Krushn sathe charcha books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ સાથે ચર્ચા

હવે કાઈ જ સેફ નથી રહ્યું… માણસાઈ પણ અસુરક્ષિત છે અને માણસો પણ… દેશ હવે સુરક્ષિત નથી અને પ્રજા પણ…

આતંકવાદે અહીં ઉપાડો લીધો છે, અને સરકાર અને સરકારી સુરક્ષા પ્રણાલી આખે આખી પૈસાની નોટોની લાલચે એમના તળવા ચાટ્યા કરે છે. સરકાર ગુલામ છે અને પ્રજા ગુલામીમાં જીવવા મજબુર કેદી જેવી લાચાર કાયનાત. ઇન્કમટેક્ષ અધિકારી રિસવત લઈને ટેક્ષ ચોરોને બચાવે છે, પોલીસ રિસવત લઈને ચોર અને ગુંડાઓને પોષે છે, એમનું આ પોષણ સામાન્ય પ્રજાને શોષે છે, દરેક સરકારી ક્ષેત્રે થતો ભ્રષ્ટાચાર માણસાઈના મૂળિયાઓને ધીમી ગતિએ કેન્સરની જેમ ખત્મ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં સુરક્ષાના સાધનો જ અસુરક્ષાના સૌથી મોટા કારણો બનતા જઈ રહ્યા છે. પણ, છતાંય દેશ ગહન ચીર નિંદ્રામાં પોઢી રહ્યો છે, માણસાઈ મરી પરવારી છે, માણસ માણસનો હવે મદદગાર નથી રહ્યો, માણસ માણસનો સગો નથી રહ્યો, પૈસા અને ટૂંકા ગાળાની ખુશી, લાલચ, કમ્ફર્ટજોન અને બદલાની ભાવના માટે માણસ આજે માણસાઈનો જ દુશમન બની બેઠો છે. સુરક્ષા માટે બનાવાયેલી વાડ સતત ચિભડાઓ ગળી રહી છે. પરિણામે સ્થિતિ એવી છે, કે ચિભડાઓ ચોર કરતા વધારે તો વાડના કાંટાઓથી ડરે છે.

માત્ર રૂપ બદલાય છે બાકી જ્યાં જ્યાં માણસાઈ દાવ પર મુકાય છે, ત્યાં ત્યાં ઘટતી દરેક વિરોધ વૃત્તિ નર્યો આતંકવાદ જ હોય છે. જાતિવાદ, ધર્મવાદ, કોમવાદ, જૂથવાદ, પક્ષવાદ, શહેરવાદ, ગામવાદ, શાસનવાદ, સરકારી બાબુઓનો તાનાશાહવાદ બધું જ જ્યારે માનવતાની વિરોધમાં ઉતરે છે, ત્યારે એ વૃત્તિ વિરોધ અને વિદ્રોહ વચ્ચેની ભેદ રેખા ઓળંગીને આતંકવાદમાં પરિણમે છે. આ આતંકવાદ આજના સમયમાં એટલી હદે વકર્યો છે કે માણસ માણસનો દુશમન બની ગયો છે, અને દેશમાં દરેક વ્યક્તિ ભયના ઓછાયામાં જીવવા મજબુર બની રહ્યો છે. સરકાર તો છે પણ કોણ જાણે ક્યાં છે, ક્યાં નશામાં પડી છે, ન્યાય જેવો શબ્દ તો કદાચ વર્ષો પહેલા જ વેચાઈ ચુક્યો છે. કારણ કે આજકાલ ન્યાય કોઠા પર બેસતી વેશ્યા જેવો થઈ ગયો છે. ભાગ્યે જ ક્યાંક સ્વાભિમાની બલાઓ જોવા મળે છે, બાકી તો કપડાં ઉતારીને પૈસાના ભાર સામે નગ્ન થઈ જતી ન્યાય વ્યવસ્થા જ ખાસ કરીને જોઈ છે.

જીવું છું તો કેમ…? એનો કોઈ જવાબ નથી કોઈની પાસે, અને મરી પણ જઈશ તો કેમ…? એનો કોઈ ભરોસો પણ નથી. બસ મનમાં જો કાઈ છે તો એ છે ડર… માણસ છું છતાં માણસાઈ ભૂલેલા માણસોથી ડર લાગે છે. રોજ સવારની પહેલી કિરણ સાથે ડરના ઓછાયામાં દિવસની શરૂઆત થાય છે, અને ડરના સાયામાં ઢબુરાઈને જ સુઈ જવું પડે છે. એકાદ શબ્દ જેટલી નજીવી બાબતે પણ આજકાલ જાન લેવા ઉતાવળા આતંકવાદીઓ દેશમાં ઠેરઠેર ફર્યા કરે છે. આપણી આસપાસ બસ ડર છે, માત્ર અને માત્ર ડર. એ ડર સતત મનમાં ધડકતી ધડકન સાથે આપણા હસતા રમતા વર્તમાનમાં પડઘો પાડે છે. પરિવારનો ડર, બદનામીનો ડર, કોઈ આતંકવાદીનાં કુંડાળામાં પડી જવાનો ડર (એવા કુંડાળા જેની કોઈ વ્યખ્યાં જ નથી હોતી.), ફરિયાદ કરવા જતાં વળતા બદલાનો ડર, ઝઘડામાં ફસતા પહેલા પોલીસની દાદાગીરીનો ડર, વારંવાર બેગુનાહ હોવા છતાં બેગુનાઈ ન શાબીત કરી શકવાની લાચારીનો ડર, દિવસો અને સમય વાંક-ગુના વગર કામકાજ છોડીને બેકાર રહેવાનો ડર, પૈસા કે રિસવત ન આપીએ તો રાક્ષકોની ભક્ષક વૃત્તિનો ડર, ફરિયાદ કરવા જતાં પોતે જ ગુનેહગાર બનાવી દેવાય એનો ડર, બસ ડર… ડર… અને ડર…

આ ડર નિવારણ માટે જે તંત્ર અસ્તિત્વમાં છે. એ જ ન્યાય તંત્રની અન્યાય પ્રણાનીનો ડર… કોઈની સાથે બોલતી વખતે ડરવું પડે છે. ક્યાં, કોણ, કેવી રીતે તમને ગુનેહગાર બનાવીને સજાના હવાલે કરી દે અને સુરક્ષા તંત્ર સમાધાન કરાવવા પૂરતું જ આડે આવે. ગલીએ ગલીએ ફરતા ડોનનો ડર, દારૂના નશામાં ગાળો ભાંડતા લુખ્ખાઓનો ડર, અમીરોના તળવા ચાટતા સરકારી બાબુઓનો ડર, અન્યાય પણ અહીં સાચો ન્યાય સાબિત થઈ જવાનો ડર… બસ ડર… ડર… અને ડર…

એવું નથી કે તંત્ર કાંઈ જાણતું નથી, તંત્ર બસ આંખો આડા કાન રાખે છે. જાણી જોઈને આને પોષે છે, કારણ કે મિનિસ્ટરથી લઈને હવાલદારને પોષવામાં આ જ તંત્ર મહત્વનું છે. એટલે આ તંત્રને બચાવવા એસેમ્બલી સુદ્ધા આડી પડે છે, અને પ્રજા નિર્દોશ હોવા છતાં બધું સહેવા લાચાર બની જાય છે. ગુનેહગારને ગુનેહગાર કહી નથી શકાતું, કોઈની વચ્ચે પડી નથી શકાતું, અવાજ ઉઠાવવા જતા જાન જાય તો સુરક્ષાનું ઠેકાણું પાડી નથી શકતું, જીવવું છે પણ શાંતિનું બીબુ પાડી નથી શકાતું, મરવું હોય તો પરિવારની ચિંતામાંથી છૂટી નથી શકાતું અને રડવું ઘણું મનમાં ભરાયું હોય છતાં કોઈના ખભે માથું મૂકીને રડી પણ નથી શકાતું. આ બધા જ નું કારણ છે ડર… ડર… અને માત્ર ડર…

આવા આતંકવાદીઓ સરકારને પોષતા હોવાથી તમે એમનું કાંઈ ઉખાડી ન શકો, અને ઉખાડવાની કોશિશ કરવામાં તમે જાતે ગુનેહગાર બનીને રહી જાઓ. તમારી જાન પણ ખાતરના કુંડાળામાં આવી જાય છે, તમને ગુનેહગાર સાબિત કરી દેવામાં કોઈ કસર નહીં છોડવામાં આવે, ભલે એ ચક્કરમાં માણસાઈ અને ન્યાય વ્યવસ્થાના લિરે લિરા જ કેમ ન કાઢી નાખવામાં આવે.

ગુનેહગાર કોણ છે એ હંમેશા બધા જાણતા જ હોય છે. સરકાર સ્વયં જાણતી હોય છે કે વાસ્તવિક ગુનેગાર કોણ છે, છતાં પણ એને ગુનેહગાર કહી ન શકાય. ભારતમાં હજારો ગોટાળા થાય છે, પણ નિર્ણય આવતા આવતા કા’તો કેસ ભૂંસાઈ જાય છે, અથવા તો પછી ગુનેગારનું કે સાક્ષી બનતા વ્યક્તિનું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય છે. આ પ્રકારની દાદાગીરીમાં સુરક્ષા તંત્ર સંડોવાયેલું હોવાથી તમે સહેવા સિવાય કાંઈ જ નથી કરી શકતા, કારણ કે આ લોકો ઓલરેડી આવા કાર્યોમાં રચ્યા પચ્યા હોય છે, પરિવારની ચિંતા એમને હોતી નથી, ઈજ્જત આબરૂની જેને કોઈ પડી નથી હોતી, એવા નાગા માણસો બેજીજક ફર્યા કરે છે. સરકાર અંધ બનીને જોયા કરે છે, પોલીસ કાંઈ કરી શકતી નથી. પૈસા ખાઈને કરે કે ઉપરના પ્રેશરથી એ તો એ લોકો જ જાણતા હોય છે.

રાતના દશ વાગી રહ્યા છે, મનમાં એક વિચિત્ર ભય અંકુરિત થઈ રહ્યો છે. જેનો કોઈ આકાર નિશ્ચિત નથી, જે ડર વિશે હું કઈ જ જાણતો નથી, છતાં એ અનુભવાય છે. સોસાયટીની સુની શેરીમાં અચાનક આવતા બાઈકના અવાજ અને કુતરાના ભાસવાના અવાજો પણ આ ભયની સળગતી આગમાં ઘી બનીને વધારે ભડકાવી રહ્યા છે. પેટમાં વિચિત્ર સંકુચન અને એઠન અનુભવાય છે, પરિવારનો જ ડર છે આ… એમની સુરક્ષિતતા અને કોઈ એકને પણ થતા નુકશાનની ચિંતા મનમાં સતત ઘેરાઈને ઘટ્ટ બની જતી હોય છે. પરિવારનો ડર સૌથી ભયંકર ડર હોય છે, જ્યાં તમે ડરવા માટે મજબૂર બની જાઓ છો. ક્યારેક પરિવાર આનંદ આપે છે તો આવા અસામાજિક તત્વોને જોતા પરિવારની સુરક્ષા જ ડરનું સૌથી મોટું કારણ બની જાય છે. આવા વર્ણશંકરોથી ડરી ડરીને જીવવું પડે છે, કારણ કે ક્યાંક આપડી પડકાર ઘરના અન્યો માટે અસુરક્ષિતતા બની જાય છે. અને આવા રસ્તે રખડતા ડોન બેખૌફ બનીને આતંક વધારતા રહે છે. પોલીસ અને સરકાર કદાચ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. એમને નોટોના પ્રકાશ સામે, પ્રજાનું દુઃખ જરાય દેખાતું નથી.

‘તું આજે બહુ વિચારી રહ્યો છે ને…?’ સાવ નજીકથી અવાજ ગુંજયો.

‘હું મજબુર છું, આજે પ્રથમ વખત નથી છતાં જાણે કેમ હું ડરી રહ્યો છું…’
‘પણ આ કોઈ જ પ્રકારે મોતનો ડર તો નથી.’
‘હા કાના, આ મોતનો ડર જરાય નથી. તું ચાહે તો આ ક્ષણે જ મને સાથે લઈ શકે છે.’
‘તો આ ડર શેનો છે…?’
‘આ ડર તારાથી અજાણ્યો નથી કાના…’
‘પણ, મને નક્કર ખબર પણ નથી.’
‘તું જાણે જ છે, છતાં અજાણ બની રહ્યો છે. શુ તું ખરેખર નથી જાણતો કે આ બધું શેના કારણે છે…?’

‘હું જાણું છું પણ ચિંતા કરવા જેવું કોઈ ખાસ કારણ નથી. પરિવારની ચિંતા પણ એક પ્રકારે મોહ જ છે ને…?’
‘તો શું એ જવાબદારી ઉપાડવી મારો ધર્મ નથી.’
‘તું તારા કર્મ પથ પર છે, પણ ઘણા એવા તત્વો છે જે કર્મપથ ભૂલી ગયા છે. કર્મનું ફળ પણ એ ભોગવશે જ… પણ…’
‘પણ, એ જ કે એમના કર્મોનું ફળ જે ગુન્હામાં નથી એ લોકો પણ ભોગવે છે. એનું શું…?’

‘માણસો માણસાઈ ભૂલ્યા એમા મારો શુ વાંક…?’
‘કાના તું ઈચ્છે તો દરેકને માર્ગ પર લાવી શકે છે. પણ કદાચ સૃષ્ટિનું આ સંતુલન ખોળવાતું તું પણ નહિ જ અટકાવી શકે ને…?’
‘હું અટકાવી શકું છું, પણ હું એ નહીં કરું. કારણ કે સંતુલન જાળવવું મારુ કાર્ય છે.’

‘તો શું જે બની રહ્યું છે એ અસંતુલન નથી…?’
‘છે, પણ એનો નિર્ણય અત્યારે ન્યાય વ્યવસ્થા કરી રહી છે. SC છે, HC છે, અન્ય કોર્ટો છે, પોલીસ ખાતું છે, ન્યાય પ્રણાલી છે, સંવિધાન છે, અધિકારો છે, ફરજો છે…’
‘શુ આમાંથી એકેય નું અસ્તિત્વ તને લાગે છે.’
‘હોય તો ચોક્કસ લાગે જ ને…?’
‘તો તું એમાં હસ્તક્ષેપ કેમ નથી કરતો…?’
‘જન્મે છે એનો અંત નિશ્ચિત છે. જે જન્મે છે એ મૃત્યુ પામે છે. કાળચક્ર સતત પોતાની ગતિએ ફર્યા કર્યું છે, ફર્યા કરે છે અને ફરતું રહેવાનું છે. એને હું કે કોઈ અન્ય નહીં રોકી શકે…’

‘તો એનો કોઈ માર્ગ નથી.’
‘માર્ગ ક્યારેય હોતો જ નથી, માર્ગ તો બનાવવો પડે છે.’
‘એટલે…?’
‘સતયુગ હતો નહિ માણસોએ એમના કર્મો દ્વારા એને સત્યનો યુગ બનાવ્યો હતો. બસ એજ રીતે આજે કળિયુગ છે નહીં, પણ માણસોના કર્મ કાળને કળિયુગ બનાવે છે.’

‘તો આમાં બદલાવ ન આવી શકે…?’
‘આવી શકે ને…? ચોક્કસ આવી શકે. જો મણસાઈનું પુનઃ સ્થાપન થઈ શકે…?’

‘પણ એ તો…’
‘એ શક્ય નથી, એમ જ ને…?’
‘હા કાના, તું તો જાણે જ છે ને કે આજના યુગમાં એ બહુ અઘરું છે.’
‘તારી આ સમજ પર જ હું દિવાનો છું.’
‘મારી સમજ પર…? મારામાં વળી કઈ સમજ દેખાઈ હવે તને…?’ હું આશ્ચર્યમાં ઘરકાવ જ હતો હજુ.

‘તારા શબ્દોનું ચયન ગમ્યું મને…’
‘શબ્દોનું ચયન…!!’
‘તે કહ્યું કે એ બહુ અઘરું છે. અન્ય કોઈ હોત તો જરૂર એ આ સ્થિતિમાં અશક્ય શબ્દ જ વાપરત…’

‘ના અશક્ય કાઈ નથી હોતું. હરેક વ્યક્તિના અંદર એક તત્વ સમાન સ્વરૂપે વસેલું છે. જે છેવટે તો તારું જ પ્રતિબિંબ હોય છે. બસ ફર્ક એટલો જ છે કે અમુક લોકો દિશા સમજે છે, અને અમુક લોકો દિશાઓ ભટકે છે.’

‘તો દિશા દેખાડવાની જરૂર તને નથી લાગતી…’
‘હું અને દિશા….?’
‘હા, રણમાં ઊડતી રેતીનાં કણો પણ ત્યાંના પ્રવાસીઓને પવનની વાસ્તવિક દિશાનું ભાન કરાવે છે. તું તો છતાંય માણસ છે. સમજતો, વિચારતો, જીવતો અને હરતો-ફરતો માણસ…’

‘તું એ દિશા વિશે વિચાર જે આ દશાને બદલી શકે.’
‘પણ…’
‘એ તારે કરવાનું છે…’
‘મારે…?’
‘હા તારે…?’ હું કઈ કહી શકું એ પહેલાં જ ત્યાં શૂન્યતા વ્યાપી ચુકી હતી. ત્યાં એવું કોઈ જ અસ્તિત્વ દેખાયું નહીં જેની સાથે વાતને આગળ લંબાવી શકાય.

સામાન્ય રીતે આ કાનો.. દરેક વાર આવા જ સમયે અંતર ધ્યાન થઈ જાય છે , જ્યારે મારે એની પાસે કોઈ પ્રશ્નનો જવાબ માંગવાનો હોય છે. કદાચ એ મને જાતે મહેનત કરવા પ્રેરણા મળે એ હેતુથી એવું કરતો હોય…? કદાચ મારી સમસ્યાઓ હું જાતે સુલજાવી શકું છું કે કેમ એ જાણવા એ આ બધું કરતો હોય…?

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૪:૫૬, ૫ જૂન ૨૦૧૮ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED