આ બધો બળાપો, અને એમા પણ નોકરીમાં સારી સેલેરી મેળવવાની જફામારી. કામ કાજ કરવાનું અને શોખને મારી મારીને બસ સતત જીવ્યા જ કરવાનું. કાંઈ સમજાય તો ને, કે આખર કરવું શું જોઈએ…? ક્યારેક તો ડર લાગે છે, કે શું જીવન આમ જ વીતી જશે…? પણ ના, એ તો હું નહિ જ થવા દઉં. જીવનમાં એવું ઘણું બધું કરવું જ છે, જે કરવા માટે જ કદાચ હું અસ્તિત્વમાં આવ્યો હોઈશ. પણ, આ ગેબી યોજના આખરકાર હોઈ શુ શકે…?
‘જો એ જાણી શકાતું હોતને વાલા, તો હંધાય લોકો આમ કામ ન કરતા હોત. બધાય એમનું ભાવી જોઈને ફાંસીના માંચડે નો ચડ્યા હોત સમજ્યો…?’
‘પણ, તું આવી નકારાત્મક વાતો કેમ કરે છે…?’
‘આ તો વાસ્તવિક વસ્તુ છે, એમા હકારાત્મક કે નકારાત્મક જેવા ભેદ વળી ક્યારે પડ્યા…?’
‘તું કેહવા હું માંગે છે.’
‘મન ઇ કે તારે હામભળવું હું શે…? તન હું લાગસ ક તું જે આમ બરાડીને બાઘડી પડવાની બોલીમાં બોલીસ એટલે હું ડરી જઈશ.’
‘ના હવે કાના, મેં એવું ક્યાં કદી કહ્યું જ છે તને…?’
‘તો આજ કેમ…?’
‘અરે સાચું કહુંને કાના, મને તો કાઈ જ નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ.’ મેં મૂંઝવણ ભર્યા ચહેરે જ એને તાક્યા કર્યું.
‘તું કરવા શુ માંગે છે…?’
‘એ બધું જ, જે મારા દિલમાં છે.’
‘તારા દિલમાં શુ છે…?’
‘ઘણું બધું… હું ઈચ્છું છું કે દુનિયાના દરેક ખૂણે ફરું અને ખુલીને જીવન જીવું.’
‘ઓહ… સરસ…’
‘પણ એવું કંઈ જ દેખાતું નથી.’
‘સમય આવ્યે તારી મહેનત જરૂર રંગ લાવશે.’
‘હું પણ એવી જ આશા રાખું છું.’
‘તારે તો તારું કર્મ કરવાનું છે યાર. તારી મંજિલ તો તને શોધતા શોધતા તારી સામે આવશે. બસ માર્ગનું ચયન દરેક પળે તારે કરવું જ પડશે.’
‘હું જાણું છું કાન્હા. બસ મૂંઝવણ વધે એટલે મગજ કામ આપવાનું બંધ કરી દયે છે.’
‘તું મૂંઝવણ જેવી સમસ્યાઓ પાળે જ છે શું કામ…?’
‘હવે મૂંઝવણ અને ચિંતાઓ કાંઈ પાળવાની વસ્તુ છે.’
‘તો પછી તું…’
‘મને કાંઈ શોખ થોડો છે, મૂંઝવણ કે ચિંતાઓમાં જીવ્યા કરવાનો.’
‘જો યાર, માણસ તરીકે જન્મ લીધો હોય કે જીવજંતુ તરીકે. જન્મ લીધો છે તો એનો અર્થ છે કે મૃત્યુ આવવા સુધી એને કોઈ પણ સંજોગોમાં સતત જીવતા રહેવાનું છે. જો જીવતા રહેવા સિવાય કોઈ માર્ગ જ ન હોય, તો આ જીવનને આનંદ સાથે જીવવામાં વાંધો શુ છે.’ નિખાલસ ચહેરે આછા અજવાસમાં એ મને અદ્રશ્ય પણે તાકી રહ્યો હતો.
હું પણ એને એજ તેજમયી સૌંદર્ય ભરી તસ્વીરની જેમ અનુભવી રહ્યો હતો. ‘તને ખબર છે શ્યામ…?’
‘શુ…?’ એજ ચહેરા પર રેલાતા મુક્ત હાસ્ય સાથે એણે કહ્યું.
‘મને નથી લાગતું કે મારે એ કહેવાની જરૂર છે…?’ હું એના હાસ્ય પછી કાઈ સમજી જ ન શક્યો.
‘પણ, તારે એ કહેવું પડશે.’
‘કેમ…?’
‘તારા દ્વારા પૂછાતાં પ્રશ્ન, અને એના માટે તે કરેલું શબ્દોનું ચયન, તારા માટે મારા દ્વારા આપતા જવાબમાં અસરકારક તત્વ બની રહેશે.’ એટલી જ નિખાલસતા પૂર્વક એણે કહ્યું જેટલો નિખાલસ ચહેરો એનો હંમેશા હોય છે.
‘શુ આનંદમાં રહેવું એટલુ સહજ છે…? જેટલા સહજ પણે તું એને દર્શાવે છે અથવા આઈ મીન તું સમજાવવા માંગે છે.’
‘ના… એ એટલું સહજ તો જરાય નથી. અને રહી વાત દર્શાવવાના કે સમજાવવાની , તો હું એવું કંઈ જ નથી કરતો.’
‘પણ શ્યામ, તું જ તો…’
‘હું જે કહું એ શબ્દોને ન પકડ. તું એના વાસ્તવિક તાતપર્ય એટલે કે અર્થઘટન પર ધ્યાન આપ. આ શબ્દો પકડવાનો ખેલ જ તો સૃષ્ટિને વિનાશ તરફ લઈ જવા ઉતાવળો બન્યો છે.’
‘એટલે શબ્દોનું કાઈ મહત્વ જ નહીં.’
‘શબ્દો વગર કાઈ કહી જ ન શકાય. અને આઈ એમ સ્યોર કે કહ્યા વગર સ્થિતિ સમજવી કે એને અર્થઘટીત કરવી બંને અશક્ય છે. તો પછી હું શબ્દોના મૂલ્યને કેવી રીતે અવઘણી શકું…?’
‘પણ…’
‘આપણે વિષય વસ્તુથી દૂર નીકળી રહ્યા છીએ.’
‘હા…પણ…’
‘જો હું જે સહજતા કહું છું, એ બહુ અઘરી છે. દરેક માટે તો એ શક્ય પણ નથી. કેમ…? એ કહેવાની તો મારે જરૂર જ નથી. કારણ કે ખરેખર જો એ એટલી સરળ હોત, તો સંસારમાં સમસ્યાનું કોઈ અસ્તિત્વ જ ન હોત. બધા ખુશ કે આનંદમાં જ ન રહી શકતા હોત…?’
‘તો પછી કેમ તું મને…?’
‘જો હું જે કહું છું એના ઊંડાણને સમજવાની કોશિશ કરજે. કદાચ આ ઊંડાણ જો તને સમજાઈ જશે, તો તારી સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ તને મળી જ જશે.’
‘હા, હું પ્રયત્ન કરીશ.’
‘જો એક પ્રતીક રૂપે હું તને સમજાવું છું. કોઈ એક ગામ છે જ્યાં બે મિત્રો રહે છે, બેયનો વ્યવસાય એક. બેયના પરિવાર અને બેયના ઘરની સ્થિતિ પણ એક. એકની પત્ની વિચારશીલ અને બીજાની પત્ની કાર્યશીલ. સમય ક્યારેય એક સમાન સપાટીએ નથી વહેતો, આ વહેતો સંદર્ભ નદીના પાણી પ્રવાહ માટે પણ એટલો જ પ્રસ્તુત સત્ય જેવો છે. બંને જણા સાથે જ રહે, મિત્રો હોય એટલે કામ કાજ પણ સાથે જ કરે. બંનેના ખેતરોમાં પાણીનો અભાવ નહિ એટલે ખેતી સારી એવી થાય અને બેયનું ગુજરાન પણ એના આધારે જ ચાલ્યા કરે. એક દિવસ ગામના ખેતરોમાં પાકને લગતો કોઈક રોગ લાગુ પડ્યો. હવે ગામના દરેક ખેતરમાં હોય એટલે આ બેયના ખેતરો પણ એમાં ભરડાય જ… પાછો આ રોગ એવો કે જેનું કોઈ સમાધાન જ નહીં, આ વાતો આખા ગામમાં ફેલાયેલી. બધા ચિંતામાં ગળાડૂબ અવસ્થામાં પાકને આંખો સામે નષ્ટ થતો જોઈ રહ્યા, પેલા બેમાનો એક મિત્ર પણ. એમની ઘરમાં પણ એ જ ચિંતાનું મોજું છવાયેલું રહે. આ ચિંતામાં ને ચિંતામાં એ કોઈની સલાહ કે સુચનને પણ ગણકારે નહી, બસ સુનમુન ઉદાસ બનીને બગડતા પાકની ચિંતા કર્યા કરે. એની પત્ની પણ વિચારશીલ એટલે એની સાથે જ વિચાર મગ્ન… આ જ સમયે બીજો મિત્ર શહેર તરફ રવાના થયેલો, આ રોગના મૂળ શોધવા. અને એની પત્ની કાર્યશીલ એટલે જેમ બને તેમ રોગ ન ફેલાયેલા પાકની જાળવણી કરવામાં લાગી ગઈ. બધા એને બહુ સમજાવતા રહ્યા કે આ રોગ આખાય ખેતરને બાળ્યા વગર નહિ જાય. તો ખોટી મજૂરી કરીને લાભ શુ…? પણ પેલી બસ એક જ જવાબ આપે ‘ઈલાજ ન હોય તો કઈ હાથ પર હાથ ધરી બેસી રહેવાથી શુ વળવાનું…? હું કંઈક કરીશ તો મને પરિસ્થિતી સામે લડ્યા હોવાનો સંતોષનો અહેસાસ તો મળશે. પણ જો કદાચ આમાંથી બચવાનો માર્ગ પાછળથી સમજાશે, તો આખી જિંદગી એનો રંજ રહી જશે કે મેં પ્રયત્ન કેમ ન કર્યો…? કદાચ મારો પ્રયત્ન મારા પાકને બચાવી શક્યો હોત.’
પણ, એની વાત કોઈને ન સમજાઇ. પેલો મિત્ર પણ હિંમત હારીને ઘરમાં જ પુરાઈ ગયેલો. જ્યારે બીજા મિત્રને દૂર શહેરમાંથી કોઈ કૃષિ નિષ્ણાંતોના અનુભવી નિચોડ રૂપે ઈલાજ મળી ગયો. એણે તરત જ ઘરે આવીને આ દવા ઘરે જ બનાવી ખેતરમાં છાંટી અને જ્યારે આખા ગામનો ચારેય ટકા પાક નષ્ટ થયો ત્યારે ત્રણ ભાગનો પાક બીજો મિત્ર બચાવી શક્યો હતો. આગળના ચાર મહિના એણે જ પ્રથમ મિત્રને જીવન જરૂરી અનાજ પણ આપ્યું. ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું પણ લગભગ ગામના દરેકને બીજા મિત્રની કાર્યશીલ પત્નીના આ શબ્દો યાદ આવ્યાં. ત્યારે એણે કહેલું કે
‘ઈલાજ ન હોય તો કઈ હાથ પર હાથ ધરી બેસી રહેવાથી શુ વળવાનું…? હું કંઈક કરીશ તો મને પરિસ્થિતી સામે લડ્યા હોવાનો સંતોષનો અહેસાસ તો મળશે. પણ જો કદાચ આમાંથી બચવાનો માર્ગ પાછળથી સમજાશે તો આખી જિંદગી એનો રંજ રહી જશે, કે મેં પ્રયત્ન કેમ ન કર્યો…? કદાચ મારો પ્રયત્ન મારા પાકને બચાવી શક્યો હોત.’
‘પણ… કાના આનો વાસ્તવિક જીવન સાથે શુ સબંધ…?’
‘એ તો તારે નક્કી કરવાનું છે…’
આ શબ્દોના અહેસાસ પછી હું ખાસ્સો સમય ખુલા આકાશમાં દોડાદોડ કરતા વાદળોને જોઈ રહ્યો હતો. મારા દરેક પ્રશ્નોના જવાબ મારી આંખો સમક્ષ હતા, પણ ચિંતા અને ડરના કારણે હું એને અવગણી રહ્યો હતો. ફરી એકવાર કાનાનો આભાર માનવા હું એની તરફ ફર્યો…
પણ… પણ… હંમેશની જેમ જ એ અંતરધ્યાન હતો. ત્યાં મીઠા પવનની લહેરખીઓ સિવાય કઇ ક હતું. આમ પણ પ્રકૃતિ અને કૃષ્ણ એક જ તો છે…
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૦૯ pm, ૧૦ જુલાઈ ૨૦૧૮ )