Bus Driverni Kahani books and stories free download online pdf in Gujarati

બસ ડ્રાઇવરની કહાની

એક ડ્રાઇવરની કહાની

ભાગ 1

"ઓય છોકરા, દેખાતું નથી? કે બધાને બસની નીચે આવીને જ મરવું છે, હમણાં હાલ્યો જાત ઉપર" મેં સાઈડ ની બારીમાંથી રાડ પાડી.

લગભગ મારો અવાજ એટલો ઊંચો હતો કે પાછળ બધા પેસેન્જર મારી બાજુ ને બારીમાંથી તે બાઈકવાળા તરફ જોવા લાગ્યા.

"ખબર નહિ આ બધા શા માટે ઓવરટેક કરતા હશે? જો મેં ગાડી ધીમી ના કરી હોત તો કાંતો તે બસ માં ભટકાત ને નહિ તો ટ્રક વાળો લઈ ને હાલ્યો જાત" હું મનમાં જ બોલ્યો.

"કાંઈ નહિ ધીરુભાઈ આના નસીબ સારા હશે, તમતમારે ધીમેથી જાવાદો ને" વિજુભાઈ ધીરેથી મારી બાજુમાં ચાલીને આવ્યા ને કહ્યું.

(પાછળ જ એક ટોલટેક્સ નું નાકું હતું, ને એટલે એને પસાર કરીને મારી બસ ની સ્પીડ ઓછી જ હતી ને થોડીક જ આગળ એક બાઈકવાળો જમણી બાજુથી આગળ આવ્યો ને ઓવરટેક કરવા ગયો, ને સામેથી ટ્રક આવતી હતી, ખબર નહિ એને જોઈ કે નહીં ! પણ હવે તે ઓવરટેક કરવામાં આગળ નીકળી ગયો હતો એટલે હવે જો હું બ્રેક મારુ તો મારી પાછળ આવતા વાહનનું અકસ્માત થાય કેમ કે મારી પાછળ વાળો બરોબર સ્પીડે ચલાવતો હતો પણ જ્યારે બાઇકે ઓવરટેક કરી લીધો ત્યારે તેને સ્પીડ વધારી હતી, ને જો બ્રેક ના મારું તો લગભગ કોઈ ચાન્સ ન હતો કે તે બાઇકવાળો મારી એકદમ આગળ નીકળી ને મારી જમણી સાઈડ માંથી રસ્તાની ડાબી બાજુ એ આવે ! એટલે હવે કાંતો એ બાઇકવાળો મારી બસ સાથે ભટકાત, કાંતો સામેથી આવતી ટ્રક સાથે!

આ બધું એટલું ઝડપથી બન્યું હતું કે મને એકદમ કોઈ વિચાર જ ન્હોતો આવ્યો, એક સામાન્ય સહજતાથી મારા હાથ બસ ચલાવી રહ્યા હતા, પણ મને પરિસ્થિતિનું ભાન થતા થોડીક જ વાર લાગી. ખબર નહિ કોણ જાણે મને કેમ સૂઝયું ને મેં બસ ને થોડીક વધુ ડાબી તરફ વાળી ને થોડીક જ સ્પીડ ઓછી કરી ! હવે બધું બાઇક ચાલક પર હતું, તેને બહુ ઝડપથી બાઇક ને મારી બસ ની આગળથી લઈને વચ્ચેની જગ્યામાંથી ડાબી તરફ લઈ આવવાની હતી, તો તે બચી જાત. નસીબજોગે એણે એમજ કર્યું, માંડ માંડ તેને બાઇક ત્રીજામાંથી-બીજામાં ને પાછી ત્રીજામાં ને છેલ્લે ચોથા ગિયર માં નાખી હશે ને પલકવારમાં તે આબાદ બચી ગયો,ને બસ આગળથી થોડી ડાબી બાજુએ ચાલ્યો ગયો. મને થોડીક સેકન્ડ પછી ખબર પડી કે એના થોડાઘણા પુણ્યને લીધે ને ખાસ તો મારા કારણે તે બચી ગયો.વિજુભાઈ ને એની ખબર પડી ને તેઓ થોડા ચિંતામાં આવી ગયા કે ક્યાંક એને બચાવવા જતા બસ રસ્તો ઉતરીને ઠોકાઈ ના જાય! પણ જેવા બાઈકવાળા ને આગળ નીકળતો જોયો હશે કે તેઓ થોડા નિશ્ચિન્ત બન્યા હશે. બસ ના બધા પેસેન્જરોને તો ખબરેય ન હતી, પણ અમુક પેસેન્જરો બસની સ્પીડ અચાનક ઑછી થવાથી બારીની બહાર,ને બસની પાછળ આમતેમ જોવા લાગ્યા.

સામેની ટ્રક વાળા એ આ જોયું ને તેના મનમાં કંઈક અલગ જ ભાવ હશે તેવું મને તેના મોઢા પરથી લાગ્યું, જયારે અમે ક્રોસ થયા ત્યારે અમારા બંનેના મનમાં એક વસ્તુ તો હતીજ - અપાર ગુસ્સો, ટ્રક વાળો બિચારો ફક્ત મોઢું લાલચોળ કરી ને ચાલ્યો ગયો, ને પેલો બાઇક વાળાએ પોતાની બાઇક જરા ધીમી કરી કે બસ એની લગોલગ પહોંચી ગઈ. મેં એને જોઈને રાડ પાડી ને એક-બે ગાળો પણ મોઢામાંથી નીકળી ગઈ, બાઇક વાળો ફિક્કું મોઢું કરીને ચાલ્યો ગયો,તેને ખબર હતી કે કંઈ બોલચાલ કરશે તો અહિંયાજ મોટો ઝઘડો થઈ પડશે. પણ મારા મનમાં હજી ક્રોધ જાતો ન હતો એમ થતું હતું કે ઉતરીને એક-બે લાફા મારુ તો કંઈક શાંતિ થાય પણ એ તો ચાલ્યો ગયો હતો.) આ બધું હમણાં થોડોક ટાઈમ પહેલાજ થયું !

હું આ વિચારતો હતો ને વિજુભાઈએ કહ્યું "ધીરુભાઈ આગળ ઉભી રાખજો, ચા-પાણી કરવા છે." મેં હકારમાં માથું હલાવ્યું ને મારા વિચારો હજી ચાલુ જ હતા.

ચા ની હોટલે પહેલેથી જ એક બસ ઉભી હતી, એટલે એની પાછળ થોડી સાઇડ માં બસ થોભાવી.

"હાલો હાલો, બસ 5 મિનિટ જ ઉભશે, જલ્દી કરજો " વિજુભાઈ થોડા ઊંચા અવાજે બોલ્યા ને પોતાની ચળકતી ફ્રેમ વાળી ચશ્માં ની દાંડી બરોબર કરીને નીચે ઉતર્યા.

હું પણ હળવેકથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પેલા હાથ-મોઢું ધોઈ ચા લેવા ગયો ત્યાંજ ચાનો ઘૂંટડો પીને વિજુભાઈ બોલ્યા "આ હોટેલ ની ચા ક્યારેય મીઠી ન હોય,ખાલી ભૂકી નાખોને ચાય ઉકાળો"

હું તો મારી ચા પીવા માંડ્યો, મેં મારી ચા પૂરી કરીને ત્યાંજ તેઓ બોલ્યા" બાકી ધીરુભાઈ તમારી ડ્રાઇવિંગ કેવી પડે ભલા, બિચારો આખો જનમ તમને યાદ રાખશે!"આટલું કહી તેઓ જોરથી હસ્યા, અમને ચા દેવાવાળો પણ એમને જોઈ, ભલે વાતની ખબર નહતી છતાંય હસવા લાગ્યો.મેં તેને કપ પકડાવ્યો ને હું હાથ ધોવા ગયો.

વિજુભાઈ બીડી ની ઝૂડી લઈ મારી રાહ જોતા બસ પાસે ઉભા રહી ગયા, લગભગ એમણે બીડી ચાલુ કરી નાખી હતી.(હવે બસમાં તો બિડી પીવાય નહીં એટલે ચાય પીધા પછી અમારો બિડી પીવાનો નિયમ હતો, ને આમેય બસ ના ડ્રાઈવર કે કંડકટર ને આવી હોટલે ચા-બીડી ના રૂપિયા દેવા ન પડે.) હું ત્યાં ગયો ને મેં પણ બીડી ચાલુ કરી, એમનેમ ગપ્પા મારતા કયારે 8-10 મિનિટ થઈ ગઈ ખબર ન પડી, ને પેસેન્જરનો કકળાટ સાંભળતા બસ તરફ વળ્યા. ફરી પાછુ એજ ડ્રાઇવિંગ કરવાની હતી, હવે તો સ્ટોપ ઘણી વાર રહીને આવવાનો હતો.જે હોટલે ચાય પીધી હતી ત્યાં નવું ગામ ચાલુ થતું હતું એટલે વિજુભાઈ બોલ્યા" હા ભાઈ, અહીંથી કોઈ બેઠા હોયતો બોલજો, ટિકિટ માં છે કોઈ બાકી હવે ?" ને મેં બસ પાછી ચાલુ કરી.

મારા મનમાં પાછા વિચાર આવવાના ચાલુ થઈ ગયા હતા, ખબર નહિ પણ કેમ આ વિચાર બંધ જ થતા ન હતા.મને લગભગ કાલે બપોર પછી જ આના વિશે વિચાર આવ્યો હતો. કહેવાય છે કે તમે જે વસ્તુને ઓછી વિચારવા પ્રયત્ન કરો છો કે પછી ભૂલી જવાની ટ્રાય કરો છો, તે વસ્તુ ના વિચાર વધુને વધુ આવે છે. તમારું મગજ તે વસ્તુને કોઈ ઘડિયાળ ની જેમ વખતે-વખતે યાદ કરાવે છે, બસ ચલાવતી વખતે પણ મારું ધ્યાન વિચારોમાં હતું. ભલે મેં હમણાં જ કોઈકની જાન બચાવી હતી પણ મારા મનમાં તો.... ખેર આ બધું હું નથી વિચારવા માંગતો પણ હું શું કરું! આવી ગડમથલમાં જ કંઈક રણકાર જેવો કાને અવાજ પડ્યો!

આવી નોકરીમાં થોડો મીઠો અવાજ બીજો શેનો હોય - આ તો એજ કંડકટર ની ઘંટડી!

અચાનક ખ્યાલોની દુનિયામાંથી હું પાછો વળ્યો. રોડ પર આગળ કેટલાક પેસેન્જર ઉભા હતા, કંઈક 8-9 જણ હશે, એમાં એક સ્ત્રી તેના બાળકને તેડીને ઉભી હતી, તેની સાથે એક વ્યક્તિ બાઇક પર હતો, જે બાળક નો બાપ હશે એવું મને લાગ્યું, મેં બસ ઉભી રાખી. બીજા પેસેન્જર સાથે તે સ્ત્રી બાળકને તથા સામાનને લઈને અંદર આવીને જગ્યા ગોતવા માંડી, આગળ ખાલી જગ્યા હોવાથી તે એકદમ આગળ આવી .પોતાનો બેગ ઉપર રાખીને સીટ પર બેઠીને બારીની બહાર જોયું તે વ્યકતિ હજી બહાર જ હતો "બેટા, પપ્પા ને બાય બાય કહી દયો" તે સ્ત્રી પોતાના બાળક સામે જોઇને બોલી,જે તેના ખોળામાં રમતું હતું. બાળકે એકવારમાં ન સાંભળ્યું, તો તેને બીજી વખત વળી એ જ કહ્યું, આ વખતે બાળકે પોતાના હાથથી ટાટા કર્યું, ને બારીની બહાર પેલા ભાઈ એ પણ બાય બાય કર્યું, ને આ બાજુ તે સ્ત્રી એ પણ બાય બાય કર્યું, કેવું સુખી કુટુંબ હશે ! મેં વિચાર્યું. એવામાં કંડકટર ની ઘંટડી પાછી સંભળાઈને, ને કંડકટર ટીકીટ દેવા માટે ઉભા થયા ને, મેં બસ ફરી ઉપાડી.

વળી મારું મગજ દોડવા લાગ્યું !શું હું બરોબર વિચારી રહ્યો છું ? શું હું ખરેખર આવું કરવા માંગુ છું? મારા કારણે આવા તો કેટલાય લોકો તથા પરિવારો.. ફરી હું વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો......

(ભાગ 1 સમાપ્ત)

( ભૂતકાળ ને યાદ કરતા આજેય હું ડરી જાઉં છું, માણસની જિંદગીમાં કેવી રીતે વળાંક આવે છે, ને કરેલા વિચારોનું શું પરિણામ આવે છે, તે મારી કહાનીમાં આગળ સમજાશે...) હવે વધુ બીજા ભાગમાં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED