ભરતી અને ઓટ - 2 - 1 Yayavar kalar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભરતી અને ઓટ - 2 - 1

દમુમાં

(ભાગ-1)

દમુમાંએ આંખો ખોલી, પ્રયત્નપૂર્વક આજુબાજુ આંખો ફેરવી, સામે ધૂંધળી અજાણી છત હતી. દમુમાને ખ્યાલ આવી ગયો પોતે હજુ દવાખાનામાં જ છે. દમુમાને ભારેખમ થઈ ગયેલા માથામાં સણકાનો અહેસાસ થયો પણ દમુમાંને બીજી ઉપાધી હતી. દમુમાએ આંખો પર હાથ ફેરવીને ખાતરી કરી લીધી, ચશ્માં નથી પહેર્યા. પથારી પર બેઠા થવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળ્યાથી દમુમા સૂતા સૂતા જ હાથ વડે પથારીમાં અને બાજુના સ્ટૂલ પર હાથ ફંફોસીને ચશ્મા શોધવા લાગ્યા. સામેની પથારી પરના દર્દીના સગાનું ધ્યાન પડતા જ તે ઉતાવળે દમુમાં પાસે આવ્યો ‘શું ગોતો છો માજી ?’.

‘મારા ચશમાં ભાય’ દમુમાએ પથારી પર હાથ ફેરવતા કહ્યું.

‘આ રહ્યા’ પેલા પુરુષે સ્ટૂલના ખૂણે પડેલા દમુમાંના ચશ્માં ખોલીને દમુમાંને આપ્યા, દમુમાએ ચશ્માં પહેર્યા.

‘હં’, હવે બધું બરોબર દેખાતું હતું, દમુમાં પેલા પુરુષ સામે જોઈ રહ્યા, પોતાના નાનકા જેવડો જ લાગતો હતો.

‘કાનો તારું ભલું કરે દીકરા’ દમુમાએ ફરી બેઠા થવા પ્રયત્ન કર્યો, પેલા પુરુષે દમુમાને ટેકો આપ્યો.

‘ક્યાં રહો છો માજી ?, તમારી સાથે કોઈ નથી ?;’ પેલા પુરુષે પૂછ્યું.

‘હું એકલી જ દવા લેવા આઈ સું ભાય, આ હાથપગમાં હોજા ચળી જાય છે ને દિલમાં ગભરામણ, દાક્તરે રપોટ કરવાનું કીધું તે રપોટ કરવા જાતી’તી તંય માથું ફરવા માંડ્યું ને આંખ્યે અંધારું....’ પછી અચાનક કઈંક યાદ આવ્યું હોય તેમ પેલા પુરુષને દમુમાએ પૂછ્યું, ’હું આય કેમ આવી ? કુણ લાવ્યુ મને ?’’.

‘બારેક વાગે બે પટાવાળા ને એક નર્સ તમને અહી લાવ્યા હતા, તમે ભાનમાં નો’તા, પટાવાળાએ કહ્યું કે તમે દવાખાનાની લોબીમાં પડી ગયા હતા. ડોક્ટર તમને તપાસીને દવા લખી ગયા છે, બે ઈન્જેક્સન પણ આપ્યા હતા,’ પેલા પુરુષે માહિતી આપી.

દમુમાંના ચહેરા પર ચિંતા ફરી વળી, ‘મને બપોરે આય લાવ્યા’તા તો.....તો અત્યારે કેટલા વાઈગા ભાય ?’ દમુમાએ પેલા પુરુષને વ્યગ્રતાથી પૂછ્યું.

‘અત્યારે .....અત્યારે ત્રણ વાગ્યા છે માજી’ પેલા પુરુષે ઘડિયાળમાં જોઈને કહ્યું.

‘ત્રણ વાગ્યા છે’ સાંભળતા જ દમુમાં માથે જાણે વીજળી પડી હોય તેમ તેના મુખમાંથી લગભગ ચીસ નીકળી ગઈ ‘હે !, હે કાના, તણ વાગી ગ્યા !, તણ ....’ દમુમાંના કૃશ શરીરમાં જાણે શક્તિનો ધોધ છૂટ્યો હોય એમ દમુમાં પથારીમાથી ઉભા થઇ ગયા, સાવ એકલપંડે !

‘મારે ઘેર જવું સે, મારે ઘેર જવું પડસે...’ કહેતા દમુમાં ચાલવા માંડ્યા, પેલા પુરુષને ઘડીભર તો શું કરવું તેની કઈં ગતાગમ પડી નહિ, આટલી વારમાં તો દમુમાં ત્વરિત દસ ડગલા દૂર નીકળી ગયા. પેલા પુરુષે દમુમાં પાછળ દોટ મૂકીને દમુમાંનું બાવડું પકડી લીધું ‘માજી તમારી તબિયત...’ ‘મારી તબિયત ઠીક સે, મારે ઘેર જવું પડસે’ દમુમાં પોતાની જ ધૂનમાં હતા.

‘સારું, પણ નર્સને કહીને જાવ અને થોડી દવા લેતા જાવ’ અજાણ્યો માણસ આથી વિશેષ તો શું કરી શકે !. દમુમાં નર્સ પાસે પહોંચી ‘બેન હું જાવ સું’.

‘માજી, તમારે આરામની જરૂર છે, ડોક્ટરસાહેબ હમણાં આવશે, તેને બતાવીને જજો’ નર્સે દમુમાં સામે જોતા કહ્યું.

‘ના બેન, મારે ઘેર જવું સે, હું જાવ સું’ દમુમાંએ નિર્ણય જાહેર કરી દીધો.

‘પણ માજી તમારે ઘરે શું કામ છે ?, આવી હાલતમાં રસ્તામાં ક્યાંક પડી જશો તો .....’ નર્સ હજુ આગળ બોલવા જતી હતી પણ ત્યાં સુધીમાં તો દમુમાંએ ચાલવાનું ચાલુ કરી દીધું હતું, પેલો પુરુષ અને નર્સ બંને દમુમાને દરવાજામાંથી અદ્રશ્ય થતા જોઈ રહ્યા.

દમુમાંનું ગામ તો બહુ દૂર ન હતું ! ગામની જાણીતી સરકારી બસ પણ ટાણાસર મળી ગઈ, બસ ઝડપથી દોડી રહી હતી પણ એથી’ય વધારે ઝડપથી દોડતું હતું દમુમાંનું મન, ‘ભગત હવારના ઘેર એકલા જ સે, બપોરનું કઇં ખાધુંપીધું હઈશે કે....હવે તો ટેકા વના ખાટલાથી ઉભા’ય ક્યાં થાય’સ, દવા’ય ઘણી કરી પણ અવસ્થા જ ..... પાસી હાંજ થઇ, ભગત ચંત્યાં કરીને અરધા‘થ્યા હઈસે. દમુમાંનું મન ભગતની ચિંતાથી ઘેરાય ગયું. ‘હવારમાં જ ભગતને એકલા મેલીને દવાખાને જાવામાં મન માનતું નો’તું. એક તો ભગતની ચંત્યાં ને પાસુ શેરના મોટા દવાખાનામાં કઇં એકલીને ગતાગમ પડે નય. હવે તો આ મુઈ કાયા’ય જવાબ દે સે, સેલાં પંનર દા’ડાથી સાતીમાં ગભરામણ, મુઈ અવસ્થા એકલી આવે ને ભેળા લાખ દરદ લાવે !, હે કાના ! મારા વાલા, હંભાળજે’ દમુમાંના મુખમાંથી અસ્ફુટ શબ્દો સરી પડ્યા. દમુમાએ એક ઊંડો શ્વાસ લઈને બસમાં આમતેમ નજર દોડાવી પછી બારી બહાર જોવા લાગ્યા, ઝડપથી પસાર થતા દ્રશ્યો જોતા દમુમાં પાછા વિચારે ચડ્યા ‘ભગત અવસ્થાથી મજબૂર થ્યા બાકી કોઈ દા’ડો મને એકલી ન મેલે, આખી જંદગી ગઈ, ક્યાય ઉની આંચ આવવા નથ દીધી. હું તો દવાખાને જવાની નાં પાડતી’તી તોય મને ધરાર દવાખાને મોકલી, આજ હવારે જ મને કઈ દીધું ‘તું શેરના દવાખાનેથી હારી દવા લય લે, મારી ચંત્યાંમાં તારી કાયા હાવ લેવાય ગય સ, મારી કાયા હવે હાલતી નથ બાકી તારી ભેળો આવત, આળોસ-પાળોસમાંથી કોક ને લય જા, તને એકલીને એવળા મોટા દવાખાનામાં કઈ ખબર ન’ય પડે’. શાંતા ને કીધું હોત કે જીવીને કીધું હોત તો ભેળી આવવાની ના ન પાડત પણ એનાંય બચારીયુંના કામ ધંધા બગળે. પાળોસી તો બધાય હારા છે, ટાણે-કટાણે જયારે અવાજ દ્યો એટલે હાજર થય જાય. બાકી આ ઉમરે એકલા ડોહાડોહીનું જીવવું ઝેર થય જાય. બધાય હારા સે, દીકરા ને વવઓ કરતા તો હારા જ, બાકી તણ તણ દીકરા હોય તો’ય આમ ઝૂરી ઝૂરીને સેલ્લા દા’ડા કાઢવાના ! તણ તણ દીકરાવવઑને એક દી નો’ય ટેમ નથ, નાનકો વળી મયને એક બે આંટો મારી જાય બાકી બેઉ મોટા હારુ તો અમ જાણે મૂઆં જ. તણેય દીકરાએ ધંધા-રોજગાર હારુ ગામ મેઈલું ને વવઓને આ બીમાર ડોહાડોહીને હારે રાખવા ગમે નય. વવઑ મોઢે તો નાં કે પણ હાવભાવથી ખબર પળી જાય બેન, અભણ સીએ તો શું આખું જગ જોયુ સે.

બસના પૈડા થંભી ગયા, સાથે દમુમાંના વિચાર પણ, દમુમાએ બહાર જોયું ને સ્વગત જ બોલ્યા, ‘શિવપુર આયુ હવે થોળી વારમાં અમારું પાદરીયું’ એકાદ બે મુસાફર નીચે ઉતર્યા અને એક નવયુગલ બસમાં ચડીને દમુમાની પાસેની સીટ પર બેઠું, બસ ચાલતા એ યુગલ પોતાની દુનિયામાં વિહરવા માંડ્યું, દમુમાં એ યુગલ સામે એકીટશે જોતા હતા, એ યુગલમાં દમુમાંને પોતાના સોનેરી દિવસો નજરે આવતા હતા.....’ત્યારે તો દમુમાં માત્ર દમયંતી હતી ને ભગત હતા ગોવિંદ. ઇ વખતમાં તો આમ જોડેજોડ બેહવાની વાત તો આધી, ધણી હારે હલાતું પણ નંય. લગનના બીજે દી નાનકાના બાપુનું મોઢું પેલી વાર જોયું’તું. મોટી કાળી ભમ્મર આંખ્યું, રતુંબળો વાન ને પાણીદાર મૂછો. તે દી પેલી વાર નાનકાના બાપુ હારે આંખ્યું ટકરાઈ ને તરત હું મૂઇ જોરથી હસી પળી’તી, હસવાનું ખાળવા મોઢે આડો હાથ રાખી મો ફેરવી લીધું’તું, તોય હસવાનું ખાળી શકાયું નો‘તું.

‘કાં આટલું હસવું આયું ?’ ગોવિંદે કુતૂહલથી પૂછ્યું હતું.

જવાબમાં દમયંતી પાછી ખીલખીલ હસી પડી, ગોવિંદ આ હાસ્ય પર ઓવારી ગયો.

‘કે તો ખરી, કાં આટલું રૂડું હસવું આયું’

‘નાં, નાં, કઈ ન’ય, આ તો અમસ્તું જ’ દમયંતીએ હસતા હસતા કહ્યું હતું.

આખરે ગોવિંદના મુખમાંથી ‘ન કે તો મારા સમ’ અડધું વાક્ય બોલાયું ત્યાં તો દમયંતીએ પોતાનો હાથ ગોવિંદના હોઠ ઉપર મૂકી દીધો ‘ઉભા ર’યો કવ સુ’ કહેતી દમયંતી પોતાના સામાનમાંથી એક કૃષ્ણની સુંદર મૂર્તિ કાઢી લાવી.

‘આ જોવ’ કહેતી દમયંતી ગોવિંદ સામે ઉભી રહી.

‘વાહ ! કાનાજી, મૂર્તિ તો હાઇક્લાસ સે પણ ઈમાં હસવાનું સુ આયું ?’

જવાબમાં દમયંતી પાછી હસવા માંડી.......

( વધુ આવતા અંકે )