“કલી” Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“કલી”

“કલી”

હું આજે જ્યાં છું એનું મને નહીં પરંતુ મારી આત્મહત્યા કરનાર એ નિષ્ફળ પ્રયાસ, એ દિવસ અને એ સમયને ઘણો ગર્વ થતો હશે. અલબત્ત એ રેલ્વે પાટા ને...!!

મારી સ્ટેપ મોમ મને હમેશાં રેલ્વે પાટા પર કેમ લાવતી હતી. એ વાતની ત્યારે ખબર ન હતી. પરંતુ આજે હું બધું જ જાણી ગઈ હતી. હું કોણ અને શું એ જાણવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. મારી કહાણીનો પ્રેરણાદાયી મોડ તો જણાવવો જ છે. અને હું એ જણાવીશ...પરંતુ હા થોડી શરૂઆતની કહાણી કહેવા માગું છું.

હું મારા ડેડની દત્તક લાડકી દીકરી. મને દત્તક લેનાર મોમ ડેડ ઓફ્કોર્સ ધનવાન લોકો હતાં. અને કમી શું હોય એમના જીવનમાં ? ફક્ત સંતાનની જ !

હું દત્તક તો લેવાઈ હતી, પરંતુ હું બાર વર્ષની થઈ ત્યાં તો મને દત્તક લેનાર મોમનું મુત્યુ થયું. તે ગંભીર બીમારીથી પીડાતી હતી એટલે એક દિવસ કંટાળીને ઊંઘની વધુ ગોળીઓ ફાકી મારી. મારી મોમ જ્યાં સુધી હતી ત્યાં સુધી મારું જીવન ઘણું સુખી અને આનંદમાં વિત્યું. હું ત્યાં સુધી ઊત્સાહી છોકરી હતી.

મને દત્તક લેનાર એ મોમનું નામ હતું શ્રીમતી અવની વોરા. પ્રેમાળ ઘણી જ હતી. હું બચપણથી જ મારી મોમને ‘અવની મમ્મા’ કહીને બોલાવતી, અને મારા પ્રેમાળ ડેડ ને ફક્ત “ડેડ..”

બાર વર્ષની એ પણ દત્તક પુત્રીને હવે રાખે કોણ? ડેડ ધનવાન હતાં, નોકરચાકર બધું જ હતું. પણ મારા પ્રત્યેનો અનહદ પ્રેમ અને સારી રીતે જિમ્મેદારી કેવી રીતે ઊઠાવવી એ માટે મારા ડેડ હવે ચિંતિત રહેવાં લાગ્યાં.

મારા ડેડને સગાવહાલાઓનાં સૂચનથી મારા મોમની પોતાની મોટી સગી બહેન હેમાલી સાથે લગ્ન ગોઠવાયા. એમના લગ્ન હજુ સુધી થયા ન હતાં.

“મારા ડેડે લગ્ન કરવા માટે એક જ શરત રાખી કે દત્તક અને મા વગરની છોકરી છે એનો મતલબ એમ નહીં કે એમની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય..મારી દીકરીને સુખી રાખવા પડશે.” એમણા એ કડક શબ્દો હતાં. પરંતુ સમય જતા એમના કડક શબ્દોને નરમ પાડી દીધા મારી સ્ટેપ મોમે...!!

બે વર્ષમાં મારી સ્ટેપ મોમને દીકરો અવતર્યો. તે દિવસથી જ તેમના મનમાં અસુરક્ષાની ભાવનાએ જન્મ લીધો. તેઓ જાણતા હતાં કે હું દત્તક પુત્રી અને ડેડની લાડકી દીકરી એટલે પ્રોપર્ટીનો ઘણો ખરો હિસ્સો આ દત્તક પુત્રીના નામે જ થશે કે હશે જ એ બાબત એમના મનમાં ઘર કરી ગયેલી.

અને ત્યાંથી જ મને જાન થી મારવા માટેના કાવતરા ગોઠવાયા. મારા પર ઘણા અત્યાચારો કરવામાં આવ્યા જેથી હું ઘર છોડીને ભાગી મરું. હું હવે પૂરી રીતે ડરપોક થઈ ગઈ હતી. મારી સ્ટેપ મોમ મને હમેશાં અમારા શહેરમાં રેલ્વે સ્ટેશનને પેલે પાર આવેલું માર્કેટ દેખાડવા લઈ જતી. શોર્ટકટ માટે ઘણા લોકો પાટાનો ઉપયોગ કરતાં પરંતુ ક્યારે પણ મારા સ્ટેપ મોમ મને પૂલ પરથી નહીં પરંતુ રેલ્વેનાં ટ્રેકને જ ઓળંગીને જવા કહેતી. એમાં એ ટ્રેક હમેશાં ઓળંગી જતી. પરંતુ મારો હાથ ત્યાં જ છોડી દેવામાં આવતો. પરંતુ હું દર વખતે બચી જતી. તે બધું જ વેઠીને હું સોળ વર્ષની થઈ ગઈ હતી.

એ દિવસે તો હદ્દ જ થઈ ગઈ. એ પણ મારા માટે કોઈ કાવતરું જ રચાયું હશે..!! ત્યારે મારા ડેડની તબિયત ઘણી બગડેલી હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેની બધી જ સારવાર હવે ઘરમાં જ કરવામાં આવતી હતી. પરંતુ તે દરમિયાન એ જ ઘરમાં મારી સ્ટેપ મોમનો પરિચિત વ્યક્તિએ મને છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મારી સહનશીલતા હવે નષ્ટ થઈ હતી. મને મારું કોઈ પોતાનું હવે લાગતું ન હતું. જીવવા માટે મને કોઈ મકસદ જ દેખાતો ન હતો. હું હારી હતી જીવનથી. મેં આત્મહત્યા કરવાનો પાક્કો નિર્ણય લઈ જ લીધો.

એના બીજા જ દિવસે હું સવારે લગભગ પાંચ થી છ વાગ્યાની આસપાસ મારા જ શહેરનાં એ રેલ્વેનાં પાટા પર આત્મહત્યા કરવા નીકળી પડી. જે મારી સ્ટેપ મોમ મને હંમેશાં લઈ જતી. હું રેલ્વેનાં પ્લેટફોર્મ છોડીને સહેજ એવાં ઝાડીને ત્યાં પહોંચી હતી કે જ્યાં લોકો મને જોઈને બચાવી ન શકે. આંખ પર હાથનું નેજવું કરીને કેટલી વાર પણ મેં ટ્રેન માટે જોયું હશે.

અને અણધાર્યો એ સમય આવી જ ગયો મને અચાનક ટ્રેનની અંધારામાં દૂરથી લાઈટ દેખાવાની શરૂ થઈ ગઈ. એ ઘણી જ ફાસ્ટ મારી તરફ દોડતી આવી રહી હતી. મારી ધડકનનાં ધબકારા ચૂકી રહ્યાં હતાં કે કેમ એણી પણ ખબર પડી રહી ન હતી. ટ્રેનનો એવો અવાજ આવ્યો કે મને એમ જ લાગ્યું કે હું બહેરી થઈ ગઈ. મને હમણાં મરવાનું જ છે એ જ વિચારમાં હું હતી.

જેવી નજદીક ટ્રેન આવતા દેખાઈ કે હું તરત જ રેલ્વેનાં પાટાની અંદર કૂદકો મારીને બેસી જ પડી. હું એવી રીતે તે પાટાનાં અંદર ઊંડે સુધી ઉતરી ગઈ કે હું જ્યાં પડી હતી ત્યાં બધું જ ભીનું ભીનું લાગી રહ્યું હતું. મેં આંખ બંધ જ કરી દીધી હતી. એક જ સેકંડમાં તો મને મારી આંખી જિંદગીની બનતી ઘટના યાદ આવી ગઈ. મારી સૌથી નજદીકની વ્યક્તિ મારા ડેડને ફક્ત ને ફક્ત યાદ કરતી રહી ગઈ.

હું હમણાં મરીશ...હમણાં મરીશ, હવે ટ્રેનનો લાસ્ટ ડબ્બો પૂરો થતો જ હશે ત્યારે જ મારી અંતિમ ઘડી પૂરી થઈ જશે એવું જ વિચારતી હું રહી ગઈ. પરંતુ ટ્રેન તો મારા ઉપરથી ગુજરીને ફાસ્ટ નીકળી ગઈ. પણ મારા આશ્ચર્યનાં વચ્ચે જ હું જીવતી હતી. હા હું જીવતી હતી...!!

હું તરત જ ઊભી થઈ ગઈ એ ફાસ્ટ જતી ટ્રેનને હું ક્યાય લગી જોતી રહી અને પછી ડોકું ફેરવીને જોયું કે સામેથી બીજી તો કોઈ ટ્રેન નથી આવી રહી ને...!! હું જ્યાં ઊભી હતી ત્યાં જ નીચે મારું ધ્યાન ગયું અને મને મારું બચવાનું કારણ તરત જ જણાઈ આવ્યું કે, હું ઊંડા ખાડામાં આવીને પડી હતી. અને તે જ કારણે હું બચી...!!

હું ત્યાં જ ઊભી હજું તો અનુમાન જ લગાડી રહી હતી કે હું આ ખાડાના લીધે આજે બચી ગઈ. તેથી જ હું ત્યાંથી નીકળી બીજે પાટાની વચ્ચોવચ ઊભી રહી જ્યાં ખાડા હતા જ નહીં. હું મરવા માટે બીજા ટ્રેનની રાહ આતુરતાપૂર્વક જોવા લાગી. પરંતુ ત્યાં જ કોઈ અપરિચિત દૂરથી કોઈ અણજાણ સ્ત્રીનો સ્વર મારા કાન પર અથડાયો.

એ કાળી લાગતી સ્ત્રી, પીઠ પર લાદેલો કોથળાનો ભાર લઈને લગભગ મારા તરફ જ દોડતી આવીને કહી રહી હતી, “ એ પાગલ લડકી હટ જા વહા સે...હટ જા વહા સે....અરે હટ.”

હું મરવા માટે મક્કમ મને સ્થિર થઈને ઊભી હતી.

એ સ્ત્રીએ દૂરથી જ એક ચપ્પલ પોતાનું કાઢ્યું અને મને બરોબરનું માર્યું. એ ચપ્પલ મને જોરથી મારા જમણે બાવડે લાગ્યું. હું એ જેન્ટ્સની જેવી લાગતી કાળા રંગના વરસાદમાં અનુકુળ આવે એવા પ્લાસ્ટિકનાં જાડા ચપ્પલને હાથમાં ઉઠાવ્યું. અને તેની તરફ જ ફેંક્યું પણ હું ખસી નહીં.

એણે બીજું ચપ્પલ પણ કાઢીને મારા તરફ ફેંક્યું. મને એ પણ ઘણું જોરથી વાગ્યું. એ હવે ઘણી નજદીક આવી ગઈ. એણે જોરથી ચિલ્લાવતાં કહ્યું, “અરે હટ જા પાગલ છોરી..અરે હટ્ટ...” એણે શબ્દો પર વજન આપ્યા.

એ હવે મારા લગોલગ આવીને ઊભી થઈ ગઈ. એણે પોતાનાં ડાબા ખભા પર થેલો ઉઠાવેલો હતો. અને જમણા હાથે તે મને ખેંચી રહી હતી. હું જિદ્દ માં હોવું એવું રીતે જાણે એણે જ મારું કંઈ બગાડ્યું હોય તેમ હું પણ હટ પકડીને ત્યાં જ ઊભી હતી. તેણે પોતાનો પકડેલો થેલો એક જગ્યા પર નાંખી દીધો. અને હવે મને બંને હાથે ખેંચીને પાટાની બહાર કાઢી.

મેં પણ ગુસ્સાથી કહ્યું, “ અરે ક્યાં કરના હે આપકો...શય્ય...કમબખ્ત મરને ભી નહિ દેતે અચ્છે સે..” મારાથી ગુસ્સો કઢાઈ ગયો. પછી હું ઘણી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

એ બાઈએ પાટા થી થોડી દૂર ઝાડીને ત્યાં આવેલા એક પત્થર પર મને બેસવા માટે કહ્યું. હું ત્યાં બેસી. અને એ પોતાનું કામ કરવા લાગી ગઈ. બધી પ્લાસ્ટિકની બોટલ એકઠી કરીને લાવી અને મારે ત્યાં જ રાખેલા કોથળામાં નાંખતી ગઈ. અને બીજું પણ એ બડબડ કરતી જતી હતી. પરંતુ મને એ સમજાયું નહિ.

એણે પોતાનો કોથળો થોડો ઉપર સુધી ભરી દીધો. પછી મને એણે ધ્યાનથી જોયું. જાણે મને જોતી જ રહી ગઈ. અનાયસે જ એણે મારા માથા પર હાથ ફેરવ્યો. હું ચુપચાપ બેઠી હતી.

તેણે મને પ્રેમથી પૂછ્યું, “ ક્યાં હુવા બાળા..??”

હું ચૂપ જ રહી. તે મારી સામે જ મારો ચહેરો દેખાય એવી રીતે પાટાની તરફ પીઠ ફેરવીને બેઠી. તે પણ ચૂપચાપ મને ધ્યાનપૂર્વક શાંતિથી જોતી રહી. શાંતિ એટલી બધી છવાયેલી હતી કે પાછળની ઝાડીઓમાંથી અલગ અલગ પક્ષીઓનો અવાજ તેજ થઈને સંભળાતો જતો હતો.

એ કેટલાય સમય સુધી મને ઝીણી આંખો કરીને નિહાળતી રહી.

એણે થોડી વાર પછી પહેલો પ્રશ્ન કર્યો, “તેરે ઘરવાલે અચ્છે સે રખ રહે હે કી નહિ ?”

હું ચૂપ રહી.

“મેહન્દ્ર સા’બ કી અબ તબિયત ઠીક હે...?” એણે મને બીજો પ્રશ્ન પૂછ્યો. અને હું ચોંકી.

હું તે જ સમયે તેને ધ્યાનથી નિહાળવા લાગી. કાળો વર્ણ, નાકમાં બંને બાજુ ચાંદીની જેમ ગોળ મોટા આકારની નથણી, એના દાંત એકદમ સફેદ પરંતુ સહેજ બહાર હતાં. ચેહરો ‘વી’ આકારનો. રાખોડી રંગની આંખ ખૂબ જ પાણીદાર દેખાતી હતી. સાડી એકદમ મેલીઘેલી જે ઘણી ઊપરથી પહેરેલી હતી. મારા નજદીક બેસતાં જ અજીબ પ્રકારની ન લેવાય એવી વાસ એના કપડાથી આવી રહી હતી.

“મહેન્દ્ર!! હા, મહેન્દ્ર મેરે ડેડ...કૈસે જાનતો હો..?” હું મારા આત્મહત્યાનાં નિર્ણયને તરત જ પડતો મૂકીને આશ્ચર્યથી મોટા અવાજમાં પૂછ્યું.

“મેરે સા’બ હે જી..” એ બાઈએ હાથ જોડીને જાણે ઉપકારની ભાવનાથી ગદ્દ્ગદ્દ્ હોય તેવી રીતે કહ્યું.

“સાબ..!!” હું ગુંચવાઈને પૂછ્યું.

ઊંડો વિચાર કરતી હોય તેમ ઘણી મિનિટો સુધી એણે મૌન ધારણ કર્યું.

એણે પોતાના ચપ્પલ બંને ધ્રુજતા હાથે મારા તરફ ધર્યા અને આકાશ ભણી જોતા કહ્યું, “માફ કરના જી મુજે...સા’બ જી મુજે માફ કરે..” એણે જાણે એવી રીતે લાસ્ટના શબ્દો ઉચાર્યા જાણે ભગવાન પાસે જ માંફી માંગતી હોય.

હું અસમજમાં પડી ગઈ. આ કચરાવાળી બાઈ મારી સામે આમ ચપ્પલ કેમ ધરી રહી..!!

હું વિચારમાં પડી ગઈ કે આ હમણાં જે સામે મારી સાથે વાત કરી રહી છે એ બાઈ મારા ડેડ ને કેવી રીતે જાણે ? અને કયા સંબધથી આ બધી જ વાતો મારી સામે કહી રહી હતી..ઓહ્હ વિચારીને મારું મગજ ત્યાં જ ચકરાવા લાગ્યું.

એ મારો આખો ચેહરો વાંચતી હોય તેવી રીતે મારા ભણી જોયું. પછી બંને ચપ્પલ બાજુએ રાખી વાતની શરૂઆત કરી. મેં મારા વિચારો પડતા રાખ્યાં.

“મેહેન્દ્ર...હા મેહેન્દ્ર મેરે સાબ’જી...બહુત નેકી ઈન્સાન...બહોત...સાફ દિલ..”એ ડોકું ધુણાવતી બંને હાથ છુટ્ટા દેખાડતી જાણે ઘણી જ ઋણી હોય તેવી રીતે પોતાની ભાષામાં અટકી અટકીને કહી રહી હતી.

હું ફક્ત ધ્યાનથી વાત સાંભળવાનું ચાલું રાખ્યું. રેલ્વેનાં પાટાને ત્યાં વાતાવરણ એકદમ ઠંડુ હતું. આસપાસ ઝાડ ઝાડીઓમાંથી પક્ષી સિવાયનો અમે જ્યાં બેઠા હતાં ત્યાં કોઈનો પણ અવાજ આવતો ન હતો.

“સાબ’જી બડે અમીર આદમી...શેઠાની સે બહુત પ્રેમ...પર કોઈ બચ્ચા નહિ...” એણે દુઃખી થતાં અટકી અટકીને કહ્યું.

“સાબ’જી કા બહોત કંપની...હા બહોત...દાન ભી બહોત કરે...ખુદકા હા ખુદકા અનાથાસરમ ખોલ કે...પહલે સે..પહલે સે રખ્ખા થા..દિલદાર ઈન્સાન...” એ અટકી અટકી ને બધું જ પોતાની ભાષામાં કહી રહી હતી.

“હમલોગ ગરીબ...મેરી અમ્મા સાબ’જી કે અનાથાસરમ મેં કામ કરતી...યહી ઝાડું..પોછા...સંડાસ સાફ કરના..કચરા સાફ કરના...” એણે હાથનાં ઈશારાથી બધું જ વિગતમાં કહ્યું.

મને એની વાતોમાં રસ જામ્યો હતો પરંતુ મને વાતનો મર્મ સમજાતો ન હતો.

“મેં વહા આતી, મેરી અમ્મા કો મિલને...થોડા બહોત કામ ભી કર લેતી...વહા વો...વો..વો...” એટલું કહેતાની સાથે જ તે બાઈની જીભ થોથવાઈ. આગળ બોલવા માટે જીભ ઊપડતી ન હતી, તેના આખા શરીરમાં કંપારી છુટી હોય તેવું લાગવા માંડ્યું.

“છોટી સી ઉંમર...પઢાઈ લિખાઈ નહીં...વહા વો વાચમેન મુજે દેખતા..મેં લાજ સે હસતી થી રોજ...વો ભી રોજ દેખતાં મુજે.....ઔર ખી..ખી..ખી..કરતી થી મેં...” પોતાનો ભૂતકાળ ઉખેળતા જાણે પોતાની જાત સાથે જ ઘૃણા કરતી હોય તેમ તે કહેવાં લાગી.

મને થોડું થોડું હવે સમજમાં આવી રહ્યું હતું કે આ બાઈ મને જરૂર દર્દનાક એવું કંઈક સંભળાવાની હતી જે હું સહન ન કરી શકું. પરંતુ મને એક વાતનો પણ સંતોષ હતો કે હું આત્મહત્યા તો કરવાની જ હતી પછી ભલે ને એ બીજું કેટલું પણ દુઃખી કરનારું દુઃખ હોય..!!

“પહલે વો વાચમેન ને કહા કી સાદી મનાયેગા તેરે સાથ..બચ્ચે કરેગા...ઐસા કામ ભી તુજે બહાર કા કરના નહિ પડેગા..” એટલું કહેતાની સાથે જ એણી આંખોનાં ખૂણા હવે ભીના થવા માંડ્યા.

“એક દિન...” એટલું કહી તે અટકી. અને ફરી કહેવાં માંડ્યું, “ વાચમેન શાણા થા...મેં પગલી..કુછ ના સમજુ તબ...સાદી નહીં મનાયા...ભરોસા કિયા..ઔર સાદી કે પહલે હી હમદોનો કિતની બાર અકેલે મિલે...ઔર સોયે...” એનું નાક ફૂલી ગયું હતું, તે પોતાનાં આંસુઓને રોકી રહી હતી.

“મેરી અમ્મા કો કુછ નહીં પતા...બાપ તો મેરા પહલે સે હી નહીં થા...મેં ડરતી થી...કીસી કો કુછ નહીં પતા...” એણે ગુસ્સે થતાં કહ્યું.

“વાચમેન ચાલક, મેં ભોલી તભી..સભી બાતો મેં આ ગઈ..બોલતા થા..થોડે મહિને રુક જાઓ..ગાવ મેં ઈન્તેઝામ કરને ભી જાના હે...મીઠી જબાન સે બોલતા મુજે.” આંખને ત્યાં તરતી જીવંત ઘટના હમણાં જ બની રહી હોય તેવી રીતે તે કહી રહી હતી.

“ઉસ્સ દિન મેં અમ્મા કે યહાં આયી પર વો કામ પર નહીં દિખા..ઉસકે બદલે કોઈ બુઢા ચચ્ચા કામ પર થા...મેં દોડ કે ગઈ ઔર પૂછા..ચચ્ચા વો રામા વાચમેન કહા ગયા..??” હતાશાભર્યો એ બાઈનો ચેહરો હું જોતી રહી.

“ચચ્ચા ને જવાબ દિયા મુજે...અરે વો તો મેરા ગાવ કા છોરા...મેં ગાવ ગયા થા તો ઉસકો યહાં થોડે મહીને બુલાયા થા...રામા ભી અચ્છે મોકે પર ગયા હે, ઊસકી ઘરવાલી કો બેટા હુવા હે..બેટા..” એટલું કહેતાની સાથે જ એ બાઈએ પોતાનાં બંને હાથ અચાનક પોતાનાં ડોક પર પરોવ્યાં.

હું બધું જ ચુપચાપ સાંભળી રહી હતી. મારી ધડકન હવે તેજ થવા લાગી કે આ બાઈ જરૂર કોઈ બાબતનો ખુલાસો કરવા માંગે છે જે મારાથી અસહ્ય હશે.

“દો મહિને કે બાદ પતા ચલ ગયા મુજે..મેં પેટ સે થી. દો મહિના, તીન મહિના ગયા...મેરી અમ્મા સે બાત છુપાઈ...પર બાત કબ તક છુપી રહેતી..મેરી અમ્માને મુજે બહોત મારા...વો સાબ’જી કે બંગલે કે યહાં મુજે લે કર ગઈ..મેરી અમ્મા કો સાબ’જી કી ભાસા અચ્છે સે આતી થી...ઔર મુજે થોડી થોડી સમજ મેં..” એ બાઈ ભીના હ્રદયથી વાતને કહી રહી હતી.

“શેઠજી...શેઠાણીજી દોનો કો મેરી અમ્માને નમસ્તે કિયા...મેને ભી કિયા...અમ્માને તબ પૂરી બાત બતાઈ...સાબ’જી ને તબ પુલિસ બુલાને કી બાત કહી પર મેને હાથ જોડ કર મના કિયા. મેરે પેટ મેં પલ રહા બચ્ચે કો બાપ કે બીના કેસે પાલુંગી...તભી ભોલી થી સોચ ભી ઐસે હી આતી થી...મેરી અમ્મા ગરીબ..વો મુજે જૈસે વૈસે ખિલાતી...” એ બાઈ મારા તરફ ભાવભીની નજરોથી જોતી અને વાત કરતી.

સાબ’જીને અપની ભાસા મેં અમ્મા કો બોલા...

“શાંતા બેન તમારી દીકરીને આપણા અનાથાશ્રમ માં પ્રસુતિ બાદ જયારે સારું લાગે ત્યારે કામ પર લગાડી દેજો. બીજા બાળકો સાથે પોતાનું બાળક પણ એવી રીતે મોટું થઈ જશે..” એણે જેવું આવડ્યું તેવી રીતે એ બાઈ યાદ કરીને કહી રહી હતી.

“મેને બોલા..સાબ’જી ના ના..મેં મેરે બચ્ચે કો આપકે અનાથાસરમ મેં છોડ કે ચલી જાઉંગી...મેરી જૈસી જિંદગી અબ મેરે બચ્ચે કો નહિ દેના ચાહતી...નહીં દેના ચાહતી, વો બડા હો કર મુજ સે જવાબ માંગે તો મેં ક્યાં કહુંગી..!! ” એ બાઈ લાચારીથી મને બધું જ સંભળાવી રહી હતી.

“તભી શેઠાનીજી ને સાબ’જી સે કહા... “આપણે જ દત્તક લઈ લઈએ તો નવજાત શિશુ ને..?? આમ ક્યાં સુધી પોતાનું સંતાન થશે...થશે..એણી જ રાહ જોતા રહીશું..”

“શેઠાનીજી કી પૂરી બાત સુન લી ગઈ, ઔર દોનો મેં કુછ દેર તક બાતે હુવી. ઉસકે બાદ શેઠને અમ્મા સે કહા કી...“ તમારી દીકરીનું નવજાત સંતાનને અમે બંને દત્તક લઈશું..” એ બાઈ બરાબર યાદ કરીને બધું જ સ્પષ્ટપણે કહી રહી હતી.

આ બધું જ હવે સાંભળીને મારો જીવ બેચેન થવા લાગ્યો. તે હેઠળ સવાર સંપૂર્ણપણે ખીલી ગઈ હતી. સામેથી સૂર્યના કુમળા કિરણો મારા ચહેરા પર આવીને પડતા હતાં. પક્ષીઓનો કલરવ હવે વધુ થવા લાગ્યો હતો. લોકોની અવરજવર હવે ચાલું થઈ ગઈ હતી. ક્યાંક ઠેકાણે કુતરાઓ પણ ભસી રહ્યાં હતાં. તે દરમિયાન ત્રણ-ચાર ટ્રેનો ત્યાંથી અવાજ કરતી પસાર થઈ ગઈ હતી. હું આત્મહત્યા કરવા ગયેલી ત્યારે આટલો તેજ ધડકનનો સ્વર સંભળાતો ન હતો, પરંતુ હમણાં મને આ બાઈનું સાંભળીને વધારે જ પડતો ડર લાગી રહ્યો હતો કે આ શું કહેવાં માંગે છે...!!

સાબ’જી ને યે ભી કહા કી…

“શાંતા બેન, તમારી દીકરી અમારા બંગલે રહેશે તો પણ ચાલશે. એ જે પણ સંતાન હશે એ અનાથ કેવી રીતે કહેવાશે..? એમની મા જીવતી છે તો એનું જ દૂધ પણ પીવડાવું પડશે..”

“મેં ઔર અમ્મા પૂરી તરહ સે સાબ’જી કે નેકી દિલ કો આંસુઓ કે સાથ, હાથ જોડ કર ધન્યવાદ કિયા. નૌ મહિને કે બાદ મેને એક બચ્ચી કો જન્મ દિયા...મેને બચ્ચી કો બહોત પ્યાર દિયા..ચુમા મેરી બચ્ચી કો...પર સાબ’જી કે અનાથાસરમ મેં મેરી અમ્મા કે પાસ વો બચ્ચી કો મેને છોડા...ઔર એક સરત ભી રખ દી થી કી મેરી બચ્ચી કા નામ “કલી” હી રખ્ખે...ઔર પઢી લિખ્ખી બડી મેમસાબ બનાયે..”

એ બાઈનાં આંખમાં એટલું કહેતાની સાથે જ આંખમાં ઝળહળિયા એવાં નીકળ્યા કે એણી નાની આંખ, એ આંસુના પાણીથી છુપાઈ ગઈ હતી.

“કલી” નામ બોલતાની સાથે જ હું જ્યાં બેસી હતી ત્યાનું આખુ વાતાવરણ, લોકો, ટ્રેનનાં પાટા મારી આજુબાજુ જાણે કોઈ તેજ ગતિમાં ગોળ ફરતાં હોય તેમ લાગવા માંડ્યું. થોડી મિનિટો સુધી મારા દિલોદિમાગ સાથે આવું ચાલતું રહ્યું. પરંતુ હું તરત જ સ્વસ્થ થતાં કહ્યું. “ કલી...કલી...!!!!”

“હા કલી...વાચમેન રામા ઔર મેરી બેટી હો તુમ...મેરી...” એણે મોટી આંખો કરીને મારી સામે દોષિત નજરે જોતી હોય તેવી રીતે કહ્યું.

એટલું સાંભળતાની સાથે જ એ બાઈ એટલે કે મને જન્મ આપનારી..મને તરછોડીને ભાગી જનારી બાઈને હું ગુસ્સામાં જ ઊભી થઈને જોરથી ધક્કો માર્યો, અને તે જમીન પર લાંબી થઈ ગઈ. તે જ સમયે, ત્યાં જ રેલ્વેનાં પાટા પર મારા આત્મહત્યાનાં નિર્ણય પ્રમાણે મેં દોડ લગાવી. સંજોગે, સામેથી ઘણી ફાસ્ટ ટ્રેન પણ આવી રહી હતી. હું પાટાને ત્યાં આવીને ઊભી જ રહી હતી ત્યાં તો એ બાઈ દોડતી મારા તરફ ધસી આવી, અને મને ફરી પોતાનું બધું જ જોર લગાવીને પાટાથી ઘણી દૂર લાવીને ધક્કો માર્યો અને હું જમીન પર ફસડાઈ. એ સમય દરમિયાન લોકો પણ આજુબાજુ જમા થઈ ગયા હતાં. અને ટ્રેન પણ ત્યાંથી ઘણી ઝડપથી અવાજ કરતી નીકળી ગઈ.

એના પછી જે શબ્દો એમણે કહ્યા એણાથી મારા જીવનનો ધ્યેય બદલાઈ ગયો.

એ વાંકી વળીને મારા તરફ ઝૂકીને જોર જોરથી ચિલ્લાતાં કહ્યું, “ મરના હે તુજે...હા મરના હે તુજે...મેને તુજે છોડ કર ભી જીયા હી હે ના...અપની છોટી સી બચ્ચી કો છોડ કર ભી જીયા ના...મેંને તો કભી મરને કા નામ નહીં લિયા...ફિર તું...તું કયું મરના ચાહતી હે...”

હું એટલું સાંભળીને થોડી બેઠી થઈ. હમણાં જ ફાસ્ટ ટ્રેન જવાથી આજુબાજુ ધૂળનાં ગોટેગોટા ઊડી રહ્યાં હતાં.

એ જન્મ આપનારી, ભાગી જનાર સ્ત્રીએ પોતાનાં બંને હાથની મુઠ્ઠી વાળીને હાથ કમ્મર પર રાખતા, ડોકું ઉપર કરતા કહ્યું, “ અરે મરના હે તો કુછ કર કે મર...વો તેરા બાપ રામા જૈસે ધોકેબાજ લોગો સે કૈસે બચે ઉસકે લિયે કુછ સોચ...વો તેરી મા જો તુજે મારને કે લિયે ક્યાં ક્યાં કરતી થી ઉસકે લિયે કુછ સોચ...ખુદ કે દેશ કે લિયે અચ્છા કામ કર કે મર...મેરી જૈસી માએ જો અપની બચ્ચી કો છોડ કે ચલી જાતી હે..ઉસકે લિયે કુછ સોચ...”

હું હજુ પણ ધૂળમાં બેસેલી હતી. લોકોમાં જાણે કોઈ ગણગણાટ ચાલું થઈ ગયો હોય તેમ એ કચરાવાળી બાઈ અને મારો સંબંધ શું હોઈ શકે એનું અનુમાન લગાડવા લાગ્યા.

એ બાઈએ ફરી બબળાટ કર્યો, “ચલી મરને..”

મારા દિમાગમાં તે જ સમયે શું ચાલ્યું હશે...!! એ બાબતની તો કંઈ ખબર નહિ. પરંતુ હું એક ઝાટકામાં ઊભી થઈ અને ત્યાંથી જોરની દોડ લગાવીને મારા ડેડનાં બંગલે પહોંચી. ડેડ પલંગ પર પડ્યા હતાં. હું મારા ડેડને ઢંઢોળતી જોશ અને પૂરી હોશમાં કહી રહી હતી, “ ડેડ મને પોલીસ ઈન્સ્પેકટર બનવું છે..”

ડેડે મારા ખભા પર પ્યારભર્યો હાથ ફેરવ્યો અને મને જાણે આશીર્વાદ આપતા કહી રહ્યાં હોય કે, “સફળ થા દીકરી” તેવી સ્થિર નજરે તેઓ મારી આંખોમાં તાકી રહ્યાં.

મારાથી જેટલું સહન થયું એટલું મેં મારી સ્ટેપ મોમનો અત્યાચાર થોડા દિવસ સહી લીધા...પછી તો મેં મારું ભણવાનું ચાલું રાખ્યું...પોલીસ ઈન્સ્પેકટર બનવા માટેના મેં બધા જ તબક્કા સફળ રીતે પાર કર્યા. આજે હું ઈન્સ્પેકટર “કલી વોરા” નામથી ઓળખાઉં છું. જ્યાં મારી જરૂરત પડે ત્યાં હું ઊભી રહું છું.

એક દિવસ મારા ડેડનાં અનાથાશ્રમને ત્યાં મુલાકાત લેવા ગઈ. ત્યાં એ ડોસી થયેલી અમ્મા મળી. મને જન્મ આપનારી મારી માતાની મા હતી. એમણે મને જણાવ્યું કે તારી અમ્મા તારી ઝીણામાં ઝીણી વિગતો મારી પાસેથી લેતી..હું મારી મા ની જેમ જ દેખાવું છું. અને બીજું, એ અમ્મા દ્વારા જ મને જાણ થઈ કે, મારું “કલી” નામ અને મને જન્મ આપનારી મા નું નામ પણ “કલી” જ હતું...!!

ઈન્સ્પેકટર કલી વોરાનું પ્રેરણાદાયી ભાષણ સાંભળતા સ્કૂલનાં બાળકો થતાં ત્યાં ઉપસ્થિત સૌએ તાળીઓથી ઉત્સાહભર્યો ગળગળાટ કરી મૂક્યો.

(સમાપ્ત.)