Ek Driverni kahani books and stories free download online pdf in Gujarati

એક ડ્રાઇવરની કહાની

એક ડ્રાઇવરની કહાની

ભાગ 2

મારા હિસાબે, માણસ બે જ સમયે સૌથી વધુ વિચારે છે, એક જ્યારે કોઈ ના પ્રેમમાં હોય ત્યારે ને બીજું કોઈ મુશ્કેલી હોય ને એનું સમાધાન કરવું અઘરું પડતું હોય ત્યારે. માણસ નિરંતર લગભગ કોઈક ને કોઈક વસ્તુથી હારી જતો હોય છે. જેમ કોઈ પ્રેમમાં હારી જતા નાસીપાસ થાય છે, તો કોઈ બીમારીઓથી હારીને હિંમત ખોઈ બેસે છે, કોઈ વળી ધંધા કે નોકરીના કારણે તૂટી પડે છે ; ત્યારે હારી જાય છે, પણ આ બધામાં સૌથી ખરાબ શું છે ?

કયારેક કોઈ પોતાના પરિવારથી જ હારી જાય છે!

એ જ પરિવાર જેની સાથે વર્ષો ગાળ્યા હોય તેજ પરિવાર હવે તેને નથી સમજી શકતું. તેની વાતોને પરિવારવાળા ઉડાડી નાખે છે, તેનું જરાય માન નથી રહેતું.

આનાથી બીજું ખરાબ બીજું શું હશે?

બીજી બધી પરિસ્થિતિનો હજી સામનો થઈ શકે છે, પણ પોતાના જ સગા સામે કેમ લડવું! બસ મારી આ મુશ્કેલી હતી, ને આનો ઉપાય મેળવવા મેં કેટલાય વર્ષો કાઢી નાખ્યા. પણ આજે આ સ્થિતિ એને એજ છે.

મારુ જીવન સુખભર્યું તો નથી, છતાંય એના વિશે હું થોડુંઘણું જણાવું છું:

મારી ઉંમર 46 વર્ષ છે, ને પરિવારમાં પત્ની ને એક દીકરો છે. નાનું કુટુંબ સુખી કુટુંબ! કેવી વ્યર્થ વાત છે. મારા લગ્નને કૈંક 20 વર્ષ થયાં છે, ભગવાને ત્રીજે વર્ષે જ એક દીકરો દીધો ને અમે બંને બહુ રાજી થઈ ગયા, મારી ડ્રાઇવર ની નોકરીમાં પગાર શરૂઆતમાં બહુ ઓછો હતો પણ છતાંય ગમે એમ અમે બરોબર જીવી રહ્યા હતા.

જોકે મારી પત્ની નો સ્વભાવ પહેલેથીજ ગરમ હતો, બસ કોઈ વાત જોઈએ નાની કે મોટી, એને ઝઘડવા માટે. શરૂઆતના વર્ષોમાં તો એટલી ખબર ના પડી પણ મારા માં-બાપ ના મરણ પછી તો એને એકદમ સ્વતંત્રતા મળી ગઈ. આમેય ડ્રાઈવરની જિંદગી અડધીતો બસમાં જ જાય. એવામાં તેને કોઈ કહેવાવાળું ના રહ્યું, એનો વિચિત્ર સ્વભાવ બધા માટે નકામો બની ગયો.

એને કઈ વાત પર ગુસ્સો આવશે એ તો એ પોતે પણ ન કહી શકે, ગમેતે વાત પર ગમે તેના સાથે ઝઘડો કરી લેવો, કારણ વગર ગમેં તેને સંભળાવી દેવું, કોઈની વાત ન સાંભળવી. પહેલા તો મને લાગ્યું કે એની વાતો સાચી છે, પણ સમય જતાં ખબર પાડવા માંડી કે એનો સ્વભાવ જ એવો છે.

ગુસ્સો તો બધાને આવે છે પણ એ વાત ને તમે પકડીને જ બેસોતો કંઈ જ ન થાય, એનો ઉકેલ કેમ આવે?

અમારા પડોશીઓ પણ ધીમે - ધીમે એનો સ્વભાવ જાણી ને વાતચિત ને વેવાર ઓછા કરવા લાગ્યા, ને આ બધામાં તે વધારે એકલી બની ગઈ. પિયર માં એનું કહી શકાય એવું કોઈ રહ્યું ન હતું, તેના માતાપિતા થોડા ટાઈમ પહેલા મૃત્યુ પામ્યાં હતા, ને એના બાકી સગા તેના સ્વભાવથી વાકેફ હતા. એટલે વધુ પડતો સમય એનો એકલતામાંજ જવા લાગ્યો.

આ બધામાં હું ફસાઈ ગયો, આખા દિવસની ભડાશ જાણે મારા પર નીકળતી, કોઈ પણ વાત નો જાણે હું જ કારણ હોઉં તેમ દિવસ-રાત મારી સાથે ઝઘડા કરવા માંડી. મેં એને કેટલીય વાર સમજાવ્યું હતું, પણ એને દરેક વાતે આડી હાલવાની આદત થઈ ગઈ હતી. રોજ ઘર બળતુંને પડોશીઓ સાંભળતા, હવે હું ખરેખર કંટાળી ગયો હતો.

આવા રોજેરોજ ના ઝઘડાથી હું ત્રાસી ગયો હતો. મેં એને બધી રીતે સમજાવવાની કોશિશ કરી હતી, ઘરમાં પણ ધીમે ધીમે સુખસાધનની સામગ્રી આવતી હતી, બીજો પણ કોઈ વસ્તુનો ત્રાસ ન હતો, છતાંય ખબર નહિ તેને કઈ વાતનું દુઃખ લાગ્યા જ કરતું.

મારા દીકરાના પણ કંઈક એવાજ હાલ હતા, ઘરે લગભગ સમય બાપ ન હોય ને મા નો સ્વભાવ એવો હૉય તો શું હાલત થાય, દીકરો હવે વધુ સમય ઘરની બહાર રહેવા લાગ્યો, કોલેજથી આવીને બહાર ચાલ્યો જતો, ને સાંજે જમીને સુઈ જતો, ના કંઈ વાતચીત કે માથાકૂટમાં બોલતો. જોકે ભણવામાં તે સામાન્ય કરતા થોડો વધુ હોશિયાર હતો, પણ અમને ઘરે કઈં વાત ન કરતો. એના અમુક મિત્રો પાસેથી બધું પૂછવું પડતું. મારી પાસે મહિનામાં ક્યારેક રૂપિયા માંગવા આવતો ત્યારે થોડીઘણી વાતચીત થતી, બસ એના સિવાય તે કઈ બોલતો નહીં, એને ક્યાંક એમ લાગતું હશે કે ઘરના આવા વાતાવરણ પાછળ ક્યાંકને ક્યાંક થોડો-ઘણો હુંય જવાબદાર છું.

હવે આ વાતે પણ એની માં મારાથી ઝઘડતી "છોકરા ઉપર થોડોક તો કંટ્રોલ રાખો, ક્યાં જાય છે, કોને મળે છે, કઈં ખબર છે? હું પુછું છું તો આડા જ જવાબ આપે છે, તમને તો કંઇ પડી નથી, બસ આખો દિવસ બારે રહેવું ને ઘરમાં આવીને ઝઘડા કરવા" આવી વાતો તો લગભગ રોજ સાંભળવા મળતી. ઉલટું હું છોકરા વિશે એને પુછું તો મને કે કે " એ બધી ધ્યાન તમને રાખવાની હોય કે મને ! બાપ તરીકે તમારી ફરજ શું?" હવે હું શું બોલું! હવે તો મેં પણ એને પૂછવાનું બંધ કરી નાખ્યું હતું. કોણ પૂછે ને ઝઘડો કરે? હવે તો એવી પરિસ્થિતિ હતી કે કઈં પૂછો તોય મરવાનું ને ન પૂછો તોય મરવાનું !

બસ હવે તો ચૂપચાપ શાંતિથી ખેલ જોયા કરવાનું હતું.

લગભગ દરેક ડ્રાઇવર ને જેમ બે બહેનપણી હોય છે:એક ચા ને બીજી બીડી; પણ મારી પાસે એ ઉપરાંત એક મિત્ર પણ હતા, વિજુભાઈ કંડકટર. એકલકાઠી નું શરીર, સામાન્ય કરતા થોડું વધું કદ. મારાથી ઉંમરમાં થોડાક જ મોટા. એમને પણ મારી જેમ ઘણા વર્ષો એક જ બસ પ્રત્યે -એક જ રૂટમાં સમર્પિત કર્યા હતા.

એમની ને મારી દોસ્તી મારી નોકરી લાગ્યા પછી થોડા દિવસોમાં જ થઈ ગઈ હતી. શરૂઆતમાં તેઓ પૂછતાં નહીં પણ અમથા એક-બે વાર પૂછી લીધું હતું કે" છે નહીંને કઈં ટેન્શન જેવું ? હોય તો કહી દેજે, આ વિજુભાઈ બધા દર્દની દવા કરી દેશે. " મને મારા ઘરની વાત એમને કહેવી બરોબર ન લાગી પણ પછી વિચાર્યું કે આમને કહી જોઉં, ખબર નહિ કંઈક ઉપાય નીકળી આવે! ને એકદી મેં એમને બધું કહી દીધું, તેઓ બોલ્યા "જો ધીરુ કાગડા બધે કાળા જ હોય, આવું નાનુમોટું તો બધાના ઘરમાં થાય, તું ધીરજ રાખ બધું બરોબર થઈ જશે. " મને લાગ્યું કે થોડો ટાઈમ વધારે રાહ જોઈએ.

થોડા દિવસો પછી વિજુભાઈ પોતે ઘરે આવ્યાને બધાંની સાથે વાતો કરી, એમની મીઠી જીભ ને શાંતિપ્રિયતા બધાને ગમશે એવું મને લાગ્યું, ને ધીરે ધીરે મુશ્કેલી ની જડ ગોતવા પ્રયત્ન કરવા લાગ્યા. જોકે ઘરમાં વિજુભાઈ કરીને મારા બહુ સારા ભાઈબંધ છે એમ બધાને ખબર હતી. તે દિવસે મારો દીકરો ઘરમાં હતો ને એટલે એના અભ્યાસ વિશે પણ થોડી ઘણી વાતો કરી. મારી પત્ની સામે મારી પ્રામાણિકતા ને મારી ડ્રાઈવિંગ બંનેના વખાણ પણ કર્યા, ને ઘરેથી જમીને છૂટા પડ્યા. મને લાગ્યું કે આમ સમજાવવાથી થોડો ઘણો ફરક જરૂર પડશે!

મેં પણ મારા તરફથી વધુ પ્રયત્ન કરવાના ચાલુ કર્યા. હવે હું ઘરે વધારે સમય ઘરે જ રહેવા લાગ્યો, પત્ની ને તેના ઘરકામમાં પણ થોડી ઘણી મદદ કરતો. દીકરા સાથે વાત કરવા, એના ખબર અંતર પૂછવા તેના 2-3 મિત્રો ના ઘરે પણ જઈ આવ્યો. એક નવો કબાટ તથા એર-કુલર પણ હપ્તાની શરતે ઘરે લઈ આવ્યો, કે માંડ કંઈક પરિસ્થિતિ સુધરે! જો મારાથી કઈં થઈ શકે એમ હોય તે બધું મેં કર્યું.

પણ, જેના નસીબ માં જ શાંતિ ન હોય એનું કઈં ના થાય. મારી પત્ની તથા મારા દીકરાના વર્તન માં વધુ ફેર ન પડ્યો. આટલું-આટલું કરવા છતાં જો ઘરમાં તમારું કોઈ માન ન હોય તો શું મતલબ? આવામાં માણસ બીજું કરે શું ? રોજ થોડી ઝઘડા કરવા બેસાય!

હવે મને જે થોડી ઘણી આશા હતી એ પણ મરી ગઈ!

એમનેએમ થોડો સમય નીકળી ગયો, પણ કંઈ ફરક ના પડયો. એકવાર વિજુભાઈએ પૂછી લીધું, ને બનેલી બધી હકીકત કહી દીધી. ખરેખર પહેલી વાર હું વિજુભાઈ સામે ઢીલો પડી ગયો " તમારી તો બે દીકરી છે વિજુભાઈ, એને વળાવીને તમે તો તમારી ફરજ પુરી કરશો ને માનભેર જીવશો; પણ મારું શું ? મને તો આખી જિંદગી આમનેઆમ કાઢવાની, શું કરે આવી કૂતરા જેવી જીંદગીનું?ક્યારેક તો મને એમ થાય છે કે આ જિંદગી અહિંયાજ પુરી... "

વિજુભાઈએ મને વચ્ચેથી અટકાવી ને કહ્યું" એવું ન બોલાય ધીરુભાઈ, બધાને કઈં ને કઈં તકલીફ હોય જ, તે એમ થોડું હારી જવાય, કઈંકને કઈંક રસ્તો કાઢી લઈશું.

બાકી, ધીરુ એક મારી પોતાની જ વાત કહું, તને ખબર છે ને કે મને બે દીકરી છે, પરિવારમાં મને બે દીકરી હોવાનો કોઈ વાંધો નહોતો. પણ મારી પત્નીને એક દીકરો જોઈતો હતો! પહેલી દીકરી પછી મારી પત્ની એમજ કહેતી" જોજો હવે દીકરો આવશે" પણ બીજે ખોળે ભગવાને દીકરી દીધી, આમાં આપણા હાથમાં શું હોય? આને કારણે મારી પત્ની બસ મનોમન દુઃખી રહેવા લાગી. પણ ધીરુભાઈ સમય સમયનું કામ કરે છે, થોડાક સમય બાદ તે પોતે પહેલા જેમ બરોબર થઈ ગઇ. હા એની સાથે વાત કરવાની, મનાવવાની બધી કોશિશ કરતો પણ થોડું ઘણું મેં સમય પર છોડી દીધું હતું, ને એનું સારું જ પરિણામ આવ્યું ને? એટલે કહું છું આમ ઉતાવળા નિર્ણય ના લેવાય. હજી ક્યાં મોડું થઈ ગયું છે"

મને આટલું સમજાવ્યું, ને હુંને વિજુભાઈ છુટા પડ્યા.

(ભાગ 2 સમાપ્ત)

( જોકે આ મુલાકાત પછી પણ મને વધારે ટાઢક થઈ ન હતી, મેં જે વિચાર કરી લીધો હતો તેને હું અમલમાં મૂકવાનો જ હતો, પણ એ વચ્ચે પણ કેટલાક બનાવો બન્યા..... ) (હવે વધુ આવતા ભાગમાં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED