પરિણય 3 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિણય 3

પરિણય 3

કોલેજમાં ભણતી મીરા પોતાના ખાસ ફ્રેન્ડ કેશવ પ્રત્યે એકતરફી પ્રેમ અનુભવે છે, પણ કેશવ અને કોલેજમાં અરધા સત્રમાં આવેલી રાધિકા વચ્ચેનો પ્રેમસંબંધ બધી જ પરીસ્થીતિ બદલી નાખે છે. મીરા કેશવ અને રાધિકા વચ્ચેથી ખસી જઈ યુ.એસ. જતી રહે છે અને કેશવ અને રાધિકા લગ્ન કરી સુખી જીવન જીવે છે. કેશવના બિઝનેસમેન પિતા મનસુખભાઇ અને મીરાના પોલીટીશીયન પિતા પ્રકાશરાજ દ્વારા ચાલતા કાળા ધંધાની જાણ રાધિકાના ડીડીઓ પિતાને થાય છે અને તે કારણે તેમની વચ્ચે દુશ્મનાવટ બંધાય છે. રાધિકા અને તેના પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે, પણ સૌને જાણ હોય છે કે આ કોઇ અકસ્માત નહીં પણ સમજી વિચારીને કરેલ ખૂન છે..! રાધિકાના મૃત્યુની જાણ થતા મીરા કેશવ પાસે પાછી આવે છે. રાધિકાના મૃત્યુનું રહસ્ય જાણવા કેશવ ડિટેક્ટીવ હાયર કરે છે, જેને કોઇ અગત્યની કડી મળતા તે કેશવને પોતાના ફ્લેટ પર બોલાવેછે. પરંતુ કેશવ તે ડિટેક્ટીવને મળે તે પહેલા જ કોઇ તેને મારી નાખે છે. રાધિકાના મૃત્યુનું રહસ્ય વધું ઘૂંટાતુ જાય છે. આ સાથે કેશવ તે ડિટેક્ટીવના ફ્લેટના સીસીટીવી ફુટેજ મેળવવા અને લીફ્ટમેનને મળવા જવા નીકળે છે, ત્યારે કોઇ ટ્રકવાળો તેની ગાડીને અથડાવી ચાલ્યો જાય છે, જેમાં કેશવનો બચાવ થાય છે, પણ તેને સામાન્ય ઇજાઓ થતા તે હોસ્પિટલમાં રહે છે. હોસ્પિટલમાં કેશવની સારવાર કરતા મીરાના મનમાં કેશવ પ્રત્યે રહેલ છૂપો પ્રેમ ફરી જાગૃત થાય છે અને સાથે કેશવ પણ મીરા તરફ આકર્ષાય છે. કેશવ અને મીરાના જીવનમાં આગળ શું થાય છે..? રાધિકાના મૃત્યુનું રહસ્ય ખૂલશે..? આ સવાલોના જવાબ મળશે આજની આ વાર્તામાં.... ‘પરિણય 3’

***

મીરાની કાળજી અને સારસંભાળથી કેશવ ખૂબ જલદી હોસ્પિટલથી સાજો થઈ ઘરે પાછો આવી જાય છે અને સાથે કેશવને પોતાના પ્રત્યે મીરાનો પ્રેમ પણ અનુભવાય છે. તે પણ મીરા તરફ આકર્ષાય છે.

ફરી કેશવની બર્થ ડે આવે છે. બર્થ ડે પાર્ટીમાં સૌની હાજરીમાં જ કેશવ મીરાને પ્રપોઝ કરે છે, જેનો મીરા સહર્ષ સ્વીકાર કરે છે..! કેશવ અને મીરાના મેરેજ થઈ જાય છે. પ્રકાશરાજ અને મનસુખભાઇ ફરી સાથે આવી જાય છે. કેશવ પાસે એક નનામો પત્ર આવે છે, જેમાં તેના પિતાના કાળા કામની બધી જ વિગત રજૂ કરાયેલ હોય છે. કેશવ તે પત્ર આધારે પિતાના બધા વ્યવસાયનની તપાસ કરે છે. પિતાના આવા કાળા ધંધા વિશે જાણ થતા કેશવને ઘણો આંચકો લાગે છે. સાથે તેના પિતા, પ્રકાશરાજ અને રાધિકાના ડીડીઓ પિતા વચ્ચે બંધાયેલ દુશ્મનાવટ તેના ધ્યાનમાં આવે છે, તેથી તેને હવે રાધિકા અને તેના પિતાના મૃત્યુ પાછળ ક્યાંક તેના પિતા અને પ્રકાશરાજનો હાથ હોવા વિશે શંકા જાય છે, જે કારણે તે આ બાબતે વધુ તપાસ કરવા ઇચ્છે છે, પરંતુ પ્રકાશરાજની ઇલેક્શનની રેલી દરમિયાન થયેલા બોંબ ધડાકામાં તેના પિતા અને પ્રકાશરાજનું મૃત્યુ થાય છે. આ બનાવથી કેશવ અને મીરા ઘણા ભાંગી પડે છે. થોડા સમય પછી બંને એકબીજાને સંભાળી લે છે, પણ મનસુખભાઇના મૃત્યુ અને પ્રકાશરાજના વિરોધી રાજકારણી ધર્મસિંહ શાસનમાં આવતા કેશવની કંપનીના શેર્સ સાવ નીચા ભાવે પડી જાય છે, ઇન્વેસ્ટર્સ આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું ટાળવા લાગે છે અને કંપનીના વફાદાર કર્મચારીઓ હવે કંપની છોડી બીજે જવા લાગ્યા. પરિણામે મનસુખભાઇએ શરૂ કરેલી કંપનીને તાળા મારવા જેવી સ્થિતી ઊભી થઈ..! કેશવ પર ચારે તરફથી આફત આવવા લાગી.

એક સાંજે પોતાના રૂમમાં કોઇ ફાઇલ શોધતા કેશવને મીરાની ડાયરી હાથમાં આવે છે, જેમાંથી રાધિકાના કેટલાક ફોટોઝ મળે છે. તે જોઇ કેશવને આશ્ચર્ય થાય છે કારણ કે તે ઘણા ફોટોઝ તે સમયના હતા જ્યારે મીરા યુ.એસ. હતી, તો આ ફોટોઝ મીરા પાસે કેવી રીતે..? કેશવને યાદ આવે છે કે મીરા તેની બધી જ સિક્રેટ્સ તેની ડાયરીમાં લખતી. આ વિચારી કેશવે તેની ડાયરી જોઇ. તે લખાણ – “અને આજે મારી નડતર રાધિકાને હંમેશા માટે દૂર કરી નાખી.… હવે ટૂંક સમયમાં જ કેશવ મારો થઈ જશે..!” – વાંચતા જ કેશવના ધ્રુજતા હાથથી ડાયરી નીચે પડી ગઈ. તે ક્યારેય કલ્પના પણ ના કરી શકયો કે આ બધા પાછળ મીરાનો હાથ હશે..!

કેશવે તે રાત્રે જ પોતાની રાધિકાના ખૂનનો બદલો વાળવા નક્કી કર્યું. થોડીવારમાં જ મીરા બજારથી ઘરે આવી. હંમેશની આદત મુજબ કેશવને ગળે વળગી બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ. મીરા માટે કેશવે જાતે ડીનર તૈયાર કર્યું અને દરેક નોકરોને ઘરે જવા રજા આપી. આ સાથે કેશવે મીરાના ડીનરમાં પોઇઝન ઉમેરી તૈયાર રાખ્યું..!

“અરે, આજે તો તમે મારા માટે ડીનર તૈયાર કર્યું છે ને..!” મીરાએ સહર્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“હા....આજે તારા માટે સ્પેશીયલ ડીનર મેં તૈયાર કર્યું છે અને આજે તો હું મારા હાથે જ મારી મીરાને જમાડીશ..!” કેશવે મીરા આગળ કોળિયો ધરતા કહ્યું.

“કેમ આજે કંઇ ખાસ છે..? અચાનક આટલો પ્રેમ કેમનો ઉભરાયો..?” મોંમા કોળિયો લેતા મજાકમાં મીરા બોલી.

“અરે આજે તો મારે મારો બધો જ પ્રેમ તારા પર ઠાલવી દેવો છે..!” કેશવ મીરાને જમાડતા બોલ્યો. મીરાએ કેશવને જમાડવા કર્યું, પણ કેશવે તેની ના કહી.

“હું તો પછી જમીશ....અત્યારે તને જ જમાડી લઉં..!” કેશવના હાથે મીરા ભાવપૂર્વક જમતી રહી.

જમીને મીરા કેશવ સાથે સોફા પર બેઠી ત્યાં જ તેને ઝેરની અસર થવા લાગી. તેને ચક્કર આવવા લાગ્યા અને મોંમાં લોહી આવતા તે બેબાકળી બની કેશવની નજીક જવા કરે છે. કેશવ શાંતિથી સોફા પર બેસી રહે છે.

“કેશવ..… મને આ શું..?” બોલતા મીરા નીચે ફસડાઇ પડે છે.

“આ તે જે કર્યું તેનો બદલો મીરા..… તે મારી રાધિકાને મારાથી દૂર કરી.… આજે તેનું પરિણામ ભોગવ..!” ગુસ્સાથી લાલચોળ આંખે મીરા તરફ જોઇ રહી કેશવે જવાબ આપ્યો.

“કેશવ.… મેં કંઇ જ કર્યુ નથી.… પ્લીઝ સેવ મી...!” બોલતા મીરાના મોંથી ફીણ નીકળતા તે જમીન પર તરફડીયા મારવા લાગે છે.

“જે રીતે તે મારી રાધિકાના મોતને એક અકસ્માત બતાવ્યો, તારુ મૃત્યુ પણ એક અકસ્માત જ બની રહેશે..!” બોલતા કેશવ નિશ્ચિંત બની સોફા પરથી ઉઠ્યો.

મીરા તરફ નફરતભરી નજર કરી કેશવ ડીનર લીધેલ વાસણો ધોઇ નાખી પોતાના ફિંગર પ્રિન્ટ્સ સાફ કરી નાખે છે. પોઇઝનની બોટલ પર બેશુધ્ધ પડેલી મીરાની ફિંગર પ્રિન્ટ્સ લઇ સોફા પાસે તે બોટલ ગબડાવી દે છે અને પોતે ઘરની બહાર નીકળી જાય છે. થોડીવાર પછી તે પોલીસને કોલ કરી બોલાવે છે. કેશવે પોલીસને મીરાએ સુસાઇડ કર્યુ હોવાનું નિવેદન આપ્યું અને પોલીસને પણ તપાસ કરતા મીરાએ સુસાઇડ કર્યાનું જાણવા મળ્યુ.

મીરાના મૃત્યુને એકાદ મહિનો વીતી ગયો. કેશવને ફરી એક નનામુ કવર આવ્યુ, જેમાં પોઇઝનથી તરફડીયા મારતી મીરા સામે નચિંત બની બેઠેલા કેશવનું વિડીયો રેકોર્ડિંગ કરેલ સીડી મળી અને સાથેના લેટરમાં લખેલુ મળ્યું – ‘અ ગીફ્ટ ફ્રોમ યોર ઓલ્ડ ક્લાસમેટ.’ કેશવ આ લેટરથી ખૂબ ચિંતામાં પડ્યો. કેશવના મોબાઇલમાં કોઇ અનનોન નંબરથી કોલ આવ્યો, “કેશવ, જેમ બને તેમ જલ્દી ભાગજે, તને લેવા પોલીસ આવી રહી છે....અને હા, આ કવર મોકલનાર હું જ છુ...મને મળવું હોય તો તારી બંધ પડેલી ફેક્ટરીએ આવ..!” કેશવ ક્યાંય સુધી “હેલો...હેલો” બોલતો રહ્યો, પણ સામે છેડે કોઇએ કોલ કટ કરી નાખ્યો.

રોડ પરથી તેના ઘર તરફ પોલીસની ગાડીઓ આવતી જોઇ કેશવ ઘરના પાછલા દરવાજેથી ઝડપથી ભાગી જાય છે. કેશવ ગાડી લઈ પોતાની ફેક્ટરીએ પહોંચે છે. ફેક્ટરીનો બંધ દરવાજો ખોલી કેશવ અંદર ગયો. અંદર ઊંચ સ્ટેજ પર બ્લેક સૂટ પહેરી કોઇ યુવક કેશવને આવકારે છે, “આવ કેશવ આવ...ઘણા વર્ષે આજે આપણે આમ મળીશું..!”

કેશવ તે યુવાનને ધ્યાનથી જોઇ રહે છે. તેને આ ચહેરો કંઇક પરિચિત લાગ્યો. “રાઘવન..!” કેશવના મોંથી સહજ જ આ નામ નીકળ્યુ.

“હા, રાઘવન.… તારો ક્લાસમેટ.… તે જ રાઘવન કે જેને કોલેજમાં તે અને તારી ફ્રેન્ડ મીરાએ પહેલા જ દિવસે રેગીંગ કરી રડાવ્યો હતો.… તે જ રાઘવન જેની જિંદગી તે મજાક બનાવી દીધી.… તારા પૈસાદાર બાપ અને પેલી મીરાના પોલીટીશીયન બાપના જોરે જેને કોઇ જ કારણ વિના પોલીસે અરેસ્ટ કરીલો તે જ રાઘવન.… તે જ રાઘવન કે જેને કોઇપણ વાંક વગર તારી નજીવી મજાકને કારણે કોલેજમાંથી છૂટો કર્યો અને કોઇપણ કોલેજે એડમીશન ના આપ્યું...હવે ઓળખાણ પડી..?” રાઘવનના શબ્દે શબ્દે કેશવને ભૂતકાળના દરેક પ્રસંગ દ્રષ્ટિ સમક્ષ ફરી દેખાયા. કેશવને પોતાનો કોલેજકાળ યાદ આવ્યો અને સાથે રાઘવને કહેલ દરેક પ્રસંગ નજર સમક્ષ ફરી ઉભરી આવ્યો. કેશવ કંઇ પણ સમજી શકતો નથી. તેણે અને મીરાએ કોલેજ સમયે તો આ બધું માત્ર એક મજાક સ્વરૂપે જ કર્યું હતું..!

“આ બધી બાબતને અત્યારે શું લેવાદેવા..?” કેશવે સામે સ્ટેજ પર ઉભેલા રાઘવનને સવાલ કર્યો.

“શું લેવાદેવા..? અરે, આને જ લેવાદેવા.… આ જે કાંઇ તારી લાઇફમાં બને છે તે આ લેવાદેવાને કારણે જ બને છે..!” રાઘવને વળતો જવાબ આપ્યો.

“એટલે....મારી રાધિકાને તે...?” કેશવના સવાલને વચ્ચે અટકાવી રાઘવને જવાબ આપ્યો, “ના...ના..માત્ર રાધિકા જ નહીં, પણ રાધિકાના પિતા, તારા પિતા મનસુખભાઇ, મીરાના પિતા પ્રકાશરાજ અને વધારામાં તે હાયર કરેલ ડીટેક્ટીવ અને પેલો બિચારો લીફ્ટમેન પણ..!” રાઘવનની વાત સાંભળતા જ કેશવની નજર સમક્ષ અંધારૂ છવાઇ જાય છે. તે મનોમન બોલે છે, “ પણ મીરાની ડાયરીમાં..!” “એક્સક્યુઝ મી.... કોઇના હેન્ડ રાઇટીંગ કોપી કરી નકલી ડાયરી કોઇના ઘરમાં મૂકવી તે કંઇ બહુ મોટું કામ નથી હોતુ..! અને તે તારા જ હાથે મીરાને પણ....!” રાઘવનના ખડખડાટ અટ્ટહાસ્ય સાથે કેશવ રાઘવન તરફ દોડી જાય છે.

કેશવ અને રાઘવન વચ્ચે ઘમસાણ મારામારી શરૂ થાય છે. કોઇવાર કેશવ રાઘવન પર ભારે પડે છે, તો કોઇવાર રાઘવન કેશવ પર ભારે પડે છે. રાઘવન પોતાની ગન કેશવ તરફ તાકવા કરે છે, પણ કેશવ તેના હાથ પર લાકડી ફટકારતા તે ગન દૂર સીડી નીચે ફેંકાઇ જાય છે. તે રાઘવન પર તૂટી પડે છે. પોતાની રાધિકા, મીરા અને પોતાના પિતાના મૃત્યુને યાદ કરી પૂરા જોશભેર કેશવ રાઘવન પર માર ફટકારે છે. લોહીથી ખરડાયેલા ચહેરા સાથે રાઘવન કેશવને આગલની સીડીથી ધક્કો મારી દે છે અને કેશવ લોખંડની સીડી પર પછડાતો નીચે આવે છે. માથામાં વાગવાથી તે ઊભો થઈ શકતો નથી. આ તકનો લાભ લઈ રાઘવન કેશવને મારી લોહીલુહાણ કરી નાખે છે. કેશવ સાવ ફસડાઇ પડે છે. રાઘવનના હાથમાં લોખંડની પાઇપ આવે છે. તે કેશવ તરફ આગળ વધે છે.

“આમ પણ મેં તને સાવ ખતમ કરી જ નાખ્યો છે.... તે મને કોલેજમાં રેગીંગ કરી મને એકલો પાડ્યો હતો.… આજે મેં તને તારા જીવનમાં સાવ એકલો કરી દીધો..! જે બાપના જોર પર તુ અને પેલી મીરા ખૂબ ઘમંડ કરતા હતા, તે બંનેને ક્યારના ધૂળમાં ભેળવી દીધા...! રાધિકા અને મીરાનો તારા માટે પ્રેમ કોઇ સામાન્ય પ્રેમના હતો, તે સાચો પરિણય હતો અને તે જ તારી તાકાત હતી, પણ હવે તે બંને માંથી કોઇ જ ના રહ્યું..! કાયમ તને ખૂબ ચાહનાર તારી મીરાનું મોત તારા જ હાથે કરાવ્યું...! અને હવે આજે તારો વારો..… તે જે કાંઇ કર્યું તે બધાનું મેં તને વ્યાજ સાથે વળતર આપ્યું...!” લોહી નીતરતો રાઘવન કેશવને બધું સંભળાવતો રહ્યો. કેશવ જમીન પર સાવ ચત્તોપાટ સૂતો રહ્યો. રાઘવને હાથમાં પકડેલો સરીયો કેશવના શરીરની આરપાર ઘૂસાડવા ઉગામ્યો, ત્યાં જ ‘ધડામ’ અવાજ સાથે રાઘવનના હાથ થંભી ગયા, તેની છાતીમાંથી લોહીની પીચકારી ઉછળી, કેશવ તરફ ઉગામેલો સરીયો તેના હાથમાંથી પડી ગયો...! ફરી કેશવે હાથમાં આવેલ ગનમાંથી ‘ધડામ’ કરતા બીજી બે ગોળીઓ રાઘવનના શરીરમાં ધરબી દીધી. રાઘવન નીચે પડી ગયો અને તરફડતો રહ્યો. પાસેની મશીનરીના ટેકે કેશવે ઊભા થઈ એક પછી એક એમ ગનની બાકી ત્રણેય ગોળીઓ રાઘવનના શરીરની આરપાર વીંધી દઈ રાઘવનને મોતને ઘાટ ઊતારી દીધો..!

કેશવે પોતાનો બદલો તો લઈ લીધો, પણ હવે શું..? પોતાનું કહી શકાય તેવું તેની પાસે કોઇ જ ના રહ્યું હતું. મીરાએ મૃત્યુ સમયે તેની તરફ લંબાવેલ હાથ તેની નજર સમક્ષ ફરી દેખાયો. કેશવ આ દુ:ખ સહી શક્યો નહી અને બેભાન થઈ ગયો. તે નીચે ઢળી પડ્યો ત્યાં જ પોલીસની ગાડીઓ ત્યાં આવી પહોંચી. જ્યારે કેશવને ભાન આવ્યું ત્યારે તે હોસ્પિટલના બિછાને હતો. આંખ ખોલતા જાણે મીરા, રાધિક, તેના પિતા મનસુખભાઇ, પ્રકાશરાજ, ડીટેક્ટીવ, લીફ્ટમેન સૌ નજર આગળ દેખાયા કરતા રહ્યા. તેની તરફ મીરા પોતાનો હાથ ફેલાવતી લોહી નીતરતા મોંથી “કેશવ.… મેં કંઇ જ કર્યુ નથી… પ્લીઝ સેવ મી...!” કહેતી રહી હોય તેમ લાગ્યું. કેશવ આ કંઇ સહન કરી શકતો નથી. તે માનસિક સંતુલન ગુમાવી દે છે અને પાગળ થઈ જાય છે. કોર્ટ દ્વારા કેશવની સ્થીતિ જોઇ તેને પાગલખાનામાં મોકલવામાં આવે છે. પાગલખાનામાં પણ કેશવની આંખો આગળ રાધિકા અને મીરા દેખાતા રહ્યા અને તેના કાનમાં શબ્દો ગૂંજતા રહ્યા – “રાધિકા અને મીરાનો પ્રેમ કોઇ સામાન્ય પ્રેમના હતો, તે સાચો પરિણય હતો..!”

***