ના જાને કિસ રૂપમે…
સૌંદર્ય તો રાધિકાને વારસામાં મળ્યું હતું, બચપણથી જ બધાને પરાણે વ્હાલી લાગે !. બધાની લાડલી, ખાસ કરીને દાદીની. દાદીનો પૂરો દિવસ ઘરમાં જ એક નાનકડા મંદિરમાં બિરાજેલા શ્રીહરિની સેવાચાકરીમાં પસાર થતો અને રાધિકાનો દિવસ દાદીને પ્રભુની સેવાચાકરીમાં મદદ કરવામાં પૂરો થતો. રાધિકા દરરોજ રાતે દાદીને ફરમાઇશ કરતી “વાર્તા કરો” જવાબમાં દાદી શ્રીકૃષ્ણની બાળલીલાઓની કથા સંભળાવતા ત્યારે નાનકડી રાધિકા ખુશખુશાલ થઈ જતી. આમ રાધીકા બચપણથી જ મુરલીધરની બાળલીલાઓનું રસપાન કરતી. ઘરના મંદિરમાં સ્થાપિત મૂર્તિ તો કાળિયાઠાકોરની હતી પણ રાધિકાને તો દ્વારિકાધીશનું બાળરૂપ જ વધારે ગમતું. મુરલીધરના બાળરૂપના મખમલ અને મોતી જડેલા કપડા, મોરપિચ્છવાળું મુગટ, વાંસળી, કંદોરો, હાથના કડલા, પગની ઝાંઝર, કૃષ્ણ પાછળ જેમ વ્રજબાળાઓ ઘેલી થઇ હતી તેમ રાધિકા આ બધી વસ્તુઓ જોઇને ઘેલી બની જતી. રાધિકા કૃષ્ણ તરફ આકર્ષાઈ હતી અને જાણે-અજાણ્યે રાધિકાને શ્રીકૃષ્ણ સાથે સખ્યભાવ બંધાયો હતો.
રાધિકાના સૌંદર્યથી ખુશ થતાં યૌવને ચુપચાપ રાધિકાને આંગળી અડાડી દીધી ને રાધીકામાં યૌવનનો કાયાપ્રવેશ થયો. રાધિકાના જીવનની વસંત ખીલી ઉઠી. બેનમૂન સૌંદર્ય અને તાજું યૌવન જાણે ઝાકળમાં ખીલેલું સેવતીનું પુષ્પ, અને જ્યાં પુષ્પ હોય ત્યાં મધુકરના આંટાફેરા તો રહેવાના જ !. રાધિકાની આંખમાં વસી જવા અનેક યુવાનો તેની આસપાસ ઘૂમરાવા માંડ્યા. સ્કૂલે જતી-આવતી રાધિકાના એક્ટિવાની ઈંતેજારીમાં કેટલાય ટુ વ્હીલરો રસ્તા પર થંભી જતા. પણ રાધિકા આવા યુવકોની પ્રકૃતિ જાણતી હતી વળી તેણી તો કાનજી પર ઓળઘોળ હતી. રાધિકાને ઘણીવખત બચપણમાં દાદીએ લાડમાં કહેલી વાત “મારી રાધુનો કાન તો રૂપાળો હશે રૂપાળો !” યાદ આવી જતી. જો કે ત્યારે તો તેણી આ વાતનો અર્થ સમજતી નહિ, પણ હવે આ વાત તેના દિલમાં વસી ગઈ હતી.
રાધિકાને કૃષ્ણ પ્રત્યેનું વાત્સલ્ય તો અકબંધ હતું પણ હવે તેને કૃષ્ણના બાળરૂપ કરતાં મધુરાધિપતિ માધવનું સ્વરૂપ વધારે ગમતું તેને શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં રચેલ રાસલીલા બહુ ગમતી તેથી જ તો રાધિકા ગરબા, આધુનીક ડિસ્કો દાંડિયા અને નૃત્યમાં પારંગત હતી, તેના દિલમાં પોતાના રસિક રણછોડ સાથે રાસ રમવાની ઈચ્છા ઉલાળા મારતી પણ રાધિકાના મનમાં પોતાના પ્રિયતમની છબી સ્પષ્ટ હતી. રાધિકા તેની આસપાસ ઘૂમરાતા યુવાનો સામે એક નજર જોઈને તેને પોતાના કલ્પનાના માણીગર સાથે સરખાવતી, તે યુવકના મસ્તક પર મોરપિચ્છવાળા મુગટની કલ્પના કરી તેમાં માધવ સ્વરૂપ શોધતી. પોતાની ધારેલી છબી ન ઉપસતા રાધિકા એ યુવાન ઉપર ચોકડી મારી દેતી. આવા અનેક યુવાનો પર ચોકડી લાગી ગઈ હતી. જોકે કૃષ્ણઘેલી રાધિકાને કૃષ્ણની એક વાત જરાય ન ગમતી. ઘણીવાર એકાંતમાં તે મુરલીધર સાથે વાત કરતી “રાધા હતી છતાં તમે બીજી આઠ આઠ પટ્ટરાણી શા માટે બનાવી ? મારા માધવની તો હું એકમાત્ર રાધિકા હોઈશ અને તે માત્ર મારી સાથે જ રાસ રમશે” આટલું કહીને તે મનોમન હસી પડતી.
અને એક દિવસ રાધિકાની મનના માણીગર સાથે રાસ રમવાની ઈચ્છા પણ પૂરી થઇ, નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમતી રાધિકાની નજર એક યુવક પર ઠરી હતી, એ યુવકના રંગરૂપ, કપડાં પહેરવાની સ્ટાઇલ, આધુનિક ડિસ્કો દાંડિયાના વિવિધ સ્ટેપ્સ એ બધું રાધિકાની આંખોમાં વસી ગયું. રાધિકાએ મનોમન પેલા યુવકને મોરપિચ્છવાળું મુગટ પહેરાવી જોયું, આબેહૂબ છબી મળતી હતી. રાધિકાની નજર વારંવાર એ યુવક તરફ દોડી જતી હતી. સામે પેલા યુવકની નજર પણ રાધિકાની આસપાસ જ ફરતી હતી. પછી તો એ બંન્નેની નજર ટકરાઈ હતી અને તારામૈત્રક રચાયું હતું. એ રાતે રાધિકા મન મૂકીને રમી હતી એ યુવક સાથે, જાણે વૃંદાવનમાં એ પોતાના માધવ સાથે રાસલીલાનો જીવંત અનુભવ કરી રહી હોય.
-------------------------
શહેરથી બહાર જતા રસ્તા પર દોડી રહેલા મોહિતના બાઈક પાછળ રાધિકાનું એક્ટિવા દોરવાઇ રહ્યું હતું. નોરતાની એ રાતે બન્ને સાથે ગરબે ઘૂમ્યા હતા અને આ મોબાઈલ અને ઈન્ટરનેટના સમયમાં એકબીજાનો સંપર્ક કરવો ક્યાં મુશ્કેલ હતું ?, મોહિતે સામેથી જ સંપર્ક કર્યો હતો પછી તો મોબાઈલ મારફતે બન્ને વચ્ચે વાતચીતનો દોર ચાલુ થયો હતો અને આ દોર કોફીશોપમાં મુલાકાતો સુધી પહોંચ્યો હતો. એક દિવસ મોહિતે પોતાના જન્મદિવસે લોંગડ્રાઈવ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી, શરૂઆતમાં તો રાધિકાએ આ માંગણી ફગાવી દીધી હતી પણ મોહિતના અતિઆગ્રહને વશ થઇ “હું મારું એક્ટિવા લઈને આવીશ” કહીને એ માની હતી.
જો કે મોહિતના બાઈક પાછળ એક્ટિવા ચલાવતી રાધિકાના મનમાં તેજ ગતિએ મનોમંથન ચાલતું હતું, મોહિતની લોંગડ્રાઈવની માંગણી સ્વીકારવાનો પોતાનો નિર્ણય યોગ્ય તો છે ને ?, રાધિકાનું મન ના પાડતું હતું પણ દિલ મોહિત તરફ ખેંચાતું હતું, છેવટે તે દિલ સામે હારી ગઇ. મોહિતનું બાઈક શહેરની ગીચતાથી દૂર, મુખ્ય રસ્તાથી અલગ ફંટાયેલી અને પગપાળા બનેલી એક કેડી ઉપર થોડી વાર દોડીને એક મોટા વૃક્ષ નીચે ઉભું રહ્યું, રાધિકા આજુબાજુ નજર ફેરવતી પાછળ આવી રહી હતી, ખાડા ટેકરાવાળી આ જમીન પર આપમેળે ઉગી નીકળેલા વૃક્ષોની ભરમાર હતી, થોડે દૂર ખેતરો અને થોડા મકાનો નજરે આવતા હતા, કોઇ નજીકના ગામની સીમ હોય એવું લાગતું હતું. પક્ષીઓના અવાજ સિવાય બધું સૂમસામ હતું, પ્રેમીઓને મળવા માટે આ જગ્યા અનુકૂળ કહી શકાય પણ આટલી આસાનીથી આ જગ્યા મોહિતે શોધી કાઢી એ વાતનું આશ્ચર્ય રાધિકાને થયું, આવી જગ્યાએ આવવા બદલ રાધિકાના દિલમાં કોઈ અકથ્ય ભય વ્યાપી ગયો. બાઇક પાસે એક્ટિવા પાર્ક કરીને રાધિકા મોહિત તરફ આગળ વધી, તેની જીંદગીનો આવો પહેલો અનુભવ હતો, તેની ધડકનોની ગતિ વધી હતી અને ચહેરાની રેખાઓ સહેજ તંગ થઇ હતી. રાધિકા મોહિત પાસે આવીને નતમસ્તક ઉભી રહી, તેના ચહેરા પર શરમ હતી કે સંકોચ તે ખબર પડતી ન હતી પણ મોહિતના ચહેરા પરની અધીરાઈ સ્પષ્ટ નજરે પડતી હતી, તેણે પોતાના ડાબા હાથે રાધિકાનું કાંડુ પકડ્યું અને જમણા હાથે રાધિકાનું મસ્તક ઊંચું કર્યું, રાધિકાએ એક બે ક્ષણ આંખો ઉઠાવી ને પાછી તરત નીચે ઢાળી દીધી, મોહિતે પાછો પ્રયત્ન કર્યો, રાધિકાએ મોહિત સાથે આંખો મિલાવીને તેની આંખોનો ભાવ વાંચવાનો પ્રયત્ન કરવા લાગી. મોહિત પોતાનું મૂખ રાધિકાના અધર તરફ લઈ ગયો, “એવું કશું નથી કરવું” રાધિકાએ બે ડગલા દૂર ખસતા કહ્યું, રાધિકાનો હાથ હજુ મોહિતના હાથમાં હતો, તેણે રાધિકાને પાછી પોતાના તરફ ખેંચી, રાધિકા આગળ ખેંચાઈ આવી પણ બીજી જ ક્ષણે તે પાછી દૂર હટી ગઈ “મને આવું નથી ગમતું” રાધિકા બોલી ઉઠી. રાધિકાના આવા અનાદરથી વધારે ઉતાવળો બનેલો મોહિત બોલી ઉઠ્યો “આજે મારો બર્થડે છે.... અને આપણે અહીં શું લેવા આવ્યા છીએ ?” “કશું નહિ, બસ અમસ્તા જ વાતો કરવા” રાધિકાને જે સુઝ્યું તે કહી દીધું તેના મનમાં હવે ડર પેસવા લાગ્યો હતો. “વાતો જ કરવી હોત તો મોબાઈલ કે પેલી કોફીશોપ શું ખોટી હતી !” મોહિતે રાધિકાને સહેજ બળપૂર્વક પોતાના તરફ ખેંચતા કહ્યું, પણ રાધિકાએ પોતાનું તમામ જોર લગાડીને પગ જમીન સાથે જડી દીધા હતા. “મે એક વાર ના કહી એટલે ના, મને એ નથી ગમતું” રાધિકા રીસપૂર્વક બોલી ઉઠી અને પોતાનો હાથ આડોઅવળો કરીને મોહિતના હાથમાંથી છોડાવવા મથામણ કરવા લાગી. રાધિકાની આ હરકતથી મોહિત ઉશ્કેરાયો હતો અને તેણે પોતાના હાથની ભીંસ વધારી દીધી. અચાનક ભીંસ વધતા રાધીકાથી મોહિત સામે જોવાઈ ગયું, તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો, તે દાંત ભીસીને, આંખોમાં ગુસ્સા સાથે રાધિકા સામે જોઈ રહ્યો હતો. આ વ્યક્તિ પોતાના મનનો માણીગર નથી, રાધિકાને ખ્યાલ આવી ગયો, મારો મુરલીધર આવી હલકી હરકત ક્યારેય ન કરે, માણસ ઓળખવામાં પોતે થાપ ખાધી છે તેનો અહેસાસ રાધિકાને થયો પણ અત્યારે અફસોસ કરવાનો સમય ન હતો. પાણી વગર જેમ માછલી તડફડે તેમ રાધિકા અત્યારે મોહિતના ચુંગાલમાંથી છટકવા છટપટાતી હતી. રાધિકાએ આવી સ્થિતિની કલ્પના ક્યારેય કરી ન હતી, રાધિકા માટે ધર્મસંકટ ઉભું થતું હતું, અત્યારે આજુબાજુ મદદ માટે કોઈ નજરે આવતું ન હતું અને જો તે ચીસો પાડીને કોઈને મદદ માટે પોકારે અને જો કોઈ આવે તો વાત વધવાની શક્યતા રહે અને શક્ય છે કે આ વાત ઘર સુધી પહોંચે, અને જો તેમ ન કરે તો મોહિતની બર્બરતા સહન કરવી પડે. પોતાની આ નિસહાયતા પર રાધિકાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, તે આ પરિસ્થિતિથી દૂર ભાગી જવા વલખા મારવા લાગી, ચોમેરથી હારેલો માણસ આખરે ઇશ્વરની શરણે જાય છે તેમ રાધિકા પણ મનોમન મુરલીધરને આ સ્થિતિમાંથી ઉગારવા અરજ કરવા લાગી. એકાએક મોહિતે જોસથી રાધિકાને પોતાના તરફ ખેંચી, રાધિકાના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ.
મોહિતે બળપૂર્વક રાધિકાને પોતાના તરફ ખેંચી હતી, પણ તે કશું આગળ કરી શકે તે પહેલાં તો “એ..એ..એ ....ઉઉઊઊ....” એવાં જેવા વિચિત્ર અને મોટા અવાજે બંનેને ચોંકાવ્યા હતા. ક્ષણાર્ધમાં એ બંનેના ચહેરાઓ અવાજની દિશા તરફ ફર્યા હતા. થોડે અંતરે જ ન જાણે ક્યાંથી એક માનવ આકૃતિ પ્રગટ થઈ હતી, અસ્તવ્યસ્ત, લાંબા અને ધૂળથી ખરડાયેલા વાળ, ઝીણી અને ઊંડી ઊતરી ગયેલી આંખો, જડબાના હાડકા સાથે ચોંટી ગયેલા ગાલ, જંગલના ઘાસની જેમ ઉગી નીકળેલી દાઢી અને મૂછ, છેક છાતી સુધી પહોંચતી દાઢીમાં થૂંક અને બીજો નાનો કચરો ફસાયેલો પડ્યો હતો. તેનો શર્ટ ઉપરના બે બટન સહિત અનેક જગ્યાએ ફાટી ગયો હતો, શર્ટ એટલો મેલો હતો કે તે ક્યાં કલરનો છે તે ખબર પડતી ન હતી. ડાબા હાથમાં કશું તાજું લાગ્યાનું નિશાન દેખાતું હતું. મેલા સફેદ કલરના, ઘૂંટણથી સ્હેજ નીચા આવતા લેંઘામાં બ્લુ કલરના ઊભા પટ્ટા હતા અને તેની નાળી બહાર લટકતી હતી. પગમાં કોઈએ પહેરીને પૂરા કરી દીધેલા સ્લિપર હતા. કોઈપણ વ્યક્તિ માત્ર એક દીદારે જ કહી દે કે આ સુકલકડી અને બેઠા બાંધાનો માણસ પાગલ છે. આવો પાગલ જેવો માણસ ગુસ્સાથી આંખો પહોળી કરીને રાધિકા અને મોહિત સામે ઉભો હતો.
આ વ્યક્તિને જોઈને મોહિતને ધ્રાસકો પડ્યો હતો એના હાથમાંથી રાધિકાનો હાથ ક્યારે છૂટી ગયો તેનો ખ્યાલ પણ રહ્યો નહીં. પોતાના જમણા હાથથી ડાબી તરફ કશો ઇશારો કરતો, કશું અસ્પષ્ટ બોલતો એ વ્યક્તિ મોહિત તરફ આગળ વધ્યો, ડરી ગયેલા મોહિતે થોડી હિંમત કરીને પેલા માણસને પડકાર્યો “એ’ય ગાંડા, ચાલ ભાગ અહીંથી” પણ મોહિતની આ વાતની પેલા વ્યક્તિ પર રતીભાર પણ અસર ન થઇ તે મક્કમતાથી આગળ વધ્યો આવતો હતો. મોહિતે આમતેમ નજર ફેરવીને એક નાનો પથ્થર ઉપાડીને પેલા પાગલ તરફ ફેંક્યો, મોહિતે વિચાર્યું હતું કે પથ્થરના ડરથી તે દૂર ભાગી જશે પણ મોહિતની આ હરકતથી પેલો પાગલ વિફર્યો હતો અને તેણે ત્વરિત નીચે નમીને એક મોટો પથ્થર ઉપાડ્યો હતો, મોહિત નખશિખ ધ્રૂજી ઊઠ્યો, રાધિકા પહેલેથી જ વૃક્ષની આડશમાં ચાલી ગઈ હતી. મોહિત કશો બીજો વિચાર કરે તે પહેલા તો પેલા પાગલે પથ્થરનો છૂટ્ટો ઘા કર્યો હતો. આ બધું સેંકડોમાં બની ગયું, મોહિતની ડાબી આંખની ઉપર કપાળમાં લોહીની ધાર ફૂટી હતી અને મુખમાંથી ચીસ. ખૂબ જ રોષે ભરાયેલો પાગલ આકુળવ્યાકુળ થઈને બીજો પથ્થર શોધતો હતો, પરિસ્થિતિ પામી ગયેલો મોહિત પોતાનો એક હાથ કપાળ ઉપર રાખીને અને બીજા હાથની મુઠ્ઠી વાળીને પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો, ઘડીના છઠ્ઠા ભાગમાં તેણે પોતાનું બાઈક ચાલુ કરીને દોડાવ્યું હતું આ દરમ્યાન પેલા પાગલે તેની ઉપર પથ્થરનો બીજો ઘા કર્યો હતો પણ તે ચૂકી ગયો હતો. મોહિતને ભાગતો જોઈને પાગલ થોડો ઠંડો થયો અને પોતાના સ્થાન ઉપર ઉભો રહી ગયો, થોડી ક્ષણો પછી તેણે રાધિકા તરફ પોતાની નજર ફેરવી હતી..
રાધિકા વૃક્ષની આડશે ઊભી હતી, ક્ષણાર્ધમાં જ ઘટી ગયેલી ઘટનાઓના ચઢાવઉતારથી રાધિકા અવાક બની ગઈ હતી, જ્યારે પાગલે તેની સામે જોયું ત્યારે તે ભયથી ધ્રુજી ઉઠી, હવે શું થશે એ વિચાર માત્રથી તે ફફડી ઉઠી, રાધિકા અહીંથી દૂર નાશી જવા માંગતી હતી પણ તેના પગ જાણે લકવાગ્રસ્ત થયા હોય તેમ હલનચલન કરી શક્યા નહિ, નિસહાય રાધિકાનું મન અમંગળ આશંકાઓમાં ઘૂમવા લાગ્યું “હવે એ પાગલ મોટો પથ્થર લેશે અને....રાધિકાને પોતાનું મસ્તક લોહીલુહાણ નજર આવ્યું, કે પછી એ પણ મોહિતની જેમ....કલ્પના માત્રથી રાધિકાના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું, પણ રાધિકાના હૃદયમાં હજુ મોરલીવાળા ઉપર પૂરી શ્રદ્ધા હતી અને એ શ્રદ્ધાનું તેજ હોય કે બીજુ કંઈ પણ એ પાગલ રાધિકા તરફ એક નજર નાખીને દૂર ચાલવા માંડ્યો, રાધિકા તેને દૂર જતા જોઈ રહી તેના મનમાં નિરાંત થઇ, પણ બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિએ તેને મુસીબતમાંથી ઉગારી હતી, અનાયાસે રાધિકાનો હાથ ઉંચો થઇ ગયો, તે પેલા પાગલને બૂમ પાડવા માંગતી હતી પણ તેના ગળામાં ડૂમો બાઝી ગયો હતો. થોડી ક્ષણોમાં જ એ વ્યક્તિ અદ્રશ્ય થઈ ગયો.
ઘર તરફ ગતિ કરતા એક્ટિવા પર સવાર રાધિકા મનોમન વિચાર કરતી હતી “માણસ ઈશ્વરને કેવા સ્વરૂપમાં ઝંખે છે અને ઈશ્વર કેવા સ્વરૂપે પ્રગટ થાય છે !” કોઈએ સાચું જ કહ્યું છે ‘ ન જાને કિસ રૂપમે નારાયણ મિલ જાયે’.....અસ્તુ.
યાયાવર કલાર
9427411600