Nava Padoshi - 1 books and stories free download online pdf in Gujarati

નવા પાડોશી

‘હવે થોડા દિવસો પછી નવા પાડોશી આવવાના છે’ પત્નીએ સમાચાર આપ્યા.

‘ક્યાં ?’

‘ક્યાં તે વળી આપણી બાજુમાં, આટલામાં આપણી બાજુવાળું મકાન જ ખાલી છે.’

‘હં, આકાશવાણીમાં આવ્યું કે ?’ મેં હાથ લૂછતાં પૂછ્યું.

‘ના, હું શાક લેવા ગઈ હતી ત્યાં પેલા પાંચમી ગલીવાળા શીલાબેન મળી ગયા, તેમના કોઈ દૂરના સંબંધી આપણી બાજુમાં રહેવા આવે છે.’ પત્ની જમવાનું પીરસતા બોલી.

‘સારું’ મેં વાત પતાવવાના આશયથી જમવાની શરૂઆત કરી. પણ પત્નીને સોસાયટીમાં ઘટતી તમામ ઘટનાઓની રજેરજ માહિતી મને આપવાની સુટેવ તેથી મને જાણવા મળ્યું કે પેલી પાંચમી ગલીવાળી શીલાના કોઈ દૂરના ભાઈની અહિયા બદલી થઇ છે અને એ અમારી બાજુના મકાનમાં ભાડે રહેવા આવે છે, સારા માણસો છે, પૈસાદાર છે, વળી પાછા સ્વભાવના પણ સારા છે વગેરે વગેરે...

હું ચુપચાપ જમતો હતો પણ મુખ અને કાન બેઉથી સતત આવકને કારણે મારું પેટ જલ્દી ભરાઈ ગયું, જમીને હું સોફા પર બેઠો કે તરત પત્ની મુખવાસ આપતા બોલી ‘સારું કહેવાય નહિ ? સારા પાડોશી હોય તો ક્યારેક ....’

‘હં, હા, ક્યારેક ખપ લાગે’, મેં પત્નીની હા માં હા મિલાવી. હું આ વાતથી પીછો છોડાવવા છાપું લઈને સોફામાં આડો પડ્યો. અત્યાર માટે આટલું પૂરતું છે એવું જ કંઈક વિચારતી પત્ની કામ આટોપવા રસોડામાં ચાલી, સામેની બારીમાંથી સરસ હવા આવતી હતી, હવે મને સારું લાગતું હતું.

અમારી બાજુનાં મકાનના મૂળ માલિક તો માધવભાઈ હતા, આ માધવભાઈ સાત મહિના પહેલા પરલોકની જાત્રાએ ઉપડી ગયા. તેના બેઉ ફરજંદ મુંબઈ સેટ થયા હોવાથી અહીનું મકાન ઘણા સમયથી ખાલી હતું. તેના એક સગાને દેખરેખ માટે મકાનની ચાવી આપી હતી. અમારી સોસાયટી રહેવા માટે સારી, માણસો પણ સારા અને બને ત્યાં સુધી બધા હળીમળીને રહે.

રવિવારની સવારે હું આરામ ખુરશીમાં ચા પીતા પીતા છાપું વાંચતો હતો ત્યાં તો ગલીમાં મોટા વાહનનો અવાજ આવ્યો, મેં બહાર આવીને જોયું તો બાજુનાં મકાન પાસે સામાન ભરીને ટ્રેક્ટર આવ્યું હતું. એક મહિલા બે મજૂર જેવા લાગતા પુરુષોને સામાન ઉતારવા બાબત સૂચના આપતી હતી. મને મનમાં પ્રશ્ન થયો કે પેલા મજૂર જેવા લાગતા પુરુષોમાંથી એકાદ આ મહિલાનો પતિ હશે કે કેમ ? કારણ કે ઘર બદલવા કે દિવાળી જેવા પ્રસંગોએ બધા પતિઓની હાલત મજૂર જેવી થઇ જાય છે.

‘શું છે ?’ પત્નીએ મારી પાછળ ઉભા રહેતા પૂછ્યું.

‘આ તમારા નવા પાડોશી.’ મેં અમસ્તા જ કહ્યું.

‘તેઓ આજ આવવાના જ હતા, બે દિવસ પહેલા તેઓ ઘરની સાફસફાઈ કરી ગયા’.

‘તને બધી માહિતી લાગે છે !’

‘તે હોય જ ને ! આપણા પાડોશી છે, મને તો તેઓના નામની પણ ખબર છે રૂપેશભાઈ અને દક્ષાબેન, અને એ પણ ખબર છે કે તેને એક દસ વર્ષનો બાબો છે જે તેના દાદા પાસે રહીને ભણે છે’ પત્ની ઉત્સાહપૂર્વક બોલી ગઈ. મને મનમાં લીલાકાકી યાદ આવી ગયા. અમારી ગલીના નાકે રહેતા ધીરજકાકા અને લીલાકાકી સાથે બધાને સારું બનતું. અમે બધા લીલાકાકીને તેની ગેરહાજરીમાં ‘આકાશવાણી‘ કહેતા, કારણ કે લીલાકાકીને આખી સોસયાટીની તમામ ખબર રહેતી, ક્યાં, કેમ, કોણ, કેવી રીતે, વગેરે જેવા બધા ‘ક’ થી શરૂ થતા પ્રશ્નોના જવાબ તેમની પાસેથી મળી રહેતા.

સામાન મકાનમાં લઇ જતા મજૂરના હાથમાં મેં ‘હાર્મોનિયમ’ જોયું, મને પહેલીવાર આ નવા પાડોશી પ્રત્યે માન ઉપજ્યું. આમતો સંગીતના ‘સ’ માં પણ મને ખબર નથી પડતી પણ સાહિત્ય અને સંગીત સાથે સંકળાયેલી વ્યક્તિ પ્રત્યે હંમેશા મને માન ઉપજે. આ નવા પાડોશીને એકવાર ચોક્કસ મળવું એવું મનોમન વિચારતો હું ઘરમાં આવ્યો.

બીજા દિવસે વહેલી પરોઢે ભયંકર રડવા જેવા –ચીસો જેવા અવાજ સાંભળીને અમે પતિપત્ની પથારીમાંથી ઉછળીને સફાળા જાગી ગયા. પેલા અવાજોથી ગભરાઈને પત્ની ચીસ પાડીને પલંગ પર જ ઠેકડા મારવા લાગી, સાવ આછા અજવાળામાં પલંગ પર આમ ઊંચીનીચી થતી આકૃતિ જોઈને હું ડરનો માર્યો પલંગ પરથી ગબડીને નીચે પડ્યો, મને પલંગ પરથી નીચે પડતો જોઈને પત્નીએ બીજી ચીસ પાડી, આ દરમ્યાન પેલા રડવા જેવા કર્કસ અવાજ તો ચાલુ જ હતા. હું ગભરાઈને ‘શું થયું ! શું થયું ! કોણ છે ?’ બોલતો લાઈટની સ્વીચ ચાલુ કરવા ફાફા મારવા માંડ્યો, એકાએક ઓરડામાં પ્રકાશ ફેલાઈ ગયો. સામે નજર કરી તો પત્ની પલંગ ઉપર હાથમાં રજાઈનો ગોટો વાળીને ઉભી હતી, તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, હું પણ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. થોડીવારે મારો શ્વાસ હેઠો બેસતા મેં પત્નીને પૂછ્યું ‘’શું થયું ? તુ ચીસો શા માટે પાડે છો ? અને અત્યારે આ રડવા જેવા અવાજો ક્યાંથી આવે છે ?. ‘એજ તો....મને એમ કે કોઈ ચોર આપણા રૂમમાં ઘૂસી આવીને તમને ફટકારે છે એટલે તમે આવી રડવા જેવી ચીસો પાડો છો, તેથી મેં પણ ચીસો પાડી’ પત્નીએ જવાબ આપ્યો. મારે પત્નીને શું કહેવું તે ખબર ન પડી. મેં પેલા અવાજનો પીછો કર્યો, અવાજ ઓરડાના એક ખૂણામાં મૂકેલી બારી તરફથી આવતો હતો, મેં બારીમાં ડોકિયું કર્યું તો બાજુના મકાનના ઓરડામાં જેની બારી પણ અમારી બારી સામેજ હતી ત્યાં પેલો નવો પાડોસી પલંગ પર હાર્મોનિયમ રાખીને મંડી પડ્યો હતો. મેં ઘડીયાલમાં જોયું, પોણા છ વાગ્યામાં પેલો રૂપેશ ભાંભરતો હતો અને તેનું હાર્મોનિયમ બચાવો બચાવોની બૂમો પાડતું હતું. મેં બારી વ્યવસ્થિત બંધ કરી અને પત્નીને ગુસ્સાથી કહ્યું ‘આ જો તારો પાડોશી ! અત્યારમાં મંડી પડ્યો છે !’ ‘પણ એમાં હું શું કરું ?’ પત્નીએ પોતાનો બચાવ કર્યો. બારી બંધ કરી છતાં અવાજમાં બહુ ફર્ક પડ્યો નહિ, એકધારો અડધો કલાક એને સહન કરવો પડ્યો, ઊંઘ તો પછી શેની આવે ! દિવસની શરૂઆત આ રીતે થતા હું અને શ્રીમતી બન્ને અપસેટ થઇ ગયા, ધૂંધવાતા મગજે રોજની દૈનિક ક્રિયાઓ કરી હું ઓફિસ જવા નીકળ્યો.

સાંજના ઓફિસથી પાછો આવ્યો ત્યારે ઘરમાં એક યુગલ બેઠું હતું. એજ હતા, રૂપેશ અને દક્ષા. એમને જોતા જ મને સવારની ઘટના યાદ આવી ગઈ, મારા હાથમાં કંઈક અદભુત ચેતન આવ્યું, ત્યાંજ પેલાએ હાથ જોડીને પૂછ્યું ‘કેમ છો ?’ ‘સારું છે, તમે કેમ છો ?’ તેઓની સામે બેસતા મારે પણ વિવેક કરવો પડ્યો. શ્રીમતીએ વધેલી ઠંડી ચા મને પધરાવી, મેં રૂપેશનું નખશિખ નિરીક્ષણ કર્યું. વાત અને વર્તનથી તો રૂપેશ સારો અને સંસ્કારી લાગતો હતો. વાતો દરમ્યાન મારી નજર તેના ગળા પર સ્થિર થઇ, પહેલા ક્યારેય નહોતી થઇ એવી એક વિચિત્ર વૃતિ થઇ આવી, થોડી ઔપચારિક વાતો કરી તેઓ પોતાના ઘરે ચા-પાણીનું નિમંત્રણ આપી વિદાય થયા.

‘આમને શા માટે બોલાવ્યા હતા ?’ મેં ચીડ સાથે પત્નીને પૂછ્યું.

‘મેં નથી બોલાવ્યા, એ લોકો સામેથી આવ્યા છે.’ પત્નીએ બચાવ કર્યો..

‘એમ કોઈ ગમે તેના ઘરમાં ઘૂસી ન જાય’ મેં સામી દલીલ કરી.

‘અરે એવું નથી, બપોરે દક્ષાબેન હથોડી લેવા આવ્યા હતા, ત્યારે તેને આપણો કબાટ ગમી ગયો, તેને પણ આવો કબાટ બનાવવાની ઈચ્છા થઇ એટલે અત્યારે એ રૂપેશભાઈને કબાટ બતાવવા આવી હતી, આપણા ઘરે કોઈ આવે તો થોડો વિવેક તો કરવો પડેને !, થોડી વારે તમે આવ્યા’. પત્નીએ કહ્યું.

‘હં, હથોડી પાછી આવી ?’ મેં પૂછ્યું.

‘ના, હજુ નથી આવી’

‘હથોડી એમ થોડી પાછી આવે ? તેને તેડવા જવી પડશે’ હું આગળ હજુ બોલવા જતો હતો ત્યાજ શ્રીમતીએ મને ટોકતા કહ્યું ‘હવે મૂકોને ! હથોડી આપી જશે એ’. મારે ચૂપ થઇ જવું પડ્યું..

મોડી સાંજે જમવા સમયે શ્રીમતીએ માંડીને વાત કરી, દક્ષાબેન પણ રૂપેશના પેલા ગાયનના વળગાડથી ખૂબજ પરેશાન છે. દક્ષાબેને જણાવ્યું કે રૂપેશને આ વળગાડ છેલ્લા એકાદ વર્ષથી જ ચોટ્યું છે. શરૂઆતમાં જ દક્ષાબેને રૂપેશને આ શોખ છોડી દેવા કહ્યું હતું પણ રૂપેશે ‘સંગીત તો મારા માટે પ્રાણવાયુ છે, સંગીતમાં તને શું ખબર પડે !’ એમ કહીને ચૂપ કરાવી દીધી. તે પછી રૂપેશનું આ ભૂત ઉતારવા દક્ષાબેને ઘણા પ્રયત્નો કર્યા પણ ‘આ રૂપલો રોકાતો નથી !’ તે તેના આ શોખ પાછળ ગાંડો થઇ ગયો છે. રૂપેશની બીજી કોઈ માથાકૂટ નથી પણ જયારે તે રિયાજ કરવા બેસે છે ત્યારે ભલભલા ભાગી જાય છે. દક્ષાબેને રડમસ અવાજે રૂપેશના આ વળગાડનો કોઈ ઈલાજ હોય તો આપજો એમ પણ કહ્યું છે. મને દક્ષાબેનની દયા આવી, સાથે એ શંકા પણ થઇ આવી કે રૂપેશની બદલી પાછળ તેના પડોશીઓનો હાથ હશે ! બીજી એક પાકી ખાત્રી એ પણ થઇ ગઈ કે આ રૂપેશના બાપદાદાને સંગીત સાથે નાવા–નીચોવાનો પણ સંબંધ નહિ હોય.

એક મહિનામાં તો આ નવા પાડોશીને કારણે અમારી સ્થિતિ કોઈએ ફોડી નાખી હોય એવી કફોડી થઇ ગઈ, હવે તો રૂપેશ વહેલી સવારની સાથે સાંજે પણ રિયાજ કરવા માંડ્યો હતો. અમારી હાલત સવાર સાંજ નિયમિત દવા લેતા દર્દી જેવી થઇ ગઈ. પેલાના રિયાજની બીકે વહેલી સવારે અમારી ઊંધ ઉડી જતી અને પછી તેની ચીસો સાંભળીને ચા સાવ કડવી લાગતી અને નાસ્તો કરવાનું મન મરી જતું. સાંજે પાછા પેલાના બરાડાની અસરને કારણે જમવાનું ભાવતું નહિ ને મોડે સુધી ઊંધ આવતી નહિ, અમારા જીવનમાં આવેલા આ અણધાર્યા વાયરાને પરિણામે મારા પત્નીના વાણી-વર્તનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવી ગયું, તે શાક–બકાલું સમારતી હોય ત્યારે ચપ્પુને જોશથી પકડતી અને આંખોમાં ખુન્નસ ઉભરાઇ આવતું. રસોઈમાં પણ મીઠું-મરચાની વધઘટ થવા માંડી. કપડાને ધોકા મારવાની ક્રિયા પણ આક્રમક બની ગઈ. પેલાની અસહ્ય મ્યુઝીક થેરાપીને કારણે શ્રીમતીનો સ્વભાવ ચીડિયો થઇ ગયો તેથી તે વાતે વાતે મને ફૂટબોલ બનાવવા માંડી, હવે પેલી દક્ષા કોઈ વસ્તુ માંગવા આવે તો શ્રીમતી ચોખ્ખી ના પાડી દેતી. દક્ષાબેન અને રૂપેશભાઈ ને બદલે તે હવે દક્ષી અને રૂપ્લો ઉપર આવી ગઈ હતી. એક સાંજે પેલાનો રિયાજ ચાલુ હતો તે દરમ્યાન પત્ની ખુલ્લા ચપ્પુ સાથે ઘરની બહાર નીકળી ગઈ, મને ફાળ પડી, મહામુસીબતે હું તેને ઘરમાં પાછી ખેંચી લાવ્યો. જો કે મને પછી ખબર પડી કે તે ચપ્પુની ધાર કઢાવવા જતી હતી. મારી સાથે પણ ઝઘડી ન શકતી મારી પત્નીને શાકવાળા અને દૂધવાળા સાથે ઝઘડી પડ્યાનું મેં જ્યારે સાંભળ્યું ત્યારે મારી ચિંતા ખૂબજ વધી ગઈ.

જો કે સ્થિતિ તો મારી પણ ક્યા સારી હતી ! સવાર-સાંજ એમ બે વખત કાનમાં આંગળી નાખવાને કારણે કાનના છિદ્રો પહોળા થઇ ગયા પરિણામે પેલાના બરાડા વધારે સ્પષ્ટ સંભળાવા માંડ્યા. પૂરતી ઊંઘ ન થવાથી દિવસ દરમ્યાન ઘણીવાર હું અર્ધજાગ્રત અવસ્થામાં રહેવા લાગ્યો અને આવી અવસ્થામાં પેલા રૂપેશને હું જાહેરમાં ફટકારતો હોઉં તેવા દિવાસ્વપ્ન જોવા લાગતો. આવા ગમતા સ્વપ્નને કારણે હું મનોમન બહુ ખુશ થતો, આવા જ એક દિવાસ્વપ્નને કારણે હું એકલો એકલો હસી પડ્યો ત્યારે શ્રીમતી મને જોઈ ગઈ, પણ તેના મનમાં કોઈ બીજી શંકા થઇ હોય કે બીજા ગમે તે કારણોસર તેણે ઘરમાં રહેલી તમામ હથોડી, લાકડી, દસ્તો વગેરે જેવી ત્વરિત હથિયાર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓ આસાનીથી ન મળે તેવી જગ્યાએ ગોઠવી દીધી. રૂપેશનો રિયાજ પૂરો થાય પછીની દસ મિનીટ અમો પતિપત્ની એકબીજા સામે જોવાનું ટાળતા, ખીજ કે રોષમાં શું થઇ જાય કોને ખબર !, મને જુના ગીતો સાંભળવા ગમતા પણ હવે ટીવીમાં કે બીજે ક્યાંય પણ પેલી ‘પેટી’ દેખાય કે તરત મારી લોહીની ગતિ વધી જતી. ઓફિસે પણ મન લાગતું નહિ, સતત વ્યગ્ર રહેવાને કારણે ઓફીસના બે ત્રણ મિત્રો ‘હોય યાર, જતુ કરાય, પત્ની સાથે ઝઘડા તો ચાલ્યા કરે‘ તેમ કહીને મને દિલાસો આપી ગયા તો બીજા મિત્રો શેરબઝાર વિષે પૂછી ગયા.

રોજના ત્રાસથી કંટાળીને એક દિવસ મેં આડકતરી રીતે રૂપેશ સાથે આ બાબત વાત કરી જોઈ પણ એણે મારી સામે સંગીતપુરાણ ખોલ્યું તેથી મારે ભાગવું પડ્યું, વચમાં એક દિવસ હું મારા દરવાજે ઉભો હતો ત્યારે રૂપેશે ‘કેમ છો’ પૂછ્યું, જવાબમાં મેં ગાંડાની માફક તેની સામે આંખો ફાડીને જોયા કર્યું, રૂપેશ થોડો ભયભીત થઇને ઘરમાં ચાલ્યો ગયો હતો. એક દિવસ રૂપેશ રસ્તામાં ગબડી પડ્યો, મેં કોઈ સજ્જનને શોભે નહિ તેમ મોટેથી રૂપેશ સામે અટ્ટહાસ્ય કર્યું હતું, રૂપેશ થોડીવાર મારી સામે રોષપૂર્વક જોઈ રહ્યો પણ પછી મારૂ વર્તન શંકાસ્પદ લાગતા એ રવાના થઇ ગયો હતો. જો કે આવી બે ત્રણ ઘટનાઓ પછી તેના રિયાજની તીવ્રતા વધી હોય એવું મને લાગ્યું, આ રૂપેશ સમજવાનો નથી એની મને પાકી ખાત્રી થતા મેં બીજા પાડોશીને મારી તકલીફ જણાવી પરંતુ તેઓને મારા જેટલી મુશ્કેલી નહોતી તેથી તેઓ તરફથી ઠંડો પ્રતિભાવ મળ્યો. મારું અને રૂપેશનું મકાન અડોઅડ હતું, બીજુ મારી અને તેની બારી વચ્ચે માત્ર એક ત્રણ ફૂટની ઉંચી દીવાલ હતી તેથી સ્વાભાવિક રીતે અમને વધુ ત્રાસ થતો. રૂપેશના ગળામાંથી વહેતા રહેતા રાગ ભયાનકને કારણે મારા ચહેરા પર થાક, ચિંતા, વ્યગ્રતા, ગુસ્સો અને વધેલી દાઢી નજરે પડવા લાગી અને એમાં પણ જ્યારે મને એ જાણવા મળ્યું કે આખો દિવસ મારા ઘરના ઓટલા પાસે બેસી રહેતો કૂતરો પણ રૂપેશના રિયાજના સમયે હિજરત કરી જાય છે ત્યારે મારી પરિસ્થિતિ અસહ્ય થઇ ગઈ.

અંતે એક દિવસ રૂપેશના રિયાજ પછી પત્નીએ મને ચોખ્ખું સુણાવી દીધું ‘બસ હવે, બહુ થયું આ બલાનું કૈક કરો નહીતર હું મારી મમ્મીને ઘેર ચાલી જઈશ’ હું પણ થાક્યો હતો, મને પણ લાગતું હતું કે હવે તો ‘યુદ્ધ એજ કલ્યાણ’ મારી જગ્યાએ શાંતિપ્રતિક સમા પૂર્વ વડાપ્રધાન મનમોહનજી હોત તો તેઓએ પણ યુદ્ધ જાહેર કરી દીધું હોત. અમો પતિપત્ની આ બલાથી પીછો છોડાવવાના વિવિધ ઉપાયો શોધવા લાગ્યા, અમોએ આ સમસ્યાના કેટલાક ઉકેલ શોધી કાઢ્યા જેવા કે....

રૂપેશ સાથે આ બાબત સ્પષ્ટ વાત કરી શકાય અને તે ન માને તો તેની સાથે ઝઘડો કરી શકાય.

તે રિયાજ કરતો હોય ત્યારે તેના ઘર પર પથ્થરના ઘા કરી શકાય.

પોલીસ ફરિયાદ કરી શકાય.

તેની સાસુ તેની સાથે રહેવા આવે તેવી વ્યવસ્થા કરી શકાય.

તેને માનસિક ત્રાસ દેવો જેમ કે તેની સામે જોઈને મોટેથી હસવું, ખોટા મોબાઈલ ફોન કરવા, પત્રો લખવા, સ્કૂટરની હવા કાઢી નાખવી વગેરે.

તેનું ગળું ખરાબ થઇ જાય તેવા ઉપચાર કરવા.

તેનું હાર્મોનિયમ ગુમ કરી દેવું કે તેમાં ઇલેક્ટ્રિક પાવર ફીટ કરી દેવો.

તેના બોસ તરફથી દબાણ લાવી શકાય.

ભાડૂતી માણસો રોકીને તેને માર મારી શકાય.

તેના પુત્રનું અપહરણ કરી ખંડણી પેટે ......

સતત એક-દોઢ કલાકની મથામણ પછી પણ અમો આ આફતનો એક પણ વ્યવહારૂ ઉકેલ શોધી શક્યા નહિ, હવે અમો માત્ર ભગવાન ભરોસે હતા અને એ દયાળુને મારી દયા આવી હોય એમ એ દિવસે મારો જૂનો મિત્ર મહેશ મને મળવા આવ્યો......

( વધુ આવતા અંકે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED