સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-2 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-2

સફરમાં મળેલ હમસફર-2

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-2

ફીલિંગ્સ

“આજે મેં ઋતુને હર્ટ કરી, ભોળાનાથ ઉધાર બાજુ લખી નાખજો, હું કાલે સરભર કરી દઈશ, ઋતુ…. . ”મેહુલ આગળ લખવા જતો હતો ત્યાં તેના કાનમાં મોટી ચીખ સંભળાઈ અને કંઈક નીચે અથડાવવાનો અવાજ સંભળાયો. મેહુલ તરત ઉભો થયો અને જિજ્ઞાશાવૃત્તિથી બાલ્કનીમાં જોવા ગયો.

બધા બાલ્કનીમાં દરવાજો ખોલીને જોવા આવ્યા અને થોડી જ વારમાં સોસાયટીમાં ભાગદોડ મચી ગયી. રુચિતના ફ્લેટ પરથી કોઈ છોકરીએ આત્મહત્યા કરી હતી. સામે જમીને અડીને કોઈની લાશ પડી હતી અને બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ આવ્યું હતું. “ઋતુતુતુ. ”…મેહુલ ત્યાં જ સાધ કોઈ બેઠો. તેના મગજમાં ખાલી ચડી ગયી અને પૂરું શરીર કાંપવા લાગ્યું જાણે કોઈ ઇલેક્ટ્રિક શૉક જ ન લાગ્યો હોય. નિલાબેન અને ભરતભાઇ પણ બહાર આવ્યા અને મેહુલને અવગણીને સીધા પગથિયાં ઉતરવા લાગ્યા. મેહુલે પોતાને સંભાળ્યો અને દિવાલના સહારે તે પણ નીચે આવ્યો, સામે રુચિતા પગથિયાં ઉતરતી હતી જે જોઈને મેહુલ ત્યાં જ બેભાન થઈ જાય છે.

***

“Goooood morning જેતપુરવાસીઓઓઓ” રવિ બરોબર છ ને દસે સોંગ બંધ કરીને ઑન ઍર આવ્યો.

“આજે તમને એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ બંને આપવાના છે, તો પહેલા ગુડ ન્યૂઝ…મારા દોસ્ત મેહુલની સ્ટોરી તમે વિસ્તારથી સાંભળી શકશો અને તે જ બેડ ન્યૂઝ છે કે તમને તમારા પ્રિય આર. જે. મોન્ટુનો અવાજ થોડા દિવસ સાંભળવા નહિ મળે. ”રવિ અટક્યો અને ફરી બોલ્યો.

“આપણે સીધા સ્ટોરી પર આવીએ, જે મને પહેલીવાર સાંભળી રહ્યું છે તેને જણાવી દઉં કે આપણે અહીં એક સ્ટોરી પર ચર્ચા કરીએ છીએ. કાલે શું શું બન્યું હતું તે પણ ઉતાવળથી કહી દઉં છું. મોન્ટુએ કાલે જ એક નવો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો, તે જ્યારે ઑન માઇક હતો ત્યારે મેં પૂરો કોન્સેપ્ટ સાંભળ્યો હતો. કોન્સેપ્ટ મુજબ અહીં કોઈ સ્ટોરીની ચર્ચા થશે અને તમે તમારી સ્ટોરી યા પ્રૉબ્લેમ જણાવવા કૉલ પણ કરી શકશો. કાલે અવંતીજીનો કૉલ પણ આવ્યો હતો, but but but…હવે એ કોન્સેપ્ટ નહિ ચાલે, જો શરૂ સ્ટોરીએ કૉલ આવે તો લિંક તૂટી જાય અને મજા ના આવે એટલે તમે સ્ટોરીના રિવ્યુ પુરી સ્ટોરી સાંભળ્યા પછી જ આપી શકશો. તમારી સ્ટોરી વિશે તમે મેઈલ અથવા વોટ્સએપ કરી શકો છો.

મોન્ટુને ઇમરજન્સી કામ આવ્યું એટલે તે આઉટ ઑફ જેતપુર છે અને ક્યારે આવશે તે જણાવ્યું નથી. એટલે થોડા દિવસ મારી સ્ટોરી સાંભળી લો.

સ્ટોરી કંઈક આ મુજબ શરૂ થઈ હતી. મેહુલ જે એક સામાન્ય કુટુંબમાં જન્મેલો અને બાળપણમાં સૌના મજાકનો શિકાર થયો હતો તે આગળ જતાં એક હોશિયાર છોકરો થઈ જાય છે. કૉલેજના પહેલા વર્ષના વેકેશનમાં મેહુલની સોસાયટીમાં ઋતુ નામની છોકરી રહેવા આવે છે જેને મેહુલ પાસે એકાઉન્ટ શીખવાનું હોય છે. મેહુલ ઋતુ જોડે વાત નથી કરતો અને બહાર નીકળી જાય છે, ત્યાં મને દાળમાં કાળું લાગતા હું પીછો કરવાનું વિચારું છું.

મેહુલનો રૂમ ફ્લેટના બીજા માળે હતો અને બરોબર સામે જ બીજા માળે રુચિતાના ફ્લેટનો રૂમ. બંનેની બાલ્કની સામે જ પડતી એટલે સવારથી સાંજ સુધી એકબીજાના રૂમમાં શું થઈ રહ્યું છે તે જાણી શકાતું. મેહુલ કોઈને કોઈ બહાને બાલ્કની પાસે આવીને નખરા કરતો, ક્યારે ટી-શર્ટ લેવાને બહાને તો ક્યારે છાપું આવ્યું કે નહિ તે ચૅક કરવાને બહાને બાલ્કનીમાંથી રુચિતાની બાલ્કનીમાં નજર નાખતો.

ક્યારેક ઋતુ તીરછી નજરે મેહુલ તરફ જોઈ લેતી પણ તે મેહુલને પસંદ કરે છે તેવી રીતે કોઈ દિવસ ના જોતી. વેકેશનમાં રોજ રાત્રે જમીને સૌ બહાર બેસતા અને અમારું ગ્રુપ આઉટડોર ગેમ રમતું, જેમાં સોસાયટીના બધા છોકરા શામેલ હતા. બાજુમાં લેડીઝનું ગ્રુપ ગૉસિપ કરતું હોય અને બહાર સોડાની દુકાને જેન્ટ્સનું ગ્રુપ ચર્ચા કરતું હોય.

મેહુલ જાણીજોઈને એવી હરકત કરતો રહેતો જેથી લેડીઝ ગ્રુપનું ધ્યાન તેના પર આવે. ક્યારેક બોલ ત્યાં મારતો તો ક્યારેક બધા માટે નાસ્તો લઈ આવતો. ઋતુ આ બધું નોટિસ કરતી પણ તેને ખબર હતી મેહુલ સ્વભાવે કેવો છે. તેની દીદી રુચિતા પાસેથી મેહુલની તારીફ સાંભળેલી હતી જે નકારાત્મક હતી. છતાં પણ નીકિતાના મનમાં મેહુલ વિશે ઘણુંબધું જાણવાની ઈચ્છા હતી એટલે જ રુચિતા પાસે વારંવાર મેહુલની વાતો જાણવાના ઋતુ પ્રયાસો કરતી.

એક દિવસ રાત્રે જમીને પૂરી સોસાયટી બહાર બેઠી હતી, એક મેહુલ સિવાય. મેહુલ જમીને પહેલો કમ્પાઉન્ડમાં આવવાવાળો છોકરો હતો. તે કોઈ દિવસ આમ ગેરહાજર ના રહેતો આજે પહેલીવાર આવી ઘટના બની હતી એટલે સૌને આશ્ચર્યજનક લાગ્યું.

“નિલા આન્ટી આજે તમારો હીરો કેમ નથી દેખાતો!?”રુચિતાએ પૂછ્યું. બાજુમાં નૂર વિનાની નિકિતના ચહેરા પર આકસ્મિક સ્માઈલ આવી ગયી અને મનમાં જ બોલી, “થેન્ક ગોડ હવે એ પાગલનો ચહેરો જોવા મળશે. ”

“ખબર નહિ રૂમમાં પુરાઈને બેસી ગયો છે, મેં બહાર આવવા કહ્યું તો મને જરા સુધ્ધાં જવાબ ન આપ્યો. ”નિલાબેન થોડીવાર પહેલા બનેલી ઘટના વર્ણવી.

“બહાર આવવાનું કારણ તમે ના પૂછ્યું. ”ઋતુથી બોલાઈ ગયું.

“બેટા, હું તેની મમ્મી છું પણ હજી સુધી મને ખબર નથી પડી કે તેના મનમાં શું શું ચાલતું હોય, મેં જમવા બોલાવ્યો ત્યારે કંઈક લખતો હતો. મને લાગ્યું કૉલેજ શરૂ થવાની છે, લખવાનું આવી ગયું હશે એટલે હું નીચે આવી ગયી. ”નિલાબેને ઋતુને સમજાવતા કહ્યું.

“પણ અત્યારે તો કઈ ના લખવાનું હોય, મેં પણ કૉલેજ કરેલી છે. ”રુચિતાએ કહ્યું.

“હું રવિને મોકલું છું, રવિ…. . મેહુલને બોલાવી આવને. ”નિલા આન્ટીએ મને સાદ સંબોધીને કહ્યું.

“આન્ટી હું કૉલ કરું છું, પણ સ્વિચ ઑફ આવે છે અને હું બોલાવવા પણ ગયો હતો તે આત્મકથા લખે છે એટલે નહિ આવે, શું ખવરાવી દીધું તમે? તો તેને આત્મકથા લખવાનું ભૂત ચડી ગયું. ”મેં કહ્યું. હવે આવું કંઈ જ બન્યું ન હતું હું ફ્લેશબેકમાં લઈ જાઉં છું જ્યારે મેં મેહુલને કૉલ કર્યો ત્યારે શું બન્યું તે જણાવું.

મેહુલને નીચે ન જોતા મેં મેહુલને કૉલ લગાવ્યો…. “હેલ્લો, ક્યાં ભાઈ આજે, રુચિતા આન્ટી તારી રાહ જોઇને બેઠા છે. ”મેં મજાકમાં કહ્યું.

“જા તું જઈને બેસી જા તેની પાસે હું આજે નહિ આવવાનો નીચે. ”મેહુલે ઊંચા અવાજે કહ્યું.

“કેમ ભાઈ શું થયું, કઈ પ્રોબ્લેમ થયો છે કે ભાભી જોડે વાત કરે છે. ”

“પ્રૉબ્લેમ મેહુલથી સો કૉસ દૂર રહે છે હો બકા, તારે બુદ્ધિ નહિ તો તું ના ચલાવ અને મારું એક કામ કરી આપ. ”ખરેખર મેહુલને કોઈ ના પહોંચી શકે.

“શું કામ છે?”મેં પૂછ્યું.

“હું નીચે નહિ દેખાઉં એટલે મારા મમ્મી તને બોલાવવા ઉપર મોકલશે અને ત્યારે તું કહેજે કે તેનો મોબાઈલ સ્વિચ ઑફ આવે છે અને તે એકાઉન્ટના દાખલા ગણે છે. ”મેહુલના શાતીર દિમાગનો પ્લાન મને સમજાઈ ગયો. તેણે સીધુ ઋતુ પર જ તીર ફેંક્યું હતું પણ ત્યારે મેં મારું મગજ ચલાવ્યું અને એકાઉન્ટની જગ્યાએ આત્મકથા લગાવી દીધી.

હવે મને જરા પણ ખબર ન હતી કે આત્મકથા સાંભળીને ઋતુના મનમાં વધુ ઉત્સુકતા જાગશે. તેણે નિલબેનને કહ્યું, “આન્ટી મેહુલ આત્મકથા લખે છે, મારે વાંચવી છે હું ઉપર જાઉં?”

આન્ટીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો એટલે ઋતુ ઉભી થઇ. મારો દાવ મારા પર જ થઈ ગયો. બાજુમાં મારો દોસ્ત આવ્યો અને મને કાનમાં કહ્યું, “લે મેહુલનો કૉલ છે. ”મેં મોબાઈલ કાને લગાવ્યો તો તે જોકરની જેમ શેતાની હાસ્ય છોડી રહ્યો હતો.

“મારી આત્મકથા તો જોરદાર લખાવાની છે બકા, સેટિંગ કરાવવામાં તારું નામ લખીશ હો. ”હું સમજી ગયો હતો મેહુલે બધો ફૂલ પ્રુફ પ્લાન બનાવ્યો હતો. મારા દોસ્તના ફોનને કૉલ કરી તે બધું સાંભળતો હતો.

“હા ભાઈ વાપરી લો તમે અમને. ”મેં વિલાયેલા અવાજે કહ્યું.

“બચ્ચાં, તારો સમય આવશે ત્યારે હું બદલો વાળી લઈશ, એકાઉન્ટનો સ્ટુડન્ટ છું, જ્યાં સુધી હિસાબ સરભર નહિ થતો ત્યાં સુધી ખાતું બંધ નહિ કરતો, ચાલ હવે ડિસ્ટર્બ ના કર, ઋતુ ઉપર આવે છે. ”મેહુલે ફરી જોકરવાળું હાસ્ય છોડ્યું અને કૉલ કટ કરી નાખ્યો.

મેહુલ બેડ પરથી ઉભો થયો અરીસા સામે ગયો અને ફરી આંખો પાસેથી વાળ સાઈડમાં કર્યા, ગોળ ગળા વાળું ગ્રે કલરનું ટી-શર્ટ ખભા પરથી ઊંચું કરી છાતી તરફ કર્યું, ટ્રેક પર નજર કરી, ડ્રેસિંગ કાચના ટેબલ પર બ્લેક એડિશનનો ફૉગ બૉડી સ્પ્રે પડ્યો હતો તેને બે વાર પંપ કર્યો અને બારણું અડધું ખોલી, બરણા તરફ પીઠ રાખી, જ્યાં તે હોમવર્ક કરતો તે બેન્ચ પર બેસી ગયો, મોબાઈલમાં ધીમા અવાજ પર એક વિલનનું ‘હમદર્દ’ સોંગ શરૂ કર્યું અને ટેબલ પર પોતાની પર્સનલ ડાયરી ખોલી લખવાનું નાટક કરવા લાગ્યો.

ઋતુ જેમ જેમ પગથિયાં ચડતી જતી હતી તેમ તેની ધડકન વધતી જતી હતી. તેણે પણ શૉર્ટસ્ પર પિંક ટી-શર્ટ પહેર્યું હતું. વાળ ખુલ્લા હતા અને હેર બેન્ડ જમણા હાથના કાંડામાં લગાવેલી હતી. હાથમાં કોઈ શણગાર નહિ, ગળામાં પણ કોઈ સૌંદર્યની વસ્તુ નહિ, માત્ર હાથમાં એક રિંગ હતી અને ઘૂંટણ પર ગ્રીન રેશમનો ધાગો. પગથિયાં ચડતી વેળાએ તેણે કાંડામાંથી હેર બેન્ડ કાઢી અને વાળ ભેગા કરી તેમાં પરોવી.

આમ તો મેહુલ અને ઋતુની આંખો બે-ત્રણ વાર જ મળી હતી પણ એક મુલાકાત માટે આટલું કાફી હતું. ઋતુ મેહુલના રૂમ પાસે આવી અને ડૉર નૉક કરવા જતી હતી ત્યાં તેને અડધું બારણું ખુલ્લું દેખાયું, તેને અંદર ડોકું કરીને જોયું તો મેહુલ કંઈક લખતો હતો. થોડીવાર તેણે મેહુલને નોટિસ કર્યો, પહેલીવાર આવો ચાન્સ મળ્યો હતો એટલે ઋતુ મન ભરીને મેહુલનું નિરીક્ષણ કરવા માંગતી હતી.

જેમ કોઈ લેખક પોતાના વિચારોમાં ખોવાયેલ હોય તેમ મેહુલ કપાળ સાથે પેન અથડાવતો હતો અને વિચારોમાં ખોવાયેલો હતો, બાજુમાં વાગતા સોંગની સાથે હોઠની ગતિવિધિ પણ નજરે જોઈ શકાતી હતી, એક શબ્દ લખે અને ફરી પેન અથડાવે, ક્યારે કપાળ પર આવેલા વાળને જમણા કાન તરફ લઈ જાય અને પોતાની સાથે જ વાતો કરતો હોય તેવું દ્રશ્ય ઋતુએ જોયું. વાળની હેર સ્ટાઇલથી લઈને ડાબા હાથમાં રહેલી સ્પોર્ટની વૉચ, જમણા હાથમાં ગ્રીન ધાગો, બંને પગને આંટી વાળીને સોંગના તાલે પગની મુવમેન્ટ આપવાની ટેવ બધું જ બારીકાઈથી નિરીક્ષણ કરીને ઋતુએ ડૉર નૉક કર્યો.

અવાજ આવતા મેહુલને ખબર ના હોય અને કોઈ આવ્યું હોય તેવું દેખાડવા ઝડપથી ડાયરી બંધ કરી અને બારણાં તરફ જોયું. બંનેની આંખો મળી, ઋતુ પણ મેહુલની આંખોમાં ઘણુંબધું જોઈ શકતી હતી અને મેહુલ તો આંખો વાંચવામાં એક્સપર્ટ હતો જ. પાંચ સેકેન્ડ બાદ મેહુલે આંખો ચુરાવીને ધ્યાન નીચે લઈ લીધું. મેહુલની આ હરકત પર ઋતુ મોહી ગયી.

“અંદર નહિ બોલાવ મેહુલ?”ઋતુએ ફરિયાદ કરતા મેહુલને કહ્યું.

“તારે પરવાનગી માંગવી જરૂરી છે?” મેહુલે સામે ડાયલોગ માર્યો.

“તે આમ અચાનક બૂક બંધ કરી મને લાગ્યું કંઈક પર્સનલ ડાયરી લખતો હશે. ”ઋતુએ મેહુલની આંખોમાં જોઈને કહ્યું.

“કોમિક્સ વાંચું છું, તું ના પૂછ તો સારું. ”મેહુલે ડાયરી છુપાવતા કહ્યું.

“તારી આંખો તો કંઈક બીજુ કહે છે. ”ઋતુએ મેહુલ સામે નેણ ઊંચા કરતા કહ્યું. મેહુલને બસ આ જ જોઈતું હતું, તે ઉભો થયો અને ઋતુની સાવ નજીક પહોંચી ગયો. ઋતુ મેહુલની આ હરકત જોઈને ગભરાઈ ગયી, છતાં મેહુલની આંખોથી તેણે નજર ના હટાવી. મેહુલે ઋતુની બંને બાજુ પર હાથ રાખ્યો અને કહ્યું, “ઋતુ હું આંખોમાં આંખ પરોવીને જુઠ્ઠું બોલી શકું છું. ”મેહુલે એક મોટી સ્માઈલ આપી અને પાછળ છુપાવેલી બુક ઋતુને બતાવી જે સાચે કૉમિક્સ જ હતી.

“મેહુલ હું તો ડરી જ ગયી હતી……શું તું પણ યાર…. ”ઋતુ જોર જોરથી શ્વાસ લઈ રહી હતી.

મેહુલ ઋતુથી દૂર ગયો અને બેન્ચ પર બેસીને બોલ્યો, “ હું તો મજાક કરતો હતો. ”મેહુલે ફરી નજર નીચે કરી લીધી.

“તો હું પણ મજાક જ કરતી હતી”ઋતુ જુઠ્ઠું હસી. રૂમમાં આવી મેહુલ પાસે બેન્ચ પર થોડા અંતરે બેસી ગયી. મેહુલ કંઈ ના બોલ્યો.

“મેં સાંભળ્યું છે તું આત્મકથા લખે છો અને એ પણ સાંભળ્યું છે તું બોવ બોલે પણ છો તો અત્યારે કેમ ચૂપ થઈ ગયો. ”નિખિતાએ કહ્યું.

“હું જ્યારે આંખોથી વાતો કરું ત્યારે મારે શબ્દોની જરૂર નહિ રહેતી. ”મેહુલે શાંત અને ધીમા અવાજે કહ્યું.

“અચ્છા, ચલ બોલ મારી આંખો શું કહે છે?”ઋતુએ મેહુલ તરફ ચહેરો કર્યો. મેહુલે ઋતુની આંખોમાં જોયું બે મિનિટ માટે નિરીક્ષણ કર્યું અને હસવા લાગ્યો.

“કેમ હસે છે તું?” ઋતુએ પૂછ્યું.

“તારી આંખોમાં મેહુલ દેખાય છે મને. ”મેહુલે હસતા હસતા કહ્યું.

“મેહુલ…. કોણ મેહુલ?”ઋતુએ અજાણી હોય તેમ પૂછ્યું.

“વરસાદ…. તને વરસાદ બોવ પસંદ છે ને હાહાહા. ”મેહુલ હસવા લાગ્યો.

“બીજો મેહુલ પણ હશે, હજી એકવાર નજર કરતો. ”ઋતુએ બીજીવાર આમંત્રણ આપ્યું.

મેહુલે બીજીવાર ઋતુની બાજુ પર હાથ રાખ્યો અને આંખોમાં નજર પરોવી, આ વખતે સાચું મેહુલને પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. મેહુલનું શાતીર મગજ પણ સુન્ન પડી ગયું હતું. મેહુલના હાથ ધ્રુજવા લાગ્યા, મેહુલ ઋતુના હાથની આંગળીઓ તરફ હાથ સરકાવતો જતો હતો. બંનેની આંગળીઓ ભેગી થયી, મેહુલે પહેલીવાર આવી સુંવાળી અને નરમ હથેળીઓનો સ્પર્શ કર્યો. સામે ઋતુ બધું ભૂલીને મેહુલની આંખોમાં ખોવાયેલી હતી.

ધીમે ધીમે બંને નજીક આવતા જતા હતા, છેલ્લે બંનેના શ્વાસની ગરમી પણ મહેસુસ થવા લાગી. ઋતુએ મેહુલ વિશે ઘણીબધી નકારાત્મક વાતો સાંભળેલી પણ મેહુલને જોઈને તે બધું ભુલતી જતી હતી. જો મેહુલ દૂર ના ગયો હોત અને બારણાં પર નેન્સી ના આવી હોત તો આજે પહેલી મુલાકાત જ બંનેની યાદગાર બની હોત. અચાનક મેહુલ ઋતુથી દૂર થઈ ગયો અને એ જ સમયે નેન્સીએ ડૉર નૉક કર્યો.

“ઋતુ ચાલને હવે. ”નેન્સીએ કહ્યું. નેન્સી મેહુલ કરતા એક વર્ષ મોટી હતી અને તે મેહુલની પાછળ પાગલ હતી. મેહુલની બધી જ હરકતો પર તેનું ધ્યાન રહેતું. અત્યારે પણ ઋતુની પાછળ નજર રાખવા જ તે અહીં આવી હતી.

“થોડીવારમાં આવું છું. ”નિકતાએ કહ્યું.

“હું વેઇટ કરું છું અહીં. ”નેન્સીએ અદબ વાળી.

“ચલ મેહુલ હું નીકળું છું આપણે કાલે સવારે વાત કરીશું. ”ઋતુએ કહ્યું.

“ના કાલે હું કૉલેજ જવાનો છું એટલે રાત્રે જ વાત કરીશું. ”મેહુલે કહ્યું.

“ઑકે બાય”ઋતુએ કહ્યું. “હું સવારે મૅસેજ કરું છું. ”ઋતુ જતા જતા એક કાતિલ સ્માઈલ મેહુલ તરફ ફેંકતી ગયી.

રાત્રે બંનેને ઊંઘ ના આવી. મેહુલના વિચારોમાં ઋતુ કરવટ બદલતી રહી અને પોતાની જ હથેળીઓ જોઈને મુસ્કુરાતી રહી. સામે મેહુલને પણ પોતાના હાથને જોઈને મુસ્કુરાતો હતો.

“હજી જાગે છો?”ઋતુએ રુચિતાના મોબાઇલમાંથી મેહુલનો નંબર લઈને રાત્રે એક વાગ્યે મૅસેજ કર્યો.

“હું પહેલા નંબર સેવ કરી લઉં?”આંખ મારતા ઇમોજી સાથે મેહુલે તરત જ રીપ્લાય આપ્યો.

“હા સ્યોર”ઋતુએ ટૂંકમાં રીપ્લાય આપ્યો.

“તને પણ ઊંઘ નો’હતી આવતી?”મેહુલે થોડીવાર પછી રીપ્લાય આપ્યો.

“તું કેમ હજી જાગે છો?”ઋતુએ પૂછ્યું.

“મારી આત્મકથા લખું છું…હાહાહા”મેહુલે મૅસેજ કર્યો. આ મૅસેજ વાંચી ઋતુને થોડો ગુસ્સો આવ્યો. તેણે સામે તેવો જ રીપ્લાય આપ્યો, “ઑકે, તું તારું કામ કર, મને નીંદ આવે છે હવે, બાય”

“ઑકે બાય, ગૂડ નાઈટ”મેહુલનો મૅસેજ આવ્યો. ઋતુને વધુ ગુસ્સો આવ્યો, તેણે ડેટા ઑફ કરી દીધા અને વિચારવા લાગી, “કેવો છોકરો છે એક છોકરીની ફીલિંગ્સ નથી સમજતો. ”

મેહુલે પણ ડેટા ઑફ કર્યા અને પર્સનલ ડાયરી બંધ કરી ડ્રોવરમાં મૂકી અને બેડ પર લંબાયો. “કાલે સવારે મૅસેજનો વરસાદ થયો હશે. ”મેહુલ મનમાં બોલ્યો અને આંખો બંધ કરી. અહીં નેન્સીને ઋતુ કાંટો લાગવા લાગી હતી. ઋતુને મેહુલથી દૂર કેમ કરવી તેના વિચારોમાં તેને પણ ઊંઘ ન આવી.

સવારે મેહુલ ઉઠીને બાલ્કની તરફ ગયો તો સામેની બાલ્કની ઋતુ કપડાં સુકવતી હતી. ઋતુને જોઈને મેહુલે હાથ ઊંચો કર્યો પણ ઋતુ મોં બગાડી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયી. મેહુલ ફરી હસ્યો અને પોતાના કામમાં લાગી ગયો. તૈયાર થઈને મેહુલે નાસ્તો કરતા કરતા ડેટા ઑન કર્યા, વોટ્સએપ ચૅક કર્યું તો એક એક કલાકના અંતરે નિકિતના મૅસેજ આવેલા હતા.

“હું પણ અત્યારે એકાઉન્ટ જ ગણી રહી છું હો મને કાલે એકાઉન્ટ શીખવવા ઘરે આવજે, મને એકાઉન્ટ નહિ ફાવતું”જેવા કેટલાય બહાના બતાવતા મૅસેજ મેહુલે જોયા. નાસ્તો પૂરો કરી મેહુલ કૉલેજ જવા નીકળ્યો, કમ્પાઉન્ડમાં પહોંચ્યો તો સામે નેન્સી ઉભી હતી,

“ગુડ મૉર્નિંગ મેહુલ”નેન્સીએ નટખટ અદામાં કહ્યું.

“વૅરી ગૂડ મોર્નિંગ, શું થયું, કેમ આજે મોડી ઉઠવાવાળી નેન્સી આઠ વાગ્યામાં તૈયાર થઈને નીચે આવી ગયી?”નેન્સીનું વર્તન જોઈને મેહુલે પૂછ્યું.

“કઈ નહિ ગયા વર્ષે પણ તારી કૉલેજના પહેલા દિવસે મેં બેસ્ટ ઑફ લક કહ્યું હતું તો મેં વિચાર્યું આજે પણ કહી આવું. ”નેન્સીએ માખણ લગાવતા કહ્યું.

“ઓહહ મારા માટે, થેન્ક યુ બકુ. ”મેહુલે પણ સામે તેવો જ જવાબ આપ્યો. બંને એકબીજા સામે હસ્યાં અને પોતાના રસ્તે નીકળી ગયા. બારીમાંથી ઋતુ આ બધું જોઈ રહી હતી. નેન્સી અને મેહુલના આ વર્તનને જોઈને તે સળગી ઉઠી. આજે મેહુલ જોડે વાત જ નથી કરવી તેમ વિચારી ઋતુ અંદર ગયી અને સોફા પર પગ ચડાવીને બેસી રહી.

“કેટલો ઍટ્ટીત્યુડ છે, તેને હવે ખબર પડશે આ નિક્કી પણ કોઈથી કમ નથી. ”આંગળીમાં રહેલી રિંગને ગોળ ફેરવતી ઋતુ મેહુલના વિચારોમાં ખોવાઈને ત્યાં બેસી રહી.

“ઋતુ, ઓય. . ક્યાં ખોવાઈ ગઈ. ”રુચિતાએ ઋતુના ખભા પર હાથ રાખી કહ્યું.

“હમમ. . કંઈ નહિ દી બસ એમ જ. ”નિકતા વિચારોમાંથી બહાર આવતા બોલી.

“ના, આમ જ તું આટલું બધું ના વિચાર…કોણ છે એ તારા દીદીને પણ નહી કહે?”રુચિતા ઋતુની બાજુમાં સોફા પર બેસી.

“દીદી શું તમે પણ સવાર સવારમાં આ વાત લઈને બેસી ગયા, કેમ આજે જીજુનો કૉલ નથી આવ્યો?”ઋતુએ વાત બદલવા કહ્યું.

“હમણાં જ વાત થઈ છે અને તે આવતા મહિને આવશે એમ કહ્યું છે, બોલ હવે કોણ છે એ…. મેહુલને?”રુચિતા તેના મનની વાત જાણી ગયી હતી.

મેહુલનું નામ સાંભળતા ફરી ઋતુના ચહેરા પર સ્માઈલ આવી ગયી. જેમ મેહુલે કાલે રાત્રે નીચું જોયું હતું તેવી રીતે ઋતુએ પણ પોતાનો ચહેરો નીચે ઝુકાવી લીધો.

“ઓહો, જુઓ તો ખરા અમારી ઓગણીસ વર્ષની નાની બહેનને પ્રેમ થાય છે. કાલે શું કહ્યું હતું મેહુલે?”રુચિતાએ પૂછ્યું.

ઋતુએ ગયી રાત્રે બનેલી બધી વાતો કહી અને દીદીના આંચલમાં પોતાનો ચહેરો છુપાવી દીધો.

“મારે પણ આમ જ થયું હતું, વિશાલે મને જરા પણ ભાવ નો’હતો આપ્યો, પછી મેં એવી હરકત કરીને કે હજી મારા પાછળ લટ્ટુ થઈને ફરે છે. ”રુચિતાએ મોટી સ્માઈલ સાથે કહ્યું.

“શું કર્યું હતું તમે દી?”ઋતુએ ચહેરો ઉપર કર્યો અને ઉત્સુકતાથી પૂછ્યું.

“પહેલા મને વિચાર આવ્યો કે હું તેને ઇગ્નોર કરીશ, ઓનલાઈન રહીશ પણ ચૅટ નહિ કરું, પણ મને ખબર છે છોકરોઓ આવી હરકતથી કોઈ દિવસ ક્લોઝ નહિ આવતા. ”એક શ્વાસ લેવા રુચિતા અટકી અને બોલી, “વિશાલ મારા માટે ઈમ્પોર્ટન્ટ છે તેવું મેં જાતાવ્યું અને બધી જ વાતોમાં તેની હાજરી બતાવી, મતલબ તેની પસંદના કપડાં, હેઇર સ્ટાઇલ, તે નોટીસ કરે તેવી હરકત બધું જ તેના માટે કર્યું. ”

“પછી શું થયું દી?”ઋતુના ચહેરા પર સ્મિત વધતું જતું હતું.

“ધીમે ધીમે તેઓ પણ મને નોટિસ કરવા લાગ્યા અને મારી પસંદગીને ન્યાય આપવા લાગ્યા. ”રુચિતાએ કહ્યું.

“હું પણ એવું કરીશ દી”ઋતુએ કહ્યું.

“ધ્યાન રાખજે આ મેહુલ છે, એમ હાથમાં નહિ આવે, તારે કંઈક અલગ જ કરવું પડશે જે કોઈએ ના કર્યું હોય. ”રુચિતાએ સમજાવતા કહ્યું.

“હું શું એવું કરું કે જેથી મેહુલ મને ઇગ્નોર ના કરે. ”ઋતુ કન્ફ્યુઝ થતી જતી હતી.

“તું જ વિચારી લે અને ચાલ અત્યારે ફ્રેશ થઈ જા આપણે માર્કેટમાં જવું છે. ”રુચિતા ઉભી થયી અને કામમાં લાગી ગયી.

“શું કરું હું?” ઋતુ ફરી વિચારોમાં ડૂબવા લાગી. “પહેલા તો એ નક્કી કરવુ પડશે કે તે કોઈના પ્રેમમાં તો નથી ને જો હોય તો બ્રેકઅપ કરાવવું પડશે. ”પાગલોની જેમ ઋતુ હરકત કરવા લાગી હતી.

સાંજે સૌ જમીને નિચે બેઠા હતા અમારી ટોળકી પણ ગેલમાં હતી, રોજની ગેમથી અમે કંટાળી ગયા હતા, સૌ પગથિયાં પર બેઠીને વિચારતા હતા, કૉલેજ શરૂ થઈ ગયી હતી પણ એક અઠવાડિયા પછી રેગ્યુલર થવાની હતી એટલે અમારી પાસે મસ્તી કરવા માટે એક જ અઠવાડિયું હતું. અમે એવું જરા પણ ઈચ્છતા ન હતા કે પાછળના બે મહિના જેવું આ અઠવાડિયું જાય. ટોળકીમાંથી એક દોસ્ત બોલ્યો, “ચાલો ડેરની ગેમ રમીએ. ”મેં પણ તેની વાતમાં સમર્થન આપ્યું.

“શું ડેર કરશુ?”મેહુલે પૂછ્યું.

“આપણી સોસાયટીમાં નવ છોકરીઓ છે અને બાર છોકરા છે જે જે છોકરી સાથે ચક્કર ચલાવશે તેને એવોર્ડ આપવામાં આવશે અને જે નહિ ચલાવી શકે તે એક દિવસની ટ્રીપ આલસે. ”મેં કહ્યું.

“તો તમે બધા ટ્રીપ આપવા તૈયાર રહો હું એકલો જ બધી જોડે ચક્કર ચલાવી દઈશ. હાહાહા. ”મેહુલે ફરી જોકર જેમ હાસ્ય છોડ્યું. “અહીં એક મિનિટનો બ્રેક છે, થોડીવારમાં હું ફરી હાજર થાઉં છું. તમે સાંભળતા રહો સુપરહિટ 93. 5 પર મોર્નિંગ નંબર વન. ”રવિએ માઇક ઑફ કર્યું અને ટેબલ પર રાખેલો કૉફીનો કપ હાથમાં લીધો. કૉફીનો એક ઘૂંટ પીધો ત્યાં કંઈક યાદ આવ્યું અને મોબાઈલ હાથમાં લઈ આર. જે. મોન્ટુ સેવ કરેલા નંબર પર કૉલ લગાવ્યો. નંબર બંધ આવતો હતો એટલે કૉલ કટ કરી નાખ્યો. “ક્યાં ચાલ્યો ગયો યાર તું?”રવિ ધીમેથી બોલ્યો.

“મોન્ટુ વિના મજા નથી આવતી યાર, મોન્ટુનો અવાજ સાંભળીને પૂરો દિવસ સારો જતો હવે સ્ટોરીમાં તો મજા આવે છે પણ સસ્પેન્સ જેવું કંઈ લાગતું જ નથી. ”જેતપુરની સીટી બસમાં બેસેલી કાવ્યાએ ઈયરફોન કાઢ્યા અને સહેલીઓ સાથે ગૉસિપ શરૂ કરી.

“શરૂઆતમાં આમ જ હોય પછી આગળ જતાં મજા આવશે. ”બીજી સહેલીએ કાવ્યાને સાંત્વના આપી. એક મિનિટ થઈ ગયી અને બધી સહેલીઓએ કાનમાં ઈયરફોન લગાવી દીધા.

“વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. ”રવિએ કહ્યું.

“જોઈએ એતો”મેં પણ વટથી કહ્યું.

“ચાલો આઠ દિવસ છે આપણી સૌ લાગી જાઓ કામમાં”મેં ફરીથી કહ્યું. લેડીઝ ગ્રૂપમાં બેસેલી ઋતુ મારી તરફ જોઈને હસી રહી હતી મેં એક અંગુઠો બતાવી દીધો અને મારું કામ પૂરું થયું.

રાત્રે જ્યારે અમે નીચે ઉભા હતા અને મેહુલ આજે પણ મોડો હતો ત્યારે ઋતુએ મારી પાસે આવીને મને આ આઈડિયા આપ્યો હતો. મને લાગ્યું હું ઋતુ જોડે ચક્કર ચલાવવામાં સફળ થઈશ પણ ઋતુએ મેહુલના માટે મને આ આઈડિયા આપ્યો હતો તેની મને ખબર પણ ન’હતી.

“ચાલો તો કાલથી મિશન ગર્લફ્રેંડ શરૂ કરીએ?”ગ્રૂપમાં રહેલા અનિલે કહ્યું.

“કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. અત્યારથી જ કામ પર લાગી જાઓ. ”મેહુલે કહ્યું.

બધા ઝડપથી ઉભા થયા અને લેડીઝ ગ્રુપ બેઠું હતું ત્યાં જઈ ટોળું વળીને બેસી ગયા. મેહુલ હતો જ શાતીર દિમાગનો તે એક જ પગથિયાં પર બેસી રહ્યો.

“કેમ બધા અહીંયા?, જાઓ હજુ વાર છે મસ્તી કરો ત્યાં. ”રુચિતાએ કહ્યું.

અમે સૌ વિચારમાં પડી ગયા કે શું જવાબ આપવો ત્યાં પાછળથી મેહુલે આવતા કહ્યું“હવે કંટાળો આવે છે, બે મહિનામાં બધી જ ગેમ્સ રમી લીધી, આજે કંઈક અલગ રમત રમવી છે. ”

“તો શું રમશો?”રુચિતાએ કહ્યું.

“અંતાક્ષરી, બોયઝ વર્સીસ લેડીઝ ગ્રુપ. મજા આવશે. ”મેહુલના દિમાગમાં પહેલેથી જ બધુ સેટ હતું.

બધી લેડીઝ અમારી સામે જોઈ રહી અને એક તરફ થઈ ગયી અમે પણ તેની સામે જઈ ગોઠવાઈ ગયા. ધીમે ધીમે કામ બની રહ્યું હતું. અંતાક્ષરી શરૂ થયી.

ધીમે ધીમે રંગ જામતો જતો હતો, લેડીઝ તો એક માધ્યમ હતી ગર્લ્સ જોડે વાત કરવાની અમે તો ગર્લ્સ સોંગ ગાય તેમાં જ રસ ધરાવતા હતા. અડધી કલાક અંતાક્ષરી ચાલી જેમાં કોઈ પણ ગર્લ્સ સોંગ ગાય તેનો જવાબ મેહુલ જ આપતો. અહીં પણ તે જ બાજી મારી ગયો. છેલ્લે બધા માટે સોફ્ટડ્રિંક્સ મંગાવ્યા અને બધા છુટા પડ્યા. છુટા પડતી વેળાએ પણ હું ઋતુને જ નોટિસ કરતો હતો જે મેહુલને છેલ્લા એક કલાકથી નોટિસ કરી રહી હતી.

રૂમમાં જઈને મેહુલ અને ઋતુ બંને એક સાથે ઓનલાઈન થયા. “હું તારા સિગિંગની ફેન થયી ગયી, બોવ જ મજા આવી નીચે. ”સ્માઈલવાળા ઇમોજી સાથે ઋતુએ મેસેજ કર્યો.

“મી ટુ, હું પણ તારા અવાજનો દીવાનો થઈ ગયો, અવાજનો શું તારો જ. ”આંખો મારતા ઇમોજી સાથે મેહુલે રીપ્લાય આપ્યો.

“તો કેમ તું નેન્સીને નોટિસ કરતો હતો, મને એ ના ગમ્યું. ”ગુસ્સાવાળા અને સેડ ઇમોજી સાથે ઋતુએ મેસેજ કર્યો.

“હું તને જાહેર કરવા નહિ માંગતો એટલે બકુ”મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.

“ઓહહ આજે સારા મૂડમાં લાગે છો નહીંતર લાગી આવે તેવા જ જવાબ હોય તારા. ”ઋતુએ ખુલીને વાત માંડી.

“મારો મૂડ સારો જ હોય છે, હું બસ મારા વિચારોમાં ખોવાયેલો હોવ છું. ”મેહુલે કહ્યું. મેહુલનો મૅસેજ સીન કરીને ઋતુને લાગ્યું હવે મેહુલ ખુલ્લીને વાત કરી રહ્યો છે એટલે તેણે વાત આગળ વધારી.

“મને તારા વિચારોમાં સમાવી લે ને?”ઋતુએ પાછળથી દિલવાળુ સ્ટીકર સેન્ડ કર્યું.

“બાલ્કનીમાં આવ તો”મેહુલે કહ્યું.

“ના, અત્યારે હું ના આવી શકું. ”ઋતુએ મજાક કરતા કહ્યું.

“ઑકે ચલ બાય, હું બાલ્કનીમાં જાઉં છું. ”મેહુલે મૅસેજ સેન્ડ કરી ડેટા ઑફ કર્યા અને ફરી એકવાર કાચમાં નજર કરી બાલ્કની તરફ ગયો.

બહાર કમ્પાઉન્ડ સાવ શાંત હતું, કોઈની પણ અવર જવર ન’હતી. મેહુલે બાલ્કનીમાં જઈને આળસ મરોડી અને ઋતુની બાલ્કની તરફ નજર કરી. પાંચ મિનિટ સુધી મેહુલે રાહ જોઈ પણ ઋતુ ન આવી. મેહુલ અંદર જવા પાછો ફર્યો ત્યાં તેના મોબાઈલમાં ટેક્સ્ટ મૅસેજ આવ્યો. “હું પગથિયાના કોર્નરમાં તારી રાહ જોવ છું – અનુ. ”

મેહુલે સ્લીપર પણ ના પહેર્યા અને પગથિયાં તરફ આગળ વધ્યો. ત્યાં જોયું તો કોઈ ન’હતું. મેહુલને ગુસ્સો આવ્યો એટલે તે પગથિયાં ચડવા લાગ્યા પણ પાછળથી અચાનક આવીને ઋતુ મેહુલને ભેટી ગયી.

“આઈ લાઈક યુ મેહુલ”ઋતુએ કહ્યું. મેહુલે નિકતાને થોડે દુર કરી અને ઘૂંટણ પર બેસ્યો, “તું મારા જોડે ફ્રેન્ડશીપ કરીશ?”

ઋતુની આંખો ત્યારે જોવા જેવી હતી, જેમ અચાનક કોઈએ સરપ્રાઈઝ આપ્યું હોય તેમ આંખો પહોળી થઇ ગયી હતી. મેહુલે લંબાવેલ હાથમાં તેણે હાથ પરોવ્યા અને મેહુલને ઉભો કરી ફરી ભેટી ગયી.

“મેં તો તને બાલ્કનીમાં…. ”મેહુલ બોલવા જતો હતો ત્યાં ઋતુએ તેને અટકાવ્યો અને કહ્યું, “કઇ ના બોલ મને બસ આ પળ માણવા દે. બંને એક બીજાના આલિંગનને માણતા રહ્યા. આ વાત કહેતી વખતે રવિના ચહેરા પણ મોટી સ્માઈલ હતી.

“તમને લાગતું હશે હું બધી વાતો ચોક્કસ રીતે કેમ કહી શકું છું, મારી પાસે મેહુલે લખેલી તેની પર્સનલ ડાયરી છે, જે મેં કેટલીય વાર વાંચી છે, મેહુલ પાસેથી તે ડાયરી ક્યાંક ગુમ થઈ ગઈ હતી અને તે સદનસીબે મને મળી હતી. હવે તેને આ ડાયરી પરત કરવાની મારી પાસે હિંમત નથી. ”રવિએ ખુલાસો કરતા કહ્યું.

“આ ડાયરીમાં મેહુલે પોતાની બધી લાગણી ઠાલવી દીધી છે, કદાચ મારાથી તેવી રીતે ના વર્ણવી શકાય પણ તમે સમજી જજો. ”રવિએ લાગણીથી કહ્યું.

“હવે આ આગળના થોડા પૅજ ગાયબ છે, કદાચ મેહુલે એક ખરાબ સપનું વિચારીને આ પૅજ મિટાવી દીધા હશે અથવા છુપાવી રાખ્યા હશે જો મને એ પૅજ મળશે તો હું તમને જણાવીશ કે આગળ શું થયું હતું પણ અત્યારે ડાયરેક્ટ ત્યાં જઈએ જ્યાંથી મેહુલે આગળ લખેલું છે. ”રવિએ ડાયરીનું પૅજ ફેરવ્યું.

એ દિવસ મેહુલ માટે કાળ બનીને આવ્યો હતો એક જ દિવસમાં તે જે સપનાના આશિયાના સજાવતો હતો તે મોટા તુફાનને કારણે નષ્ટ થઈ ગયા. તે દિવસે ઋતુની બોર્ડની પરીક્ષા પુરી થઇ ગયી હતી અને એક અઠવાડિયા પછી તે પોતાના ઘરે જવાની હતી. આ એક વર્ષમાં મેહુલ અને ઋતુની ફ્રેન્ડશીપ પ્રેમમાં પરિણમી ગયી હતી. બંને એકબીજાને ખૂબ જ સમજતા હતા, બંને એકબીજાની નાની નાની વાતોનું ધ્યાન પણ રાખતા હતા. હા તેના સંબંધને એક વર્ષ થયું હતું તો પણ સોસાયટીમાં કોઈને પણ આ વાતની ખબર ન’હતી, મને પણ નહિ.

તે રાત્રે બંને રાત્રે મોડે સુધી મેહુલના રૂમમાં બેઠીને વાતો કરી હતી. કોઈ કારણસર બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને ઋતુ વાત અધૂરી છોડીને ચાલી ગયી હતી. મેહુલને લાગ્યું કાલે તે ઋતુને સમજાવી દેશે પણ તેને ક્યાં ખબર હતી કાલની સવાર તેની લાઈફમાં અંધારું લઈને આવવાની હતી. નીકિતના ગયા પછી મેહુલે તરત જ પર્સનલ ડાયરી ખોલી અને લખવા બેસી ગયો.

“આજે મેં ઋતુને હર્ટ કરી, ભોળાનાથ ઉધાર બાજુ લખી નાખજો, હું કાલે સરભર કરી દઈશ, ઋતુ…. . ”મેહુલ આગળ લખવા જતો હતો ત્યાં તેના કાનમાં મોટી ચીખ સંભળાઈ અને થોડીવાર કંઈક નીચે અથડાવવાનો અવાજ સંભળાયો. મેહુલ તરત ઉભો થયો અને જિજ્ઞાશાવૃત્તિથી બાલ્કનીમાં જોવા ગયો.

બધા બાલ્કનીમાં દરવાજો ખોલીને જોવા આવ્યા અને થોડી જ વારમાં સોસાયટીમાં ભાગદોડ મચી ગયી. રુચિતના ફ્લેટ પરથી કોઈ છોકરીએ આપઘાત કર્યો હતો. સામે જમીને અડીને કોઈની લાશ પડી હતીઅને બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ આવ્યું હતું. “ઋતુતુતુ”…. મેહુલ ત્યાં જ સાધ કોઈ બેઠો. તેના મગજમાં ખાલી ચડી ગયી અને પૂરું શરીર કાંપવા લાગ્યું જાણે કોઈ ઇલેક્ટ્રિક શૉક જ ન લાગ્યો હોય. નિલાબેન અને ભરતભાઇ પણ બહાર આવ્યા અને મેહુલને અવગણીને સીધા પગથિયાં ઉતરવા લાગ્યા. મેહુલે પોતાને સાંભળ્યો અને દિવાલના સહારે તે પણ નીચે આવ્યો, સામે રુચિતા પગથિયાં ઉતરતી હતી જે જોઈને મેહુલ ત્યાં જ બેભાન થઈ જાય છે.

રવિ થોડીવાર અટક્યો, ગાલ પર આવેલું શ્વેતબિંદુ લૂછયું અને બોલ્યો, “દોસ્તો પછીની વાતો કાલે કહીશ. ”રવિએ માઇક ઓફ કર્યું અને ખુરશી પરથી ઉભો થઇ બહાર નીકળી ગયો.

“શું થયું હશે મેહુલ સાથે?, તે અત્યારે ક્યાં છે?, આ રવિએ જાણીજોઈને જ અધૂરી વાત છોડી છે તેને ખબર છે જો કઈ વાતનું રહસ્ય છેલ્લે નહિ છોડે તો કાલે સવારે કોઈ સાંભળવામાં રસ નહિ ધરાવે. ”સ્ટેશનની બહાર બેઠેલા દીપકભાઈ બોલ્યા.

અહીં રવિ બહાર નીકળી મોન્ટુને બીજીવાર કૉલ કર્યો પણ હજી મોન્ટુનો મોબાઈલ સ્વિચ ઑફ આવતો હતો. તેથી તે બાઈક પર બેસીને નીકળી ગયો.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neeta

Neeta 2 વર્ષ પહેલા

Khyati Soni ladu

Khyati Soni ladu 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા