' અજાણી ભલાઈ '
ધંધા અર્થે હું હંમેશા બહાર ફરતો રહું છું, એટલે વિવિધ જગ્યાઓમાં મને અવનવા અનુભવો થતા રહે છે. એમાંથી કેટલાય પ્રસંગોનું વર્ણન કરી શકાય એમ છે. પણ જો આ પ્રસંગ વિશે હું બીજાને નહીં જણાવું તો તે યોગ્ય નહીં કહેવાય :
એકવાર હું કોઈ કામ અર્થે બહારગામ ગયો હતો. મોડી રાતે એ ગામે હું પહોંચ્યો હતો, એટલે રાતના ગેસ્ટ-હાઉસમાં આરામ કરીને સવારે એ વેપારી પાસે જવું એવું મેં મનોમન નક્કી કર્યું હતું. તે દિવસોમાં વધુ અવરજવર ન હોવાથી સરળતાથી રૂમ મળી ગયો હતો. સફરનો થાકેલો હું, કદાચ પથારીમાં પડતા જ સુઈ ગયો હતો.
આમ, તો રોજ સવારે વહેલા જ ઉઠી જવાની મારી આદત છે, પણ બીજા દિવસે હું બહુ મોડો ઉઠ્યો હતો. ઘડીયાળ કંઈક 9.30 નો સમય બતાવી રહી હતી. હું ઝટપટ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો. હવે જો નાસ્તો કરવા રોકાઈશ તો કદાચ વધારે મોડું થશે એમ વિચારીને મેં નાસ્તાનો વિચાર માંડી વાળ્યો. ફટાફટ રૂમને તાળું મારીને હું બહાર આવી ગયો ને રોડ પર બસ કે છકડાની રાહ જોવા મંડયો. મને જે વેપારી પાસે જવાનું હતું એ જગ્યાનું એડ્રેસ મારા માટે નવું હતું. (આમ તો ગામમાં મારા જુના વેપારી પણ હતા. પણ આજે જ્યાં જવાનું હતું એ પહેલી વાર હતું.) જોકે, મેં એમની પાસેથી દુકાનનું એડ્રેસ એમના ફોન-નંબર વગેરે બધું બહુ ચોકસાઈથી નોંધી લીધું હતું, પણ એમ છતાં એમની દુકાન ગામની બહાર હોવાથી ત્યાં પહોંચતા ઘણો સમય લાગી જવાનો હતો.
ઘણી વાર રોડ પર ઉભા રહ્યા પછી બસ આવીને હું એ બસમાં ચડ્યો. બસમાં ઘણી ભીડ હતી, એટલે પહેલા વિચારે એમાંથી ઉત્તરી જવાનું યોગ્ય લાગ્યું. જોકે, આ બસ પણ ઘણી મહેનત પછી મળી હતી,એટલે હવે પછી બસ કેટલા વાગે મળશે એનું કંઈ નક્કી ન હતું.આમે 11 આજુબાજુ થવા આવ્યા હતા, એટલે મનેકમને એ જ બસમાં જવાનો નિર્ણય કર્યો. બસમાં મારી સાથે ઘણા પેસેન્જર પણ ચડ્યા હતા, એટલે અમે સૌ એકબીજાને ધક્કા આપી બારીની નજીક કોઈ સીટ આગળ ઉભા રહી જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. સદભાગ્યે, મને એવી એક જગ્યા દેખાઈ કે જેની આગળ ઉભા રહીને થોડી ઘણી બસની હવા અનુભવી શકાત.
ટિકિટ વખતે, મેં કન્ડક્ટરને એ એડ્રેસ વિશે પૂછ્યું, પણ મારી કમનસીબી વચ્ચે એ એડ્રેસ પર કોઈ સ્ટોપ નહોતો. કન્ડક્ટરે મને એ એડ્રેસની નજીકના કોઈ સ્ટોપની ટિકિટ આપી ને કહ્યું કે ત્યાંથી કંઈક એકાદ-દોઢ કિલોમીટર જેટલું ચાલવું પડશે, આ સાંભળતા જ હું વધુ નિરાશ થઈ ગયો, પણ હવે શું થાય ? હવે તો ત્યાં પહોંચે જ છૂટકો.
માંડ માંડ એ ભીડ વચ્ચે મારા શ્વાસ કાયમ રાખીને હું પેલા સ્ટોપ પર પહોંચ્યો. વચ્ચે એક-બે પેસેન્જરને પૂછતાં એ તો ખબર પડી ગઈ કે મને જ્યાં જવાનું હતું એ માટે છકડો-રીક્ષા જેવું કંઈ નહીં મળે. એટલે હવે એક ઓર પરેશાની ઉભી થઈ ગઈ હતી. આમેય ભૂખના કારણે મારા પેટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. એટલે હવે એક જ ઉપાય હતો, જેટલું બને એટલું જલ્દી પગે જ આ અંતર કાપી નાખું. હવે કંઈ બાકી હોય એમ તડકો પણ બરોબર ચડ્યો હતો. બપોરના કંઈક 2 વાગ્યા હતા. હવે આ દોઢ કિલોમીટર કાપવું એ નરકના રસ્તા કાપવા જેવું થઈ ગયું હતું.રસ્તામાં ચાલતા વચ્ચે વચ્ચે આવતી પવનની લહેરખી એ કંઈક શાતાનો અનુભવ થતો હતો.
ધીમે ધીમે મંઝિલ નજીક આવતી ગઈને તાપ સહેવો અસહ્ય બની ગયો. થોડે દૂરથી જ એ દુકાનનું નામ મેં વાંચી લીધું હતું. પણ એ દુકાન ખુલી હશે કે બંધ એ ત્યાં એકદમ નજીક પહોંચ્યા વગર ખબર પડી શકે એમ ન હતું. હું ધીરે ધીરે તે દુકાન પાસે પહોંચ્યો. જ્યાં મેં જોયું તો એ દુકાનનું શટર બંધ હતું, ને મારો પિતો ગયો. ચાલો હવે આ દુકાન પણ બંધ !
મેં એના પર લખેલા મોબાઇલના નંબર વાંચ્યાને કોલ કરવાનું વિચાર્યું. જોકે, મને એ વાત પર પણ ગુસ્સો આવતો હતો કે મારી પાસે મોબાઈલ હોવા છતાં મેં કેમ અહીં પહેલા ફોન ન કર્યો. મેં મારી પાસેના નંબર પર કોલ કર્યો તો પેલા વેપારીએ ઉપાડ્યો. એણે કહ્યું કે એને ઘરે કોઈ કામ પડતા એ ઘરે આવ્યો હતો. દુકાને આવતા એને કંઈક અડધા-કલાક જેવું થઈ જશે. મેં આટલું સાંભળતા જ કોલ કટ કરી નાખ્યો. હવે આવી ગામની બહારની સુમસામ જગ્યામાં હું શું કરીશ ?
કંઈક 5 મિનિટ જેવી થઈ હશે ને મારા પગ હવે જવાબ દેવા માંડ્યા હતા.ઉપરથી સૂરજની કાળઝાળ ગરમીના કારણે પરસેવાથી હું નિતરી રહ્યો હતો. વળી મારા હાથમાં રહેલા સેમ્પલનું વજન પણ ઠીક ઠીક હતું. મેં આજુબાજુ નજર કરી તો એ દુકાનથી થોડે દૂર એક મીઠાઈની દુકાન હતી. આમેય ભૂખના કારણે હું બેહાલ હતો. બપોરના 3 વાગી રહ્યા હતા. મેં મનોમન ગણતરી કરી તો ખબર પડી કે મેં ગઈ કાલે રાત્રે 9 વાગ્યે છેલ્લી વાર ખાધું હતું, એટલે હું લગભગ 18 કલાકથી ભૂખ્યો હતો ! વચ્ચે બસ એકાદ-બે વાર પાણી પીધું હતું.
આ ભૂખ-તરસ વચ્ચે એ મીઠાઈની દુકાન એક આશાનું કિરણ હતી. હું ઝટપટ ઉભો થયો ને એ મીઠાઈની દુકાનમાં પ્રવેશ્યો.તાજી તાજી ફરસાણ તથા પેંડા, મોહનથાળ વગેરે જેવી મીઠાઈઓની સુગંધ મગજ તરબોળ કરી દે તેવી હતી. થોડો વિચાર કર્યા પછી મેં,પેંડા લેવાનું નક્કી કર્યું. સાથે કંઈક ફરસાણ લેવા માટે મેં નજર ફેરવી પણ ત્યાં મૂકેલી કોઈ ફરસાણ મને ભાવે એવી નહોતી. એટલે ફક્ત પેંડા ખાઈને પેટ ભરવાનું નક્કી કર્યું. કંઈક 15 રૂપિયાના 5 પેંડા એણે મને આપ્યા. એની સાથે પાણીની એક બોટલ લઈ હું દુકાનની બહાર નીકળી ગયો.
બહાર હજી તડકો ઓછો થયો ન હતો. આજુબાજુ મેં ક્યાંક વિસામાં માટેનું સ્થળ જોયુંને ત્યાં એક ઝાડ નજરે પડ્યું. હવે થોડોક હાશકારો થશે એ વિચારે મેં મારા હાથમાંના સેમ્પલ ઉપાડીને ત્યાં ઝાડ નજીક ઓટલા પર ગોઠવ્યા. પેંડાનું બોક્સ બાજુમાં મૂક્યું. હવે મારાથી ભૂખ સહન થાય એમ ન હતી. જલ્દીથી જલ્દી એ પેંડા ખાવાનું મેં વિચાર્યું. હું આ વિચારતો હતો એટલામાં જ મારી નજીક એક માણસ આવીને બેઠો. તેના કપડાં થોડા મેલા લાગતા હતા. લગભગ બે-ત્રણ દિવસથી બદલ્યા ન હતા. તે મારી સામે જોવા માંડ્યો ને મેં એના પરથી નજર હટાવી લીધી. મેં પાણી પીવા માટે બોટલ ખોલીને જરાક તીરછી નજરે એની તરફ જોયું, એ હજી મારી તરફ જોઈ રહ્યો હતો. મેં નજર હટાવી લીધીને પાણી પીવા માંડ્યું. એટલી જ વારમાં તેને બોક્સ ખોલ્યો ને બોક્સમાંથી એક પેંડો ઉપાડ્યો, મારા આશ્ચર્ય વચ્ચે એ પેંડો એ જોતાં વારમાં ખાવા માંડ્યો. હું આશ્ચર્યમાં થોડીક વાર તેના તરફ જોઈ જ રહ્યો. મેં મારી બોટલ બાજુ પર મૂકીને એની સામે વધુ ગુસ્સાથી જોવા માંડ્યું, પણ એ તો બહુ મજાથી પેંડો ખાઈ રહ્યો હતો.
મારા ગુસ્સાનો કોઈ પાર ન હતો. મને પૂછયા વગર મારા પેંડાના બોક્સમાંથી કોઈ પેંડો ઉપાડીને કેમ ખાઈ શકે ? મેં એને જોરદાર સંભળાવી દેવાનું વિચાર્યું ને પેંડાનો બોક્સ મારી બાજુમાં રાખી દેવાનું વિચાર્યું. પણ એટલામાં તો એ પોતાનો પેંડો પૂરો કરીને બીજો પેંડો ખાવા માટે હાથ લાંબો કરતો હતો. મારો હાથ અચાનક જ બોક્સ તરફ લંબાયો ને મેં એક પેંડો ઉપાડી લીધો. મને પોતાને ખબર ન હતી કે મેં શા માટે એ પેંડો ઉપાડ્યો ? કદાચ પેંડા પુરા થઈ જવાની મને બીક હતી. હવે હાથમાં એ પેંડો હોવાથી એ પેંડો પૂરો કરી લેવાનું વિચાર્યું. હું મારો જ પેંડો બહુ બેચેનીથી ખાવા માંડ્યો. એટલી વારમાં તો એને બીજો પેંડો ઉપાડી લીધો હતો.
મારા મગજનો પારો હવે બહુ ઉપર ચડી ગયો હતો મેં ઝટપટ મારો એ પેંડો પૂરો કર્યો ને એની તરફ જોયું. હજી એ બહુ બેદરકારીથી જ પેંડો ખાઈ રહ્યો હતો.મને એ બહુ વિચિત્ર લાગી રહ્યું હતું. મને એમ થયું કે આખેઆખો બોક્સ હવે ઝુંટવીને અહીંજ રાખી દઉં. પણ એને બહુ ટેસથી પેંડો ખાતા જોઈને હવે મને બેચેની વધવા લાગી હતી. મેં પણ બોક્સમાંથી એક પેંડો ઉપાડી લીધો ને બહુ ઝડપથી ખાવા લાગ્યો. વળી મારુ ધ્યાન એના તરફ ગયું. એને હજી પણ કંઈ પડી ન હતી. હવે જો હું જલ્દી નહિ ખાઉં તો એ બોક્સનો છેલ્લો પેંડો મારા ભાગમાં નહિ આવે.
ખરેખર એ સમયે હું મારો જ પેંડો મને મળશે કે નહીં એની અસમંજસમાં હતો. મેં ઝડપથી બોક્સનો એ ચોથો પેંડો પૂરો કર્યો. હવે ઝડપથી મારુ ધ્યાન ત્યાં બોક્સ તરફ ગયું તો પેલા માણસે એ પેંડો ત્યારે જ બોક્સમાંથી ઉપાડી લીધો હતો. હવે મારાથી કંઈ થઈ શકે એમ ન હતું. મેં બહુ લાચાર નજરે એના તરફ જોયુંને એણે પણ મારી તરફ જોયું. એ એક-બે પળ થોભી ગયો. એણે પોતાના હાથમાં રહેલ પેંડાના બે ભાગ કર્યા ને એક મને આપ્યો ને એક પોતે રાખ્યો. પેંડો મળવાના કારણે કદાચ હું એકદમ ખુશ થઈ ગયો ને ટેસથી એ ખાવા માંડ્યો. પણ બીજી જ પળે મને ભાન થયું કે આ તો મારો જ પેંડો છે ! એ એમાંથી ભાગ કરીને મને આપનાર કોણ ?
ગુસ્સામાં ને ગુસ્સામાં એ અડધો પેંડો મેં પૂરો કર્યો. ગમે એમ કરીને આ માણસને મને રોકવો જ હતો ને પૂછવું હતું તું કેમ પૂછયા વગર મારા પેંડા ખાઈ ગયો ? આ વિચારમાં ને વિચારમાં જ હું ઉભો થયો ને મેં એ તરફ જોયું તો એ માણસ તો પહેલેથી જ ઉભો થઈને જવાની તૈયારી કરતો હતો. હું એને કેમ ઉભો રાખું એ વિચારી રહ્યો હતો. એનું નામ મને ખબર ન હતી એટલે હું કેમ બોલાવું એની મને ખબર પડતી ન હતી. વળી એનું અચાનક આમ બેસવું ને પેંડા ખાવા મને વધુ આશ્ચર્ય પમાડી રહ્યા હતા. આ વિમાસણમાં જ થોડીક પળો વધુ વીતી ગઈને એ તો ચાલવા માંડ્યો. હું શું કરું એની મને કશું ખબર પડતી ન હતી. એને જો
હમણાં નહીં રોકું તો એ બહુ આગળ ચાલ્યો જશે એનું મને ભાન થઈ ગયું. એને રોકવા માટે એની પાછળ જવું જ પડશે એની મને ખાતરી થઈ ગઈ. હું મારી પાણીની બોટલ ઉપાડી ચાલવા મંડયો કે અચાનક મને સેમ્પલનો કોથળો યાદ આવી ગયો જે મેં મારી બીજી સાઈડ મુકેલ હતો. જેવો હું એ સેમ્પલ ઉપાડવા બીજી તરફ વળ્યો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.
મારી બીજી બાજુ સેમ્પલના કોથળા પાસે મારા પેંડાના બોક્સ જેવો જ એક બોક્સ પડ્યો હતો. પરિસ્થિતિનું ભાન થતા મને વધુ વાર ન લાગી.
અરે યાર..... એ બાજુમાં પડેલ બોક્સ હકીકતમાં મારો હતો. છતાંય ખાતરી કરવા મેં એક બોક્સ ઉપાડ્યો ને એની અંદર જોયું, તેમાં પાંચ પેંડા અકબંધ હતા. મેં એ બોક્સ પાછું નીચે મુકી દીધું. હું ઘડીભર એમજ ઝાડ પાસે બેસી ગયો.
તો શું હું આટલીવાર એના પેંડા ખાઈ રહ્યો હતો એમ ? ને એને ખબર હોવા છતાં મને કંઈ ના કીધું. એ કદાચ, મેં પહેલો પેંડો ઉપાડ્યો ત્યારેજ મને રોકી શક્યો હોત, કે ભાઈ આ મારા પેંડા છે - તમારા નહીં. કદાચ અમારા બે વચ્ચે મારી ગેરસમજને કારણે ઝઘડો પણ થયો હોત. - આવા વિચારો મારા મગજમાં સતત ઘૂમી રહ્યા હતા.
એટલામાં પેલા વેપારી ભાઈને મેં આવતા જોયાને હું ઉપડ્યો, હું ઉપડ્યો થોડી મૂંઝવણમાં, થોડી રાહતમાં, થોડી હતાશામાં!! મેં પેલા ભાઈને શોધવાની કોશીશ કરી પણ ત્યાં મારાને પેલા વેપારી ભાઈ સિવાય કોઈ ન હતું.
આ વાત પછી એક વાતનો ચોક્કસ મને ખ્યાલ આવી ગયો કે કદાચ હું રૂપિયામાં એનાથી થોડો ઘણો ઊંચો હોઈશ, પણ ખુદારીમાં તો તેઓ મને ક્યાંય વટી જાય એમ હતા.
- આપણા જાણતા/અજાણતા આપણી આજુબાજુના લોકો ક્યારેક આપણા માટે નાના કે બહુ મોટા કામ એમનેમ જ કરી દે છે, એના વિશે કયારેય આપણે ખબર પણ પડતી નથી. આપણે બહુ નાની-વાતોનો લેવામાં ચુકતા નથી ને કેટલાક એમજ અમસ્તા ભલાઈ કરતા રહે છે.....
- પોતે ભૂખ્યા હોવા છતાં બીજા કોઈનું પેટ ભરવું એનાથી વધારે 'માનવતા' બતાવતું બીજું ઉદાહરણ કદાચ શું હશે ?
( હજીય પેલા વેપારી ભાઈ પાસે જવાનું કયારેક થાય, ત્યારે આ પ્રસંગ અચૂક યાદ આવી જાય છે. કદાચ કોઈ વખતે એ ભાઈ ફરીથી મારી સાથે બેસેને હું ભલે અજાણતા નહીં તો કઈં નહિ પણ ' જાણીને ભલાઈ ' કરી શકું.)