૨૦ માઈક્રોફિક્શન વાર્તાઓનો સંપુટ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૦ માઈક્રોફિક્શન વાર્તાઓનો સંપુટ

માઈક્રોફિક્શન વાર્તા ૧ :

નગરના છેક છેવાળાના ભાગે ઘનઘોર જંગલ હતું. એ કાપીને અત્યારે ત્યાં એક નયનરમ્ય સોસાયટી બનાવવામાં આવી. નામ રાખ્યું, “નંદનવન ટેનામેન્ટસ”!

માઈક્રોફિક્શન વાર્તા ૨ :

‘મધર્સ ડે’ના દિવસે છોકરીએ મમ્મી સાથેનો જુનો ફોટો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ચઢાવીને હજારો લાઈક મેળવી.

સાંજે મમ્મીએ ઘરમાંથી કચરો વાળવાનું કહેતા એ જ છોકરી હેડફોન લગાવીને સોફા પર બેઠી બેઠી બોલી, “મમ્મી! તારાથી કામ ન થાય તો કામવાળી બંધાવી લે ને!”

માઈક્રોફિક્શન વાર્તા ૩ :

પશાકાકાનું ઘર ગામમાં બધાથી અલગ અને એકલુંઅટુલું હતું. રમીલાબેનના ગયા પછી ખાસ કોઈ ગામનું માણસ એમના હાલચાલ પૂછતું નહિ. પશાકાકા ખુબ એકલવાયું અનુભવતા.

એક દિવસ એમણે કોઈકના કહેવાથી ઘરે વાઈફાઈ નંખાવ્યું.

આજે ખુરશીઓ માટે ફરાસખાનાવાળાને ઓર્ડર આપવો પડે છે.

માઈક્રોફિક્શન વાર્તા ૪ :

એક હાઉસવાઈફનો આખો દિવસ કચરા-પોતું, વાસણ, સાફસફાઈ, કપડા, જમવાનું બનાવવામાં અને છોકરાને શાળાએ તથા અલગ અલગ કલાસીસમાં લેવા મુકવામાં પૂરો થયો.

સાંજે પતિએ ઓફીસથી ઘરે આવીને એને સુતી જોઈ, “આખો દિવસ તો ઘરે જ હોય છે. તને કયા કામનો થાક લાગ્યો તે સુઈ ગઈ?” એમ કહીને બેગનો સોફા પર ઘા કર્યો.

માઈક્રોફિક્શન વાર્તા ૫ :

“ના મમ્મી મારે નથી જવું સ્કુલ”, નાના છોકરાએ વેકેશન પછી ચાલુ થયેલી શાળાએ જવાના રસ્તા પર મમ્મી સાથે રકઝક ચાલુ કરી.

દુર ઉભેલો એક ગરીબ છોકરો પ્લાસ્ટિક, પેપર ભેગું કરતાં કરતાં આ જોઇને અટકી ગયો અને જોવા નજીક જઈને લાગ્યો.

પેલા છોકરાની મમ્મીએ પૂછ્યું, “શું જોઈએ છે બેટા?”

“શાળાએ જવા માટે રકઝક કરવા જેટલી કિસ્મત!”, એણે કહ્યું.

માઈક્રોફિક્શન વાર્તા ૬ :

એણે અરમાનીનો શૂટ, વુડલેન્ડના શુઝ, રાડોની ઘડિયાળ, ફાસ્ટ્રેકના સનગ્લાસીસ પહેર્યા. ઇન્ફીનિટીનું પરફ્યુમ છાંટ્યું. એક ખિસ્સામાં આઈફોન મુક્યો અને એક ખિસ્સામાં રૂમાલ. પાછળના ખિસ્સામાં પર્સ અને ઉપરના ખિસ્સામાં પાર્કરની પેન!

સ્યુટકેશ લઈને ત્રણ દિવસની મીટીંગ માટે દિલ્લી જવા માટે ઓડીમાં બેસવા ગયોં અને એની પાંચ વર્ષની દીકરીએ આવીને એક ડબ્બી આપતાં કહ્યું, “પપ્પા! તમે સ્લીપિંગ પિલ્સ તો ભૂલી જ ગયા!!”

માઈક્રોફિક્શન વાર્તા ૭ :

એક ગરીબ બાપે દેવું કરીને પોતાની દીકરીના લગ્ન કર્યા અને લગ્ન પત્યા પછી પોતાની જ અપરિણીત બહેનને બોલતા સાંભળી, “સારું થયું, વેઠ ગઈ ઘરમાંથી”.

દીકરીના જવાથી જેટલું ન રડ્યો એટલું એ આ સાંભળ્યા પછી રડ્યો. અને લોકોને એમ હતું કે એને દીકરીના જવાનું દુઃખ હતું!!

માઈક્રોફિક્શન વાર્તા ૮ :

“મમ્મી!!! જલ્દી આવ. પપ્પા સ્યુસાઈડ કરે છે”, આઠ વર્ષના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાએ મમ્મીને બોલાવી.

એની મમ્મી રસોડામાંથી દોડતી ને દોડતી ડ્રોઈંગરૂમમાં આવી. ત્યારે એનો પતિ સિગરેટ પી રહ્યો હતો અને છોકરાના હાથમાં એનું પેકેટ હતું જેના પર લખ્યું હતું, “સ્મોકિંગ કિલ્સ”

માઈક્રોફિક્શન વાર્તા ૯ :

“તમે આ સ્યુટકેશ પકડો અને મારું કામ કરી દો”, એક બીઝનેસમેને ઉચ્ચ અધિકારીને લાંચ આપીને કહ્યું. એનો નાનો છોકરો આ બધું જોતો હતો.

ઘરે જઈને એ છોકરાએ પણ પોતાનાથી ઉચકાય એટલું સ્યુટકેશ ઉઠાવ્યું અને પપ્પાને આપતા કહ્યું, “પપ્પા, લો આ સ્યુટકેશ અને મારું હોમવર્ક કરી દો”.

એના પપ્પા અવાક બનીને જોઈ રહ્યા.

માઈક્રોફિક્શન વાર્તા ૧૦ :

ઘરડા માબાપને હમણાં જ વૃદ્ધાશ્રમમાં મળીને આવેલા એક કળિયુગી શ્રવણે ઘરે આવતાની સાથે વોટ્સએપ પર “માં-બાપને ભૂલશો નહિ”નો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો.

માઈક્રોફિક્શન વાર્તા ૧૧ :

“મમ્મી ઘણી ભૂખ લાગી છે”, નાહ્યા વગરના લઘરવઘર છોકરાએ તાડપત્રીના ટેન્ટ બહાર કામ કરતી એની માને કહ્યું.

એની માએ ગઈકાલનો સુકો રોટલો ચૂલે ચઢાવ્યો. છોકરાને આપ્યો.

“લે મા, તુંય ખા ને!”, પેલાએ અડધો રોટલો તોડીને કહ્યું.

પણ બાળકની આંખોમાં ભૂખ જોઇને એવું તો માતૃહૃદય ધબક્યું કે એનાથી કહેવાઈ ગયું, “આજે મારે ઉપવાસ છે બેટા!”

માઈક્રોફિક્શન વાર્તા ૧૨ :

“આઘો ખસ અહીંથી મુર્ખ”, લાલચંદ શેઠે ગાડીમાંથી ઉતરીને એક અપંગ ભિખારીને હડસેલો મારતા કહ્યું.

“સાહેબ કંઈક આપો ને ત્રણ દિવસથી ખાધું નથી”, પેલાએ કહ્યું.

“તે એમાં મારે શું?”, કહીને શેઠ લાલચંદ મંદિરના પગથીયા ચઢ્યા.

અંદર જઈને ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને પ્રાર્થના કરી, “હે ભગવાન! સૌનું ભલું કરજે”

માઈક્રોફિક્શન વાર્તા ૧૩ :

ઘણા વર્ષો પછી સમાજના એક લગ્ન પ્રસંગમાં એકબીજાના ચહેરા જોયા. કરચલી પડી ગઈ હતી અને વાળ સફેદ થઇ ચુક્યા હતા.

પત્ની સાથે હોવા છતાં એ વૃદ્ધની આંખો વર્ષો જુની પોતાની પ્રેયસી પર સ્થિત હતી. એ હસી અને દાદાએ ભગવાનનો આભાર માન્યો, “હાશ, એ ડીમ્પલ હજીયે સચવાયેલા છે”

માઈક્રોફિક્શન વાર્તા ૧૪ :

“હું તારા મમ્મી પપ્પા સાથે નહિ રહી શકું”, લગ્નના બે દાયકા બાદ પત્નીએ પતિને કહ્યું.

“તો પછી છુટાછેડાના કાગળિયા ક્યારે કરાવું બોલ!”, શ્રવણે કહ્યું.

“એટલે?”

“એટલે એમ જ કે તું રહી ન શકતી હોય તો તો આ જ પગલું લેવું પડે ને મારે?”

પત્ની સમજી ગઈ. અને વાતને ત્યાં જ પૂર્ણવિરામ લાગ્યું.

માઈક્રોફિક્શન વાર્તા ૧૫ :

એક વૃદ્ધાશ્રમમાં બંને વેવાઈ અને બેય વેવાણો મળી. ઘડીભર તો ચારેય વિચારતા રહી ગયા કે વાંક કોનો કાઢવો?

માઈક્રોફિક્શન વાર્તા ૧૬ :

“લ્યો પેંડા ખાવ”, ખુશીના મોજાંમાં તણાતા ક્લાસ ૧ ઓફિસરે ખેતી કરતા દીપકભાઈને કહ્યું.

“કેમ?”

“મારા છોકરાના ૧૨મા ધોરણમાં ૭૦% આવ્યા છે. મેડીકલમાં સરકારીમાં મળી જશે”, એ ઓફિસરે કહ્યું.

દીપકભાઈ ચમક્યા.

“તમારે કેટલા આવ્યા?”

“૮૫”, દીપકભાઈએ નિસાસો નાખ્યો.

“તો તો મળી જ જાય ને એમાં શું”, પેલા ઓફિસરે કહ્યું.

“અમે જનરલ કેટેગરીમાં છીએ અંકલ”, પેલા ૮૫ ટકા લાવવાવાળા ખેડૂતપુત્રએ કહ્યું.

માઈક્રોફિક્શન વાર્તા ૧૭ :

“ઉપવાસ કરવો એ આપણા શરીરને આરામ આપવાનું કામ છે”, આવા અર્થનું પ્રવચન સાંભળીને ચેતનાબેન ફરાળી વાનગીઓવાળાની દુકાને ગયા અને એક કિલો ફરાળી પાત્રા પેક કરવાનો ઓર્ડર આપ્યો.

માઈક્રોફિક્શન વાર્તા ૧૮ :

ચિત્રનો વર્ગ ચાલતો હતો. શિક્ષકે જે ચિત્ર દોર્યું હતું એ જ ચિત્ર દોરવાનું આખા વર્ગને ફરમાન થયું. સંકેત બેઠો બેઠો બારણાની બહાર રસ્તા પરના લોકોની હિલચાલને સ્કેચબૂકમાં ઉતારતો હતો. શિક્ષકે આ જોયું અને એને સંકેતની આ હરકત પોતાના આદેશનું ઉલ્લંઘન લાગ્યું. ફટાક લઈને એની સ્કેચબૂક લઈને એ પાનું ફાડી નાખ્યું અને પોતાનું ફરમાનનું પાલન કરવા સંકેતને ફરજ પાડી.

સંકેતે બોર્ડ પર લખેલો સુવિચાર વાંચ્યો, “બાળકની બુદ્ધિશક્તિ સ્વતંત્ર વાતાવરણમાં જ ખીલે છે”. અને એ નિસાસો નાખીને હસ્યો.

માઈક્રોફિક્શન વાર્તા ૧૯ :

“હિટલર સૌથી મોટો સરમુખત્યાર હતો. એના પછી અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ એને વટીને ક્રુરતામાં આગળ જઈ શક્યો નથી”, શિક્ષિકા સામાજિક વિજ્ઞાનનો ઈતિહાસનો પાઠ ભણાવતા હતા.

“પણ મેડમ અમે તો રોજ હિટલર કરતા ખતરનાક માણસને મળીએ છીએ”

“એ કોણ?”, શિક્ષિકાએ પ્રશ્ન પૂછ્યો.

“તમે”, એ બાળકીએ બાળસહજ ભાવે કહ્યું.

અને શિક્ષિકાના મનમાં અત્યાર સુધી પોતાના ઘરનો ગુસ્સો જેટલી વાર બાળકો પર કાઢ્યો હતો એ બધી ઘટનાઓ યાદ આવી ગઈ.

માઈક્રોફિક્શન વાર્તા ૨૦ :

“ડોક્ટર સાહેબ! છોકરી છે?”, પતિએ પૂછ્યું.

“હા”, ડોકટરે કહ્યું.

“પતાવી નાખો”, પીએચડી કરેલા પતિએ કોઈ પણ ધ્રુષ્ટતાની લાગણી વગર ઠંડા કલેજે કહ્યું.

“પણ રહેવા દો ને. આ તો આપણું પહેલું જ બાળક છે”, પત્નીએ કહ્યું.

“ના, મારે એક જ જોઈએ અને એ પપન દીકરો જ”, પતિએ કહ્યું.

“તમારો થીસીસનો વિષય કયો હતો?”, પત્નીએ પરિસ્થિતિને અણછાજતું જ કંઈક પૂછ્યું.

“રાજા રામમોહન રાય એન તેમના સુધારા. કેમ એનું શું છે?”, પતિએ ફટ દઈને જવાબ આપ્યો અને પછી શરમની લાગણી અનુભવી અને ડોક્ટરને કહ્યું, “રહેવા દો સાહેબ. હું આ બાળકીને જન્મ લેવા દઈશ”

***