Kedimathi Nyayadhish books and stories free download online pdf in Gujarati

કેદીમાંથી ન્યાયાધીશ

કેદીમાંથી ન્યાયાધીશ

થોડા વર્ષો પૂર્વેની વાત છે. મગધ રાજ્યમાં વીરબહાદુરસિંહ નામે એક રાજા રાજ્ય કરતા હતા.તેમના શાસન કાળનો ત્યારે સુવર્ણકાળ હતો એવું કહેવાતું. ત્યાંની વિશેષતાઓની તો આજુબાજુના રાજ્યોના લોકો પણ ખૂબ ચર્ચા કરતા.તેમની સમૃદ્ધિ તથા વૈભવ જેટલો દિવસે ના વધે એટલો રાતે તેમજ રાતે ન વધે એટલો દિવસે વધતો જતો, એવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું ન હતું. રાજા પોતે બહુજ ઉદ્યમી, બુદ્ધિવાન તેમજ પ્રામાણિક હતા. તેમણે બહુ મહેનતથી એક વ્યવસ્થિત શાસનપ્રણાલી બનાવી હતી. આ વ્યવસ્થા મુજબ ચાલવાના કારણે જ તેમની નામના વધતી જતી હતી.

રાજાની શાસનપ્રણાલી મુજબ નાના પ્રદેશોમાં જે કરવેરો લેવાનો થાય તે ત્યાંના જ સૌથી વિશ્વાસુ માણસને ઉઘરાવવાની જવાબદારી સોંપાતી. પણ અહીં કોઈ ઠોસ નિયમ મુજબ રાજ્ય આ અધિકારીની નિમણૂક ન કરતું. તેની બદલે અધિકારીની ચૂંટણી થતી. આ ચૂંટણી પણ ત્યાંના જ લોકો કરતા. જેથી બીજા કોઈ પ્રદેશની વ્યક્તિ પ્રજાને ડરાવી ધમકાવીને લૂંટી ના શકે. આ ચૂંટણી દર ત્રણ વર્ષે થતી, જેમાં અધિકારીની કામગીરી મુજબ તેને ફરીથી પદ મળતું અથવા નવા કોઈ વ્યકતિને તેના સ્થાને બીજા ત્રણ વર્ષ માટે નીમવામાં આવતી. એ અધિકારીને રાજ્ય હિસાબ મુજબ મહેનતાણું ચૂકવી દેતું. આ રીતે બહુ સરળ પણ સચોટ રીતે કાર્યભાર ચલાવાતો !

કોઈ પણ રાજયના લોકોની સમૃદ્ધિ અને સુખ ત્યાંની રાજનીતિ તેમજ ન્યાયવ્યવસ્થા પર નિર્ભર હોય છે. આવી અલાયદી પણ બહુજ સફળ નિવડેલ કાર્યપ્રણાલી હોવા છતાં આ રાજ્ય બીજી એક વાત માટે પણ બહુ પ્રખ્યાત હતું. કહેવાય છે ને કે ચંદ્ર માં પણ દાગ હોય છે, તેવીજ રીતે એક બહુ વ્યવસ્થિત કાર્યપ્રણાલીની સામે બહુજ વિચિત્ર તથા વિવાદાસ્પદ ન્યાયપ્રક્રિયા અહીં જોવા મળતી. નાના નાના ઝઘડાઓથી માંડીને મોટા ગુનાઓ કરનાર બધાને એક જ પ્રકારે ન્યાયની પરીક્ષામાંથી પસાર થવું પડતું. આ પરીક્ષા બહુ કઠિન ન હતી, પણ બહુ હાસ્યસ્પદ હતી.

  • દરેક આરોપીને અમુક સમય જેલમાં પુરી રખાતો. ત્યારબાદ જ્યારે ફેસલાનો દિવસ આવે ત્યારે તે કેદીને સભાખંડમાં લઇ આવવામાં આવતો . આખું નગર ત્યારે એક વિચિત્ર ઘટનાનો અનુભવ કરવા તૈયાર થઈ જતું. સામાન્ય રીતે ન્યાયની પ્રક્રિયામાં કોઈ ન્યાયાધીશ હોય / રાજા ખુદ હોય, કેટલાક સાક્ષીઓ હોય, કોઈ પુરાવાઓ હોય વગેરે. પણ આ ન્યાયમાં તદ્દન શૂન્યતા હતી. અહીં ફક્ત ન્યાય માટે એક ડબ્બો હતો. હા, એક ડબ્બો કે જેમાં બે રંગની ચિઠ્ઠીઓ રાખી મુકેલી હતી . એક લાલ રંગની તથા બીજી લીલા રંગની . લીલા રંગની ચિઠ્ઠી એવું બતાવતી કે આરોપી નિર્દોષ છે ને એના પર લાગેલ આરોપ માટે એને કોઈ સજા નહિ મળે. તેવીજ રીતે લાલ રંગની ચિઠ્ઠી એવું બતાવતી કે આરોપી દોષી પુરવાર થાય છે ને એ માટે એને દંડ આપવામાં આવે છે, આ દંડ એટલે બીજું કોઈ નહિ પરંતુ મૃત્યુદંડ ! એટલે આરોપીને નક્કી કરેલ દિવસે ફાંસીએ ચડાવવામાં આવતો, ભલે પછી એ દોષી હોય કે ન હોય ! એટલે જો કોઈ ચોરી કરવાના આરોપમાં દોષી પુરવાર થાય તો પણ એને એ જ સજા મળતી કે જે કોઈ મોટો ગુનો કર્યો હોય એને મળવી જોઈએ - મૃત્યુદંડ ! ભલે ને એ બીચારાએ એ ચોરી હકીકતમાં કરી પણ ન હોય. એમાં જોકે ઘણીવાર એવું પણ બનતું કે કોઈ દોષી પોતાના ભાગ્યના સહારે આબાદ બચી જતો !
  • આ તદ્દન મૂર્ખામીભર્યા નિયમને બધી પ્રજાએ શિરોમાન્ય ગણવો પડતો. આમતો, રાજા વીરબહાદુરસિંહ બહુજ હોશિયાર હતા. તેમના દરેક નિર્ણયોમાં તેમની અપાર બુદ્ધિમતા આપમેળે દેખાઈ આવતી.પરંતુ વર્ષોથી ચાલી આવતી આ રીત વિશે તેઓએ પણ કઈં કર્યું ન હતું. જોકે, પ્રજાએ અનેક વાર વિરોધ દર્શાવ્યા છતાં તેઓ કોઈ ખાસા નિષ્કર્ષ પર આવ્યા ન હતા.તેમના મતે જો કોઈ વ્યક્તિ દોષી હશે તો તેનો ફેંસલો - તેનું ભાગ્ય ત્યાંને ત્યાંજ કરી આપશે ને કોઈ નિર્દોષ હશે તો તે સરળતાથી બચી નીકળશે ! આવા મૂર્ખ તેમજ હાંસીપાત્ર વિચારના કારણે તેઓએ આ જ પ્રક્રિયા ચાલુ રખાવી હતી. વળી એમના મનમાં ઊંડે ઊંડે એમ પણ હતું કે આમ કરવાથી લોકો ગુના કરવાથી ડરતા રહેશે. કેમકે લોકોને ડર હશે કે એકાદ ચિઠ્ઠીથી જ એમનું મોત એમને સામે આવીને ઉભું રહેશે. પરંતુ આમ કરવા જતાં કેટલાય નિર્દોષ લોકોના ભોગ લેવાશે એમની એમને જરાય કલ્પના ન હતી.
  • આમ, કોઈ ચોક્કસ દિવસે કોઈ વ્યક્તિ બિચારી પોતાનું નસીબ અજમાવવા આવતી . એક નિયુક્ત કરેલ અધિકારી તેની સામે એક ડબ્બો મુકતો. એ ડબ્બામાં રહેલી નાની એવી બે ચિઠ્ઠી જાણે બહુ તૈયાર થઈને બહાર આવવા આતુર થઈ રહેતી. રાજાજી આદેશ આપતાને એ વ્યક્તિ ડબ્બામાંથી ચિઠ્ઠી ઉપાડતી ને ઉપાડીને બધા સામે મૂકતી. જો ચિઠ્ઠી લીલા રંગની હોયતો રાજાજી તેમને અભિનંદન આપતા ને લાલ રંગ માટે એને એક તારીખ મળતી - એના જીવનની અંતિમ તારીખ ! આ રીતે બે વિરોધાભાસી વ્યવસ્થાઓ વચ્ચે પ્રજાજનો પોતાની જિંદગી વિતાવતા હતા.
  • આવા સમયે બસ દોષી અને નિર્દોષી બને એકજ વસ્તુ વિચારતા કે એમના ભાગ્યમાં જીવવાનું આવે . જોકે, બધી જગ્યાએ આવી પરિસ્થિતિનો ફાયદો કોઈને કોઈ વ્યક્તિ ઉપાડતી જ હોય છે. ને અહિંતો દિવા તળે જ અંધારું હતું. જે વ્યક્તિને આ ડબ્બો સંભાળવા અપાયો હતો એટલેકે જે વ્યક્તિ ડબ્બાને દરબારમાં પેશ કરતો એ ખુદ જ ઘણો લાલચુ હતો. ને લાલચમાં જ એને આવી પરિસ્થિતિમાં પણ થોડું ઘણું ધન કમાઈ લેવાની ઈચ્છા થઈ આવી. એટલે એણે એક ઉપાય શોધી કાઢ્યો. હવે એ આગલી રાત્રે પેલી જેલમાં આંટો મારવા જતો કે જ્યાં કોઈ આરોપીને પુરેલ હોય. તે એની સામે એકદમ સરળતાથી વાતો કરતો ને છેવટે પોતાની રમત સમજાવતો કે ખરેખર એ વ્યક્તિના જીવનનો આધાર એના પર જ છે, જો એ ચાહે તો એ વ્યક્તિને બચાવી શકે છે ને એ ચાહે તો એને મારી પણ શકે છે.
  • ભોળો વ્યક્તિ એની ચાલ ધીરે ધીરે સમજી જતો. એ પછી એ પોતાની કિંમત એને કહેતો જે તે આરોપી વ્યક્તિને આપવી પડતી. જો કોઈ વ્યક્તિ એને આપવાની ના પડે તો એ એવી રીતે ચાલબાજી કરતો કે ડબ્બામાં એ બને ચિઠ્ઠી લાલ રંગની મૂકી દેતો જેથી કોઈ પણ વ્યક્તિ ગમે એ ચિઠ્ઠી ઉપાડે એમના ભાગ્યમાં મરવાનું જ આવે . આમ, તે ડરાવી ધમકાવીને મો માંગ્યા દામ વસુલતો . જે વ્યક્તિ એને રૂપિયા આપી દેવા તૈયાર થાય તો એના ડબામાં એ બને લીલા રંગની ચિઠ્ઠી મુકતો, જેથી એ આબાદ રીતે બચી જાય. આમ, બહુ સરળતાથી દિવસાદિવસ તે બહુ ધનાઢય બનતો જતો. હવે, કોઈ વ્યક્તિને પોતાના જીવનથી વહાલું તો શું હોય ? એટલે બધા વ્યક્તિ ગમે એટલું આપીને પણ એની વાત માની લેતા.
  • આવી, ચાલબાજીમાં કોઈ ગરીબ કે જે નિર્દોષ હોય ને જેને માટે રૂપિયા ભેગા કરવાનું અઘરું હતું એનું આવી બનતું. કેમકે હવે બહુ નિર્દયતાથી એને માટે જે ૫0% જીવવાનો વિકલ્પ હતો એ પણ ન રહેતો કેમકે પેલા અધિકારીએ એના ડબ્બામાં બને લાલ રંગની ચિઠ્ઠી મૂકી દીધી હોય. હવે, જે વ્યક્તિ ફાંસીના માંચડે ચડી ગયેલ હોય એ શું બોલી શકવાનો હતો ને જે લોકો એના કારણે રૂપિયા આપીને બચી જતા તેઓ પણ મરવાની બીકે આ વાત કોઈને કરતા નહિ. આમ, પેલા અધિકારીને લીલા-લહેર થઈ ગઈ હતી.
  • આવા કાળા કામ કરનાર પેલા અધિકારીને પર્દાફાશ કરવાના પણ કેટલાય લોકોએ પ્રયત્ન કર્યા હતા . પણ એ બહુ ચલાબાજ હતો. એ બધાની સામે પેલો ડબ્બો ખોલીને બતાવતો ને પછી એના હાથમાં રહેલ બે જુદા રંગની ચિઠ્ઠીઓ ડબ્બામાં મુકવાનો ડોળ કરતો, પણ આવે વખતે એ ચાલબાજી વાપરી શરત મુજબ બે લીલા કે પછી બે લાલ રંગની જ ચિઠ્ઠી અંદર મુકતો.એટલે કોઈને એના પર શંકા જતી ન હતી. પણ કહેવાય છે ને કે કરેલ પાપનો ઘડો જરૂરથી ફૂટે જ છે !
  • એકવાર રાજ્ય સમક્ષ એક ગરીબ પરંતુ હોશિયાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ આવી . એટલે રાજ્યના કાયદા મુજબ એને થોડા સમય માટે જેલમાં પુરવામાં આવ્યો. આ વ્યક્તિ ખરેખર દોષી ન હતો, પણ કોઈ ગેરસમજને કારણે તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. વળી પેલો લાલચુ અધિકારી રાતે એની કોટડીમાં આવ્યો ને પોતાની વાત સમજાવી . એને શરૂઆતમાં વાત સાંભળીને પછી કહ્યું કે " તમે કહો છો એટલા રૂપિયા મારી પાસે નથી, પણ હું નિર્દોષ છું એની તમને ખાતરી આપું છું. એટલે કૃપા કરીને મને અહીંથી છોડાવો. હું તમારું ઋણ ક્યારેય નહીં ભૂલું" આ સાંભળીને અધિકારી ગુસ્સે ભરાઈ ગયા ને કહ્યું " એ મફતમાં કોઈ સેવા કરવા હું અહીં નથી બેઠો ! હવે બસ તું તારા દિવસો ગણી લે " આ સાંભળીને પણ હજી પેલા ગરીબે આજીજી ચાલુ રાખી . પણ અધિકારી ટસ નો મસ ના થયો. છેવટે અધિકારી ગુસ્સે ભરાઈ ત્યાંથી ચાલી નીકળ્યો. અહીં પેલા ગરીબને આખી રાત ઊંઘ ન આવી. માથે મોત ભમતું દેખાય તો માણસ ગમે એ કરી છૂટે છે. એટલે પછી બીજા દિવસે એને એક સરસ ઉપાય સુજી આવ્યો. એને ખબર હતી કે હવે અધિકારી એને મારવા બને ચિઠ્ઠી લાલ રંગની જ મુકશે કેમકે જો એ એમ ન કરે ને હું બચી જાઉં તો એના માથે ફરી સંકટ !
  • ફેસલાનો દિવસ આવ્યો ને આખી સભા ભરાઈ, પેલા આરોપીને બધા સમક્ષ લઈ આવવામાં આવ્યો . મંત્રીએ એ માણસનો પરિચય કરાવ્યો ને એના પર લાગેલ આરોપ વર્ણવ્યો. પછી પેલો અધિકારી એક ડબ્બો લઇ આવ્યો ને એમાની બને ચિઠ્ઠીઓ બધા સમક્ષ મૂકી ને પછી હાથચાલાકી કરીને ડબ્બામાં મૂકી દીધી . આ પરથી પેલા આરોપીને એ તો ખાતરી થઈ જ ગઈ કે એને ફાંસીએ ચડાવવાનો બધો તખ્તો ઘડાઈ ચુક્યો છે. હવે એને પોતાના વિચાર મુજબ કામ કરવાનું હતું.
  • રાજાજીના આદેશ મુજબ પેલા આરોપીને એક ચિઠ્ઠી કાઢવાનો હુકમ આપવામાં આવ્યો . હવે નિયમ મુજબ આરોપીને એક ચિઠ્ઠી કાઢી પેલા અધિકારીને આપવાની જે એ ચિઠ્ઠી પુરી સભા સમક્ષ રજુ કરે ને એ રીતે એ નિર્ણય આવે . ને એક ચિઠ્ઠી કાઢ્યા બાદ અધિકારી ચિઠ્ઠી અને ડબ્બો બને પાછો લઇ જાય. એક વાત નિશ્ચિત હતી કે ગમે એ થાય આ ડબ્બામાંથી એકજ વાર ચિઠ્ઠી કાઢીને એના ભવિષ્યનો ફેંસલો લેવાતો. બીજી વાર કદાપિ આરોપીને મોકો મળતો નહિ. આ વાતની પેલા આરોપીને ખબર હતી. એટલે જયારે હુકમ અપાયો ત્યારે તેને એક ચિઠ્ઠી તો કાઢી પણ પળવારમાં એણે પોતાના મોઢામાં મૂકીને ચાવી ગયો ! રાજસભા પહેલા તો અચંભિત થઈ ગઈ. ખરી પરિસ્થિતિનું ભાન થતા રાજાએ ત્રાડ પાડી ને કહ્યું : સૈનિકો, પકડીલો - આ મુર્ખને ! ને પછી રાજાએ એને પોતાની આ કરતૂત પાછળનું કારણ પૂછ્યું.
  • બસ, આજ પળનો એને ઇન્તેજાર હતો. એને પૂછયું કે " નામદાર આ નિયમની મને ખબર ન હતી, પણ હવે જે ચિઠ્ઠી મારા પેટમાં છે એનું શું ? શું મને બીજી વાર ચિઠ્ઠી કાઢવા મળશે ? " રાજા વધારે ગુસ્સે ભરાયાને કહ્યું કે " કદાપિ નહિ, હવે બીજી વાર ચિઠ્ઠી કાઢવા નહિ મળે, આ ન્યાય પ્રક્રિયા છે કોઈ રમત નથી. પણ હવે તારો ફેંસલો કેવી રીતે કરવો ! " આ સાંભળતા જ પેલો આરોપી બોલી ઉઠ્યો " જો નામદાર કહે તો મારી પાસે એક ઉપાય છે, જે ભૂલ થવાની હતી એ થઈ ગઈ હવે એનું કાંઈ ન થાય . પણ જો ચિઠ્ઠીનો જ સવાલ હોય કે મેં કઈ ચિઠ્ઠી ઉપાડી તો એ તો બીજી ચિઠ્ઠી પરથી પણ ખબર પડી શકે ! જો આ ડબ્બામાં વધેલી ચિઠ્ઠી લીલા રંગની હશે તો મેં પહેલા લાલ રંગની ચિઠ્ઠી ઉપાડી હશે ને જો ડબ્બામાની ચિઠ્ઠી લાલ રંગની નીકળશે તો મેં પહેલા લીલા રંગની ઉપાડી હશે !!!" આ દલીલ બધાને યોગ્ય લાગી, પરંતુ પેલા અધિકારીનું આ સાંભળતા જ મન વિમાસણમાં પડી ગયું તે કાંઈ વિરોધ દર્શાવે તે પહેલાં જ રાજાજી એ કહ્યું કે "મારા મતે આ યોગ્ય છે .તો એ પ્રમાણે કરીએ ." આથી પેલા અધિકારીએ ડબ્બામાં રહેલ ચિઠ્ઠી બધાને બતાવી તે નિઃશંકપણે લાલ રંગની હતી. આથી શરત મુજબ પહેલી ચિઠ્ઠી લીલા રંગની હોવી જોઈએ . આમ પેલો આરોપી આબાદ બચી ગયો, કેમકે એણે ચાવી ગયેલ ચિઠ્ઠી પહેલી લીલા રંગની હશે !!!
  • જેનામાં થોડી ઘણી બુદ્ધિ હોય એ પણ આ વાતમાં કંઈક કાળું છે એ જાણી જાય, એટલે રાજાજી એ પૂછ્યું કે " મહાશય, આ પાછળ શું કારણ હતું ? " પેલા ગરીબે અધિકારીના કાળા કરતૂત સહિત આખી વાત રાજસભા સમસ્ત કહી સંભળાવી ને અધિકારી શરમમાં જ ભોંઠો પડી ગયો. આ સાંભળીને રાજાએ પેલા અધિકારીને આકરામાં આકરી સજા ફરમાવી. પણ આ વાત નો સૌથી મોટો ફાયદો એ થયો કે બે ચિઠ્ઠી વાળી ન્યાયપ્રક્રિયા કાયમ માટે રદ થઈ ગઈ. આની બદલે પાંચ લોકોની નિમણૂક થઈ જેઓ હવે રાજાજીના શાસન નીચે ન્યાયપ્રક્રિયા કરતા તથા આ લોકોમાં પેલો બુદ્ધિશાળી આરોપી પણ સામેલ હતો . આમ, રાજાજીએ એની બુદ્ધિની કદર કરી, આવા પ્રશંસનીય કાર્ય પછી મગધના કીર્તિમાં વધારો જ થયો.
  • બોધ : આવી બુદ્ધિચાતુર્ય ભરી વાર્તાઓમાંથી મુખ્ય એક જ બોધ મળી શકે કે - માણસમાં રહેલ બુદ્ધિ એને કોઈ પણ સંકટમાંથી બચાવી શકે છે, તથા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ સામાન્ય સ્થિતિમાંથી બહુ ઊંચા સ્થાને પહોંચી શકે છે.
  • ***
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED