દમુમાં
(ભાગ-2)
(ગતાંકથી ચાલુ )
‘વાહ ! કાનાજી, મૂર્તિ તો હાઇક્લાસ સે પણ ઈમાં હસવાનું સુ આયું ?’
જવાબમાં દમયંતી પાછી હસવા માંડી ‘વાત જાણે ઇમ સે કે આપણા વિવાહ પસી મારી સખીઓ મને પજવવા હારુ પૂછતી ‘એલી તારો વર કેવો સે ?’ તયં હું આ મૂર્તિ દેખાળીને કે’તી ‘આવો’ ! પાસું તમારું ને કાનાંનું નામ પણ હરખું,
‘હં, ઈમાં હસવું આયું’ કહેતા ગોવિંદ પણ હસવા લાગ્યો.
‘નાં, એટલે નય, પણ આ મૂર્તિને મૂછો નથ ને તમારે સે, આ મૂર્તિને’ય મૂછો લગાળી દેવાની જરૂર હતી’ કહેતા દમયંતી ખડખડાટ હસવા લાગી હતી.
‘કાનાજી હારે લગાવ હારો થ્યો લાગે સે ! પણ ઇ કાનાની ભગતીમાં મુજ ગરીબને ભૂલી ના જાતી‘ ગોવિંદે રમૂજ કરી.
‘કાના હારે તો લગાવ અપરંપાર, પણ ઇ હવે મારા આસમાની દેવ ને ધરતી પર તમ મારા ભગવાન. બેઉની સેલ્લા સ્વાસ લગી સેવા કરીસ’ દમયંતીએ જવાબ આપ્યો.
‘આ લે, આ વળી નવું !, ક્યાય હાંભળ્યું સે કે ડોહી ડોહા કરતા આગળ થય ! તમ પરલોક સિધાવો ઈ પેલા તો અમારા હાડકા..ય ....ગોવિંદ આગળ બોલવા જતો હતો ત્યા તો દમયંતીએ પોતાનો હાથ ગોવિંદના હોઠ પર મૂકી તેને ચુપ કરી દીધો. ’મારા સમ જો આવા વેણ કાઢ્યા તો, કાનો મારી’ય આવરદા તમને દય દે, આવું કાળું કોઈ દી બોલતા ન’ય‘ બોલતા દમયંતીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.
‘અરે હું તો મશ્કરી કરું સું’ કહેતો ગોવિંદ દમયંતીને મનાવવા લાગ્યો હતો.
બીજે દિવસે સવારે જ દમયંતીએ ઘરના ગોખલામાં કાનાજીની મૂર્તિનું સ્થાપન કર્યું, હાથ જોડીને પ્રાથના કરી, પ્રાથના શું ! ભગવાનને ધમકી જ આપી ‘હે કાના, મારા ‘એ’ ને લાંબી આવરદા દેજે પસે ભલે મારી આવરદા લય લે, મારો ચૂડીચાંદલો અખંડ રાખજે, બધું ભુલજે મારા વાલા પણ આ વાત ભુલતો નય, નયતર તારી ખેર નથી, આપણો જુનો નાતો દાવ પર સે ઇ યાદ રાખજે મારા વાલા !’ દમયંતીની ધમકીભરી અરજ સાંભળીને કાનાજીની મૂર્તિ જાણે હસતી હતી..મંદ મંદ..
ગોવિંદ સાથે સુખી જીવન જીવતી દમયંતી ત્રણ પુત્રોની માતા બની છતા દરરોજ વહેલી સવારે કાનાજીની પૂજા-અર્ચના કરવાનો નિત્યક્રમ જળવાય રહ્યો, સાથે પેલી અરજ પણ ખરી..… સમયાંતરે દમયંતી માંથી દમું, ને દમું માંથી દમુમાં બની ગઈ. ગોવિંદ પણ સમય જતાં ભગત બની ગયા, ભગતે પત્ની અને બાળકો માટે જાત ઘસી નાખી પણ એ બાળકો મોટા થતા ત્રણેયે પોતાના અલગ માળા બનાવ્યા, અહી રહી ગયા માત્ર ભગત, દમુમાં અને કાનાજી ....
વિચારોના વમળમાં ગામ ક્યારે આવી ગયું તેની દમુમાને ખબર જ ન પડી ‘હુંય મુઈ ક્યાંની ક્યાં પોતી ગઈ’ સ્વગત બોલતા દમુમાં બની શકે તેટલી ઝડપથી ઘર તરફ ડગ ભરવા માંડ્યા. આઘેથી ઘર તરફ દમુમાની નજર પડતા ભગત ઓસરીમાં ખુરશી પર ઢગલો થયેલા દેખાયા, ખુરશી પાસે પડોસમાં રહેતો મોહન બેઠો હતો.
ઓસરી સુધી પહોચતા દમુમાને હાંફ ચડી પણ ભગતના મોઢા સામે નજર પડતા જ દમુમાંના હૈયે ફાળ પડી, ભગતની આંખોમાં એક સાગમટે ઇન્તેજારીનો, ચિંતાનો, ડરનો, ઓશિયાળા થવાનો ભાવ દમુમાં વાંચી ગયા, ભગતને આટલા વ્યગ્ર દમુમાએ ક્યારેય જોયા ન હતા જાણે જંગલમાં કોઈ મૃગશિશુ પોતાની માં થી વિખૂટું ન પડી ગયું હોય ! દમુમાં બોલવા જતા હતા ત્યાં તો મોહને પૂછ્યું ‘સું થયું માળી, હવારના ગયા’તા તે ઠેઠ અત્યાર લગી ?’ પણ મોહન એનો પ્રશ્ન પૂરો કરે તે પહેલા તો ભગત ધ્રૂજતા સ્વરે ઉતાવળે પૂછવા લાગ્યા ‘કા આટલી વાર લાગી ? દાક્તરે હું કીધું ? તારી તબિયત ?’ ભગતને હજુ ઘણું પૂછવું હતું પણ તેને હાંફ ચડી ગઈ, તે જોરથી શ્વાસ લેવા માંડ્યા, દમુમાએ ભગત સામે નજર કરી, ભગતના શરીરના હાડકા હારે ચામડી ચોટી ગઈ હતી, માંસ તો ક્યાં હતું હવે ! હાડકા હારે ચોટેલ ચામડીમાં નસો ઊભરી આવી હતી, જાણે હમણાં ફાટશે એવી ભરાય ગઈ હતી, સાવ નિસ્તેજ આંખો ઊંડી ઉતરી ગઈ હતી, ગાલની જગ્યાએ ઊંડા ખાડા, હાથ તો હજી ક્યારેક સાથ આપતા પણ બેઉ પગે તો સાવ રજા લઇ લીધી હતી, માંડ માંડ એક ડગ ભરી શકતા. શરીર જાણે હાડકાનું ખોખું જ જોઈ લ્યો. ભગતની આવી હાલત જોઈને દમુમાથી નિસાસો નખાઈ ગયો.
ભગતે પહેરેલું પહેરણ હવામાં ફરફર ઉડતું હતું જાણે દોરી પર લટકાવ્યું હોંય, ભગતની કમરની નીચે લેંધામાની ભીનાશ દમુમાની નજરથી છટકી નાં શકી. દમુમાએ મોહન સામે જોયું, મોહન જાણે સમજી ગયો હોય તેમ કહ્યું ‘આજતો અર્ધો ટક જ કામ હતું તે બપોરે ઘે’ર આવતો તો તંય તમને ઘરમાં ભાળ્યા નય ને આય આવીને જોયું તો ભગત પથારીમાં ઉંહકારા કરતા’તા, કોકને બોલાવા હારું અવાજ તો કિયારનાં કરતા’તા પણ અવાજ હારે તાકાત ભળે તો કોઈ હાંભળેને ! મેં ભગતને ઉભા કરીને ખુરસીમાં બેહાડ્યા ને દૂધને રોટલો આઈપા પણ એકાદ બટકું તો માંડ ખાધું, ગોદળું તઇળકે નાઇખું સે, આરામ કરવાનું કીધું પણ માનતા નથ, તમારી વાટ જોયને તણ વાઈગાના આય બેઠા સે.
‘મારો કાનો તારું ભલું કરસે દીકરા’ દમુમાં આગળ બોલી નાં શક્યા.
‘લે માળી ઈમાં સુ, હું તમારો દીકરો નથ ?’
‘તું તો મારા દીકરા કરતા’ય હવાયો, તારો ગણ ના ભૂલાય, મારો કાનો તારા બધાય મનોરથ પૂરા કરસે દીકરા’
‘માળી, ઈ બધુંય મુકો, તમને કીમ સે ? ને આટલી વાર કાં લાગી ઈ તો કયો,’ મોહને પૂછ્યું.
‘કય નો’તું, ખાલી દવા આપી સે, મુઆ દાક્તર આજે મોળા આયેતા ને ઈમાંય પાસી ગર્દી બવ ઈમાજ બપોર થ્યા, વળી દાક્તરે કીધું કે લોયનો રપોટ કાઢવો પઇળસે, ઈ રપોટ આવતા હાંજ થય. મનેય થ્યું કે આવી સું તો રપોટ કરાવતી જાવ પસે ક્યાં ધક્કા ખાવા, ભગતની ચંત્યાં તો થય પણ આંય તું અને બીજા હોવ એટલે વાંધો નય આવે એમ વચાર કર્યો.
‘તે આયો ઇ રપોર્ટ ?’ મોહને ઉત્સુકતાથી પૂછ્યું, એથીય વધારે ઉત્સુકતા ભગતના ચહેરા પર હતી.
‘હા, દાક્તરે કીધું કે કાઇ વાંધો નથ, આ બધુંય તો અવસ્થાને લીધે થાય’ દમુમાં ખોટું બોલ્યા પણ આ વાતથી ભગતના ચહેરા પર રાહતનો ભાવ આવી ગયો.
‘ઇ હારું થ્યું લ્યો, પણ માળી તમે હવારનું કય ખાધું નય હોય, હું હમણાં કાઇક લેતો આવું’ કહેતા મોહન ઉભો થયો.
‘હવે રે’વા દે મારા ભાય, આ રાત તો થય ને આમેય દવાખાને ભૂખ નો લાગે. હમણાં એક રોટલો ટીપી લઈસ, હવે તું ઘેર જા, સોકરા રાહ જોતાં હઈસે’ કહેતા દમુમાએ મોહનને વિદાય કર્યો. ભગતનું બાવડું ઝાલીને પાછા પથારીમાં સુવડાવ્યા અને રોજીંદા કામમાં પરોવાયા.
ભગત ઊંઘી ગયા છે તેની ખાત્રી કર્યા પછી દમુમાં કાનાજીની મૂર્તિ સામે બેઠા, આંખોમાંથી દળદળ આંસુઓની ધાર થઇ, ગળામાંથી અવાજ નીકળતો ન હતો છતાં દમુમાં કાનાજીને કહેતા હતા...
‘કાના જંદગીભર તે મારા બોલની લાજ રાખી સે, પણ મારા વાલા આજ તને વિનવું સું, હવે લાંબી આયુષનો અભરખો તો નથ પણ તોય મારા થોળા દા’ડા વધારી દે, ને ઈ ન બને તો ભગતને .... ભગતને.....મારી પેલા .... ભગત પેલા મારી આંખ મીચાણી તો ભગતના હાલ ભૂંડા... દમુમાં આગળ બોલી ન શક્યા, ગળે ડૂમો બાઝવા લાગ્યો અને શબ્દો જાણે આંખોમાંથી વહેવા લાગ્યા....
કાનાજીની મૂર્તિ જાણે હસતી હતી મંદ મંદ.....
(અસ્તુ.)
યાયાવર કલાર
94274 11600