Ek Driverni kahani - 3 books and stories free download online pdf in Gujarati

એક ડ્રાઇવરની કહાની (ભાગ -3)

એક ડ્રાઇવરની કહાની

ભાગ-3

ફરી થોડા દિવસ રહીને વિજુભાઈ સાથે વાત થઈ, હજી મારી મુશ્કેલીમાં કઈં ફેર પડ્યો ન હતો " ધીરુભાઈ એક કામ કરીએ, તમને ખબર હશે કે કેન્સરથી પીડાતો દર્દી બચવા માટે બધું કરી છૂટે છે, એકે ઉપાય બાકી નથી રાખતો. તમે તમારી રીતે કોશિશ કરી, હવે આપણે પણ બીજો કોઈ રસ્તો અજમાવી જોઈએ"

જોકે એમને સુચવેલો રસ્તો મને ઓછો ગમ્યો. અમે જે રૂટમાં નોકરી કરતા, એજ રૂટમાં વચ્ચે એક માતાજીનું મંદિર આવતું ઘણા ભક્તો ત્યાં અમુક પાંચમ - આઠમ ને એવી તિથિએ દર્શન કરવા જતાં. એવી લોકવાયકા હતી કે માતાજી ખરેખર મુશ્કેલી દૂર કરે છે, પણ એના માટે કંઈક માનતા માનવી પડે.

થોડોક ટાઈમ રહીને એક દિવસ હું ને વિજુભાઈ ત્યાં ગયા, વિજુભાઈના કહેવાથી મેં માનતા માની : જો માનતા પુરી થાયને મારા ઘરમાં બધું બરોબર થઈ જાય તો હું છ મહિના પછી પૂનમે પગપાળા ચાલીને આવીશ ને 1001રૂપિયા નો ભોગ ધરાવીશ, એવું મનોમન નક્કી કર્યું.

પુજારીએ આશીર્વાદ આપતા કહ્યું કે "માતાજી સૌના કોડ પુરા કરશે." મને થોડીઘણી આશા તો બંધાણી, બસ હવે ઇન્તેજાર કરવાનો હતો.

પણ આ વખતે માતાજી પ્રસન્ન ન થયા કે શું! ખબર નહિ પણ છ ના આઠ મહિના થવા આવ્યા કઈં ફેર ના પડ્યો. અમે થોડી વધુ રાહ જોઈ પણ હજી કાંઈ પરિણામ ના આવ્યું.

હવે હું હિંમત હારવા માંડ્યો હતો. મને ખબર પડી ગઈ હતી કે આનું કઈં નહિં થઇ શકે, આવા સમયે ખરેખર વિજુભાઈએ મને ખૂબ હિંમત આપી, મારા ભાઈની જેમ સાથ આપ્યો .

પણ જે લખેલું છે, એ ભોગવવું જ પડે છે, એના વિના છૂટકો કયાં છે! એવું મને લાગવા માંડ્યું.

એ દિવસો ને આજનો દિવસ, આજે એ વાતને લગભગ બે થી અઢી વર્ષ થયાં હશે પણ હજીય કઈં થયું નથી!!

આટલા સમયમાં વિજુભાઈના કહેવાથી વળી હું બીજા એક માતાજીના મંદિરે અને એકવાર એક જ્યોતિષ જાણતા બાબા પાસે જઈ આવ્યો. પણ બધુંજ વ્યર્થ!

મારા ઘરમાં બસ બે ચાર નવી વસ્તુઓ આવી હશે, અમુક બદલાઈ હશે પણ ઘરના માણસોના સ્વભાવ જરાય બદલાયા નથી. બસ આજ વાતો મનમાં આવ્યા કરતી કે મેં આગલા જન્મમાં શું એવા પાપ કર્યા હશે કે મારી સાથે જ આવું થાય છે.

આના કરતાંતો વાંઢા મરવું સારું, ન કોઈ પરિવાર હોય ને ના એના પ્રત્યે કોઈ આશા હોય!

વળી ઘંટડીનો અવાજ આવ્યો ને હું ભાનમાં આવ્યો!

મને ખરેખર આશ્ચર્ય થતું હતું કે મારુ વધું પડતું ધ્યાન વિચારોમાં હોય છે, ખાલી આંખો જ રસ્તા તરફ હોય છે, તોય બસ એકદમ બરોબર ચાલતી રહે છે. જાણે મારા હાથ- પગ પોતે જ પોતાની રીતે બસ ચલાવી લેતા હોય!

કાશ, કે મારી જિંદગી પણ એવી જ હોત! મારી જીંદગીની ગાડી પોતે જ સીધે રસ્તે ચાલતી રહેત.

ખેર, આ બધું વિચારવાનો હવે કોઇ મતલબ નહોતો. મેં બસ ઉભી રાખી, અમુક પેસેન્જર ચડ્યા ને અમુક પેસેન્જર ઉતર્યા. હવેતો પેસેન્જર સામેં જોવાનીય હું તસ્દી લેતો ન હતો.

હવે આવા સમયે મને એક બીજો વિચાર આવવા માંડ્યો હતો! જોકે આ વિચાર પાછળ પણ કારણ હતું:

જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે શું કરીએ છીએ, કાંતો તેની સામે હાર માનીને બેસી જઈએ ને કાંતો એની સામે લડવા કે એને પાર કરવા પ્રયત્ન કરીએ. એક વાર પ્રયત્ન કરીએ, એક વાર નહિ તો બીજી વાર, બીજી વાર નહિ તો ત્રીજી વાર, ના કરી શકો તો ચોથી વાર ને ના થાય તો વારંવાર !

આપણે અમુક સમય સુધી તેની સામે થઈએ છીએ,તેને રોકવાની બધી કોશિશ કરીએ છીએ. તેને પોતાની હોશિયારી- સૂઝબૂઝથી દુર કરવાની કોશિશ કરીએ છીએ.

મેં તો આ બધું અજમાવી જોયું હતું, પણ એ બધાયથી કઈં ન થાય તો પછી?

પછી ગુસ્સો કરવા માંડી જઈએ, આપણા નસીબ ને કે બીજા લોકોને જવાબદાર ઠેરવવા માંડી જઈએ. પોતા પ્રત્યે ખૂબ ગુસ્સો આવે અથવા પોતે શા માટે આનો ભોગ બની રહ્યા છીએ, એવી લાગણી જન્મવા માંડે! ફક્ત આપણી સાથે જ આ થઈ રહયું છે, એવું થવા માંડે.

આપણે આપણી મુશ્કેલીઓથી હારી જઈએ છીએ!

છેવટે એનો ઉકેલ શું મળે? એક જ ઉપાય વધે છે: આત્મહત્યા !!!

બસ જીવનથી હારી જવુંને 'આત્મહત્યા' કરી લેવી.

હું આત્મહત્યા ના ખ્યાલ વિશે ઘણા દિવસોથી વિચારતો હતો, પણ આ વિચારો હમણાં એક-બે દિવસથી વધુ પ્રબળ બન્યા હતા.

વાસ્તવમાં તો દરેક વ્યક્તિના જીવનમાં એક વખત એવો સમય આવે જ છે, જયારે તે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે.

ક્યારેક પ્રેમમાં નીષ્ફળતા, ક્યારેક ધંધામાં ખોટ,કયારેક માથા પરનું દેવું વધી જતા કે કયારેક મારા જેવી પરિસ્થિતિ બનતા માણસ થાકી જાય છે.

"मेरी ज़िंदगी इतनी भी खूबसूरत नही, की में मौत से डरूँ!!"

બસ આવું જ કંઈક મારી સાથે થઈ રહ્યું હતું. એવું ન હતું કે મને મરવું જ હતું પણ હવે મને જીવવામાં કંઈ રસ રહ્યો ન હતો.

જોકે મને એ પણ ખબર હતી કે આ વાત કહેવામાં જેટલી સહેલી છે, કરવામાં એટલી જ અઘરી છે.આપણે એક કાંટો વાગી જાય કે દરવાજા માં ચપટી આવી જાય તો રહેવાતું નથી, રાડોરાડ કરી મૂકીએ છીએ ને હું તો આત્મહત્યા ની વાત કરતો હતો! આત્મહત્યા જરા પણ આસાન વસ્તુ ન હતી. એ દર્દ કેવું ભયાનક હશે કે જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જતો હશે, વિચારતા જ ધ્રુજી જવાય!!

જોકે એક ટાઈમ એવો પણ આવે છે કે જ્યારે તમને કોઈ વસ્તુથી ફરક નથી પડતો. કોઈ નાની બિમારી કે ઇજા પ્રત્યે આપણે દાદ પણ નથી દેતા.

દર્દની અનુભૂતિ ઓછી થઈ જાય છે, કેમકે આપણું માનસિક ટેન્શન કે પીડા એને વટાવી જાય છે. આ પીડા કે દર્દ બીજા કોઈ દર્દ કરતા ઘણું વધુ હોય છે; જે ક્યારેય મોઢેથી બહાર નથી આવી શકતું તે ફક્ત અંદર જમા થયા કરે છે. આ દર્દ માટે કોઈ દવા નથી.

ફક્ત એક જ શકયતા છે: અંદરોઅંદર ઘૂંટાયા કરવું. આના કારણે બધુંજ નીરસ બની જાય છે, કેમકે એ વાત સતત આપણા મનમાં જ હોય છે.એટલે બસ આપણે મરવાના વાંકે જીવતા હોઈએ છીએ.

આવી રોજેરોજની પીડા કરતા તો એકવાર વધુ પીડા સહન કરી લેવી શું ખોટી? એકવાર જીવન જીવાઈ ગયું, બસ હવે....

પણ આત્મહત્યા? શું એ મારાથી થશે?

મેં આત્મહત્યા વિશે વધુ સાંભળ્યું ન હતું. હા અમારા એક દૂરના સગા ઘણા વર્ષો પહેલા ઝેરની બાટલી પી મરી ગયા હતા, એટલી મારા બાપના મોઢે વાત સાંભળી હતી, એટલે ખબર હતી.અમારા ગામમાં પણ થોડા વર્ષો પહેલા આવા એક-બે કિસ્સા બન્યા હતા.

પણ હું શું કરું? કેવી રીતે કરું? કાંઇ ખબર પડતી ન હતી.

ઝેરની બાટલી પી લઉં કે પછી પંખા ને દોરીની મદદથી ફાંસો ખાઈ લઉં? એના કરતાં ગામમાં આવેલા જુના કૂવામાં પડી જાઉં ? હવે કેવી રીતે મરવું એ નક્કી નહતું થતું. ઝેરની બાટલી કે દોરીમાં તો રૂપિયા લાગશે, હવે મરવા માટે રૂપિયા કોણ ખર્ચે? એ તો ગાંડો કહેવાય!

આવા વિચારો ખરેખર મારા મનમાં ચાલી રહ્યા હતા.

આમનેઆમ એક દિવસ નીકળી ગયો. હવે મરવું જ હોય તો એક દિવસ પણ શું કામ બગાડવું? ટાણે પૂરું થાય! પણ હજી કઈં નકકી નહતું થતું.

પણ બીજે દિવસે અચાનક એક અલગ વિચાર આવવા માંડ્યો હતો: હું મરી જાઉં તો પછી મારી પાછળ મારા ઘરવાળા, સગા-સંબંધીને અમુક મિત્રો એમાંય ખાસ તો વિજુભાઈ શું વિચારશે: કે કેવો કાયર હતો તે જિંદગીથીભાગી ગયો, ને આત્મહત્યા કરી લીધી !

આવો ઢીલો-પોચો ધીરુ? થોડા વર્ષો કાઢવાનીય હિંમત ન ચાલી.

હવે એમને કોણ સમજાવત કે આત્મહત્યા કરવામાં જેટલી હિંમત ખપે એટલી શેમાંય ન ખપે.

હું આવા ટાઈમે, જે અમુક લોકોએ મારા માટે લગભગ ક્યારેય વિચાર કર્યો ન હતો તેવા લોકો હવે મારા માટે શું વિચારશે એની ચિંતા કરી રહ્યો હતો!

એ લોકો મનેતો કાયર જ કહેશે કે સહેલો રસ્તો લઈ લીધો!!

આનો શું ઉપાય હોઇ શકે?

આનો એક જ ઉપાય કે હું મરત તો ખરી, પણ હું કેવી રીતે મર્યો એ કોઈને ખબર ન પડે તોજ, એટલે કોઈને એમ ન લાગે કે મેં આતમહત્યા કરી હતી !

આ ત્યારે જ શક્ય બનત જો મારું મરણ એક અકસ્માત લાગે!

આમેય રોજેરોજ એકસિડેન્ટમાં કેટલાય લોકોની જાન જતી રહે છે, એટલે એ સામાન્ય લાગત. હા આ જ નિર્ણય મારા માટે સારો હતો કે એવી રીતે મરવું કે એકસિડેન્ટ જેવું લાગે.

જેથી કોઈ પછી મને કાયર કે ડરપોક ન કહી શકે !

જેમને જીવવામાં જરાય રસ નથી રહેતો તેઓ મારવાની તૈયારી કેટલી રસથી કરતા હોય છે; હું એમાંનો જ એક હતો.

હવે એકસિડેન્ટ એમનેમ તો થાય નહીં, એમ તો હતું નહીં કે કોઈ રોડ ઉપર હાલ્યો જાઉં ને ગાડીવાળો સામેથી મને કચડી નાખે,ને એવું થાય તોય એની શું ગેરંટી કે હું મરી જ જાઉં! સામાન્ય ઇજા થાય ને હું બચી પણ જાઉં, એમ પણ થાય કે મોટી ઇજા થાય ને હું સાવ પથારીવશ થઈ જાઉં, ને જો એવું થાય તો મારી જિંદગી સાવ બદતર બની જાય, એટલે એવું તો ન કરાય!

ગમે એમ પણ હવે મને પોતાને જ મારું એક્સિડન્ટ કરાવવું પડે! ને એ પણ એવી રીતે કે એમાં બચવાનો કોઈ ચાન્સ ન રહે, આ એકજ વારમાં પતી જવું જોઈએ, રોજ રોજ થોડી મરવા જવાય!

જેમ એક ખરાબ વિચાર પછી બીજો ખરાબ વિચાર પોતે જ આવે છે, એમ મારા મનમાં પણ એક અલગ જ વિચાર આવ્યો: આપણે છાપામાં લગભગ રોજ વાંચતા જ હોઈએ કે ....ગાડી પલટી ખાતા ડ્રાઇવર સહિત 3 ના મોત કે પછી સામસામે બસ ને ટ્રક કે બીજી કોઈ ગાડીના અકસ્માતમાં ડ્રાઇવર સહિત 10 ના મોત ને અમુક ઘાયલ!

આ બધામાં મારું કામનું એ હતુંકે લગભગ જ આવા ગમખ્વાર અકસ્માત માં ડ્રાઇવર બચતો હોય છે, લગભગ કેસમાં ડ્રાઇવર સૌથી પહેલા મરે છે!

હા કયારેક જ ડ્રાઈવરનું આશ્ચર્યજનક રીતે બચાવ થાય છે,એના ભાગ્ય સાથે હોય તો જ, ને આમેય મને મારા ભાગ્ય ઉપર ભરોસો હતો કે મારા ભાગ્ય કેવા છે!

બસ, હવે આ જ રસ્તો મારા માટે બચ્યો હતો.

ગમે તે રીતે બસને સામે આવતી બીજી ગાડી માં ઠોકી દેવી ને કે કોઈ ઝાડી-ઝાંખરા કે ખીણમાં તીવ્ર વળાંક સમયે ફગાવી દેવી એટલે કાંતો સામેથી આવતી ગાડી અથડાવવાના કારણે બસનો આગળથી ચૂરો થઈ જાય ને કાંતો ખીણ વગેરેમાં પડવાને લીધે બસના આગળના પાર્ટ જ વેરવિખેર થઈ જાય ને મારુ કામ થઈ જાય આવી રીતે કોઈને ખબર પણ ન પડે!

  • લોકોને એમજ લાગે કે ધીરુભાઈ માટે અકસ્માત જીવલેણ બન્યો!!!
  • ( ભાગ 3 સમાપ્ત ).

  • ( મુશ્કેલીનો રસ્તો આત્મહત્યા પણ હોઈ શકે, આવું વિચારનાર માણસનું મગજ, હવે તેને શું-શું કરાવી શકે, એ પછીના ભાગમાં વાંચવા મળશે ) તો જરૂરથી વાંચજો ભાગ-4, જે ટૂંક સમયમાં આવી જશે.
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED