ખીલને હટાવો ખીલખીલાટ હસો
મિતલ ઠક્કર
આજકાલ ખીલ-ફોડલી થવી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, કાળાશ જામી જવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ટીનએજર્સમાં ખાસ જોવા મળે છે. યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હોર્મોન્સના બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે. આ તૈલીયગ્રંથી પર બેકટેરિયા આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે. હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે. અને ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે. ખીલ માટે ચહેરાની નિયમિત સફાઇ કરો. ખીલને સ્પર્શ ન કરશો તેમજ તેને ફોડતા નહીં. ખીલ ફોડવાથી ડાઘા રહી જતા હોય છે. રોજિંદા આહારમાંથી તીખા, તળેલા, મસાલાનું પ્રમાણ નહીંવત કરી નાખશો. ફળ તેમજ લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દેશો. રાતના સૂતી વખતે ત્રિફલા ચૂરણ ફાકવાનું રાખો. કોઇ પણ ક્રીમ વાપરશો નહીં. મહત્વનું છે કે કબજિયાત થાય નહીં તેનું વિશેષ ધ્યાન રાખવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, આવી સમસ્યાથી પિડાતા લોકો ડર્મિટોલોજિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લઈ તથા મોંઘીદાટ ક્રિમ લગાવી લગાવીને થાકી ગયા હોય તો પ્રાકૃતિક ઉપાયોથી ખીલ અને તેના ડાઘથી છુટકારો મેળવી શકે છે. આ માટે નિષ્ણાતોએ સૂચવેલા ઉપાયો ઘણા છે. ધીરજ રાખવાથી તમને અનુકૂળ એવો કોઇને કોઇ ઉપાય જરૂર કામ કરી જશે. નિષ્ણાતના માર્ગદર્શનમાં આ ઉપાયો વધુ સારું પરિણામ આપી શકે છે. તમે ખૂબ જ ઝડપથી ખીલ હટાવી એકદમ સાફ, બેદાગ ચમકીલો ચહેરો પામી શકશો. અને તમે તણાવ વગર આત્મવિશ્વાસ સાથે ખીલખીલાટ હસી શકશો.
* મધ ખીલને દૂર કરવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. મધ પ્રાકૃતિક એંટીસેપ્ટિકના રૂપમાં કામ કરે છે. સાફ અને ચમકદાર ત્વચા માટે કોઈ પણ અન્ય પ્રાકૃતિક ઉત્પાદનની તુલનામાં મધ વધારે ગુણકારી છે. મધ ત્વચા પર બેકટેરિયા ઈન્ફેકશનનો પ્રભાવ ઓછો કરે છે અને ખીલને અટકાવે છે.
* આદુમાં રહેલા ઍન્ટિગુણો ખીલ સાથે લડવા માટે શ્રેષ્ઠ છે. આદુને ઍન્ટિસેપ્ટિક પણ માનવામાં આવ્યું છે. ખીલને લીધે તેમ જ સ્કિન પર બીજાં કિરણોથી થતાં બૅક્ટેરિયા સાથે પણ આદું લડે છે. જો પહેલેથી આદુ લગાવવામાં આવે તો ખીલમાં પરિવર્તનારા બૅક્ટેરિયાનો જ નાશ થઈ શકે છે. ખીલના ઉપચાર માટે આદુનો રસ કાઢી એને ચહેરા પર અથવા ફક્ત ખીલ હોય એ જ ભાગમાં લગાવો. નિયમિતપણે કરેલો આ ઉપચાર ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરશે.
* ખીલ દૂર કરવા માટે એલોવેરા એકદમ બેસ્ટ છે. ખીલના ભાગ પર એલોવેરા જેલથી મસાજ કરવાથી તે પિંપલ્સ હળવા રંગનું થઈ જાય છે અને તમારો ચહેરો ચમકવા લાગે છે.
* લસણ તેમાં રહેલી ઍન્ટિ ઇનફ્લેમેટોરી પ્રૉપર્ટીઓને લીધે ખીલના ઉપચાર માટે જાણીતું છે. લસણ એવા બૅક્ટેરિયાને મારે છે, જે ખીલ થવા માટે જવાબદાર છે. લસણમાં ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિસેપ્ટિક તત્વો પણ ઘણાં છે. ઘણી વાર ખીલ માટે ડૉક્ટર સલ્ફર હોય એવું ક્રીમ પ્રિસક્રાઇબ કરે છે. લસણમાં પણ સલ્ફર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. લસણથી ચહેરા પરના ડાઘ પણ દૂર થાય છે, કારણ કે એ બ્લડને પ્યૉરિફાય કરે છે. લસણમાં રહેલું સલ્ફર એક નૅચરલ ઍન્ટિબાયોટિક છે, જે ખીલના બૅક્ટેરિયા સામે લડે છે.
* ખીલ, ખીલના ડાઘા, બ્લૅકહેડ્સ અને રૅશિઝ થતા હોય ત્યારે અથવા તો ખંજવાળ, ખરજવું જેવા ત્વચાના ઇન્ફેક્શનમાં અજમાની પેસ્ટને દહીંમાં મેળવીને લગાવવાથી ત્વચા ચોખ્ખી થાય છે.
* તમારા આખા ચહેરા પર ફુદીનાનો રસ લગાવો. ચંદન પાઉડરને ફુદીનાના રસમાં મિક્સ કરી ખીલ પર લગાવી શકો છો. સુકાઈ ગયા પછી ત્વચા પાણીથી સાફ કરી લો. આ ઉપાય બેકટીરિયલ ઈન્ફેકશનને દૂર કરે છે.
* એક ચપટી બેકિંગ સોડા પાણીમાં પેસ્ટની જેમ સારી રીતે મિકસ કરી ખીલ પર લગાવો. આખી રાત આ લેપ રાખો અને સવારે ઉઠીને પાણીથી ચહેરો સાફ કરી લો. મુલાયમ સૂતરાઉ કાપડથી ચહેરો લુછી નાંખો. બેકિંગ સોડા ખીલને દૂર કરે છે. રાત્રે તેની અસર વધારે થાય છે.
* એક ચમચી હળદરના પાઉડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ દૂર થશે.
* બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. કોટન(રૂ)ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા જલદી દૂર થાય છે.
* જ્યારે પણ ખીલની સમસ્યા થાય ત્યારે ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.
* બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી થોડા દિવસોમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.
* તજને પીસીને પાવડર બનાવી લેવો, આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં ચહેરા પર લગાવવું. આ ક્રિયા દિવસમાં બે વાર કરવાથી ખીલ દૂર થાય છે.
* સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું. અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.
* એપલ વિનેગરને સ્કિન માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે. એપલ વિનેગરમાં કોટન(રૂ)ને ડૂબાડીને ચહેરા પર લગાવવું. ચહેરા પર એ સૂકાય જાય ત્યાર બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી ખીલ જરૂર દૂર થશે.
* પપૈયામાં મોટી માત્રામાં એન્ટીસેપ્ટિક જોવા મળે છે. તે ખીલનો ખુબ જ જલ્દી નાશ કરવાની ક્ષમતા રાખે છે. એક પપૈયાને છીણીને તેને મિક્સરમાં પીસી લેવું અથવા તેનુ જ્યૂસ પણ કાઢી ચહેરા પર લગાવવું. પંદરથી વીસ મિનિટ ચહેરા પર લગાવીને ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો.
* કાકડીની છાલ કાઢીને તેના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવી. આ પેસ્ટને ચહેરા પર દિવસમાં બે વાર લગાવવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે. કાકડીમાં થોડું લીંબુ અને મધ મિક્ષ કરી લગાવવાથી સ્કિનમાં ગ્લો આવે છે.
* ટામેટાને પીસીને તેનું જ્યૂસ કાઢી લેવું, આ જ્યૂસને ગાળીને તેને ચહેરા પર લગાવવું અને સૂકાઈ ગયા બાદ ચહેરો પાણીથી સાફ કરી લેવો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી ખીલ પર તેની અસર ચોક્કસ દેખાશે.
* લીમડાના પાનને સ્વચ્છ પાણીમાં ધોઈને તેની પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટને ચહેરા પર લગાવી અડધા કલાક બાદ ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી ખીલ-ફોડલીઓ નાશ પામશે.
* ઓટને મિક્સરમાં દળીને તેમાં મધ મેળવી લો. ત્યારબાદ આ મિશ્રણને 5 મિનિટ સુધી હલાવો. આ પેક દિવસમાં બે વાર લગાવવાથી તમારા ચહેરા પરના બધા ખીલ થોડા જ દિવસમાં દૂર થઇ જશે.
* પીઠ, તથા ખભા પર ઝીણી ફોડલી જેવા ખીલ થાય છે તેનાથી રાહત મેળવવા અઠવાડિયે એક વખત વાળમાં તેલ અવશ્ય નાખો. ૩ ચમચા મધ તથા પાંચ ચમચા મેયાનિયુ ભેળવી વાળમાં નાખવું. બ્લીચની બદલે તમે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું સનસક્રીન લોશનનો ઉપયોગ કરો. ચંદનની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચાનો રંગ ઝાંખો તથા નિસ્તેજ નહીં થાય. ખીલ જેવી ઝીણી ઝીણી ફોડલીઓથી છુટકારો પામવા ચંદનની પેસ્ટ લગાડી સુકાઈ જાય બાદ ધોઈ નાખવું. આ ઉપરાંત આંતરિક વસ્ત્રો સુતરાઉ પહેરવા.
* લીમડાના પાંદડાને પીસીને મુલતાની માટીમા મિક્ષ કરી લગાવવાથી ખીલની સમસ્યાથી છૂટકારો મળે છે.
* ચંદનની પેસ્ટમાં કપૂર પાવડર ભેળવી ચહેરા પર લગાડવાથી ઠંડક થશે તેમજ ફાયદો પણ થશે. આ પેસ્ટ ચહેરા પરના ખીલને સુકા કરી નાખશે તેમજ ત્વચાને ચમકીલી બનાવશે.
* એક ચમચો ચણાના લોટમાં અડધી ચમચી લીમડાનાં સૂકાં પાનનો પાઉડર, ચપટી હળદર અને બે ચમચા દૂધ ભેળવી તેને ચહેરા પર લગાવો. અર્ધા કલાક પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો. આ સિવાય ૧/૨ ચમચી સુખડનો પાઉડર, એક ચમચી મુલતાની માટી અને બે ચમચી ગુલાબ જળ મેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી અર્ધા કલાક પછી ધોઈ નાખો. નિયમિત પ્રયોગ કરવાથી લાભ થશે.
* ગરમ દૂધ પર જામેલી મલાઇ એક ચમચો લઇ તેમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી ખીલ દૂર થાય છે.
* દહીં અને હળદર ભેગા કરી ચહેરા પર લગાવો, અર્ધા કલાક પછી ધોઈ નાખો. ફુદીનાની પેસ્ટ પણ ખીલ ઉપર ફાયદો કરે છે.
* ત્રીસ ગ્રામ જેટલો અજમો લઇ તેમાં અંદાજે પચીસ ગ્રામ જેટલાં દહીં સાથે વાટી પેસ્ટ બનાવી ચહેરા પરના ખીલ પર રાતના લગાડી સવારે ચહેરો ધોઇ નાખવાથી ખીલ દૂર થાય છે.
* મુલતાની માટી રાતના પાણીમાં ભીંજવી રાખવી. સવારે તેમાં લીંબુનો અને ટમેટાંનો રસ ભેળવી ઘટ્ટ લેપ જેવું બનાવી ચહેરા પર લગાડી સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી બને છે. તેમજ ચહેરા પરના ખીલ તથા ફોડલીઓથી છૂટકારો મળે છે.
* જાયફળને કાચા દૂધમાં ઘસી ચહેરા પર લગાડવાથી કાળા ધાબા તથા ખીલ દૂર થઇને કાંતિ લાવે છે.
* ડાઘા, ખીલ અને બ્લેક હેડ્સ પર લીંબુનો રસ લગાવો. જો બહુ ઉગ્ર લાગે તો તેને પાણીમાં મેળવીને લગાવો. અડધો કલાક રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. લીંબુમાંનો સાઈટ્રિક-એસિડ ખીલ અને ડાઘાને દૂર કરીને ત્વચાને તાજગીભરી અને તેજસ્વી બનાવે છે.
* થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા ગાયબ થઈ જશે.
* રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવી. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો. આમ અઠવાડિયામાં તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે.
* હળદર, મીંઢળ, કાંટાળુ માયુ, ત્રિફળા, મજીઠ અને ચંદન આ દરેક ઔષધો સરખા વજને લઈને તેને ખાંડીને ચૂર્ણ બનાવી લેવું. રોજ રાત્રે એક ચમચી આ ચૂર્ણમાં જરૂર પ્રમાણે ગરમ પાણી ઉમેરી તેનો લેપ બનાવી ખીલવાળી ત્વચા પર લગાડો. અડધી કલાક પછી લીંબુ કે ત્રિફળાના ગરમ પાણીથી આ લેપ સાફ કરી લેવો. જેથી નવા ખીલ નીકળશે નહીં અને ખીલના જૂના ડાઘાઓ મટશે.
***