણ નિષ્ફળ પ્રયત્ન કર્યો.

મને સંઘર્ષ કરતો જોઈ તે બોલ્યો “ફરીથી...અરે તમે તો બધામાં ઢીલા પડો છો...નીકાળો હેડો. મારા ઘરે નહિ લઇ જઉં તમને કાઈ?”

“અરે પણ...નીકળવા તો જોઈએ ને? કોઈ હિસાબે નીકળે તેમ નથી” મેં દમ લગાવી પ્રયત્ન કરતા કહ્યું. મારો હાથ હજુ ખીસામાં જ હતો, મેં વધુ અંદર જવા દેવાનો પ્રયત્ન કર્યો અને તે ફસાઈ ગયો, મેં લડત પડતી મૂકી અને બોલ્યો “ઉતરીને આપુ છું” તે હસ્યો.

પાંચેક મિનીટનાં લાંબા વનવાસ પછી આખરે ડીસા શહેર આવ્યું. લોકો ધીમે-ધીમે ઉતર્યા અને ઉતરીને સૌથી પહેલા પોતાની પેન્ટ નીચેથી ખીંચી રાહત મેળવતા મેં જોયા. હું છેક છેલ્લે ઉતર્યો. ઉતારી બરાબર આળસ મરડી અને થોડીવાર નીચે પગ પછાડ્યાં. પૈસા આપતા મેં તેને પપ્પાની કચેરીનું એડ્રેસ પૂછ્યું.

“આ રીક્ષા ત્યાં જ જાય છે. આમાં બેસી જાઓ” તેણે રીક્ષા સામે આંગળી કરી કહ્યું. રીક્ષાવાળો રીક્ષા લઇ મારી આગળ આવી ઉભો રહ્યો. રીક્ષાવાળો પોતાનું ડોક બહાર કાઢીને બોલ્યો “લો હેડો બોસ...આવી જાઓ,એક જ પેસેન્જર ખૂટે સે” હું સહેજ નીચો નમ્યો, તે ઓલરેડી પેક હતી. રીક્ષામાં નજર કરી અને ખોટા સ્મિત સાથે બોલ્યો “ભાઈ...આજના દિવસ માટે આટલું બહુ છે” અને મેં ધીમે-ધીમે ચાલવાનું શરૂ કર્યું.

----અન્ય પાલનપુરી

( હાસ્યના ‘ડેઈલી ડોઝ’ માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર @anyapalanpuri ને ફોલો કરો )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED