Whistle Blower books and stories free download online pdf in Gujarati

વ્હીસલ બ્લોઅર

વ્હિસલ બ્લોઅર

સવારે સાત વાગ્યામાં જ ડોરબેલના અવાજથી મારો નિંદ્રાભંગ થયો. ‘અત્યારે કોણ હશે ?’ એ જાણવાની ઈચ્છા થઇ છતાં પથારીમાંથી ઊભા થવાની આળસ થઈ.

આવોને દિલુકાકા’ મારી પત્ની સેજલે દરવાજો ખોલીને આવકારો આપ્યો.

દિલુકાકા નામ સાંભળતા જ મારી ઊંઘ ઊડી ગઈ, પણ બીજી ક્ષણે મારી આંખો બંધ કરી, પગથી માથા સુધી રજાઈ ઓઢી લઈને મેં નિંદ્રામાં હોવાનો ઢોંગ કર્યો, અને બીજા રૂમમાં સૂતા સૂતા જ તે બંનેનો સંવાદ સાંભળવા માટે કાન એકાગ્ર કર્યા.

‘મનીષ ઉઠી ગયો ?’

એ તો હજુ સૂતા છે, કંઈ કામ હતું ? જગાડું ?’ સેજલે કહ્યું, મને સેજલ ઉપર રીસ ચડી.

‘ના, ના, એવું કંઈ ખાસ કામ નથી, આતો હું ચાલવા નીકળ્યો હતો એટલે મને થયું કે કદાચ મનીષ ઊઠી ગયો હશે, સારુ ચાલો હું જવ

‘બેસોને, ચા બનાવું’ સેજલે વિવેક કર્યો.

ના બેટા, અત્યારે હું જવ, સાંજે પાછો આવીશદરવાજો બંધ થવાના અવાજથી મને હાશ થઇ, સેજલ રૂમમાં આવી, મને રજાઈ ઓઢેલો જોઈને એ મારું નાટક પામી ગઈ, હસતા-હસતા જ એણે કહ્યું ‘ તો ગયા, ઉઠો હવેમેં રજાઈમાંથી મારુ માથું બહાર કાઢ્યું.

દિલુકાકા સંબંધે મારા દૂરના કાકા થાય, પણ એક જ સોસાયટીમાં રહેતા હોવાથી અમારો સંબંધ જળવાય રહ્યો હતો. તેઓ આ ઉમરે પણ ચુસ્ત અને તંદુરસ્ત, નિયમિત યોગ કરે અને ચાલવા જાય, દિલુકાકા આમ તો માયાળુ અને પ્રેમાળ, સોસાયટીના દરેક સારા-નરસા પ્રસંગોમાં હાજર હોય, કોઈને મદદ કરવામાં પાછા ન પડે. અમો સોસાયટીના તમામ મિત્રો અને રહેવાસીઓ તેમને આદર અને સન્માન આપીએ. પણ એમની એક તકલીફ હતી, દિલુકાકાના મગજમાંથી સમયાંતરે સોસાયટી, સમાજ કે બીજા વિષયો અંગે નવા નવા આઈડિયા અને તુક્કા વહેતા રહેતા. તેઓને આવા અવનવા વિચારો આવે ત્યાં સુધી અમોને કશો વાંધો ન હતો, પણ તેઓ પોતાના વિચારો પર તાત્કાલિક અમલવારી કરી દેતા અને પોતાની આ અમલવારીમાં અમો બધા મિત્રો પણ સાથ-સહકાર આપીએ તેવો આગ્રહ રાખતા. દિલુકાકા પ્રત્યેના આદરને સબંધના કારણે અમો મને-કમને તેઓની હા માં હા ભરતા. જોકે દિલુકાકાના મોટાભાગના તુક્કા હવા ભરેલા ફુગ્ગા જેવા રહેતા, એકાદ દિવસમાં ફુગ્ગાની હવા નીકળી જતી, પણ એ એકાદ દિવસ પસાર કરવામાં અમને પરસેવો વળી જતો.

જો કે હાલના દિવસોમાં દિલુકાકાનું નામ સાંભળીને વધારે ટેન્શનમાં આવી જવાનું એક કારણ એ હતું કે તેઓ બે મહિના પહેલા જ સેવા-નિવૃત્ત થયા છે, અમે બધા મિત્રોએ ધારેલું કે દિલુકાકા હવે કંઈક મોટાપાયે નવાજૂની કરશે પણ સળંગ બે મહિના સુધી તેઓ શાંત રહ્યા એટલે અમારી ખાસ કરીને મારી ગભરામણ વધવા માંડી. એટલે જ આજે સવારે તેઓ મારા ઘરે આવ્યા ત્યારે જ નક્કી થઇ ગયું કે આ બોમ્બ હવે કૂટવાનો અને મારી આસપાસ જ કૂટવાનો. વળી તેઓહું સાંજે પાછો આવીશ એ મુજબનીધમકી’ આપી ગયેલા, કોઈ દુશ્મન દ્વારા કહેલ હું તને જોઇ લઈશ’ કે દિલુકાકાએ કહેલ ‘હું સાંજે પાછો આવીશ બે વાક્યો વચ્ચે મને અત્યારે કશો ફર્ક લાગતો ન હતો. ફફડતા હૈયે હું દૈનિક ક્રિયાઓમાં પરોવાયો.

સાંજે ઓફિસથી પાછા આવતી વેળાએ કાકાને મારા ઘરના ઓટલે બેસેલા જોઈને મારા મોતિયા મરી ગયા. છતાં ચહેરા પર પરાણે હાસ્ય રાખીને મારે કાકાને આવકારો આપવો પડ્યો ‘આવોને કાકાકાકા તૈયાર જ હતા, તેઓ મારી પાછળ ઘરમાં દોરવાયા, જે ઘડીથી હું દૂર ભાગતો હતોઘડીએ મને આબાદ ઝડપ્યો હતો પણ હવે કશો છૂટકો ન હતો. મેં સેજલને બૂમ પાડી “એ ચા મૂકજો, દિલુકાકા આવ્યા છે” “ચા તૈયાર જ છે, કાકા બહાર આવ્યા ત્યારે જ મેં ચા મૂકી દીધી હતી સેજલ ચા લઈને હાજર થઇ. સેજલના દૂરંદેશી ઉપર મનોમન હું ખુશ થયો, કાકા જેટલી ઝડપથી અહીંથી જાય એટલું સારું એમ મનમાં વિચારતા મેં તેમના હાથમાં ચા થમાવી દીધી. “હું સવારે આવ્યો હતોકાકાએ ચાની ચૂસકી લગાવતા વાતનો આરંભ કર્યો, “એ મને સેજલે કહ્યું હતું, કશું કામ હતું ?” મેં ચાની ઘૂંટ ભરતા પૂછ્યું, જવાબમાં તેઓ મારી સામે થોડીવાર જોતા રહ્યા પછી એકાએક બોલ્યા દેશ પ્રત્યેની આપણી ફરજ અદા કરવાનો સમય આવી ગયો છેમારી ચાની ચૂસકી ગળામાંઅટવાઈ પડી, કાકાએ સોસાયટી છોડીને ઠેઠ દેશ સુધીની લાંબી છલાંગ લગાવતા મને ધ્રાસ્કો પડ્યો, વળી, કાકાએ ‘આપણી ફરજ’ શબ્દ પર વિશેષ ભાર મૂક્યો હતો એ પરથી નક્કી હતું કે મારે પણ કાકા સાથે જોતરાવાનું છે, જાણે કોઈએ મૂઢમાર માર્યો હોય એમ ઘડી-બેઘડી મારું મગજ બહેર મારી ગયું, હું બાઘાની જેમ દિલુકાકાની સામે જોઈ રહ્યો. મારા તરફથી આવી જ પ્રતિક્રિયાની અપેક્ષા હોય એ રીતે તેઓએ વાત આગળ વધારી જો આજે આપણા દેશમાં દારૂ-જુગાર, ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગરીબી, ગંદકી, ગુંડાગર્દી જેવી અનેક સમસ્યાઓએ હદ વટાવી છે, એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આ સમસ્યાઓનો સામનો કરીએ, આપણું મંડળ આ બધી બદીઓ સામે લડશે !” દિલુકાકા વાતેવાતે શાબ્દિક પ્રહારો કર્યે જતા હતા. જો કોઈ બીજા વ્યક્તિએ મને આ વાત કહી હોત તો મે ઉત્સાહપૂર્વક તેને સાથ-સહકાર આપ્યો હોત પણ દિલુકાકાને હું વર્ષોથી ઓળખું છું, તેઓ ધૂની માણસ છે. વળી ભૂતકાળમાં કાકાના આવા અનેક અખતરાઓમાં અમો ખતરામાં આવી ગયેલા તેથી જયારે કાકાએ આ વાત મને કહી ત્યારે હું ડરી ગયો, મારા મનચક્ષુઓ સમક્ષ અવનવી અને ડરાવની ઘટનાઓ આકાર લેવા માંડી,ઘટનાઓની કલ્પના માત્રથી હું ધ્રુજી ઉઠ્યો, વળી તેઓ વાક્યાંતે કરેલ શબ્દપ્રયોગ ‘લડશે’ એ મારા ગાત્રો શિથિલ કરી દીધા. લડશે શબ્દ અંગે સવિસ્તાર પૃચ્છા કરવાની ઈચ્છા થઈ આવી, પણ મારો ડર જાહેર થઈ જવાની બીકે હું માત્ર એટલું જ પૂછી શક્યો કે “મંડળ ? કોનું મંડળ ? ક્યાનું મંડળ ?” હું મનોમન યાદ કરવા માંડ્યો કે ભૂતકાળમાં આવા કોઈ મંડળમાં હું જોડાયો હતો કે કેમ ? પણ મારા વિચારો પર કાપ મૂકતા દિલુકાકા બોલ્યા ‘દેશહિતની રક્ષા કાજે આપણે એક મંડળ બનાવ્યું છે, જેનું નામ રાખ્યું છેવ્હીસલ બ્લોઅર’, આ મંડળ દ્વારા આપણે દેશહિત વિરુદ્ધની કોઈપણ પ્રવૃતિના પ્રત્યક્ષ કે પરોક્ષ જવાબદારો સામે કાર્યવાહી કરીશું, શરૂઆત સમજાવટથી કરીશું, છતાં પરિણામ ન મળે તો ધરણા, સુત્રોચાર, રેલીઓ, આંદોલનો અને જરૂર જણાય તો ન્યાયિક કાર્યવાહી કરતા પણ આપણે અચકાશું નહિ, અને જ્યાં સુધી આવા કૃત્ય કરનાર વ્યક્તિ, સંસ્થા કે સમાજ પોતાના આવા કૃત્ય બદલ જાહેરમાં માફી માંગીને બાંહેધરીપત્ર લખી ન આપે ત્યાં સુધી આપણે ઝંપીશું નહિ” દિલુકાકા અતિ ઉત્સાહથી મંડળ વિષે માહિતી આપ્યે જતા હતા “અને તારા સહીત આપણા મંડળના પાંચ સભ્યો બની ચુક્યા છે”, કાકા આગળ બોલવા જતા હતા પણ મારાથી વચ્ચે જ બોલી જવાયું “માત્ર પાંચ જ સભ્ય.....” મારી આ ખલેલ બદલ આંખોમાં રોષ દર્શાવતા તેઓ બોલ્યા “પાંચની તાકાત તુ ઓછી ન આંક, પાંચ આંગળીઓ ભેગી મળીને મુઠ્ઠી બને છે અને આ મુઠ્ઠી દુશ્મનો માટે મુક્કો બને છે”, મુક્કાનો પ્રહાર જાણે મારા ચહેરા પર કરતા હોય એમ તેઓ આગળ બોલ્યા “મહાભારતમાં પણ પાંચ પાંડવોએ ધુરંધરો એવા કૌરવોને પરાસ્ત કર્યા હતા” આટલું કહીને કાકા મારી સામે જોઈ રહ્યા, કદાચ તેઓને મારા મુખ પર જોશ અને જુસ્સાની અપેક્ષા હશે. જો કે જુસ્સો તો મને પણ ચડી ગયો હતો કાકાને કહી દેવાનો કે કાકા પાંડવો એકલા નહોતા લડ્યાં, પાછળ મોટી સેના’ય હતી, વળી પાંડવો જંગ જીતીને પણ નિરાતે બેસી શક્યા ન હતા, તેઓ ઘરબાર, રાજપાટ છોડીને જંગલમાં ચાલ્યા ગયા હતા એમ તમે અમને’ય ગામ મૂકાવશો, અને અત્યારની સમસ્યાઓને પરાસ્ત કરવામાં અમારો અસ્ત થઇ જાય તોય ભેગું થાય એમ નથી પણ આવું સાંભળીને કાકા વધારે વિફરશે એ ડરે હું ચૂપ રહ્યો, છતાં કશું તો બોલવું જ પડશે એવું લાગતા હું બોલ્યો એ તો ઠીક છે કાકા પણ......” “તુ યાર સંખ્યા ન ગણ, હિંમત જો, હિંમતે મર્દા તો મદદે ખુદા” મારા ઉપર ધારી અસર ન દેખાતા કાકાએ મને અધવચ્ચે બોલતાં અટકાવીને પોતે શરૂ થઈ ગયા “આમ પણ કોઈએ તો શરૂઆત કરવી પડશે ! દેશની આવી દયનીય સ્થિતિમાં આપણે ચૂપ કેમ બેસી શકીએ ! માભોમની પોકાર અણસુણી કેમ થાય ! અને હજુ તો આ આપણી શરૂઆત છે, આપણે આપણા કાર્યો દ્વારા જ્યારે દેશ ગજાવી મૂકીશું ત્યારે આપણા મંડળમાં જોડાવા માટે લોકોની લાઈનો લાગશે, અરે ! દેશહિત વિરુદ્ધનું કાર્ય કરનાર કોઈપણ વ્યક્તિ આપણા મંડળના નામમાત્રથી જ થર થર ધ્રુજશે ! માટે તુ હે મનીષ, નાહકની ચિંતા કે વિચાર માંડી વાળ, તુ માત્ર તારું કર્તવ્ય સંભાળ, બાકીનું બધું થઇ પડશે ! તુ યા હોમ કરીને ઝંપલાવી દે ! ફતેહ આપણી જ છે !” મને દિલુકાકામાં શ્રીકૃષ્ણનો આભાસ થવા લાગ્યો “પ્રભુ ! આપણી સેનાના બીજા ધુરંધરો કોણ છે ?” મારા આવા પ્રશ્નથી કાકા ચમક્યા “હે, શું ?”, મારે સ્પષ્ટતા કરવી પડી “આપણા મંડળના બીજા સભ્યો કોણ કોણ છે ?” “હં, આ પ્રશ્ન મને ગમ્યો” કાકા ખુશ થતા બોલ્યા “આપણે નસીબવંત છીએ, આપણા મંડળના બધા સભ્યો બાહોશ, નીડર, કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી છે, આપણા મંડળમાં સર્વપ્રથમ હું આવું છું, હું દેશના તમામ વડીલો અને સેવાનિવૃત સમુદાયનું પ્રતિનિધિત્વ કરીશ, બીજું કોઈપણ ક્રાંતિમાં વિજય માટે બુદ્ધિજીવીઓનો સાથ અનિવાર્ય હોય છે માટે જ મેં કવિ શ્રીનટવરલાલને આપણી સાથે લીધા છે, તેઓ આપણા મંડળના પ્રચાર-પ્રસાર, તેમજ મંડળની પ્રશંસા-સ્તૃતિ લખવા માટે પણ રાજી થઇ ગયા છે, તેઓ સમસ્ત કલા-સાહિત્યિક જીવોનું પ્રતિનિધિત્વ કરશે, ત્યારબાદ આપણા દૂધવાળા રામજીભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તેઓ બધા મજૂરો અને નાના ધંધાર્થીઓનું પ્રતિનિધિત્વ કરશે, ત્યારબાદ આપણી સોસાયટીનો પ્રતિભાશાળી યુવાન પ્રશાંત પણ આપણી સાથે ઉત્સાહપૂર્વક જોડાયો છે, તે સમસ્ત યુવાઓનું પ્રતિનિધિત્વ કરશે, અને તારે સમસ્ત કર્મચારી વર્ગનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તારા મિત્રોને આપણા મંડળમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના છે, છે ને આપણું મંડળ અદભુત !” જાણે કોઈ ગૌરવગાથા સંભળાવતા હોય એમ દિલુકાકાએ મને મંડળપુરાણ સંભળાવ્યું અને મારી સામે પ્રસન્નચિત્તે જોવા લાગ્યા, હવે મારે આગળ શું બોલવું તે મને સમજમાં આવતું ન હતું, પણ ત્યાજ કાકા ઘડિયાળમાં જોતા ઊભા થયા “ચાલ, મારે જવાનું છે, ટૂંક સમયમાં જ આપણા મંડળની મીટીંગ છે તારે ચોક્કસ આવવાનું છે અને બને તો તારા મિત્રોને પણ સાથે લેતો આવજે” કહેતા તેઓ રવાના થયા. હું ખુરશીમાં જ બેસી રહ્યો, કાકાના જવાથી મને હાશ થઈ.

તો તમે કાકાના મંડળમાં જોડાય ગયા એમ ને !” હસતા ચહેરે સેજલ સામેની ખુરશીમાં બેસી ગઈ, મને આછું સ્મિત આવી ગયું “યાર, આ દિલુકાકા મરવી નાંખવાના, ડાકરવાની ઉંમરે કાકા વાયડાઈ ઉપર ઉતરી આવ્યા છે, એક બે મહિનામાં તો લાંબું પ્લાનિંગ કરી નાખ્યું, સરકારે નવો કાયદો લાવવો જોઈએ કે દિલુકાકા જેવા કર્મચારીઓને આજીવન નિવૃત નહિ કરવાના ! આવા ‘કાકા’ નવરા બેઠા બીજાઓને ‘નડે’ રાખે છે, અને એ તો ઠીક પણ તે મંડળના સભ્યો જોયા ! પેલો નટવર, મારો બેટો આખો દિવસ બધાને પકડી-પકડીને કવિતાઓ સંભળાવે છે, કવિ જેવો દેખાવા માટે એ ઉનાળામાં’ય બંડી અને મફલર પહેરીને રખડે છે, એકવાર એણે મને અને દિલુકાકાને બાનમાં લીધેલા તે બે કલાકે અમે માંડ છટકી શકેલા, મને લાગે છે કે કાકાએ નટવરને લાલચ આપી હશે કે મંડળની બેઠકમાં બધા તેની કવિતા સાંભળશે એટલે કદાચ મંડળમાં જોડાયો હોય !, અને પેલા રામજીભાઈ દૂધવાળા, ૧૮૦૦ રૂપિયાનું દૂધનું બિલ બાકી છે દિલુકાકા પાસે, ઘણા દિવસથી ઉઘરાણી કરે છે પણ કાકા આપતા નથી, “અને પેલા પ્રશાંતની તમને ખબર છે ?” હું આગળ કશું બોલું તે પહેલા જ સેજલે મને ઉતાવળે પૂછી લીધું, “ના, તેનું શું છે ?” મને થોડી નવાઈ લાગી, તે ચહેરા પર સ્મિત લાવતા બોલી “તે પ્રશાંત દિલુકાકાની લતા જોડે પ્રેમમાં છે” “શું વાત કરે છો ? ખરેખર !, ત્યારે મંડળમાં જોડાવવાનું તો ઠીક કદાચ દિલુકાકા પ્રશાંતને કૂવામાં ઝંપલાવવાનું કહે તોમારો બેટો ઝંપલાવી દે, પ્રેમ આંધળો હોય છે તેની સાબિતી, અને આ આંધળો પ્રેમ દિલુકાકાની સંગાથે વધારે રહેશે તો કદાચ લૂલો-લંગડો પણ થઇ જશે, કાકાએ બધા નમૂના ભેગા કર્યા છે”, “એમાં તમે’ય આવી ગયા” સેજલે મજાકના મૂડમાં મને કહી દીધું, “પણ મેં હજુ ક્યાં હા પડી છે !” “તમે સ્પષ્ટ ના પણ ક્યાં પાડી છે !” “તારી વાત તો ખરી, એક બે વાર તો મને ચોખ્ખી ના કહી દેવાની ઈચ્છા થઈ આવી પણ કાકા વિફરશે એ ડરે હું ચૂપ રહ્યો, હવે તુ જ કહે મારે શું કરવું ?” આ ઝંઝટમાંથી છૂટવા મારે સેજલનો અભિપ્રાય લેવો પડ્યો. “ વાતની ચિંતા તમે અત્યારે ન કરો, દિલુકાકા માત્ર આરંભે જ શૂરા છે, બે દિવસ પછી તો તેને ખુદને’ય ખબર નહીં હોય કે તેણે આવું કોઈ મંડળ-બંડળ બનાવ્યું છે કે નહીં” સેજલના આ આશ્વાસનથી મને થોડી રાહત થઈ, છતાં મનમાં ફડક તો હતી જ કે આ દિલુકાકા કયારે શુ કરે તે કહેવાય નહીં !, અનેક વિચારોની ગડમથલમાં ગોથા ખાતા મેં ટુવાલીધો અને બાથરૂમની વાટ પકડી.

કાકા બે-ત્રણ દિવસમાં પોતાનો પ્લાન પડતો મૂકશે એવી આશાને નિરાશામાં ફેરવતા કાકાએ મને સવારે મોબાઈલ મારફતે ઉઠાડ્યો તું ફટાફટ રેલવેટેશનના પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી જા” કાકાએ સીધો હુકમ છોડ્યો, “પણ કાકા અત્યારે.....” હું ગલ્લાતલ્લા કરવા જતો હતો ત્યાં તો કાકાએ સીધી ધમકી આપી “દસ મિનિટમાં અહીં પહોંચ નહીંતર અમે બધા તારે ઘરે આવીએ છીએ” “હું આવું છું કાકા” મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, નક્કી આજ કંઈ અજુગતુ બનશે ! પણ ગયા વગર છૂટકો ન હતો, ત્યાં પહોચીને કશો રસ્તો કાઢીશ એમ વિચારતા જેવું તેવું બ્રશ કરીને હું બહાર નીકળ્યો.

અમારી સોસાયટીની નજીકમાં જ આવેલા રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ભાગ્યે જ કોઈ ટ્રેન આવતી, ક્યારેક માલગાડી ઉભી રહેતી, તે પ્લેટફોર્મનો ઉપયોગ મોટાભાગે માણસો દ્વારા સવારે જોગિંગ કરવા અને છોકરાઓ દ્વારા ક્રિકેટ રમવામાં કે પતંગ ચગાવવા માટે કરવામાં આવતો. દિલુકાકા નિયમિત ત્યાં ચાલવા માટે જતા. હું જયારે ત્યાં પહોંચ્યો ત્યારે બધા મારી રાહ જોઇને ઊભા હતા, મેં બધા સદસ્યો ઉપર નજર ફેરવી, નટવરલાલના ચહેરા પર હજુ ઊંઘની અસર દેખાતી હતી, તેના વાળ અને કપડા અસ્તવ્યસ્ત હતા, તેને ટીંગાટોળી કરીને લાવ્યા હોય એવું લાગતું હતું. રામજીભાઈ દૂધવાળા કશી ઉતાવળમાં લાગતા હતા, તેઓ પણ મારી જેમ અનિચ્છાએ આવ્યા હોય તેવું લાગતું હતું, એકમાત્ર પ્રશાંત પ્રસન્નચિત્ત લાગતો હતો, તેને જોઈને મારા ચહેરા પર રોષ ફરી વળ્યો પણ હું તેને કશું કહું તે પહેલા જ દિલુકાકા ઉતાવળે બોલ્યાં બધા આવી ગયા ! સારું ત્યાં જુઓ” કાકાએ પ્લેટફોર્મ નંબર એક પર ઇશારો કરતાં કહ્યું. અમારા બધાની નજર એ દિશા તરફ દોડી, પ્લેટફોર્મ નંબર એક પર પ્રવાસીઓની ચહેલપહેલ હતી, સાત ને ચાલીસની ગાડી હતી, હજુ અડધો કલાક બાકી હતો તેથી ધીમે-ધીમે પ્રવાસીઓ વધતા જતા હતા. મારી નજર આખા પ્લેટફોર્મ પર ફરી વળી, વચ્ચે એક જગ્યાએ મારી નજર અટકી ગઈ, એક ખૂણામાં ગરમાગરમ ચા બનતી હતી, તપેલીમાંથી ઊઠતી ચાની ગરમ વરાળ દૂરથી પણ ખુશ્બુદાર લાગતી હતી, હું ખુશ થઈ ગયો મારાથી અનાયાસે બોલી જવાયું “એ ચાલો, ત્યાં ચા બને છે” મારી વાતથી રામજીભાઈ અને નટવરલાલના ચહેરા પર ચમક આવી ગઈ અને મારી વાત વધાવી લીધી હોય એમ નટવરલાલ તે દિશામાં બે ડગલા આગળ પણ વધી ગયા, પણ ત્યાં જ કાકા બગડ્યા “શું સવાર સવારમાં મંડી પડ્યા છો ? અહીં ચા પીવા આવ્યા છો ?” અમારા પગ જમીન સાથે જડાઈ ગયા, કાકા પેલી ચાની જેમ ગરમ થઇ ગયા “આપણા દેશના જવાનો ગમે તેવી વિપરીત સ્થિતિમાં, અરે ! પાણીની એક બુંદ પણ ન મળે એવી જગ્યાએ પોતાના પ્રાણના ભોગે આપણી રક્ષા કરે છે અને તમારે અહીં ચાની મહેફીલ માણવી છે ?” શાળામાં શિક્ષક બાળકોને વઢતા હોય અને બાળકો નતમસ્તક સાંભળતા હોય એમ અમે પણ નીચી મૂંડી કરીને સાંભળતાં રહ્યાં, પણ અમારા આ બાલિશ વર્તનથી કાકા વધુ ખીજાયા “હવે ત્યાં જમીનમાં શું શોધો છો ?, ત્યાં જુઓ અમે બધાએ પાછી અમારી નજર પ્લેટફોર્મ પર દોડાવી, પણ ત્યાં જોવાનું શું છે એ તો કહો દિલુભઈ” થોડીવાર આમતેમ નજર દોડાવીને નટવરલાલ બોલ્યા, તેઓને પણ મારી જેમ પ્રવાસીઓ સિવાય કશું નજર આવતું ન હતું. અરે નટવરલાલ ત્યાં જુઓ, પેલી છત સાથે ઘડિયાલ ટીંગાડી છે ને ! તેની બરોબર નીચે સફેદ શર્ટ પહેરેલો વ્યક્તિ અને તેની સાથે એક સ્ત્રી અને પાંચ છોકરાઓ, દેખાય છે ?” કાકાએ આંગળી ચીંધીને કહ્યું. અમારા બધાની નજર ત્યાં સ્થિર થઈ. “એ, હા, હા, એ ભઈને તો જોયા, પણ તેનું શું છે, વગર ટિકિટે જ આવ્યા છે ?” નટવરલાલે તે દિશામાં જોતા જોતા જ બાફ્યું, પણ આ સાંભળીને દિલુકાકાની કમાન છટકી હોય તેમ તેઓ બોલ્યા “અરે નટવર.........લાલ, તમે’ય ખરા છો યાર” પણ આ વાક્ય બોલતી વેળાએ કાકાએ મહાપ્રયત્ને પોતાની જીભ ઉપર અંકુશ રાખ્યો હોય એમ મને લાગ્યું અને આ નટવર અને લાલ વચ્ચેની ખાલી જગ્યામાં ‘નટીયા’ કે ‘ડોબા’ જેવો શબ્દપ્રયોગ કરવાના હતા તેનો પણ મને ખ્યાલ આવી ગયો અને કદાચ આ જ ખ્યાલ નટવરલાલને પણ આવી ગયો હોય તેમ તેના ચહેરાનો રંગ બદલી ગયો, પણ તે કશું આગળ કહે કે કરે તે પહેલાંકાકા બોલ્યા ભાઈ અહીં ટિકિટ અગત્યની નથી પણ એ પુરુષ સાથે પાંચ છોકરાઓ છે તે અગત્યનું છે, જુઓ આપ બધાને અહી એકઠા કરવાનો મુખ્ય ઉદેશ્ય તો આપણા મંડળની પ્રથમ મીટીંગ હતી પણ અહી આવીને મારી નજર પેલા પરિવાર પર પડી, મને શંકા છે કે તે પાંચે’ય છોકરાઓ પેલા દંપતીના જ પુત્રો છે, અને જો આ સાચું હોય તો ચોક્કસ આ કૃત્ય દેશહિત વિરુદ્ધનું ગણાય, પ્રવર્તમાન સમયમાં દેશની મોટી સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ગરીબી છે, આ ગરીબીની જન્મદાત્રી વસ્તીવધારો છે, આજે જ્યારે આપણા દેશમાં કરોડોના ખર્ચે કુટુંબનિયોજન અંગે જનજાગૃતિ અભિયાન ચલાવાય છે એવામાં જો આ દંપતીને પાંચ પુત્રો હોય તો તે અપરાધ કહેવાય, દેશ વિરૂદ્ધ ષડયંત્ર પણ કહી શકાય, પછી મને વિચાર આવ્યો કે આપણા મંડળનું કાર્ય આજથી બલ્કે અત્યારથી જ શા માટે શરૂ ન કરવું ! તેથી મિત્રો, આપણે આ કૃત્યનો વિરોધ કરવો ઘટે” આટલું કહીને કાકા અમારો અભિપ્રાય લેવા અટકી ગયા.

હવે અમે બધા મૂંઝાણા, આ ‘કેસ’ માં કેવી રીતે વિરોધ કરવો અને કઈ વાતનો વિરોધ કરવો એ અમને સમજાતું ન હતું, એટલે મેં જ કાકાને પૂછી લીધું “કાકા આ બાબતમાં આપણે શું કરી શકીએ ?” “એ બધી તો પછીની વાત છે પ્રથમ તો આપણે એ નક્કી કરવું પડે કે પેલા પાંચે’ય છોકરાઓ તે દંપતીના જ છે કે કેમ ! કોઈએ ત્યાં જઈને તપાસ કરવી પડશે” કાકા પ્રશ્નસૂચક દ્રષ્ટીએ અમારી સામે જોવા માંડ્યા, અમો બધા એકબીજા સામે જોવા માંડ્યાં, થોડી ક્ષણો પછી બધાએ મને આગળ ધકેલ્યો, અનિચ્છાએ મેં એ પરિવાર તરફ પગ ઉપાડ્યા. એ પરિવારની બાજુમાં જઈને હું ઉભો રહ્યો, થોડીવાર આમતેમ નજર દોડાવી, પેલા પુરુષે મારી સામે નજર મિલાવી એટલે મેં તરત સ્મિત આપી દીધું, જવાબમાં તેણે પણ મને સ્મિત આપ્યું, મેં આ તક ઝડપી લીધી “ટ્રેન ક્યારે આવશે ?” “હજુ વાર છે, સાતને ચાલીસે” “હમ્મ, બરોબર” મેં પેલા બાળકો સામે જોતા પૂછી લીધું “આપના બાળકો છે ?” જવાબમાં તે ભાઈનો ચહેરો મલકાઈ ઉઠ્યો “હા, પાંચ દીકરા છે” બસ મને જવાબ મળી ગયો, થોડીવાર ત્યાં ઊભા રહીને હું રવાના થયો અને કાકાને માહિતી આપી, માહિતી મળતા જ કાકાએ મંડળની કમાન સંભાળી લીધી “દંપતી શિક્ષિત લાગે છે, વળી પાંચ પુત્રો છે તેથી પુત્રપ્રાપ્તિની ઘેલછા પણ કહી શકાય નહિ તેથી એ વાત તો નિર્વિવાદ છે કે આ ઘટના શરમજનક છે અને આવા કૃત્યના કરનારને સજા મળવી જોઇએ, આપણા મંડળના નિયમો અનુસાર આપણે પ્રથમ સમજાવટથી કામ લેવાનું છે પરંતુ આ બાબતમાં હવે સમજાવટનો કશો અર્થ સરતો નથી, તેથી તે વ્યક્તિએ પોતાના કૃત્ય બદલ જાહેરમાં માફી માંગવી પડશે અને એક માફીપત્ર લખી આપવું પડશે અને જ્યાં સુધી તે માફીપત્ર લખી ન આપે ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે” કાકાએ જુસ્સાભેર ટૂંકું ભાષણ ઠોકી દીધું. હવે હું ગભરાયો, આ માફીપત્ર મારામારી સુધી પહોંચે તો !, મેં તે પરિવારનો ક્યાસ બરોબર કાઢ્યો હતો, તે પુરુષના માથા ઉપર થોડી સફેદી હતી પણ તે હટ્ટોકટ્ટો અને પાંચને પૂગી વળે એવો લાગતો હતો, પાંચ પુત્રોને જન્મ આપ્યા પછી પણ તેની પત્ની હજુ તંદુરસ્ત લાગતી હતી, તેનો મોટો પુત્ર આશરે તેર-ચૌદ વર્ષનો, એથી નાનો અગિયાર વર્ષનો એ પછીના અનુક્રમે દશ, આઠ અને સાત વર્ષના લાગતાં હતા. એ બધા મજબૂત બાંધાના અને સશક્ત લાગતા હતા. આ બાજુ અમારા મંડળમાં દિલુકાકા અને નટવરલાલ ઉમરલાયક કહી શકાય, મને છુટાહાથની મારામારીનો કોઈ પૂર્વાનુભવ ન હતો, રામજીભાઈ અને પ્રશાંત થોડી ઝીંક ઝીલી શકે તેમ લાગતું હતું પણ સામો પક્ષ સંખ્યાબળની દ્રષ્ટિએ અમારા કરતાં મજબૂત હતો. મારું મન કહેતું હતું કે આ પરિવાર પાસે માફીનો આગ્રહ રાખવો હિતાવહ નથી, પણ હું એ મૂંઝવણમાં હતો કે આ વાત કાકાને કહેવી શી રીતે, ત્યાજ નટવરલાલ મારી પાસે આવીને એકદમ ધીમા સ્વરે કહેવા લાગ્યા “ભઈલા આ તારા કાકાને જરા સમજાવને, તેનો આ માફીનો આગ્રહ વિગ્રહમાં પરિણમશે એવી મને આશંકા છે” નટવરલાલ પણ મારી જેમ જ ગભરાયેલા લાગતાં હતા. “આપ વડીલ છો, મારા કરતા તમે વધારે સારી રીતે કાકાને સમજાવી શકશો, તમે શરૂઆત કરો હું આપને સાથ આપું છું” મેં નટવરલાલને આગળ કર્યા, તેણે થોડી ક્ષણો કશો વિચાર કર્યો પછી કાકા તરફ ફર્યા “દિલુભઈ મને લાગે છે કે પેલા ભઈની માફી હવે અહી અસ્થાને છે અને આમ પણ હવે તે પરિવાર સંખ્યાની દ્રષ્ટિએ આગળ વધે એમ લાગતું નથી, માટે આ વાત આપણે અહી પડતી મૂકવી જોઈએ”, આ સાંભળીને કાકા રોષપૂર્વક થોડા મોટા અવાજે બોલ્યા અપરાધી છે તે વ્યક્તિ, અને જો આપણે ચૂપ બેસી રહીશું તો બીજાઓને આવો ગુનો કરવાની દુષ્પ્રેરણા મળી રહેશે અને ગુના તરફ આંખ આડા કાન કરનાર પણ ગુનેહગાર કહેવાય”, નટવરલાલ ચૂપ થઇ ગયા અને મારી સામે જોવા લાગ્યા પણ કાકાનું આવું રૂપ જોઈને હું કશું બોલવાની હિમ્મત કરી શક્યો નહિ, કાકાએ આગળ ચલાવ્યું “અને આમ પણ ઘણું મોડું થઇ ગયું છે, ટ્રેન આવે તે પહેલા તે વ્યકિતનું માફીપત્ર આવવું જરૂરી છે, આ સમય કાર્ય કરવાનો છે માટે ચાલો મારી સાથે” આટલું કહેતા કાકા એ પરિવાર તરફ ઉતાવળે આગળ વધ્યા. પ્રશાંત કાકા સાથે જોડાયો, રામજીભાઈ બે ડગલા ચાલીને અમારી સામે જોતા થોડી ક્ષણો ઊભા રહી ગયા, પછી દિલુકાકા પાછળ દોરવાયા, અમે અસમંજસમાં હતા, અમારા પગ એ દિશા તરફ જવાની ના પાડતા હતા. પણ ત્યાં તો કાકા થોડે દૂરથી અમારી ઉપર બરાડ્યા “હવે ત્યાં શું કરો છો ? ચાલો !”, “એ હા ! આવ્યા” હું ઝડપથી કાકા તરફ ચાલ્યો, મારી પાછળ નટવરલાલ પણ દોરવાયા.મને પરસેવો વળી ગયો, હું અહીથી છટકી જવાના ઉપાયો વિચારવા લાગ્યો પણ આ કટોકટીના સમયે મારું મગજ જામ થઇ ગયું, અને કાકા પણ જાણે અમારા માટે કોઈ છટકબારી છોડવા માંગતા ન હોય એમ ખૂબ ઝડપથી ચાલતા હતા.

“એય મિસ્ટર, આ બધું શું છે ?” કાકાએ પહોચતા વેત પેલા વ્યક્તિને કડક શબ્દોમાં પ્રશ્ન કર્યો. અમને આમ અચાનક સામે ઉભેલા જોઈને પેલો વ્યક્તિ થોડી ક્ષણો ગભરાઈ ગયો.

“શું થયું ? મેં શું કર્યું ?“ અમારી અચાનક ઉપસ્થિતિ અને અમે ક્યાં વિષય પર વાત કરીએ છીએ તે અંગે તે વ્યક્તિ કશું સમજી શકતો ન હતો, તેની પત્ની અને બાળકો પણ તેની બાજુમાં ઊભા રહી ગયા, હું હળવેથી પાછળ સરકી ગયો, રખેને પેલો પુરુષ મને ઓળખી જાય તો !.

“તમારે માફી માંગવી પડશે !” કાકાએ પોતાનો રાગ ચાલુ રાખ્યો.

“પણ શેની માફી ?, અને તમે કોણ છો ?” પેલા વ્યક્તિને હજુ કશો ફોડ પડતો ન હતો.

“અમે વ્હીસલ બ્લોઅર નામના મંડળના સભ્યો છીએ. અમારા મંડળનું કામ દેશહિતની રક્ષા કરવાનું છે. આજે જયારે આપણા દેશમાં વસ્તીવધારાની સમસ્યા મો ફાડીને ઉભી છે એવા સમયમાં તમે પાંચ પાંચ સંતાનોને જન્મ આપીને રાષ્ટ્ર સાથે દ્રોહ કર્યો છે અને આ દ્રોહ માટે તમારે જાહેરમાં માફી માંગવી પડશે !” કાકા ઊંચા અવાજે બોલ્યા.

“એય ડોસા શું બકે છો, ચાલતો થા અહીંથી નહીતર જોયા જેવી થશે“ પેલો પુરુષ કશું કહે કે કરે તે પહેલા તેની પત્નીની કમાન છટકી હોય તેમ તે મેદાનમાં કૂદી પડી, કુતૂહલથી બીજા પ્રવાસીઓ અમને ઘેરી વળ્યા, ટોળું ભેગું થતા હું ડરીને બે ડગલા પાછળ હટી ગયો.

“એ બેન, તમે અમારા પ્રમુખ સાથે આમ અસભ્ય ભાષામાં વાત ન કરી શકો, પ્રથમ એમની માફી માંગો” પ્રશાંતે વચમાં ઝંપલાવી દીધું.

“તુ ચૂપ મર માફીવાળીના, અને એ’ય ડોસા તને શરમ નથી આવતી આ ઉમરે આ વાંદરા જેવાઓને લઈને બૈરાઓ સામે આવી વાત કરે છો ?” પેલી સ્ત્રીએ ગુસ્સામાં પ્રશાંત અને નટવરલાલ સામે ઈશારો કરતા કહ્યું. પોતાને જાહેરમાં વાંદરો કહેવામાં આવ્યો છે તેની પ્રતીતિ થતા જ મારી આગળ ઉભેલા, શાંત પ્રકૃતિના નટવરલાલના શરીરમાં જાણે કોઈ યોદ્ધાનો કાયાપ્રવેશ થયો હોય એમ તેઓ અત્યંત આવેશમાં બરાડી ઉઠયા “શું બોલી તુ ?” મે નટવરલાલનું આવું રૂપ ક્યારેય જોયું ન હતું, મે તેમના ખંભા પકડીને તેઓને પાછા વાળવાની કોશિશ કરી જોઈ પણ તેઓ જાણે કેસરિયા કરવા તત્પર થયા હોય એમ ખંભાથી જ મને પાછળ ધકેલી પેલી સ્ત્રી તરફ ઘસી ગયા “એ’ય મૂર્ખ સ્ત્રી, તારી જીભને અંકુશમાં રાખ, તારે તારા શબ્દો પાછા ખેંચવા પડશે નહીતર અહી રણશીંગા ફૂંકાશે”. નટવરલાલે કરેલા શબ્દપ્રયોગથી પેલી સ્ત્રી અત્યંત ઉશ્કેરાઈ ગઈ, તેણીએ રૌદ્ર રૂપ ધારણ કરીને “પાછા ખેંચવાવાળીના” કહેતા નટવરલાલને મફલર ખેંચીને પોતાના તરફ ખેંચી લીધા અને જડબામાં બે જડાવી દીધી, અમારી ઉપર થયેલા આ અણધાર્યા હુમલાથી થોડીવાર અફરાતફરી મચી ગઈ. દિલુકાકા ડઘાઈ ગયા. આ ઘટના ઘટી એની સાથે બીજી બે ત્રણ ઘટનાઓ ઘટી ગઈ, જ્યારે પેલી સ્ત્રીએ નટવરલાલને તેના મફલરથી પોતાના તરફ ખેંચ્યા ત્યારે પ્રશાંતે ચીસ પાડીને પેલી સ્ત્રીનો હાથ પકડ્યો, પ્રશાંતની આ ચેષ્ટાથી પેલી સ્ત્રીના પુત્રો ઉછળ્યા હતા અને તેઓ પ્રશાંત ઉપર તૂટી પડ્યા હતા, રામજીભાઈ અને પેલા પુરુષ વચ્ચે ઝપાઝપી થઇ હતી, રામજીભાઈએ યેનકેન પ્રકારે પેલા પુરુષના હાથમાંથી પોતાના શર્ટનો કાંઠલો છોડાવીને દોટ મૂકી હતી, જ્યારે મારી નજર રામજીભાઈ પડી ત્યારે તેઓ રેલવેના પાટા ઠેકતા ઠેકતા નાસી જતા હતા. આ બાજુ પ્રશાંત અને નટવરલાલ ઉપર બીજા પ્રવાસીઓ પણ હાથ સાફ કરવા માંડ્યા હતા, ટોળાની વચ્ચે ફસાઈ ગયેલા એ બંનેના ચહેરા મને નજર આવતા ન હતા માત્ર પ્રહારોનો અવાજ અને દર્દની ચીસો સંભળાતી હતી. ડઘાઈ ગયેલા દિલુકાકા ક્યાંય નજરે આવતા ન હતા. ત્યાજ મારી નજર પેલા પુરુષ સાથે ટકરાઈ, તે મારી તરફ જ ઘસી આવતો હતો,

જો આની હટફેટે ચડી જઈશ તો લેવાદેવા વિનાનો હું નવાણિયો કૂટાઈ જઈશ એ ડરે હું જીવ બચાવીને ભાગ્યો, હું ભાગતો હતો ત્યારે મે મારી આગળ દિલુકાકાને દોડતા જોયા, મે તેમને રાડ પાડી પણ કોલાહલમાં તેઓ મારો અવાજ ઓળખી શક્યા ન હોય કે કોઈ બીજા કારણોસર હોય, રાડ સાંભળીને તેઓએ પોતાની ગતિ વધારી દીધી, મે મારી ગતિ વધારી છતાં હું તેમને આંબી શક્યો નહિ, તેજ ગતિએ તેઓ પ્લેટફોર્મની બહાર નીકળી ગયા, યુદ્ધમાં હાર ભાળીને સૈનિકો જેમ જીવ બચાવીને નાસી છૂટે તેમ અમો પણ નાસી છૂટ્યા, જો કે અહી અમને હાર કરતા મારનો ડર વધારે લાગ્યો હતો.

આમ દિલુકાકાના મંડળનું પ્રથમ ગ્રાસે મક્ષિકા થયું, પણ મને હજુ કયારેક વિચાર આવે છે કે દિલુકાકાએ ખરેખર દેશહિત માટે મંડળ બનાવ્યું હતું કે કેમ ?, શક્ય છે કે દિલુકાકાને પ્રશાંત અને લતાના પ્રેમની ખબર પડી ગઈ હોય તેથી કાકાએ પ્રશાંતને પરબારો લમધારી નખાવ્યો હોય, નટવરલાલની કવિતા અને રામજીભાઈની ઉઘરાણીથી ત્રાસેલા દિલુકાકાએ આવું લાંબુ પ્લાનીંગ તો નહિ કર્યું હોય ને ! અને જો આવું હોય તો પછી દિલુકાકાએ મને શા માટે સાથે લીધો હતો એ વિચારે જ હું ભયભીત થઇ ઉઠું છું.

અસ્તુ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED