પરિણય - ભાગ-1 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિણય - ભાગ-1

પરિણય

સવાર થતા જ જે.જે. કોલેજ ઑફ મેનેજમેન્ટ બહાર ચહલ પહલ વધવા લાગી. આજે કોલેજમાં ફ્રેંડશીપ ડે સેલીબ્રેટ કરાતો હોવાથી મોટાભાગના છોકરા છોકરીઓ રેડ કલરના ડ્રેસીંગમાં તૈયાર થઈ આવ્યા હતા. કોલેજની પાર્કિંગમાંથી જ કેટલાકે એકબીજાને ફ્રેંડશીપ ડે વીશ કરવા શરૂ કર્યું. કોલેજના કમ્પાઉન્ડમાં યંગસ્ટર્સના મઘમઘમતા સ્પ્રેની સુવાસ વતાવરણને વધુ રોમાંચિત કરતું હતું. થોડી જ વારમાં એક મોંઘી બાઇક લઈ એક નવયુવાન આવે છે. સૌનું ધ્યાન તેની તરફ જાય છે. કોલેજની મોટાભાગની છોકરીઓ આ ફૂંટડા યુવાન સાથે એકવારની વાત કરવા માટે તરસતી રહેતી. ગોળ રૂપાળો ચહેરો, મજબૂત બાંધાનું શરીર, હાફ સ્લીવના ટી શર્ટથી દેખાતા મજબૂત બાયસેપ્સ, ચહેરા પર ભૂખરા લાંબા વાળની ઉડતી લટ, ચહેરા પર બ્લેક કલરના ગોગ્લ્સ, ડેનીમ જીન્સ અને સ્પોર્ટ્સ શૂઝમાં સજ્જ આ યુવાન એટલે કેશવ. શહેરની નામાંકિત કંપનીના માલિકનો એક નો એક પુત્ર. મોંઘીદાટ બાઇક્સ અને ગાડીઓમાં ફરવું, ક્લબમાં પાર્ટી કરવી આ બધા તેના શોખ. જો કે સંસ્કારી વરસો હોવાથી ક્યારેય દારૂ કે અન્ય કોઇ વ્યસનથી તે હંમેશા દૂર જ રહ્યો છે, પણ તેને શિક્ષણ સાથે નાહવા નીચોવવાનો કાંઇ સંબંધ ના હોય તેમ એક સેમિસ્ટરમાં બે ટર્મ નીકળી જતી..!

સૌ છોકરીઓ ફ્રેંડશીપ ડેની વિશ કરવા કેશવ પાસે દોડી જવા કરે ત્યાં જ પૂર ઝડપે પાર્કિંગમાં આવેલી મોંઘી વિદેશી ગાડી આવતા જોઇ સૌ કોઇ અટકી ગયા. ગાડીમાંથી જીન્સ, ટોપ પહેરેલી અત્યંત રૂપાળી મોર્ડન છોકરી બહાર આવી. સામેના ટોળામાંથી કેટલીક બોલી ઊઠી, “લો, મીરા આવી ગઈ, હવે છે કોઇનામાં હિંમત કે કેશવની નજીક પણ જાય..!” કેટલીક મોર્ડન ડ્રેસમાં સજ્જ ગર્લ્સે દોડી મીરાને હગ કર્યુ. મીરા અહીંના નામચીન એમ.એલ.એ. પ્રકાશરાજની દીકરી.

પ્રકાશરાજના નામ માત્રથી આખું શહેર કાંપી જતુ. પ્રકાશરાજને ઘણા ‘બાહુબલી’ના નામથી ઓળખતા. એક પાક્કા પોલીટીશીયનમાં હોવા જોઇએ તે તમામ ગુણ – દુર્ગુણ પ્રકાશરાજમાં ભારોભાર ભરેલા હતા. સ્ટેટ લેવલ પોલીટીક્સ સુધી તેમનો ઘણો દબદબો રહેવા પામ્યો. સૌ જાણતા કે મીરા અને કેશવ બેસ્ટ ફ્રેંડ્સ હતા. બંને બાળપણથી જ સાથે ભણ્યા અને રમ્યા. બંનેના ફેમીલીઝ પણ ક્લોઝલી કનેક્ટેડ રહ્યા. પ્રકાશરાજને ઇલેક્શન માટે સૌથી વધુ ફંડ કેશવના પિતા મનસુખભાઇ જ આપતા. તેના બદલે મનસુખભાઇનો પોર્ટથી આવતો બધો વિદેશી માલ ટેક્ષ વગર આવવાની બધી ‘વ્યવસ્થા’ પ્રકાશરાજ કરી આપતા..! કોલેજની દરેક ગર્લ્સ જાણતી કે કેશવ પર માત્ર મીરાનો જ હક..! જો કોઇ બીજી લેડીને મીરા કેશવ નજીક જોઇ લે તો તેનું આવી જ બને..! કેશવના માટે મીરા માત્ર એક સારી ફ્રેંડ જ હતી, જ્યારે મીરાના મનમાં કેશવ પ્રત્યે જરા સોફ્ટ કોર્નર રહ્યો હતો. મીરાએ આ વાત ઘણીવાર કેશવને કહેવા કરી પણ કેશવ આ બાબતને ક્યારેય સીરીયસલી ના લેતો.

“હેપ્પી ફ્રેંડશીપ ડે કેશવ.” મીરાના અવાજની દિશામાં કેશવ દોરવાયો. બંનેના કેઝ્યુઅલ હગથી કૈંક કેટલીયે ગર્લ્સ મનોમન ઇર્ષ્યાથી બળી મરી..!

“હેપ્પી ફ્રેંડશીપ ડે મીરા” કેશવે મીરા આગળ રોઝ ધર્યું, “અ બ્યુટીફૂલ રોઝ ફોર અ બ્યુટીફૂલ ફ્રેંડ..!”

કેશવ અને મીરાની આસપાસ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ ઘેરાઇ રહેતા. ક્લાસમાં મજાક મસ્તી કરવી, કોમેન્ટ્સ કરવી આ જ આ બંનેનો સરખો શોખ..! ક્લાસના કોલાહલ વચ્ચે એક નવો જ ચહેરો ક્લાસમાં એન્ટર થયો. વ્હાઇટ ડ્રેસમાં સજ્જ એક છોકરી પવનના સપાટા વચ્ચે મોં પર ઢંકાયેલ ઓઢણી હટાવતા ચહેરા આગળ આવેલ લાંબા વાળની આડશે અણિયાણી કાજળભરી નજરે ક્લાસના સૌને જોઇ રહી. કેશવ જાણે આ દ્રશ્યમાં ડૂબી ગયો હતો. પેલી છોકરીના ઉજળા ચહેરા સાથે કાજળના કાળા અને લાલચટ્ટાક હોઠના કલર કોન્ટ્રાસે કેશવનો રંગ ઉડાડી દીધો. તેના કાને પહેરેલી એરિંગ્સની ચમકથી જાણે કેશવની આંખ અંજાઇ ગઈ અને તે જાગી ગયો..!

તે ક્લાસમાં મીરાની પાસે જગ્યા ખાલી હતી ત્યાં બેઠી. મીરાએ હાથ લંબાવી પોતાનો પરિચય આપ્યો, “હાય, આઇ’મ મીરા.” પેલી છોકરી એ હાથ મેળવતા કહ્યું, “આઇ’મ રાધિકા. એક્ચ્યુઅલી મારા પપ્પાની ટ્રાન્સફર હમણા જ આ શહેરમાં થઈ, એટલે અરધા સેમિસ્ટરમાં આ કોલેજમાં આવવાનું થયું.” બંને વચ્ચે થયેલી આ નાનકડી ઓળખાણ તેમના વચ્ચે સારી મિત્રતામાં પરિણમી. કેશવનો પણ રાધિકા સાથે પરિચય થયો. કેશવ રાધિકા તરફ ઘણો આકર્ષાયેલો રહેતો. તે મનોમન રાધિકાને પસંદ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં રાધિકાને કેશવ જરાય પસંદ ના હતો, પરંતુ જ્યારે પાછલા અઠવાડિયે વરસતા વરસાદમાં કોલેજ રોડ આગળ કેટલાક રોડ સાઇડ રોમિયો રાધિકાની છેડતી કરતા હતા ત્યારે કેશવે કોઇ ફિલ્મી હીરોની જેમ તેમને માર મારી ભગાડી મૂક્યા ત્યારથી કેશવ તરફનો તેનો અભિગમ બદલાયો. આ બનાવથી રાધિકાના મનમાં કેશવ પ્રત્યે માન જાગ્યું અને કેશવનો સુંદર દેખાવ અને એટ્રેક્ટીવ પર્સનાલીટી તેના આ માનને ક્યારે પ્રેમ તરફ દોરી ગયા તેની રાધિકાને જ જાણ ના રહી..! રાધિકા અને કેશવ વચ્ચે પ્રેમ પાંગરતો રહ્યો, પણ આ બાબતથી હમણા સુધી તો મીરા સાવ અજાણ જ હતી. પણ કેશવની બર્થ ડે ના દિવસે કૈંક એવું બન્યું કે મીરાને આ બંને વચ્ચે ફ્રેંડશીપથી કૈંક વિશેષ હોય તેવો ખ્યાલ આવ્યો.

બન્યુ એવું કે કેશવની બર્થ ડે પર તેણે ઘણી મોટી પાર્ટીનું આયોજન કર્યુ અને તેમાં પોતાના દરેક ફ્રેંડ્સને ઇન્વાઇટ કર્યા હતા. પાર્ટીમાં બધા આવી ગયા હતા. કેશવ પણ બ્લેક બ્લેઝરમાં સજ્જ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બ્લેક સ્કર્ટમાં સજીધજી આવેલી મીરા પણ તેનાથી કાંઇ ઉણી ઊતરતી ના હતી..! બર્થ ડે કેક પણ તૈયાર હતી, પણ કેશવ કોઇની ખાસ મહેમાનની રાહ જોઇ રહ્યો હતો. બર્થ ડે બોય હોવા છતા તે ફીકા ચહેરે બધાને પરાણે સ્માઇલ આપી રહ્યો હતો. કેશવ મૂડલેસ હતો તે બાબત મીરાના ધ્યાનમાં પણ હતી. તે આ બાબતનું કારણ જાણવા કેશવ પાસે જાય છે ત્યાં જ તેણે જોયું કે કેશવનો ચહેરો અચાનક પૂનમનાં ચાંદની જેમ ચમકી ઉઠ્યો. તેના ચહેરા પર એક ગજબ ખુશીની ચમક ઉભરાઇ ગઈ. મીરાએ પાછળ ફરી જોયુ તો રાધિકા આવી હતી. કેશવની બર્થડેમાં આજે પહેલી વાર રાધિકા વેસ્ટર્ન ડ્રેસમાં આવી હતી. આજે પહેલી વાર મીરા મનોમન રાધિકા માટે જેલસ ફીલ કરતી હતી. સૌને લાગ્યુ કે રાધિકાના આગમનથી જ પાર્ટીમાં અલગ રોનક આવી ગઈ. કેશવે કેન્ડલ્સને ફૂંક મારી અને કેક કાપી. પ્રત્યેક વર્ષની જેમ આજે પણ કેશવના હાથે કેકનો પીસ મોંમા લેવા મીરા જરા આગળ વધી, પરંતુ કેશવનો કેકવાળો હાથ રાધિકા તરફ ફરતા મીરાના પગ જમીન પર થાંભલાની જેમ જકડાઇ ગયા. તે આ બાબત સહી શકી નહીં, છતા પ્રસંગને ધ્યાનમાં રાખી તે ચૂપ રહી. આખી પાર્ટીમાં પણ કેશવે મીરા તરફ કોઇ જ વિશેષ ધ્યાન ના આપ્યું. કોલેજના સૌ ફ્રેન્ડ્સને પણ આ ધ્યાનમાં આવ્યુ હતુ.

આ પ્રસંગ પછી કોલેજમાં કેશવ અને રાધિકા ગોસીપ માટે હોટ ટોપીક બની ગયા અને સાથે મીરા શું કરશે તે વિશે સૌ પોતપોતાની રીતે તુક્કા ઘડવા લાગ્યા. ‘હવે મીરા જરૂરથી રાધિકા સાથે ફ્રેંડશીપનો છેડો ફાડી નાખશે...’, ‘મીરા રાધિકા સાથે બદલો લેશે....’, ‘કેશવને પોતાની તરફ કરી લેશે....’, ‘મીરા રાધિકા અને કેશવના સંબંધમાં હવે તિરાડ પડશે...’ વગેરે કેટલીયે અફવાઓ જોરશોરથી ચાલતી રહી.

પણ શું આ અફવાઓ સાચી પડશે..?

મીરા કેશવ પ્રત્યેના એકતરફી પ્રેમમાં શું કરશે..?

રાધિકા અને કેશવના પ્રેમ બાબતે બંનેનો પરિવાર વચ્ચે આવશે..?

આ સવાલના જવાબ મેળવવા જરા રાહ..... ‘પરિણય - 2’

***