ઉપર કશું છે Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉપર કશું છે

ઉપર કશું છે?

નવલિકા

રઈશ મનીઆર

અત્યારે હું જમ્મુથી પહેલગામ તરફ બસમાં જઈ રહ્યો છું. હું એટલે અર્ચન. મારું નામ અર્ચન મને ગમતું નથી. નામ ઓળખ માટે છે. પણ નામમાં ય ભક્તિભાવ? આજે 2002ની સાલમાં આવું નામ થોડું જૂનવાણી ન લાગે?

આમ થકવનારી મુસાફરી કરીને પહેલગામ જવું ય મને ગમતું નથી. ના, અમે કોઈ પેકેજ ટુર નથી કરી રહ્યા. અને અમરનાથની યાત્રાએ પણ નથી જઈ રહ્યા. અમે એટલે... હું અને મારી મમ્મી ચંદ્રિકાબેન. મમ્મીની હેલ્થ એવી કે અમરનાથની યાત્રા તો એ કરી જ ન શકે. અને ચારધામ યાત્રા વખતે ય કંચનમાસી સાથે ગયેલી અને માંદી પડેલી એટલે હવે એ જાત્રાનો પ્લાન કરે તો મારો કચવાટ તો હોય જ.

એની કાળજી રાખવા હું કંઈ જાતરાએ ન જાઉં! એવો સેવાપરાયણ હું નથી. આમ તો દસેક વરસથી ‘હું લગ્ન કરી લઉં, તો કદાચ સેવાભાવી વહુ આવે!’ એવી આશાથી મમ્મીએ આબુ-અંબાજીની માનતાઓ રાખી હતી. એ માનતા ફળે તો મારે પણ ચાલતા અંબાજી જવાનું થાય. ફરજિયાત. પણ મને ચાલીને કે દોડીને મંદિરે જવાનો એવો કોઈ શોખ હતો નહીં. અને માનતા ફળી નહીં એટલે એવી જરૂર પડીય નહીં.

મમ્મીને સાધુ અચલદાસે કહ્યું હતું કે 2004 સુધી લગ્નના ગ્રહો છે, એટલે હજુ બે વરસ સુધી મમ્મી રાહ જોવાની. આ 2002ની 30 જૂને મને 33 થયા. હું મજાકમાં કહેતો કે હજુ બીજા બે વરસ સુધી પતિ ન બનું, 35 વર્ષે તો હું રાષ્ટ્રપતિ બનવા માટે લાયક થઈ જઈશ, પછી પત્નીની શું જરૂર? જો કે ધર્મને નામે ઝઘડતા રાષ્ટ્રનો પતિ બનવામાં ય મને રસ નથી.

હું સુરતની ફોરેન્સિક લેબોરેટરીમાં ચીફ લેબ ટેક્નિશ્યન છું. મારી નોકરીનું સુખ એ છે કે મને સારી એવી રજાઓ સાથે સારો એવો પગાર મળે છે. શ્રદ્ધા કે પુણ્ય, સ્વર્ગ કે નરક કશામાં મને વિશ્વાસ નથી. ગુનાઓના પુરાવાઓના અહેવાલ પર મારી સહી અને મહોરને કોર્ટ માન્ય રાખે છે, એ મારા જીવનનો મુખ્ય આનંદ છે. બીજો આનંદ મને ભારતના ન હોય, એવા રેશનાલિસ્ટોના પુસ્તકો વાંચવામાં આવે છે, અત્યારે મારા હાથમાં બર્નાડ રસેલનું પુસ્તક “અનપોપ્યુલર એસેઝ” છે. પહાડી ચઢાણો પર મને વોમિટ થાય છે. વાંચવાથી વધુ વોમિટ થાય છે. આ મારી વારસાગત તકલીફ છે. એટલે કે, વોમિટ થાય છે એ વારસાગત તકલીફ છે. બાકી વાંચવાની તકલીફ કે ટેવ, જે ગણો તે, મેં જાતે કેળવી છે. મેં અત્યારે જ ડ્રામામીનની બીજી ગોળી લીધી અને મમ્મી પીપરવટી ચૂસી રહી છે. આ પ્રવાસે હું નહોતો આવવાનો, પણ મહિના પહેલા થયું એમ કે..

***

આરતી ટાણે મંદિરની બહાર દાદા-દાદી સાથે આવેલા બાળકો રમતા હતા. એમને મન મંદિરનું ચોગાન એટલે એવી ખુલ્લી જગ્યા જે અમારા સુરતના હરિનગર જેવા વિસ્તારમાં બીજે ભાગ્યે જ જોવા મળતી. મંદિરોનો એટલો ફાયદો તો ખરો.

દોડતી વખતે કોઈ સાડા પાંચ ફૂટવાળું અડફેટે ન એનું ધ્યાન રાખીને પોણાત્રણ ફૂટવાળા બાળકો મંદિરના એક થાંભલાથી બીજા થાંભલા સુધી દોડાદોડી કરવાની મજા લઈ રહ્યા હતા. મને બાળકોની રમતમાં રસ પડવા માંડે ત્યારે મારે યાદ કરવું પડે છે કે બાળકો મને બિલકુલ ગમતાં નથી. અને મારે લગ્ન કરવા નથી.

માતાઓ કે પિતાઓને લઈને આવેલા પુરુષો મંદિરની બહાર જ ઊભા હતા. મંદિરમાં પાનમાવો ન ખવાય તેથી બહાર ટોળે વળી માવાની પડીકીમાંથી જીવનરસ ચૂસી રહ્યા હતા. હું એમનાથી થોડે દૂર કાર પાર્ક કરી ઊભો રહ્યો હતો. હું મમ્મીને ક્યારેક મંદિર લઈ આવું. ભગવાન સાથે મને વાંધો ખરો પણ મંદિરની આજુબાજુનું વાતાવરણ સારું. એટલે મમ્મી થોડો કંકાસ કરે તો હું એને કદીક રાઈડ આપું. ત્યાં હું ભગવાનને નહીં, પણ ભક્તોને જોઉં.

આજે પૂનમ છે. ભાવિક ભક્તાણીઓ ઉલ્લાસથી ઉછળીઉછળીને આરતી કરી રહી હતી. આમ તો પૂનમનો ચંદ્ર લોકોને ગાંડા કરે એમ કહેવાય છે. જો કે એ વાતને વિજ્ઞાનનું સમર્થન નથી એટલે હું ન માનું. તમાશાને તેડું ન હોય, એટલે આ ભક્તાણીઓને જોવા મંદિરની પરસાળ સુધી પહોંચ્યો. તમામ ઉછળતી ભકતાણી વચ્ચે મમ્મી ઉદાસ હતી. એની આંખેથી ધારા વહી રહી હતી. પૂર્ણિમાના આ ઉત્સવની વચ્ચે માત્ર એને જ યાદ હતું કે આજે સાધુ અચલદાસનું બારમુ હતું. આજે મંદિરમાં સહુ માટે સમૂહભોજન પણ છે. પણ મમ્મી જમવાની નથી. એ તો આસપાસના કોલાહલને વિસરીને આંખ મીંચીને સાધુ અચલદાસને યાદ કરી રહી હતી.

એ સાધુનો તેજવાળો કહી શકાય એવો ચહેરો મારી નજર સમક્ષ તરવર્યો. સાધુ અચલદાસ ત્રીસ વરસ હિમાલયમાં રહ્યા હતા. બાર વરસથી અહીં હતા. એમનો કોઈ મોટો શિષ્યગણ નહોતો. પણ સવાર, બપોર, સાંજ કયા શ્લોકનો પાઠ કરવો એ વિષે મમ્મીને કોઈ શંકા હોય તો એનું સમાધાન કરવા એ સાધુ અચલદાસને પૂછતી. જે ફરિયાદો ડોક્ટરને કરવાની હોય એ પણ સાધુ અચલદાસને કરતી, “આટલા પાઠ કરું છું પણ જીવને શાતા નથી. પેટને ભાગે જલન રહે છે. આંખમાં બળતરા જેવું લાગે છે. પગના તળિયે દાહ જેવું લાગે છે. ચામડી તડતડતી હોય એમ લાગે છે.”

આવું મને કહે તો હું ડાયાબીટીસ ચેક કરાવવા લઈ જાઉં! અને ત્યાં જઈ ડોક્ટરની કેબિનમાં જ ટોણો મારું, “કંચનમાસી સાથે હજુ જલેબી ખાઓ! ઘરમાં પરેજીનું રંધાવો અને મંદિરેથી વળતાં રસ્તે મિષ્ટાન્ન!” પણ

સાધુ અચલદાસ આવું ન કહે. એ તો એમ જ કહે, “સંસાર બાળે, રાગ અને દ્વેષ બાળે! વિરક્તિ ઠારે!”

મમ્મીને લાગતું કે સાધુ અચલદાસની હિમાલયની સાધનાને કારણે એમના જીવનનો સઘળો તાપ તેજોવલય બનીને એમના મસ્તકની આસપાસ મુગટની જેમ ગોઠવાઈ ગયો હતો. મમ્મી મને બતાવતી, “જો એમનું તેજ જો! મોહ અને માયાથી મુક્તિ! મોક્ષની એક ઝલક! જગન્નાથ સાથેની નજદીકી!” હું ઝટ વિજ્ઞાનના ચશ્મા (મારી પાસે રેબેનના ગોગલ્સ છે) ચડાવી દઉં, એટલે એ તેજોવલય દેખાવાનું હોય તો ય ન દેખાય!

પણ ગોગલ્સ ચડાવ્યા પછી ય વાતો તો સંભળાય. આખી જિંદગી પોતાના એકના એક બાળક માટે ચૂલો ફૂંકનાર મારી વિધવા બા સાધુ અચલદાસને બાળક જેવા કુતૂહલથી પૂછતી, “સ્વામીજી, તમે સાધના ક્યાં કરેલી?” જાણે સ્વામીએ એના કરતાં મોટી સાધના કરી હોય.

સાધુ કહેતા, “બાર વરસથી એ હિમશિખરોની ઊંચાઈ છોડીને હું તમારી વચ્ચે આવ્યો છું. કાશ્મીરમાં અમરનાથ જવાનો રસ્તો છે ત્યાં પહેલગામથી પશ્ચિમ દિશામાં તારસર લેકના કિનારે અમારું સાધના સ્થળ છે, કાર્તિકેય આશ્રમ! શિયાળામાં તો છ છ ફૂટ બરફ હોય ત્યાં પણ હજુ મારા ગુરુ પ્રભુપ્રિયસ્વામી પ્રત્યેક ઊનાળામાં આશ્રમ ખોલે છે.”

મમ્મી બોલી ઊઠતી, “મારે એ પહાડો પર જવું છે! તમે જો જતા હો તો મારે પણ ત્યાં જવું છે, જ્યાં તમે સાધના કરી છે!”

સાધુ બોલ્યા, “હવે ત્યાં નહીં. હવે તો આ દેહના અસ્થિ જ ત્યાં કાર્તિકેય આશ્રમ જાય તો ઘણું!” પછી એમણે તરત ઉમેર્યું, “જો કે.. એ ય એક મોહ જ છે ને!”

એ સાધુ અચલદાસ બાર દિવસ પહેલા ગુજરી ગયા હતા. અને મંદિરમાં પૂનમ ઉજવાઈ રહી હતી. મેં જોયું કે વાદળા વરસી ગયા પછી આકાશ સ્વચ્છ થાય એમ રડીને મમ્મી સ્વસ્થ થઈ. હું નીકળ્યો. એની રાહ જોતો બહાર કાર પાસે ઊભો રહ્યો. પણ એને આવતાં વાર થઈ. મમ્મી આવી ત્યારે એના હાથમાં કળશ હતો. અસ્થિકળશ. મંદિરના ટ્રસ્ટીઓ સાથે માથાઝીંક કરીને એ હાથે કરીને આ જવાબદારી વહોરી લાવી. મને થયું, નર્મદામાં વિસર્જન કરવા જવું પડશે. 70 કિલોમીટરની ધાર્મિક યાત્રા. એક ધર્મિષ્ઠ માતાના પુત્ર હોવાની સજા. પણ મારું બેટું આ યાત્રા તો 2000 કિલોમીટરની નીકળી. સાધુ અચલદાસથી અજાણતાં બોલાયેલી ઈચ્છા મમ્મીએ બહુ ગંભીરતાથી લઈ લીધી.

***

પહેલગામ 12 કિલોમીટર. પાટિયું વંચાયું. લિડ્ડર નદી નીચે ઉતરી રહી હતી. અને રસ્તો ઉપર ચડી રહ્યો હતો. મમ્મીના હાથમાં અસ્થિનો કળશ હતો. વિજ્ઞાનની દૃષ્ટિએ અસ્થિ એટલે બોન એશ. કેલ્શ્યમ, ફોસ્ફરસ અને કાર્બન. એ ગંગામાં વહે કે તાપીમાં કે જમીનમાં ઓગળે, શું ફરક પડે? નહેરુ જેવા સેમી-રેશનાલિસ્ટે પોતાનાં અસ્થિની રાખ વિમાન દ્વારા દેશમાં વિખેરાવી હતી એ ય મને તો નહોતુ ગમ્યું. જો કે સાધુ અચલદાસની અંતિમ ઈચ્છા તો એવી નહોતી, પણ મમ્મીએ વહોરી લીધેલી જવાબદારી હતી. એટલે એ સાધુ પર નહીં, પણ મમ્મી પર મને ગુસ્સો આવતો હતો. કોઈને પણ પોતાની મમ્મી પર ગુસ્સો આવે તો એ વ્યક્ત થઈ જ જાય. એ કંઈ છુપાવવો ન પડે.

વિચારોમાં ને વિચારોમાં પહેલગામ આવી ગયું. હવે અહીંથી કોઈ તારસર નામના લેકના કિનારે કોઈ નાનકડા મંદિર પર અમારે પહોંચવાનું હતું. ઉતર્યા તેવા જ વીસેક ઘોડાવાળા અમને ઘેરી વળ્યા. “બેતાબ વેલી, ચંદનવાડી, બાઈસરન, આરુવેલી!” એવી બૂમો પડવા માંડી. કોનો વારો હતો એના નિયમો બાબતે કોઈ વિવાદ થવાથી ઘોડાવાળા ઝઘડી પડ્યા. એના પરથી ખબર પડી કે એમના નામ ફિરોઝ, પરવેઝ અને શફી હતા. એપ્રિલ મહિનાની વીસમી તારીખ હતી. વેકેશન જામવાની વાર હતી અને અમરનાથ યાત્રા તો જૂન જુલાઈ પછી ચાલુ થાય, એટલે પહેલગામમાં બહુ ભીડ નહોતી. રોજીરોટી માટે આતુર ઘોડાવાળાઓને ગુસ્સે થઈ સમજાવવું પડ્યું કે ફરવા નથી આવ્યા અમે. કાર્તિકેય આશ્રમ જવાનું હતું. ત્યાં જઈ પૂજા કરતાં પહેલા પેટપૂજા જરૂરી હતી. આજે આરામ કરી કાલે વાહન મળે તો એ ભાડે કરીને કાર્તિકેય આશ્રમ જવું હતું. ઘોડાવાળાઓએ ય કાર્તિકેય આશ્રમનું નામ સાંભળ્યું નહોતું અને હું લાયબ્રેરીમાંથી જે પ્રવાસપુસ્તકો લઈને આવ્યો હતો, એ પુસ્તકોમાં તારસર લેક વિશે ય ખાસ કશી માહિતી નહોતી.

હોટેલમાં ચેક-ઈન કરતાં તપાસ કરી તો ખબર પડી કે 14 કિલોમીટરનો ટ્રેક કરીને બાર હજાર ફૂટની ઊંચાઈએ કાર્તિકેય આશ્રમ પહોંચાશે. મમ્મીની ચાલવાની હાલત નહોતી અને મારી ચાલવાની દાનત નહોતી. મેં ચોખ્ખી ના પાડી દીધી. મમ્મીનું મોં પડી ગયું. કોઈ પણ મમ્મીનું મોં પડે કે ચડે, દીકરાની આગળ આ ખેલ એ પાંચ-સાત મિનિટમાં સમેટી જ લે.

હોટેલના રિસેપ્શનથી અમારા કોટેજીસ તરફ ગયા. કોટેજ ઢોળાવ પર હતી અને એના પર ચડવા માટે 12 પગથિયા હતા. તેનસિંગે કદીક એવરેસ્ટ સામે જોયું હશે એ રીતે મમ્મીએ કોટેજ સામે જોયું. અને પછી 12 પગથિયા ચડી. વચ્ચે બે વિરામ લીધા.

હવે? તારસર લેક ન જવાય તો અહીં કરવાનું શું? સાટું વાળવા માટે મેં મમ્મીને કહ્યું, “નજીકમાં બીજા બે મંદિર છે, ગોરીશંકર મંદિર અને મમલ મંદિર. ત્યાં લઈ જાઉં?” મમ્મી કહે, “પણ અસ્થિ તો કાર્તિકેય આશ્રમ પર.. તારસર લેકમાં જ..” હું અકળાયો, “બધે અલગ અલગ ભગવાન છે?” મમ્મી ચૂપ થઈ.

પોતાની ધર્મની વ્યાખ્યા મુજબ મમ્મી તેત્રીસ કરોડ દેવતા ઉપરાંત સાધુસંતો અને એ દેવતાઓને નામે ભીખ માંગતા ભિખારીઓ સહિત સહુનું ધ્યાન રાખતી. અને મારે મન યુવાનીના ઉંબરે એક જ દ્વિધા હતી. આ સૃષ્ટિમાં ભગવાન એક છે કે શૂન્ય છે? અંતે હું વિકલ્પ ‘બી’ પર સ્થિત થયો હતો. મારા જીવનમાં ઈશ્વર નહીં. અને મિત્રો ય નહીં. મારા વિચારો જ મારા જીવનના સંગાથી. અને સાથે આ એક મા. એ સવારસાંજ ચૂલો સળગાવે એ મારી જરૂરિયાત, પણ એ દીવો કરે તો મારું મન હોલવાઈ જાય.

નાસ્તો પતાવી એકમેકને રાજી રાખવાના અડધાપડધા પ્રયાસરૂપે અમે ગોરીશંકર મંદિર અને મમલ મંદિર ગયા. મમ્મી મંદિરમાં ગઈ. હું મંદિરની પાછળ પથ્થરો વચ્ચે બનેલી પગદંડી પર થઈ નદીમાં ગયો. પગ બોળી બેઠો. મમ્મી પૂજા-અર્ચન પતાવી ત્યાં આવી.

મેં કહ્યું, “જો આ ય નદી જ છે ને! એ જ લિડ્ડર નદી, જે તારસર લેકથી નીકળે છે!”

મમ્મીએ પાણીનું આચમન કરી માથે લગાડ્યું.

મેં કહ્યું, “એમ કરીએ, આમાં જ અસ્થિ પધરાવી દઈએ.” મારા આઈડિયા પર હું જ ખુશ થઈ ગયો.

મમ્મી કંઈ બોલી નહીં. હું અકળાઈને બોલ્યો, “તમને લોકોને ભૂગોળની કોઈ સમજ જ નથી. તારસરના આશ્રમ પાસેથી નીકળીને અહીં આવેલી આ લિડ્ડર નદીનું પાણી આખરે તો ઝેલમ ચિનાબ અને સિંધુમાં મળીને અરબી સમુદ્રમાં જ જવાનું! ત્યાં સુરતના ડુમસના દરિયાકિનારે જ પધરાવજે અસ્થિ!”

મારી વાત એ માનવાની નહોતી. એ મને પણ ખબર હતી. એની પાસે એ સિવાયના બે વિકલ્પ હતા. આ વાત પર રડી લેવું અથવા વાતને હસી કાઢવી. એણે વિકલ્પ ‘બી’ પસંદ કર્યો.

પહેલગામની માર્કેટમાં અમે જમવા ઉતર્યા. ત્યાં પેલા જ ઘોડાવાળાએ ફરી અમને પકડ્યા. પહેલગામમાં અમુક જગ્યાએ ટેક્સીથી અને અમુક જગ્યાએ ઘોડાથી ફરાય. એટલો વિકલ્પ મળે, પણ એમના વારા હોય. સહુ એંટ્રી ગેટ પર જ બેઠા હોય અને ટુરિસ્ટ આવે એટલે વારા પ્રમાણે એનો ઘોડાવાળો નક્કી થઈ જાય, તમને ‘એલોટ’ થઈ જાય. અમે આવ્યા ત્યારે વિવાદના અંતે નક્કી થયું કે પરવેઝ નામના ઘોડાવાળાનો નંબર હતો એટલે એ અમારી પાછળ પાછળ ફરી રહ્યો હતો.

એણે પણ તપાસ કરી લીધી હતી, “અંકલ! આપ જો બતા રહે થે, વો આશ્રમ તારસર લેક સે પાસ હૈ! યહાં સે ચૌદહ કિલોમીટર હૈ!” હું પહેલા શબ્દ પર જ ચોંટી ગયો. અંકલ? મને બહુ યુવાન હોવાનો વહેમ નથી. 33ની ઉમરે વાળ જરાતરા સફેદ છે તો છે. પણ કોઈ ઘોડાવાળો અંકલ કહી જાય, એ કેમ ચાલે? મેં એની તરફ નજર કરી, વીસ-એકવીસ વરસનો હતો. મેં કહ્યું, “તુમ્હારા અંકલ 33 સાલ કા હૈ? ઔર તુમ્હારે પિતાજી પેંતીસ કે હૈ?” એ બોલ્યો, “પૈંતીસ કે હી થે જબ ગુજર ગયે!”

હું અહીં સુધી એની દુ:ખકથા સાંભળવા આવ્યો નહોતો. પણ મમ્મી પીગળી જાય આવી વાતોથી. પણ આ પરધર્મી હતો, એટલે મમ્મી કદાચ જલદી પીગળે નહીં. હું ચૂપચાપ ચાલતો રહ્યો.

“સોરી બડે ભૈયા! ગલતી હો ગઈ! આપ તો માશાઅલ્લાહ પચીસ કે દિખતે હો!”

હું એની વાતમાં ન આવતાં આગળ વધ્યો. ટુરિસ્ટ પ્લેસ પર ચીટરો સાથે કેમ પનારો પાડવો એ હું જાણતો હતો.

“હમ ઘોડે પે લે જાયેંગે આપકો તારસર!”

જીવનમાં હું કદી ઘોડે ચડ્યો નહોતો અને કદાચ, વિચાર બદલાય અને લગ્ન થાય તો ય ઘોડે ચડીને જાન લઈ જવાનો નહોતો. અને વેદીનો ધુમાડો તો હું સહન કરી જ ન શકું એટલે લગ્ન તો કોર્ટમાં જ કરું!

“હમ ન ઘોડે પર બૈઠે હૈ, ન બેઠેંગે! તુમ જાઓ”

“એકબાર ઘોડે પર બેઠ કે તો દેખો, મઝા આયેગા!”

“કિસ કો? મુઝે યા દેખનેવાલોં કો?” હું કંઈ મેનકા ગાંધીનો ફેન નથી પણ ઘોડે ચડેલા માણસો મને હાસ્યાસ્પદ લાગે છે.

“આ ઉંમરે ઘોડે ન ચડાય!” મેં એને કહ્યું.

“અરે સિર્ફ આપકો નહીં, માતાજી કો ભી ઘોડે પર લે જાઉંગા સંભાલ કે!”

કમર અને ઘૂંટણના દરદથી જેની ચાલ ઐરાવત જેવી થઈ ગઈ હતી, એવી મારી મમ્મીને મેં કહ્યું, “માતાજી આ તને ઘોડે ચડાવવા કહે છે! જવું છે એકલા એને સાથે?”

માતાજી કંઈ બોલે એ પહેલા માતાજીનો ભક્ત બોલ્યો, “માતાજી, આપકો તકલીફ નહીં હોને દૂંગા!”

“પર હમ આપકો તકલીફ નહીં દેના ચાહતે! જાઓ અબ!” જમવા માટે એક રેસ્ટોરંટમાં ઘૂસતાં મેં કહ્યું.

“અચ્છા મેં કલ સુબહ પાંચ બજે આ જાઉંગા! અગર આપકો નહીં જાના તો કોઈ બાત નહીં, મેં વાપિસ ચલા જાઉંગા!” છેલ્લે દયામણું મોં કરી બોલ્યો, “ઓફ સીઝનમેં સાત દિન મેં એકબાર નંબર આતા હૈ!”

મમ્મીએ રેસ્ટોરંટવાળાને પણ પૂછીને ખાતરી કરી અને મન મનાવ્યું કે વાહનથી તારસર નહીં જ જઈ શકાય!

બહાર નીકળ્યા ત્યારે એના ઘોડા સાથે પરવેઝ ઊભો જ હતો. હું એની અવગણના કરી પગથિયા ઉતરીને ઝડપથી ચાલવા માંડ્યો. પાછળ જોયું તો ઘોડાવાળો મમ્મીને પગથિયા ઉતરવામાં મદદ કરી રહ્યો હતો.

“અબ જાઓ તુમ!” કહીને હું મમ્મીને ખેંચી લાવ્યો. રૂમ સુધી પાંચેક મિનિટ વોક હતો. અને ટેક્સીવાળા છૂટક દોઢસોથી ઓછું ભાડું લેતા ન હતા. અમે ચાલવાનું શરૂ કર્યું.

એ પાછળ પાછળ આવ્યો. મેં નજર ન નાખવાનો દેખાવ કરી એને જોઈ લીધો. કુદરતી રીતે જ ગુંડા તત્વો સામે લડવાનું પુરુષસહજ બાહુબળ તો મારામાં નથી, તેથી પ્રવાસ દરમ્યાન હું શંકાશીલ સ્ત્રીઓ જેવી સાવધાની રાખું છું. મારી પાસે મરચાંનો પાઉડર અને નાનું ચાકુ કાયમ હોય જ.

“પીછે પીછે મત આઓ!’ એમ કહું તો એ થોડીવાર અટકીને ફરી આવતો. હું ઝડપથી ચાલી રહ્યો હતો, એટલે મમ્મી પાછળ પડી જતી. મમ્મીના હાથમાંથી કળશ એણે લઈ લીધો અને ટેકા માટે પોતાની લાકડી આપી. આ મદદના બદલામાં હવે આ આફત કોટેજ સુધી સાથે આવવાની હતી.

નસીબસંજોગે ત્રણ મિનિટ બોલ્યા વગર પસાર થઈ.

કોટેજના પગથિયા ચડીને પરવેઝને લાકડી આપી કળશ લેતાં મમ્મીએ છેલ્લો ચાંસ લીધો, “ત્યાં સુધી ચાલીને ન જવાય?”

પરવેઝ બોલ્યો, “જવાય ને! પણ તમે બન્ને તો ઘોડે જ બેસશો, હું ચાલીને જ જઈશ.”

મમ્મી કોટેજની બહાર ખુરશી પર બેસી પોતાના ગોઠણ પર હાથ ફેરવતા બોલ્યા, “ધીમેધીમે ચાલીને જઈશું”

“બાર હજાર ફૂટ! મમ્મી તારાથી આ હોટલના બાર પગથિયા તો ચઢાતાં નથી!”

“આનાથી ચડાય તો આપણાથી કેમ ન ચડાય?”

પરવેઝ એની કાશ્મીરી છાંટવાળી હિંદીમાં બોલ્યો, “હું તો ઘોડાની સાથે રહી અડધો ઘોડા જેવો થઈ ગયો છું.”

મેં એનો હુલિયો જોયો. પરવેઝે એના વાળ ઘોડાની પૂંછડી જેવા રંગે રંગેલા હતા. એના ફાટેલા જીંસમાંથી પગની પીંડી ઘોડાની ટાંગ જેવી જ દેખાતી હતી. ઘોડાના ડાબલા અને પરવેઝના ગોગલ્સ વચ્ચે પણ ઘણી સમાનતા હતી.

“અગર નિકલના હૈ તો સુબહ પાંચ બજે નિકલના હોગા!”

મેં પરવેઝને ત્રીજીવાર અને છેલ્લીવાર કહ્યું, “જરા તો દિમાગ લગાઓ! દિમાગ કો દીમક લગ ગઈ હૈ ક્યા? યે આપકે ઇસ ઊંચે સે ઘોડે પર નહીં મમ્મી કૈસે ચડ સકતી હૈ?”

“અચ્છા મેં સુબહ પાંચ બજે આ જાઉંગા! અગર આપકો નહીં જાના તો દુઆસલામ કરકે ચલા જાઉંગા!” “ગલતી સે ભી મત આના, અભી સે સલામ!” કહી હાથ જોડી મેં દરવાજો વાસ્યો.

બીજી સવારે સવારે સાડા ચારે કોટેજનું બારણું ખખડ્યું. અમારી કોટેજમાં આગળ બેઠક હતી અને અંદર બેડ હતો. મમ્મી જાગીને નિત્યક્રમ પ્રમાણે બેઠકમાં માળા ફેરવી રહ્યા હતા. એટલે બેડમાંથી ઊઠીને દરવાજો ખોલવા મારે જવું પડ્યું. પરવેઝ બે ટટ્ટુઓ સાથે હાજર હતો.

આ અડિયલ ઘોડાવાળાને કયા શબ્દમાં ખિજાવું એ હું વિચારું એ પહેલા પરવેઝ બોલ્યો, “નહીં જાના તો કોઈ બાત નહીં, માતાજી આરામ કરેગી, મેં આપ કો ઘોડે પર બાઈસરન ઘૂમા કે લાઉંગા!”

“દફા હો જાઓ!” એમ કહી આવડ્યા એવા અપશબ્દો ઉમેરી ગુસ્સામાં હું દરવાજો ભટકાવી પાછો વળ્યો અને મારો પગ ટેબલ સાથે અથડાયો! અને કળશ ગબડીને સોફાની નીચે સરક્યો.

મમ્મી મારા પર ગુસ્સે તો થઈ ન શકે એટલે રડી પડી!

હું પણ અકળાઈને શું બોલ્યો એ મને યાદ નથી. પણ ત્યાં સુધીમાં પરવેઝે વાંકા વળી કળશ કાઢ્યો. અને બધી તરફ હાથ ફેરવી કોઈ ગોબો તો નથી પડ્યોને એ જોવા લાગ્યો.

બાળક પડી જાય તો એના માથે ઢીમું થાય. આ તો ધાતુનો લોટો હતો. મમ્મીના હાવભાવ એવા હતા કે જાણે લોટાને ઈજા ન પહોંચી હોય!

“માતાજી કુછ નહીં હુઆ, સહીસલામત હૈ!”

હું એમને બહાર છોડી અંદર જતાં બોલ્યો, “આયોડેક્સ છે! કળશ પર ચોપડવો હોય તો! આપું?”

મારો ગુસ્સો જોઈ મમ્મી દિગ્મૂઢ થઈ બેસી રહી. પરવેઝે ટેબલ પર બોટલમાંથી એને પાણી આપ્યું.

બે ત્રણ મિનીટ સુધી કોઈ અવાજ ન આવ્યો. એટલે મેં અંદર ઊંઘવાની તૈયારી આદરી. મને લાગ્યું કે એ માથાનો દુખાવા જેવો ઘોડાવાળો ગયો.

થોડીવાર પછી મમ્મીનો અવાજ આવ્યો, “હમારે મેં દેહ કો જલાને કે બાદ અસ્થિ કો પાની મેં બહાતે હૈ! યે મેરે ગુરુજી કે અસ્થિ હૈ. ઇસ કો તારસર લેક કે પાની મેં બહાના હૈ!”

પરવેઝને શું સમજ પડી હશે, એ એ જાણે.

મમ્મીની આશા અમર હતી, “તુમ્હારા કોઈ હિંદુ દોસ્ત હૈ? ઉસ કો યે સોંપ દેના! અબ હમ તો વહાં નહીં જા સકતે.”

ત્યાં જ બહાર ઊભેલા પરવેઝના ટટ્ટુઓ પોતાનું ઘોડાપણું પુરવાર કરવા હણહણ્યા.

“માતાજી, અબ આપ હિંમત કર હી લો, મેં આપ કો તારસર લે જાઉંગા!”

“પર મેરા બેટા ના બોલ રહા હૈ!”

“તો વો ના ભલે ના આયે! મૈં આપ કો લે જાઉંગા તારસર લેક!”

અંદર હું જરા રિસાયેલો હતો, બધુ સાંભળતો હતો પણ કંઈ બોલવા માંગતો નહોતો.

અને મમ્મી કહેવા આવી, “હું આની સાથે નીકળું છું. તું અહીં રહેજે!”

અડધો કલાકમાં એ નાહીધોઈને તૈયાર થઈ. એક કલાક પછી હું ય તૈયાર થયો. આને એકલી મોકલાય? આ વીસ વરસના કમઅક્કલ છોકરા સાથે? માબાપ બાળકોનો ઉછેર કરતી વખતે પોતાના વિચારો બાળકો પર લાદી શકે છે, એમના મનમાં ઘૂસાડી શકે છે, એટલિસ્ટ એવો પ્રયાસ તો તેઓ કરી જ શકે છે. પણ દીકરાઓ મોટા થયા પછી પણ એમના માબાપના મનમાં પોતાના વિચારો કદી ઘૂસાડી શકતા નથી. આવા વિચારો કરતો હું એમની સાથે ધકેલાવા તૈયાર થયો.

રસ્તે એક રાત રોકાવાનું હતું. બીજા દિવસે સવારે લેક પર પહોંચી, એ જ દિવસે સાંજ સુધી પાછા આવવાનું હતું. ચાલતા જઈએ તો ચાર રાત અને ઘોડા પર જઈએ તો એક રાત. મેં માંડ મનને મનાવ્યું. “પૈસે નક્કી કરો. બાદ મેં ઝઘડા કરોગે!”

બહુ કહ્યું, પણ એણે આંકડો ન પાડ્યો.

“માતાજી કો જાતરા કરા રહે હૈ. કોઈ ટુરિસ્ટ કો થોડી ઘૂમા રહે હૈં?”

“અચ્છા તો માતાજી કો ફ્રી મેં કરાઓગે જાતરા? મેરા કિતના હોગા?”

“આપ ખુશી સે દે દેના! મેરે લિયે કુછ નહીં, ઇન ઘોડોં કે લિયે ચારાપાની!”

ઘોડાને ચારો અને પાણી બન્ને અહિંયા મફત મળે, એ ન સમજવા જેટલો ડફોળ હું નહોતો, પણ વ્યર્થ દલીલ કરવાનું છોડી સામાન લઈ બહાર આવ્યો, “હું આ ટટ્ટુ પર બેસવાનો નથી!”

પરવેઝે કહ્યું, “માજીને તકલીફ ન પડે એ માટે નાના ઘોડા લાવ્યો છું. આ ટટ્ટુ નથી. ઘોડા જ છે!”

“બેમાંથી એક તો મોટું ઘોડું લાવવું હતું!”

“ઘોડાઓ જોડીમાં જ હોય! યે ધરમ હૈ, યે વીર! તોડેસે ના તૂટે દેખો ધરમવીર કે જોડી!” ગીત લલકારી એ બોલ્યો, “ઘોડાને જોડીમાં જ ફાવે!”

ખોટી વાત! હું અને મમ્મી અતૂટ જોડી જેવા હતા અને અમને ફાવતું નહોતું.

“બરાબર છે, પણ મમ્મી આના પર ચડશે કઈ રીતે?” હું ચિલ્લાયો.

“ઓટલા પાસે લઈ આવો તો ચડી જવાય!” મમ્મી ઉત્સાહમાં હતી.

સાડા પાંચે તો કાર્તિકેય આશ્રમ તરફ બે ઘોડા અને ત્રણ માણસો નીકળી પડયા. જે રીતે પરવેઝ ચાલતો હતો એ જોઈ મને થયું કે અઢી ઘોડા અને અઢી માણસો છે.

આરુ વેલીમાં ચાય-પરાઠાના છેલ્લા ધાબા પર સાડાઆઠ વાગ્યે વિસામો કર્યો. મમ્મી પરવેઝને પરવેશ કહેતી, એ મમ્મીનું નામ ચંદ્રિકા સાંભળી ‘ચંડિકાબહન’ બોલવા ગયો. મેં કહ્યું, “તું ‘માતાજી’ જ રાખ!” આ ટ્રેજીકોમેડીની હાઈટ ત્યારે આવી જ્યારે મારું નામ મમ્મીએ એને ‘અર્ચન’ કહ્યું અને એણે ‘અડચણ’ સાંભળ્યું. પરાઠા પૂરા થયા. અને અમે ફરી ટટ્ટુ પર ચડ્યા.

***

પરવેઝ ધાબાવાળા પાસે રસ્તાની વિગતવાર ડિટેઈલ લઈ, ‘ઈન્સાઅલ્લાહ’ કહી નીકળ્યો! આ શબ્દ સાંભળી જાતરાએ નીકળેલા ચંદ્રિકાબેનના મુખભાવ બદલાયા એ જોઈ, ઘોડાને આગળ ધપાવતાં પહેલા “ભોલેબાબા કી જય” કહીને એણે સફર શરૂ કરી.

પરવેઝે કહ્યું, “અહીંથી ચાર કલાક દૂર છેલ્લું ગામ છે. ત્યાં રોકાઈ જઈશું! બપોર પછી મોસમનો ભરોસો નહીં, અને જઈએ તો ય સાંજ સુધી લેકથી પાછા ન અવાય. એટલે બાકીની મુસાફરી કાલે. કાલે લેકથી ઉતરતા છ કલાક થશે.”

“અડચનભાઈ, રસ્તે હવે કોઈ હોટલ કે ઢાબું નથી.”

મેં કહ્યું, “તને મારું નામ બોલતા આટલી અડચન પડે છે તો તું ‘ભાઈ’ કહેવાનું રાખ!”

પહાડી માણસ જ જેના પર પગ મૂકી શકે એવા કપરા ચઢાણવાળો પથરાળ રસ્તો અમે લીધો. પથ્થર હોય તો ટટ્ટુનો પગ લપસે અને કાદવ હોય તો એના પગ ખૂંપે.

“બસ થોડીવાર આવો રસ્તો છે, પછી મેદાન હી મેદાન!”

કલાક પછી મેં પૂછ્યું, “રસ્તે ચા-નાસ્તો કશું નહીં મળે?”

“આગળ મારા મામાનું ઘર છે રસ્તામાં!”

“છટ!” હું મનમાં બોલ્યો, “આવા કાદવવાળા રસ્તે તારા મામાના ધૂળિયા કિચનની ચા હું નથી પીવાનો!”

આટલા પ્રવાસમાં જ મારી કમરે જવાબ દઈ દીધો હતો. ગરદન દુખવા આવી હતી. મમ્મીના તો શ્વાસ ફૂલી રહ્યા હતા. અડધો કલાકના હડદોલા પછી પર્વતનો એક ઢોળાવ પસાર થયો! ત્યાં સુધી પરવેઝે ઢોળાવના ઉતાર ચડાવ વખતે પોઝિશન કેવી રીતે બદલવી એ મમ્મીને ચાર પાંચ વાર શીખવ્યું. મને સલાહ આપવાની તો એની હિંમત નહોતી, પણ મમ્મીને આરામદાયક રીતે સવારી કરતાં જોઈને હું ય ટ્રીક શીખી ગયો કે આપણા શરીરનું વજન ઘોડાની પીઠ પર નહીં પણ પગની પાવડી પર આપવું, ઢાળ ઉતરતી પાછળ ઝૂકવું અને ચડતી વખતે આગળ ઝૂલવું.

હવે થોડું નીચાણમાં જઈ, એક ઝરણું પસાર કરી ફરી ચડવાનું હતું. આગળ રસ્તો ચઢાણવાળો હતો, પણ છેક ટોચ સુધી સરળ દેખાતો હતો અને ઘોડા પર ધીમેધીમે ફાવી ગયું. પરવેઝને કમાણી થવાની હતી. મમ્મીને પુણ્ય મળવાનું હતું, ધર્મલાભ થવાનો હતો. ઘોડાઓ માટે અને મારે માટે આ હેતુવિહીન સવારી હતી. ઘોડાઓ માટે તો આજુબાજુ પુષ્કળ ચારો હતો. પણ મારે માટે ચા નહોતી.

પણ થોડી ઉંચાઈ પર આવતાં ચા પીધા વગર જ મને તાજગીનો અનુભવ થવા લાગ્યો. પહેલગામની ભીડ ભરેલી વેલી પછી આરુ વેલી જરા શાંત હતી અને એ પછીની આ લિડ્ડરવાટ વેલી તો લગભગ નિર્જન હતી. દૂર દૂર સુધી પવન અને પાણી સિવાય કોઈ અવાજ નહીં. વાહનો નહીં, માણસો નહીં. મકાનો નહીં, રસ્તાઓ નહીં. બસ દૂરદૂર એકલ-દોકલ ભરવાડ એમના સો-બસો ઘેટા સાથે પર્વતોની કેડીઓ પર કીડીઓ જેવા દેખાતાં. કયા રસ્તે એ ત્યાં પહોંચ્યા હશે, એ મારી સમજમાં નહોતું આવતું.

“આ ભરવાડોને પહાડો પર ચડવાની કેડીઓ કેવી રીતે મળી?”

“યે પગદંડિયોં પે નહીં ચલતે! ઇન કે ચલને સે પગદંડિયા બનતી હૈ!”

“હમ જો ચલ રહે હૈ, યે રાસ્તા ભી ઉન્હીંને ખોજા હોગા કભી.” મેં કલ્પના કરી.

“સહી હૈ.” પરવેઝે કહ્યું. “યે ચરવાહે હમારે ભી પૂરખેં હૈ, પર ઈનકા કોઈ દીનધરમ નહીં!”

મને સવાલ થયો એ મારાથી પૂછાઈ ગયો, “ઉપર ચલતે વક્ત રસ્તે પર ચલના ચાહિયે યા નઈ પગદંડિયા બનાની ચાહિયે?”

“જુઓ આ ઘોડા! માર્ગને વળગીને જ ચાલે છે ને?”

“એ ઘોડા છે, આપણે માણસ છીએ, કંઈ તો ફરક હોવો જોઈએ ને!”

“ઘોડે ભી સમઝતે હૈ કિ તૈયાર રસ્તે પર કાંટે કમ લગતે હૈ, અડચનેં કમ આતી હૈ, અડચનભૈયા!”

“પર રાસ્તે પર જિતને જ્યાદા લોગ ચલતે હૈ, ઉતની ઘાસ સૂખ જાતી હૈ, અગર કિસી કે પૈરોં કો ઘાસ છૂના અચ્છા લગતા હૈ તો ઉન્હેં પુરાના રાસ્તા અચ્છા નહીં લગતા. વો નયા રાસ્તા ખોજતે હૈં.”

“ફિર ભી રાસ્તા તો રાસ્તા હૈ, બનતે બનતે બનતા હૈ. પીઢિયા લગ જાતી હૈ.”

મારી મૂંઝવણનો એની રીતે જવાબ આપતો હોય એમ ઘોડો રસ્તો છોડી ઘાસ તરફ ગયો. ઘાસ ખાવાનું મન થયું ત્યારે ઘોડાએ લીસો રસ્તો છોડ્યો અને ઘાસ ખાઈ ફરી રસ્તે આવી ગયો.

ટોચે પહોંચતા જ સામેની દૂર સામેની વધુ ઊંચી પહાડી પર એક ધજા દેખાઈ, એટલે મમ્મીને ખાતરી થઈ કે અમે ધર્મમાર્ગે જ હતા. અભણ ભરવાડોના રસ્તે નહીં!

પરવેઝે કહ્યું, “વહી હૈ કાર્તિકેય આશ્રમ! ઉસ કે ઠીક પીછે તારસર લેક હૈ.”

આ એક એવો માર્ગ હતો જે કદી ચરવાહા પૂર્વજોએ બનાવ્યો હતો. જેમનો પોતાનો કોઈ દીનધરમ નહોતો. એ માર્ગના છેડે કોઈએ નાનકડો આશ્રમ બનાવ્યો. એટલે સ્થાનક થઈ ગયું અને ત્યાં પહોંચવાનો માર્ગ ધર્મમાર્ગ થઈ ગયો. એ સ્થાનકની ફરફરતી ધજા તમને દિશા બતાવ્યા કરે!

રસ્તાની મુશ્કેલ ચઢઉતર જોઈ મેં મજાક કરી, “મમ્મી, ધજા જોઈ લીધી ને! બસ હવે,! ધજા સુધી શું કામ જવું છે? ભલે એ ત્યાં ફરફરે, આપણે અહીં જ આ ઝાડીઓમાં જ ફરી લઈએ! ઉપર કશું નથી બીજું”

બહુ સમય પછી મમ્મી બોલી, “તો ય આપણે બધાએ ઉપર જ જવાનું છે! કઠપૂતળીનો ખેલ પૂરો થાય ત્યારે નટ એને ઉપર જ ખેંચી લે. કોઈ નીચે કાયમ રહેતું નથી.”

ઘોડા પર શરીર જકડાઈ જાય એટલે મેં મારા હાથ પગ હલાવ્યા. મારી મરજીથી હલાવ્યા. કઠપૂતળીની જેમ નહીં.

“સહી હૈ, માતાજી, અલ્લા-તાલા કી મરજી બિગેર પત્તા ભી નહીં હિલતા”

“હું કઠપૂતળી નથી. પાંદડું પણ નથી.” મેં કહ્યું, પણ જરા હુંકાર કર્યો હોય એવું લાગ્યું, એટલે બોલ્યો, “મમ્મી, તું ય કઠપૂતળી નથી. અને પરવેઝ તું ય પાંદડું નથી! આપણે મરજી મુજબ હાલીચાલી શકીએ છીએ.”

“દેહમાં જીવ છે ત્યાં સુધી હલન ચલન છે, સાધુ અચલદાસ કહેતા, જીવ ચંચલ છે, આત્મા સ્થિર છે!”

“હવે બીજીવાર આત્માપરમાત્માનું નામ બોલશે તો હું અડધેથી પાછો વળી જઈશ.”

હું પુત્ર તરીકેની જવાબદારી નિભાવવા આવ્યો હતો. બે અભણની વિચારધારા મફત મળે તો ય મારે ખરીદવી નહોતી.

મારા તેવર જોઈ બન્ને ચૂપ થઈ ગયા. થોડીવાર ચાલ્યા ત્યાં તો મમ્મી એના ઘોડા પરથી સહેજ નમી પડી અને પડી જવાના ડરથી બૂમ પાડી, હું તો મારા ઘોડા પર હતો. પણ ઝરણાંમાંથી પાણી પી રહેલા પરવેઝે દોડીને એને પકડી. એને પોઝિશન સરખી કરી. પછી ગોગલ્સ ચડાવી શાહરુખખાનનું કોઈ ગીત સીટી વગાડી ગણગણવા લાગ્યો, મગજને જરા કષ્ટ આપતાં જ મને ગીત કયું છે, એ ખ્યાલ આવી ગયો. “કિસ કા હૈ તુમ કો ઇંતેઝાર, મૈં હૂં ના!” એ અભણને ક્યાંથી ખબર હોય કે મને શાહરુખખાનના સ્મરણમાત્રથી ચીડ આવતી હતી.

છેલ્લુ ગામ આવ્યું, જેમાં ભરવાડોના વીસેક ખોરડા હતાં.

“આવા ભરવાડોના ગંધાતા ઝૂંપડામાં રહેવાનું?” તગતગતી આંખે મેં પરવેઝ સામે જોયું. એ કંઈ ન બોલ્યો.

ત્યાં એક ખોરડાની બાજુમાં એક ટેંટ હતો. અમને ઉતારી, બેસાડી, પરવેઝે ટેંટની સાફસૂફી કરી. બાકીની સફર હવે કાલે કરવાની હતી.

ટેંટ નાનો પણ સગવડભર્યો હતો. આડા પડતાં જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

જાગ્યા ત્યારે અંધારું હતું. મમ્મીએ થેપલા અને અથાણું કાઢ્યાં.

મમ્મી બોલી, “કંચન માસીને લાવી હોત તો..”

“અરે એ તારાથી જાય એવી છે, ડાકોર, અંબાજી સુધી ઠીક છે અહીં પહાડોમાં એનું કામ નહીં!”

“હા, એટલે જ તને લાવી!”

અણગમતું આવી પડે તો મમ્મી જેવા લોકો ‘ગયા ભવના કોઈ કર્મ હશે!’ એમ બોલી મન મનાવે. મને કાર્યકારણનો સંબંધ જોઈએ. હું શા માટે આ એક અજાણી ધજાની દિશામાં દોડવાની સજા ભોગવી રહ્યો હતો? મમ્મીને બે ટાઈમ જમવાનું મળે, માંદી-સાજી હોય તો દવાપાણી કરું, એ બધું કરવા સુધીની મારી જવાબદારી મને કબૂલ હતી, પણ હું મારા વિચારોની વિરુદ્ધ મંદિરોમાં શું કામ દોડું? મમ્મીની વાતનો મેં કંઈ જવાબ ન આપ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં મોંમાં થેપલા ઠૂંસવા લાગ્યો.

બધી મમ્મીઓની જેમ મારી મમ્મી પણ ન બોલાયેલી વાત જલદી સમજી જતી, “ધર્મના કામમાં સાથ આપતા રેશનાલિસ્ટોને પાપ લાગે, નહીં?”

“અમને રેશનાલિસ્ટોને મન પાપ-પુણ્ય જેવું કંઈ ન હોય, પણ જેમાં અમે માનતા નથી, એવા ધાર્મિક કર્મકાંડમાં અમે શું કામ સાથ આપીએ? તું મારી મા છે, ફક્ત એટલા માટે મારે આટલો બધો ત્રાસ શું કામ વેઠવો જોઈએ?”

“તુ રેશનાલિસ્ટોના સંમેલનમાં જાય છે ત્યારે.. ત્યારે સવારે ચાર વાગ્યે ઊઠીને તને થેપલા કોણ બાંધી આપે છે? પંદર વરસથી એક નાસ્તિક દીકરાના કપડા ધોઉં છું, રસોઈ બનાવું છું, બેગ ભરું છું. સૂઈ જાય પછી માથે હાથ ફેરવું છું, મને તો ત્રાસ નથી થતો!”

મમ્મીની આંખમાં પાણી આવી ગયું, “એક દિવસ, બસ એક દિવસ વેઠી લે.” મમ્મીએ અસ્થિકળશ કાઢ્યો, સાડીના છેડાથી આંખ સાફ કરી પછી એનાથી જ અસ્થિકળશ સાફ કર્યો, “તારી ને મારી કોઈ દુશ્મની નથી. હું તારી ફરિયાદ સાધુ અચલદાસને કરતી તો એ કહેતા કે આત્મા ઊડી જશે, દેહ રાખ થશે, ત્યારે વિચારોનું શું ભવિષ્ય? રાખમાં મળ્યા પછી તારા દીકરાની નાસ્તિકતા અને તારી આસ્તિકતા બન્ને સરખાં જ થઈ જવાના છે! રાખના રમકડાં, ખેલ પૂરો થાય એટલે રાખમાં મળવાનું.”

એની જિદ હતી, એ રાખમાં મળેલા સાધુને તારસર લેક સુધી પહોંચાડવાની, એટલે આટલું બોલી. બાકી મારી સામે આટલું ન બોલે.

સવારે મેં સંયમ રાખવાનું નક્કી કર્યું. અને અમે નીકળ્યા. રાતે અમને મા દીકરાને મનદુ:ખ થયું હતું. એટલે મને થયું કે મમ્મીને હાથ પકડીને હું ટટ્ટુ પર ચડાવું. પણ હું બેગપેક બાંધી નીકળ્યો ત્યાં સુધી તો મમ્મી ટટ્ટુ પર હતી. અને પરવેઝ ‘માતાજી’ને એના પરિવાર વિશે અને ઘર વિશે ઉત્સાહથી વાત કરી રહ્યો હતો. જાણે મહિનામાં ચાર ઉપવાસ કરનારી અને આભડછેટમાં માનનારી મારી મા જતીવેળા એ પરધર્મીના ઘરે જમવાની ન હોય?

સફર શરૂ થઈ. સીધી ઊંચાઈ હતી. એક કલાકમાં તો ભરવાડોના ખોરડાં પણ ટપકાં જેવા દેખાવા લાગ્યા. મમ્મી બોલી, “બસ, હવે પછી ક્યારેય કોઈ જાતરા નહીં.” એ મને એમ કહેવા માંગતી હતી કે કમ સે કમ આજે મોં હસતું રાખ!

કઈ રીતે મોં હસતું રખાય આ સંસારમાં? એ મારો કાયમનો પ્રશ્ન હતો. અહીં દેખાતા ભરવાડોની વિચરતી જનજાતિને ધર્મની કોઈ જરૂર નહોતી, એ મને રૂચે એવું સત્ય હતું અને આ શાંત ઊંચી જગ્યાએ સાધુ અચલદાસનું આ સાધનાસ્થળ હતું એ મારી માતાને રૂચે એવું સત્ય હતું. આ બન્ને સત્ય વચ્ચે મેળ બેસે તો જ મારા મોં પર સ્મિત આવે.

પરવેઝે કહ્યું, “બસ કલાકમાં તો આપણે તારસર લેક પર હોઈશું.”

બસ હવે છેલ્લું ચઢાણ હતું.

“ઉપર કશું જોવા જેવું હશે ખરું?” લોકો ઉપર ચડીને શું પામે એ મારો હંમેશનો પ્રશ્ન હતો.

“કહીં ભી ઉપર કુછ નહીં હોતા. બસ ઉપર સે નીચે કા નજારા સાફ દિખતા હૈ!”

ઢોળાવને ટોચે પહોંચી એ બોલ્યો, “જુઓ નીચે દેખાય છે એ પહેલગામ!”

ઊંચાઈ પરથી એક લીટી જેવી લીડ્ડર નદી દેખાતી હતી. એના કિનારે આવેલ હોટેલો અને મકાનો બહુ નાનાં દેખાતાં હતા. હું બોલ્યો, “જો મમ્મી! પેલું મમલ મંદિર અને પેલી મસ્જિદ!”

ઘોડાના મોંમા ચણાનો લાડુ ઠૂંસતાં પરવેઝ કંઈ ભાન થયું હોય એમ બોલ્યો, “સાબ, અચાનક ઐસે લગને લગા હૈ કિ.. મંદિર મસ્જિદ સબ નીચે છૂટ ગયા, યહાં ઉપર કુછ ભી નહીં! યહાં અઝાન બુલાવા નહીં દેતી, યહાં આસમાન પુકારતા હૈ.”

હવે અમે બાર હજાર ફૂટની ઊંચાઈ પર હતા. આ વિસ્તારના સૌથી ઊંચા પર્વતની ધાર પર આવ્યા. લેક દેખાયું. પાંચસો મીટર દૂર હતું. સંપૂર્ણ શાંતિ. માત્ર ત્રણ માનવો અને બે ઘોડા. ઉપરથી નીચેનું દૃશ્ય કઠપૂતળીના ખેલ જેવું લાગતું હતું. અમે ત્રણ કઠપૂતળીઓ જેવા માણસો, કઠપૂતળીના એ ખેલથી થોડી મુદ્દત માટે ઉપર ઊઠી ગયા હતા. નજર મળે અને ટકે તો હું મમ્મીને ‘સોરી’ કહેવા માંગતો હતો, ત્યાં જ પરવેઝે કહ્યું, “હવે આ તરફ જુઓ, આ રસ્તો શ્રીનગર સંબાલ તરફથી આવે છે. પણ એ તરફ ટેરરિસ્ટોનું જોર છે એટલે આપણે આવ્યા એ જ રસ્તે ટ્રેકર્સ આવે, પણ હવે તો ટ્રેકર્સ પણ નથી આવતા! યહાં કશ્મીર મેં ટેરેરિઝમ યા ટુરિઝમ દો ભાઈઓ મેં સે કિસી ભી એક હી જોર ચલતા હૈ.”

“તારો કોઈ ભાઈ કે કઝીન ટેરરિસ્ટ તો નથી ને?” મારું કૂતુહલ સળવળ્યું.

‘ભાઈ તો નહીં, પર હૈ કુછ ગુમરાહ, જો પેહલે દોસ્ત થે!”

“ઔર તુમ તો રાહ દિખાનેવાલોં મેં સે હો!”

એ કંઈ ન બોલ્યો. મેં અનુભવ્યું કે આજકાલ ટુરિઝમ લગભગ તૂટી પડ્યું હતું. રસ્તે રસ્તે અમે કારમી ગરીબીના જ માઈલસ્ટોન જોતાં જોતાં આવ્યા હતા.

લેકના કિનારે પહોંચ્યા, આશ્રમ સો મીટર દૂર હતો. બે કે ત્રણ રૂમના મકાન જેવું હતું. કોઈ હશે આશ્રમમાં અત્યારે?

અમે માત્ર ત્રણ માનવો હતા, એ મારો વહેમ હતો. બે ઘોડાધારી સામેથી આશ્રમની પાછળથી આવ્યા. હાથમાં હથિયાર હતા, “ક્યૂં લાયા ઇન કો?” એક પરવેઝને લાફો ચોડી દીધો.

પરવેઝ લાફો ખાવા છતાં અકડથી બોલ્યો, “ટુરિસ્ટ હૈ!”

“તો ક્યા ટુરિસ્ટ કો કેમ્પ તક લેકે આ જાયેગા!” એણે પરવેઝની ફેંટ પકડી.

બીજાએ મારા ખિસ્સા ફંફોસ્યા. સેંટ્રલ ગવર્નમેંટ ઓફ ઈંડિયાનો આઈડી જોયો. મને હડસેલો મારી બોલ્યો, “સી બી આઈ ઓફિસર હૈ?”

મારી તો બોલતી બંધ થઈ ગઈ હતી.

પરવેઝ બોલ્યો, “માતાજી કો જાતરા કરાને લાયે હૈ! વહાં જાના હૈ!”

“કહાં?” પહેલાએ પરવેઝને છોડી મને પકડ્યો.

“ક..ક..કાર્તિકેય આશ્રમ!” હું માંડ બોલ્યો.

મમ્મી મને છોડાવતાં બોલી, “મેં લાઈ ઉસ કો! હમારે ગુરુ પ્રભુપ્રિયસ્વામી રહેતે હૈ ઉધર!”

પરવેઝને બીજો એક લાફો ઠોકી કહ્યું, “જાહિલ! તુઝે પતા નહીં? સાધુ મર ગયા, દો સાલ હો ગયે!”

બીજો બોલ્યો, “અરે ઉસ કો છોડો, ઇસ ઓફિસર કો ઉડા દો!”

પહેલો બોલ્યો, “નહીં, ઉસ કી મા કો ઉડા દો!”

બંદૂકો તકાઈ. પરવેઝને તો માત્ર લાફો પડ્યો, પણ અમારા બેમાંથી એકનું અથવા બન્નેનું મોત ઘડીઓ છેટે હતું.

પરવેઝ આડે આવતાં બોલ્યો, “માતાજી કો કોઈ કુછ નહીં કરેગા! પહેલી ગોલી મેરે સીને પે લગેગી!

બે ક્ષણ સુધી પેલાએ પરવેઝની છાતી પર બંદૂક તાકી રાખી.

બીજાને શું બુદ્ધિ સૂઝી તે પહેલાને હળવો હડસેલો મારી કહ્યું, “ચલ બે! છોડ ઇસ કો! ગાંવવાલોંસે પંગા મત લે!”

સમસમીને પહેલો બોલ્યો, “ચલો, મુડ જાઓ! દફા હો જાઓ! જાન પ્યારી હૈ તો ભાગો!”

“ઠીક હૈ પર માતાજી ઇતની મહેનત સે ઉપર આઈ હૈ, આશ્રમ તક લે જાઉંગા! ઉનકી પૂજા-વૂજા નિપટા કે હી જાયેંગે.”

અમારા આશ્ચર્ય વચ્ચે ઘોડેસવારો નીકળી ગયા!

“ટેરરિસ્ટ થે?”

પરવેઝ દાંતમાંથી નીકળેલું લોહી થૂંકતા બોલ્યો, “ભટકે હુએ સાલે! હીરો બનને નિકલે હૈ!”

હવે પાછા જ વળવું જોઈએ પણ અમે જે રસ્તે આવ્યા એ રસ્તે જ એમના ઘોડા ગયા હતા એટલે તાત્કાલિક પરત ફરવાનો કોઈ અર્થ નહોતો. અમે એ જ જગ્યાએ ફફડતાં રહ્યાં.

ઘોડાની પદચાપ બંધ થઈ પછી પરવેઝ બોલ્યો, “ચલે ગયે! અબ નહીં આયેંગે. અબ આપ કર લો પૂજા!”

અડધો કલાક પછી અમે ઉતરી રહ્યા હતા. ઘોડાની ટાપ કરતાં વધુ જોરથી હૃદય ધડક ધડક થઈ રહ્યું હતું. એક કલાકે ભરવાડોની પરિચિત વસ્તી દેખાઈ. મોટી આફતમાંથી ઉગર્યા એની રાહતનો પહેલો શ્વાસ લીધો. હવામાન પલટાતાં જ, જે પહાડ પરથી ઉતર્યા એ ધુમ્મ્સમાં ઓગળી ગયો હતો. હવે અસ્થિવિસર્જન સફળતાથી થયું એનો સંતોષ મમ્મીના મોં પર હતો.

આતંકવાદ વિરુદ્ધ કોઈ લેખ લખવાનો હોત તો મેં બહુ સરસ રીતે લખ્યો હોત. પણ અણીના ટાંકણે પરવેઝ જે વાક્ય બોલ્યો, એ હું બોલી શક્યો હોત? કયું વાક્ય?

મારા મસ્તિષ્કમાં હજુ પરવેઝનું એ વાક્ય ગૂંજતું હતું. “માતાજી કો કોઈ કુછ નહીં કરેગા! પહેલી ગોલી મેરે સીને પે લગેગી!”

મેં પરવેઝને પૂછ્યું, “એ લોકોએ તને ગોળી મારી દીધી હોત તો?”

“કાયર લોગ સિર્ફ કાયર પે હી ગોલી ચલા સકતે હૈ!”

મેં જોયું કે મારી મમ્મી પણ કદાચ મારા કરતાં ઓછું ડરી હતી. ત્રણમાં વધુ કાયર તો હું જ હતો. મમ્મીને પૂછ્યું હોત તો એ તો એમ જ બોલી હોત, “જીવનમરણ ભગવાનના હાથમાં છે!”

એની સાથે શું દલીલ કરવી. જીવનમરણ આપણા હાથમાં નથી, એટલે અંશે તો હું સંમત હતો જ.

પાછા ફરતી વખતે મેં પરવેઝને કહ્યું, “તુમ્હારે મામા કા ઘર રસ્તે મેં આતા થા ના?”

“વો રહા! ચલો!” લીડ્ડરવાટની વેલીના એક નાકે નાનકડું ગામ હતું, એ તરફ એણે ઘોડા વાળ્યા.

થોડે આગળ જઈ પરવેઝે પાછળ જોઈ કહ્યું, “અબ યહાં સે પીછે કા નજારા દેખો”

મેં જોયું. દૃશ્ય સાફ હતું, વિચારોનું ધુમ્મસ ઓગળી ગયું, લાગણીનો પહાડ દેખાઈ રહ્યો હતો.

ખોબા જેવડા ગામની શેરીઓમાં ‘અસ્સલામોઅલયકુમ’ના અભિવાદન ઝીલતો એ બોલ્યો, “બહુત ખુશી હો રહી હૈ, માતાજી કી જાતરા મુકમ્મલ હો ગઈ! માતાજી! આશ્રમ ખુલા હોતા તો પ્રસાદી લેકર આતે!”

સામાન્ય સંજોગોમાં ‘એક માથાકૂટ પતી” એવો મારો પ્રતિભાવ હોય પણ કોણ જાણે કેમ મારું મન શાંત હતું. ઘડીભરમાં એના મામાના નાનકડા ઝૂંપડી સમા ઘરના આંગણે પહોંચ્યા.

“હમારે ઘર કા ખાના તો માતાજી શાયદ નહીં ખાએગી, પર ઘર મેં ખજૂર હૈ. વો ચલેગા આપ કો?”

ઘરની બહાર એક ઘરડી ડોશી બેઠી હતી, “બીબીજાન! ખજૂર ઔર અખરોટ લેકર આઓ મેહમાન કે લિયે!”

પૈસાનો હિસાબ પૂરો કરવાને મને કાયમ ઉતાવળ હોય. એટલે મેં વોલેટ કાઢ્યું. અને મારી રીતે હિસાબ લગાવવા લાગ્યો કે આને કેટલા આપી શકાય? જો વાજબી માંગે તો, માંગે એના કરતાં ત્રણસો-પાંચસો વધારે આપવાનું નક્કી કર્યું.

અમને એક ખાટલી પર બેસાડી એ જમીન પર બેઠો. “બહુત ગરીબ હૈ હમ લોગ!” મને થયું, ધાર્યા કરતાં હજાર-બે હજાર વધારે માંગી લેશે તો?

“સારે કે સારે જિતને ઘોડેવાલે હૈ, સબ ગરીબ હૈ, ખુદાકસમ, આજ તક કોઈ ઘોડેવાલે અપની માં કો હજ નહીં કરા પાયા. ઔર હમ તો.. મૈં તો અપની માં કો અજમેરશરીફ ભી નહીં લે જા પાયા!”

એની આંખ તગતગ થવા લાગી, “આજ આપ કી માતાજી કો જાતરા કરવાઈ, તો ઐસે મહેસૂસ હો રહા હૈ જૈસે ખુદ અપની માં કો હજ કરવા લાયા!”

બીબીજાન બહાર આવી.

“યહી મેરી મા હૈ. અબ્બુ ગુજર ગયે, તબ સે યહીં મામૂ કે ઘર પે રહેતી હૈ.”

બીબીજાન એક રકાબીમાં ખજૂર અને અખરોટ લઈ આવી હતી. ખજૂર મક્કાનું હતું, અને અખરોટ અહીનું.

બે માતાઓની વચ્ચે એક જાતરા થઈ હતી. એટલે કે એકના દીકરાએ બીજાની માને જાતરા કરાવી હતી. જાત્રા ઉપર થઈ. પ્રસાદ અહીં મળ્યો.

બે માતાઓ ઊભી હતી. સામસામે.. આકાશ અને ધરતીની વચ્ચે. ઉપર કે નીચે ભલે કશું હોય કે ન હોય, બે જન્મદાતા માતાઓ ઊભી હતી. સામસામે.. એનાથી ઉપર કશું હોય?

રઈશ મનીઆર

amiraeesh@yahoo.co.in