પ્રેમપત્ર Yayavar kalar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમપત્ર

પ્રેમપત્ર

આજે સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ રફીસાહેબનું પેલું સદાબહાર ગીત " યે મેરા પ્રેમપત્ર પઢ કર કે તુમ નારાજ ના હોના" સાંભળવા મળ્યું, એ ગીતે જ મને જગાડ્યો એમ કહું તો ચાલે. આ ગીતમાં આવેલો શબ્દ ‘પ્રેમપત્ર’ મારા મનમાં ઘૂમરાવા લાગ્યો. હાલના દિવસોમાં સોશિયલ સાઇટ્સની ભરમારમાં પ્રેમપત્ર મરણપથારી પર છે, આજના પ્રેમીઓમાં પ્રેમપત્ર લખવાની કળા લુપ્ત થઇ ગઈ છે. આજે રજા હોવાથી અને મારા પત્ની વેકેશન ગાળવા પીયર ગયેલા હોવાથી ઘરકામમાં કરવી પડતી મદદ ! માંથી હાલ મારે મુક્તિ હતી, એટલે ‘નવરા બેઠા નખ્ખોદ વાળે’ એ કહેવત અનુસાર નહિ પણ ‘પ્રેમપત્ર’ પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને હું પ્રેમપત્ર લખવા પ્રેરાયો.

પ્રેમપત્ર લખવા માટે જરૂરી સરસામાન લઈને મેં પ્રેમપત્ર લખવાની તૈયારી કરી, પણ રૂમમાં લખવામાં બહુ ઝમાવટ થશે નહિ એવું મને લાગ્યું. મોટેભાગે યુવતીઓ બંધ રૂમમાં પ્રેમપત્ર લખવાનું પસંદ કરે છે જેથી બીજા કોઈને ખબર ન પડે, જ્યારે યુવાનો ખૂલ્લીજગ્યામાં પ્રેમપત્ર લખવાનું પસંદ કરે છે, કારણ, કોઈ લાગતાવળગતા આવી પહોંચે તો નાસી જવામાં સરળતા રહે. મારે આવો કોઈ ડર ન હોવાથી મેં અગાસી પર પસંદગી ઉતારી. હું અગાસી પર ગયો અને એક ખૂણામાં બેઠક જમાવી, એક ઊંડો શ્વાસ લઇ મેં પેન અને કાગળ હાથમાં લીધા.

પણ હું કશું લખું તે પહેલા જ એક પ્રાણપ્રશ્ન આવીને ઉભો રહી ગયો ‘પ્રેમપત્ર કોને લખવો ?’ પ્રેમિકા તો હતી નહિ, અને જ્યારે પ્રેમ કરવાની ઉમર હતી ત્યારે આપણે પ્રેમ કરી શક્યા ન હતા, અને હાલ પ્રેમિકા પરવડે એમ ન હોવાથી આપણે એ રસ્તે આગળ વધ્યા નથી. ‘તો પછી પ્રેમપત્ર કોને લખવો ?’ પ્રશ્ન હજું અડીખમ હતો, એક વિચાર આવ્યો ‘પત્નીને લખીએ’ હજુ તો વિચાર આવ્યો ત્યાજ મારા હાથમાંથી પેન નીચે પડી ગઈ, જો કે એ તો અનાયાસે પડી હોય એવું મને લાગ્યું પરંતુ પત્નીને કશું પણ લખવા માટે મારો અંતરાત્મા આનાકાની કરતો હતો ‘ભલા માણસ ! કયો પરણેલો પુરુષ પોતાની પત્નીને પ્રેમપત્ર લખી શકે ? શક્ય છે નવોસવો પરણેલો પુરુષ આ કાર્ય કરી બેસે, પણ લગ્નના દસ વર્ષ પછી આવું જોખમ ખેડનાર કોક વિરલો જ હોય !’. જો કે મારે આજે ગમે તે ભોગે પ્રેમપત્ર લખવો હતો તેથી મેં મારા દિલોદિમાગને સમજાવવાની કોશિશ કરી ‘જે કોઈ કરી ન શકે તે આપણે કરી બતાવીએ, પત્નીને પત્ર લખવામાં શું ધાડ મારવાની હોય ?’ આવી રીતે મેં દિલને પંપાળીને જેમતેમ રાજી કરીને મેં પ્રેમપત્ર લખવાની શરૂઆત કરી..

પ્રથમ મૂંઝવણ સંબોધન લખવામાં થઇ ‘પ્યારી પત્ની’ એવું સંબોધન લખ્યું પણ એમાં ધારી અસર ન થઇ, (મોટાભાગના પ્રેમપત્રોમાં સુરક્ષાના કારણોસર આપણું અને સામા પાત્રનું સાચું નામ લખવામાં આવતું નથી.) પછી મેં ‘પ્રાણેશ્વરી’ ‘હૃદયેશ્વરી’ વગેરેનો વિચાર કરી જોયો, પણ આવું બધું વાંચીને મારી પત્ની ‘મારી માનસિક સ્થિતિ વિષે શંકા-કુશંકા કરીને પોતાનું વેકેશન ટૂંકાવીને પાછી ઘરે આવી જશે’ એવો ડર લાગતા એ વિચારો માંડી વાળ્યા. ઘણી મથામણને અંતે ‘પ્રિય’ શબ્દ મને ગમ્યો. જો કે પ્રિય અને પત્નીને એકબીજા સાથે ફાવતું નથી, કદાચ એટલે જ પ્રિય પછી મારી ગાડી અટકી પડી. પ્રિય બાદ એક પણ વાક્ય કે શબ્દ લખવા માટે અનુકૂળ આવતો હતો. મનમાં ઘણીબધી વાક્યરચનાઓ બનાવી જોઈ પણ કઈ જામતું ન હતું. મારા મગજમાં ‘પ્રેમ’ સિવાયના અનેક વિષયની જ્ઞાનગંગા પ્રગટ થઇ પણ ‘પ્રેમ વિષે લખવા અંગે મારું મગજ કોરુંકટ જ રહ્યું, પ્રેમની વિપરીત મને છોકરાઓની ફી, લાઈટબીલ, લોનના હપ્તા વગેરેના વિચાર આવવા માંડ્યા બોલો !, મને લાગ્યું કે મગજ રજા લઇ લે તે પહેલા તેને થોડો આરામ આપવાની જરૂર છે, તેથી વધારે સારા પરીણામ માટે એક નાનકડો વિરામ લઈને હું બહાર લટાર મારવા નીકળી ગયો....

હું લટાર મારી પાછો આવ્યો પણ સામાન્ય એવો પ્રેમપત્ર લખી ન શકાયો એ વાતથી મારું મગજ ફાટફાટ થતું હતું, મારા મન આ પ્રાણપ્રશ્ન બની ગયો, લખવાને બદલે લડવા જેવી સ્થિતિ થઇ ગઈ અને કોઈ વીરયોદ્ધો જે ખુમારીથી રણમેદાનમાં દાખલ થાય તેવી જ ખુમારીવાળી ચાલથી હું પાછો અગાશી પર આવ્યો, યોદ્ધાઓ જે રીતે હાથમાં શમશેર પકડે, તેવી જ રીતે મેં હાથમાં પેન પકડી, મુખ પર વિજયભાવ સાથે મેં ફરી પ્રેમપત્ર લખવાની શરૂઆત કરી, પણ મારી પેન જાણે પેરેલાઈઝડ હોય એમ એક અક્ષર પણ આગળ વધતી ન હતી. હું મારી જાત પર ખૂબજ ગુસ્સે થયો, સાથે મને એ પણ ખ્યાલ આવ્યો કે આ કાર્ય ખરેખર ખૂબજ વિકટ છે અને સરળતાથી થઇ શકે તેમ નથી. મેં મારા મગજને શાંત કરવા પ્રયત્ન કર્યા સાથે હવે આગળ શું કરવું એ વિષે વિચારવા લાગ્યો. વિચારના અંતે હું સમજી ગયો કે આરપાર લડાઈમાં હું જીતી નહી શકું, પણ જે રીતે એક મહાન યોદ્ધો હરીફોની શક્તિ, તેની કમજોરી વગેરે જાણીને પોતાની રણનીતિ ઘડે છે તેવી જ રીતે આ લડાઈ જીતવા માટે મારે પણ કોઈ કૂટનીતિ અપનાવવી પડશે. લાંબા વિચારવિમર્શ પછી મેં પ્રેમપત્ર સફળતાપૂર્વક લખવા માટે અમુક યુક્તિઓ શોધી કાઢી,

જેવી કે...

પહેલી યુક્તિ એ કરી કે પત્નીને પ્રેમપત્ર લખવામાં મન અને દિલ બેઉમાંથી કોઈપણ મને સાથ આપ્યો નહિ, પત્નીના નામ માત્રથી જ તેઓ દૂર ભાગી જતા હતા તેથી મેં મન અને દિલને ખુશ રાખવા કાલ્પનિક પ્રેમિકાને પ્રેમપત્ર લખવાનું નક્કી કર્યું.

ઘણા વિદ્વાન પ્રેમીઓ પોતાના પ્રેમપત્રમાં ખૂબજ અઘરા શબ્દપ્રયોગ કરી સામા પાત્રમાં અસલામતીનો ભાવ પેદા કરે છે, તેવું ગજું મારું ન હોવાથી મેં માત્ર સીધાસરળ શબ્દમાં પ્રેમપત્ર લખવાનું નક્કી કર્યું.

પ્રેમપત્ર લખતા પહેલા એક પ્રેમી, એક કવિ શું વિચારે ? તેનો મનોભાવ કેવો હોય ! તેની કલ્પના કરી, માત્ર થોડી વાર માટે જ કવિ થવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું.

એક અઠવાડિયાથી મેં દાઢી કરી ન હતી, વધેલી દાઢી એ પરાજિત પ્રેમીની નિશાની છે અને પરાજિત પ્રેમી માત્ર વિરહગીત લખી શકે, પ્રેમપત્ર નહિ, એવું લાગતા મેં ખેતીવાડી સાફ કરીને પ્રેમપત્ર લખવાનું નક્કી કર્યું. થોડા પ્રેમગીતો સાંભળવાનું નક્કી કયું, જેથી મારું મન અને દિલ રોમાન્ટિક બની જાય અને મને મારા ભગીરથ કાર્યમાં મદદ કરી શકે.

આમ ઉપર મુજબના તમામ અસ્ત્રો, સસ્ત્રો સજાવીને છેલ્લી આરપારની લડાઈ લડી લેવાનો મેં નિર્ણય લઇ લીધો, મેં પ્રેમગીતો સાંભળતા સાંભળતા દાઢી બનાવી લીધી, ચોકસાઈ માટે ગાલે હાથ ફેરવીને ખાતરી કરી લીધી, ક્યાંય વાંધાજનતો નથી ને. તમામ તૈયારીને આખરી ઓપ આપીને, જેમ એક શૂરવીર, પ્રતાપીયોદ્ધો રણભૂમિમાં પહોચવા થનગની ઉઠે તેવી જ રીતે હું પણ પ્રેમપત્ર લખવા આતુર થઇ ઉઠ્યો. મેં મનોમન પ્રભુસ્મરણ કરીને મારા વિજયની કામના કરી,

એ સાથે જ મારી આતુરતાનો અંત આવ્યો, યુદ્ધનો પોકાર થયો ને લડાઈ ચાલુ થઇ.... ધમાસાણ, ધોધમાર, અદ્રિતીય, અજોડ .......અને અંતે આ યુદ્ધનો નિર્ણય આવ્યો, લગભગ બે અઢી કલાકની માથાકૂટ, મહેનત, મગજમારી પછી મારે પરાજય સ્વીકારવો પડ્યો. હું પ્રિયથી આગળ વધી શક્યો નહિ ઉપરાંત આ કામ આપણા કરવા યોગ્ય નથી તેવો નિર્ણય મારે કરવો પડ્યો.

પરંતુ જેમ ચૂંટણીઓમાં પરાજય પામ્યા પછી દરેક પક્ષ પોતાના પરાજય અંગે મનોમંથન કરતા હોય છે અને પરાજય માટે કઇંક સારા અને વ્યાજબી લાગે તેવા કારણો આપતા હોય છે, તેવીજ રીતે મેં પણ મારા પરાજયનું મનોમંથન કર્યું, મારા પરાજય અંગેના કેટલાક જવાબદાર કારણો આ રહ્યા.

પત્નીને બદલે કાલ્પનિક પ્રેમિકાને પ્રેમપત્ર લખવાનું મેં નક્કી કર્યું હતું, જેમાં મન અને દિલ તો થોડા માન્યા, પણ શરીરે ખુલ્લેઆમ બળવો પોકાર્યો, શરીરે ભૂતકાળના અનુભવોને કારણે આવું પીડાદાયક કાર્ય કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

સીધા અને સરળ શબ્દોમાં પ્રેમપત્ર લખા? ન જ લખાય. પ્રેમપત્રમાં તો અઘરા શબ્દો વપરાતો જ વટ પડે. સરળ શબ્દોમાં પ્રેમપત્ર લખીએ તો કોઈ જગ્યાએ નોકરી મારે અરજી કરતા હોઈએ એવું લાગે.

હું સ્વભાવગત કવિ નથી તેથી કવિ થવાનું ફાવ્યું નહિ, અને આમેય એ જોખમ લેવા જેવું નહિ, મિત્રોમાં ખબર પડે કે પેલાએ ન કરવાની કરી છે તો આપણને જોને રસ્તો બદલી નાખે, પછી ઉધાર ક્યાંથી લેવું ?

એક કારણ એ પણ જાણવા મળ્યું કે પ્રેમ અને દાઢીને કશું લાગતુંવળગતું નથી, પ્રેમ એ માનસિક સ્થિતિ છે જયારે દાઢી શારીરિક સ્થિતિ છે, અને આમેય પ્રેમમાં દાઢી સિવાય બીજું કશું વધતું નથી.

પ્રેમગીતો સાંભળ્યા, પણ તેની ખાસ કંઇ અસર ન થઇ. કવિ ચાંદની પેલે પાર જવાની વાત કરતા હતા. આમાં આવડું મોટું બઝેટ આપણી પાસે ન હોય ને !.

તમે આ કારણો વાંચ્યા ? મને વિશ્વાસ છે કે આ કારણો વાંચ્યા પછી તમને પણ લાગશે કે પ્રેમપત્ર લખવો સરળ નથી. (અચાનક મારો મોબાઈલ રણકી ઉઠ્યો, પત્નીનો જ છે. ફોનથી જ પતાવી લઈએ, શું કયો છો ?)