Udo Damfariyavado books and stories free download online pdf in Gujarati

ઉદો ડમ્ફરિયાવાળો

ઉનાળાનો સૂર્ય આકાશમાંથી અગ્નિ વરસાવતો હતો. ભયંકર તડકો ભરડો લેતો હતો. ઉદેસિંહ, જેને લોકો ટૂંકમાં ઉદો કહેતા, એ રોજની જેમ પોતાના શેઠિયાની માલસામાનની હેરફેર કરવાની ટ્રક લઈને રોજના રસ્તે જઈ રહ્યો હતો. દરરોજ ટ્રકના ચારથી પાંચ ફેરા એ જ રસ્તે થઇ જતા. શેઠિયાનો વફાદાર ડ્રાઈવર હતો ઉદો. ક્યારેય કોઈ ગપલું ન કરે. માલસામાન સમયસર નિર્ધારિત જગ્યાએ પહોચાડે અને પોતાની કાબેલિયત દરેક વખતે સાબિત કરી દેખાડે.

એ દિવસે ઉદાને લાગ્યું કે ટ્રકની (સ્થાનિક ભાષામાં જેને ડમ્ફરિયું કહેવાય એની) ચાલ બરાબર નહતી લાગતી. એક બાજુ જાણે કે નમી પડતી હોય તેમ લાગ્યું. વળી સ્ટીયરીંગ પણ વળાંકમાં જોર માંગી લેતું હતું એટલે ઉદાના મનમાં શંકા થઇ. પણ એણે વિચાર કર્યો કે આવા તાપમાં ક્યાંક ઘટાદાર છાંયડો મળે ત્યાં ઉભી રખાય. પરંતુ એકાદ બે કિલોમીટર હંકારવા છતાં એવું ઘટાદાર ઝાડ નજરે ન ચઢ્યું એટલે ટ્યુબ ફાટી જવાની બીકે એણે ડમ્ફરિયું રોડની સાઈડમાં એક જગ્યાએ ઉભું રાખ્યું.

ઉતરીને જોયું તો ધારણા મુજબ પંચર જ હતું. આસપાસ નજર દોડાવી પણ બે ચાર ઝુંપડીઓ સિવાય કશું નજર ન આવ્યું કે જેને બૂમ પાડીને મદદ માટે બોલાવી શકે. એટલે “જય સીયારામ” કરીને એણે જેક કાઢ્યો અને બરાબર માથે તપતા સુરજ નીચે પરસેવો પાડવાનું શરુ કર્યું.

એકલા હાથે ટાયર બદલવું અને એ પણ મસમોટી ટ્રકનું એ કાંઈ જેવીતેવી વાત નહતી. જેક માંડ ચઢાવી રહ્યો ત્યાં તો પરસેવાથી શર્ટ આખો ભીનો થઇ ગયો. દુકાળમાં અધિક માસ એ હતો કે એનો પાણીનો બાટલોય પૂરો થઇ ગયો હતો. હવે તો કોઈ પાણી આપી જાય એની રાહ જોતો હતો.

દુર રહેલી પેલી ચાર ઝુંપડીઓમાંની એકમાં રહેતી નરમદી (નર્મદાનું અપભ્રંશ થયેલું ગામઠી નામ) ક્યારની ઉદાએ આદરેલા કામને જોયા કરતી હતી. એને લાગ્યું કે ડ્રાઈવરને પાણી જોઈએ છે. એટલે એવા બળબળતા તાપમાં માથે કાળા સાડલાની લાજ કાઢી, પોતાની હમણાં જ સત્તર વર્ષની થયેલી દીકરી ઉર્મિલાને સાદ નાખ્યો.

“અલી ઊર્મિ! આ માટલામાંથી બે લોટા ભરતી આવ અને હાય્લ રોડે જઈએ પેલા ડમ્ફરિયાવાળા ભાયને પાણી પાવા”

ઉર્મિલા તરત લોટો લઈને આવી અને મા-દીકરી ચાલ્યા ઉદાના ડમ્ફરિયા ભણી.

ઉદાની નજર એ તરફ નહતી. એ તરસ ભૂલીને સ્પેર વ્હીલ કાઢતો હતો, જલ્દીથી ઠેકાને પહોચ્વાનુંય હતું એમાં આ તરસ અને પરસેવાને પકડીને બેસી રહેવું એને પાલવે તેમ નહતું.

“ઓ ભાય! લે આ પાણી પી લે. ક્યારની જોઉં સુ. આ આવા આકરા બપોરે શું ડમ્ફરિયા ફેરવો સો? ઘડીક ઠંડા પહોરે ના નીકરાય?”, નરમદીએ એક મા જેમ પોતાના દીકરાને લડે એમ ઉદાને જરાક લડી નાખ્યું.

ઉદાએ પાના પક્ક્ડ મુકીને પાછળ વાળીને જોયું તો બેય મા દીકરી પોતપોતના હાથમાં એકેક પાણીનો લોટો લઈને ઉભા હતા.

કશું જવાબ આપ્યા વગર ઉદો એક પછી એક બંને લોટા પાણી પી ગયો અને એના જીવમાં જીવ આવ્યો. હવે એ કશું બોલી શકે એટલું હામ આવ્યું, બાકી તડકાએ વિચારશક્તિ જ છીનવી લીધેલી.

“બેન! ડમ્ફરિયું ન ચલાવું તો ઘર કેમ ચાલે?આના પૈડા ફરે એને લીધે ઘરનું ગાડું ય ફરે રાખે”

“એ ભલે, પણ આ તડકે બળવા કરતા બપોર પસી જાતા હોય તો?”

“પોહાય એમ જ નથ બેન. પાંચ ફેરા તો કરવા જ પડે, ત્યાં જઈને હંધું વપરાતા થોડા ઘણા બચે. અને હું રાત્રે ફેરા નથી કરતો એ મારો નિયમ સે! એટલે બપોરે જ તાપ માથે લેવો પડે”

“બરોબર. તે ભાઈ આ ડમ્ફરિયું તારું સે?”

“ના ના! પોતાનું તો ક્યાંથી હોય બેન? શેઠિયાનું સે. મારું આગવું નથ, પણ ઉપરવારો પાંસરો (સીધો) રહે તયે મારેય આગવું લાવવું સે”

“લવાશે લવાશે ભાય! ઉપરવારો હવનું હાંભડે સે. આ જો ને, મારુય એટલું બધું હાંભડ્યુ કે ઊર્મિના બાપુને પોતાની ભેગા બોલાવી લીધા”, નરમદી જરા નરમ પડી. અને લાજનો સાડલો ગળા સુધી ખેંચ્યો.

“એટલે? હમજ્યો નઈ”, ઉદાએ કહ્યું.

“બાપુને દારુ ભરખી ગયો. રોજ મા હારે લડતા એને મારતા. એટલે મા રોજ ઉપરવારાને કે’તી કે આમાંથી મને સોડાવ. તયે એણે બાપુને જ લઇ લીધા અને મા છૂટી”, ઉર્મિલાએ ડૂમો ગળીને કહ્યું, “મારે મામોય નથ જેના ઘેર રઈ શકીએ એટલે અહિયાં જ સિયે”

“તે અત્યારે તમે મા-દીકરી એકલા જ રયો સો?”, ઉદાની માણસાઈ જાગી.

“હા ભાય. અમ બેય એકલા જ સીયે. પેલી ઝુપડીમાં”, નરમદીએ આંગળી ચીંધીને કહ્યું, “હાય્લ તું તારે ચકેડું (ટાયર) બદલીને નીકળ. અમારા લીધે તને મોડું થાય એ ના પોહાય”, નરમદીએ કહ્યું.

ઉદાએ ટાયર બદલ્યું ત્યાં સુધી એ બંને ત્યાં ઉભી રહી.

“ચાલો ત્યારે બેન! હું નીકળું સુ. પણ હા જતા જતા એટલું કવ સુ કે મારે કોઈ બેન નથ અને તારે કોઈ ભાય નથ. આજથી હું તારો ભાઈ થઉં અને આ.....”

“ઊર્મિ”

“હા, ઊર્મિનો મામો. ગમે ત્યારે ગમે તે જરૂર હોય મને કે’જે. મારા ગજામાં હશે તો ના નઈ પાડું”, કહીને ઉદાએ ખીસામાંથી સોની નોટ કાઢીને ઉર્મિલા તરફ ધરી.

“ના લેવાય સોડી. જોજે લેતી”,નરમદીએ કહ્યું.

“અરે ઉદોમામો આલે ને ભાનકી ના લે એવું બને કઈ?”, કહીને સોની નોટ ઉર્મિલાના હાથમાં પકડાવીને ઉદાએ રજા માંગી.

“ભલે ભાય. તું તારે નીકર. અને ભગવાન તારી હંધીય ઇસાઓ પૂરી કરે”, નરમદીએ પોતાના ભાઈ બનેલા ઉદાને આશીર્વાદ આપ્યા.

“એ ભલે બેન! આવજે. અને અહીંથી જ રોજ જાઉં સુ, કઈ મદદ જોઈએ તો કે’જો તમ બેય”

“ખુશ રહે ભાય”

ઉદો ટ્રક લઈને નીકળ્યો.

પછી તો રોજ ઉદો પોતાના ખેતરેથી કશું ને કશું શાકભાજી લેતો આવે અને એ જ જગ્યાએ ઉભો રહીને હોર્ન મારે એટલે ઉર્મિલા દોડતી આવી જાય. નરમદી ય એના બદલામાં કેરીનો બાફલો કે શરબત મોકલાવે.

માનેલા ભાઈબહેનના સંબંધ દિવસેને દિવસે સારા થતા ગયા. રક્ષાબંધન પર નરમદી રાખડી બાંધવા પૈસા ખર્ચીને ઉદાના ઘરે જાય. ઉર્મિલા ઉદાના છોકરાને રાખડી બાંધે અને નરમદી ઉદાને. દિવાળીમાં ઉદો શેઠિયાએ આપેલી મીઠાઈમાંથી અડધી નરમદીને આપવા જાય.

સમય જતા ઉદાએ પોતાની કરેલી બચતમાંથી સેકંડ હેન્ડ ટ્રક ખરીદી અને શેઠિયાને ત્યાંથી ભારે હૈયે વિદાય લીધી. ઉદાનો શેઠિયો પણ ઉદાની મહેનત અને બચતથી રાજી થયો અને હસતા મોઢે, જરૂર પડે ત્યારે હાકલ કરવાના આશ્વાસન સાથે ઉદાને છૂટો કર્યો.

પોતાનું ડમ્ફરિયું આવતાં ઉદાની મહેનત હવે વધારે થઇ ગઈ. કામ તો મળે અને ઉપરથી ઇંટો , રેતી કપચીના ય ફેરા કરતો. ઉદાની આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી હતી કે અચાનક એક રાત્રે નરમદીએ ફોન ન હોવાથી એક માણસ સાથે સંદેશો મોકલાવ્યો કે ઉર્મિલાને છાતીમાં કળતર થાય છે અને બોલવાનું બંધ થઇ ગયું છે. ઉદાને જલ્દી જ મદદ પહોચાડવાની તાકીદ કરવા કહ્યું.

રાત્રીના દસ વાગ્યા હતા પણ છતાંય ઉદો પોતાનો રાત્રે ટ્રક ન ચલાવવાનો નિયમ તોડીને ટ્રક લઇ નરમદીના ઘરે ગયો. પોતાના દીકરાને ય સાથે લીધો હતો જેથી મદદ મળી રહે.

“ચાલ ઝટ. કશું બોલ્યા વગર એને ડમ્ફરિયામાં લઇ લે”

“પણ હેડાતું જ નથી ભાય એનાથી”, નરમદીના અવાજથી ય દુખ ઝળકતું હતું.

“લાય હું ઉસકી લઉં”, કહીને મામાએ ભાણીને ખભે ઉચકી લીધી.

બંને ચારેય જણ ટ્રકમાં બેઠા અને ઉદાએ ટ્રકની ગતિ વધારી.

નજીકની હોસ્પિટલ દસ કિમી દુર હતી. ઉદાએ કોઈ વાર ટ્રક આટલી ઝડપે ચલાવેલી નહિ. પણ આજે એની ભાણીની જિંદગીનો સવાલ હતો એટલે વીસ મિનીટમાં ટ્રક હોસ્પિટલના દરવાજે ઉભી કરી દીધી.

ફટાફટ ઉતરીને ઉર્મિલાને સ્ટ્રેચર પર સુવડાવી. વોર્ડ બોયની મદદથી ઈમરજન્સી વોર્ડ તરફ બધા રવાના થયા.

“દાકતર સાહેબ! જલ્દી કરો. મારી ભાનકીને બચાવી લ્યો”, ઉદાની બુમ અંધારાના સન્નાટાને ચીરી રહી હતી.

“અમે બનતું બધું કરીશું. ચિંતા ન કરશો. તમે બંને બહાર રહો. હું તમને થોડી વારમાં કહું છું”, ડોકટરે કહ્યું.

“જેટલા થસે એટલા પૈસા લઇ આવે હું, પણ મારી ઊર્મિને કઈ થવું ના જોઈએ સાહેબ”, ઉદો ઊર્મિના મામા તરીકે નહિ, જાણે એનો બાપ હોય તેમ બોલી રહ્યો હતો.

“તમે ચિંતા ન કરશો હું કહું છું તમને”

“હા”

પછી સન્નાટો ફરી છવાઈ ગયો.

પંદર વીસ મિનીટ થઇ હશે ત્યાં ડોકટર બહાર આવ્યા.

ઉદાએ કહ્યું, “શું થયું સાહેબ?”

“સમયસર લઇ આવ્યા છો એટલે બચી તો જશે પણ ઓપરેશન કરવું પડશે. હૃદયની નળીમાં કચરો ભરાઈ ગયો છે. સર્જરી કરવી પડશે”

“જે કરવું હોય તે કરો, પણ ઊર્મિને કશું થવું ન જોઈએ”, ઉદાએ કહ્યું. નરમદી તો સુનમુન બેસી રહી હતી. પતિ દારૂમાં પરલોક સીધાવ્યો અને વહાલસોયી દીકરીના માથે આ આભ તૂટી પડવાના લીધે આસપાસની ઘટનાઓ પ્રત્યે એ બેધ્યાન જ હતી.

“ઓપરેશન તો શરુ કરી દઈએ પણ કાલે અગિયાર વાગ્યા સુધી દોઢ લાખની વ્યવસ્થા કરવી પડશે અને વીસ હજાર અત્યારે જ જમા કરાવવા પડશે”

ઉદાએ પાકીટ અને ખીસા ફંફોસ્યા. હોસ્પીટલે જવાનું થશે એમ વિચારીને ઘરે જેટલા પડ્યા હતા એ બધા પૈસા લઈને આવ્યો હતો. બધા મળીને બાર હજાર થયા. એ ડોક્ટરન સામે ધર્યા.

“આ લ્યો સાહેબ, અત્યારે બાર જ હજાર સે. બાકીના કાલે અગિયાર વાગ્યે તમને મળી જાહે. બસ તમે મારા પર વિશ્વાહ રાખો. ચમ કે અમને તમારા પર વિશ્વાહ સે”

ડોક્ટર માની ગયા. ઓપરેશનની તૈયારીઓ ચાલુ થઇ.

“બેટા, તું અહી નરમદી ફોઈ હારે રે’જે. હું કાલ હવારે પૈસાની વિવસ્થા કરીને આવું સુ”

“ભલે બાપુ તમે જાઓ. હું આયા જ સુ ફોઈ હારે”

“બેન!”, ઉદાએ નરમદીને કહ્યું.

“હ..હમ્મ્મ્મ”, અચાનક કોઈએ તંદ્રામાંથી જગાડી હોય તેમ નરમદી જાગી.

“હું જાઉં સુ, હવારે આવું પાસો. આ મારો ભોલ્યો આયા જ સે. કઈ જરૂર પડે તો એને કે’જે”

“હા, પણ ભાય ઊર્મિ?”

“સલામત સે. કાંઈ ચિંતા કરવા જેવું નથ”

“ભલે”, એનાથી આટલું જ બોલાયું.

સવાર પડી. ઓપરેશન સફળ રહ્યું. ઊર્મિલાની હૃદયની નળીનું બ્લોકેજ બાયપાસ સર્જરીથી દુર કરવામાં આવ્યું અને તે બિલકુલ ખતરાથી બહાર હતી.

દસ વાગ્યેને પંચાવનમી મીનીટે ઉદો ટ્રક લઈને આવ્યો અને નરમદીની સામે જ એક લાખને આડત્રીસ હજાર રૂપિયા ડોક્ટરને આપ્યા.

નરમદી આ જોઇને ડઘાઈ જ ગઈ.

“આટલું બધું દેવું તારું કેમ ચૂકતે કરીશ હું ભાય?”

“ઘર ઘરમાં કંઈ દેણું અને લેણું ના હોય બેન. ઊર્મિ મારી ય ભાણી જ છે ને?”, ઉદાએ કહ્યું.

“પણ આટલા બધા રૂપિયાની વિવસ્થા તે રાતોરાત કેમની કરી લીધી ભાય?”

“એ બધું જવા દે ને તું. ઊર્મિ સાજી થઇ ગઈ એ બોવ સે આપના હાટુ”

સાંજે ઊર્મિને રજા અપાઈ. ફરીથી ચારેય જણ ટ્રકમાં બેઠા.

નરમદીએ અનુભવ્યું કે આ ટ્રક ઉદાની નહતી.

“ભાય!, તારું ડમ્ફરિયું ક્યાં સે? આ તો તારા શેઠિયાનું લાગે સે”

સવાલ પૂછતાં જ નરમદી વર્તી ગઈ અને એનાથી આગળ માત્ર આંસુ સિવાય કશું બોલાયું નહિ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED