રુખી Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુખી

રૂખી

ગીરના જંગલના ખોળે આવેલ સંખડા ગામ ચોતરફ જંગલથી છવાયેલુ રહે. આ ગામમાં ભરવાડ જાતિના કેટલાય નેસ. તેમાં આપા ખાતીના નેસમાં વાડીને અડોઅડ આવેલ ઝૂંપડામાં લગભગ પચ્ચીસેક વર્ષની યુવતી – રૂખી ખૂણામાં બેસી આંસુ સારી રહી હતી. પાછલી રાતે વરસેલ ધોધમાર તોફાની વરસાદ તો ક્યારનોયે બંધ થઈ ગયો, પણ છાપરાના નેવા હજુ ટપકતા રહ્યા. આ નેવા તો ચોમાસાના ચાર મહિના જ ટપકે, જ્યારે પેલી રૂખીની આંખે તો બારેય માસ આંસુ નીતરતા જ રહે..! હવે તો તેણે ભગવાનને પણ આ બાબતે ફરિયાદ કરવાની છોડી દીધી. રોજ રાતે દારૂ પીને આવેલો તેનો ધણી કાળુ જો તેને માર ના મારે તો રૂખીને નવાઇ લાગતી. રૂખીનું પોતાનું કહી શકાય એવું કોઇ ખાસ રહ્યું જ ના હતું. માના મરી ગયા પછી બાપુને દારૂનું વળગણ વળગ્યું. બાળપણ આખુંયે મજૂરી કરી બાપનું પેટિયુ રળ્યું. બાપુએ પૈસાની લાલચે ઉંમરલાયક કાળુ જોડે પરણાવી જીવતેજીવ નર્કમાં ધકેલી દીધી..!

બાળપણથી જ રૂખી બાપુ માટે કમાઇ લાવતી. ધીમે ધીમે રૂખી જુવાન થઈ. આજે ઘરના ખૂણે આંસુ સરતી રૂખીની આંખ આગળ કાળા કૂંડાળા થઈ ગયા, શરીર સાવ સૂકાયેલું અને સૂકાયેલા વેરવિખેર વાળમાં રૂખી કોઇ ગાંડા જેવી જ લાગે..! રૂખીને જોઇ કોઇ કહી જ ના શકે કે આ એ જ રૂખી છે કે જે ભરાવદાર શરીરમાં લાંબા વાળનો ચોટલો ઉછાળતી નેસના કૈંક જુવાનીયાઓની આંખોમાં વસેલી હતી..! રૂખીને તો સૌ કોઇ પસંદ કરતા, પણ રૂખીના મનમાં તો કેશુ જ વસેલો. એમાંયે જ્યારે કોન્ટ્રાક્ટરે વેળાના પૈસા આપવાના રૂખીનો બહાને હાથ પકડ્યો, ત્યારે બધા જુવાનીયા જોઇ રહેલા, પણ કેશુએ આગળ આવી રૂખીનો હાથ છોડાવી કોન્ટ્રાક્ટરને બે થપ્પડ મારી દીધી ત્યારથી રૂખીના મનમાં કેશુ સદાય માટે વસી ગયો..! કેશુ કાંઇ ખાસ દેખાવડો ના હતો. ઘઉંલો વર્ણ, મજૂરી કરીને કસાયેલું શરીર અને સામાન્ય દેખાવ, પણ રૂખી તેના ગુણ પર મોહી ગઈ. રૂખી તો આમ પણ પેલા હલકા કોન્ટ્રાક્ટરને ત્યાં કામે જવા નહોતી જ ઇચ્છતી, પણ તેના માટે કેશુએ કામ ગુમાવ્યુ, પણ રૂખીના હૈયે કાયમ માટે સ્થાન મેળવ્યું.

રૂખી અને કેશુના ઝૂંપડા નજીકમાં જ હતા. કેશુના ઘરમાં તેની ઘરડી બીમાર બા. કેશુ જાતે જ બા માટે ચૂલો ફૂંકી રોટલા ઘડતો. ત્યાંથી પસાર થતા રૂખી વાત માંડતી.

“તે આમ જણ થઈ રોટલા કાં શેકો..?” રૂખીએ મજાકમાં પૂછ્યું.

“બાયમાણહ ના હોય તો જાતેય કરવું પડ ને..!” કેશુએ ખુલાસો કર્યો.

“તે પરણી જાવ તો આઘડ્યે બાયમાણહ આવે..!” રૂખીએ સલાહ આપી.

“પરણીતો જાઉ, પણ મનને ભાવે એવી માણીગર મળવી જોઇએ ને..!” કેશુએ મનની વાત ખોલતા કહ્યું.

“તે કેવી તમારી ઇ મનની માણીગર...!” રૂખીએ સવાલ કર્યો.

“બસ ઇ મારા સુખે સુખી ને મારા દુ:ખે દુ:ખી...!” અચાનક ગરમ તાવડીને આંગળી અડતા કેશુની આંગળી દાજી જાય છે. તરત રૂખી કેશુ તરફ દોડી જઈ તેની આંગળી પોતાના હાથેળીમાં હળવેથી દબાવે છે.

“કંઇ બહુ દાઝ્યા કે...?” રૂખીએ ચિંતામાં પૂછ્યુ.

“હા..… હવે તો આ રુદીયામાં પ્રેમની દાઝ પડી ગઈ..!” કેશુના આવા વેણ સાંભળતા રૂખી તેનો હાથ છોડી શરમાતી ત્યાંથી દોડી જાય છે.

કેશુ અને રૂખી વચ્ચે પ્રેમ પાંગર્યો, પણ રૂખીના દારૂડિયા બાપને આ સંબંધ ક્યારેય મંજૂર ના હતો. રૂખીના બાપુએ કેશુ આગળ રૂખી સાથે પરણાવવા માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરી. મજૂરી કરી પોતાનુ અને પોતાની ઘરડી બાનું જીવતર કાઢતા કેશુ માટે આ પાંચ હજાર રૂપિયા એકઠા કરવા સાવ અશક્ય જેવું જ હતું. કેશુએ રૂખી સાથે પરણવા કંઇપણ કરી પાંચ હજાર રૂપિયા એકઠા કરવા નિર્ધાર કર્યો. તેણે પોતાની એક વીઘું જમીન ધિરાણ કરતા કાળુને ત્યાં ગીરવે મૂકીપાંચ હજાર રૂપિયા ઉધાર લીધા, પણ તે જ સમયે તેની વૃધ્ધ બાનું મૃત્યુ થતાં તેની પાછળ વિધી કરવા અને કારજકામમાં બધા પૈસા ખર્ચાઇ ગયા. કેશુએ કાળુ આગળ હાથે પગે લાગી બીજા વધારાના પૈસા આપવા કહ્યું, પણ કાળુએ તે માન્ય ના રાખ્યું. છેવટે કેશુએ પૈસા કમાવવા શહેરમાં જવા નક્કી કર્યું. છેલ્લીવાર રૂખીને મળી જલદી પાછા આવવાના વચન સાથે કેશુ શહેર જવા મજૂરો સાથે ખટારામાં નીકળ્યો. બીજા દિવસે રૂખી પર જાણે આભ તૂટી પડ્યું. સમાચાર મળ્યા કે ગઈ કાલે શહેર જવા નીકળેલ મજૂર ભરેલ ખટારો જૂનાગઢ જતા પહેલા કોઇ એક લોજ આગળ થોભી આગળ વધતા નાળામાં ખાબકતા તેમાં સવાર બધા જ મજૂર ખટારામાં ભરેલી કપચીમાં દટાઇ મર્યા..!

રૂખી પાસે રહેલી છેલ્લી આશા પણ તૂટી ગઈ. રૂખીના બાપ પર કાળુ પાસેથી લીધેલ ઉધારી ખૂબ વધી ગઈ. કાળુ રોજ ઉઘરાણી કરવા આવતો, ત્યારે તેની નજર રૂખી પર પડી. રૂખીના બાપ આગળ તેણે વાત માંડી.

“તૈ આ તારી પાંહે જે કાંઇ માંગુ એ ત્રણ હજાર રૂપિયા કૈં દેવાનો..?” કાળુએ કરડાકીથી ઉઘરાણી કરી.

“ભાઇબાપ, બસ આ.… જુઓને..… આવતા મહિને પૂરા કરી દઈશ...! બાપલા, જરા બીજા પાંચસો મળશે..?” હાથ જોડી ઉભેલા રૂખીના બાપે જવાબ આપ્યો.

“પાંચસો...? પહેલા આગલુ ઉધાર ચૂકતે કર..! અને આ પાચસો રૂપિયા હાટું ગીરવે શું મૂકીશ..?” કાળુએ મૂછો પર તાવ દેતા પૂછ્યું.

“બાપલા, બીજું તો કાંઇ નથ મારી પાંહે..! પણ તમે જરા હમજો તો.....” રૂખીના બાપે આજીજી કરી.

“ઇમ તો તારી પાંહે છે....પણ જો તુ હા કહે તો કાંઇ થાય..!” આંગણામાં કામ કરતી રૂખી તરફ નજર કરતા કાળુએ કહ્યું.

“પણ ઇ તો મારી છોડી....” રૂખીના બાપની વાત વચ્ચે કાપતા કાળુએ ઉમેર્યું, “જો સાંભળ, આ મારી ત્રીજી વારની પણ મરી ગઈ....હું એકલો કેટલો રહું.? આ તો તારુ બધું દેવુ ઉતરી જાય અને સામે તને ખર્ચ કરવા બીજા બે એક હજાર પણ મળી જાય...વાત તારા લાભની છે..!” કપટભરી નજરે આંગળીની વીંટી સરખી કરતા કાળુ બોલ્યો.

પોતાનું પાછલુ ત્રણ હજારનું બધું દેવુ ઉતરી જાય અને સામે બીજા બે હજાર પણ મળે તે વિચારે રૂખીનો બાપ મનોમન રાજીનો રેડ થઈ ગયો. ચહેરા પર સ્વસ્થતા જાળ્વી તેણે વધુ ભાવતાલ કરવા પ્રયત્ન કર્યો..!

“તમારી વાત હાચી...પણ તમારુ આ ચોથીવારનું અને મારી રૂખી તો કુંવારી...તમારી તો ઉંમર પણ મારી હારતની… તો આમ..… બે હજાર...!” રૂખીના બાપની લાલચ સમજી કાળુએ સોગઠી મારી.

“આ તો તુ છું એટલે આ કઉ, બાકી પેલી જમનાબાઇ એની લખુડી મને દેવા તૈયાર જ બેઠી સે... પણ એની છોડી હજુ નાની.… તારી આ રૂખી જુવાનજોધ અને તારા માથે આ દેવુ… આ બધી જંજાળથી તને છોડાવવા આ કહ્યું.… તેમ છતા તારી રૂખડી હાટુ બે નૈ પણ બીજા ચાર હજાર દઉ...બોલ હવે..!” કાળુએ રૂખીના બાપની વાત કળી જઈ મોટી લાલચ આપી.

“તૈ બાપલા આ.… મારી રૂખડી તમને દીધી...!” ખૂબ પ્રયત્નો કરવા છતાંયે રૂખીનો બાપ પોતાના ચહેરા પર આ વાતનો ઉત્સાહ છૂપાવી ના શક્યો.

રૂખીના બાપે રૂખીના લગ્ન ચોથીવાર પરણવા નીકળેલા કાળુ સાથે નક્કી કર્યા. પોતાના બાપની ઉંમરના સાવ હલકા કાળુ સાથે લગ્ન માટે રૂખીએ સાફ ના પાડી. તે હજુ કેશુની વાટ જોતી રહેતી. રૂખીએ લગ્ન માટે ના કહી તો તેના બાપે રોજ તેને મારઝૂડ કરવા માંડી. પોતાના દારૂડિયા બાપની વાત માનવા સિવાય હવે રૂખી પાસે કોઇ બીજો વિકલ્પ ના રહ્યો..! આખરે રૂખીને કાળુ સાથે પરણાવી.

સૌ કહેતા કે દારૂડિયા બાપે રૂખીને જીવતે જીવ નરકમાં ધકેલી. આજે પાછલી રાતે વરસેલ ધોધમાર તોફાની વરસાદ તો ક્યારનોયે બંધ થઈ ગયો, પણ છાપરાના નેવા રૂખીની આંખેથી નીતરતા રહ્યા..! દારૂના નશામાં કાળુ રોજ રૂખીની મારઝૂડ કરતો. રૂખી પણ આ જીવનથી કંટાળી ગઈ હતી. એક દિવસ તે ઘરના વાડામાં છાણા સૂકવી રહી હતી ત્યાં કોઇની વાત સંભળાઇ, “અરે તે સાંભળ્યુ...પેલો કેશુ પાછો આવ્યો..?”

“અરે, પણ કેશુ તો પેલો ખટારો પડવાથી મરી નહોતો ગયો..?”

“ના, તે અકસ્માત પહેલા તે ખટારો કોઇ લોજ પર ઊભો રહ્યો હતો, ત્યાં કેશુ ઉતરી ગયો હતો એટલે તે બચી ગયો..!”

કેશુનું નામ સાંભળતા જ મૃતપ્રાય બની જીવતી રૂખીમાં નવો પ્રાણ પૂરાયો. તે છાણાવાળા હાથે જ કેશુના ઘર તરફ દોડતી ગઈ. પોતાના મનનો માણીગર કેશુ તેની સામે ઊભો હતો. રૂખીની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. કાળુએ રૂખી સાથે વાત માંડી.

“અરે રૂખી, તારા બાપુએ કહેલું એમ હું શહેરથી પાંચ હજારરૂપિયા કમાઇ આવ્યો, હવે આપડા બેવના લગનમાં કોઇ અડચણ નહીં આવે...અને આ જો તારા માટે સારો મજાનો સાડલો લાવ્યો..!” એક્શ્વાસે બોલતા કેશુએ રૂખીના હાથમાં સાડલો આપવા કાઢ્યો. રૂખીની આંખથી વહેતી આંસુની ધાર જોઇ જાણે તે તેની તરફ વધુ ધ્યાનથી જોતો રહ્યો. અચાનક રૂખીએ પહેરેલા મોતીનું મંગળસૂત્ર જોઇ તેના હાથમાં રાખેલ સાડલો નીચે પડી ગયો. તે અવાક બની હોશ ગુમાવી ગયો. માંડમાંડ ડેલીને હાથ દઈ તેણે પોતાનું સંતોલન જાળવ્યું.

“રૂખી, તે મારી રાહ પણ ના જોઇ..?” કેશુનો આ સવાલ રૂખીના હ્રદય સોંસરવો નીકળી ગ્યો. તેણે કેશુને બધી વાત માંડીને કરી. શ્રાવણના સરવરીયા વરસી ચૂક્યા પછીના નેવા પણ ટપકતા થાક્યા, પણ આ બંનેની આંખે રેલાતા નીર હજુ સુકાયા ના હતા. કેશુ અને રૂખી તેમની પ્રિત ભૂલ્યા ના હતા, પણ રૂખી પરણી જવાથી હવે કેશુ કાંઇ જ કરી શકે તેમ ના હતો. પોતાની રૂખિને છેલ્લી વાર મળવા કેશુએ વિનંતી કરી.

“રૂખી, ભલે તુ ખુશ રહે, પણ કાલે છેલ્લીવાર આપણે ગામ બહાર પાદરે માતાજીની મઢીએ મળીએ..? જ્યાં સાથે જીવવાના કોલ દીધા’તા ત્યાંથી જ કાલે આપણે કાયમ માટે વિખુટા.....” કેશુના અધૂરા શબ્દો રૂખીની આંખમાં આંસુની ધાર વધારતા ગયા. આંખ મીંચકારી સંમતિ આપી રૂખી સાવ શાંત ઊભી રહી, પણ ઘડીભરમાં પોતાની વર્તમાન પરિસ્થીતીનું ભાન થતા રૂખી તરત પોતાના ઘરે જવા ઊપડી. કેશુના ડેલેથી રૂખીને બહાર નીકળતી જોઇ કેટલાકે આ વાત કાળુ સુધી પહોંચાડી. ચિક્કાર નશામાં ધૂત કાળુ આ સાંભળી ગુસ્સે લાલપીળો થઈ ગયો. ઘરે જતાવેંત તેણે રૂખીને મારવા માંડી.

“છેવટે તારી અસલીયત બતાવી દીધી તે.… રાં....!” કાળુએ રૂખીના પેટમાં લાતો મારતા કેટલાયે અપશબ્દો સાથે બૂમો પાડી.

“આજે પેલા કેશુડાને ત્યાં શું દાટ્યું’તુ તે ગૈ’તી..?” કાળુએ હાથમાં લાકડી આવતા રૂખીની પીઠ પર ધડામ ધડામ કરતાંક મારતા કહ્યું.

કાળુના ઘર બહાર રૂખીની બૂમો ક્યાંય સુધી સંભળાતી રહી. તેના ડેલા પાસેથી હાથમાં દારૂની બાટલી લઈ લથડીયા ખાતો રૂખીનો બાપ તેની બૂમો સાંભળી ના સાંભળી કરતો ચાલ્યો ગયો.

બીજા દિવસે કેશુ રૂખીને મળવા ગામ બહાર માતાજીની મઢીએ આવી વાટ જોતો રહ્યો, પણ રૂખી આવી નહીં. છેવટે કેશુ ભારે હૈયે ગામ તરફ જવા કરે છે ત્યાં દૂરથી પોતાની રૂખી લંગડાતી ચાલે આવતી ભાળી. લાલઘૂમ આંખે રૂખી પોતાના કેશુને જોઇ જ રહી..! રૂખીએ સાડલાથી પીઠ ઢાંકવા કૈંક કોશિશ કરી, પણ કેશુનું ધ્યાન તેની પીઠ પરના લાકડીના મારથી ઉપસેલા સોળ તરફ અજાણતા જ ગયું..!

“આ પીઠ પર આવા ઘા..?” કેશુએ રૂખીને સવાલ કર્યો.

“હૈયાના વાગ્યા ઘા કરતાં તો આ ઘા કાંઇ જ નથી..!” સાડલાથી પીઠ ઢાંકવા કરતા રૂખીએ ઉમેર્યું, “હવે તો આની અદત થૈ ગૈ છે...જે દિ’ માર નથ ખાતી તે દન નવાઈ લાગે...મારા બાપુના દારૂના મફતિયા નશાની આ કિંમત..!” પોતાના જીવથી વધુ વહાલી રૂખીની આ હાલત કેશુ માટે અસહ્ય થઈ પડી. કેશુએ મનોમન આ વિશે કાળુને સમજાવવા નક્કી કર્યું. રૂખીને મળીને કેશુ સીધો કાળુના ખેતરે ગયો. કાળુ તેની ત્રણ ચાર મિત્રોની ટોળકી સાથે દારૂના નશામાં ધૂત હતો. કેશુએ શાંતિથી કાળુને વાત માંડી, “જો કાળુ, તુ તો બહુ નસીબદાર કે તને આ રૂખી જેવી વહુ મળી, તો એને જરા સાચવ...” કેશુની વાત અધવચ્ચે અટકાવતા કાળુએ રાડ નાખી, “તુ એની ભેળ લૈ મારી પાંહે આવનારો કોણ થાય....ઇ મારી બાયડી છે...ઇને હું મારું કે જીવાડુ તારે શું લેવાદેવા..?” કાળુ કેશુ તરફ ધસી ગયો, પણ કેશુ આગળ ના તે કે ના તેના કોઇ ભાઇબંધ ઘડીભર પણ ના ટકી શક્યા. કાળુને એક ઝાપટ મારતા જ તે જમીનપર ચત્તોપાટ પડ્યો. કેશુને ખ્યાલ આવી જાયછે કે કાળુ સુધરશે નહીં. તે કાળુને ત્યાં જ પડ્યો મૂકી ચાલ્યો ગયો.

તે રાતે કાળુ રૂખીને અનહદ માર મારે છે. પાસે સળગતા ચૂલામાંથી બળતું લાકડું રૂખીના હાથે અડાડતા રૂખી તેને ધક્કો મારી ભાગવા કરે છે, પણ તેની સાડીનો છેડો પગમાં ભરાતાતે નીચે પડી જાય છે. કાળુ હાથમાં સળગતું લાકડું લઈ આગળ ધસે છે.

“આ પેલો કેશુડો તારા આ રૂપ પાછળ ઘેલો છે ને.… તો આજે આ તારો રૂપાળો લાગતો ચહેરો કાયમ માટે એવો કરી દઇશ કે તુ જ પોતાને નફરત કરીશ...!” રૂખીને કાળુની દાનતનો ખ્યાલ આવતા જ તે ધ્રુજી ઊઠી. તે ઊભી થવા જાય છે, પણ બહાર ફળિયામાં ફરી ફસડાઇ પડે છે. અંધારી રાતે કડાકા મારતી વીજળી સાથે તોફાને ચડેલ વરસાદમાં અરધી પલળતી રૂખી જમીન પર ફસડાઇ પડી. દરેક પળે તેની તરફ હાથમાં સળગતું લાકડું લઈ આગળ વધતા કાળુથી દૂર જવા તે ઘસડાતી આગળ વધવા કરે છે, પણ કાળુ તેની સાવ નજીક જઈ તેના ચહેરા તરફ બલતુ લાકડુ લઈ જાય છે. પોતાના જીવનની સૌથી કપરી પરિસ્થિતી નજર સમક્ષ દેખાતા રૂખી આંખ મીંચી મનોમન પોતાના કેશુને યાદ કરે છે..! બંધ આંખે ‘ભચ’ અવાજ સંભળાતા આંખ ખોલી રૂખીએ જોયું તો વીજળીના ચમકારે સામે ઉભેલો કાળુના શરીરની આરપાર નરાશ નીકળી ગઈ હતી અને તેના હાથમાંથી બળતું લાકડું નીચે પડી જાય છે. ઘડીભરમાં ધડામ કરતા કાળુ નીચે પડી જાય છે અને ફરી વીજળીના ચમકારે તેની પાછળ ઊભેલા કેશુને રૂખી જુએ છે. તે દોડીને કેશુને વળગી રહે છે. હજુ સુધી તે ધ્રુજતી રહે છે. ઘડીભર વાસ્તવિકતાનો ખ્યાલ આવતા રૂખીની આંખ આંસુથી ઉભરાઇ આવે છે. તેને કાળુ નામના દાનવથી મુક્તિ મળી તેની ખુશી સાથે કેશુને જેલ જવું પડશે તેનુ અસહ્ય દુ:ખ પણ હતું. કેશુએ રૂખીની નજીક જઈ પોતાના હાથે રૂખીનો સેંથો ભર્યો. રૂખી માટે આનાથી વધુ ખુશીની વાત બીજી કઇ હોઇ શકે..! ફરી કેશુએ રૂખીને કહ્યું, “મારી રાહ જોઇશને..?” “આવતા સાત જનમ સુધી...!” રૂખીએ કેશુને વળગી જઈ કહ્યું. બીજી સવારે પોલીસ કેશુને લઈ જાય છે. કેશુ પર કેસ ચાલે છે. રૂખીના નિવેદનથી કેશુને સાત વર્ષની જેલ થાય છે. ખૂબ દુ:ખ હોવા છતાંયે રૂખી હસતા ચહેરે કેશુને અમદાવાદ સાબરમતી જેલમાં જવા મોકલે છે..! નેસના સૌ રૂખીને ગામ બહાર કાઢી મૂકે છે, તો રૂખી કેશુની જેલની સામે એક નાની ઝૂંપડી બાંધી દિવસો પસાર કરે છે. તેને મન કોઇ નાત કે ગામ કરતા તેનો કેશુ જ સર્વસ્વ હતો.

કેશુની રાહ જોતા સાત વર્ષ પસાર થયા. હવે રૂખીની જુવાની પણ ઓસરાવા લાગી. સાત વર્ષની આકરી તપસ્યા પછી રૂખી કેશુને લેવા જેલના દરવાજે આવી ઊભી રહે છે. તેની એક એક પળ જાણે કેટકલાયે ભવ જેવી લાંબી લાગી. થોડીવારમાં જેલનો દરવાજો ખુલ્યો. તેમાંથી લાંબી દાઢી અને સફેદ વાળ સાથે બહાર આવેલો કેશુ પોતાની સામે રૂખીને જુએ છે. હવાની લહેરખીમાં રૂખીના વાળની સફેદ લટ ખસતા આંખ પાસેની કરચલી ભરેલા ચહેરા પર સરકતી આંસુની ધાર તરફ કેશુની નજર પડી. આ સાત વર્ષ રૂખી પોતાના કેશુના પ્રેમના પ્રતિક રૂપે તેના નામનો સેંથો પૂરતી રહી. કેશુ અને રૂખી એકબીજાને ગળે વળગી પડ્યા. કેશુ અને રૂખી કાયમ માટે એક થઈ ગયા. આજે આ વણનોંધ્યા બનાવને પચ્ચીસ વર્ષ વીત્યા પછી પણ કેશુ અને રૂખીનો સુખી સંસાર આજે પણ ચાલે છે..!

***